બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
માર્કેટમાં સતત પાંચમા સત્રમાં મંદીઃ નિફ્ટીએ 22000ની સપાટી તોડી
વોલેટિલિટી ઈન્ડેક્સ 7 ટકા ઉછળી 18.20ના સ્તરે પહોંચ્યો
ઓટો સિવાય તમામ સેક્ટરમાં નરમાઈ
પીએસઈ, મેટલ, એફએમસીજી, ફાર્મા, રિઅલ્ટીમાં 2 ટકાથી વધુનો ઘટાડો
બ્રોડ માર્કેટમાં ભારે વેચવાલી વચ્ચે બ્રેડ્થ નેગેટિવ જળવાય
ટિમકેન, એમએન્ડએમ, એસબીઆઈ, આઈશર મોટર્સ, એવન્યૂ સુપર માર્ટ નવી ટોચે
એશિયન પેઈન્ટ્સ, સિન્જિન, એચડીએફસી લાઈફ, રામ્કો સિમેન્ટ્સ નવા તળિયે
ભારતીય શેરબજારમાં સતત પાંચમા સત્રમાં વેચવાલીનો દોર જળવાયો હતો અને બેન્ચમાર્ક્સ દોઢ ટકા ઘટાડો દર્શાવતાં હતાં. બીએસઈ સેન્સેક્સ 1062 પોઈન્ટ્સ ઘટાડે 72404ની સપાટીએ જ્યારે નિફ્ટી 345 પોઈન્ટ્સ નરમાઈ સાથે 21958ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ ઊંચી વેચવાલી પાછળ બ્રેડ્થ નરમ જોવા મળતી હતી. બીએસઈ ખાતે કુલ 3926 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2910 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 924 કાઉન્ટર્સે પોઝીટીવ બંધ આપ્યું હતું. 160 કાઉન્ટર્સે વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ નોંધાવી હતી. જ્યારે 45 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 7 ટકા ઉછળી 18.20ના સ્તરે બંધ રહ્યો હતો.
ગુરુવારે બેન્ચમાર્ક નિફ્ટી ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવી સતત ઘસાતો રહ્યો હતો. બંધ થતાં પહેલાં તે 22000ની સપાટી નીચે ઉતરી ગયો હતો અને તેની નીચે જ બંધ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 115 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 20073ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રના 92 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે 23 પોઈન્ટ્સ વૃદ્ધિ દર્શાવે છે. આમ, માર્કેટમાં લોંગ પોઝીશનમાં ઘટાડાના સંકેત નથી. જેનો અર્થ માર્કેટમાં નજીકના સમયમાં બાઉન્સ સંભવ હોવાનો છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે બેન્ચમાર્કને નજીકમાં 21700નો મજબૂત સપોર્ટ છે. જે તૂટવાની સંભાવના નીચી છે. ઉપર બાજુએ 22425ની સપાટી પાર થવી જરૂરી છે. જે ફરીથી તેજીનો ઝોન ગણાશે.
નિફ્ટીના પ0 કાઉન્ટર્સમાંથી માત્ર સાત કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 43 કાઉન્ટર્સમાં ઘટાડો નોંધાયો હતો. બેન્ચમાર્કને સપોર્ટ કરનારા કાઉન્ટર્સમાં હિરો મોટોકોર્પ, તાતા મોટર્સ, એમએન્ડએમ, બજાજ ઓટો, એસબીઆઈ, ઈન્ફોસિસ અને એચસીએલ ટેક્નોલોજીનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, લાર્સન, એશિયન પેઈન્ટ્સ, બીપીસીએલ, કોલ ઈન્ડિયા, ઓએનજીસી, આઈટીસી, શ્રીરામ ફાઈનાન્સ, ડિવિઝ લેબ્સ, જેએસડબલ્યુ સ્ટીલ, અદાણી એન્ટરપ્રાઈઝ, બ્રિટાનિયા, ડો. રેડ્ડીઝ લેબ્સ, બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેંકમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સ પર નજર નાખીએ તો એકમાત્ર નિફ્ટી ઓટોમાં પોઝીટીવ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. જ્યારે પીએસઈ, એફએમસીજી, ફાર્મા, મેટલ, રિઅલ્ટીમાં 2 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી પીએસઈ ત્રણ ટકાથી વધુ ગગડ્યો હતો. જેમાં એનએચપીસી, પાવર ફાઈનાન્સ, એનએમડીસી, નાલ્કો, ભેલ, સેલ, બીપીસીએલ, કોલ ઈન્ડિયા, આરઈસી, એચપીસીએલ, ઓએનજીસી, આઈઓસી, ગેઈલ, ઓઈલ ઈન્ડિયા, કોન્કોર, એનટીપીસી, ભારત ઈલે.