Market Summary 14/09/2023

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

યુએસ ખાતે ઊંચા CPIને શેરબજારોએ અવગણ્યો
એશિયન અને યુરોપ બજારોમાં સુધારો જોવા મળ્યો
નિફ્ટીએ 20100 પર બંધ આપ્યું
વોલેટિલિટી ઈન્ડેક્સ 4.4 ટકા ગગડી 11.31ના સ્તરે
મેટલ, પીએસઈ, ઓટો, રિઅલ્ટીમાં મજબૂતી
પીએસયૂ બેંક ઈન્ડેક્સ નવી ટોચે
સેન્ટ્રલ બેંક, એનએચપીસી, આઈઓબી, એનએમડીસી નવી ટોચે

ભારતીય શેરબજારે બીજા સત્રમાં મજબૂતી જાળવી રાખી હતી. યુએસ ખાતે ઓગસ્ટ માટેનો કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સ અપેક્ષાથી ઊંચો આવવા છતાં ઈમર્જિંગ શેરબજારોએ ફેડ રેટને લઈ કોઈ ખાસ ચિંતા દર્શાવી નહોતી. જેની પાછળ સ્થાનિક બજાર પણ સાંકડી રેંજમાં અથડાયાં પછી પોઝીટીવ બંધ રહ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 52 પોઈન્ટ્સ મજબૂતી સાથે 67519ની સર્વોચ્ચ ટોચે જ્યારે નિફ્ટી 33.10ના સુધારે 20,103ની ટોચે બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં ભારે ખરીદી નીકળી હતી. જેની પાછળ બ્રેડ્થ ઘણી સારી જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3804 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી કુલ 2446 કાઉન્ટર્સ પોઝીટીવ રહ્યાં હતાં. જ્યારે 1202 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. 206 કાઉન્ટર્સે તેમની વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જ્યારે 21 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. 9 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 4 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 4.4 ટકા ગગડી 11.31ના સ્તરે બંધ રહ્યો હતો.
ગુરુવારે બેન્ચમાર્ક નિફ્ટી ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યાં પછી તરત ઈન્ટ્રા-ડે હાઈ બનાવી કોન્સોલિડેશનમાં જળવાયો હતો. તેણે ઈન્ટ્રા-ડે 20167.65ની સર્વોચ્ચ ટોચ બનાવી હતી. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 84 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 20186.60ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 55 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે નોંધપાત્ર વૃદ્ધિ સૂચવે છે. આમ, માર્કેટમાં લોંગ પોઝીશનમાં ઉમેરો થયો હોવાનો સંકેત મળે છે. બીજી બાજુ વોલેટિલિટી ઈન્ડેક્સ ઘટ્યો છે. આમ, નજીકના સમયગાળામાં માર્કેટ સુધારો જાળવી રાખી શકે છે. જેનો ટાર્ગેટ 20200-20400 સુધીનો હોય શકે છે એમ એનાલિસ્ટ્સનું કહેવું છે. નિફ્ટીને ગુરુવારે સપોર્ટ પૂરો પાડનારા કાઉન્ટર્સમાં યૂપીએલ, હિંદાલ્કો, ઓએનજીસી, એમએન્ડએમ, આઈશર મોટર્સ, ડિવિઝ લેબ્સ, તાતા સ્ટીલ, ટેક મહિન્દ્રા, એપોલો હોસ્પિટલ, નેસ્લે, પાવર ગ્રીડ કોર્પોરેશન, જીઓ ફાઈનાન્સિયલ, બીપીસીએલનો સમાવેશ થાય છે. બીજી બાજુ, એશિયન પેઈન્ટ્સ, આઈટીસી, કોલ ઈન્ડિયા, બ્રિટાનિયા, એલટીઆઈમાઈન્ડટ્રી, એચડીએફસી લાઈફ, તાતા કન્ઝ્યૂમર, સન ફાર્મામાં નરમાઈ જોવા મળી હતી. સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો મેટલ, પીએસઈ, ઓટો, રિઅલ્ટીમાં મજબૂતી જોવા મળી હતી. પીએસયૂ બેંક્સમાં ભારે ખરીદી પાછળ ઈન્ડેક્સ નવી ટોચે બંધ રહ્યો હતો. નિફ્ટી મેટલ 1.5 ટકા ઉછળી ફરી 7 હજારની સપાટી કૂદાવી ગયો હતો. જેમાં એનએમડીસી, હિંદાલ્કો, જીંદાલ સ્ટીલ, સેઈલ, નાલ્કો, હિંદુસ્તાન ઝીંક, મોઈલ, તાતા સ્ટીલ, વેદાંત મુખ્ય હતાં. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ 1.13 ટકા મજબૂતીએ સાથે બંધ રહ્યો હતો. જેમાં એનએચપીસી, એનએમડીસી, કોન્કોર, સેઈલ, ઓએનજીસી, નાલ્કો, આઈઓસી, ઓઈલ ઈન્ડિયા, એચપીસીએલ, આઈઆરસીટીસી અને ગેઈલમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી પીએસયૂ બેંક્સ 1.64 ટકા ઉછળ્યો હતો અને 5000ની સપાટી પાર કરી 5020 પર બંધ રહ્યો હતો. તેના ઘટકોમાં સેન્ટ્રલ બેંક 11 ટકા ઉછળ્યો હતો. આઈઓબી, યૂકો બેંક, યુનિયન બેંક, પીએનબી, બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર અને પીએનબી જેવા કાઉન્ટર્સ નોંધપાત્ર મજબૂતી દર્શાવતાં હતાં. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ પણ 1.4 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેમાં સનટેક રિઅલ્ટી, ઓબેરોય રિઅલ્ટી, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી, ગોદરેજ પ્રોપર્ટી, પ્રેસ્ટીજ એસ્ટેટ, ડીએલએફમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો એનએમડીસી 6 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત બલરામપુર ચીની, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા, બાલક્રિષ્ણ ઈન્ડસ્ટ્રીઝ, ચોલા ઈન્વેસ્ટમેન્ટ, યૂપીએલ, યુનાઈટેડ સ્પિરિટ્સ, પેટ્રોનેટ એલએનજી, ડો. લાલ પેથલેબ્સ, હિંદાલ્કો નોંધપાત્ર સુધારો દર્શાવતાં હતાં. બીજી બાજુ, ટોરેન્ટ ફાર્મા, એસીસી, એશિયન પેઈન્ટ્સ, ઝી એન્ટરટેઈનમેન્ટ, આલ્કેમ લેબ, વોડાફોન આઈડિયામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં સેન્ટ્રલ બેંક, એનએચપીસી, ત્રિવેણી એન્જી., પીએનબી હાઉસિંગ, આઈઓબી, એનએમડીસી, નારાયણ હ્દ્યાલય, બોમ્બે બર્મા, બલરામપુર ચીની, બેંક ઓફ ઈન્ડિયાનો સમાવેશ થતો હતો.

