બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
શેરબજારમાં સાંકડી રેંજમાં વધ-ઘટ વચ્ચે સપ્તાહની પોઝીટીવ શરૂઆત
એશિયન બજારોમાં નરમાઈને ભારતીય બજારે અવગણી
વોલેટિલિટી ઈન્ડેક્સ 6.6 ટકા ઉછળી 14.05ના સ્તરે બંધ
ઓટો, એફએમસીજી, રિઅલ્ટી, પીએસઈમાં મજબૂતી
મેટલ, ફાર્મા, મિડિયામાં નરમાઈ
બોમ્બે બર્માહ, એસ્ટ્રાલ, જેકે પેપર, રૂટ મોબાઈલ નવી ટોચે
ઓલકાર્ગો નવા તળિયે ટ્રેડ થયો
ભારતીય શેરબજારમાં નવા સપ્તાહની શરૂઆત પોઝીટીવ નોંધ સાથે થઈ હતી. બેન્ચમાર્ક સેન્સેક્સ 131 પોઈન્ટ્સ મજબૂતી સાતે 77341ની સપાટીએ જ્યારે નિફ્ટી 37 પોઈન્ટ્સ સુધારે 23538ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં ખરીદી પાછળ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 4155 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2107 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1890 કાઉન્ટર્સ નેગેટીવ જોવા મળ્યાં હતાં. 301 કાઉન્ટર્સે વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 31 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 6.6 ટકા ઉછળી 14.05ના સ્તરે બંધ રહ્યો હતો.
સોમવારે એશિયન બજારોમાં નરમાઈ વચ્ચે ભારતીય બજારે નેગેટીવ ઓપનીંગ દર્શાવ્યું હતું. જોકે, બજાર ઝડપથી ગ્રીન ઝોનમાં પરત ફર્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી ઈન્ટ્રા-ડે 23558ની ટોચ પર ટ્રેડ થઈ તેની નજીક બંધ જાળવવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 17 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 23555ની સપાટીએ બંધ રહ્યો હતો. જે લોંગ પોઝીશનમાં ઉમેરો સૂચવે છે. માર્કેટમાં 23200ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવવી જોઈએ.
સોમવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા કાઉન્ટર્સમાં એમએન્ડએમ, પાવર ગ્રીડ કોર્પોરેશન, શ્રીરામ ફાઈનાન્સ, ગ્રાસિમ, સન ફાર્મા, તાતા કન્ઝ્યૂમર, બજાજ ઓટો, એપોલો હોસ્પિટલ, હીરો મોટોકોર્પ, નેસ્લે, અલ્ટ્રાટેકસિમેન્ટ, આઈટીસી, એનટીપીસી, ડો. રેડ્ડીઝ લેબ્સનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, ઈન્ડસઈન્ડ બેંક, સિપ્લા, અદાણી પોર્ટ્સ, કોલ ઈન્ડિયા, તાતા સ્ટીલ, રિલાયન્સ ઈન્ડ., એસબીઆઈ લાઈફ, બીપીસીએલ, એક્સિસ બેંક, બજાજ ફાઈનાન્સ, બ્રિટાનિયામાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો ઓટો, એફએમસીજી, રિઅલ્ટી, પીએસઈ મજબૂતી દર્શાવતાં હતાં. જ્યારે મેટલ, ફાર્મા, મિડિયામાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 0.9 ટકા મજબૂતી સાથે સુધરવામાં ટોચ પર હતો. જેનો ઘટકોમાં ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ, એમએન્ડએમ, અશોક લેલેન્ડ, બજાજ ઓટો, સોના બીએલડબલ્યુ, હીરો મોટોકોર્પ, બોશ, આઈશર મોટર્સ, મધરસન, ટીવીએસ મોટરમાં મજબૂતી જોવા મળતી હતી. નિફ્ટી એફએમસીજી પણ પોણો ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં જ્યુબિલિઅન્ટ ફૂડ, યુનાઈટેડ સ્પિરિટ્સ, ઈમામી, મેરિકો, ગોદરેજ કન્ઝ્યૂમર, ડાબર ઈન્ડિયામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી કન્ઝમ્પ્શન પણ 0.9 ટકા વૃદ્ધિ દર્શાવતો હતો. જેના ઘટકોમાં ઈન્ફો એજ, યુનાઈડેટ સ્પિરિટ્સ, એમએન્ડએમ, ટ્રેન્ટ, મેરિકોનો સમાવેશ થતો હતો. નિફ્ટી પીએસયૂ બેંકમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, પ્રાઈવેટ બેંકમાં મજબૂતી પાછળ બેંક નિફ્ટી પોઝીટીવ બંધ સૂચવતો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર કરીએ તો એસ્ટ્રાલ લિમિટેડ 5 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, કમિન્સ ઈન્ડિયા, ગોદરેજ પ્રોપર્ટીઝ, ઈન્ફો એજ, જ્યુબિલિઅન્ટ ફૂડ, યુનાઈટેડ સ્પિરિટ્સ, હિંદુસ્તાન એરોનોટીક્સ, એમએન્ડેએમ, કેન ફિન હોમ્સ, ટ્રેન્ટ, પોલીકેબ, ચોલા ઈન્વે., મેરિકો, આરઈસી, શ્રીરામ ફાઈનાન્સ, પાવર ગ્રીડ કોર્પોરેશમાં ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, કોન્કોર, સેઈલ, આરબીએલ બેંક, સન ટીવી નેટવર્ક, સિપ્લા, આલ્કેમ લેબ, ઈન્ડસઈન્ડ બેંક, એનએમડીસી, નાલ્કો, તાતા કેમિકલ્સ, ઝી એન્ટરટેઈનમેન્ટમાં વેચવાલી જોવા મળી હતી.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં બોમ્બે બર્માહ, રૂટ મોબાઈલ, એસ્ટ્રાલ લિમિટેડ, જેકે પેપર, આશાહી ઈન્ડિયા, બ્રિગેટ એન્ટરપ્રાઈઝ, એલ્ગી ઈક્વિપમેન્ટ્સ, રેલટેલ, મિંડા કોર્પ, પ્રેસ્ટીજ એસ્ટેટ, કમિન્સ ઈન્ડિયા, ગોદરેજ પ્રોપર્ટીઝનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, ઓલકાર્ગોએ વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું.
