Market Opening 1 Nov 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
યુએસ માર્કેટ નવી ટોચ પર છતાં એશિયામાં મિશ્ર ટ્રેન્ડ
ગયા સપ્તાહાંતે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 89 પોઈન્ટ્સ સુધરી 35820ના સ્તરે સર્વોચ્ચ સપાટી પર બંધ જોવા મળ્યો હતો. નાસ્ડેકે પણ નવી ટોચ દર્શાવી હતી. જોકે તેમ છતાં એશિયન બજારોમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જાપાનનો નિક્કાઈ 2.25 ટકાનો સુધારો દર્શાવી રહ્યો છે. જ્યારે હોંગ કોંગ બજાર 1.35 ટકા અને ચીન 0.22 ટકા નરમાઈ સૂચવે છે. કોરિયા, તાઈવાન અને સિંગાપુર પોઝીટીવ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યાં છે.
SGX નિફ્ટીનો પોઝીટીવ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 34 પોઈન્ટ્સની મજબૂતી સાથે 17784ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ પોઝીટીવ ઓપનીંગ દર્શાવી શકે છે. બેન્ચમાર્કે અંતિમ બે સત્રોમાં 600 પોઈન્ટ્સનો ઘટાડો દર્શાવ્યો હતો. આમ તે એક બાઉન્સ દર્શાવી શકે છે. જોકે સમગ્રતયા ટ્રેન્ડ નરમાઈનો છે. આમ ઉછાળે માર્કેટમાં વેચવાલી જોવા મળી શકે છે. નિફ્ટીને ટેકનિકલી 18500-18100ની રેંજમાં અવરોધ છે. જ્યારે 17600નો સપોર્ટ છે. શુક્રવારે દર્શાવેલું 17613નું તળિયું સ્ટોપલોસ રાખી લોંગ જાળવી શકાય. નોંધપાત્ર ઘટાડો દર્શાવી ચૂકેલા મીડ-કેપ્સમાં એક બાઉન્સ જોવા મળી શકે.
ક્રૂડમાં રેંજ બાઉન્ડ ટ્રેડ
વૈશ્વિક ક્રૂડના ભાવમાં રેંજ બાઉન્ડ ટ્રેડ જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો આજે સવારે 83.53 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યો છે. જે 0.23 ટકાનો સાધારણ ઘટાડો સૂચવે છે. ક્રૂડ ગયા સપ્તાહે 86-81 ડોલરની રેંજમાં ટ્રેડ થયું હતું. તે જે બાજુ બ્રેકઆઉટ આપશે તે બાજુ ઝડપથી ગતિ દર્શાવી શકે છે.
ગોલ્ડ માટે 1800 ડોલર મુખ્ય અવરોધ
વૈશ્વિક ગોલ્ડના ભાવ માટે 1800 ડોલર પર ટકવું મુશ્કેલ બની રહ્યું છે. છેલ્લાં બે સપ્તાહથી તે 1800 ડોલરને પાર કરવાનો પ્રયાસ કરી પાછું ફરે છે. નીચે તેને 1750 ડોલરનો સપોર્ટ છે. ઈન્ફ્લેશનને લઈને વધતી ચિંતા પાછળ ગોલ્ડમાં ઉપરની બાજુ બ્રેકઆઉટની શક્યતા ઊંચી છે. જોકે ટેપરિંગ સહિતના પરિબળો ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યાં હોવા છતાં ગોલ્ડ પર હાવી જોવા મળી શકે છે.

સપ્ટેમ્બરમાં તહેવારો પાછળ ક્રેડિટ ગ્રોથમાં સાર્વત્રિક સુધારો નોંધાયો

આરબીઆઈ ડેટા મુજબ રિટેલ ક્રેડિટ ગ્રોથ 12.1 ટકા પર જોવા મળ્યો

જ્યારે એગ્રીકલ્ચર અને સંબંધિત એક્ટિવિટીમાં ક્રેડિટ ગ્રોથ 9.9 ટકા જોવા મળ્યો

તહેવારોની સિઝન પાછળ ક્રેડિટની માગમાં વૃદ્ધિ નોંધાઈ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રજૂ કરેલા આંકડા મુજબ સપ્ટેમ્બર દરમિયાન રિટેલ, ફાર્મિંગ અને ઉદ્યોગ ક્ષેત્રે ક્રેડિટની માગમાં ઊંચો વૃદ્ધિ દર જોવા મળ્યો હતો. ગયા વર્ષની સરખામણીમાં તે નોંધપાત્ર વૃદ્ધિ સૂચવતો હતો.