લેન્ડ ડીલ પછી બોમ્બે ડાઈંગનો શેર 20 ટકા ઉછળ્યો
બોમ્બે ડાઈંગનો શેર 20 ટકા ઉછળી રૂ. 168.50ની સપાટીએ બંધ રહ્યો હતો. શેરમાં અપર સર્કિટ્સનું કારણ કંપનીએ 22-એકરના લેન્ડ પાર્સલને જાપાનની સુમીટોમોને રૂ. 5200 કરોડમાં વેચાણની કરેલી જાહેરાત હતું. વાડિયા જૂથની કંપનીએ મુંબઈ ખાતે તાજેતરના સૌથી મોટા જમીન સોદાઓમાંનો એક કર્યો છે. આ પ્લોટ સેન્ટ્રલ મુંબઈમાં વરલી સ્થિત છે. જે ત્રણ સદી જૂના જૂથનું હેડક્વાર્ટર સહિત અન્ય ઓફિસિસ ધરાવે છે. બોમ્બ ડાઈંગની પાઁખ બોમ્બે રિઅલ્ટીના સીઈઓ રાહુલ આનંદના જણાવ્યા મુજબ આ એક મોટુ ડીલ છે અને તે અમારી અનેક સમસ્યાઓનો ઉકેલ લાવશે.

અદાણીએ જાપાનમાં ગ્રીન હાઈડ્રોજનના માર્કેટિંગ માટે સંયુક્ત સાહસ સ્થાપ્યું

અદાણી જૂથે ગુરુવારે જણાવ્યું હતું કે તેણે જાપાન, તાઈવાન અને હવાઈના બજારોમાં ગ્રીન હાઈડ્રોજનના વેચાણ માટે જાપાનીઝ કોંગ્લોમેરટ કોવા ગ્રૂપ સાથે 50:50 ટકા ભાગીદારીમાં સંયુક્ત સાહસની સ્થાપના કરી છે. બિલિયોનર ગૌતમ અદાણીની આગેવાનીનું અદાણી જૂથ ભારતમાં સંપૂર્ણપણે ઈન્ટિગ્રેટેડ ગ્રીન હાઈડ્રોજન ઈકો સિસ્ટમની સ્થાપનામાં આગામી 10 વર્ષોમાં 50 અબજ ડોલરનું રોકાણ કરી રહ્યું છે. જે હેઠળ શરૂઆતમાં 10 લાખ ટન ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદિત કરવામાં આવશે. જેને પાછળથી 30 લાખ ટન સુધી લંબાવાશે.
જૂથે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અદાણી એન્ટરપ્રાઈઝિસની સિંગાપુર સ્થિત સબસિડિયરી અદાણી ગ્લોબલ પ્રા. લિએ સિંગાપુર સ્થિત કોવા હોલ્ડિંગ્સ એશિયા પ્રા. લિ. સાથે ગ્રીન એમોનિયા, ગ્રીન હાઈડ્રોજન અને તેના ડેરિવેટિવ્સના વેચાણ માટે કરાર કર્યાં છે. આ સંયુક્ત સાહસ જાપાન, તાઈવાન અને હવાઈના બજારોમાં ઉપરોક્ત પ્રોડક્ટ્સના વેચાણ પર ધ્યાન આપશે. હાઈડ્રોજન ક્લિન એનર્જી સ્રોત છે. જેનો ઉપયોગ મુખ્યત્વે રિફાઈનીંગ અને કેમિકલ સેક્ટર્સમાં કરવામાં આવે છે. તેના ઉત્પાદનમાં કોલ અને નેચરલ ગેસ જેવા ફોસ્સિલ ફ્યુઅલ્સનો ઉપયોગ થાય છે. ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદન વખતે રિન્યૂએબલ ઉર્જા સ્રોતો જેવાકે સોલારનો ઉપયોગ કરવામાં આવે છે.

ઓગસ્ટમાં ખાતરના વેચાણમાં 57 ટકાની અસાધારણ વૃદ્ધિ
ચોમાસુ જ્યારે 36 ટકા વરસાદી ખાધ દર્શાવે છે ત્યારે ઊંચી વૃદ્ધિને લઈ ચિંતા
મહિના દરમિયાન અંદાજિત 51.62 લાખ ટનની માગ સામે વાસ્તવિક માગ 80.93 લાખ ટન જોવા મળી
સરકારે કૃષિ માટેના ખાતરના અન્યત્ર ડાયવર્ઝનને અટકાવવા માટે ઘડેલો વ્યૂહ

