Market Summary 04/08/2023

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

શોર્ટ કવરિંગના સપોર્ટે શેરબજારમાં ઘટાડો અટક્યો
વૈશ્વિક બજારોમાં મિશ્ર માહોલ જોવા મળ્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ 5.5 ટકા ગગડી 10.57ના સ્તરે
આઈટી, ફાર્મા, બેંકિંગમાં મજબૂતી
ઓટો, એફએમસીજીમાં નરમાઈ
ઝોમેટો, પીબી ફિનટેક, એનબીસીસી, ઈન્ફો એજ નવી ટોચે
વેદાંતે નવું તળિયું દર્શાવ્યું

બે સત્રોમાં નોંધપાત્ર વેચવાલી પછી શુક્રવારે શોર્ટ કવરિંગના સપોર્ટ પાછળ ભારતીય બજારને રાહત સાંપડી હતી અને તે પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 480.57ની મજબૂતી સાથે 65,721.25ની સપાટીએ જ્યારે નિફ્ટી 135.35ના સુધારા સાથે 19,517ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં ભારે ખરીદી જોવા મળી હતી. જેને કારણે બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. બીએસઈ ખાતે કુલ 3720 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2241 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જ્યારે 1328 કાઉન્ટર્સ નેગેટિવ બંધ સૂચવતાં હતાં. 253 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 28 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. 13 કાઉન્ટર્સ અપર સર્કિટમાં બંધ રહ્યાં હતાં જ્યારે સાત કાઉન્ટર લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 5.5 ટકા ગગડી 10.57ના સ્તરે બંધ રહ્યો હતો.
શુક્રવારે સપ્તાહના આખરી સત્રમાં બેન્ચમાર્ક નિફ્ટી પોઝીટીવ ઓપનીંગ દર્શાવી સમગ્ર દિવસ દરમિયાન ગ્રીન ઝોનમાં જ ટ્રેડ દર્શાવતો જોવા મળ્યો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે તેણે 19,538.85ની ટોચ બનાવી હતી અને 19500ની સપાટી પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 56 પોઈન્ટ્સના પ્રિમીયમ સાથે 195723.20ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 90 પોઈન્ટ્સના પ્રિમીયમની સરખામણીમાં નોંધપાત્ર ઘટાડો સૂચવે છે. જેનો અર્થ એ થાય છે કે ઊંચા સ્તરે લોંગ પોઝીશનમાં લિક્વિડેશન જોવા મળ્યું હતું. આમ, માર્કેટમાં બાઉન્સ ટકી રહેવા સામે સવાલ ઊભો છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે જો નિફ્ટી 19600ની સપાટી પર બંધ આપવામાં સફળ થશે તો જ વધુ સુધારાની શક્યતાં છે. જ્યાં સુધી 19650ના સ્ટોપલોસ સાથે શોર્ટ પોઝીશન જાળવી શકાય છે. જ્યારે લોંગ પોઝીશનમાંથી એક્ઝિટ લેવી જોઈએ. શુક્રવારે નિફ્ટીને સપોર્ટ કરનારા મુખ્ય ઘટકોમાં સિપ્લાનો સમાવેશ થતો હતો. કંપનીનો શેર 4 ટકા ઉછાળે નવી ટોચ પર બંધ રહ્યો હતો. આ ઉપરાંત ઈન્ડસઈન્ડ બેંક, ટેક મહિન્દ્રા, વિપ્રો, ભારતી એરટેલ, એક્સિસ બેંક, એચસીએલ ટેક, કોલ ઈન્ડિયા, એચડીએફસી લાઈફ, એલટીઆઈમાઈન્ડટ્રી, એચડીએફસી બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટીસીએસ, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ, લાર્સન અને ઈન્ફોસિસમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ, એસબીઆઈ સારા પરિણમો પાછળ 3 ટકા ગગડ્યો હતો. આ ઉપરાંત બજાજ ઓટો, બીપીસીએલ, એનટીપીસી, મારુતિ સુઝુકી, તાતા મોટર્સ, આઈશર મોટર્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન, બજાજ ફિનસર્વ, એપોલો હોસ્પિટલમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતો હતો. સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો આઈટી, ફાર્મા, બેંકિંગમાં મજબૂતી જોવા મળતી હતી. જ્યારે ઓટો, એફએમસીજીમાં નરમાઈ જળવાય હતી. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 1.55 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેમાં ટેક મહિન્દ્રા, કોફોર્જ, વિપ્રો, પર્સિસ્ટન્ટ, એચસીએલ ટેક્નોલોજી, એલટીઆઈમાઈન્ડટ્રી, ટીસીએસ, એમ્ફેસિસ, ઈન્ફોસિસ, એલએન્ડટી ટેક્નોલોજીમાં નોંધપાત્ર સુધારો જોવા મળતો હતો. નિફ્ટી ફાર્મા વધુ એક ટકો ઉછળી ઓલ-ટાઈમ હાઈ પર બંધ રહ્યો હતો. જેમાં સિપ્લા, ટોરેન્ટ ફાર્મા, લ્યુપિન, આલ્કેમ લેબ, ઝાયડસ લાઈફ, ડિવિઝ લેબ્સ, ઓરોબિંદો ફાર્મા જેવા કાઉન્ટર્સ નોંધપાત્ર સુધારો સૂચવી રહ્યાં હતાં. મેટલ, રિઅલ્ટી, એનર્જી જેવા સૂચકાંકો પણ ગ્રીન ઝોનમાં જોવા મળ્યાં હતાં. જોકે, નિફ્ટી પીએસયૂ બેંક 0.7 ટકા સાથે ઘટવામાં ટોચ પર હતો. એસબીઆઈમાં પરિણામ પછી જોવા મળેલા પ્રોફિટ બુકિંગ પાછળ ઈન્ડેક્સ ગગડ્યો હતો. બેંક ઓફ બરોડાનો શેર પણ 1 ટકો નરમ જોવા મળતો હતો.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટની વાત કરીએ તો એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સનો શેર 8 ટકાથી વધુ ઉછળ્યો હતો. કંપનીએ અપેક્ષા કરતાં સારુ પરિણામ રજૂ કર્યું હતું. જેની પાછળ કાઉન્ટર્સમાં ભારે લેવાલી જોવા મળી હતી. આ ઉપરાંત ઈન્ફો એજ, જ્યુબિલિઅન્ટ ફૂડ, વોડાફોન આઈડિયા, એમઆરએફ, ડિક્સોન ટેક્નોલોજી, સિપ્લા, ઈન્ડિયા સિમેન્ટ્સ, ઈન્ડિયામાર્ટ, ઈન્ડસઈન્ડ બેંક, ટેક મહિન્દ્રા, લ્યુપિન જેવા કાઉન્ટર્સમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ, મહાનગર ગેસ 6 ટકા સાથે તૂટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત આદિત્ય બિરલા ફેશન, ક્યુમિન્સ, મેટ્રોપોલીસ, એસબીઆઈ, અબોટ ઈન્ડિયા, વેદાંત, બજાજ ઓટો, ગોદરેજ પ્રોપર્ટીઝ, ભેલ, એચપીસીએલ, બેંક ઓફ બરોડા, આઈઆરસીટીસી, ગુજરાત ગેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતો હતો. વાર્ષિક કે સર્વોચ્ચ સપાટી દર્શાવનાર કેટલાંક કાઉન્ટર્સમાં ઝોમેટો, પીબી ફિનટેક, એનબીસીસી, ઈન્ફો એજ, કેસ્ટ્રોલ, જ્યોતિ લેબ્સ, ઈન્ટેલેક્ટ ડિઝાઈન, એમટાર ટેક, એમઆરએફ, સાયન્ટ, અંબેર એન્ટરપ્રાઈઝિસ અને ડિક્સોન ટેક્નોલોજીનો સમાવેશ થતો હતો. મિનરલ કંપની વેદાંતનો શેર નવું તળિયું દર્શાવતો હતો.

