બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
એશિયન બજારોમાં પોઝીટીવ ટ્રેન્ડ
નવા સપ્તાહે એશિયન બજારોમાં સિંગાપુરને બાદ કરતાં પોઝીટીવ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. હોંગ કોંગ અને ચીન જેવા બજારો શરૂઆતમાં નેગેટીવ ટ્રેડિંગ દર્શાવી રહ્યાં હતાં. જોકે તેમણે ઝડપી બાઉન્સ દર્શાવ્યો છે. જાપાન બજાર 1.7 ટકા સુધારા સાથે મજબૂતી ટ્રેડ થઈ રહ્યું છે. હોંગ કોંગ પણ 0.5 ટકા સુધારો દર્શાવી રહ્યું છે. તાઈવાન, કોરિયા અને ચીન પોઝીટીવ ઝોનમાં છે. એક માત્ર સિંગાપુર 0.45 ટકા ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યું છે.
SGX નિફ્ટીનો ગેપ-અપ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 119 પોઈન્ટ્સના સુધારા સાથે 15893ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સ્થાનિક બજાર પણ પોઝીટીવ ઓપનીંગ દર્શાવે તેમ સૂચવી રહ્યો છે. જો નિફ્ટી 15900ના સ્તરને પાર કરવામાં સફળ થશે તો 16000નું સ્તર નજીકમાં પાર થવાની આશા ફરી જોવા મળશે. માર્કેટને મેટલ, આઈટી અને ફાર્મા જેવા ક્ષેત્રોનો સપોર્ટ મળી શકે છે. લોંગ ટ્રેડર્સે 15600ના સ્ટોપલોસ સાથે લોંગ જાળવવાનું રહેશે. જો આ સ્તર તૂટશે તો નિફ્ટી ઝડપથી 15100ના સ્તર સુધી ગગડી શકે છે. ઓગસ્ટ મહિનો ઊંચી વોલેટિલિટી દર્શાવી શકે છે એમ બજાર વર્તુળોનું માનવું છે.
ક્રૂડમાં નરમાઈ
વૈશ્વિક ક્રૂડમાં સપ્તાહની શરુઆત નરમાઈ સાથે જોવા મળે છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 1.4 ટકા ઘટાડા સાથે 74.38 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. આમ ફરી 75 ડોલર નીચે ઉતરી ગયો છે. જો તે 70 ડોલર નીચે ટ્રેડ થશે તો 68 ડોલર અને ત્યારબાદ 65 ડોલર સુધીનો ઘટાડો દર્શાવી શકે છે. ટ્રેડર્સ તાજેતરની ટોચના સ્ટોપલોસ સાથે શોર્ટ પોઝીશન લઈ શકે છે.
ગોલ્ડ-સિલ્વરમાં પણ નરમાઈ
વૈશ્વિક બજારોમાં ગોલ્ડ 3 ડોલરની નરમાઈ સાથે 1814 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે ચાંદી 24 સેન્ટ્સના ઘટાડે 25.52 ડોલર પર ટ્રેડ દર્શાવે છે. આમ કિંમતી ધાતુઓમાં પણ નરમાઈ જોવા મળી રહી છે. જોકે સોનામાં 1800 ડોલરના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવવી જોઈએ. વૈશ્વિક સ્તરે ઈન્ફ્લેશનની ચિંતા પાછળ તે આગામી સમયગાળામાં સુધારો દર્શાવી શકે છે.
મહત્વની હેડલાઈન્સ
• સ્ટરલાઈટ પાવરે આઈપીઓ માટે મર્ચન્ટ બેંકર્સની નિમણૂંક કરી.
• ફિનો પેમેન્ટ્સ, કારટ્રેડ પણ આઈપીઓ લાવવાની વેતરણમાં.
• રિલાયન્સના રિન્યૂએબલ્સ ક્ષેત્રે પ્રવેશ બાદ અદાણીએ પેટ્રોકેમ ક્ષેત્રે પ્રવેશ કર્યો.
• જુલાઈમાં જીએસટી કલેક્શન રૂ. 1.16 લાખ કરોડ પર જોવાયું.