દેશમાં ખાતરના વપરાશમાં ઓગસ્ટ દરમિયાન અસાધારણ વૃદ્ધિ જોવા મળી છે. સરકારે નિર્ધારિત કરેલા ટાર્ગેટની સરખામણીમાં ફર્ટિલાઈઝર્સનું વેચાણ 57 ટકાનો ઉછાળો સૂચવે છે. એકબાજુ ચાલુ ચોમાસા દરમિયાન વરસાદ 36 ટકા જેટલો નીચો છે ત્યારે મહત્વના ખાતરો જેવાકે યુરિયા, ડીએપી અને કોમ્પ્લેક્સમાં ઊંચી વૃદ્ધિએ આશ્ચર્ય સાથે ચિંતા ઊભી કરી છે. કેમકે ઊંચા વેચાણને સબસિડી સાથે સીધો સંબંધ છે. જેને જોતાં સરકારે બેપાંખીયો વ્યૂહ અપનાવ્યો છે. જેમાં ખાતરના વપરાશને ઘટાડવા પર ભારણ સાથે તેના ખેતી સિવાયના અન્ય ઉપયોગમાં ડાયવર્ઝન પર નિયંત્રણનો સમાવેશ થાય છે.
ભૂતકાળમાં એગ્રીકલ્ચર ગ્રેડ યુરિયાને રેઝીન, પ્લાયવૂડ, ક્રોકરી, મૌલ્ડીંગ પાવડર, કેટલ ફીડ અને ઈન્ડસ્ટ્રીઅલ માઈનીંગ એક્સપ્લોઝીવ્સ ઉત્પાદક ઉદ્યોગમાં ડાયવર્ટ કરવામાં આવ્યાનું જોવા મળ્યું છે. સબસિડી પછી એગ્રીકલ્ચર ગ્રેડના વિકલ્પ તરીકે લોંચ કરાયેલું યુરિયા રૂ. 266 પ્રતિ બેગ(45 કિગ્રા)માં પડે છે. સત્તાવાર ડેટા મુજબ ઓગસ્ટમાં ખાતરની અંદાજિત 51.62 લાખ ટનની માગ સામે વાસ્તવિક માગ 80.93 લાખ ટન રહી હતી એમ અધિકારીઓ જણાવે છે. જેમાં ડીએપીનો વપરાશ મહત્તમ 14.28 લાખ ટન પર જોવા મળ્યો હતો. જે 7.47 લાખ ટન રહેવાનો અંદાજ હતો. આમ તેના ઉપાડમાં 91 ટકાની તીવ્ર વૃદ્ધિ નોંધાઈ હતી. કોમ્પ્લેક્સ ખાતરની માગ પણ 10.58 લાખ ટનના અંદાજ સામે 64 ટકા ઉછળી 17.35 લાખ ટન પર રહી હતી. જ્યારે યુરિયાનો વપરાશ 49.3 લાખ ટન પર રહ્યો હતો. જે 33.6 લાખ ટનના અંદાજની સામે 57 ટકા જેટલો ઊંચો હતો. માત્ર મુરિએટ ઓફ પોટાશ(એમઓપી)નો વપરાશ 2.49 લાખ ટનના વપરાશના અંદાજ સામે ઘટી 1.83 લાખ ટન પર 27 ટકા ઘટાડો દર્શાવતો હતો.
સરકારની કેમિકલ ફર્ટિલાઈઝર્સના વપરાશને ઘટાડવા માટેની વિવિધ યોજનાઓ છતાં વપરાશ વધી રહ્યો છે. જે ચિંતાનો વિષય છે. અધિકારીઓના જણાવ્યા મુજબ અગાઉના મહિનાના વપરાશના ડેટાનો અભ્યાસ કર્યાં પછી કોઈપણ મહિના માટે માગનો અંદાજ નિર્ધારિત કરવામાં આવે છે. તાજેતરમાં વૈશ્વિક બજારમાં ખાતરના સપ્લાયમાં ઘટાડાને કારણે ભાવમાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી રહી છે. તેમાં પણ રશિયન સપ્લાયર્સે ભારતીય ખરીદારને છેલ્લાં કેટલાંક મહિનાઓથી આપવામાં આવી રહેલાં ડિસ્કાઉન્ટ્સને દૂર કર્યું છે. જે સરકાર અને ખરીદારો માટે ચિંતાપ્રેરક છે.

સિપ્લામાં પ્રમોટર્સના હિસ્સા વેચાણની પ્રક્રિયા વેલ્યૂએશનને મુદ્દે અટવાઈ
બીજા ક્રમની કંપનીનો પરિવાર 13 અબજ ડોલરથી વધુનું વેલ્યૂએશન માગી રહ્યો છે

દેશમાં બીજા ક્રમની ફાર્મા કંપની સિપ્લામાં પ્રમોટર્સના હિસ્સા વેચાણની પ્રક્રિયા હાલમાં અટવાઈ પડી હોવાનું વર્તુળો જણાવે છે. તેમના મતે સ્થાપક પરિવારના સભ્યો રૂ. 1.09 લાખ કરોડ(13.1 અબજ ડોલર)નું વેલ્યૂએશન ઈચ્છી રહ્યાં છે. જે હિસ્સો ખરીદવા ઈચ્છુક પીઈ તથા ઉદ્યોગ ક્ષેત્રની અન્ય કંપનીઓને અકળાવી રહ્યું હોવાનું જાણકાર વર્તુળોનું કહેવું છે.
સિપ્લાના સ્થાપક પરિવારના સભ્યો અને સંભવિત પીઈ સહિતના બાયર્સ વચ્ચે કેટલાંક સમયગાળાથી ચર્ચા-વિચારણા થઈ રહી છે. જોકે, તે આગળ વધી રહી નથી કેમકે પ્રમોટર્સ રૂ. 1350 પ્રતિ શેરની માગણી કરી રહ્યાં હોવાનું જાણકારોનું કહેવું છે. જે ભાવ ગુરુવારે સિપ્લાના શેરના રૂ. 1233.75ના બંધ ભાવ સામે લગભગ 10 ટકાનું પ્રિમીયમ સૂચવે છે. કંપનીમાં પ્રમોટર જૂથ 33 ટકા હિસ્સો ધરાવે છે. જેનું મૂલ્ય ગુરુવારના બંધ ભાવે 4 અબજ ડોલર આસપાસ બેસતું હતું. છેલ્લાં દોઢ મહિનામાં સિપ્લાના શેરમાં 16 ટકાની વૃદ્ધિ જોવા મળી ચૂકી છે. સ્થાપક હમીદ પરિવાર કંપનીમાં તેનો નોંધપાત્ર અથવા સંપૂર્ણ હિસ્સો વેચે તેવી શક્યતાં છે. કંપનીની સ્થાપના 1935માં નોન-એક્ઝીક્યુટીવ ચેરમેન યુસુફ કે હમીદના પિતાએ કરી હતી. કંપની ભારત ઉપરાંત વિશ્વભરમાં તેની દવાઓનું વેચાણ કરે છે.
વર્તુળોના જણાવ્યા મુજબ હાલમાં ચર્ચા-વિચારણા ચાલી રહી છે. જોકે હજુ સુધી ડીલ અંગે કોઈ આખરી નિર્ણય લેવામાં આવ્યો નથી. પરિવારના સભ્યો હજુ પણ તેમની માગણીમાં ફેરફાર કરી શકે છે. તેમજ હિસ્સા વેચાણને મોકૂફ રાખી શકે છે એમ વર્તુળો ઉમેરે છે. કંપનીના પ્રવક્તાએ આ અંગે કોઈ ટિપ્પણી કરી નહોતી. કોવિડ વખતે સિપ્લાના વેચાણમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી હતી. તેણે યુએસ કંપની ગિલેડ સાઈન્સિઝ રેમડેસિવિરના ઉત્પાદન તથા તેના 127 દેશોમાં માર્કેટિંગનું લાયસન્સ મેળવ્યું હતું. કંપની 80થી વધુ દેશોમાં હાજરી ધરાવે છે. તેમજ વિવિધ થેરાપ્યૂટીક કેટેગરીઝમાં 1500થી વધુ પ્રોડક્ટ્સ ધરાવે છે. કંપનીમાં પ્રમોટર્સના હિસ્સાની ખરીદીમાં યુએસ સ્થિત બે ટોચની પીઈ કંપનીઓ સિવાય ટોચની સ્વદેશી ફાર્મા કંપની ટોરેન્ટ ફાર્મા પણ રસ ધરાવતી હોવાનું જાણવા મળે છે.