માં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી મેટલ પણ લગભગ ત્રણ ટકા જેટલો ગગડ્યો હતો. જ્યારે નિફ્ટી એફએમસીજી 2.5 ટકા અને નિફ્ટી ફાર્મા 2.2 ટકા ઘટાડો સૂચવતાં હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો ટીવીએસ મોટર 3.4 ટકા સાથે સૌથી વધુ સુધારો દર્શાવતો હતો. આ ઉપરાંત, હીરો મોટોકોર્પ, તાતા મોટર્સ, બંધન બેંક, એમએન્ડએમ, સન ટીવી નેટવર્ક, બજાજ ઓટો, એસબીઆઈ, ઈન્ફોસિસ અને પિડિલાઈટ ઈન્ડ.માં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, પિરામલ એન્ટરપ્રાઈઝ, મણ્ણાપુરમ ફાઈ., લાર્સન, આરતી ઈન્ડ., નવીન ફ્લોરિન, યુનાઈટેડ બ્રૂઅરિઝ, પાવર ફાઈનાન્સ, એનએમડીસી, તાતા પાવર, સિટી યુનિયન બેંક, નાલ્કો, એશિયન પેઈન્ટ્સ, ભેલ, સેલ, બીપીસીએલ, અતુલ, ચંબલ ફર્ટિલાઈઝર્સમાં ભારે ઘટાડો નોંધાયો હતો.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં ટીમકેન, એમએન્ડએમ, એસબીઆઈ, આઈશર મોટર્સ, સીજી કન્ઝઅયૂમર, પોલીકેબનો સમાવેશ થતો હતો. જ્યારે એશિયન પેઈન્ટ્સ, બર્ગર પેઈન્ટ્સ, દાલમિયા ભારત, સિન્જિન, રામ્કો સિમેન્ટ્સ, એચડીએફસી લાઈફ, ઝી એન્ટર., બાટા ઈન્ડિયાએ નવા તળિયા દર્શાવ્યાં હતાં.
SBIનો માર્ચ ક્વાર્ટર નફો 24 ટકા ઉછળી રૂ. 20698 કરોડ પર નોંધાયો
બેંકે પ્રતિ શેર રૂ. 23.7ના ડિવિડન્ડની કરેલી જાહેરાત
જાહેર ક્ષેત્રની ટોચની બેંક એસબીઆઈએ માર્ચ ક્વાર્ટર માટે રૂ. 20,698.35 કરોડના નફાની જાહેરાત કરી છે. જે વાર્ષિક ધોરણે 24 ટકા વૃદ્ધિ સૂચવે છે. બેંકે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 16,694.5 કરોડનો નફો દર્શાવ્યો હતો. બેંકે એનાલિસ્ટ્સના અંદાજ કરતાં ઊંચો પ્રોફિટ નોંધાવ્યો હતો. એનાલિસ્ટ્સની અપેક્ષા મુજબ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 10432 કરોડથી રૂ. 14743 કરોડના નફાનો અંદાજ હતો. પરિણામોની જાહેરાત પછી ઈન્ટ્રા-ડે એસબીઆઈનો શેર 3.6 ટકા ઉછળી રૂ. 839.6ની સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થયો હતો.
ત્રિમાસિક ધોરણે જોઈએ તો એસબીઆઈનો પ્રોફિટ બમણાથી વધુ વૃદ્ધિ સૂચવતો હતો. ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 9164 કરોડની સામે માર્ચ ક્વાર્ટરમાં નફામાં 125 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. સમગ્ર વર્ષ માટે એસબીઆઈનો નફો રૂ. 61077 કરોડ પર રહ્યો હતો. જે વાર્ષિક 21.59 ટકાની વૃદ્ધિ સૂચવે છે. જેમાં વેજ સેટલમેન્ટ અને રૂ. 7100 કરોડની વન-ટાઈમ અપવાદરૂપ આઈટમનો સમાવેશ થાય છે.
માર્ચ ક્વાર્ટરમાં એસબીઆઈની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ ત્રણ ટકા વધી રૂ. 41,656 કરોડ રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 40,393 કરોડ પર નોંધાઈ હતી. નેટ ઈન્ટરેસ્ટ માર્જિન ત્રિમાસિક ધોરણે 3.22 ટકા પરથી ઉછળી 3.3 ટકા પર જોવા મળ્યો હતો. જોકે, ગયા વર્ષે સમાનગાળામાં તે 3.6 ટકા પર હતાં. બેંકનો એબિટા રૂ. 28,747 કરોડ પર નોંધાયો હતો. જે વાર્ષિક ધોરણે 16.7 ટકા વૃદ્ધિ દર્શાવતો હતો. ડિસેમ્બર ક્વાર્ટરમાં બેંકનો એબિટા રૂ. 20,336 કરોડ હતો.