• એપ્રિલ-જૂનમાં નાણાકિય ખાધ નાણા વર્ષના ટાર્ગેટના 18.2 ટકા પર પહોંચી.
• જૂન મહિનામાં આંઠ કોર ક્ષેત્રનું ઉત્પાદન 8.9 ટકા વધ્યું. સ્ટીલ ઉત્પાદનમાં વાર્ષિક 25 ટકા વૃદ્ધિ. નેચરલ ગેસ ઉત્પાદન 20.6 ટકા વધ્યું.
• જૂન મહિનામાં ઔદ્યોગિક કામદારો માટે મોંઘવારીમાં 5.57 ટકા વૃદ્ધિ.
• એનબીએફસીને બેંક્સ તરફથી આપવામાં આવતી લોન 6 મહિનાના તળિયા પર જોવા મળી.
• દેશના વિદેશી હૂંડિયામણમાં 23 જુલાઈએ પૂરા થતાં સપ્તાહ દરમિયાન 1.58 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો. ફોરેક્સ રિઝર્વ 611.1 અબજ ડોલર પર રહ્યું.
• ગયા શુક્રવારે વૈશ્વિક ફંડ્સે ભારતીય બજારમાં રૂ. 3850 કરોડની વેચવાલી નોંધાવી.
• સ્થાનિક ફંડ્સે શુક્રવારે રૂ. 2960 કરોડની ખરીદી દર્શાવી.
• વિદેશી રોકાણકારોએ શુક્રવારે ડેરિવેટિવ્સ માર્કેટમાં રૂ. 2200 કરોડની વેચવાલી દર્શાવી.
• એસબીઆઈએ ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં હોમ લોન્સ પ્રોસેસીંગ ફીને રદ કરી.
ભેલની ખોટ જૂન ક્વાર્ટરમાં 48 ટકા ઘટી
જાહેર ક્ષેત્રની કેપિટલ ગુડ્ઝ કંપની ભેલે જૂન ક્વાર્ટર માટે રૂ. 448 કરોડની ખોટ દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 893.14 કરોડ પર હતી. આમ વાર્ષિક ધોરણે ભેલની ખોટમાં 48 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. કંપનીની કુલ આવક ગયા વર્ષે રૂ. 2086.43 કરોડની સરખામણીમાં ઉછળીને રૂ. 2966.77 કરોડ પર રહી હતી એમ કંપનીએ જણાવ્યું હતું. કંપનીની કામગીરી પર બીજા વેવની અસર થઈ હતી પરંતુ ક્વાર્ટરમાં પાછળના ભાગમાં રિકવરી પણ જોવા મળી હતી. આગામી સમયમાં કંપની સારા દેખાવની અપેક્ષા રાખે છે.
ઈન્ડ-સ્વિફ્ટ રૂ. 1530 કરોડમાં પીઆઈ ઈન્ડ.ને API બિઝનેસ વેચશે
દેશમાં ફાર્મા ક્ષેત્રે એક મહત્વના ડીલમાં ઈન્ડ-સ્વિફ્ટ લિમિટેડ તેના એપીઆઈ બિઝનેસનું રૂ. 1530 કરોડના મૂલ્ય સાથે પીઆઈ ઈન્ડસ્ટ્રીઝને વેચાણ કરશે. એક રિલીઝમાં કંપનીએ જણાવ્યું છે કે 30 જુલાઈના રોજ કંપનીના બોર્ડે એપીઆઈ બિઝનેસના વેચાણ માટેની મંજૂરી આપી દીધી છે. જોકે શેરધારકોની મંજૂરી બાદ આ ડીલ પૂરું કરવામાં આવશે કંપની 21 ઓક્ટોબર 2021ના રોજ આ વેચાણ પૂરું કરવાની અપેક્ષા રાખે છે. 2020-121માં કંપનીના એપીઆઈ બિઝનેસનું ટર્નઓવર રૂ. 856.58 કરોડ હતું. માર્ચ 2021માં તેની નેટવર્થ રૂ. 289.99 કરોડ હતી. પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ દેશમાં ટોચની 100 કંપનીઓમાં સ્થાન ધરાવે છે. ઈન્ડ-સ્વિફ્ટનું એપીઆઈ યુનિટ વેચાણ પાછળનો નિર્ણય કંપનીને સંપૂર્ણપણે ડેટ-ફ્રી કરવાનો તથા વધારાના ફંડનો વ્યૂહાત્મક રોકાણ તથા એક્વિઝિશન્સમાં ઉપયોગ કરવાનો છે.
