બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
માર્કેટમાં મજબૂતી સાથે નવેમ્બર એક્સપાયરીને વિદાય
નિફ્ટી 20100ને પાર કરવામાં સફળ
વૈશ્વિક બજારોમાં પણ પોઝીટીવ સેન્ટીમેન્ટ
વોલેટિલિટી ઈન્ડેક્સ સાધારણ ઘટી 12.69ના સ્તરે
રિઅલ્ટી, ફાર્મા, એફએમસીજી, ઓટોમાં તેજી
આઈટી, બેંકિંગમાં નરમાઈ
એનબીસીસી, ગેઈલ, બ્રિગેડ, ઈન્ડિયાબુલ્સ નવી ટોચે
ભારતીય શેરબજારમાં મજબૂત મોમેન્ટમ જળવાય રહ્યું હતું અને બેન્ચમાર્કસ અગાઉની ટોચ નજીક પહોંચી રહ્યાં છે. બીએસઈ સેન્સેક્સ 87 પોઈન્ટ્સ સુધરી 66988ની સપાટીએ જ્યારે નિફ્ટી 37 પોઈન્ટ્સ મજબૂતી સાથે 20133ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં જોકે સુસ્તી જળવાય હતી. જેને કારણે બ્રેડ્થ નેગેટિવ હતી. બીએસઈ ખાતે કુલ 3857 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1881 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1823 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. 347 કાઉન્ટર્સે તેમની વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જ્યારે 30 કાઉન્ટર્સે તેમનું 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ સાધારણ ઘટી 12.69ના સ્તરે બંધ રહ્યો હતો.
યુએસ બજારમાં બુધવારે રાતે પોઝીટીવ બંધ પાછળ એશિયન બજારો ગ્રીન ઝોનમાં જોવા મળતાં હતાં. જેને કારણે ભારતીય બજારે પણ ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યું હતું. જોકે, શરૂઆતી ટ્રેડમાં તે નરમાઈમાં સરી પડ્યો હતો. બપોર પછી ફરીથી લેવાલીને કારણે તે પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યો હતો. બેન્ચમાર્ક નિફ્ટી ઈન્ટ્રા-ડે 20159ની ટોચ દર્શાવી 20100ની સપાટી પર બંધ આપી શક્યો હતો. નિફ્ટી કેશ સામે નવી સિરિઝ(ડિસેમ્બર) ફ્યુચર 137 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 20269 પર બંધ રહ્યો હતો. જે નોંધપાત્ર લોંગ પોઝીશન રોલઓવરનો સંકેત આપે છે. ટેકનિકલી નિફ્ટીમાં 19900ના નજીકનો સ્ટોપલોસ સાથે લેવરેજ્ડ લોંગ જાળવી શકાય છે. નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, ભારતી એરટેલ, એચડીએફસી લાઈફ, આઈશર મોટર્સ, એપોલો હોસ્પિટલ, સન ફાર્મા, એસબીઆઈ લાઈફ, હિરો મોટોકોર્પ, ટાઈટન કંપની, એમએન્ડએમ, સિપ્લા, વિપ્રો, બીપીસીએલ, ડિવિઝ લેબ્સ, ઓએનજીસી, એક્સિસ બેંક, ડો. રેડ્ડીઝ લેબ્સનો સમાવેશ થાય છે. બીજી બાજુ, અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, ઈન્ડસઈન્ડ બેંક, પાવર ગ્રીડ કોર્પ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એલટીઆઈમાઈન્ડટ્રી, એશિયન પેઈન્ટ્સ, તાતા મોટર્સ, ટીસીએસ, એસબીઆઈમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સ પર નજર નાખીએ તો રિઅલ્ટી, ફાર્મા, એફએમસીજી, ઓટોમાં તેજી જોવા મળી હતી. જ્યારે આઈટી, બેંકિંગમાં નરમાઈ જણાતી હતી. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ 1.44 ટકા મજબૂતી સાથે નવી ટોચે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં પ્રેસ્ટીજ એસ્ટેટ, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, સોભા, ફિનિક્સ મિલ્સ, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી, ગોદરેજ પ્રોપર્ટીઝ નોંધપાત્ર સુધારો સૂચવતાં હતાં. જોકે, ડીએલએફ, સનટેક રિઅલ્ટીમાં નરમાઈ જોવા મળી હતી. નિફઅટી ફાર્મા ઈન્ડેક્સ 1.6 ટકા ઉછળી નવી ટોચે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં આલ્કેમ લેબ, લ્યુપિન, ઓરોબિંદો ફાર્મા, સન ફાર્મા, સિપ્લા, ટોરેન્ટ ફાર્મા, ડિવિઝ લેબ્સ, ડો. રેડ્ડીઝ લેબ્સ, ઝાયડસ લાઈફ, બાયોકોન મજબૂતી સૂચવતાં હતાં. નિફ્ટી એફએમસીજી પણ અડધા ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં વરુણ બેવરેજીસ, મેરિકો, ઈમામી, બ્રિટાનિયા, એચયૂએલ, તાતા કન્ઝ્યૂમર, ગોદરેજ કન્ઝ્યૂમર અને નેસ્લેમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી કન્ઝ્મ્પ્શન એક ટકા વૃદ્ધિ સાથે સર્વોચ્ચ ટોચ પર બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં ટ્રેન્ટ, ભારતી એરટેલ, એવન્યૂ સુપરમાર્ટ, આઈશર મોટર્સ, મેરિકો, એપોલો હોસ્પિટલ, હીરો મોટોકોર્પ, ટાઈટન કંપની, એમએન્ડએમ, ઈન્ફો એજ, ઝી એન્ટરટેઈનમેન્ટમાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી હતી. આમાં અનેક શેર્સ તેમની સર્વોચ્ચ અથવા તો વાર્ષિક ટોચ પર બંધ જોવા મળ્યાં હતાં. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ 1.25 ટકા સુધારા સાથે નવી ટોચે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં ગેઈલ પાંચ ટકા ઉછળ્યો હતો. ઉપરાંત, ભારત ઈલે., ભેલ, આઈઓસી, પાવર ફાઈનાન્સ, આરઈસી, બીપીસીએલમાં નોંધપાત્ર સુધારો દર્શાવતાં હતાં. નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ એક ટકાથી વધુ ગગડ્યો હતો. જેના ઘટકોમાં ઈન્ડિયન બેંક 5 ટકા પટકાયો હતો. આ ઉપરાંત યુનિયન બેંક, બેંક ઓફ ઈન્ડિયા, પીએનબી, સેન્ટ્રલ બેંક, એસબીઆઈ, બેંક ઓફ મહારાષ્ટ્ર, યૂકો બેંકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો ઈન્ડિયા સિમેન્ટ્સ 8 ટકા સાથે સૌથી વધુ ઉછળ્યો હતો. આ ઉપરાંત, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, ડેલ્ટા કોર્પ, ગેઈલ, મૂથૂત ફાઈનાન્સ, એબીબી ઈન્ડિયા, ટ્રેન્ટ, ભારત ઈલે., આલ્કેમ લેબ, કેન ફિન હોમ, કોરોમંડલ, ભએલ, એમસીએક્સ ઈન્ડિયા, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા, આઈઓસીમાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, ટાટા પાવર, પીએનબી, ફેડરલ બેંક, ડીએલએફ, અદાણી એન્ટરપ્રાઈઝ, આરબીએલ બેંક, અદાણી પોર્ટ્સ, ઈન્ડ્સઈન્ડ બેંક, વોડફોન, પાવર ગ્રીડ કોર્પોરેશન, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એલટીઆઈમાઈન્ડટ્રીમાં વેચવાલી જોવા મળી હતી. વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં ન્યૂ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ,એનબીસીસી, ગેઈલ, બ્રિગેડ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, પ્રેસ્ટીજ એસ્ટેટ, બ્રિગેડ એન્ટર, ગેઈલ, મૂથૂત ફાઈ., સીડીએસએલ, કેએસબી પંપ્સ, વરુણ બેવરેજિસનો સમાવેશ થતો હતો.
બે બમ્પર લિસ્ટીંગમાં રોકાણકારોને રૂ. 6000 કરોડનો જેકપોટ હાથ લાગ્યો
તાતા ટેક્નોનો શેર 140 ટકા પ્રિમીયમે પર લિસ્ટ થયો
તાતા ટેક્નોલોજીસ અને ગાંધાર ઓઈલમાં રિટેલ રોકાણકારોને ટોચના ભાવે રૂ. 1843 કરોડનો લાભ મળ્યો
તાતા ટેક્નોલોજિસે રૂ. 500ના ભાવ સામે રૂ. 1400ની ટોચે રોકાણકારને શેર દીઠ રૂ. 900નું રિટર્ન આપ્યું
ગલ્ફ ઓઈલમાં રોકાણકારને રૂ. 169ના ઓફર ભાવ સામે રૂ. 444.05ની ટોચે રૂ. 175.05નું વળતર મળ્યું
ગુરુવારે શેરબજાર પર બે બમ્પર લિસ્ટીંગ્સમાં રોકાણકારોને રૂ. 6000 કરોડનો જેકપોટ હાથ લાગ્યો હતો. જેમાં રિટેલ રોકાણકારોને ભાગે રૂ. 1843 કરોડની રકમ આવી હતી. તાતા ટેક્નોલોજીસ અને ગાંધાર ઓઈલ્સના અપેક્ષાથી ઊંચા લિસ્ટીંગને કારણે લાંબા સમયગાળા પછી રોકાણકારોને માત્ર સપ્તાહમાં આટલું ઊંચું વળતર મળ્યું હતું. ટાટા ટેક્નોલોજિસનો શેર તેના રૂ. 500ના ઓફરભાવ સામે 140 ટકા પ્રિમિયમ સાથે રૂ. 1200 પર લિસ્ટ થઈ રૂ. 1400ની ટોચ પર ટ્રેડ થયો હતો. જ્યારે ગાંધાર ઓઈલનો શેર રૂ. 169ના ઓફર ભાવ સામે 70 ટકા પ્રિમિયમમાં રૂ. 298 પર લિસ્ટ થયાં પછી રૂ. 344.05ની ટોચ પર ટ્રેડ થયો હતો. બંને કંપનીઓએ કુલ મળીને રૂ. 3542 કરોડની રકમ એકત્ર કરી હતી. જોકે, તેની સામે રોકાણકારોને રૂ. 5995.13 કરોડ પ્રાપ્ય બન્યાં હતાં. કંપની મુજબ જોઈએ તો તાતા ટેક્નોલોજિસમાં રિટેલ રોકાણકારોએ રૂ. 1661.2 કરોડ જ્યારે ગલ્ફ ઓઈલમાં રૂ. 181.5 કરોડ મેળવ્યાં હતાં.
સપ્તાહ અગાઉ બજારમાં પ્રવેશેલાં આઈપીઓને ઊંચા પ્રતિસાદ પાછળ લિસ્ટીંગ ગ્રે-માર્કેટ પ્રિમીયમની સરખામણીમાં પણ ખૂબ ઊંચું જોવા મળ્યું હતું. ટાટા ટેક્નોલોજીસ માટે ગ્રે-માર્કેટમાં 80 ટકાનું પ્રિમીયમ જોવા મળતું હતું. જેની સામે કંપનીનો શેર લગભગ 180 ટકા પ્રિમીયમ દર્શાવતો હતો. ગાંધાર ઓઈલમાં પણ 50 ટકાના ગ્રે-માર્કેટ પ્રિમીયમ સામે ટોચના ભાવે 100 ટકા પ્રિમીમયમાં શેર ટ્રેડ થયો હતો.