ફિચે ભારતીય અર્થતંત્રના વૃદ્ધિ દરને 6.3 ટકા પર જાળવ્યો
રેટિંગ એજન્સીએ ઈન્ફ્લેશનને લઈને ચિંતા વ્યક્ત કરી

ફિચ રેટિંગ્સે ચાલુ નાણા વર્ષ માટે ભારતનો ગ્રોથ રેટ 6.3 ટકાના અંદાજને જાળવ્યો છે. તેના કહેવા મુજબ ટાઈટ મોનેટરી પોલીસી તેમજ નિકાસમાં નબળાઈ છતાં ભારતીય અર્થતંત્ર મજબૂતી દર્શાવી રહ્યું છે. જોકે, એજન્સીએ અલ-નીનોના ખતરાને જોતાં વર્ષાંતના ઈન્ફ્લેશન અંદાજને વધાર્યો છે.
સર્વિસ ક્ષેત્રે મજબૂત કામગીરી અને ઊંચી માગ જળવાય રહેતાં એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ભારતીય અર્થતંત્રે 7.8 ટકાના દરે વૃદ્ધિ દર્શાવી હતી. ફિચના જણાવ્યા મુજબ વૈશ્વિક મધ્યસ્થ બેંકર્સે તરફથી ટાઈટર મોનેટરી પોલિસી અને નિકાસમાં નરમાઈ છતાં ભારતીય અર્થતંત્રનો દેખાવ હરિફો કરતાં ચઢિયાતો જોવા મળ્યો છે. તેણે ચાલુ નાણા વર્ષ માટે 6.3 ટકા જ્યારે નવા નાણા વર્ષ માટે 6.5 ટકાનો વૃદ્ધિનો અંદાજ આપ્યો હતો. એજન્સીએ ગ્લોબલ ઈકોનોમિક આઉટલૂક માટે સપ્ટેમ્બર અપડેટમાં જોકે નોંધ્યું છે કે હાઈ-ફ્રિકવન્સી ઈન્ડિકેટર્સ મુજબ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર માટે વૃદ્ધિની ઝડપ થોડી ધીમી પડે તેવી શક્યતાં છે. આવા ઈન્ડિકેટર્સમાં નિકાસમાં નરમાઈ, ક્રેડિટ ગ્રોથમાં વૃદ્ધિનો અભાવ જેવા પરિબળો જવાબદાર છે.

NCLATએ IDBI ટ્રસ્ટીશીપની ઝી પ્રમોટર્સ કંપની સામેની અપીલ ફગાવી

નેશનલ કંપની લો એપલેટ ટ્રિબ્યુનલ(એનસીએલએટી)એ ગુરુવારે આઈડીબીઆઈ ટ્રસ્ટીશીપની ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝિસની પ્રમોટર કંપની સિક્વેટોર મિડિયા સર્વિસિઝ સામે ઈન્સોલ્વન્સી પ્રક્રિયા શરૂ કરવાના આદેશને ફગાવતા ઓર્ડર સામે કરેલી અપીલને ફગાવી હતી. એનસીએલએટીએ એમ કહીને અપીલ ફગાવી હતી કે કંપની તરફથી નાદારી જૂન 2020માં નોંધાઈ હતી. જે ઈન્સોલ્વન્સી એન્ડ બેંક્ટ્રપ્સી કોડ, 2016ની સેક્શન 10એ હેઠળ બાકાત રહેતા સમયગાળામાં કવરેજ ધરાવે છે. સેક્શન 10એ મુજબ 25 માર્ચ, 2020ના રોજ કે ત્યારપછીના એક વર્ષ માટેના સમયગાળા માટે કોઈપણ ફાઈનાન્સિયલ અને ઓપરેશ્નલ ક્રેડિટર તરફથી કોઈપણ પ્રકારના ડિફોલ્ટ માટે ડેટર સામે કોર્પોરેટ ઈન્સોલ્વન્સી રેઝોલ્યુશન પ્રોસેસ(સીઆઈઆરપી) માટે અરજી ફાઈલ કરી શકાય નહિ. અગાઉ 12 સપ્ટેમ્બરે એનસીએલએટીએ આઈડીબીઆઈ ટ્રસ્ટીશીપની અન્ય ઝી લિ. કંપની ડાયરેક્ટ મિડિયા વેન્ચર્સ સામેની અરજીને ફગાવી હતી.
એસ્સેલ જૂથ સાથે સંકળાયેલી એસ્સેલ ઈન્ફ્રાપ્રોજેક્ટ્સે 2015માં પ્રાઈવેટ પ્લેસમેન્ટ આધારે રૂ. 425 કરોડના મૂલ્યના 425 નોન-કન્વર્ટિબલ ડિબેન્ટર્ચ વેચવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. એસ્સેલની વિનંતીને ધ્યાનમાં રાખી આઈડીબીઆઈએ ડિબેન્ચર ટ્રસ્ટી તરીકે સહમતિ દર્શાવી હતી. આ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ આઈડીબીઆઈ ટ્રસ્ટીશીપ અને એસ્સેલ વચ્ચે થયું હતું. જેના ગેરંટર તરીકે સિક્વેટર મિડિયા અને અન્ય એસ્સેસ કંપની ડાયરેક્ટ મિડિયા વેન્ચર્સ ગેરંટર બન્યાં હતાં.