સેન્ટ્રલ બેંકના ડેટા મુજબ હાઉસિંગ, વ્હીકલ્સ, ક્રેડિટ કાર્ડ્સ વગેરે સહિત રિટેલ ક્રેડિટ ગ્રોથ સપ્ટેમ્બર દરમિયાન 12.1 ટકા પર રહ્યો હતો. જે સપ્ટેમ્બર 2020માં 8.4 ટકા પર જોવા મળતો હતો. રિટેલ ક્રેડિટ દરમાં ઊંચી વૃદ્ધિ પાછળ હાઉસિંગ લોન અને ઓટો લોન સાથે લોન્સ અગેઈન્સ્ટ ગોલ્ડ જ્વેલરીનો પણ સમાવેશ થતો હતો. રિટેલ સાથે એગ્રીકલ્ચર અને તેને સંલગ્ન ઉદ્યોગોની ક્રેડિટ માગ પણ સુધારો દર્શાવતી હતી. સપ્ટેમ્બરમાં કૃષિ ક્ષેત્રે 9.9 ટકા લોન વૃદ્ધિ જોવા મળી હતી. જે એક વર્ષ અગાઉ સમાનગાળામાં 6.2 ટકા પર હતી. ઓક્ટોબરમાં તહેવારોની વ્યસ્ત સિઝન વચ્ચે સપ્ટેમ્બરમાં ઈન્ડસ્ટ્રી ક્ષેત્રે પણ ઊંચો ક્રેડિટ ગ્રોથ જળવાયો હતો. ઔદ્યોગિક ક્રેડિટમાં 2.5 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. જે સપ્ટેમ્બર 2020માં માત્ર 0.4 ટકા પર રહી હતી. આમાં મિડિયમ ઉદ્યોગો તરફથી 49 ટકાનો ઊંચો વૃદ્ધિ દર જોવા મળ્યો હતો. જે વર્ષ અગાઉ સમાનગાળામાં 17.5 ટકા પર હતો. માઈક્રો અને સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે ક્રેડિટ ગ્રોથ 9.7 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. જે ગયા વર્ષે માત્ર 0.1 ટકા પર હતી.

લાર્જ ઈન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે ક્રેડિટ ગ્રોથમાં ઘટાડો ચાલુ રહ્યો હતો અને ગયા વર્ષે 0.2 ટકાન ઘટાડા સામે ચાલુ વર્ષે સપ્ટેમ્બરમાં તે એક ટકા ઘટાડો દર્શાવતી હતી. બેંકર્સના જણાવ્યા મુજબ મંદ માગ તથા બેલેન્સ શીટમાં ડિલેવરેજિંગને કારણે લાર્જ સાઈઝ કંપનીઓની ક્રેડિટ માગ ઘટી હતી. સર્વિસ ક્ષેત્રે પણ ક્રેડિટ ગ્રોથ 0.8 ટકાનો ઘટાડો દર્શાવતો હતો. સપ્ટેમ્બર 2020માં તે 9.2 ટકા પર જોવા મળ્યો હતો. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ એનબીએફસીને લોન્સમાં ઘટાડો હતું. ઉપરાંત ટ્રેડ અને કમર્સિયલ રિઅલ એસ્ટેટને ક્રેડિટમાં ઘટાડો પણ આ માટે જવાબદાર હોવાનું આરબીઆઈએ નોંધ્યું હતું.


સેબી ચેરમેન માટે સરકારે મંગાવેલી અરજીઓ

વર્તમાન ચેરમેન અજય ત્યાગીનો કાર્યકાળ ફેબ્રુઆરી આખરે સમાપ્ત થશે


કેન્દ્રિય નાણા વિભાગે કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબીના નવા ચેરમેન માટે ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી છે. નવા ચેરમેન વર્તમાન સેબી ચેરમેન અજય ત્યાગીનું સ્થાન લેશે. ત્યાગીનો પાંચ વર્ષનો કાર્યકાળ ફેબ્રુઆરીમાં પૂરો થઈ રહ્યો છે.

ત્યાગી હિમાચલ પ્રદેશ કેડરના 1984 બેચના આઈએએસ ઓફિસર હતાં. જેમની સેબી ચેરમેન તરીકે 1 માર્ચ 2017ના રોજ ત્રણ વર્ષ માટે નિમણૂંક કરવામાં આવી હતી. જે પૂરી થયા બાદ તેને છ મહિના માટે લંબાવવામાં આવી હતી. જોકે ઓગસ્ટ 2020 બાદ તેમને 18 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. 28 ઓક્ટોબરે એક જાહેર નોટિસમાં નાણા વિભાગે યોગ્ય ઉમેદવારો પાસેથી સેબી ચેરમેન માટે અરજીઓ મંગાવી છે. ઉમેદવાર પાંચ વર્ષ માટે અથવા 65 વર્ષની વય, જે વહેલા આવે ત્યાં સુધી સેબીના ચેરમેન તરીકે સેવા બજાવી શકે છે. યોગ્ય ઉમેદવારોએ જરૂરી સર્ટિફાઈડ ડોક્યૂમેન્ટ્સ સાથે યોગ્ય ચેનલ મારફતે 6 ડિસેમ્બર સુધીમાં તેમની અરજીઓ મોકલવાની રહેશે એમ નાણા વિભાગના આર્થિક બાબતોના વિભાગે જણાવ્યું છે. અગાઉ સરકારે યુકે સિંહાને ત્રણ વર્ષ માટે એક્સટેન્શન આપ્યું હતું. ડીઆર મહેતા બાદ તેઓ સેબીના ચેરમેન તરીકે સૌથી લાંબો કાર્યકાળ ધરાવતાં હતાં.