તાતા ટેક્નોલોજીસે એન્કર સિવાય અન્ય રોકાણકારોને 4.5 કરોડ શેર્સ ઓફર કર્યાં હતાં. જેની સરખામણીમાં તેણે 312.62 લાખ શેર્સની બીડ મેળવી હતી. કંપનીનો આઈપીઓ 69 ગણો છલકાયો હતો. જ્યારે ગાંધાર ટેક્નોલોજિસનો આઈપીઓ 65.62 ગણા છલકાયો હતો. એટલેકે કંપનીએ ઓફર કરેલા 2.07 કરોડ શેર્સ સામે કુલ 136 કરોડ શેર્સ માટે રોકાણકારો તરફથી બીડીંગ કરવામાં આવ્યું હતું. જો મૂલ્યના સંદર્ભમાં જોઈએ તો કંપની રૂ. 500 કરોડ એકત્ર કરવા માટે બજારમાં પ્રવેશી હતી. જેની સામે તેને કુલ રૂ. 22894 કરોડની રકમ પ્રાપ્ય બની હતી. જ્યારે ટાટા ટેક્નોલોજીસ માટે એન્કર બુક સિવાય રૂ. 2.6 લાખ કરોડનું બીડ જોવા મળ્યું હતું. કંપનીને કુલ 73.38 લાખ એપ્લિકેશન્સ મળી હતી. ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશ્નલ બાયર્સનો હિસ્સો 203.41 ગણો છલકાયો હતો.
ગાંધાર ઓઈલનું માર્કેટ-કેપ રૂ. 306ના ભાવે રૂ. 2447 કરોડ પર જોવા મળતું હતું. જ્યારે તાતા ટેક્નોલોજિસનું માર્કેટ-કેપ રૂ. 1315.40ના ભાવે રૂ. 53,361 કરોડ પર નોંધાયું હતું. જે તાતા જૂથની ટોચની 10 માર્કેટ-કેપ દર્શાવતી કંપની બની હતી. દેશમાં શેરબજારમાં તાતા જૂથની લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ-કેપ સૌથી ઊંચું જોવા મળે છે. તાતા જૂથ 20 વર્ષ પછી બજારમાં આઈપીઓ સાથે પ્રવેશ્યું હતું. જેણે રોકાણકારો તથા પ્રમોટર્સ, બંને માટે ઊંચી વેલ્થ સર્જી હતી.
બમ્પર આઈપીઓ લિસ્ટીંગ્સ
કંપની ઓફર ભાવ(રૂ.) લિસ્ટીંગ ભાવ(રૂ.) ઈન્ટ્રા-ડે ટોચ(રૂ.)
તાતા ટેક્નોલોજિસ 500 1200 1400
ગાંધાર ઓઈલ 169 298 344.05
યુએસ પેન્શન બોર્ડે બેન્ચમાર્ક બદલતાં ભારતમાં 4 અબજ ડોલરના ફ્લોની સંભાવના
ફેડરલ રિટાર્મેન્ટ થ્રીફ્ટ ઈન્વેસ્ટમેન્ટ બોર્ડે ચાલુ મહિને તેનો બેન્ચમાર્ક બદલી MSCI ઓલ કન્ટ્રી વર્લ્ડ કર્યો હતો
યુએસ સ્થિત પેન્શન ફંડે તેના રોકાણ માટેના બેન્ચમાર્ક ઈન્ડેક્સને બદલતાં ભારતીય શેરબજારમાં આગામી કેલેન્ડરમાં 4 અબજ ડોલરના ઈનફ્લોની શક્યતાં ઊભી થઈ છે. અમેરિકા ખાતેના ફેડરલ રિટાર્મેન્ટ થ્રીફ્ટ ઈન્વેસ્ટમેન્ટ બોર્ડે ચાલુ મહિને તેનો બેન્ચમાર્ક બદલી MSCI ઓલ કન્ટ્રી વર્લ્ડ(માઈનસ યુએસ, ચીન અને હોં કોંગ) કર્યો હોવાની જાહેરાત કરી હતી. અગાઉ તેનો ઈન્ટરનેશનલ સ્ટોક ઈન્ડેક્સ ઈન્વેસ્ટમેન્ટ ફંડ બેન્ચમાર્ક MSCI યુરોપ, ઓસ્ટ્રેલિયા અને ફાર ઈસ્ટ ઈન્ડેક્સ હતો. આ પગલાને કારણે 2024માં ભારતીય બજારમાં 3.7-3.8 અબજ ડોલર સુધીનું ફંડ જોવા મળી શકે છે એમ નુવામા ઈન્સ્ટિટ્યુશ્નલ ઈક્વિટીઝ જણાવે છે. કેલેન્ડર 2023માં ભારતના સેકન્ડરી માર્કેટમાં અત્યાર સુધીમાં કુલ ફંડ ફ્લો 80.69 અબજ ડોલર જોવા મળ્યો છે. જેમા સ્થાનિક સંસ્થાઓ તેમજ વિદેશી ફંડ્સ તરફથી ફ્લોનો સમાવેશ થાય છે.