જેપી મોર્ગન ઈમર્જિંગ માર્કેટ બોન્ડમાં ભારતના પ્રવેશથી ત્રણ માર્કેટનું વેઈટેજ ઘટશે
ભારતનું વેઈટેજ 10 ટકા પર લઈ જવાના કિસ્સામાં થાઈલેન્ડ, પોલેન્ટ અને ઝેક રિપબ્લિકનું વેઈટેજ ઘટશે
જેપી મોર્ગન ઈમર્જિંગ માર્કેટ બોન્ડ ઈન્ડેક્સમાં ભારતીય બોન્ડ્સના પ્રવેશની અસરે થાઈલેન્ડ, પોલેન્ડ અને ઝેક રિપબ્લિક જેવા ઈમર્જિંગ દેશોનું વેઈટેજ આગામી 10-મહિનામાં નોંધપાત્ર ઘટાડો દર્શાવશે એમ એચએસબીસીએ તેની તાજેતરની નોટમાં નોંધ્યું છે. ભારત સરકારના બોન્ડ 28 જૂન, 2024થી જેપીમોર્ગન બોન્ડ ઈન્ડેક્સમાં સમાવેશ પામશે.
ભારતીય બોન્ડ્સને 10 ટકા વેઈટેજ આપવા માટે અન્ય ઈમર્જિંગ માર્કેટ્સના વેઈટેજમાં ફેરફાર કરવાનું થશે. જેને કારણે કેટલાંક માર્કેટ્સનું વેઈટેજ ઘટશે એમ એચએચબીસીના સિનિયર ગ્લોબલ ઈમર્જિંગ માર્કેટ્સ રેટ્સ સ્ટ્રેટેજિસ્ટ નોંધે છે. ભારતનો ઈન્ડેક્સમાં પ્રવેશ 10-મહિનામાં તબક્કાવાર થવાનો છે. જ્યારપછી તેનું વેઈટેજ 10 ટકા પર પહોંચશે. જે ત્રણ માર્કેટ્સના વેઈટેજમાં ઘટાડો થવાનો છે તેમાં થાઈલેન્ડ, પોલેન્ડ અને ઝેક રિપબ્લિક મુખ્ય હશે.
ગઈ 21 સપ્ટેમ્બર, 2023ના રોજ જેપીમોર્ગન ઈન્ડેક્સમાં ભારતીય બોન્ડ્સના પ્રવેશની જાહેરાતથી લઈ અત્યાર સુધીમાં કુલ 10.4 અબજ ડોલરનો ઈનફ્લો જોવા મળ્યો છે. આની સરખામણી અગાઉના વર્ષો સાથે કરીએ તો 2022-23માં પ્રથમ આંઠ મહિનામાં 2.4 અબજ ડોલરનો ઈનફ્લો જ સરકારી જામીનગીરીઓમાં જોવા મળ્યો હતો. જ્યારે 2021 અને 2022માં 1-1 અબજ ડોલરનો આઉટફ્લો જોવા મળ્યો હતો.