એક્સિસ ફાઈનાન્સે ઝી-સોની મર્જરને મંજૂરી સામે NCLATના દ્વાર ખખડાવ્યાં
એક્સિસ ફાઈનાન્સે એનસીએલટી તરફથી ઝી-સોની મર્જરને મંજૂરી સામે નેશનલ કંપની લો એપલેટ ટ્રિબ્યુનલના દ્વાર ખખડાવ્યાં છે. મુંબઈ સ્થિત એનસીએલટી બ્રાંચે 10 ઓગસ્ટે મર્જરનો વિરોધ કરતી તમામ અરજીઓને ફગાવ્યાંના લગભગ એક મહિનામાં એક્સિસ ફાઈનાન્સે એનસીએલટીના આદેશને પડકાર્યો છે.
એક યાદીમાં જણાવ્યા મુજબ એક્સિસ ફાઈનાન્સ લિમિટેડ તરફથી એનસીએલએટીની દિલ્હી ઓફિસ ખાતે મુંબઈ સ્થિત એનસીએલટીએ 10 ઓગસ્ટે આપેલા આદેશને પડકારવામાં આવ્યો છે. 10 અબજ ડોલરના મર્જરની 2021માં જાહેરાત કરવામાં આવી હતી. જોકે, સેબી તરફથી ઝીના સીઈઓ પુનિત ગોએન્કા પર પ્રતિબંધ સહિતના કારણોસર મર્જર વિલંબમાં પડ્યું છે.

લાર્સન એન્ડ ટુબ્રોનું બાયબેક 18-25 સપ્ટેમ્બર વચ્ચે યોજાશે
કંપની રૂ. 3200ના ભાવે ટેન્ડરિંગ પ્રોસેસ મારફતે શેર્સની પરત ખરીદી કરશે

એન્જીનીયરીંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોંગ્લોમેરટ લાર્સન એન્ડ ટુબ્રો તેના બાયબેક પ્રોગ્રામને 18 સપ્ટેમ્બરે શરૂ કરશે. રોકાણકારો આ ઓફરમાં ભાગ લેવા માટે 25 સપ્ટેમ્બર સુધી તેમના શેર્સ ટેન્ડરિંગ મારફતે ઓફર કરી શકશે. કંપનીએ જુલાઈમાં તેના ત્રિમાસિક પરિણામોની જાહેરાતની સાથે રૂ. 10000 કરોડના શેર બાયબેકની જાહેરાત કરી હતી. અગાઉ કંપનીએ રૂ. 3000 પ્રતિ શેરના ભાવે બાયબેક જાહેર કર્યું હતું. જોકે ચાલુ સપ્તાહની શરૂમાં બાયબેક પ્રાઈસ વધારી રૂ. 3200 કર્યો હતો.
એલએન્ડટીના સીએફઓ અને હોલ-ટાઈમ ડિરેક્ટર આર શંકર રામણે કંપનીની રિટર્ન ઓન ઈક્વિટી(ROE)માં સુધારાની પ્રતિબધ્ધતા પર ભાર મૂક્યો હતો. જે કંપનીના લક્ષ્ય 2026 યોજનાના મુખ્ય હેતુ સાથે જોડાયેલો છે. એલએન્ડટીની બાયબેક યોજના શેરધારકોને બાયબેક મારફતે મૂડી પરત કરવાની દિશામાં મહત્વનું પગલું છે. અગ્રણી વિદેશી બ્રોકરેજ સીએલએસએના જણાવ્યા મુજબ કંપની તેના ROE ફોકસ પર જે કહે છે તે કરી રહી છે. ઈપીસી અગ્રણીની ધારણા મુજબ બાયબેકની તેની નફાકારક્તા અને અર્નિંગ્સ પર કોઈ ખાસ અસર નહિ પડે. માત્ર તેને કારણે રોકાણ માટે પ્રાપ્ય ભંડોળ પર અસર પડશે. બાયબેક નિયમો હેઠળ પ્રમોટર બાયબેકમાં ભાગ લેવાની પસંદગી કરી શકે છે. જોકે, લાર્સન એક પ્રોફેશ્નલી મેનેજ્ડ કંપની છે અને તેથી તેમાં કોઈ પ્રમોટર્સ અથવા પ્રમોટર જૂથ જોવા મળતું નથી. કંપનીનું વર્તમાન વેલ્યૂએશન 23 અબજ ડોલર જેટલું થવા જાય છે. જેની સ્થાપના ડેનીશ એન્જીનીયર્સે કરી હતી. કંપની 24 સપ્ટેમ્બર 1952થી બીએસઈ ખાતે લિસ્ટીંગ ધરાવે છે. જ્યારે એનએસઈ ખાતે 14 ડિસેમ્બર 2000થી લિસ્ટીંગ ધરાવે છે.

ઓગસ્ટમાં ડોમેસ્ટીક એર ટ્રાફિકમાં 23 ટકા વૃદ્ધિ
ઓગસ્ટમાં દેશમાં ડોમેસ્ટીક એર ટ્રાફિક વાર્ષિક ધોરણે 22.81 ટકા વૃદ્ધિ દર્શાવતો હતો. ગયા મહિને સ્થાનિક ઉડ્ડયન કંપનીઓએ કુલ 1.24 કરોડ પ્રવાસીઓનું વહન કર્યું હતું એમ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનનો ડેટા જણાવે છે. માસિક ધોરણે જોકે પ્રવાસીઓની સંખ્યામાં સમાન જળવાય હતી. જુલાઈમાં પણ લગભગ 1.24 કરોડ મુસાફરોએ ઉડ્ડયન સેવાનો લાભ લીધો હતો. ભારતમાં એર ટ્રાફિક કોવિડ અગાઉના સ્તરે પરત ફર્યો છે. જુલાઈ 2019માં ઉડ્ડયન કંપનીઓએ 1.19 કરોડ પ્રવાસીઓ નોંધ્યાં હતાં. ઓગસ્ટમાં સતત છઠ્ઠા મહિને એર-ટ્રાફિક કોવિડ અગાઉના લેવલે જોવા મળ્યો હતો. જાન્યુઆરીથી ઓગસ્ટના સમયગાળાની વાત કરીએ તો હવાઈ મુસાફરોની સંખ્યા વાર્ષિક ધોરણે 30.55 ટકા વૃદ્ધિ સાથે 10.06 કરોડ પર જોવા મળી છે.

