બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
વૈશ્વિક બજારોમાં ફ્લેટ-ટુ-પોઝીટીવ ટ્રેડ
સપ્તાહ પૂરું થવા તરફી આગળ વધી રહ્યું છે ત્યારે બજારોમાં સુસ્તી યથાવત છે. જોકે સપ્તાહની શરૂઆતમાં જોવા મળતી નરમાઈમાંથી તે બહાર આવ્યું હોય તેમ જણાય છે. બુધવારે યુએસ ખાતે ડાઉ જોન્સ 71 પોઈન્ટ્સના ઘટાડે બંધ આવ્યું હતું. એશિયન બજારો આજે સવારે ફ્લેટ-ટુ-પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. અગ્રણી બજારોમાં એકમાત્ર ચીન સાધારણ નેગેટિવ ઝોનમાં જોવા મળે છે. એ સિવાય જાપાન, કોરિયા, સિંગાપુર, તાઈવાન અને હોંગ કોંગ ગ્રીન ઝોનમાં જોવા મળી રહ્યાં છે.
SGX નિફ્ટીનો પોઝીટીવ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 24 પોઈન્ટ્સ સુધારા સાથે 15720 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ ગેપ-અપ ઓપનીંગ દર્શાવશે. આજે જૂન સિરિઝ એક્સપાયરીનો છેલ્લો દિવસ છે. બજાર બે દિવસથી કામકાજની શરૂઆતમાં જોવા મળતી ટોચ પરથી ધીમે-ધીમે ઘસાતું જોવા મળે છે. જોકે નિફ્ટી હજુ તેના 15600ના મહત્વના સપોર્ટ પર ટ્રેડ થઈ રહ્યો છે. બજારમાં પેનિકના કોઈ સંકેતો જોવા મળ્યાં નથી.
ક્રૂડ 75 ડોલર પર ટકેલું
બ્રેન્ટ ક્રૂડ વાયદો 75 ડોલર પર ટક્યો છે. છેલ્લાં ત્રણ સત્રોથી તે 75 ડોલરની સપાટી દર્શાવી રહ્યો છે. આમ અન્ડરટોન મજબૂત હોવાનો સંકેત મળી રહ્યો છે. બીજી બાજુ રૂપિયામાં નરમાઈ જોવા મળી રહી છે. આ બંને બાબતો ભારતીય અર્થતંત્ર માટે ટૂંકાગાળા માટે પરેશાની ઊભી કરી શકે છે. દેશમાં ક્રૂડનો વપરાશ હજુ સામાન્ય નથી બન્યો.
મહત્વની હેડલાઈન્સ
• ફિચ રેટિંગ એજન્સીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ફોરિન કરન્સી રેટિંગમાં સુધારો કર્યો છે અને તેને -બીબીબી પરથી બીબીબી કર્યું છે. આજે બપોરે 2 વાગે કંપનીની એજીએમ-વાર્ષિક સાધારણ સભા યોજાનાર છે. જેના પર બજાર અને રોકાણકારોની ચાંપતી નજર છે.
• એપોલો હોસ્પિટલ્સે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 168 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 219કરોડ હતો. કંપનીએ રૂ. 140 કરોડના અંદાજ સામે સારી કામગીરી દર્શાવી છે. તેણે પ્રતિ શેર રૂ. 3નું ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે.
• ઓલકાર્ગો લોજિસ્ટીક્સે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 53.7 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 52.1 કરોડ હતો.
• ગોદાવરી પાવર એન્ડ ઈસ્પાતને આરી ડોંગરી આર્યન ઓર માઈન્સ ખાતે આર્યન ઓર માઈનીંગમાં વૃદ્ધિ માટે સરકાર તરફથી પર્યાવરણીય મંજૂરી મળી ગયું છે.
• વર્ધમાન સ્પેશ્યલ સ્ટીલ્સને લુધિયાણા ખાતે પ્લાન્ટ વિસ્તરણ માટે પર્યાવરણીય મંજૂરી મળી ગઈ છે.
• પિરામલ એન્ટરપ્રાઈઝિસનું બોર્ડ 28 જૂને નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ ઈસ્યુ કરવા અંગે વિચારણા માટે મળશે.
• ટાટા મોટર્સના સીઈઓ તરીકેથ ગૂંટેર બુશેક 30 જૂને સ્ટેપ ડાઉન થશે. જ્યારબાદ તે ચાલુ નાણાકિય વર્ષના આખર સુધી કન્સલ્ટન્ટ તરીકે સેવા આપશે. ગિરિશ વાઘે કંપનીના એક્ઝિક્યૂટીવ ડિરેક્ટર અને કમર્સિયલ વેહીકલ યુનિટના હેડ તરીકે નિમવામાં આવ્યાં છે.
• આજે મહત્વના અર્નિંગ્સમાં આંધ્ર પેટ્રો, અશોક લેલેન્ડ, બોદાલ કેમિકલ્સ, એવરેસ્ટ કાંતો, ઓએનજીસી અને પીટીસી ઈન્ડિયાનો સમાવેશ થાય છે.
• શારડા મોટર્સે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 26 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 6.19 કરોડ હતો. કંપનીની આવક પણ રૂ. 237 કરોડ પરથી વધી રૂ. 604 કરોડ રહી છે.
• એન્ડ્ર્યૂ યૂલેએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 16.56 કરોડની ખોટ દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 30.34 કરોડ પર હતી. કંપનીની આવક રૂ. 41.92 કરોડ પરથી વધુ રૂ. 57.99 કરોડ રહી હતી.
Market Opening 24 June 2021
June 24, 2021