યુએસ ખાતે જોબ ડેટા અપેક્ષાથી નીચો આવતાં ડોલર નરમ, ગોલ્ડ મજબૂત

શુક્રવારે યુએસ ખાતે પ્રગટ થયેલો જુલાઈ જોબ ડેટા અપેક્ષાની સરખામણીમાં સાધારણ નીચો આવતાં ડોલર ઈન્ડેક્સ ગગડીને 102ની સપાટી નીચે ઉતરી ગયો હતો. જેની પાછળ ગોલ્ડમાં મજબૂતી જોવા મળી હતી. કોમેક્સ ગોલ્ડ 10 ડોલરના સુધારે 1979 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસ પર ટ્રેડ દર્શાવતું હતું. ગોલ્ડ સાથે ચાંદીમાં પણ મજબૂતી જોવા મળી રહી હતી.
જુલાઈમાં યુએસ ખાતે નોન-ફાર્મ જોબ્સમાં 1.87 લાખનો ઉમેરો થયો હતો. જે અર્થશાસ્ત્રીઓ તરફથી 2 લાખની અપેક્ષા કરતાં નીચો હતો. જેની પાછળ ડોલર ઈન્ડેક્સ 102.50ની તેની ઈન્ટ્રા-ડે ટોચ પરથી ગગડી 102ની નીચે ચાલ્યો ગયો હતો. જે ચાલુ સપ્તાહનું લો-લેવલ હતું. જૂનમાં નવો જોબ ઉમેરો 2.09 લાખ પર રહ્યો હતો. મે મહિના માટેના આંકડાને 3.06 લાખ પરથી ઘટાડી 2.81 લાખ કરવામાં આવ્યો હતો. જેની ડોલર પર નેગેટિવ અસર પડી હતી અને તે સપ્તાહના તળિયે પટકાયો હતો. જેની પાછળ યુએસ બોન્ડ યિલ્ડ્સ પણ ગગડ્યાં હતાં. ફેડ રિઝર્વ લાંબા સમયથી જોબ માર્કેટમાં કુલડાઉન ઈચ્છી રહી છે. જે હવે શક્ય બની રહ્યું હોય તેમ નિરીક્ષકો માની રહ્યાં છે. જોબ ડેટા સાથે એવરેજ અવરલી અર્નિંગ્સમાં વૃદ્ધિ માસિક ધોરણે 0.4 ટકાના સ્તરે સ્થિર જોવા મળી હતી. જ્યારે વાર્ષિક વેતન વૃદ્ધિ 4.4 ટકા પર રહી હતી. જે 4.2 ટકાની અપેક્ષા કરતાં ઊંચી હતી. તેમજ ફેડના 2 ટકાના ટાર્ગેટ કરતાં બમણાથી પણ ઊંચી હતી.