PSU બેંક શેર્સે કેલેન્ડરમાં અત્યાર સુધી 50 ટકા સુધી રિટર્ન દર્શાવ્યું
નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સે 16 ટકા રિટર્ન સાથે નિફ્ટીની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું
ત્રીજી હરોળની પીએસયૂ બેંક શેર્સમાં ભારે તેજી, એસબીઆઈનું ફ્લેટ રિટર્ન

કેલેન્ડર 2023માં સરકારી બેંક શેર્સમાં સતત ખરીદી જોવા મળી રહી છે અને તેઓ છેલ્લાં ઘણા વર્ષોની ટોચ પર ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જાન્યુઆરીથી લઈ અત્યાર સુધીમાં પીએસયૂ બેંક શેર્સમાં 49 ટકા સુધીનું રિટર્ન જોવા મળે છે. જેમાં ત્રીજી હરોળની પીએસયૂ બેંક ટોચ પર છે. જ્યારે લાર્જ પીએસયૂ બેંક્સ પ્રમાણમાં સ્થિર રિટર્ન દર્શાવી રહ્યાં છે. એસબીઆઈનો શેર કેલેન્ડરમાં બિલકુલ ફ્લેટ જોવા મળે છે.
લગભગ ચાર વર્ષો સુધી કોઈપણ પ્રકારની મૂવમેન્ટ દર્શાવ્યાં વિના સાઈડલાઈન રહેલા પીએસયૂ બેંક શેર્સમાં જૂન 2022 પછી મૂવમેન્ટ જોવા મળી હતી. ગયા કેલેન્ડરના બીજા અર્ધવાર્ષિક ગાળામાં એસબીઆઈ, બેંક ઓફ બરોડા, કેનેરા બેંક અને ઈન્ડિયન બેંક જેવી ટોચની હરોળની બેંક્સમાં સુધારા પાછળ બીજી અને ત્રીજી હરોળની બેંક્સમાં પણ ખરીદી ચાલુ થઈ હતી. જોકે, ચાલુ વર્ષની શરૂઆતમાં તેઓ કોન્સોલિડેશનમાં જળવાયા હતાં. જોકે, તાજેતરમાં તેઓ ફરી લાઈમલાઈટમાં આવ્યાં છે. આરબીઆઈની રૂ. 2000ની નોટ્સને પરત ખેંચવાના કારણે પીએસયૂ બેંક્સને ઓછે ખર્ચે નોંધપાત્ર ડિપોઝીટ્સ મળતાં ચાલુ ક્વાર્ટરમાં તેમના માર્જિન સારા જોવા મળી શકે છે એમ એનાલિસ્ટ્સ માને છે. જોકે, હાલમાં તેઓ ઉન્માદના તબક્કામાં જોવા મળે છે અને તેથી ખરીદી માટે ઘટાડાની રાહ જોવી આવશ્યક છે. ગુરુવારે સેન્ટ્રલ બેંકનો શેર 11 ટકા ઉછળ્યો હતો. જ્યારે ચાલુ કેલેન્ડરમાં બેંક શેર 39 ટકા જેટલું રિટર્ન આપી ચૂક્યો છે. પીએસયૂ બેંક શેર્સમાં સૌથી સારુ રિટર્ન આપવામાં બેંક ઓફ મહારાષ્ટ્ર 48.51 ટકા સાથે ટોચ પર છે. બેંક શેરે ગુરુવારે પણ 2.21 ટકા સુધારો દર્શાવ્યો હતો. ચાલુ કેલેન્ડરમાં ઊંચુ રિટર્ન દર્શાવનાર અન્ય પીએસયૂ બેંક કાઉન્ટર્સમાં ઈન્ડિયન બેંક(45 ટકા), પીએનબી(31 ટકા), આઈડીબીઆઈ(29 ટકા), બેંક ઓફ ઈન્ડિયા(25 ટકા) અને પંજાબ એન્ડ સિંધ બેંક(24 ટકા)નો સમાવેશ થાય છે. જોકે બેંક ઓફ બરોડા અને કેનેરા બેંક પ્રમાણમાં શાંત રહ્યાં છે. કેમકે 2022માં પીએસયૂ બેંક્સમાં તેજીનું સુકાન તેમણે લીધું હતું. ત્યારપછી તેઓ કોન્સોલિડેશનમાં જળવાયાં છે. એસબીઆઈનો શેર પણ નાની પીએસયૂ બેંક્સની સરખામણીમાં છેલ્લાં પાંચ વર્ષોમાં આઉટપર્ફોર્મન્સ પછી ચાલુ વર્ષે અન્ડરપર્ફોર્મન્સ દર્શાવી રહ્યો છે. એસબીઆઈનો શેર ગુરુવારના બંધ ભાવે ફ્લેટ જોવા મળતો હતો.

