માર્કેટ ઓપનીંગ
યુએસ બજારમાં તીવ્ર સુધારા પાછળ એશિયા મક્કમ
નવા સપ્તાહની શરૂઆત શેરબજારો માટે સારી રહી હતી. સોમવારે એશિયન બજારોમાં તીવ્ર સુધારો નોંધાયો હતો. યુએસ બજારમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. જેની પાછળ મંગળવારે એશિયન બજારો પ્રમાણમાં મક્કમ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. સોમવારે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 603 પોઈન્ટ્સ ઉછળી 31536ની સપાટી પર બંધ આવ્યો હતો. નાસ્ડેક 3 ટકા અથવા 396 પોઈન્ટ્સ સુધર્યો હતો. એશિયન બેન્ચમાર્ક્સમાં જાપાનનો નિક્કાઈ જોકે 0.4 ટકાનો ઘટાડો સૂચવે છે. જ્યારે હોંગ કોંગ 0.5 ટકા મજબૂતી દર્શાવે છે. સોમવારે બંધ રહેલા કોરિયા અને તાઈવાનના બજારો અનુક્રમે 1.75 ટકા અને 1.57 ટકાનો ઉછાળો નોંધાવે છે. જ્યારે ચીન 0.07 ટકાનો સાધારણ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યો છે.
SGX નિફ્ટીમાં મજબૂતી
સિંગાપુર નિફ્ટી 67 પોઈન્ટ્સ સુધારા સાથે 14860 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક માર્કેટ પણ લગભગ આ સ્તર આસપાસ ઓપનીંગ દર્શાવશે. નિફ્ટીને 14900નો અવરોધ છે. જે પાર થતાં માર્કેટ ફરી 15000 પાર કરવાનો પ્રયાસ કરી શકે છે. સાથે બજારમાં વોયોલન્ટ મૂવમેન્ટ જોતાં તે ફરી 14000 તરફની ગતિ પણ દર્શાવી શકે છે. ટ્રેડર્સે સ્ટોપલોસનું ચુસ્ત પાવન કરવાનું રહેશે. સાથે નાની ક્વોન્ટિટીમાં જ ટ્રેડ કરવાનું પણ સૂચન છે.
ક્રૂડમાં પ્રોફિટ બુકિંગ
ક્રૂડમાં આખરે ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગના સંકેતો મળી રહ્યાં છે બ્રેન્ટ ક્રૂડ વાયદો સોમવારે સવારે 66 ડોલર પરની સપાટી પરથી 5 ટકા જેટલો કરેક્ટ થયો છે અને આજે સવારે 62.66 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. એમસીએક્સ ખાતે સોમવારે રાતે તે 4 ટકા ઘટી રૂ. 4435 પર બંધ રહ્યો હતો. ક્રૂડ 60 ડોલરનું સ્તર તોડશે તો ઝડપી ઘટાડો દર્શાવશે. ક્રૂડમાં ઘટાડાનું કારણ એપ્રિલમાં ઓપેક તથા બિન-ઓપેક ક્રૂડ ઉત્પાદકોએ ક્રૂડના ઉત્પાદનમાં વૃદ્ધિ બાબતે મંત્રણા યોજવાની કરેલી જાહેરાત છે.
ગોલ્ડ-સિલ્વરમાં ઘટાડો જળવાયો
વિશ્વિસ્તરે વેક્સિનેશનની પ્રક્રિયામાં વેગ આવતાં બુલિયનમાં ઝડપી ઘટાડો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક કોમેક્સ ખાતે ગોલ્ડ ફ્યુચર 0.71 ટકા ઘટી 1711 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે સિલ્વર ફ્યુચર 2 ટકા ઘટી 26.13 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. સોમવારે એમસીએક્સ ખાતે ગોલ્ડ એપ્રિલ વાયદો રૂ. 407ના ઘટાડે રૂ. 45329 પર બંધ રહ્યો હતો. જ્યારે મસિલ્વર માર્ચ વાયદો રૂ. 67365ના સ્તરે બંધ રહ્યો હતો.
મહત્વની હેડલાઈન્સ
- સ્પેક્ટ્રમ ઓક્શનના પ્રથમ દિવસે રૂ. 77.15 હજાર કરોડના બીડ્સ આવ્યાં.
- ફેબ્રુઆરીમાં સતત પાંચમા મહિને જીએસટી કલેક્શન રૂ. એક લાખ કરોડથી વધુ રહેવા સાથે રૂ. 1.13 લાખ કરોડનો જીએસટી વસૂલ કરાયો.
- આઈબીસી પ્રક્રિયાનો સામનો કરી રહેલી કંપની સામે ચેક બાઉન્સ થયાનો કેસ ફાઈલ થઈ શકે નહિઃ સુપ્રીમ કોર્ટ
- ઈન્ડિગો બીઓસી એવિએશન પાસેથી 8 એ320નીઓ પ્લેન્સ લીઝ પર લેશે.
- સેબી ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સની નિમણૂંક માટેના નિયમોમાં સુધારા માટે વિચારી રહી છે.
- સિમેન્સે સીએન્ડએસ ઈલેક્ટ્રીકમાં રૂ. 2100 કરોડના ખર્ચે 99.22 ટકા હિસ્સો ખરીદ્યો છે.
- બજાજ ઓટોનું ફેબ્રુઆરી મહિનાનું વેચાણ 6 ટકા વધી 3.75 લાખ યુનિટ્સ.
- એસબીઆઈએ હોમ લોનના રેટ ઘટાડીને 6.7 ટકા કર્યો. પ્રોસેસીંગ ફી વેઈવર પણ ચાલુ રહેશે.
- ઊંચા માર્જિનને કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને ઋણ અડધું કરવામાં સહાયતા મળી.
- શ્રેઈના બોન્ડ હોલ્ડર્સે એનસીએલટીના મોરેટોરિયમના આદેશ સામે કરેલી અપીલ.
- સોફ્ટબેન્ક ઈન્ટરનેટ બિઝનેસ આગામી પાંચ વર્ષોમાં ટેક બિઝનેસમાં 5 અબજ ડોલરનું રોકાણ કરશે.
- બીપીસીએલ નુમલીગઢ રિફાઈનરીનો 61.65 ટકા હિસો રૂ. 9875 કરોડમાં વેચશે.
- અંબાણી ઈન્ડિયા પેમેન્ટ્સ બિઝનેસ લાયસન્સ માટે ગુગલ, ફેસબુક સાથે ભાગીદારી કરશે.
- જીએસટીના વાર્ષિક ઓડિટ નાબૂદીને કારણે કંપનીઓને રૂ. 30 હજાર કરોડ સુધીની બચત થશે.