ઝી એન્ટરપ્રાઈઝ સામે સેબીના આક્ષેપોની કોર્પોરેટ બાબતોના મંત્રાલય તરફથી ચકાસણી
જોકે, કેન્દ્રિય વિભાગ તરફથી કોઈ ઈન્સ્પેક્શનનો આદેશ આપવામાં આવ્યો નથી

કેન્દ્રિય કોર્પોરેટ બાબતોનું મંત્રાલય(એમસીએ) ઝી એન્ટરટેઈનમેન્ટ સામે માર્કેટ રેગ્યુલેટર સેબી તરફથી જણાવવામાં આવેલી કહેવાતી ગેરરિતીઓની ચકાસણી કરી રહ્યું હોવાનું મિડિયા અહેવાલો જણાવતાં હતાં. સિક્યૂરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાના વચગાળાના આદેશમાં બોગસ બુક એન્ટ્રીઝ અને ફંડ ઉચાપતના આક્ષેપો મૂકવામાં આવ્યાં હતાં. જેને કોર્પોરેટ બાબતોનું મંત્રાલયે ધ્યાન પર લીધાં છે અને તે કોર્પોરેટ ગવર્નન્સ સંબંધી બાબતોની તપાસ કરી રહ્યું છે એમ વર્તળોને ટાંકીને અહેવાલ જણાવે છે. જોકે, કેન્દ્રિય વિભાગે કોઈ ઈન્સ્પેક્શનનો આદેશ નથી આપ્યો એમ રિપોર્ટ જણાવે છે. ઝીને એમસીએ તરફથી તપાસને લઈને કોઈ જાણ નથી તેમજ તેણે મંત્રાલય તરફથી કોઈ નોટિસ નહિ મેળવી હોવાનું કંપનીના વર્તુળોનું કહેવું હતું. કંપનીનો શેર જોકે શુક્રવારે શરૂઆતી દોરમાં 4 ટકા જેટલો ઘટાડો દર્શાવતો હતો.
સેબીએ 12 જૂને ઝીના ચેરમેન સુભાષ ચંદ્ર અને સીઈઓ પુનિત ગોએન્કાને કોઈપણ લિસ્ટીંગ કંપનીના બોર્ડમાં હોદ્દો સંભાળવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેણે જૂથની અન્ય લિસ્ટેડ કંપનીઓમાં ફંડ્સના ડાયવર્ઝનમાં સંડોવણીના આક્ષેપસર આમ કર્યું હતું. કંપનીએ ગયા મહિને જણાવ્યું હતું કે તેણે ચંદ્રા અને ગોએન્કા સેબીના પ્રતિબંધને દૂર કરવામાં નિષ્ફળ જવાથી તેણે કંપનીની કામગીરી પર દેખરેખ માટે એક આંતરિક કમિટીની રચના કરી છે.

કોર્પોરેટ રાઉન્ડ અપ

કલ્પતરુ જૂથની પ્રિમાઈસિસમાં IT વિભાગની સર્ચ
કલ્પતરુ જૂથની કેટલીક પ્રિમાઈસિસમાં આવકવેરા વિભાગે સર્ચ હાથ ધરી હોવાના અહેવાલ હતાં. જેમાં જૂથના ફાઉન્ડર મોફતરાજ પી મુનોટ અને એમડી પરાગ એમ મુનોટના રહેઠાણોનો સમાવેશ પણ થતો હતો એમ જાણવા મળે છે. આ અહેવાલ પાછળ કલ્પતરુ પ્રોજેક્ટ્સ ઈન્ટરનેશનલના શેર્સમાં લગભગ 4 ટકાનો ઘટાડો પણ જોવા મળ્યો હતો. વર્તુળોના જણાવ્યા મુજબ સર્ચમાં સેંકડો કરોડનું અપ્રમાણિત ફંડ્સ હાથ લાગ્યું હતું. ચાલુ વર્ષે મે મહિનામાં કલ્પતરુ પાવર ટ્રાન્સમિશને તેનું નામ બદલીને કલ્પતરુ પ્રોજેક્ટ્સ ઈન્ટરનેશનલ કર્યું હતું. કંપનીએ શેરધારકો અને કોર્પોરેટ મંત્રાલય સહિતના રેગ્યુલેટર્સ પાસેથી મંજૂરી પછી આમ કર્યું હતું. અગાઉ કલ્પતરુ પ્રોજેક્ટ્સ ઈન્ટરનેશનલની બ્રાઝિલ સ્થિત પાંખે ત્યાંની સ્થાનિક કંપનીમાં 100 ટકા ઈક્વિટી હિસ્સાની ખરીદી કરી હતી. તેણે 51 ટકા ઈક્વિટી 2021માં ખરીદી હતી. જ્યારે જુલાઈ 2023માં બાકીનો 49 હિસ્સો ખરીદ્યો હતો. કેપીઆઈએલ દેશમાં ઈપીસી પ્રોજેક્ટ્સ હાથ ધરતી ટોચની સ્પેશ્યલાઈઝ્ડ કંપનીઓમાંની એક છે.
સુપ્રીમે યસ બેંકના ફાઉન્ડર રાણાકપૂરની જામીન અરજી ફગાવી
સુપ્રીમ કોર્ટે યસ બેંકના ફાઉન્ડર રાણા કપૂરની મની લોન્ડરિંગ કેસમાં જામીન અરજી ફગાવી છે. રાણા કપૂર ડીએચએફએલ મની લોન્ડરિંગ કેસમાં માર્ચ 2020થી જેલમાં છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે રાણા કપૂરની જામીન અરજી ફગાવતાં જણાવ્યું હતું કે મની લોન્ડરિંગના આ કેસે દેશમાં સમગ્ર બેંકિંગ સિસ્ટમને હચમચાવી હતી. સર્વોચ્ચ અદાલતે સરકારી એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડી)ને પણ રૂ. 3642 કરોડના યસ બેંક કૌભાંડની તપાસમાં અતિશય લાંબો સમય લગાવવા બદલ સવાલો કર્યાં હતાં. ન્યાયાધીશ સંજીવ ખન્નાએ જણાવ્યું હતું કે આ કેસે ભારતીય બેંકિંગ સિસ્ટમને ડગાવી હતી. યસ બેંક મુશ્કેલીમાં મૂલાઈ હતી અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રોકાણકારોના હિતની રક્ષા માટે પગલાં ભરવા પડ્યાં હતાં. જજે ઈડીને જણાવ્યું હતું કે જ્યાં મોટી સંખ્યામાં લોકોનો હિતો સંકળાયેલા હોય તેવા કિસ્સામાં તમારે અગત્યતાને ધ્યાનમાં રાખીને કેસ હાથ પર લેવો જોઈએ. ઈડીએ તપાસમાં આટલો લાંબો વિલંબ કર્યો છે તો ચોક્કસ કંઈક ખોટું છે એમ તેમણે ઉમેર્યું હતું.

SBIનો નેટ પ્રોફિટ 178 ટકા ઉછળી રૂ. 16884 કરોડ
બેંકની GNPA ગયા વર્ષના 3.91 ટકા પરથી ઘટી 2.76 ટકા જોવા મળી
બેંકની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ 25 ટકા વૃદ્ધિ સાથે રૂ. 38,905 કરોડ નોંધાઈ
દેશમાં ટોચના લેન્ડર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ જૂન ક્વાર્ટર માટે રૂ. 16,884 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 178 ટકાનો ઉછાળો સૂચવે છે. ગયા નાણા વર્ષે સમાનગાળામાં બેંકનો નફો રૂ. 6068 કરોડ પર જોવા મળ્યો હતો. બેંકે બ્રોકરેજિસના રૂ. 15009 કરોડના અંદાજ કરતાં પણ 12 ટકા જેટલો ઊંચો પ્રોફિટ નોંધાવ્યો હતો.
બેંકની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ એટલેકે વ્યાજની ચોખ્ખી આવક પણ વાર્ષિક ધોરણે 24.7 ટકા ઉછળી રૂ. 38,905 કરોડ પર જોવા મળી હતી. જે એનાલિસ્ટ્સના રૂ. 39,533 કરોડના અંદાજની સરખામણીમાં સાધારણ નીચી હતી. બેંકના નેટ ઈન્ટરેસ્ટ માર્જિન 24 બેસીસ પોઈન્ટ્સ સુધરી 3.47 ટકા પર જોવા મળ્યાં હતાં. જે ગયા વર્ષે રૂ. 3.23 ટકા પર હતાં. જ્યારે બેંકની ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં 3.91 ટકા સામે ચાલુ વર્ષે સમાનગાળામાં નોંધપાત્ર સુધારા સાથે 2.76 ટકા પર જોવાઈ હતી. બેંકની નેટ એનપીએ તો એક ટકા નીચે ઉતરી ગઈ હતી. ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં 1 ટકા સામે ચાલુ વર્ષે તે 0.71 ટકા પર રહી હતી. બેંકની કુલ ડિપોઝીટ્સ 12 ટકા વધી રૂ. 45.31 લાખ કરોડ પર જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 40.45 કરોડ પર હતી. બેંકનો ક્રેડિટ ગ્રોથ 13.90 ટકા જળવાયો હતો. જેમાં સ્થાનિક બજારમાં એડવાન્સિસ 15.08 ટકા ઉછળ્યાં હતાં. જૂન ક્વાર્ટરમાં બેંકના સ્લીપેજિસમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો અને તે વાર્ષિક ધોરણે 21.37 ટકા ઘટી રૂ. 7659 કરોડ પર રહ્યાં હતાં. જે ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 9740 કરોડ પર જોવા મળતાં હતાં.

સિપ્લામાં પ્રમોટર્સનો હિસ્સો બ્લેકસ્ટોન ખરીદે તેવા અહેવાલે કંપનીનો શેર વિક્રમી ટોચે
કંપનીનું માર્કેટ-કેપ રૂ. એક લાખ કરોડ નજીક પહોંચ્યું
પીઈ કંપની બ્લેકસ્ટોને પ્રમોટર્સનો હિસ્સો ખરીદ્યાં પછી કંપનીના વધુ 26 ટકા શેર્સ માટે ઓપન ઓફર આપવી પડશે

વિશ્વમાં સૌથી મોટી પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ બ્લેકસ્ટોન ટોચની દવા કંપની સિપ્લામાં પ્રમોટર્સનો હિસ્સો ખરીદવા માટે આતુર હોવાનું જાણવા મળે છે. જેની પાછળ ફાર્મા કંપનીના શેરમાં શુક્રવારે 6 ટકા સુધીનો ઈન્ટ્રા-ડે ઉછાળો નોંધાયો હતો અને શેર રૂ. 1238.55ની સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થયો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ લગભગ રૂ. 1 લાખ કરોડ નજીક પહોંચી ગયું હતું.
વર્તુળોના કહેવા મુજબ બ્લેકસ્ટોન આગામી સપ્તાહે પ્રમોટર્સનો સમગ્ર હિસ્સો ખરીદવા માટે નોન-બાઈન્ડિંગ બીડ રજૂ કરે તેવી શક્યતાં છે. દેશમાં ત્રીજા ક્રમના ફાર્મા જેનેરિક્સ પ્લેયરના પ્રમોટર્સ હમીદ પરિવાર પાસે કુલ 33.47 ટકા હિસ્સો રહેલો છે. અગાઉ ગયા સપ્તાહે સિપ્લા પ્રમોટર્સ તેમનો આંશિક હિસ્સો વેચવા માટેની શક્યતાં ચકાસી રહ્યાં હોવાના અહેવાલ પ્રગટ થયાં હતાં. જ્યારપછી કંપનીના શેરમાં 15 ટકાતી વધુનો ઉછાળો નોંધાઈ ચૂક્યો છે. જો બ્લેકસ્ટોન સિપ્લામાં પ્રમોટર્સ પાસેથી હિસ્સો ખરીદવામાં આગળ વધશે તો તેણે પાછળથી કંપનીમાં વધુ 26 ટકા શેર્સ ખરીદવા માટે ઓપન ઓફર આપવાની રહેશે. જે સંપૂર્ણ સબસ્ક્રાઈબ થશે તો બ્લેકસ્ટોન પાસે વધુમાં વધુ 59.4 ટકાનો હિસ્સો જોવા મળી શકે છે. જે ભારતીય બજારમાં પ્રાઈવેટ ઈક્વિટી તરફથી સૌથી મોટી ખરીદી બની રહેશે.
માર્કેટ એનાલિસ્ટ્સ સિપ્લામાં પીઈ રોકાણકારના પ્રવેશને આવકારી રહ્યાં છે. તેમના મતે નવો રોકાણકાર કંપનીના ગ્રોથને નવી ઊંચાઈ પર લઈ જશે. નામ નહિ આપવાની શરતે એનાલિસ્ટ જણાવે છે કે પીઈ રોકાણકારનો પ્રવેશ માત્ર નાણાકિય મૂડી જ નથી લાવતી પરંતુ તે ઈન્ટિલેક્ચ્યૂઅલ એક્સપર્ટિઝ પણ લાવે છે. સાથે મજબૂત મેનેજમેન્ટ ક્વોલિટી પણ આવે છે. જે કંપની માટે લાંબાગાળે લાભદાયી બની રહેશે.

કેપિટલ ગેઈન્સ ટેક્સ સરકારી બોન્ડ્સને વૈશ્વિક સૂચકાંકોમાં સમાવવામાં અવરોધઃ S&P ગ્લોબલ
ભારત સરકારની સિક્યૂરિટીઝના ટોચના બોન્ડ સૂચકાંકોમાં સમાવેશથી શરૂઆતી 20-40 અબજ ડોલરનો ફ્લો જોવા મળી શકે
જ્યારે એક દાયકામાં 180 અબજ ડોલર સુધીના ઈનફ્લોની એસએન્ડપી ગ્લોબલનો અંદાજ

ભારતમાં કેપિટલ ગેઈન્સ ટેક્સની જોગવાઈ સ્થાનિક સરકારી બોન્ડ્સને વૈશ્વિક બોન્ડ સૂચકાંકોમાં સમાવેશ સામે મોટો અવરોધ હોવાનું એસએન્ડપી ગ્લોબલનો એક રિપોર્ટ જણાવે છે. ‘અનલોકિંગ ઈન્ડિયાઝ કેપિટલ માર્કેટ પોટેન્શ્યલ’ નામે મથાળું ધરાવતાં રિપોર્ટમાં જણાવ્યા મુજબ જો ભારત સરકારના બોન્ડ્સને ટોચના ગ્લોબલ બોન્ડ ઈન્ડાઈસિસમાં પ્રવેશ મળે તો દેશમાં જંગી પ્રમાણમાં ઈનફ્લો જોવા મળી શકે છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે જામીનગીરીઓના વેચાણના પેમેન્ટ પર વીથહોલ્ડિંગ ટેક્સને દૂર કરાઈ રહ્યો છે ત્યારે ભારતમાં કરવેરા નિયમો સરકારી બોન્ડ્સ પર નોંધાવેલા નફા પર કેપટલ ગેઈન્સ ટેક્સ વસૂલી રહ્યાં છે. જે ગ્લોબલ બોન્ડ ઈન્ડાઈસિસમાં તેના લિસ્ટીંગ સામે મહત્વનો અવરોધ પુરવાર થઈ રહ્યાં છે એમ 3 ઓગસ્ટે રજૂ થયેલો રિપોર્ટ નોઁધે છે. એસએન્ડપી ગ્લોબલ તરીકે તેને મહત્વનો અવરોધ ગણાવામાં આવ્યો છે તે કેપિટલ ગેઈન્સ ટેક્સ ભારત અને ઈન્ડેક્સ પ્રોવાઈડર્સ વચ્ચે ગજગ્રાહ બન્યો છે. આ નિયમ મુજબ વિદેશી રોકાણકારોએ સૂચકાંકોમાં લિસ્ટેડ ભારત સરકારના બોન્ડ્સના વેચાણ પર થનારા નફા પર ટેક્સ ભરવાનો રહે છે. ભારત સરકાર વિદેશઈ રોકાણકારોને કેપિટલ ગેઈન્સ ટેક્સને નાબૂદ કરવા જેવી કોઈપણ પસંદગીની ટ્રિટમેન્ટ પૂરી પાડવાના વિરોધમાં છે. કેમકે આમ કરવાથી સ્થાનિક રોકાણકારો માટે પ્રતિકૂળતા ઊભી થઈ શકે છે. આ જ કારણથી પ્રસ્તાવ આગળ વધી શક્યો નથી એમ રિપોર્ટ ઉમેરે છે. જોકે, જુલાઈમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટ મુજબ ભારત સરકારની જામીનગીરીઓને વૈશ્વિક સૂચકાંકોમાં સમાવેશને કારણે મળનારો લાભ બીજી બાબતો ઘણો મોટો છે. જોકે, માધ્યમોના અહેવાલો મુજબ સરકાર ટેક્સમાં કોઈપણ રાહત નહિ આપવાના પોતાના વલણને લઈ મક્કમ છે.
રૂપિયાના આંતરરાષ્ટ્રીય કરણ અંગેના આરબીઆઈની આંતરવિભાગીય જૂથે 5 જુલાઈએ એક રિપોર્ટમાં ગ્લોબલ બોન્ડ ઈન્ડાઈસિસમાં ભારત સરકારની જામીનગીરીઓના સમાવેશ માટે ઈન્ડેક્સ પ્રોવાઈડર્સ સાથે આરબીઆઈએ સક્રિય થવું જોઈએ એમ ભલામણ કરી હતી. આરબીઆઈ સ્ટાફ તરફથી રજૂ થયેલા આ રિપોર્ટને પગલે જ એસએન્ડપી ગ્લોબલે વૈશ્વિક સૂચકાંકોમાં ભારત સરકારની જામીનગીરીઓના સમાવેશને લઈને રિપોર્ટ રજૂ કર્યો છે. ડેટા, રિસર્ચ અને એનાલિટીક્સ કંપનીનો રિપોર્ટ વધુમાં નોંધે છે કે મહત્વના ગ્લોબલ બોન્ડ ઈન્ડેક્સ રેટિંગ્સને આધારે સ્થાનિક ચલણમાં ઈન્વેસ્ટમેન્ટની ફાળવણી કરતાં વિદેશી ફંડ્સને ભારત સરકારની ડેટ પ્રોડક્ટ્સમાં રોકાણ માટે ઈન્સેન્ટિવ્સનો અભાવ જોવા મળે છે. ગ્લોબલ ગવર્મેન્ટ બોન્ડ્સ માટે જેપીમોર્ગનના રેફરન્સ ઈન્ડેક્સે 2022માં ભારતને બાકાત રાખવાનો નિર્ણય લીધો હતો. તેણે સ્થાનિક બોન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સની સંભવિત અપર્યાપ્તતા, ફંડ રિપેટ્રિએશન નિયમોના અભાવ અને આંતરરાષ્ટ્રીય ધોરણોથી અળગા સ્થઆનિક કેપિટલ ગેઈન્સને કારણ દર્શાવી આમ કર્યું હતું.
એસએન્ડપી ગ્લોબલના રિપોર્ટ મુજબ જો ભારત સરકારની સિક્યૂરિટીઝને મહત્વના બોન્ડ ઈન્ડાઈસિસમાં સમાવેશ પળે તો શરૂઆતમાં વિદેશી રોકાણકારો તરફથી 20-40 અબજ ડોલરનો ફંડ આકર્ષાઈ શકે છે. જ્યારે આગામી એક દસકામાં 180 અબજ ડોલર સુધીનો ઈનફ્લો જોવા મળી તે સંભવ છે. રિપોર્ટ સૂચવે છે કે ચીન, બ્રાઝિલ અને ઈન્ડોનેશિયા જેવા હરિફ દેશોની સરખામણીમાં ભારત સરકારના બોન્ડ્સમાં વિદેશી માલિકીનું પ્રમાણ નીચું છે. 2022 આખરમાં વિદેશી રોકાણકારો ભારત સરકારની જામીનગીરીઓમાં એક ટકાથી નીચો હિસ્સો ધરાવતાં હતાં.

સરકાર રશિયા ખાતેથી 90 લાખ ટન ઘઉઁની આયાત કરશે
દેશમાં ઘઉંના ભાવને નિયંત્રણમાં રાખવા માટે સરકાર-થી-સરકાર સોદો થવાની શક્યતાં
વાર્ષિક ધોરણે દેશમાં ઘઉંના હોલસેલ ભાવમાં 6.2 ટકા પ્રતિ ક્વિન્ટલની વૃદ્ધિ નોંધાઈ
ગયા વર્ષે ઓગસ્ટની શરૂમાં રૂ. 2480 પ્રતિ ક્વિન્ટલ સામે ચાલુ વર્ષે રૂ. 2633નો ભાવ

ભારત સરકાર દેશમાં ઘઉંના ભાવને અંકુશમાં રાખવા માટે રશિયા ખાતેથી કોમોડિટીની આયાત માટે વિચારી રહી હોવાનું જાણવા મળે છે. વર્તુળોના મતે સરકાર-થી-સરકાર વચ્ચેના સોદાના ભાગરૂપે ભારત સરકાર રશિયા ખાતેથી 90 લાખ ટન ઘઉંની આયાત કરે તેવી શક્યતાં છે. એ બાબત ઉલ્લેખનીય છે કે રશિયાએ બ્લેક સી ખાતેથી યુક્રેનની કૃષિ નિકાસને રવાનગીનો કરાર રદ કર્યાં પછી કોમોડિટીઝના ભાવમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે.
ભારતમાં વર્તમાન રવિ માર્કેટિંગ સિઝનમાં ઘઉંના વિક્રમી પાક છતાં ભાવ ઊંચા જોવા મળી રહ્યાં છે. ઊંચા પાક છતાં સરકારી એજન્સી ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા તેના ખરીદીના ટાર્ગેટને પૂરો કરી શકી નહોતી અને લગભગ 40 લાખ ટનથી વધુની ખાધ જોવા મળી હતી. સરકારે મે 2022માં દેશમાંથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો હતો. જે હજુ પણ યથાવત છે. જોકે, ભાવ ઘટવાનું નામ નથી લઈ રહ્યાં. હાલમાં હોલસેલ બજારમાં ઘઉંના ભાવ રૂ. 2633 પ્રતિ ક્વિન્ટલ ચાલી રહ્યાં છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 2480ની સરખામણીમાં 6.2 ટકા જેટલાં ઊંચા છે. સરકારે સ્ટોકહોલ્ડિંગ લિમિટ્સ લાગુ પાડી છે ત્યારથી ભાવમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. સરકારે ઓપન માર્કેટ ઓપરેશન્સ હેઠળ એકથી વધુ રાઉન્ડ્સ હાથ ધર્યાં હોવા છતાં ઘઉંના ભાવ ઠંડા પડવાનું નામ નથી લઈ રહ્યાં. જૂન મહિનામાં દેશમાં અનાજ અને પ્રોડક્ટ્સનું રિટેલ ઈન્ફ્લેશન 16.3 ટકા પર જોવા મળ્યું હતું. જ્યારે હોલસેલ બજારમાં કુલ ઈન્ફ્લેશન 7.6 ટકા પર નોંધાયું હતું. જેની પાછળ નીચા ઉત્પાદન, જથ્થામાં ઘટાડો અને વધતી માગ જેવા કારણો જવાબદાર હોવાનું ટ્રેડર્સનું કહેવું છે.
સરકારે રવિ માર્કેટિંગ 2023 માટે 11.27 કરોડ ટનના વિક્રમી ઘઉં ઉત્પાદનનો અંદાજ બાંધ્યો હતો. જોકે ટ્રેડર્સના મતે ફેબ્રુઆરી અને માર્ચમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે ઘઉંનો પાક 10.1-10.3 કરોડ ટન આસપાસ જ રહ્યો હતો. અગાઉ જાન્યુઆરીમાં ઘઉંના રિટેલ ભાવ રૂ. 31.58 પ્રતિ કિગ્રા જોવા મળતાં હતાં. જે મેમાં ઘટી રૂ. 28.74 પર જોવા મળ્યાં હતાં. જોકે જુલાઈમાં તે વધીને ફરી રૂ. 29.59 પ્રતિ કિગ્રા પર નોંધાયાં હતાં. રેટિંગ એજન્સી ક્રિસિલના રિપોર્ટ મુજબ રશિયા યુક્રેન સાથેના બ્લેક સી ગ્રેઈન ડિલમાંથી બહાર આવ્યાં પછી વૈશ્વિક સ્તરે ઈન્ફ્લેશનનું જોખમ વધ્યું છે. કેમકે રશિયા અને યુક્રેન, બંને દેશો ઘઉં અને સનફ્લાવર ઓઈલના સૌથી મોટો સપ્લાયર્સ છે.

કોર્પોરેટ હેડલાઈન્સ

LIC હાઉસિંગઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 1318.92 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 926.81 કરોડની સરખામણીમાં 42.31 ટકા જેટલો ઊંચો છે. કંપનીનું વેચાણ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 5,296.28 કરોડ સામે 27.62 ટકા વધી રૂ. 6759.13 કરોડ રહ્યું હતું
લ્યુપિનઃ ફાર્મા કંપનીએ જૂન ક્વાર્ટર માટે રૂ. 476.96 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 117.18 કરોડના પ્રોફિટની સરખામણીમાં 307.03 ટકાની તીવ્ર વૃદ્ધિ દર્શાવે છે. કંપનીનું વેચાણ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 2732.49 કરોડ સામે ચાલુ વર્ષે 27.93 ટકા વૃદ્ધિ સાથે રૂ. 3495.65 કરોડ જોવા મળ્યું હતું.
મહાનગર ગેસઃ પાઈપ્સ ગેસ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 368 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 185.20 કરોડના પ્રોફિટની સરખામણીમાં 98.2 ટકાની તીવ્ર વૃદ્ધિ દર્શાવે છે. કંપનીનું વેચાણ ગયા વર્ષે રૂ. 1454.75 કરોડ સામે ચાલુ વર્ષે 16.18 ટકા વૃદ્ધિ સાથે રૂ. 1690.18 કરોડ જોવા મળ્યું હતું.
આઈશરઃ કંપનીએ જૂન ક્વાર્ટર માટે રૂ. 918.34 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 610.66 કરોડના પ્રોફિટની સરખામણીમાં 50.38 ટકાની તીવ્ર વૃદ્ધિ દર્શાવે છે. કંપનીનું વેચાણ ગયા વર્ષે રૂ. 3397.46 કરોડ સામે ચાલુ વર્ષે 17.33 ટકા વૃદ્ધિ સાથે રૂ. 3986.37 કરોડ જોવા મળ્યું હતું.
સ્ટર્લિંગ ટૂલ્સઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 13 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 9.6 કરોડના નફાની સરખામણીમાં 36 ટકા ઊંચો છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 174.6 કરોડ સામે 27.6 ટકા વધી રૂ. 222.8 કરોડ રહી હતી. જ્યારે એબિટા 22 ટકા વધી રૂ. 28 કરોડ રહ્યો હતો. કંપનીનું નફા માર્જિન સુધરી 5.9 ટકા રહ્યું હતું.
કેએસબી લિમિટેડઃ કંપનીએ જૂન ક્વાર્ટર માટે રૂ. 63.7 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 48.3 કરોડ પર નોંધાયો હતો. કંપનીનું વેચાણ ગયા વર્ષના રૂ. 448.4 કરોડ સામે ચાલુ વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 591.3 કરોડ પર રહ્યું હતું. જૂનક્વાર્ટરમાં રૂ. 616.5 કરોડના ઓર્ડર્સ મેળવ્યાં હતાં. જાન્યુઆરીથી જૂન સુધીમાં કંપનીનું વેચાણ 25 ટકા વધી રૂ. 1080.9 કરોડ પર જોવા મળ્યું હતું.
કમિન્સ ઈન્ડિયાઃ જૂન ક્વાર્ટર માટે રૂ. 352.72 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 198.13 કરોડના પ્રોફિટની સરખામણીમાં 78.53 ટકાની તીવ્ર વૃદ્ધિ દર્શાવે છે. કંપનીનું વેચાણ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 1695.92 કરોડ સામે 30.8 ટકા વૃદ્ધિ સાથે રૂ. 2218.25 કરોડ જોવા મળ્યું હતું.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage