બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
શેરબજારમાં સાંકડી રેંજમાં ટ્રેડિંગ વચ્ચે સાવચેતીનો માહોલ
વોલેટિલિટી ઈન્ડેક્સ સાધારણ વૃદ્ધિ સાથે 20.27ના સ્તરે બંધ
એશિયન બજારોમાં પણ નરમાઈ જોવા મળી
બ્રોડ માર્કેટમાં બીજા સત્રમાં ખરીદી વચ્ચે બ્રેડ્થ મજબૂત
પીએસઈ, પીએસયૂ બેંક, રિઅલ્ટી, એનર્જી, ફાર્મામાં મજબૂતી
ઓટો, એફએમસીજી, બેંકિંગમાં નરમાઈ
હિતાચી એનર્જી, થર્મેક્સ, સિમેન્સ, સીજી પાવર, સ્ટર્લિંગ વિલ્સન નવી ટોચે
ભારતીય શેરબજારમાં બુધવારે સાંકડી રેંજમાં કામકાજ વચ્ચે સાવચેતી જોવા મળી હતી. જોકે, પસંદગીના કાઉન્ટર્સમાં નોંધપાત્ર ખરીદી નીકળી હતી. બીએસઈ સેન્સેક્સ 118 પોઈન્ટ્સ નરમાઈ સાથે 72987ની સપાટીએ જ્યારે નિફ્ટી 17 પોઈન્ટ્સ ધટી 22201ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ બીજા સત્રમાં ખરીદી જળવાય હતી અને બ્રેડ્થ મજબૂતી જોવા મળી હતી. બીએસઈ ખાતે 3925 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2201 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1591 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. 179 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 33 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 0.4 ટકા મજબૂતી સાથે 20.27ના સ્તરે પોઝીટીવ બંધ રહ્યો હતો. આમ, વોલેટિલિટીમાં વૃદ્ધિ જળવાય હતી.
બુધવારે એશિયન બજારોમાં મહ્દઅઁશે નરમાઈ જોવા મળતી હતી. જોકે, તેમ છતાં ભારતીય બજારે ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યું હતું. જોકે, શરૂઆતી કલાકમાં તે નેગેટિવ ઝોનમાં ઉતરી ગયું હતું. જ્યાંથી પરત ફર્યું હતું. ઈન્ટ્રા-ડે ધોરણે નિફ્ટી 22297ની ટોચ બનાવી 22201 પર બંધ આપી 22200ની સપાટી જાળવવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 81 પોઈન્ટ્સ પ્રિમિયમ સાથે 22281ની સપાટીએ બંધ રહ્યો હતો. જે પ્રિમિયમમાં 11 પોઈન્ટ્સનો ઘટાડો દર્શાવતો હતો. લોંગ ટ્રેડર્સ 21800ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવી શકે છે. જ્યારે શોર્ટ ટ્રેડર્સે 22450નો સ્ટોપલોસ રાખવાનો રહેશે.
નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં કોલ ઈન્ડિયા, સિપ્લા, બીપીસીએલ, ભારતી એરટેલ, પાવર ગ્રીડ કોર્પોરેશન, એનટીપીસી, એમએન્ડએમ, હિંદાલ્કો, લાર્સન, એચસીએલ ટેક્નોલોજી, અદાણી પોર્ટ્સ, એક્સિસ બેંક, વિપ્રો, અદાણી એન્ટરપ્રાઈઝિસ, તાતા સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેંક, હીરો મોટોકોર્પ, એમએન્ડએમનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, એશિયન પેઈન્ટ્સ, તાતા મોટર્સ, બજાજ ઓટો, આઈશર મોટર્સ, એચડીએફસી બેંક, બ્રિટાનિયા, જેએસડબલ્યુ સ્ટીલ, સન ફાર્મા, એચયૂએલ, એચડીએફસી લાઈફ, ટાઈટન કંપનીમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો પીએસઈ, પીએસયૂ બેંક, રિઅલ્ટી, એનર્જી, ફાર્મામાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે ઓટો, એફએમસીજી, બેંકિંગ નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ 1.8 ટકા વૃદ્ધિ સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં કોલ ઈન્ડિયા, પાવર ફાઈનાન્સ, બીપીસીએલ, એચપીસીએલ, હિંદુસ્તાન એરોનોટીક્સ, ઓઈલ ઈન્ડિયા, પાવર ગ્રીડ કોર્પોરેશન, એનટીપીસી, આઈઓસીમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી પીએસયૂ બેંક પણ 1.4 ટકા સાથે પોઝીટીવ બંધ સૂચવતો હતો. જેના ઘટકોમાં કેનેરા બેંક, ઈન્ડિયન બેંક, યુનિયન બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, બેંક ઓફ ઈન્ડિયા, યૂકો બેંક, બેંક ઓફ બરોડા, જેકે બેંક, સેન્ટ્રલ બેંકમાં ખરીદી નીકળી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો સિમેન્સ 7 ટકા સાથે સૌથી વધુ ઉછળ્યો હતો. આ ઉપરાંત, કેનેરા બેંક, કોલ ઈન્ડિયા, સિપ્લા, ઓબેરોય રિઅલ્ટી, ઈન્ટરગ્લોબ એવિએશન, પાવર ફાઈનાન્સ, બીપીસીએલ, સમિન્સ, એચપીસીએલ, હિંદુસ્તાન એરોનોટીક્સ, મેક્સ ફાઈનાન્સિયલ, એચડીએફસી એએમસી, પોલીકેબ, મણ્ણાપુરમ ફાઈનાન્સ, ભારતી એરટેલ, પાવર ગ્રીડ કોર્પો.માં નોંધપાત્ર ખરીદી નીકળી હતી. બીજી બાજુ, કોલગેટ, આરતી ઈન્ડ., બોશ, મહાનગર ગેસ, એયૂ સ્મોલ ફાઈ., બર્ગર પેઈન્ટ્સ, એશિયન પેઈન્ટ્સ, દિપક નાઈટ્રેટમાં નરમાઈ જોવા મળી હતી.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં હિતાચી એનર્જી, થર્મેક્સ, સિમેન્સ, સીજી પાવર, સ્ટર્લિંગ વિલ્સન, લિંડે ઈન્ડિયા, વિજયા ડાયગ્નોસ્ટીક, ટિમકેન, જ્યુપિટર વેગન્સ, ઓબેરોય રિઅલ્ટી, વીગાર્ડનો સમાવેશ થતો હતો.
એપ્રિલમાં દેશની વેપાર ખાધ વધીને 19.1 અબજ ડોલર પર પહોંચી
દેશની નિકાસ વધી 34.99 અબજ ડોલર પર જોવા મળી
જ્યારે આયાત 54.09 અબજ ડોલર પર રહી
નાણા વર્ષ 2024-25ના પ્રથમ મહિના એપ્રિલ દરમિયાન દેશની વેપારી ખાધ(ટ્રેડ ડેફિસિટ) વધીને 19.1 અબજ ડોલર પર જોવા મળી હતી એમ કેન્દ્રિય વાણિજ્ય મંત્રાલયનો ડેટા સૂચવે છે. માર્ચ, 2024માં વેપાર ખાધ 15.6 અબજ ડોલર પર નોંધાઈ હતી. જે 11-મહિનાની સૌથી નીચી ખાધ હતી.
એપ્રિલ દરમિયાન દેશની નિકાસ 1.06 ટકા વધી 34.99 અબજ ડોલર પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 34.62 અબજ ડોલર પર જોવા મળી હતી. દેશની આયાત એપ્રિલમાં 54.09 અબજ ડોલર પર નોંધાઈ હતી. જે વાર્ષિક ધોરણે 10 ટકા વૃદ્ધિ સૂચવે છે. ગયા વર્ષે એપ્રિલમાં 49.06 અબજ ડોલરની આયાત જોવા મળી હતી. એપ્રિલમાં માલ-સામાનની નિકાસમાં વૃદ્ધિ જોવા મળી હોવાનું કેન્દ્રિય વાણિજ્ય સચિવે જણાવ્યું હતું.
માર્ચ-2024માં નિકાસ ઘટીને 41.68 અબજ ડોલર પર રહી હતી. જે અગાઉના વર્ષે સમાનગાળામાં 41.96 અબજ ડોલર પર જોવા મળતી હતી. એપ્રિલમાં દેશમાં ગોલ્ડની આયાતમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી અને તે માર્ચમાં 1.53 અબજ ડોલરની સરખામણીમાં 3.11 અબજ ડોલર પર રહી હતી. જોકે, દેશની ક્રૂડ ઓઈલની આયાતમાં સાધારણ ઘટાડો નોંધાયો હતો અને તે માર્ચની 17.23 અબજ ડોલરની સરખામણીમાં ઘટી 16.46 અબજ ડોલર પર રહી હતી.
