બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
સાંકડી રેંજમાં વધ-ઘટ સાથે શેરબજારમાં કોન્સોલિડેશન
યુએસ બજારમાં મજબૂતી યથાવત
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.25 ટકા ગગડી 10.28ની સપાટીએ
આઈટી, મેટલ, પીએસઈમાં પોઝીટીવ ટ્રેન્ડ
રિઅલ્ટી, એફએમસીજી, બેંકિંગમાં નરમાઈ
આઈડીબીઆઈ બેંક, હિંદુસ્તાન કોપર, આઈઆરએફસી નવી ટોચે
યૂપીએલમાં નવું તળિયું
ભારતીય બજાર મંગળવારે બે બાજુની સાંકડી વધ-ઘટ વચ્ચે અથડાયાં પછી નેગેટિવ બંધ દર્શાવતું હતું. સ્થાનિક કે વૈશ્વિક સ્તરેથી કોઈ મહત્વના અહેવાલના અભાવે માર્કેટમાં સુસ્તી જોવા મળતી હતી. બીએસઈ સેન્સેક્સ 68.36 પોઈન્ટ્સ ઘટી 66,459.31ની સપાટીએ જ્યારે નિફ્ટી 20.25 પોઈન્ટ્સના ઘટાડે 19,733.55ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં ખરીદી જળવાતાં બ્રેડ્થ પોઝીટીવ જોવા મળતી હતી. બીએસઈ ખાતે કુલ 3728 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2068 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1492 નેગેટિવ જોવા મળતાં હતાં. જ્યારે 338 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ બનાવી હતી. 28 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું. 12 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 3 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.25 ટકા ગગડી 10.28ના સ્તરે બંધ રહ્યો હતો.
મંગળવારે ભારતીય બજારની શરૂઆત પોઝીટીવ જોવા મળી હતી. બેન્ચમાર્ક નિફ્ટી 19750.80ના અગાઉના બંધની સરખામણીમાં 19,784ની સપાટીએ ખૂલી ઉપરમાં 19,795ની ઈન્ટ્રા-ડે ટોચ પર ટ્રેડ થયાં પછી 19,704.60નું તળિયું બનાવી સાધારણ નરમાઈ સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 74 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 19810.30ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 87 પોઈન્ટ્સ પ્રિમીયમ સામે 13 પોઈન્ટ્સનો ઘટાડો સૂચવે છે. આમ, ઊંચા સ્તરે લોંગ પોઝીશનમાં લિક્વિડેશન યથાવત છે. જોકે, મોટી માત્રમાં પ્રોફિટ બુકિંગ નથી જોવા મળી રહ્યું. જે સૂચવે છે કે બુલ્સ હજુ પણ મેદાનમાં છે અને તેઓ બજારને નવી ટોચ તરફ લઈ જવાનો પ્રયાસ કરી શકે છે. ટેક્નિકલ એનાલિસ્ટ્સ 19600ની સપાટીને મહત્વનો સપોર્ટ જોઈ રહ્યાં છે. જેને સ્ટોપલોસ જાળવી લોંગ પોઝીશન ઊભી રાખી શકાય. જો આ સ્તર તૂટશે તો માર્કેટમાં 300-400 પોઈન્ટસ ઝડપથી નીકળી શકે છે. જોકે, બીજી બાજુ બ્રોડ માર્કેટની મજબૂતી સૂચવે છે કે મીડ અને સ્મોલ-કેપ્સમાં રસ જળવાયેલો છે.
નિફ્ટીને મંગળવારે સપોર્ટ પૂરો પાડનારા મુખ્ય કાઉન્ટર્સમાં કોલ ઈન્ડિયા, એનટીપીસી, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેકનોલોજી, એલટીઆઈમાઈન્ડટ્રી, આઈશર મોટર્સ, એમએન્ડએમ, ટીસીએસ, ઈન્ફોસિસ અને એચડીએફસી બેંકનો સમાવેશ થતો હતો. જ્યારે બીજી બાજુ, પાવર ગ્રીડ કોર્પોરેશન, હીરો મોટોકોર્પ, એપોલો હોસ્પિટલ, ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ફિનસર્વ, અદાણી પોર્ટ્સ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એસબીઆઈ, ડિવિઝ લેબ્સ, મારુતિ સુઝુકી અને એશિયન પેઈન્ટ્સમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો આઈટી, મેટલ, પીએસઈમાં પોઝીટીવ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 