બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
તેજીવાળાના સપોર્ટથી નિફ્ટી ઓલ-ટાઈમ હાઈ બનાવવાના માર્ગે
બેન્ચમાર્ક અઢી મહિને 20000ની સપાટી ફરી દર્શાવી
એશિયન બજારોમાં વેચવાલી સામે ભારતીય બજારમાં મજબૂતી
વોલેટિલિટી ઈન્ડેક્સ 4.3 ટકા ઉછળી 12.70ના સ્તરે
ઓટો, બેંક, આઈટી, ફાર્મા, એફએમસીજીમાં મજબૂતી
રિઅલ્ટીમાં નરમાઈ
ટોરેન્ટ પાવર, મણ્ણાપુરમ ફાઈ. ભેલ, સીડીએસએલ, ફર્સ્ટસોર્સ નવી ટોચે
હિંદુજા ગ્લોબલમાં નવું તળિયું
ભારતીય શેરબજારમાં મોમેન્ટમ મજબૂત જળવાય રહેતાં બેન્ચમાર્ક્સ તેમની અગાઉની ટોચની વધુ નજીક પહોંચ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 728 પોઈન્ટ્સ ઉછળી 66902ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 207 પોઈન્ટ્સ ઉછળી 20097 પોઈન્ટ્સની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. જે તેના 15 સપ્ટેમ્બરના 20192ના ઓલ-ટાઈમ ક્લોઝ લેવલથી માત્ર 95 પોઈન્ટ્સ છેટે હતો. બ્રોડ માર્કેટમાં પણ લેવાલી પાછળ બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. બીએસઈ ખાતે કુલ 3841 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1916 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળતાં હતાં. જ્યારે 1786 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. 318 કાઉન્ટર્સે તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જ્યારે 31 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. અપર સર્કિટ્સમાં 9 કાઉન્ટર્સ તથા લોઅર સર્કિટ્સમાં 9 કાઉન્ટર્સ બંધ જોવા મળતાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 4.3 ટકા ઉછળી 12.70ના સ્તરે બંધ રહ્યો હતો.
વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સ અને તેની પાછળ યુએસ ટ્રેઝરીમાં નરમાઈ પાછળ ભારતીય બજાર ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યાં પછી સુધારાતરફી જોવા મળ્યાં હતાં. નિફ્ટી અગાઉના 19890ના બંધ સામે 19977ની સપાટીએ ખૂલી ઉપરમાં 20105ની સપાટીએ ટ્રેડ થઈ તેની નજીક જ બંધ રહ્યો હતો. અગાઉ અઢી મહિના અગાઉ 15 સપ્ટેમ્બરે તેણે 20192ની સર્વોચ્ચ સપાટીએ બંધ દર્શાવ્યું હતું. આમ, નિફ્ટી તેનાથી માત્ર 95 પોઈન્ટ્સ છેટે બંધ જોવા મળે છે. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 46 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 20143ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 63 પોઈન્ટ્સના પ્રિમીયમની સરખામણીમાં ગટાડો સૂચવે છે. જેનો અર્થ એ થાય છે કે ઊંચા મથાળે લોંગ પોઝીશન હળવી થઈ છે અને તેથી બજારમાં કોન્સોલિડેશનની અપેક્ષા છે. બીજી બાજુ, વોલેટિલિટી ઈન્ડેક્સ પણ સતત બીજા દિવસે વધ્યો છે. જે માર્કેટમાં એક પ્રોફિટ બુકિંગનો સંકેત આપે છે. આમ ટ્રેડર્સે જૂની પોઝીશન પર પ્રોફિટ લઈને માર્કેટથી અળગાં રહેવું યોગ્ય છે. નવી પોઝીશન માટે ઘટાડાની રાહ જોવી જોઈએ. ટેકનિકલ એનાલિસ્ટ્સ નિફ્ટીમાં 19800ના નજીકના સ્ટોપલોસ સાથે લોંગ જાળવવાની સલાહ આપે છે. બુધવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા મુખ્ય ઘટકોમાં એક્સિસ બેંક, હીરો મોટોકોર્પ, એમએન્ડએમ, વિપ્રો, તાતા મોટર્સ, એચડીએફસી બેંક, એલટીઆઈમાઈન્ડટ્રી, બ્રિટાનિયા, ટેક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેંક, જેએસડબલ્યુ સ્ટીલ, ગ્રાસિમ, એચસીએલ ટેક, ટીસીએસ, બજાજ ઓટો, ઈન્ફોસિસ, યૂપીએલ, લાર્સન, ભારતી એરટેલ, બીપીસીએલનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, ઓએનજીસી, ડિવિઝ લેબ્સ, નેસ્લે, ટાઈટન કંપની, આઈશર મોટર્સ, અદાણી પોર્ટ્સમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ દેખાવની વાત કરીએ તો ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજીમાં મજબૂતી જોવા મળી હતી અને તેઓ અડધાથી બે ટકા વૃદ્ધિ દર્શાવતાં હતાં. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 1.63 ટકા સાથે તેની નવી ટોચે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં હીરો મોટોકોર્પ, એમએન્ડએમ, મધરસન, ટીવીએસ મોટર, તાતા મોટર્સ, બોશ. ભારત ફોર્જ, બજાજ ઓટો, ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ, એમઆરએફ, મારુતિ સુઝુકીમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 1.53 ટકા સુધારો સૂચવતો હતો. જેના ઘટકોમાં વિપ્રો, કોફોર્જ, એલટીઆઈમાઈન્ડટ્રી, એમ્ફેસિસ, પર્સિસ્ટન્ટ. એલએન્ડટી ટેક્નોલોજી, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક્નોલોજી, ટીસીએસ અને ઈન્ફોસિસ સુધરવામાં અગ્રણી હતાં. નિફ્ટી બેંક 1.56 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં એક્સિસ બેંક, બંધન બેંક, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક, પીએનબી, એસબીઆઈ, કોટક મહિન્દ્રા બેંકમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ અડધા ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં બાયોકોન, સન ફાર્મા, ઝાયડસ લાઈફ, સિપ્લા, ડો. રેડ્ડીઝ લેબ્સ, ટોરેન્ટ ફાર્મા, ઓરોબિંદો ફાર્માનો સમાવેશ થતો હતો. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ 0.65 ટકા મજબૂતી દર્શાવતો હતો. જેના ઘટકોમાં ભેલ, ઓઈલ ઈન્ડિયા, હિંદુસ્તાન એરોનોટીક્સ, પાવર ફાઈનાન્સ, એનએચપીસી, આરઈસી, બીપીસીએલ, આઈઆરસીટીસી, ગેઈલ નોંધપાત્ર સુધારો સૂચવતાં હતાં. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સમાં 0.5 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં ફિનિક્સ મિલ્સ, સોભા, ઓબેરોય રિઅલ્ટી, પ્રેસ્ટીજ એસ્ટેટ, હેમિસ્ફીઅર, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી ઘટાડો દર્શાવી રહ્યાં હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર કરીએ તો મણ્ણાપુરમ ફાઈનાન્સ 7 ટકા સાથે સૌથી ઊંચી વૃદ્ધિ દર્શાવતો હતો. આ ઉપરાંત, ભેલ, મૂથૂત ફાઈનાન્સ, એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ, એક્સિસ બેંક, હીરો મોટોકોર્પ, જ્યુબિલિઅન્ટ ફૂડ, એમએન્ડએમ, મધરસન, હિંદ કોપર, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, બિરલાસોફ્ટ, બંધન બેંક, હિંદુસ્તાન એરોનોટીક્સ, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા, વિપ્રો, પાવર ફાઈનાન્સ, કોફોર્જ, રામ્કો સિમેન્ટ્સ, યુનાઈટેડ બ્રૂઅરિઝ, ટીવીએસ મોટર, તાતા મોટર્સમાં નોઁધપાત્ર ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, ઝી એન્ટરટેઈનમેન્ટ, બાલક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીઝ, એમસીએક્સ ઈન્ડિયા, ઓએનજીસી, આદિત્ય બિરલા ફેશન, ડિવિઝ લેબ્સ, પેજ ઈન્ડસ્ટ્રીઝ, જેકે સિમેન્ટ, એસ્કોર્ટ્સ કુબોટા, પોલીકેબ, અબોટ ઈન્ડિયામાં નોંધપાત્ર વેચવાલી જોવા મળી હતી. કેટલાંક કાઉન્ટર્સે વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જેમાં ટોરેન્ટ પાવર, મણ્ણાપુરમ ફાઈ. ભેલ, સીડીએસએલ, ફર્સ્ટસોર્સ, પીસીબીએલ, રત્નમણિ મેટલ, હિરો મોટોકોર્પ, સાયન્ટ, હિંદ કોપરનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, હિંદુજા ગ્લોબલમાં નવું તળિયું જોવા મળ્યું હતું.
જાહેર સાહસ ઈરેડાનું 56 ટકા પ્રિમીયમ સાથે લિસ્ટીંગ થયું
મિની નવરત્નમાં સમાવેશ પામતાં ઈન્ડિયન રિન્યૂએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી(ઈરેડા)એ 29 નવેમ્બરે 56 ટકા પ્રિમીયમ સાથે શેરબજારમાં લિસ્ટીંગ નોંધાવ્યું હતું. કંપનીનો શેર રૂ. 32ના ઓફરભાવ સામે 56 ટકા પ્રિમીયમ સામે રૂ. 50ની સપાટીએ લિસ્ટ થયો હતો. કંપનીના શેરનું લિસ્ટીંગ ગ્રે માર્કેટમાં જોવા મળતાં પ્રિમીયમ કરતાં ઊંચા ભાવે થયું હતું. જે રોકાણકારોમાં કંપનીના શેર્સની ફેન્સી સૂચવે છે. કંપનીના આઈપીઓને ઊંચો પ્રતિસાદ સાંપડ્યો હતો. કુલ 47.09 કરોડ શેર્સની ઓફર સામે 1827.25 કરોડ શેર્સ માટે બીડીંગ જોવા મળ્યું હતું. આમ તે 38.8 ગણો છલકાઈ ગયો હતો. જેમાં ક્વિબ કેટેગરીમાં 105 ગણું ભરણું જોવા મળ્યું હતું. જ્યારે એચએનઆઈ કેટેગરીમાં 24.16 ગણું બીડિંગ તથા રિટેલમાં 7.73 ગણુ બિડિંગ જોવા મળ્યું હતું. કંપનીએ આઈપીઓ મારફતે રૂ. 2150 કરોડ ઊભા કર્યાં હતાં. કંપની રિન્યૂએબલ એનર્જી સેક્ટર માટે એનબીએફસીની કામગીરી બજાવે છે. સપ્ટેમ્બર આખરમાં તેની ગ્રોસ એનપીએ 3.13 ટકા પર જોવા મળતી હતી. જે હરિફ કંપનીઓ આરઈસી અને પીએફસી કરતાં સારી છે.
પ્રોસૂસ એનવીએ બાયજૂસનું વેલ્યૂએશન 3 અબજ ડોલર નીચે આંક્યું
ગયા વર્ષે એડટેક યુનિકોર્નના 22 અબજ ડોલરના મૂલ્યમાં 86 ટકા ઘટાડો કર્યો
ગયા વર્ષે નવેમ્બરમાં પ્રોસૂસે બાઈજૂસનું વેલ્યૂએશન ઘટાડીને 5.97 અબજ ડોલર પર આંક્યું હતું
દેશમાં સૌથી સફળ સ્ટાર્ટઅપ્સમાંના એક એવા એડટેક યુનિકોર્ન બાઈજુસ માટે વધુ એક પ્રતિકૂળ અહેવાલમાં પ્રોસૂસ એનવીએ બુધવારે બાઈજૂસનું વેલ્યૂએશન 3 અબજ ડોલરથી નીચું આક્યું હતું. જે ગયા વર્ષે જોવા મળતાં એડટેક યુનિકોર્નના 22 અબજ ડોલરના મૂલ્યમાં 86 ટકા ઘટાડો સૂચવે છે. બાઈજૂસમાં રોકાણ ધરાવતાં પ્રોસૂસે અગાઉ ગયા વર્ષે નવેમ્બરમાં પ્રોસૂસે બાઈજૂસનું વેલ્યૂએશન ઘટાડીને 5.97 અબજ ડોલર નિર્ધારિત કર્યું હતું.
પ્રોસૂસના અર્નિંગ્સ કોલ દરમિયાન કંપનીના સીઈઓ ઈરવિન ટુએ બાઈજુસને લઈ આ ડિસ્ક્લોઝર કર્યું હતું. જે તાજેતરમાં એડટેક કંપની માટે સૌથી મોટો વેલ્યૂએશન કાપ છે. પ્રોસૂસે બીજી વાર કંપનીના મૂલ્યમાં ઘટાડો કર્યો છે. ગયા વર્ષે નવેમ્બરમાં પણ તેણે બાઈજૂસનું મૂલ્ય ઘટાડીને 5.97 અબજ ડોલર કર્યું હતું. અગાઉ જુલાઈમાં બાઈજુસના બોર્ડમાંથી પ્રોસૂસના ડિરેક્ટરે રાજીનામું પણ આપ્યું હતું. પ્રોસૂસે આક્ષેપ મૂક્યો હતો કે તેના સતત કહેવા છતાં બાઈજૂસના ડિરેક્ટર્સે તેની સલાહને કાને ધરી નહોતી અને તેથી તેણે આ નિર્ણય લીધો હતો. બાઈજુસ એક સમયે ભારતનું સૌથી મૂલ્યવાન સ્ટાર્ટઅપ ગણાતું હતું. જેના રોકાણકારોમાં જનરલ એટલાન્ટિક અને બ્લેકરોક સહિતનાનો સમાવેશ થતો હતો. તેના ઓડિટર તરીકે ડેલોઈટ હતો. જેણે પણ રાજીનામું આપ્યું હતું.
GIFT નિફ્ટીએ એક સત્રમાં વિક્રમી 16.75 અબજ ડોલરનું વિક્રમી ટર્નઓવર
કુલ 4,27,935 કોન્ટ્રેક્ટ્સનું ટ્રેડિંગ થયું
ગિફ્ટ નિફ્ટીએ મંગળવારે વિક્રમી ટ્રેડિંગ દર્શાવ્યું હતું. એક જ સત્રમાં તેણે કુલ 16.76 અબજ ડોલર(રૂ. 1,39,766 કરોડ)નું કામકાજ દર્શાવ્યું હતું. કોન્ટ્રેક્ટ્સની રીતે જોઈએ તો કુલ 4,27,925 કોન્ટ્રેક્ટ્સનું ટ્રેડિંગ નોંધાયું હતું એમ એનએસઈ આઈએક્સે જણાવ્યું છે.
ઈન્ડેક્સમાં માત્ર અગાઉના જૂના સિંગલ-ડે ટ્રેડિંગ વોલ્યુમને પાર કરવાની ઘટના નથી બની પરંતુ તેણે સૌથી ઊંચું ઓપન ઈન્ટરેસ્ટ પણ નોંધાવ્યું હતું. અગાઉ 27 નવેમ્બરે 12.75 અબજ ડોલરનો સૌથી ઊંચા ઓપન ઈન્ટરેસ્ટનો રેકર્ડ સ્થપાયો હતો. જે બીજા સત્રમાં તૂટ્યો હતો અને ઓપન ઈન્ટરેસ્ટ 13.51 અબજ ડોલર પર જોવા મળ્યું હતું. અગાઉ 26 સપ્ટેમ્બર, 2023ના રોજ ગિફ્ટ નિફ્ટીમાં 15.25 અબજ ડોલરનું વિક્રમી ટર્નઓવર જોવા મળ્યું હતું. જુલાઈની શરૂઆતથી એનએસઈ આઈએક્સ ખાતે ગિફ્ટ નિફ્ટીએ સંપૂર્ણપણે કામગીરીની શરૂઆત કરી હતી. જ્યારથી સતત વોલ્યુમ વૃદ્ધિ જોવા મળી રહી છે. કામકાજના પ્રથમ સત્રમાં તેણે 304 અબજ ડોલર સાથે 78.7 લાખ કોન્ટ્રેક્ટ્સની કુલ કામગારી દર્શાવી હતી. ગિફ્ટ નિફ્ટી અગાઉ સિંગાપુર નિફ્ટી તરીકે ઓળખાતી હતી. જેનું ટ્રેડિંગ સિંગાપુર એક્સચેન્જ ખાતે હાથ ધરાતું હતું. પાછળથી તેને એનએસઈ આઈએક્સ ખાતે ગિફ્ટ નિફ્ટી તરીકે રિબ્રાન્ડ કરવામાં આવી હતી. 29 નવેમ્બરે ગિફ્ટ નિફ્ટી 0.54 ટકા વૃદ્ધિ સાથે 20,116.50ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. ભારતમાં એનએસઈ ખાતે બેન્ચમાર્ક નિફ્ટી કેવું ઓપનીંગ દર્શાવશે તેના સંકેત તરીકે ગિફ્ટ નિફ્ટીને ટ્રેક કરવામાં આવે છે. એનએસઈ આઈએક્સ એ નેશનલ સ્ટોક એક્સચેન્જની સબસિડિયરી છે. જેની સ્થાપના ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિઝ સેન્ટર ઓથોરિટીની માન્યતા સાથે ગિફ્ટ સિટી ખાતે કરવામાં આવી છે. એનએસઈ આઈએક્સ વિવિધ પ્રોડક્ટ્સ ઓફર કરે છે. જેમાં સ્ટોક ડેરિવેટીવ્સ, ઈન્ડેક્સ ડેરિવેટીવ્સ, કરન્સી ડેરિવેટીવ્સ, ડિપોઝીટરી રિસિટ્સ, કોમોડિટી ડેરિવેટીવ્સ અને ગ્લોબલ સ્ટોક્સનો સમાવેશ થાય છે.
ક્રૂડ સપ્લાયમાં સ્પર્ધા વધતાં સાઉદી અરામ્કોએ ભાવમાં ઘટાડાનો સંકેત આપ્યો
સાઉદી અરેબિયન સરકારની કંપની જાન્યુઆરીથી અરબ લાઈટ ઓઈલના ભાવમાં 1.05 ડોલર પ્રતિ બેરલ ઘટાડો કરશે
સાઉદી અરામ્કોએ જૂન પછી પ્રથમવાર એશિયન બજારો માટે ફ્લેગશિપ ઓઈલ ગ્રેડના ભાવમાં ઘટાડાની આગાહી કરી છે. યુએસ અને યુરોપિયન બેરલ્સના વધતાં સસ્તાં સપ્લાયને કારણે વિશ્વમાં સૌથી ઊંચી ઓઈલ કરતાં એશિયામાં સ્પર્ધા તીવ્ર બની છે.
સાઉદી અરેબિયા સરકારની ઓઈલ ઉત્પાદક આગામી જાન્યુઆરીથી અરબ લાઈટ ઓઈલના ભાવમાં અગાઉના મહિનાના ભાવની સરખામણીમાં સત્તાવાર રીતે પ્રતિ બેરલ 1.05 ડોલરનો ઘટાડો કરશે એમ બ્લૂમબર્ગે હાથ ધરેલા છ રિફાઈનર્સ અને ટ્રેડર્સના સર્વેનું કહેવું છે. ગયા ફેબ્રુઆરી પછી આ સૌથી મોટો ઘટાડો હશે.
છેલ્લાં એક મહિનામાં એશિયન ફિઝિકલ માર્કેટ્સમાં નરમાઈ જોવા મળી છે અને વૈશ્વિક બેન્ચમાર્ક બ્રેન્ડ તેની સપ્ટેમ્બરની ટોચ પરથી 15 ટકા કરતાં વધુ તૂટી ચૂક્યો છે. જે સાઉદી અરેબિયા માટે ભાવ સપાટીને મજબૂત જાળવવામાં કઠિનાઈ ઊભી કરી શકે છે. ઉપરાંત, યુએસ, ગુયાના અને નોર્થ સી ખાતેથી સપ્લાયમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. જે ઉત્પાદન ઘટાડીને ભાવને ઊંચા જાળવવાની સાઉદીની નીતિ તેના માટે બજાર હિસ્સામાં ઘટાડાનું જોખમ સૂચવે છે. એશિયન ખરીદારો માટે મધ્ય-પૂર્વમાંથી ઓઈલની ખરીદી આકર્ષક બની રહી છે. જેનું કારણ ઓપેક ઉપરાંતના ક્રૂડ ઉત્પાદકો તરફથી ઉત્પાદન કાપને કારણે દુબઈ ક્રૂડમાં જોવા મળતી મજબૂતી છે. હવે દૂબઈ અને બ્રેન્ટ પેરિટીમાં જોવા મળે છે એમ પીવીએમ ઓઈલ એસોસિએટ્સ ડેટા સૂચવે છે. સામાન્યરીતે ગ્લોબલ બેન્ચમાર્ક વધુ મોંઘો જોવા મળતો હોય છે. યુએસ સ્થિત વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમિડિએટ તેના મધ્ય-પૂર્વના બેન્ચમાર્ક કરતાં 5 ડોલર નીચો જોવા મળે છે.
વોરેન બૂફેના દાયકાઓના સાથી ચાર્લી મૂંગેરનું 99 વર્ષની વયે નિધન
મૂંગેરે બર્કશાયર હાથવેના બોર્ડ પર દાયકાઓ સુધી વાઈસ ચેરમેન રહ્યાં હતાં
તેમણે બર્કશાયર હાથવેના ઈન્વેસ્ટમેન્ટ્સ અને બિઝનેસ નિર્ણયોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી
વિશ્વ વિખ્યાત રોકાણકાર વોરેન બૂફેના નજીકના સાથીદાર ચાર્લી મૂંગેરનું મંગળવારે કેલિફોર્નિયા સ્થિત હોસ્પિટલમાં 99 વર્ષની વયે અવસાન થયું હતું. મૂંગેરે બર્કશાયર હાથવેના બોર્ડમાં દાયકાઓ સુધી વાઈસ ચેરમેન તરીકે સેવા આપી હતી. તેમજ કંપનીના ઈન્વેસ્ટમેન્ટ્સ અને બિઝનેસ સંબંધી નિર્ણયોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
મહત્વની વાત એ હતી કે મૂંગેરે બર્કશાયરમાં પડદા પાછળ રહી કામ કરવાનું પસંદ કર્યું હતું. જ્યારે બૂફેને કંપનીનો ચહેરો બનવાની મોકળાશ પૂરી પાડી હતી. તેમણે હંમેશા કંપનીની નોંધપાત્ર સફળતામાં તેમના યોગદાનને ‘ડાઉનપ્લે’ કર્યું હતું. જોકે, બૂફેએ હંમેશા તેમની શરૂઆતની વેલ્યૂ ઈન્વેસ્ટીંગ સ્ટ્રેટેજિસના ભાગરૂપે મહાન બિઝનેસિસની ખરીદી માટે તેમને બળ પૂરું પાડવા માટેનો યશ મૂંગેરને આપ્યો હતો. 2008માં બૂફેએ જણાવ્યું હતું કે ચાર્લીએ મને બિઝનેસનું મૂલ્યાંકન કરવામાં તથા માનવ વલણને સમજતાં શીખવાડ્યાં હતાં. બૂફેની શરૂઆતની સફળતા તેમણે ભૂતપૂર્વ કોલંબિયા યુનિવર્સિટી પ્રોફેસર બેન ગ્રેહામ પાસેથી લીધેલાં જ્ઞાન આધારિત હતી. તેઓ એવી કંપનીઓના શેર્સની ખરીદી કરતાં હતાં જેઓ તેમની નેટ વર્થ કરતાં નીચો શેર ભાવ ધરાવતી હતી. જ્યારે શેરના ભાવમાં સુધારો જોવા મળતો ત્યારે બૂફે શેર્સનું વેચાણ કરતાં હતાં.
બૂફે અને મૂંગેરે લાંબો સમય સુધી સાથે કામ કર્યું હતું પરંતુ તે દરમિયાન બંને એકબીજાથી 1500 માઈલ્સ દૂર રહ્યાં હતાં. જોકે, બૂફેએ જણાવ્યું હતું કે જ્યારે પણ કોઈ મહત્વના નિર્ણય લેવાના હોય ત્યારે તેઓ લોસ એન્જલ્સમાં અથવા પસેડેનામાં રહેતાં મુંગેર સાથે અચૂક વિચાર-વિમર્શ કરતાં હતા. મૂંગેરનો ઉછેર નેબ્રાસ્કામાં ઓમાહા ખાતે થયો હતો. જે બૂફેટના વર્તમાન નિવાસસ્થાનથી પાંચ બ્લોક્સ દૂર હતું. જોકે, મૂંગેર તેમના સાત વર્ષ મોટા હોવાના કારણે તેઓ બાળપણના સાથી તરીકે મળી શક્યાં નહોતા. જોકે, તેમણે બંનેએ બૂફેના દાદા અને કાકાના ગ્રોસરી સ્ટોરમાં સાથે કામ કર્યું હતું. 1959માં ઓમાહામાં ડિનર પાર્ટીમાં બંને જ્યારે મળ્યાં ત્યારે મુંગેર સાઉથર્ન કેલિફોર્નિયામાં કાયદાની પ્રેકટીસ કરતાં હતાં. જ્યારે બૂફે ઓમાહા ખાતે ઈન્વેસ્ટમેન્ટ પાર્ટનરશીપ ચલાવતાં હતાં.
બૂફે અને મૂંગેર તેમની પ્રથમ મુલાકાતમાં જ એકબીજાથી પ્રભાવિત થયાં હતાં અને ટેલિફોનથી એકબીજા સાથે સતત સંપર્કમાં રહ્યાં હતાં. તેમજ બંને વચ્ચે લાંબો પત્રાચાર પણ જોવા મળ્યો હતો એમ મુંગેરની આત્મકથામાં નોંધવામાં આવ્યું હતું. બંને જણા એકબીજા સાથે ઈન્વેસ્ટમેન્ટ આઈડિયાસ વહેંચતાં હતાં તેમજ 1960 અને 70ના દાયકામાં તેઓ એક જ કંપનીમાં રોકાણ પણ કરતાં હતાં. એક કંપનીમાં તો બંને સૌથી મોટા કોમન શેરહોલ્ડર્સ બન્યાં હતાં. આ કંપની સ્ટેમ્પ બનાવતી હતી. જેનું નામ બ્લૂ ચીપ સ્ટેમ્પ કંપની હતું. જે મારફતે તેમણે See’s Candy, ધ બફેલો ન્યૂઝ અને વેસ્કોની ખરીદી કરી હતી. મૂંગેર 1978માં બર્કશાયરના વાઈસ ચેરમેન બન્યાં હતાં. જ્યારે 1984માં વેસ્કો ફાઈનાન્સિયલના ચેરમેન અને પ્રેસિડેન્ટ બન્યાં હતાં.
બર્કશાયર હાથવેની મિટિંગ્સમાં બૂફેના લાંબા જવાબો પછી મૂંગેર હંમેશા એવું કહેતા કે ‘આઈ હેવ નથીંગ ટુ એડ’. જોકે, મૂંગેર હંમેશા એવા તીક્ષ્ણ જવાબો પણ આપતાં તે સીધાં કોઈપણ બાબતના હાર્દ સોંસરવા નીકળતાં. 2012માં સારા રોકાણને નક્કી કરવા માટે તેમણે આવી જ સલાહ આપી હતી. મુંગેરે 1940ના દાયકામાં મિશીગન યુનિવર્સિટી ખાતે મેથેમેટીક્સનો અભ્યાસ કર્યો હતો. જોકે, બીજા વિશ્વ યુધ્ધ દરમિયાન આર્મી એર કોર્પ્સમાં મટિરિઓલોજિસ્ટ તરીકેની કામગીરી બજાવવા માટે તેમણે કોલેજ છોડવી પડી હતી. જ્યારબાદ 1948માં તેઓ હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે કાયદાની ડિગ્રી મેળવવા માટે ગયા હતાં. જોકે, તેમણે બેચલર ડિગ્રીનો અભ્યાસ પૂર્ણ કર્યો નહોતો. એક સમયે મૂંગેરે 2 અબજ ડોલરની વેલ્થ ઊભી કરી હતી અને અમેરિકાના સૌથી પૈસાદારોમાં સ્થાન મેળવ્યું હતું. જોકે, પાછળથી તેઓ ફિલાન્થ્રોપીમાં સક્રિય બન્યાં હતાં અને તેમની સંપત્તિ ઘસાતી ગઈ હતી.