કેલેન્ડરમાં પીએસયૂ બેંક્સનું 50 ટકા સુધીનું રિટર્ન
સ્ક્રિપ્સ ડિસે. 2022નો બંધ(રૂ.) બજારભાવ(રૂ.) વૃદ્ધિ(ટકામાં)
નિફ્ટી 18105.00 20103 11.00
PSU બેંકેક્સ 4318.55 5019.65 16.23
બેંક ઓફ મહા. 29.31 43.95 48.51
ઈન્ડિયન બેંક 276.79 400.60 45.27
સેન્ટ્રલ બેંક 32.15 44.80 39.34
PNB 55.90 73.70 30.79
IDBI 53.43 68.95 29.62
બેંક ઓફ ઈન્ડિયા 85.87 107.25 24.52
PSB 33.75 42.45 24.48
યુનિયન બેંક 78.61 94.50 20.70
કેનેરા બેંક 322.24 365.00 13.69
યૂકો બેંક 31.50 37.15 17.02
બેંક ઓફ બરોડા 185.70 211.90 14.41
IOB 32.10 37.00 17.03
SBI 602.04 597.30 -0.35

ઓગસ્ટમાં દેશમાં ખાદ્ય તેલોની આયાતમાં 35 ટકાનો ઉછાળો
ગયા વર્ષે ઓગસ્ટમાં 13.75 લાખ ટન સામે ચાલુ વર્ષે સમાનગાળામાં 18.52 લાખ ટનની આયાત
ચાલુ વર્ષે ખાદ્ય તેલોની વિક્રમી આયાતની જોવાતી શક્યતાં

ખાધ્ય તેલોના ભાવમાં તીવ્ર ઘટાડાએ સ્થાનિક બજારમાં કોમોડિટીની માગમાં વૃદ્ધિ આણી છે. જેની પાછળ આયાતમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. ઓગસ્ટમાં દેશમાં ખાદ્ય તેલોની આયાતમાં 35 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ગયા વર્ષે ઓગસ્ટમાં 13.75 લાખ ટન સામે ચાલુ વર્ષે સમાનગાળામાં 18.52 લાખ ટન ખાદ્ય તેલ આયાત નોંધાઈ હતી. જો ચાલુ ખાદ્ય તેલ વર્ષની વાત કરીએ તો પણ નવેમ્બર 2022થી ઓગસ્ટ 2023 સુધીમાં દેશમાં ખાદ્ય તેલની આયાત 26.23 ટકાની ઊંચી વૃદ્ધિ દર્શાવે છે. ગયા વર્ષે સમાનગાળામાં 110.70 લાખ ટન સામે ચાલુ વર્ષે 139.74 લાખ ટન ખાદ્ય તેલ આયાત કરવામાં આવ્યું છે. જે છેલ્લાં ત્રણ વર્ષમાં સૌથી ઊંચી આયાત છે.
જો ખાદ્ય તેલ અને અખાદ્ય તેલોની કુલ આયાત જોઈએ તો 2022-23ના પ્રથમ 10 મહિનાઓમાં દેશમાં કુલ 141.21 લાખ ટન આયાત જોવા મળી છે. જો આ દરે આયાતમાં વૃદ્ધિ જળવાશે તો ઓક્ટોબરની આખરમાં 165 લાખ ટનથી વધુ ખાદ્ય તેલોની આયાતની શક્યતાં છે. જે દેશમાં વિક્રમી આયાત હશે. અગાઉ 2016-17માં દેશમાં 151 લાખ ટનની સૌથી ઊંચી ખાદ્ય તેલ આયાત જોવા મળી હતી. છેલ્લાં બે મહિના દરમિયાન દેશમાં ખાધ્ય તેલોના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. જેની પાછળ વૈશ્વિક બજારોમાં અગ્રણી ખાદ્ય તેલોના ભાવમાં ઘટાડો કારણભૂત હતો. આયાત પડતર ઘટવાથી સ્થાનિક બજારમાં કોમોડિટીના ભાવ ઘટ્યાં હતાં અને માગ ઊંચકાઈ હતી. તહેવારોની સિઝન શરૂ થવાને કારણે પણ માગ પર અસર જોવા મળી રહી છે.
ઓગસ્ટમાં દેશમાં કુલ આયાતમાં ક્રૂડ પામ તેલની આયાત 8.24 લાખ ટન પર રહી હતી. જે જુલાઈમાં જોવા મળતી 8.41 લાખ ટનની સરખામણીમાં નીચી હતી. જોકે, આરબીડી પામોલીનની આયાત જુલાઈમાં 2.17 લાખ ટન સામે ઓગસ્ટમાં 2.83 લાખ ટન પર રહી હતી. આમ કુલ પામ પ્રોડક્ટ આયાત 11.28 લાખ ટન પર રહી હતી. જે જુલાઈમાં 10.86 લાખ ટન પર હતી. સોયાબિન તેલની આયાત જુલાઈના 3.42 લાખ ટન સામે વધી 3.58 લાખ ટન પર નોંધાઈ હતી. જ્યારે સનફ્લાવર તેલની આયાત જુલાઈમાં 3.27 લાખ ટન સામે ઓગસ્ટમાં 3.66 લાખ ટન પર જોવા મળી હતી.

એન્ટ્રી-લેવલ ટુ-વ્હીલર્સ માટે GST ઘટાડી 18 ટકા કરવાની FADAની માગ
ટુ-વ્હીલર્સનું વેચાણ કોવિડ અગાઉ કરતાં હજુ પણ 20 ટકા નીચું

ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ એસોસિએશન્સે(ફાડા) એન્ટ્રી-લેવલ ટુ-વ્હીલર્સ પર જીએસટી રેટને ઘટાડી 18 ટકા કરવાની માગણી કરી છે. ફાડાનું કહેવું છે કે આ સેગમેન્ટ હજુ પણ કોવિડના પ્રભાવની અસરોમાંથી બહાર નથી આવી શક્યું. જેને જોતાં ટેક્સમાં ઘટાડો કરવો જોઈએ.
ઓટો રિટેલ કોન્ક્લેવમાં બોલતાં ફાડાના પ્રેસિડેન્ટ મનિષ રાજ સિંઘાનિયાએ જણાવ્યું હતું કે ચાલુ નાણાકિય વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં દેશમાં કુલ વાહનોના રિટેલ વેચાણમાં 7 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. જ્યારે એન્ટ્રી-લેવલ ટુ-વ્હીલર્સ સેગમેન્ટે મજબૂત ગ્રોથ દર્શાવવાનો બાકી છે. ટુ-વ્હીલર્સ સેગમેન્ટે વાર્ષિક ધોરણે વેચાણ વૃદ્ધિ નોંધાવી છે. જોકે, હજુ પણ તે કોવિડ અગાઉના લેવલથી 20 ટકા જેટલું નીચું વેચાણ દર્શાવે છે એમ સિંઘાનિયાએ ઉમેર્યું હતું. આને ધ્યાનમાં રાખીને જ ફાડા એન્ટ્રી-લેવલ ટુ-વ્હીલર્સ પર ટેક્સ રેટને વર્તમાન 28 ટકા પરથી ઘટાડી 18 ટકા કરવા માટે મજબૂત માગણી કરી રહી છે એમ તેમણે સમારંભમાં હાજર કેન્દ્રિય રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ મિનિસ્ટર નીતિન ગડકરીને ઉલ્લેખીને જણાવ્યું હતું. એન્ટ્રી-લેવલ ટુ-વ્હીલર્સમાં 100સીસી અને 125સીસી સેગમેન્ટનો સમાવેશ થાય છે.
ફાડાના ડેટા મુજબ એપ્રિલથી ઓગસ્ટ 2023માં દેશમાં કુલ 65,15,914 યુનિટ્સ ટુ-વ્હીલર્સનું વેચાણ થયું છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં 62,35,642 યુનિટ્સ વાહનોના વેચાણ સામે 4.49 ટકાની વૃદ્ધિ સૂચવે છે. જોકે, દેશમાં વાહનોનું કુલ વેચાણ સમાનગાળામાં વાર્ષિક ધોરણે 6.75 ટકા વધી 91,97,045 યુનિટ્સ પર નોંધાયું હતું.