જિઓફોન નેક્સેટ દિવાળીથી બજારમાં પ્રાપ્ય બનશે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે દિવાળીથી તેના સ્માર્ટફોન જીઓફોન નેક્સ્ટ ઉપલબ્ધ બનશે એમ જણાવ્યું છે. ગ્રાહક રૂ. 1999નું અપફ્રન્ટ પેમેન્ટ ચૂકવી ફોન મેળવી શકશે. બાકીની રકમ તેણે હપ્તાથી ચૂકવવાની રહેશે. ફોનની કિંમત રૂ. 6499 નિર્ધારિત કરવામાં આવી છે. આ એક એન્ટ્રી-લેવલ ફોન હશે. જે ક્વાલકોમ ચીપસેટ ધરાવે છે. કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે મહામારીને કારણે સમગ્ર વિશ્વની સપ્લાય ચેઈન ખોરવાઈ છે ત્યારે ગૂગલ અને જીઓ ભારતીય ગ્રાહકો માટે આ ફોન લાવી રહ્યાં છે. ચીપની શોર્ટેજને કારણે કંપનીને ફોન લોંચ કરવામાં વિલંબ થયો હતો.

અદાણી પાવરે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 5572 કરોડની આવક નોંધાવી

અદાણી જૂથની પાવર કંપનીએ બીજા ક્વાર્ટરમાં રૂ. 5572ની કોન્સોલિડેટેડ આવક દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 8792 કરોડ પર હતી. જોકે તે વખતે રૂ. 3233 કરોડની વન ટાઈમ રેવન્યૂ જોવા મળી હતી. કંપનીએ પ્રથમ છ મહિનામાં રૂ. 12785 કરોડની આવક દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 14148 કરોડ પર હતી. કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1551 કરોડનો એબિટા દર્શાવ્યો હતો. જ્યારે રૂ. 31 કરોડનો કોમ્પ્રેહેન્સિવ નફો દર્શાવ્યો હતો. કંપનીએ બીજા ક્વાર્ટરમાં 48.7 ટકાનું કોન્સોલિડેટેડ એવરેજ પ્લાન્ટ લોડ ફેક્ટર નોંધાવ્યું ગતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 59.9 ટકા હતું. કંપનીનું કુલ વેચાણ 12.6 બીયુ રહ્યું હતું. છ મહિનાની વાત કરીએ તો તેણે 28.5 બીયુનું વેચાણ નોંધાવ્યું હતું.

મહત્વની હેડલાઈન્સ
• સરકાર ઉદ્યોગો પર લઘુત્તમ ગ્રીન એનર્જી ઉપયોગ લેવલ લાગુ પાડશે.
• સરકાર દેશમાં કાર્બન માર્કેટ વિકસાવવા માટે ફેસિલિટેટ પણ કરશે.
• ક્રૂડ ઓઈલના ભાવમાં વૃદ્ધિ બાદ ગ્રાહકોએ ઓપેકને ઉત્પાદન વૃદ્ધિ માટે અને ભાવમાં સ્થિરતા જાળવી રાખવા કરેલો અનુરોધ.
• દેશમાં કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ માટેની લોન્સ વધીને 3 વર્ષોની ટોચ પર પહોંચી.
• સપ્ટેમ્બરમાં દેશમાં મુખ્ય ઔદ્યોગિક ઉત્પાદનમાં વાર્ષિક ધોરણે 4.4 ટકા વૃદ્ધિ.
• એપ્રિલ-સપ્ટેમ્બરમાં દેશમાં નાણાકીય ખાધ 2021-22ના 35 ટકા પર રહી.
• બીપીસીએલે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 6.57 ડોલર પ્રતિ બેરલની જીઆરએમ દર્શાવ્યાં. જે 50 ટકા વૃદ્ધિ સૂચવે છે.
• દેશમાં બાગાયતી પાકોના ઉત્પાદનમાં 2020-21માં 3.3 ટકા ઉત્પાદન નોંધાયું.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage