બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
શેરબજારમાં બાઉન્સનો અભાવ, નીચા મથાળે સાંપડેલો સપોર્ટ
નિફ્ટી 22200ના સપોર્ટને જાળવવામાં સફળ
વોલેટિલિટી ઈન્ડેક્સ 0.41 ટકા સુધરી 17.08ના સ્તરે બંધ
ઓટો, મેટલ, પીએસઈ, એફએમજીસીમાં મજબૂતી
આઈટી, ફિન.સર્વિસિઝ, બેંકિંગમાં નરમાઈ
બ્રોડ માર્કેટમાં સપ્તાહ પછી ખરીદી પાછી ફરી
ભારત ફોર્જ, એબીબી, સિમેન્સ, હિંદુસ્તાન ઝીંક, સેન્ચ્યૂરી નવી ટોચે
પેટીએમ, સિન્જિન, રામ્કો સિમેન્ટ્સ નવા તળિયે
એશિયન બજારોમાં 2 ટકા સુધીના ઘટાડા વચ્ચે ભારતીય શેરબજારમાં ફ્લેટ મૂડ જોવા મળ્યો હતો. માર્કેટ બે બાજની વધ-ઘટ પછી અગાઉના સ્તરે સ્થિર બંધ દર્શાવતું હતું. બીએસઈ સેન્સેક્સ 45 પોઈન્ટ્સ ગગડી 73466ની સપાટીએ જ્યારે નિફ્ટી કોઈપણ ફેરફાર વિના 22303ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ ઘણા સત્રો પછી ખરીદી પરત ફરી હતી. જેની પાછળ બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. બીએસઈ ખાતે કુલ 3926 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2133 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1661 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. 154 કાઉન્ટર્સે તેમના વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જ્યારે 31 કાઉન્ટર્સ 52-સપ્તાહના તળિયે જોવા મળ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 0.4 ટકા વૃદ્ધિ સાથે 17નું સ્તર પાર કરી ગયો હતો.
બુધવારે એશિયન બજારોમાં મહ્દઅઁશે નરમાઈ જોવા મળી રહી હતી. જેની વચ્ચે ભારતીય બજારે ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 22303ના બંધ સામે 22231ની સપાટીએ ખૂલ્યાં પછી ઉપરમાં 22369ની સપાટી પર ટ્રેડ થયો હતો. જ્યારે ઈન્ટ્રા-ડે તેણે 22185નું તળિયું બનાવ્યું હતું. જોકે, ત્યાંથી પરત ફરી 22300ની સપાટી જાળવી હતી. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 90 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 22393ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રની સરખાણીમાં 11 પોઈન્ટ્સ વૃદ્ધિ સૂચવે છે. આમ, માર્કેટમાં ક્યાંય કોઈ લોંગ પોઝીશન ડાયલ્યુશનની સંભાવના નથી. ટેકનિકલ એનાલિસ્ટ્સ 22200ને મહત્વનો સપોર્ટ ગણાવી રહ્યાં છે. જે તૂટશે તો 21700 સુધીનો ઘટાડો સંભવ છે. જ્યારે બીજી બાજુ, 22400-22500ની રેંજ પાર થશે તો માર્કેટ ફરી નવી ટોચ દર્શાવી શકે છે.
બુધવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા કાઉન્ટર્સમાં હિરો મોટોકોર્પ, બીપીસીએલ, તાતા મોટર્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન, હિંદાલ્કો, કોલ ઈન્ડિયા, એનટીપીસી, લાર્સન, મારુતિ સુઝુકી, તાતા ક્ન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, નેસ્લે, ઓએનજીસી, એસબીઆઈ, તાતા સ્ટીલનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, ડો. રેડ્ડીઝ લેબ્સ, એશિયન પેઈન્ટ્સ, ગ્રાસિમ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એસબીઆઈ લાઈફ, એચયૂએલ, એચડીએફસી બેંક, શ્રીરામ ફાઈનાન્સ, એચસીએલ ટેક્નોલોજી, બજાજ ફાઈનાન્સમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો ઓટો, મેટલ, પીએસઈ, એફએમજીસીમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે આઈટી, ફિન.સર્વિસિઝ, બેંકિંગ નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 1.6 ટકા વૃદ્ધિ સૂચવતો હતો. જેના ઘટકોમાં ભારત ફોર્જ, હીરો મોટોકોર્પ, મધરસન, તાતા મોટર્સ, અશોક લેલેન્ડ, એમઆરએફ, બોશ, મારુતિ સુઝુકી, ટીવીએસ મોટરમાં ખરીદી જોવા મળી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ પણ 1.5 ટકા મજબૂતી સૂચવતો હતો. જ્યારે નિફ્ટી પીએસઈ 2.4 ટકા વૃદ્ધિ દર્શાવતો હતો. પીએસયૂ કાઉન્ટર્સમાં આરઈસી, પાવર ફાઈનાન્સ, ગેઈલ, હિંદુસ્તાન એરોનોટિક્સ, સેઈલ, બીપીસીએલ, એનએમડીસીમાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી બેંક જોકે, અડધો ટકા ડાઉન બંધ દર્શાવતો હતો. જેના ઘટકોમાં એચડીએફસી બેંક, ફેડરલ બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક, એયૂ સ્મોલ ફિન. બેંકમાં નરમાઈ જોવા મળતી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો ભારત ફોર્જ 13 ટકાથી વધુ ઉછળી સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. બીજી બાજુ, સીજી કન્ઝ્યૂમર, આરઈસી, પાવર ફાઈનાન્સ, ગેઈલ, એબીબી ઈન્ડિયા, બાયોકોન, ચંબલ ફર્ટિલાઈઝર્સ, સિમેન્સ, આઈજીએલ, પેટ્રોનેટ એલએનજી, ઈન્ટરગ્લોબ એવિએશન, હીરો મોટોકોર્પ, મહાનગર ગેસ, યુનાઈટેડ સ્પિરિટ્સમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, વોલ્ટાસ, પિડિલાઈટ, પિરામલ એન્ટર., કેનેરા બેંક, એસઆરએફ, ચોલા ઈન્વે., ડો. રેડ્ડીઝ લેબ્સમાં વેચવાલી જોવા મળી હતી.
માર્કેટમાં વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં ભારત ફોર્જ, સેન્ચ્યૂરી, હિંદુસ્તાન ઝીંક, સીજી કન્ઝ્યૂમર, એબબી ઈન્ડિયા, સિમેન્સ, યુનાઈટેડ સ્પિરિટ્સ, એસ્કોર્ટ્સ કુબોટા, ગોદરેજ કન્ઝ્યૂમર, મેરીકોનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, પેટીએમ, બર્ગર પેઈન્ટ્સ, સિન્જિન, દાલમિયા ભારત, રામ્કો સિમેન્ટ્સમાં વાર્ષિક તળિયું જોવા મળ્યું હતું.
સેબીએ સ્ટોક ઓપ્શન બાબતે સેટલમેન્ટ સ્કીમ પિરીયડને 10 જૂન સુધી લંબાવ્યો
જાન્યુઆરી, 2021માં સેબીએ જણાવ્યું હતું કે નહિવત પ્રવાહિતા ધરાવતાં સ્ટોક ઓપ્શન્સમાં ગેરરિતી આચરનારી 1018 કંપનીઓએ વન-ટાઈમ સેટલમેન્ટનો લાભ લીધો હતો
કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબીએ 2014 અને 2015માં બીએસઈ ખાતે સ્ટોક ઓપ્શન્સ સેગમેન્ટમાં રિવર્સલ ટ્રેડમાં સંડાવાયેલી કંપનીઓ માટે સેટલમેન્ટ સ્કિમને 10 જૂન સુધી લંબાવી હતી. સેટલમેન્ટ સ્કીમ 11 માર્ચે શરૂ થઈ હતી અને 10 મેના રોજ પૂરી થવાની હતી.
સેબીએ એક જાહેરનામામાં જણાવ્યું હતું કે છેલ્લાં કેટલાંક દિવસોથી જોવા મળ્યું છે કે મોટી સંખ્યામાં કંપનીઓ આ યોજનાનો લાભ લેવા માટે રસ દર્શાવી રહી છે. તેમનો રસ જોતાં સ્કીમને 10 જૂન, 2024 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. રેગ્યુલેટરે 2024માં આઈએસઓ સેટલમેન્ટ સ્કીમ યોજના જાહેર કરી હતી. જે બીએસઈ ખાતે સ્ટોક ઓપ્શન્સમાં ટ્રેડ રિવર્સલ કરનાર કંપનીઓને સેટલમેન્ટ માટેની તક પૂરી પાડે છે. આ યોજના 1 એપ્રિલ, 2014થી 30 સપ્ટેમ્બર, 2015 સુધી બીએસઈ ખાતે સ્ટોક ઓપ્શન્સ સેગમેન્ટમાં ટ્રેડ રિવર્સલ કરનાર તથા જેમની સામે કોઈ ફોરમ કે સત્તામંડળમાં કાર્યવાહી હાથ ધરાવઈ હતી તેમને પ્રાપ્ય બનશે.
જાન્યુઆરી, 2021માં સેબીએ જણાવ્યું હતું કે 1018 કંપનીઓ ઈલિક્વિડ સ્ટોક ઓપ્શન્સના મેનિપ્યુલેશનમાં સંડાવણી ધરાવતી હતી અને તેમણે વન-ટાઈમ બેનિફિટનો લાભ લીધો છે. જોકે, માર્ચ-2023માં રેગ્યુલેટરે જણાવ્યું હતું કે 10,980 કંપનીઓએ 2022માં સ્કીમ હેઠળ સેટલમેન્ટનો લાભ મેળવ્યો હતો.
હીરો મોટોકોર્પે ચોથા ક્વાર્ટરમાં રૂ. 943.46 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો
ગયા વર્ષે રૂ. 811 કરોડના નેટ પ્રોફિટ સામે 17 ટકાની વૃદ્ધિ જોવા મળી
ટુ-વ્હીલર સેગમેન્ટની ટોચની કંપની હીરો મોટોકોર્પે માર્ચ ક્વાર્ટર માટે રૂ. 943.46 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે વાર્ષિક ધોરણે 16.7 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીએ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 810.8 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો. કંપનીની કામકાજી આવક રૂ. 9616.68 કરોડ પર જોવા મળી હતી. જે અગાઉના વર્ષે સમાનગાળામાં રૂ. 8434.28 કરોડ પર હતી.
હીરો મોટોકોર્પે સમાનગાળામાં 13.92 લાખ યુનિટ્સ વાહનોનું વેચાણ કર્યું હતું. જે અગાઉના વર્ષે સમાનગાળા દરમિયાન 12.70 લાખ યુનિટ્સ પર જોવા મળતું હતું. કુલ ખર્ચ રૂ. 8427 કરોડ પર નોંધાયો હતો. જે વર્ષ અગાઉ સમાનગાળામાં રૂ. 7509 કરોડ પર જોવા મળતો હતો. માર્ચ, 2024ની આખરમાં પૂરા થયેલાં વર્ષ દરમિયાન કંપનીનો કુલ નફો રૂ. 3742 કરોડ પર રહ્યો હતો. જે અગાઉના વર્ષે રૂ. 2800 કરોડ પર નોંધાયો હતો. કંપનીની કુલ આવક પણ વાર્ષિક ધોરણે રૂ. 34158 કરોડ પરથી વધી રૂ. 37789 કરોડ પર રહી હતી. વર્ષ દરમિયાન કંપનીએ કુલ 56.21 લાખ યુનિટ્સ મોટરસાઈકલ્સ અને સ્કૂટર્સનું વેચાણ નોંધાવ્યું હતું. જે અગાઉના વર્ષ દરમિયાન 53.29 લાખ યુનિટ્સ પર જોવા મળતું હતું.
આરબીઆઈએ NBFCને રૂ. 20000ની લોન કેશ પેમેન્ટ મર્યાદાનું પાલન કરવા જણાવ્યું
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓને કેશ લોન પેટે રૂ. 20000ની મર્યાદાનું ચુસ્ત પાલન કરવા જણાવ્યું છે. મધ્યસ્થ બેંકે કેશ ટ્રાન્ઝેક્શન્સને અટકાવવાના પ્રયાસરૂપે આમ કર્યું છે. દેશમાં એનબીએફસીને ઉદ્દેશીને લખાયેલાં એક પત્રમાં સેન્ટ્રલ બેંકે જણાવ્યું છે કે ઈન્કમ ટેક્સ એક્ટ, 1961ની 269એસએસ સેક્શનની જોગવાઈઓને અનુસરો. જે મુજબ વ્યક્તિગતરીતે કેશ લોન પેમેન્ટ પેટે મહત્તમ રૂ. 20000ની રકમ જ મેળવી શકાય છે. પરિણામે, કોઈપણ એનબીએફસી રૂ. 20000થી વધુની કેશ લોન ચૂકવી શકશે નહિ.
દેશમાં ટોચની નોન-બેંક લેન્ડર આઈઆઈએફએલ ફાઈનાન્સ સામે લેવામાં આવેલા પગલાં પછી આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. આઈઆઈએફએલ ફાઈનાન્સે ઘણા નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. જેમાં કેશ લોનની મર્યાદા ઉપરાંત અન્ય બાબતોનો સમાવેશ થાય છે.
Market Summary 08/05/2024
May 08, 2024