માર્કેટ ઓપનીંગ
નિફ્ટી 16000ને પાર કરે તેવી આશા
સતત ચોથુ સપ્તાહ છે જ્યારે નિફ્ટી 16000 પાર કરશે તેવી આશા ફરી જોવામાં આવી રહી છે. અગાઉ સપ્તાહના સારા ઓપનીંગ બાદ બજાર પર મંદીવાળાઓનો હાથ ઊપર જોવા મળ્યો છે અને નિફ્ટી 15700 સુધી ગગડી જાય છે. જોકે ચાલુ સપ્તાહે વૈશ્વિક બજારોનો સપોર્ટ મળી રહે તેવી પૂરી સંભાવના છે. શુક્રવારે ડાઉજોન્સ ઈન્ડેક્સ 448 પોઈન્ટ્સ મજબૂતી સાથે બંધ રહ્યો હતો. સોમવારે સવારે એશિયન બજારો મજબૂતી સાથે ટ્રેડિંગ થઈ રહ્યાં છે. જેમાં જાપાનનો નિક્કાઈ 2.3 ટકાના સુધારા ટ્રેડ થઈ રહ્યો છે. તાઈવાન, ચીન અને કોરિયા પણ એક ટકા આસપાસનો સુધારો દર્શાવી રહ્યાં છે. હોંગ કોંગ 0.5 ટકા મજબૂતી દર્શાવી રહ્યો છે.
SGX નિફ્ટીનો ગેપ-અપ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 65 પોઈન્ટ્સનો સુધારો દર્શાવી 15793ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર ગયા સપ્તાહના બંધની સરખામણીમાં ગેપ સાથે ખૂલશે અને પોઝીટીવ અન્ડરટોન જોતાં સુધારા સાથે બંધ દર્શાવશે.
ક્રૂડ મક્કમ
વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ મક્કમ જોવા મળી રહ્યાં છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 75.52 ડોલરની સપાટી પર ટ્રેડ થઈ રહ્યું છે. આમ તે ફરી 75 ડોલર પર જોવા મળ્યું છે. ગયા સપ્તાહે તેણે 78 ડોલરની ટોચ બનાવી હતી. જોકે ત્યાંથી ઘટી 73 ડોલર પર ટ્રેડ થયું હતું.
ગોલ્ડમાં સાધારણ ઘટાડો
વૈશ્વિક બજારમા ગોલ્ડ 6 ડોલર નરમાઈ સાથે 1805 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યું છે. જ્યાં સુધી તે 1800 ડોલર પર ટક્યું છે ત્યાં સુધી સોનામાં ટ્રેન્ડ પોઝીટીવ ગણાશે. ટેકનિકલ એનાલિસ્ટ્સ સોનુ ઝડપથી 1900 ડોલર તરફની ગતિ દર્શાવે તેવી શક્યતા જોઈ રહ્યાં છે. જ્યારે ફંડામેન્ટલ એનાલિસ્ટ્સ પણ માને છે કે વૈશ્વિક સ્તરે ફુગાવાની સ્થિતિ જોતાં સોના માટે સુધર્યાં સિવાય કોઈ અન્ય વિકલ્પ નથી.
ટીસીએસ 40 હજારથી વધુ ફ્રેશર્સની નિમણૂંક કરશે
દેશની સૌથી મોટી આઈટી કંપની ટીસીએસ ચાલુ નાણા વર્ષ 2021-22માં ભારતીય કેમ્પસિસમાંથી 40 હજારથી વધુ ફ્રેશર્સની નિમણૂંક કરશે. કંપની હાલમાં 5 લાખથી વધુ કર્મચારીઓ ધરાવે છે. કંપની ગયા નાણા વર્ષથી પણ વધુ ફ્રેશર્સ નિમશે એમ કંપનીના એચઆર હેડે જણાવ્યું હતું. ગયા વર્ષે તેમણે 40 હજાર નવા કર્મચારીઓની નિમણૂંક કરી હતી. જ્યારે યુએસ ખાતે પણ તેમણે કેમ્પસિસમાંથી 2 હજારથી વધુ લોકોને નિમ્યાં હતાં. જે આંકડો ચાલુ વર્ષે પણ ઊંચો રહેશે એમ તેમણે જણાવ્યું હતું. લેટીન અમેરિકા માટે પણ આવું જ થશે એમ ઉમેર્યું હતું. 2021-22ના જૂન ક્વાર્ટરમાં ટીસીએસે 20,409 એસોસિએટ્સનો ઉમેરો કર્યો છે. જે સાથે કુલ કર્મચારીગણ 5,09,058 પર પહોંચ્યો છે.