1.2 ટકા સુધારા સાથે ફરી 30 હજારની સપાટી પાર કરી ગયો હતો. ઈન્ડેક્સને સપોર્ટ કરનારા મુખ્ય કાઉન્ટર્સમાં એલએન્ડટી ટેક્નોલોજી, કોફોર્જ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક્નોલોજી, એલટીઆઈમાઈન્ડટ્રી, પર્સિસ્ટન્ટ, ટીસીએસ, ઈન્ફોસિસ અને વિપ્રોનો સમાવેશ થતો હતો. નિફ્ટી મેટલ સાધારણ પોઝીટીવ બંધ રહ્યો હતો. જોકે, કોલ ઈન્ડિયા 5 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત સેઈલ, જેએસડબલ્યુ સ્ટીલ, જિંદાલ સ્ટીલ, નાલ્કો, વેદાંતમાં સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ નિફ્ટી રિઅલ્ટી 1.8 ટકા સાથે ઘટવામાં અગ્રણી હતો. જેમાં ડીએલએફ 4 ટકા પટકાયો હતો. આ ઉપરાંત ગોદરેજ પ્રોપર્ટીઝ, સોભા, પ્રેસ્ટીજ એસ્ટેટ, ઓબેરોય રિઅલ્ટી, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી અને બ્રિગેડ એન્ટરપ્રાઈઝમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી એફએમસીજી પણ સતત ત્રીજા દિવસે નરમાઈ સૂચવતો હતો. જેમાં પીએન્ડજી, ડાબર ઈન્ડિયા, કોલગેટ, મેરિકો, વરુણ બેવરેજિસ, એચયૂએલ, તાતા કન્ઝ્યૂમર, આઈટીસી ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી બેંક પણ સાધારણ નરમાઈ સૂચવતો હતો. જેમાં ઈન્ડસઈન્ડ બેંક, એસબીઆઈ, એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક, પીએનબી, બેંક ઓફ બરોડા, ફેડરલ બેંક ઘટવામાં ટોચ પર હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો નવીન ફ્લોરિન 7 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત હિંદુસ્તાન કોપર, અતુલ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, કોલ ઈન્ડિયા, આઈઈએક્સ, એસઆરએફ, યુનાઈટેડ બ્રૂઅરિઝ, એલએન્ડટી ટેક્નોલોજી, એનટીપીસી, બર્જર પેઈન્ટ્સ, જીએનએફસી, ટેક મહિન્દ્રા, જ્યુબિલિઅન્ટ ફૂડ, પેજ ઈન્ડસ્ટ્રીઝ, વોલ્ટાસ, આરતી ઈન્ડસ્ટ્રીઝ, બંધન બેંક, એચસીએલ ટેક્નોલોજી, લૌરસ લેબ્સમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ, પાવર ગ્રીડ કોર્પોરેશન 5 ટકાથી વધુ તૂટ્યો હતો. આ સિવાય પોલીકેબ, ડીએલએફ, હીરો મોટોકોર્પ, ટ્રેન્ટ, ગોદરેજ પ્રોપર્ટીઝ, એપોલો હોસ્પિટલ, હિંદુસ્તાન એરોનોટિક્સ, મણ્ણાપુરમ ફાઈનાન્સ, સિમેન્સ, ઝી એન્ટરટેઈનમેન્ટ, ક્યુમિન્સ ઈન્ડિયા, તાતા કોમ્યુનિકેશન, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. વાર્ષિક ટોચ દર્શાવનાર કેટલાંક કાઉન્ટર્સમાં આઈડીબીઆઈ બેંક, હિંદુસ્તાન કોપર, આઈઆરએફસી, કાર્બોરેન્ડમ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, ગ્રાઈન્ડવેલ, આઈઆઈએફએલ ફાઈનાન્સ, બીએસઈ લિમિટેડ, એનટીપીસી, ક્રેડિટ એક્સેસ ગ્રામીણ, ફર્સ્ટસોર્સ, એસ્ટ્રાલનો સમાવેશ થતો હતો.
ફોક્સકોન EV વેન્ચરની નવા સ્મોલ કાર પ્લાન્ટ માટે ભારત પર નજર
મોબિલિટી ઈન હાર્મની 20K ડોલરથી નીચા મૂલ્યની થ્રી-સીટર ઈવી કાર માટે પેરન્ટ અથવા અન્ય સાથે કામ કરવા તૈયાર
તાઈવાનના કોન્ટ્રેક્ટ મેન્યૂફેક્ચરર ફોક્સકોનનું ઈવી સાહસ સ્મોલ બેટરીથી ચલિત કારના ઉત્પાદન માટે ભારત અથવા થાઈલેન્ડ પર નજર દોડાવી રહ્યું છે. કંપની હાલમાં વિકાસના તબક્કામાં એવી કારના ઉત્પાદન માટે ઉપરોક્ત દેશોમાં સ્ટાન્ડર્ડાઈઝ્ડ ઈલેક્ટ્રીક વેહીકલ પ્લેટફોર્મ બાંધવા પ્રયાસ કરી રહી છે એમ યુનિટના ચીફ એક્ઝીક્યુટીવ જણાવે છે.