બંધન બેંકના નફામાં જૂન ક્વાર્ટરમાં 32 ટકા ઘટાડો નોંધાયો
ક્વાર્ટર દરમિયાન બેંકની ગ્રોસ એનપીએ 8.18 ટકાના ઊંચા સ્તરે પહોંચી
કોલકોતા હેડક્વાર્ટર ધરાવતી બંધન બેંકે જૂન ક્વાર્ટરમાં નિરાશા આપી છે. દેશમાં ચોથા ક્રમની ખાનગી ક્ષેત્રની રિટેલ બેંકે 32 ટકા ઘટાડા સાથે રૂ. 373.0છે. 8 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. કોવિડના બીજા વેવને કારણે કલેક્શનમાં પડેલી મુશ્કેલીઓને કારણે બેંકના મુખ્ય માઈક્રોલેન્ડિંગ બિઝનેસ પર મોટી અસર પડી છે. જેને કારણે એસેટ ક્વોલિટી પર પણ અસર પડી છે.
બેંકે જૂન ક્વાર્ટર માટે રૂ. 1661 કરોડના ગ્રોસ સ્વીપેજિસ નોંધાવ્યાં હતાં. જે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 3500 કરોડ પર હતાં. જૂન ક્વાર્ટરમાં બેંકની નોન-પર્ફોર્મિંગ એસેટ 8.18 ટકાના ઊંચા સ્તરે જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં માત્ર 1.43 ટકા પર હતી. જ્યારે માર્ચ ક્વાર્ટરમાં તે 6.81 ટકા પર હતી. બેંકના એમડીએ જણાવ્યું હતું કે બીજા વેવને કારણે લોન કલેક્શન્સ પર જંગી અસર જોવા મળી હતી. બેંકની કુલ લોન બુકમાં 60 ટકા હિસ્સો માઈક્રો લોન્સનો છે અને તેનું કલેક્શન્સ એજન્ટ્સ મારફતે ફિઝિકલી કરવામાં આવે છે. લોકડાઉનના સમયગાળામાં આમ કરવું કઠિન બન્યું હતું. જેને કારણે આ સેગમેન્ટમાં સ્લીપેજિસનું પ્રમાણ 75 ટકાના ઊંચા સ્તરે જોવા મળ્યું હતું. બેંકની કુલ રૂ. 4665 કરોડની રિસ્ટ્રક્ચર્ડ લોન્સમાં રૂ. 4100 કરોડ માઈક્રોલોન સેગમેન્ટની લોન્સ હતી. જ્યારે કુલ રિસ્ટ્રક્ચર્ડ બુક રૂ. 6175 કરોડની હતી. જેના પરિણામે કુલ પ્રોવિઝન્સ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 849 કરોડથી ઉછળી રૂ. 1374 કરોડ પર પહોંચ્યું હતું. બેંકની કોલ નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ 16.73 ટકા વૃદ્ધિ સાથે રૂ. 2114 કરોડ પર જોવા મળી હતી. જ્યારે ક્રેડિટ ગ્રોથ 8 ટકા જોવા મળ્યો હતો. નેટ ઈન્ટરેસ્ટ માર્જિનમાં 0.3 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. નોન-ઈન્ટરેસ્ટ ઈન્કમ 37 ટકા વધી રૂ. 533 કરોડ પર જોવા મળી હતી. જેનું મુખ્ય કારણ ટ્રેઝરી ઈન્કમમાં વૃદ્ધિ તથા થર્ડ-પાર્ટી ડિસ્ટ્રીબ્યુશન ફી હતું.
Market Opening 1 Aug 2021
August 02, 2021