દેશમાં સર્વિસ એક્સપોર્ટ્સની વાત કરીએ તો એપ્રિલમાં 29.57 અબજ ડોલર પર જોવા મળઈ હતી. જ્યારે આયાત 16.97 અબજ ડોલર પર રહી હતી. માર્ચ મહિનામાં સર્વિસની નિકાસ 28.54 અબજ ડોલર પર જ્યારે આયાત 15.84 અબજ ડોલર પર જોવા મળી હતી.
ચૂંટણીને લઈ અનિશ્ચિતતા વચ્ચે માર્કેટમાં વોલેટિલિટીઃ માર્ક મોબિયસ
FIIsની ભારે વેચવાલી પાછળ પણ ચૂંટણીના પરિણામોને લઈ અનિશ્ચિતતા કારણભૂત
જાણીતા ઈમર્જિંગ માર્કેટ રોકાણકાર માર્ક મોબિયસે તાજેતરમાં શેરબજારમાં જોવા મળી રહેલી અનિશ્ચિતતાઓ પાછળ લોકસભા ચૂંટણીને લઈ અનિશ્ચિતતાને કારણભૂત ગણાવી છે. તેમના મતે લોકોની ચૂંટણીના પરિણામો પર ચાંપતી નજર છે.
મોબિયસના મતે માર્કેટનું ઈમોશ્નલ રિએક્શન રોકાણકારો માટે રોકાણની તકો રજૂ કરે છે. જ્યારે પણ માર્કેટ ઈમોશન્સથી પ્રેરિત હોય ત્યારે તમારે તેનું ઊલટું કરવાનું રહે છે. જો સહુકોઈ વેચતા હોય તો તમારે ખરીદવું જોઈએ અથવા તેનાથી ઊલટું કરવું જોઈએ એમ મોબિયસે રોકાણકારોને સલાહ આપી હતી.
વિદેશી સંસ્થાકિય રોકાણકારો(એફઆઈઆઈ) તરફથી નોંધપાત્ર આઉટફ્લો અંગે પણ મોબિયસે ચૂંટણીના પરિણામોને લઈ અનિશ્ચિતતાને કારણભૂત ગણાવી હતી. તેમના મતે વિશ્વભરમાં રોકાણકારોને અનિશ્ચિતતા અકળાવતી હોય છે. જ્યારે ચૂંટણીના પરિણામો હંમેશા અનિશ્ચિત હોય છે. મોબિયસ માર્કેટ અને આર્થિક દેખાવને લઈ આશાવાદી છે. ખાસ કરીને વર્તમાન સરકાર સત્તા જાળવી રાખશે તો બંને સેક્ટર સારો દેખાવ દર્શાવશે. ભારત ફોરેન ટેક્નોલોજિકલ ઈન્વેસ્ટમેન્ટ આકર્ષવા માટે ઊંચી શક્યતાં ધરાવે છે એમ તેમણે નોંધ્યું હતું. ભારત ટેક્નીકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યૂફેક્ચરિંગ માટે હબ બની શકે છે એમ તેમણે જણાવ્યું હતું. તે ચીન, તાઈવાન, યુએસ અને અન્ય દેશો ખાતેથી મેન્યૂફેક્ચરર્સને આકર્ષી શકે છે.
બર્ગર પેઈન્ટ્સનો માર્ચ ક્વાર્ટર નફો 20 ટકા વધી રૂ. 223 કરોડ પર જોવા મળ્યો
કંપનીએ પ્રતિ શેર રૂ. 3.5ના ડિવિડન્ડની જાહેરાત કરી
બર્ગર પેઈન્ટ્સ ઈન્ડિયાએ માર્ચ ક્વાર્ટર માટે રૂ. 222.62 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે વાર્ષિક ધોરણે 19.7 ટકા વૃદ્ધિ સૂચવે છે. ત્રિમાસિક ધોરણે જોકે કંપનીનો પ્રોફિટ 25.8 ટકા ઘટાડો દર્શાવે છે. કંપનીની આવક સાધારણ વધી રૂ. 2520.28 કરોડ પર જોવા મળી હતી. જ્યારે સમગ્ર વર્ષ માટે કંપનીની આવક રૂ. 11,198.9 કરોડ પર રહી હતી. જે 6 ટકા વૃદ્ધિ સૂચવે છે. પેઈન્ટ કંપનીએ પ્રતિ શેર રૂ. 3.5નું ડિવિડન્ડ જાહેર કર્યું હતું. કંપનીનો એબિટા 4.8 ટકા ગગડી રૂ. 351 કરોડ પર નોંધાયો હતો. કંપનીનો શેર બુધવારે 1.69 ટકા ઘટાડે રૂ. 486.35ના સ્તરે બંધ રહ્યો હતો.
Market Summary 15/05/2024
May 15, 2024