ફેડરલ રિટાર્મેન્ટ થ્રીફ્ટ ઈન્વેસ્ટમેન્ટ બોર્ડે બદલેલા બેન્ચમાર્ક સૂચકાંકમાં યુરોપ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોનો સમાવેશ થતો હતો. જોકે, આ માર્કેટ્સનો દેખાવ તાજેતરમાં ખૂબ નબળો જોવા મળે છે. તેમજ તેમનું આઉટલૂક પણ પોઝીટીવ નથી. જેને જોતાં આ પ્રકારના ટ્રાન્ઝિશનની અપેક્ષા હતી. સામાન્ય રીતે લોંગ ટર્મ નેચરના એવા આ ઈન્વેસ્ટમેન્ટ ફંડ્સ કોઈપણ જોખમની સ્થિતિમાં સ્વિચિંગ ઓવર કરતાં હોય છે. જોકે, હજુ ફંડે એ નથી જણાવ્યું કે તે ક્યારે તેના રોકાણને નવા ઈન્ડેક્સમાં શિફ્ટ કરશે. નવા ઈન્ડેક્સમાં જાપાન 17 ટકા સાથે સૌથી ઊંચું વેઈટેજ ધરાવે છે. જ્યારે ભારત 5.3 ટકા સાથે ઈન્ડેક્સમાં સાતમા ક્રમે વેઈટેજ ધરાવે છે. એનાલિસ્ટ્સનું માનવું છે કે ઈન્ડેક્સમાં ચીનની ગેરહાજરી ભારત જેવા બજારને લાભ આપશે. નૂવામાના અંદાજ મુજબ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને 24.3 કરોડનું ફંડ મળી શકે છે. જ્યારે આઈસીઆઈસીઆઈ બેંક અને ઈન્ફોસિસ બંનેને 16-16 કરોડ ડોલરના ઈનફ્લોનો લાભ થઈ શકે છે. એચડીએફસી બેંક અને ટીસીએસ પણ અનુક્રમે 14.2 કરોડ ડોલર અને 10.5 કરોડ ડોલરનો ઈનફ્લો મેળવી શકે છે. કંપનીના રિસર્ચ એનાલિસ્ટના જણાવ્યા મુજબ 2023માં સંભવિત ફ્લો ભારતીય બજારમાં વધુ સ્થિર એફઆઈઆઈને આકર્ષશે. જોકે, આ ફ્લો 563 સ્ટોક્સમાં વહેંચાયેલો હોવાથી તેની કોઈ એક શેર પર મોટી અસર જોવા નહિ મળે તેમ તેઓ ઉમેરે છે. ઉપર દર્શાવેલા બ્લૂ-ચિપ્સ ઉપરાંત એક્સિસ બેંક, ભારતી એરટેલ, લાર્સન એન્ડ ટુબ્લો, એચયૂએલ, બજાજ ફાઈનાન્સ, કોટક બેંક, એમએન્ડએમ, મારુતિ સુઝુકી, આઈટીસી અને એચસીએલ ટેક્નોલોજીસને પણ તેનો લાભ મળશે. છેલ્લાં વર્ષોમાં એમએસસીઆઈ ઈમર્જિંગ માર્કેટ ઈન્ડેક્સમાં ભારતના વેઈટેજમાં બમણી વૃદ્ધિ નોઁધાઈ છે. જેને જોતાં આગળ પર અન્ય એમએસસીઆઈ સૂચકાંકોમાં પણ ભારતનું વેઈટ વધતું રહેશે.
વોલમાર્ટે ચીન પરનું અવલંબન ઘટાડવા ભારતથી આયાત વધારી
2018માં 80 ટકા સામે ચીનથી આવતાં શીપમેન્ટ્સની સંખ્યા ચાલુ વર્ષે જાન્યુ.થી ઓગસ્ટમાં 60 ટકા જોવાઈ
વોલમાર્ટ તેના મુખ્ય માર્કેટ યુનાઈટેડ સ્ટેટ્સ ખાતે માલ-સામાનની આયાત માટે ચીન પર નિર્ભરતા ઘટાડી રહી છે. જ્યારે ભારતમાંથી વધુને વધુ સામગ્રી ખરીદી રહી છે એમ રોઈટરે પ્રગટ કરેલો ડેટા સૂચવે છે. કંપની ખર્ચમાં ઘટાડા તથા સોર્સિંગના ડાયવર્સિફિકેશનના ભાગરૂપે આમ કરી રહી છે.
વિશ્વમાં સૌથી મોટા રિટેલરે ચાલુ વર્ષે જાન્યુઆરીથી ઓગસ્ટ દરમિયાન યુએસ ખાતે આયાત કરેલી સામગ્રીનો ચોથો ભાગ ભારતથી મેળવ્યો હતો એમ રોઈટર્સે ડેટા કંપની ઈમ્પોર્ટ યેતીનો ટાંકીને જણાવ્યું છે. 2018માં આ પ્રમાણ માત્ર 2 ટકા પર હતું. ચાલુ વર્ષ માટે ગણતરીમાં લીધેલાં સમયગાળામાં ચીન ખાતેથી માત્ર 60 ટકા આયાત જોવા મળી હતી. જે પ્રમાણ 2018માં 80 ટકા પર હતું એમ ડેટા જણાવે છે. જોકે, ચીન હજુ પણ વોલમાર્ટ માટે માલસામાનની આયાત માટેનું સૌથી મોટું ડેસ્ટીનેશન છે. જોકે, ચીનની આયાતમાં ઘટાડો ખર્ચ વૃદ્ધિ અને યુએસ-ચીન વચ્ચે રાજકીય તણાવને કારણે છેલ્લાં પાંચ વર્ષોમાં કંપનીની સ્ટ્રેટેજીમાં ફેરફાર જોવા મળી રહ્યો છે અને તે મોટી યુએસ કંપનીઓને ભારત, થાઈલેન્ડ અને વિયેટનામ જેવા દેશોથી આયાત માટે પ્રોત્સાહન આપી રહી છે. વોલમાર્ટના એક્ઝીક્યૂટીવ વાઈસ પ્રેસિડેન્ટના જણાવ્યા મુજબ તેઓ શ્રેષ્ઠ ભાવોનો આગ્રહ રાખતાં હોય છે. આનો અર્થ એ થાય છે કે તેઓ મજબૂત સપ્લાય ચેઈન્સની ઈચ્છા ધરાવે છે. અમે કોઈ એક જીઓગ્રાફી કે એક સપ્લાયર પર મદાર રાખી શકીએ નહિ એમ તેઓ ઉમેરે છે. વોલમાર્ટ માટે ભારત એક મહત્વના કોમ્પોનેન્ટ તરીકે ઊભર્યું છે અને કંપની દેશમાં મેન્યૂફેક્ચરિંગ ક્ષમતા સ્થાપવા માટે પ્રયાસ કરી રહી છે. કંપનીએ 2018માં ભારતીય ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટમાં 77 ટકા હિસ્સો ખરીદ્યો ત્યારથી ભારત પર ભાર મૂકી રહી છે. આ ખરીદીના બે વર્ષ પછી કંપનીએ ભારતમાંથી 2027 સુધીમાં 10 અબજ ડોલરના માલ-સામાનની ખરીદીનો ટાર્ગેટ પણ નિર્ધારિત કર્યો હતો. જે ટાર્ગેટ ટ્રેક પર કામ કરી રહ્યો છે એમ વોલમાર્ટના અધિકારી ઉમેરે છે. હાલમાં કંપની દર વર્ષે ભારતમાંથી 3 અબજ ડોલરનો માલ-સામાન આયાત કરી રહી છે. કંપની રમકડાંથી લઈ ઈલેક્ટ્રોનિક્સ, બાઈસિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્સની આયાત કરી રહી છે. ઉપરાંત ભારતથી આયાત કરવામાં આવતાં પેકેજ્ડ ફૂડ્સ, સૂકાં ધાન્યો અને પાસ્તા પણ લોકપ્રિય છે. તેઓ ભારતને ચીનના એક સસ્તાં રિપ્લેસમેન્ટ માર્કેટ તરીકે જોઈ રહ્યાં છે. દેશના ઝડપથી વિકસી રહેલા વર્કફોર્સ અને ટેક્નોલોજી વોલમાર્ટને આકર્ષી રહ્યાં છે.
IT ઉદ્યોગનું કદ સાત વર્ષમાં 350 અબજ ડોલરે પહોંચશે
ઈન્ફોસિસ કો-ફાઈન્ડર ક્રિસ ગોપાલક્રિષ્ણનના મતે વૈશ્વિક સ્તરે નરમાઈ છતાં આઈટી ઉદ્યોગ વૃદ્ધિ દર્શાવતો રહેશે
હાલમાં 200 અબજ ડોલરનું કદ દર્શાવતો ભારતનો ઈન્ફર્મેશન ટેક્નોલોજી(આઈટી) ઉદ્યોગ વૈશ્વિક પડકારો વચ્ચે વૃદ્ધિ દર જાળવી રાખશે એમ આઈટી અગ્રણી ઈન્ફોસિસના કો-ફાઉન્ડર ક્રિસ ગોપાલક્રિષ્ણને જણાવ્યું છે. નાણા વર્ષ 2023-24 માટે આઈટી ઉદ્યોગની આવકમાં 3-5 ટકા ઘટાડાની અપેક્ષા રાખવામાં આવી રહી છે ત્યારે તેમણે આ પ્રકારનું નિવેદન કર્યું છે. રેટિંગ એજન્સી ઈકરાના મતે યુએસ અને યુરોપ જેવા ટોચના બજારોમાં સતત જોવા મળી રહેલી આર્થિક અનિશ્ચિતતાને કારણે આઈટી ઉદ્યોગ પર દબાણની શક્યતાં છે.
બેંગલૂર ટેક સમિટની 26મી એડિશનમાં બોલતાં ગોપાલક્રિષ્ણને જણાવ્યું હતું કે ગયા વર્ષે આઈટી ઉદ્યોગ લગભગ 9 ટકા જેટલો વધ્યો હતો. હાલમાં તે 200 અબજ ડોલરનું કદ દર્શાવે છે. જે 2030 સુધીમાં 350 અબજ ડોલરે પહોંચશે. આ એક હાઈ-ગ્રોથ ઉદ્યોગ છે અને છેલ્લાં કેટલાંક વર્ષોથી તે વાર્ષિક દરે સતત વૃદ્ધિ દર્શાવતો રહ્યો છે. વૈશ્વિક અર્થતંત્ર મંદીમાં છે પરંતુ આ એક ચક્રિય ઘટના છે. મધ્યમથી લાંબાગાળા માટે હું ખૂબ વિશ્વસ્ત છું અને ઉદ્યોગ 350 અબજ ડોલરે પહોંચશે તેમ માનું છું. વૈશ્વિક સ્તરે આઈટી પ્રોજેક્ટ્સમાં વિલંબ વચ્ચે બીજા ક્વાર્ટરમાં ટોચની ભારતીય આઈટી કંપનીઓએ નોંધપાત્ર સંખ્યામાં મેગા ઓર્ડર્સ મેળવ્યાં હતાં. જે આઈટી ઉદ્યોગની સંભાવનાઓ રજૂ કરે છે.
ચાલુ વર્ષે કુલ 58 અલ્ટ્રા-લક્ઝરી મકાનોનું વેચાણ થયું
રૂ. 200 કરોડથી વધુના ચાર મકાનો વેચાયાં
જ્યારે રૂ. 40 કરોડથી વધુ મૂલ્યના 54 મકાનોનું વેચાણ
રૂ. 40 કરોડથી વધુના 53 સોદાઓ માત્ર મુંબઈ ખાતે થયાં
રૂ. 100 કરોડથી રૂ. 200 કરોડના મકાન માટે સાત ડિલ્સ થયાં
કેલેન્ડર 2023માં અલ્ટ્રા-લક્ઝરી ઘરોના વેચાણમાં ગયા વર્ષની સરખામણીમાં ઊંચી વૃદ્ધિ જોવા મળી છે. જેમાં રૂ. 40 કરોડથી વધુનૂં મૂલ્ય ધરાવતાં મકાનોનું વેચાણ નવી ઊંચાઈ પર નોંધાયું છે. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એનારોકના ડેટા મુજબ અલ્ટ્રા-લક્ઝરી મકાનોના વેચાણમાં ગયા વર્ષની સરખામણીમાં 250 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.