બેંકના બોર્ડે પ્રતિ શેર રૂ. 13.70ના ડિવિડન્ડની જાહેરાત કરી હતી. જે માટે 22 મેને રેકર્ડ ડેટ તરીકે ફિક્સ કરવામાં આવી હતી. જ્યારે 5 જૂને ડિવિડન્ડની ચૂકવણી કરવામાં આવશે.
HPCLનો માર્ચ ક્વાર્ટર નફો 25 ટકા ગગડી રૂ. 2709 કરોડ પર જોવાયો
નીચા રિફાઈનીંગ માર્જિન્સ પાછળ નફા પર પ્રતિકૂળ અસર પડી
કંપનીના બોર્ડે બે શેર દીઠ એક બોનસ શેરની કરેલી જાહેરાત
સરકાર માલિકીની ઓઈલ માર્કેટિંગ કંપની એચપીસીએલે માર્ચ ક્વાર્ટર માટે રૂ. 2709 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 25 ટકા ઘટાડો સૂચવે છે. ગયા વર્ષે સમાનગાળામાં કંપનીએ રૂ. 3608 કરોડનો પ્રોફિટ નોંધાવ્યો હતો. કંપનીનું રિફાઈનીંગ માર્જિન ઘટીને 6.93 ડોલર પ્રતિ બેરલ જોવા મળ્યું હતું. જે અગાઉના ક્વાર્ટરમાં 8.5 ડોલર પર નોંધાયું હતું.
એચપીસીએલના બોર્ડે વર્તમાન દરેક બે શેર્સ સામે એક બોનસ શેરની જાહેરાત કરી હતી. માર્ચ ક્વાર્ટરમાં કંપનીનું ટર્નઓવર રૂ. 1.22 લાખ કરોડનું જોવા મળ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1.15 લાખ કરોડ પર હતું. સમગ્ર 2023-24 માટે એચપીસીએલે રૂ. 16015 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો. જે અગાઉના વર્ષની સરખામણીમાં ખૂબ ઊંચી વૃદ્ધિ સૂચવે છે. 2022-23માં એચપીસીએલે રૂ. 6980.23 કરોડની ખોટ દર્શાવી હતી.
એશિયન પેઈન્ટ્સનો પ્રોફિટ 1.8 ટકા વધી રૂ. 1257 કરોડ પર રહ્યો
કંપનીના બોર્ડે શેર દિઠ રૂ. 28.15ના ઈન્ટરિમ ડિવિડન્ડની કરેલી જાહેરાત
એશિયન પેઈન્ટ્સ લિમિટેડે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1257 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 1.82 ટકા વૃદ્ધિ સૂચવે છે. ગયા વર્ષે સમાનગાળામાં કંપનીએ રૂ. 1234.14 કરોડનો પ્રોફિટ નોંધાવ્યો હતો. ત્રિમાસિક ધોરણે કંપનીનો નફો 13.19 ટકા ગગડી રૂ. 1447.72 કરોડ પર જોવા મળ્યો હતો.
કંપનીની કામકાજી આવક 0.64 ટકા ગગડી રૂ. 8730.76 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 8787.34 કરોડ પર જોવા મળી હતી. ડિસેમ્બર ક્વાર્ટરમાં આવક રૂ. 9103 કરોડ પર નોંધાઈ હતી.
સમગ્ર નાણા વર્ષ માટે કંપનીએ રૂ. 5460 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે વાર્ષિક ધોરણે 33 ટકા વૃદ્ધિ સૂચવે છે. 2022-23માં કંપનીએ રૂ. 4106 કરોડનો નફો નોંધાવ્યો હતો. કંપનીની કામકાજી આવક વર્ષ દરમિયાન 2.91 ટકા વધી રૂ. 35,495 કરોડ પર રહી હતી. જે અગાઉના વર્ષે રૂ. 34,489 કરોડ પર જોવા મળી હતી. કંપનીની કુલ આવક 3 ટકા વધી રૂ. 36183 કરોડ પર નોંધાઈ હતી.
કંપનીના ડેકોરેટીવ અને ઈન્ડસ્ટ્રીઅલ કોટિંગ્સે સંયુક્તપણે 10 ટકા વોલ્યુમ વૃદ્ધિ નોંધાવી હતી. જ્યારે વેલ્યૂના સંદર્ભમાં 3.9 ટકા વૃદ્ધિ દર્શાવી હતી. ઈન્ડસ્ટ્રીઅલ સેગમેન્ટે વેલ્યૂમાં દ્વિઅંકી વૃદ્ધિ સૂચવી હતી.
Market Summary 09/05/2024
May 09, 2024