નવા સપ્તાહે કામકાજની શરૂઆત પોઝીટીવ રહેશે
સોમવારે કામકાજની શરૂઆત પોઝીટીવ નોંધ સાથે જોવા મળે તેવી પૂરી શક્યતાં છે. સપ્તાહાંતે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 448 પોઈન્ટ્સના સુધારે 34870ના સ્તરે બંધ રહ્યો હતો. જેની પાછળ એશિયન બજારો પોઝીટીવ ઓપનીંગ દર્શાવી શકે છે. શુક્રવારે પણ મોટાભાગના એશિયન બજારો તેમના દિવસના તળિયાના સ્તરેથી નોંધપાત્ર બાઉન્સ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે હોંગકોંગ અને સિંગાપુર જેવા બજારો તો પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યાં હતાં. શુક્રવારે મોડી રાતે એસજીએક્સ નિફ્ટી 68 પોઈન્ટ્સના સુધારે 15796 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આમ ભારતીય બજાર પણ સપ્તાહની શરુઆત સુધારા સાથે દર્શાવી શકે છે.
એવન્યૂ સુપરમાર્ટ્સનો નફો 132 ટકા ઉછળ્યો
ડીમાર્ટની માલિક કંપની એવન્યૂ સુપરમાર્ટ્સે જૂન ક્વાર્ટરમાં 132 ટકા વૃદ્ધિ સાથે રૂ. 115 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તે રૂ. 50 કરોડ પર હતો. કંપનીની આવક પણ જૂન ક્વાર્ટરમાં 31 ટકા ઉછળી રૂ. 5032 કરોડ રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 3833 કરોડ જોવા મળી હતી. ચાલુ નાણા વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં કંપનીની શેર દીઠ કમાણી રૂ. 1.78 પર રહી હતી. જે ગયા વર્ષે રૂ. 0.77 પર હતી. કંપનીનો એબિટા ગયા વર્ષના રૂ. 109 કરોડ સામે રૂ. 221 કરોડ પર રહ્યો હતો. જ્યારે એબિટા માર્જિન 4.4 ટકા રહ્યું હતું. કંપની સીઈઓ અને એમડીએ જણાવ્યું હતું કે કોવિડના મજબૂત બીજા વેવ વચ્ચે કંપનીએ સારી કામગીરી દર્શાવી હતી. ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે કંપનીએ વધુ કામકાજી દિવસો ગુમાવ્યા હોવા છતાં કામગીરી સુધરી હોવાનું તેમણે ઉમેર્યું હતું. કંપનીનો શેર શુક્રવારે 0.27 ટકા ઘટાડા સાથે રૂ. 3380 પર બંધ રહ્યો હતો.
મહત્વની હેડલાઈન્સ
• યુનિકેમ લેબ્સને સિટાગ્લિપ્ટિન ટેબલેટ્સ માટે યુએસએફડીએ તરફથી મંજૂરી મળી છે.
• જેએસડબલ્યુ એનર્જીએ જણાવ્યું છે કે કરચમ વાંગ્ટો હાઈડ્રો ઈલેક્ટ્રીક પાવર પ્લાન્ટે 11 જુલાઈથી કામગીરી શરૂ કરી દીધી છે.
• ભારત સરકારના અધિકારીના જણાવ્યા મુજબ તેઓ ઝાયડસ કેડિલાની બાળકો માટેની વેક્સિનના ત્રીજા તબક્કાના પરીક્ષણનો અભ્યાસ કરી રહ્યાં છે.
• કંપનીએ સ્ટેલર્સલોગ ટેકનોલેશનમાં તેનો હિસ્સો 16.12 ટકાથી વધારી 33.33 ટકા કર્યો છે.
• અદાણી ટ્રાન્સમિશને 2 જુલાઈથી 7 જુલાઈ સુધીમાં 69 લાખ શેર્સ અથવા તો 0.63 ટકા શેર્સ પ્લેજ કર્યાં હતાં.
Market Opening 12 July 2021
July 12, 2021