ચાલુ કેલેન્ડરને પૂરાં થવામાં એક મહિનો બાકી છે ત્યારે ટોચના સાત શહેરોમાં 58 અલ્ટ્રા-લક્ઝરી હોમ્સનું વેચાણ થઈ ચૂક્યું છે. જેનું અંદાજિત મૂલ્ય રૂ. 4063 કરોડ થવા જાય છે. આની સરખામણીમાં 2022માં રૂ. 1170 કરોડના મુલ્યના 13 અલ્ટ્રા-લક્ઝરી હોમ્સનું વેચાણ નોંધાયું હતું. 2023માં સમગ્ર દેશમાં રિઅલ્ટીનું સમગ્રતયા વિક્રમી વેચાણ જોવા મળ્યું છે. ચાલુ વર્ષે વેચાયેલી 58 જેટલી અલ્ટ્રા-લક્ઝરી પ્રોપર્ટીઝમાં કુલ સાત શહેરોમાં વહેંચાયેલી જોવા મળે છે. જોકે, મુંબઈ આમાં ટોચ પર છે. રૂ. 40 કરોડથી મોંઘા 58 મકાનોમાંથી 53 મકાનો માત્ર મુંબઈમાં જ વેચાયાં છે. જે કુલ વેચાણનો 95 ટકા હિસ્સો દર્શાવે છે. દીલ્હી-એનસીઆરમાં રૂ. 40 કરોડથી વધુ રકમના ચાર મકાનો વેચાયાં હતાં. જ્યારે જેમાં ગુરુગાંવમાં બે એપાર્ટમેન્ટ્સ અને નવી દિલ્હીમાં બે બંગલાનો સમાવેશ થાય છે. હૈદરાબાદમાં જ્યુબિલી હિલ્સ ખાતે એક મકાન વેચાયું હતું.
મુંબઈ ખાતે 53 મકાનોમાંથી ચારના ભાવ રૂ. 200 કરોડથી વધુ હતું. જ્યારે સાત મકાનોની કિંમત રૂ. 100 કરોડથી રૂ. 200 કરોડ પર હતી. દિલ્હી-એનસીઆર ખાતે રૂ. 100 કરોડથી વધુ મૂલ્યની બે પ્રોપર્ટીઝનું વેચાણ થયું હતું. હાઈ નેટવર્થ ઈન્ડિવિડ્યૂઅલ્સ બંગ્લોઝની સરખામણીમાં લક્ઝરી એપાર્ટમેન્ટ્સ પર પસંદગી ઉતારી રહ્યાં હોવાનો ટ્રેન્ડ જોવા મળે છે. કુલ 58 ડિલ્સમાંથી 53 ડિલ્સ એપાર્ટમેન્ટ્સના હતાં. જ્યારે માત્ર પાંચ સોદાઓ બંગલાના હતાં. અલ્ટ્રા-લક્ઝરી મકાનોની ખરીદી મોટેભાગે બિઝનેસમેન તરફથી કરવામાં આવી હતી. જ્યારે પાંચ ટકા હિસ્સો રાજકારણીઓ અને બોલીવુડ સેલિબ્રિટીઝનો હતો. તેમજ 16 ટકા હિસ્સો સિનિયર પ્રોફેશ્નલ્સનો હતો. ઉદ્યોગ વર્તુળોના મતે અલ્ટ્રા-લક્ઝરી મકાનોના વેચાણમાં વૃદ્ધિનું કારણ દેશમાં જોવા મળી રહેલું મજબૂત આર્થિક મોમેન્ટમ છે. જેમાં મેન્યૂફેક્ચરિંગમાં વૃદ્ધિ, નિકાસમાં વૃદ્ધિ જેવી ઘટનાઓનું ઊંચું યોગદાન છે.
ગિફ્ટ સિટી ડાયરેક્ટ લિસ્ટીંગ્સ માટે તૈયાર
ગ્રોથના બીજા તબક્કામાં રિ-ઈન્શ્યોરન્સની પણ છૂટ મળશે
ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી વૃદ્ધિના નવા તબક્કા માટે તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફ્લેગશિપ પ્રોજેક્ટ સમાન દેશના સૌથી નવા ફાઈનાન્સિયલ સેન્ટરમાં એક પછી એક નવા પ્રોજેક્ટ્સ હાથ ધરાઈ રહ્યાં છે. ગિફ્ટ સિટીના પ્રથમ તબક્કાની શરૂઆત 2020માં નવા રેગ્યુલેટર ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિઝ ઓથોરિટીની સ્થાપના સાથે થઈ હતી. જેણે ભારતને કેન્દ્રમાં રાખીને વૈશ્વિક રોકાણકાર સમુદાયને આવકારતાં પગલાંઓ હાથ ધર્યાં હતાં. તેણે દુબઈ, મોરેશ્યસ કે પછી સિંગાપુર જતાં રહેલાં ભારતીયોને પણ ભારત પરત બોલાવવા માટેની મહત્વાકાંક્ષી યોજના તૈયાર કરી છે. આઈએફએસસીએના ચેરમેન તરીકે કે રાજારામણે ઓગસ્ટમાં હવાનો સંભાળ્યો હતો.