કોર્પોરેટ હેડલાઈન્સ

અદાણી વિન્ડઃ અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પવન ઉર્જા ઉકેલ વિભાગ અદાણી વિન્ડે જાહેરાત કરી છે કે તેના 5.2 MW વિન્ડ ટર્બાઇન જનરેટર (WTG)ને WindGuard GmBH તરફથી ભારતનાં સૌથી મોટા વિન્ડ ટર્બાઇન હોવાનું પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. આ પ્રમાણપત્ર અદાણી વિન્ડને વૈશ્વિક બજારો માટે ઉર્જા ઉત્પાદન કરવા વધુ સક્ષમ બનાવે છે. IEC સિસ્ટમનું પ્રમાણપત્ર અદાણી વિન્ડ 5.2 MW WTGની ઉચ્ચ ગુણવત્તા અને સલામતીના ધોરણો અનુસરતા હોવાની માન્યતા પૂરી પાડે છે.
ગ્રાસિમઃ આદિત્ય બિરલા ગ્રૂપની ફ્લેગશિપ કંપની ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝે ‘બિરલા ઓપસ’ બ્રાન્ડ નામ હેઠળ તેના પેઈન્ટ બિઝનેસને લોંચ કરશે તેમ જણાવ્યું છે. બિરલા ઓપસનું માર્કેટ લોન્ચ માર્ચ ક્વાર્ટરમાં નક્કી કરવામાં આવ્યું છે. ગ્રાસિમ ડેકોરેટિવ પેઇન્ટ સેગમેન્ટમાં ઉચ્ચ ગુણવત્તાવાળી પ્રોડક્ટ્સનો સંપૂર્ણ સ્યુટ ઓફર કરશે. કંપની પેઇન્ટ બિઝનેસની સ્થાપના માટે રૂ. 10,000 કરોડનું રોકાણ કરશે. કંપની હરિયાણા, પંજાબ, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર સહિત અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ ધરાવશે. જેની કુલ ક્ષમતા પ્રતિ વર્ષ 1,332 મિલિયન હશે.
ઈન્ડિગોઃ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને દેશમાં સૌથી મોટી એરલાઈન કંપની ઈન્ડિગોની ફ્લાઈટ્સમાં એન્જીન ફેઈલ્યોરની ત્રણ ઘટનાઓને જોતાં પ્રાટ એન્ડ વ્હીટની સાથે આ બાબત હાથ ધરી છે. રેગ્યુલેટરે 1 સપ્ટેમ્બરે કંપની સાથે અંગે વાત કરી હતી. ઓગસ્ટની આખરમાં મદુરાઈથી મુંબઈ ફ્લાઈટની ઘટનામાં ઈન-ફ્લાઈટ શટ ડાઉન જોવા મળ્યું હતું. જ્યાં ચાલકદળે ઊંચું વાઈબ્રેશન અને લો ઓઈલ પ્રેશર અનુભવ્યું હતું.
લાર્સન એન્ડ ટુબ્રોઃ એન્જીનીયરીંગ કંપનીએ ઓલ-ટેરેઈન વેહીકલ્સ માટે સ્વિડીશ મેન્યૂફેક્ચરર BAE સિસ્ટમ્સ સાથે જોડાણની જાહેરાત કરી છે. બીએઈ સિસ્ટમ્સ અને એલએન્ડટીએ ભારતીય સૈન્યની ચોક્કસ જરૂરિયાતોને પૂરી કરવા માટે BvS10ને અપગ્રેડ કર્યું છે. કંપનીના જણાવ્યા મુજબ આ નવુ વેરિઅન્ટ BvS10- સિંઘુ તરીકે ઓળખાશે.
MHRIL: મહિન્દ્રા જૂથની હોસ્પિટાલિટી કંપનીએ ઉત્તરાખંડ સરકાર સાથે રાજ્યમાં રિસોર્ટ્સ બાંધવા માટે રૂ. 1000 કરોડના એમઓયૂ કર્યાં છે. જેના ભાગરૂપે કંપની ક્લબ મહિન્દ્રા બ્રાન્ડ હેઠળ રાજ્યમાં ચારથી પાંચ રિસોર્ટ્સનું બાંધકામ કરશે. કંપની હાલમાં ઉત્તરાખંડમાં ચાર રિસોર્ટ્સ ધરાવે છે. જે સંખ્યા વધારીને આંઠ કે નવ પર લઈ જશે. કંપની રાજ્ય સરકારને ટુરિઝમ વિકસાવવામાં સ્ટ્રેટેજિક પાર્ટનર બનશે.
અબોટ ઈન્ડિયાઃ યુએસ ફાર્મા કંપનીને ગોઆ સરકારે લાયસન્સ રદ કરવાની ચિમકી આપી છે. કંપનીના સ્થાનિક યુનિટની મુલાકાત પછી તેની લોકપ્રિય એન્ટાસિડ મેડિસીનને લઈ નિરીક્ષકોએ કન્ટેમિનેશન તથા સેનિટાઈઝેશનને લઈ જોખમોની ચિંતા વ્યક્ત કરી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage