બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
RBIના હોકિશ વલણ પાછળ માર્કેટમાં સુસ્તી, માર્કેટે ફ્લેટ બંધ દર્શાવ્યું
નિફ્ટીએ 22500ની સપાટી જાળવી રાખી
વોલેટિલિટી ઈન્ડેક્સ એક ટકો મજબૂતી સાથે 11.33ના સ્તરે બંધ
બેંકિંગ, રિઅલ્ટી, એફએમસીજી, ફાર્મામાં મજબૂતી
આઈટી, ઓટોમાં નરમાઈ
બ્રોડ માર્કેટમાં સતત પાંચમા દિવસે ખરીદી જળવાય
એનસીસી, પીબી ફિનટેક, અપાર ઈન્ડ., જીઓ ફાઈ. ઈપ્કા લેબ્સ નવી ટોચે
ભારતીય શેરબજારમાં સપ્તાહનું આખરી સત્ર સુસ્ત જોવા મળ્યું હતું. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેની મોનેટરી સમીક્ષામાં રેટ સ્થિર જાળવી રાખવા સાથે નજીકમાં રેટ કટની શક્યતાં નકારતાં માર્કેટ સાંકડી રેંજમાં અથડાયેલું જોવા મળ્યું હતું. કામકાજની આખરે સેન્સેક્સ 21 પોઈન્ટ્સ મજબૂતી સાથે 74248ની સપાટીએ જ્યારે નિફ્ટી એક ટકા ઘટાડે 22514ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં સતત પાંચમા સત્રમાં ખરીદી પાછળ મજબૂતી જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3948 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2424 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1424 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. 215 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 9 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું. 8 કાઉન્ટર્સ અપર સર્કિટમાં જ્યારે 6 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ જોવા મળ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ એક ટકા મજબૂતી સાથે 11.33ના સ્તરે બંધ રહ્યો હતો.
ગુરુવારે યુએસ માર્કેટમાં વેચવાલી પાછળ એશિયન બજારોમાં નરમાઈ જોવા મળતી હતી. જાપાનનો નિક્કાઈ બે ટકા ઘટાડો સૂચવતો હતો. જે વચ્ચે ભારતીય બજારે ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવ્યું હતું. જોકે, માર્કેટ મોટે ભાગે ફ્લેટ ટ્રેડ દર્શાવતું જોવા મળ્યું હતું. બેન્ચમાર્ક ઈન્ટ્રા-ડે 22428ના તળિયા અને 22538ની ટોચ વચ્ચે અથડાઈ 22500ની સપાટી જાળવી શક્યું હતું. નિફ્ટી સ્પોટ સામે નિફ્ટી ફ્યુચર 96 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 22638ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રના 123 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે 27 પોઈન્ટ્સ ઘટાડો સૂચવે છે. આમ, માર્કેટમાં લોંગ પોઝીશન લિક્વિડ થયાના સંકેતો જોવા મળે છે. માર્કેટ ઓવરબોટ ઝોનમાં છે અને તેથી કોન્સોલિડેશન દર્શાવી શકે છે. 22000ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવી શકાય છે.
નિફ્ટીને શુક્રવારે સપોર્ટ પૂરો પાડનારા કાઉન્ટર્સમાં કોટક મહિન્દ્રા, એસબીઆઈ લાઈફ, એચડીએફસી બેંક, બજાજ ફિનસર્વ, આઈટીસી, એચડીએફસી લાઈફ, શ્રીરામ ફાઈનાન્સ, એસબીઆઈ, અદાણી પોર્ટ્સ, ડો. રેડ્ડીઝ લેબ્સ, એમએન્ડએમ, ઈન્ડસઈન્ડ બેંક, અદાણી એન્ટરપ્રાઈઝ, આઈશર મોટર્સ, આઈસીઆઈસીઆઈ બેંક, ડિવિઝ લેબ્સનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ગ્રાસિમ, બજાજ ઓટો, બજાજ ફાઈનાન્સ, લાર્સન, બીપીસીએલ, હિંદાલ્કો, ભારતી એરટેલ, ટેક મહિન્દ્રા, એશિયન પેઈન્ટ્સમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સ પર નજર નાખીએ તો બેંકિંગ, રિઅલ્ટી, એફએમસીજી, ફાર્મામાં