સપ્ટેમ્બર 2023 સુધીમાં ગિફ્ટમાં રજિસ્ટર્ડ અથવા કામ કરવા માટે લાયસન્સ ધરાવતી કંપનીઓની કુલ સંખ્યા 550થી વધુ પર પહોંચી હતી. જે 2020માં 129 પર હતી. હાલમાં ગિફ્ટમાં 25થી વધુ બેંક્સ જોવા મળે છે. જે સંખ્યા 2020માં 13 પર હતી. હાલમાં ગિફ્ટમાં બે ઈન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જિસ આવેલા છે. જે દૈનિક 20 કલાકથી વધુ ટ્રેડિંગ અવર્સ ઓફર કરે છે. જેમાં ઈન્ડેક્સ, સ્ટોક, કરન્સી અને કોમોડિટી ડેરિવેટીવ્સનો સમાવેશ થાય છે.
સપ્ટેમ્બર, 2023ની આખર સુધીમા ગિફ્ટ સિટી ખાતે કુલ 52.7 અબજ ડોલરના મૂલ્યનું ડેટ લિસ્ટીંગ થઈ ચૂક્યું છે. જેમાં 10.18 અબજ ડોલરનું લિસ્ટીંગ એન્વાર્યન્મેન્ટલ, સોશ્યલ અને ગવર્નન્સ બોન્ડ્સમાં છે. હવે ગિફ્ટ સિટી તેના બે એક્સચેન્જિસ ખાતે અનલિસ્ટેડ ભારતીય કંપનીઓના શેર્સના સીધા લિસ્ટીંગ્સ માટે તૈયાર થઈ રહ્યું છે. ઉપરાંત આઈએફએસસીને રિ-ઈન્શ્યોરન્સ હબ માટે સક્ષમ બનાવવાની યોજના પણ છે. હાલમાં ભારતીય ઈન્શ્યોરન્સ કંપનીઓએ તેમના રિઈન્શ્યોરન્સ માટે બહાર જવું પડે છે. ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સેન્ટર ખાતે બુકકિપીંગ, એકાઉન્ટિંગ, ટેક્સેશન અને ફાઈનાન્સિયલ ક્રાઈમ કોમ્પ્લાયન્સ સર્વિસિઝને પણ સક્ષમ બનાવશે. ગિફ્ટ સિટી ખાતે રજિસ્ટ્રેશન તથા કંપનીઓની મંજૂરી માટે સિંગલ વિંડો આઈટી સિસ્ટમ લાગુ પાડવામાં આવશે. ઉપરાંત, એક્વિઝીશન ફાઈનાન્સિંગને મંજૂરી અપાશે. એજ્યૂકેશન ક્ષેત્રે પણ ગિફ્ટ સિટી વિદેશી યુનિવર્સિટીઓને પ્રવેશ આપશે. તેમના કેમ્પસ સ્થાપવામાં સહાય કરશે એમ આઈએફએસસીના ચેરમેન જણાવે છે.
ડોલર ઈન્ડેક્સમાં બાઉન્સ પાછળ રૂપિયો નવા તળિયે જોવા મળ્યો
હરિફ એશિયન દેશોની સરખામણીમાં ભારતીય ચલણનો નબળો દેખાવ
વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સમાં ગુરુવારે પ્રત્યાઘાતી સુધારા પાછળ ભારતીય રૂપિયો ડોલર સામે ઘટાડો દર્શાવવા સાથે તેના ઓલ-ટાઈમ લો લેવલ પર બંધ રહ્યો હતો. કામકાજની આખરમાં તે સાત પૈસા ગગડી 83.3950ના વિક્રમી તળિયે બંધ રહ્યો હતો. બુધવારે તે 83.3250ની સપાટીએ બંધ હતો. નવેમ્બર મહિનામાં ડોલર સામે રૂપિયામાં 0.1 ટકાનો સાધારણ ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે છેલ્લાં ત્રણ મહિનામાં તે સતત ધીમો ઘસારો દર્શાવી રહ્યો છે. વિશ્વના ટોચની છ કરન્સીઝના બાસ્કેટ સામે ડોલર ઈન્ડેક્સ 103.20ની સપાટીએ ટ્રેડ દર્શાવતો હતો. અગાઉ મંગળવારે અને બુધવારે તે 103ની સપાટી નીચે ઉતરી ગયો હતો. જ્યાંથી તેમાં બાઉન્સ નોંધાયો હતો. જોકે, ચાલુ કેલેન્ડરના 11 મહિનાઓમાં તેણે નવેમ્બરમાં 3 ટકાનો સૌથી તીવ્ર ઘટાડો દર્શાવ્યો હતો.
ગુરુવારે નવા તળિયે બંધ રહેનારો રૂપિયો એશિયન હરિફોમાં નવેમ્બરમાં સૌથી ખરાબ દેખાવ દર્શાવી રહ્યો છે. ડોલર ઈન્ડેક્સમાં ઘટાડા અને યુએસ બોન્ડ યિલ્ડ્સમાં નરમાઈ પાછળ એશિયાના મોટાભાગના ચલણોએ ડોલર સામે સુધારો દર્શાવ્યો છે. જેનાથી વિપરીત ભારતીય રૂપિયાએ ધીમો ઘસારો જાળવી રાખ્યો છે. જેનું એક મહત્વનું કારણ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી બજારમાં મર્યાદિત દરમિયાનગીરી હોવાનું ફોરેક્સ ટ્રેડર માની રહ્યાં છે. તાજેતરમાં ડોલર ઈનફ્લો ફરીથી સુધારાતરફી હોવાના કારણે રૂપિયાને કુદરતી સપોર્ટ મળી રહ્યો છે અને તેથી આરબીઆઈનું ડોલર વેચાણ ઘટ્યું છે. જેની પાછળ બે સપ્તાહ અગાઉ દેશના વિદેશી હૂંડિયામણમાં પાંચ અબજ ડોલરથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો અને કેલેન્ડરની સમાપ્તિ પહેલાં તે 600 અબજ ડોલરનો આંક વટાવી જાય તેવી શક્યતાં જોવામાં આવી રહી છે. પ્રાઈવેટ બેંકના ડિલર જણાવે છે કે સેન્ટ્રલ બેંક ડોલરનું ધીમુ વેચાણ દર્શાવી રહી છે. જ્યારે બીજી બાજુ મોટી વિદેશી બેંક ડોલર ખરીદી રહી છે. જોકે, નજીકના ભવિષ્યમાં રૂપિયામાં કોઈ ખાસ ઘટાડાની શક્યતાં નથી જણાતી. ફેડ તરફથી ડોવિશ વલણ વધી રહ્યું છે અને તેથી ડોલરમાં નરમાઈ જળવાશે તો રૂપિયો ફરી 82-83ની ટ્રેડિંગ રેંજમાં પરત ફરી શકે છે. જોકે, જીઓ-પોલિટીકલ કટોકટીના કિસ્સામાં તે ડોલર સામે વધુ ઘટાડો દર્શાવે તે સંભવ છે.