ભારતી એરટેલની ઈન્ડુસ ટાવર્સમાં વધુ 3 ટકા હિસ્સો ખરીદવા વાતચીત
કંપની વોડાફોન આઈડિયા પાસેથી ટકા હિસ્સાને ખરીદી ઈન્ડુસમાં હિસ્સાને 52 ટકા પર લઈ જશે
દેશમાં બીજા ક્રમની ટેલિકોમ કંપની ભારતી એરટેલે ટેલિકોમ ટાવર કંપની ઈન્ડુસ ટાવર્સમાં વધુ ત્રણ ટકા હિસ્સો ખરીદવા માટે વોડાફોન સાથે વાતચીત શરૂ કરી હોવાનું જાણવા મળે છે. વર્તુળોના મતે વોડાફોન પાસેથી 3 ટકા હિસ્સો ખરીદી ભારતી એરટેલ ઈન્ડુસ ટાવર્સમાં તેના હિસ્સાને 52 ટકા પર લઈ જઈ શકે છે. એ વાત નોંધવી રહી કે ગયા સપ્તાહે વોડાફોને ઈન્ડુસ ટાવર્સમાંના તેના 18 ટકા હિસ્સાનું વેચાણ કરી રૂ. 15,300 કરોડ ઊભા કર્યાં હતાં.
જો આ પ્રસ્તાવિત ત્રણ ટકા હિસ્સાની ખરીદી સફળ રહેશે તો ભારતીય એરટેલ ઈન્ડુસ ટાવર્સમાં 52 ટકાના બહુમતી હિસ્સા સાથે સૌથી મોટી શેરધારક બનશે. જ્યારે વોડાફોન પાસે 3.1 ટકા હિસ્સો બાકી રહેશે. ગયા સપ્તાહે ભારતી એરટેલે વોડાફોન પાસેથી એક ટકા હિસ્સો ખરીદી ઈન્ડુસ ટાવર્સમાં હોલ્ડિંગને 49 ટકા કર્યું હતું.
એક મિડિયા અહેવાલ મુજબ ભારતી એરટેલ ઈન્ડુસ ટાવર્સને તેના ડેટા સેન્ટર બિઝનેસ નક્ષત્ર સાથે મર્જ કરવાનું વિચારી રહી છે. ઈન્ડુસ ટાવર્સમાંથી ઊભી થનારી કેશનો ઉપયોગ નક્ષત્રના વિસ્તરણ માટે કરાશે. આ મર્જર એરટેલના ટેલિકોમ બિઝનેસને વધુ એસેટ લાઈટ બનાવવા સાથે નોંધપાત્ર વેલ્યૂઅનલોકિંગ કરશે એમ માનવામાં આવે છે. જે કાર્લાઈલને તેના રોકાણમાંથી એક્ઝિટ પણ પૂરી પાડશે. કંપનીએ નક્ષત્રમાં 2020માં હિસ્સો ખરીદ્યો હતો.
એસએન્ડપીએ 2024-25 માટે ભારતીય GDP વૃદ્ધિ દરને 6.8 ટકા અંદાજ્યો
રેટિંગ એજન્સીએ આરબીઆઈની સરખામણીમાં નીચા ગ્રોથ રેટની આગાહી કરી
વૈશ્વિક રેટિંગ એજન્સી એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે ચાલુ નાણાકિય વર્ષ માટે ભારતનો જીડીપી વૃદ્ધિ દર 6.8 ટકા રહેવાની આગાહી કરી છે. એજન્સીએ ઊંચા ઈન્ટરેસ્ટ રેટને ધ્યાનમાં રાખી આમ કર્યું છે. એશિયા પેસિફિક માટેના તેના ઈકોનોમિક આઉટલૂકમાં એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે જણાવ્યું છે કે ભારતનો આર્થિક વૃદ્ધિ દર ઉપરી બાજુ સરપ્રાઈઝ આપવાનું ચાલુ રાખી શકે છે. તેણે 2023-24માં 8.2 ટકાના વૃદ્ધિ દરને ધ્યાનમાં રાખી આ પ્રકારનું નિવેદન કર્યું હતું.
જોકે, ઊંચા વ્યાજ દરો અને નોન-એગ્રીકલ્ચર સેક્ટર્સમાં નીચી માગને જોતાં તેણે ચાલુ નાણા વર્ષમાં વૃદ્ધિ દર થોડો ધીમો પડવાની અપેક્ષા દર્શાવી છે. એજન્સીએ 2025-26 અને 2026-27 માટે અનુક્રમે 6.9 ટકા અને 7 ટકાના વૃદ્ધિ દરની આગાહી કરી છે.
એ વાત નોંધવી રહી છે આરબીઆઈએ ચાલુ વર્ષ માટે 7.2 ટકા વૃદ્ધિ દરનો અંદાજ બાંધ્યો છે. જ્યારે ફિટ રેટિંગે પણ 2024-25 માટે 7.2 ટકાનો ગ્રોથ અંદાજ્યો છે. મૂડીઝ રેટિંગ્સ અને ડેલોઈટ ઈન્ડિયાએ ચાલુ વર્ષ માટે 6.6 ટકા ગ્રોથ રેટની વાત કરી છે. જ્યારે મોર્ગન સ્ટેનલીએ 6.8 ટકા ગ્રોથ રેટ અંદાજ્યો છે.
June 24, 2024