અદાણી પાવર મુન્દ્રા પ્લાન્ટ ખાતે ગ્રીન એમોનિયાને અપનાવશે
ખાનગી ક્ષેત્રની ટોચની વીજ ઉત્પાદક અદાણી પાવરે તેના મુન્દ્રા પ્લાન્ટમાં બહુવિધ ડીકાર્બોનાઇઝેશન પહેલના ભાગરૂપે ગ્રીન એમોનિયા કોમ્બશન પાયલોટ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. 2030 પહેલા ઊર્જા સંક્રમણ અને ઉત્સર્જનમાં ઘટાડો કરવા યુએઈમાં 30 નવેમ્બરથી 12 ડિસેમ્બર 2023 દરમિયાન ગ્લોબલ લીડર્સની યુએન ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ (COP 28) માં યોજાઈ રહી છે તે વેળા અદાણી પાવર દ્વારા તેનો પ્રારંભ કરવામાં આવશે. આ પ્રોજેક્ટના ભાગરૂપે ભારતના સૌથી મોટા ખાનગી ક્ષેત્રના મુન્દ્રામાં કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટમાં 330MW યુનિટના બોઈલરમાં 20% સુધી ગ્રીન એમોનિયા કો-ફાયર કરાશે.
ગ્રીન હાઇડ્રોજનમાંથી ગ્રીન એમોનિયા ઉત્પન્ન થાય છે.રીન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરીને તે વિદ્યુત વિચ્છેદન દ્વારા ઉત્પન્ન થાય છે, તેમાં બોઇલરો માટે ફીડસ્ટોક હશે. એમોનિયામાં કાર્બન નહી હોવાથી, તેના દહનથી CO2નું ઉત્સર્જન થતું નથી. અદાણી પાવરે શરુઆતથી જ ‘પ્રતિ-યુનિટ’ ઉત્સર્જન માટે ઉદ્યોગમાં માપદંડ સુનિશ્ચિત કરી નવા પ્લાન્ટ્સમાં અત્યાધુનિક ‘અલ્ટ્રા સુપરક્રિટિકલ ટેક્નોલોજી’ અપનાવી છે.
કંપનીના એકમો અને સ્ટેશનના પાયલોટ પ્રોજેક્ટના વિસ્તરણ માટે અદાણી પાવરે IHI અને કોવા-જાપાન સાથે ભાગીદારી કરી છે. કોવા ઉર્જા બચત અને ઉત્પાદન ક્ષેત્રમાં સક્રિય છે, જ્યારે IHI એ હેવી ઇન્ડસ્ટ્રી કંપની છે જે એમોનિયા ફાયરિંગ ટેક્નોલોજી ધરાવે છે. જાપાનમાં IHI ની દેખરેખમાં 20% એમોનિયા મિશ્રણ સાથે કોમ્બેશન પરીક્ષણ કરાયા છે, જે મુન્દ્રા પાવર સ્ટેશનમાં અપનાવવામાં આવશે. આ અદ્યતન ગ્રીન પહેલ માટે મુંદ્રા પ્લાન્ટને જાપાનની બહાર પ્રથમ સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું છે.
જાપાન-ભારત ક્લીન એનર્જી પાર્ટનરશિપ (CEP)ના નેજા હેઠળ આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ કરવામાં આવી રહ્યો છે, જેનો હેતુ ઉર્જા સુરક્ષા, કાર્બન તટસ્થતા અને આર્થિક વૃદ્ધિ હાંસલ કરવાનો છે. તે જાપાનની રાષ્ટ્રીય સંશોધન અને વિકાસ એજન્સી ન્યુ એનર્જી એન્ડ ઈન્ડસ્ટ્રીયલ ટેક્નોલોજી ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (NEDO) હેઠળ જાપાનીઝ ટેક્નોલોજીસ કોન્ટ્રીબ્યુટીંગ ટુ ડીકાર્બોનાઈઝેશન એન્ડ એનર્જી ટ્રાન્ઝિશન તરીકે કરવામાં આવ્યો છે. NEDO ટકાઉ સમાજ માટે જરૂરી ઉર્જા તકનીકી વિકાસમાં નવીનતાને પ્રોત્સાહન આપે છે.
ગોલ્ડમાં નવી ટોચ ભણી આગેકૂચ જારી
વૈશ્વિક બજારમાં ભાવ 2050 ડોલરની સાત મહિનાની ટોચે જોવા મળ્યાં
સ્થાનિક બજારમાં સોનું રૂ. 64500ની સર્વોચ્ચ સપાટીએ નોંધાયું
વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સમાં સતત ઘટાડાને કારણે ગોલ્ડમાં સતત પાંચમા સત્રમાં મજબૂતી જોવા મળી છે. કોમેક્સ ગોલ્ડ વાયદો ગુરુવારે 2052 ડોલર પર સાત-મહિનાની ટોચ પર ટ્રેડ થયો હતો. જ્યારે સ્થાનિક બજારમાં ગોલ્ડના ભાવ રૂ. 64500ની ઓલ-ટાઈમ ટોચ પર નોંધાયા હતાં. જોકે, ખરીદી ખૂબ પાંખી જોવા મળી હતી. નવા સંવતમાં અત્યાર સુધીમાં ભાવ 10 ગ્રામે રૂ. 1700ની વૃદ્ધિ સૂચવે છે.
યુએસ ખાતે મંગળવારે ઈન્ફ્લેશન ડેટા અપેક્ષા મુજબ રહેતાં ડોલરમાં ઘટાડો આગળ વધ્યો હતો. ડોલર ઈન્ડેક્સ 103ની સપાટી તોડી નીચે ઉતરી ગયો હતો. બુધવારે સાંજે તે 102.70ની સપાટીએ ટ્રેડ દર્શાવી રહ્યો હતો. યુએસ 10-વર્ષ માટેના બોન્ડ યિલ્ડ્સ 1.25 ટકા ગગડી 4.28 ટકા પર ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. આમ, ગોલ્ડમાં ખરીદી માટેનું કારણ મળ્યું હતું. ઓક્ટોબર આખરમાં બોન્ડ યિલ્ડ્સ 5 ટકાની સપાટી પર ટ્રેડ થયાં હતાં. જ્યાંથી 10 ટકાથી વધુ ઘટાડો દર્શાવી ચૂક્યાં છે. આમ, વચગાળા માટે બોન્ડ યિલ્ડ્સમાં ટોચ બની ચૂકી હોય તેમ જણાય છે. બીજી બાજુ, જીઓ-પોલિટીકલ રિસ્ક યથાવત છે અને તેથી ગોલ્ડમાં દરેક વધારે ખરીદી જળવાય છે. તાજેતરમાં ગોલ્ડ ઈટીએફ્સ તરફથી આઉટફ્લો વાર્ષિક ધોરણે નોઁધપાત્ર ઘટ્યો છે. જ્યારે તે સિવાયના તમામ ખરીદારોનું બાઈંગ વધ્યું છે. આમ, ગોલ્ડમાં ખરીદીના સંકેતો મળી રહ્યાં છે.
ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે ગોલ્ડમ માટે 2080 ડોલરનો અવરોધ રહેલો છે. જે પાર થશે તો 2100 ડોલરથી લઈ 2150 ડોલર સુધીનો ઉછાળો જોવા મળશે. ડિસેમ્બર આખર સુધીમાં આ સ્તરો જોવા મળે તે સંભવ છે એમ તેઓ ઉમેરે છે. એમસીએક્સ ખાતે ગોલ્ડના ભાવ રૂ. 62500ની આસપાસ ટ્રેડ થઈ રહ્યાં છે. જ્યારે ચાંદી રૂ. 75 હજારની સપાટી પાર કરી ગઈ છે. વૈશ્વિક બજારમાં સિલ્વર 25 ડોલર પર ટકશે તો 29 ડોલર સુધીનો ઉછાળો સંભવ છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
ભારતી ટેલિકોમઃ સુનીલ ભારતી મિત્તલની માલિકીની કંપની રૂ. 8000 કરોડના સૌથી મોટા રૂપી બોન્ડ્સ ઈસ્યુ લાવવાનું આયોજન કરી રહી છે. કંપનીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં ત્રણ-વર્ષ માટેની નોટ્સ મારફતે રૂ. 3200 કરોડ ઊભાં કર્યાં હતાં. કંપની ચાલુ સપ્તાહે બીડ્સ મેળવે તેવી અપેક્ષા છે. જે બે વર્ષ, ત્રણ વર્ષ અને પાંચ વર્ષ માટેની નોટ્સ હશે. કંપની માટે આ સૌથી મોટા રૂપી બોન્ડ હશે.
ઓરોબિંદો ફાર્માઃ કંપનીએ યુએસએફડીએ તરફથી એચઆઈવી ડ્રગ માટેની મંજૂરી મેળવી છે. યુએસ રેગ્યુલેટર તરફથી ફાર્મા કંપનીને ડેરુનાવિર ટેબ્લેટ્સના ઉત્પાદન અને માર્કેટિંગ માટે છૂટ મળી છે. જે લિસ્ટેડ ડ્રગ પ્રેઝીસ્ટાની સમકક્ષ છે. કંપની 600 એમજી અને 800 એમજીની સ્ટ્રેન્થ્સમાં આ ટેબલેટ્સનું વેચાણ કરી શકશે. દવાનો ઉપયોગ હ્યુમન ઈમ્યુનોડેફિસ્યન્સી વાઈરસ(એચઆઈવી-1) ઈન્ફેક્શનની સારવારમાં કરાશે.
રેલીગેર એન્ટરપ્રાઈઝિસઃ કંપનીમાં બહુમતી હિસ્સો ખરીદવા માટે પ્રયાસ કરી રહેલાં ડાબરના પ્રમોટર્સ બર્મને પરિવારે જણાવ્યું છે કે રેલીગેર માટેની ઓપન ઓફરનો ઈન્કાર કરવાની સત્તા કંપનીના બોર્ડ પાસે નથી. કંપનીના ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ માત્ર શેરધારકોને ભલામણ કરવાની સત્તા ધરાવે છે એમ કંપનીના વકિલોએ જણાવ્યું હતું. હાલમાં બર્મન પરિવાર રેલીગેરમાં 21 ટકા હિસ્સો ધરાવે છે અને તેણે વધુ 26 ટકા હિસ્સો ખરીદવા રૂ. 2200 કરોડની ઓપન ઓફર કરી છે.