મજબૂતી દર્શાવતાં હતાં. જ્યારે આઈટી, ઓટોમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી બેંક એક ટકા મજબૂતી સાથે સર્વોચ્ચ ટોચ નજીક બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં એયૂ સ્મોલ ફાઈ., કોટક મહિન્દ્રા, આઈડીએફસી ફર્સ્ટ, એચડીએફસી બેંક, ફેડરલ બેંક, પીએનબી નોંધપાત્ર સુધારો સૂચવતાં હતાં. નિફ્ટી રિઅલ્ટી 1.5 ટકા વૃદ્ધિ સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં ગોદરેજ પ્રોપર્ટીઝ, ડીએલએફ, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી, ઓબેરોય રિઅલ્ટી, બ્રિગેડ એન્ટર., સનટેક રિઅલ્ટી, હેમિસ્ફિઅરમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી એફએમસીજી અડધો ટકો પોઝીટીવ બંધ દર્શાવતો હતો. જેના ઘટકોમાં મેરિકો, ગોદરેજ કન્ઝ્યૂમર, યુનાઈટેડ બ્રૂઅરિઝ, આઈટીસી, કોલગેટ, યુનાઈટેડ સ્પિરિટ્સમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી આઈટી 0.5 ટકા નરમાઈ સૂચવતો હતો. જ્યારે નિફ્ટી ઓટો પણ નરમ બંધ રહ્યો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો આઈજીએલ 5 ટકા વૃદ્ધિ સાથે સૌથી વધુ મજબૂત જોવા મળતો હતો. આ ઉપરાંત, એસબીઆઈ કાર્ડ, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, ગોદરેજ પ્રોપર્ટીઝ, મેરિકો, તાતા કેમિકલ્સ, મહાનગર ગેસ, ચંબલ ફર્ટિ., ઈપ્કા લેબ્સ, વેદાંત, ગોદરેજ કન્ઝ્યૂમરમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, બિરલાસોફ્ટ, દાલમિયા ભારત, અલ્ટ્રાટેક સિમેન્ટ, ગ્રાસિમ, ટ્રેન્ટ, એસીસી, બજાજ ઓટો, બજાજ ફાઈનાન્સ, લાર્સન, બીપીસીએલ, એલએન્ડટી ફાઈનાન્સ, હિંદાલ્કોમાં નરમાઈ જોવા મળી હતી.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં એનસીસી, પીબી ફિનટેક, અપાર ઈન્ડ., જીઓ ફાઈ. ઈપ્કા લેબ્સ, વેદાંત, કેપીઆઈએલ, મહિન્દ્રા લાઈફ, હિંદુસ્તાન કોપર, એબીબી ઈન્ડિયા, ઈન્ડુસ ટાવર્સ, ભારત ઈલે., ઝોમેટો, ઈઆઈએચનો સમાવેશ થતો હતો.
RBIએ રેપો રેટ સ્થિર જાળવ્યાં, 2024-25 માટે ઈન્ફ્લેશનનો અંદાજ ઘટાડ્યો
આરબીઆઈ ગવર્નર શક્તિકાંતા દાસના મતે ફુગાવાનો હાથી રૂમ છોડી જંગલ તરફ પાછો વળ્યો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ શુક્રવારે તેની મોનોટરી પોલિસી કમિટી(એમપીસી)ની બેઠકમાં રેપો રેટને અપેક્ષા મુજબ જ સ્થિર જાળવી રાખ્યાં હતાં. જોકે, તેણે કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેસ(સીપીઆઈ) ઈન્ફ્લેશનની આગાહીમાં ત્રિમાસિક ધોરણે ઘટાડો કર્યો હતો. તેણે નવા નાણા વર્ષના પ્રથમ, બીજા અને ચોથા ક્વાર્ટર માટે સીપીઆઈ ઘટાડ્યો હતો. રિઝર્વ બેંકે બીજા ક્વાર્ટર માટે 3.8 ટકા ઈન્ફ્લેશનનો અંદાજ બાંધ્યો હતો. જે તેના ચાર ટકાના ટાર્ગેટ કરતાં નીચો છે.
બેંકની રેટ કટ પેનલે ચાલુ નાણા વર્ષની પ્રથમ બેઠકમાં રેપો રેટ 6.5 ટકા પર સ્થિર જાળવ્યો હતો. છમાંથી પાંચ સભ્યોએ રેટ નિર્ણયની તરફેણમાં મતદાન કર્યું હતું. જ્યારે એકોમોડેટીવ પોલિસીને પરત કરવાના પક્ષમાં પણ પાંચ મત પડ્યાં હતાં.
આરબીઆઈએ એપ્રિલ-જૂનના પ્રથમ ક્વાર્ટર માટે 4.9 ટકા સીપીઆઈ અંદાજ્યો હતો. જે અગાઉના 5 ટકાની સરખામણીમાં સાધારણ નીચો હતો. ચોથા ક્વાર્ટર(જાન્યુઆરી-માર્ચ) માટે તેણે અગાઉના 4.7 ટકા સામે 4.5 ટકા અંદાજ નિર્ધારિત કર્યો હતો. 2024-25 માટે ઈન્ફ્લેશન આગાહી 4.5 ટકા પર સ્થિર જાળવી હતી.
બંધન બેંકના MD-CEO તરીકે ચંદ્ર શેખર ઘોષનું રાજીનામું
જુલાઈમાં મુદત પૂરી થયા પછી કાર્યભાર ત્યજશે
એક દાયકાથી બેંકનું સુકાન સંભાળ્યા પછી રાજીનામાનો ઘોષનો નિર્ણય
પ્રાઈવેટ બેંક બંધન બેંકના એમડી અને સીઈઓ પદેથી ચંદ્ર શેખર ઘોષે રાજીનામું પ્યું છે. તેઓ 9 જુલાઈ, 2024ના રોજ તેમની મુદત પૂરી થયાં પછી કાર્યભાર છોડશે. બંધન બેંકના ફાઉન્ડર એવા ઘોષ દેશમાં ફાઈનાન્સિયલ ઈન્ક્લુઝનની કામગીરીમાં અગ્રણી યોગદાન રહ્યું છે. તેમણે 30થી વધુ વર્ષોથી માઈક્રોફાઈનાન્સ અને ડેવલપમેન્ટ ક્ષેત્રે કામ કર્યું છે. અગાઉ 24 નવેમ્બર, 2023ના રોજ બેંકના બોર્ડે ચંદ્ર શેખર ઘોષની પુનઃનિયુક્તિને મંજૂરી આપી હતી. જે ત્રણ વર્ષ માટે હતી. ઘોષે તેમના રાજીનામામાં જણાવ્યું હતું કે બેંકના એમડી અને સીઈઓ તરીકે સતત ત્રણ મુદત સુધી લગભગ 10 વર્ષોથી કામગીરી નિભાવ્યાં પછી મને બંધન ગ્રૂપ માટે વ્યાપક વ્યૂહાત્મક ભૂમિકા ભજવવાની જરૂર લાગે છે. જેથી મેં બંધન બેંકની સેવામાંથી નિવૃત્ત થવાનો નિર્ણય લીધો છે.
ભારતી હેક્ઝાકોમ IPO 30 ગણો ભરાયો
ક્વિબ હિસ્સો 48.57 ટકા છલકાયું
રિટેલ ભરણું 2.77 ગણું ભરાયું
નાણાકિય વર્ષના પ્રથમ આઈપીઓને રોકાણકારો તરફથી મજબૂત પ્રતિસાદ સાંપડ્યો છે. ભારતી જૂથની ભારતી હેક્ઝાકોમનો આઈપીઓ ત્રીજા દિવસની આખરમાં 29.86 ગણો છલકાયો હતો. કંપનીના 4.12 કરોડ શેર્સ સામે રોકાણકારોએ 123.18 કરોડ શેર્સ માટે અરજી કરી હતી. જેમાં ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યૂશ્નલ બાયર્સ(ક્વિબ્સ)નો હિસ્સો 48.57 ગણો છલકાયો હતો. નોન-ઈન્સ્ટીટ્યુશ્નલ ઈન્વેસ્ટર્સ તરફથી 10.51 ગણી અરજીઓ કરવામાં આવી હતી. જ્યારે રિટેલ હિસ્સો 2.77 ગણો ભરાયો હતો. એક ઝડપી ગણતરી મુજબ કંપનીએ રૂ. 7600 કરોડની બીડ્સ મેળવી હતી. આ ઉપરાંત, કંપનીએ એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી રૂ. 1924 કરોડ ઊભા કર્યાં હતાં. ટોચના વૈશ્વિક રોકાણકારો જેવાકે કેપિટલ ગ્રૂપ, ફિડેલિટી, બ્લેકરોક અને એડીઆઈએએ આઈપીઓમાં ભાગ લીધો છે. કંપની આઈપીઓ મારફતે રૂ. 4275 કરોડ ઊભા કરવા ધારે છે.
ઝોમેટોના શેરમાં નવી ટોચ, રૂ. 200 નજીક સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો
ફૂડ ડિલિવરી અને ક્વિક કોમર્સ કંપની ઝોમેટોનો શેર તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે. કંપનીનો શેર શુક્રવારે 2 ટકા ઉછળી રૂ. 191.80ની વિક્રમી સપાટીએ ટ્રેડ થયો હતો. શેરના ભાવમાં છેલ્લાં એક વર્ષમાં બમણાથી વધુ વૃદ્ધિ જોવા મળી છે. કંપનીના દેખાવમાં સુધારા પાછળ શેરનો ભાવ સુધર્યો છે. કંપનીના ક્લિક ડિલિવરી બિઝનેસ બ્લિન્કિટ આ માટેનું મુખ્ય કારણ છે. 2023-24ના ચોથા ક્વાર્ટરમાં ઓનલાઈન ફૂડ ડિલિવરી બિઝનેસ મજબૂત દેખાવ દર્શાવે તેવી શક્યતાં કોટક ઈન્સ્ટીટ્યૂશ્નલ ઈક્વિટીઝે દર્શાવી છે. તેમના મતે ફૂડ ડિલીવરી બિઝનેસ ગ્રોસ મર્કેન્ડાઈઝ વેલ્યૂ(જીએમવી)માં 25 ટકા વાર્ષિક વૃદ્ધિ દર્શાવે તેવી શક્યતાં છે. જ્યારે બ્લિન્કિટ બિઝનેસ તેની જીએમવીમાં વાર્ષિક 99 ટકા વૃદ્ધિ નોંધાવી શકે છે.
Market Summary 05/04/2024
April 05, 2024