વિદેશી સંસ્થાકિય રોકાણકારોનું ગુરુવારે રૂ. 8150 કરોડનું રોકાણ
છેલ્લાં ત્રણ મહિનાથી ભારતીય બજારમાં વેચાણ દર્શાવી રહેલાં વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ નવેમ્બર મહિનાના આખરી ટ્રેડિંગ સત્રમાં રૂ. 8148 કરોડનું રોકાણ કર્યું હોવાનું સેબીનો પ્રોવિઝ્નલ ડેટા સૂચવતો હતો. જે છેલ્લાં ઘણા મહિનાઓમાં એક દિવસમાં જોવા મળેલો સૌથી મોટો ઈનફ્લો હોવાનું વર્તુળો જણાવતાં હતાં. આ માટે એમએસસીઆઈ ઈન્ડેક્સના પુનર્ગઠનને કારણે પણ પેસિવ ફંડ્સ તરફથી જોવા મળેલો ઈનફ્લો જવાબદાર હોવાનું માનવામાં આવે છે. જે આગામી સત્રોમાં જળવાય શકે છે. છેલ્લાં કેટલાંક સત્રોમાં એફપીઆઈનું વેચાણ અટક્યું હતું અને તેને કારણે નવેમ્બરના પ્રથમ પખવાડિયામાં નેટ આઉટફ્લો દર્શાવનાર વિદેશી રોકાણકારો હવે નેટ ઈનફ્લો દર્શાવી રહ્યાં છે. આમ, 2023ની સમાપ્તિ પૂર્વે જ તેઓ ભારતીય બજારમાં પરત ફર્યાં છે. જોકે, ડિસેમ્બરમાં ક્રિસમસ વેકેશન જેવા પરિબળ પાછળ તેમનો ઈનફ્લો પાંખો જોવા મળી શકે છે. જ્યારે નવા કેલેન્ડરમાં તેઓ ભારતીય બજારમાં મોટું રોકાણ દર્શાવે તેવી શક્યતાં જોવામાં આવે છે.
કોર્પોરેટ એડવાઈઝરી
તાતા કોફીઃ તાતા જૂથની કંપનીના બોર્ડે તેની વિયેટનામ સ્થિત સંપૂર્ણ માલિકીની પેટાકંપનીમાં ક્ષમતા વિસ્તરણ માટે રૂ. 450 કરોડના રોકાણને મંજૂરી આપ છે. આ રકમનો ઉપયોગ 5500 ટનની ફ્રિઝ-ડ્રાઈડ કોફી સુવિધા ઊભી કરવામાં થશે એમ રેગ્યુલેટરી ફાઈલીંગમાં જણાવ્યું છે. હાલમાં તાતા કોફી વિયેટનામ 5 હાજર ટનની ક્ષમતા ધરાવે છે. જેનો ક્ષમતા વપરાશ 96 ટકા જેટલો જોવા મળે છે.
REC: જાહેર ક્ષેત્રની કંપનીએ નાણા વર્ષ 2023-24 માટે તેના બોરોઈંગને વધારીને રૂ. 1.5 લાખ કરોડ કરવાની મંજૂરી આપી છે. અગાઉ કંપનીએ ચાલુ વર્ષ માટે રૂ. 1.2 લાખ કરોડના બોરોઈંગનો ટાર્ગેટ નિર્ધારિત કર્યો હતો. જોકે, પાછળથી ઊંચી ઋણ માગને જોતાં તેણે લક્ષ્યાંક સુધાર્યો છે. કંપની ચોથા ક્વાર્ટરમાં મોટી રકમ ઊભી કરશે.
ઓરોબિંદો ફાર્માઃ ફાર્મા કંપનીના યુનિટે બાળકોમાં અસ્થમાની જેનેરિક સારવાર માટેની દવાના ઉત્પાદન અને માર્કેટિંગ માટે યુએસ રેગ્યુલેટર એફડીએએ તરફથી મંજૂરી મેળવી છે. હૈદરાબાદ સ્થિત કંપનીની સંપૂર્ણ માલિકીની કંપની બુડેસોનિડ ઈન્હેલેશન સસ્પેન્શનનું ઉત્પાદન અને માર્કેટિંગ કરશે.
સિએટઃ ટાયર ઉત્પાદક કંપનીએ સીજીએસટી અને સેન્ટ્રલ એક્સાઈઝના એડિશ્નલ કમિશ્નર પાસેથી રૂ. 1.98 કરોડ માટેની ડિમાન્ડ નોટિસ મેળવી છે. સાથે તેને પેનલ્ટી માટેની નોટિસ પણ મળી છે. રૂ. 1.8 કરોડના જીએસટી અને રૂ. 18 લાખના પેનલ્ટીની માગ કરવામાં આવી છે.