તાઈવાનની કંપનીની માલિકનું ઈવી પ્લેટફોર્મ એવું મોબિલિટી ઈન હાર્મની(MIH) તેની પેરન્ટ કંપની સાથે અથવા અન્ય કંપની સાથે મળીને નવી થ્રી-સીટર ઈવી બનાવવાની ઈચ્છાં ધરાવે છે. જેની કિંમત 20 હજાર ડોલરથી ઓછી હશે એમ એમઆઈએચના સીઈઓ જેક ચેંગે જણાવ્યું હતું. એમઆઈએચ તેના પ્રથમ પ્રોટોટાઈપ ઈવીને લોંચ કર્યાં પહેલાં હાલમાં કન્વિનીઅન્સ સ્ટોર્સ, કાર રેંટલ કંપનીઝ અને કૂરિયર કંપનીઝ સાથે વાતચીત ચલાવી રહી હોવાનું ચેંગે જણાવ્યું હતું. તેઓ આગામી ઓક્ટોબરમાં જાપાનના સૌથી મોટા ઓટો ટ્રેડ શોમાં આ કારને રજૂ કરશે. જોકે, તેમણે હાલમાં કઈ કંપનીઓ સાથે એમઆઈએચ મંત્રણા કરી રહી છે તે અંગે કશું કહેવાનો ઈન્કાર કર્યો હતો. આ કાર 10 હજાર ડોલરથી લઈ 20 હજાર ડોલર વચ્ચેનું મૂલ્ય ધરાવતી હતી. તેમજ ભારત અથવા થાઈલેન્ડ તેની પ્રોડક્શન સાઈટ માટેના મુખ્ય દાવેદારો હશે એમ તેણે જણાવ્યું હતું. જોકે, ભારત એમઆઈએચના લોંગ-ટર્મ ગ્રોથ માટે મહત્વનું બની રહેશે એમ તેણે ઉમેર્યું હતું. જ્યાં સંભવિત બજાર હોય ત્યાં જ તમારે પ્લાન્ટ બાંધવો જોઈએ અને તે ભારત અથવા સાઉથઈસ્ટ એશિયા છે. કેમકે ત્યાં જંગી વોલ્યુમની તકો રહેલી છે. તેમણે બારતને ઈવી સેક્ટરમાં નવી પેઢી માટે ભારતને ઊભરી રહેલી શક્તિ તરીકે ગણાવ્યું હતું. 2021થી ફોક્સકોને થાઈલેન્ડની રાજ્ય સરકારની માલિકીની કંપની પીટીટી સાથે સંયુક્ત સાહસ સ્થાપ્યું છે. જેનું મુખ્ય કેન્દ્ર ઈવી છે અને તે દક્ષિણપૂર્વ એશિયાને મુખ્ય માર્કેટ જોઈ રહી છે. ફોક્સકોને બે વર્ષ અગાઉ 2600 સપ્લાયર્સ સાથે એમઆઈએચ કોન્સોર્ટિયમની સ્થાપના કરી હતી. જેનો હેતુ ગુગલની એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમની જે ઈવી માટે ઓપન પ્લેટફોર્મ ઊભું કરવાનો હતો. આમ કરવાનો વિચાર નીચા ખર્ચ સાથેના સહિયારા પ્લેટફોર્મ્સને ઊભા કરવાનો છે. જે કોર્પોરેટ ફ્લિટ ઓપરેટર્સને કસ્ટમ-મેડ ઈવી બનાવવા માટેની છૂટ પૂરી પાડી શકે. ઓક્ટોબરમાં પ્રોટોટાઈપ લોંચ કર્યાંના 18-24 મહિનામાં એમઆઈએચ ત્રણ બેઠક ધરાવતાં ઈવીનું ઉત્પાદન શરૂ કરે તેવી યોજના છે.
જૂન ક્વાર્ટરમાં ગોલ્ડની માગમાં 7 ટકા ઘટાડો નોંધાયો
એપ્રિલ-જૂન દરમિયાન 158.1 ટન સોનાની ખરીદી જોવા મળી
કોવિડ પછી ચાલુ વર્ષે ભારતની ગોલ્ડ માગ સૌથી નીચી જોવા મળી
વિશ્વમાં બીજા ક્રમના ગોલ્ડ વપરાશકાર ભારતની એપ્રિલથી જૂન મહિન દરમિયાન ગોલ્ડની ખરીદી સાત ટકા ઘટાડે 158.1 ટન પર જોવા મળી હતી એમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ડેટા સૂચવે છે. પીળી ધાતુના વિક્રમી ભાવને જોતાં કોવિડ પછી ચાલુ વર્ષે સોનાની માગ સૌથી નીચી જોવા મળી હતી. ચાલુ કેલેન્ડરમાં ભારતમાં સોનાની માગ 650-750 ટન વચ્ચે જળવાય તેવો કાઉન્સિલનો અંદાજ છે. જે ગયા વર્ષે જોવા મળેલી 774 ટનની ખરીદીની સરખામણીમાં ઘટાડો સૂચવે છે. તેમજ 2020માં જોવા મળેલી 446 ટનની ખરીદી પછીની સૌથી નીચી છે.
સોનામાં ઘટાડા પાછળ સ્થાનિક માર્કેટમાં ધાતુના વિક્રમી ભાવ જવાબદાર છે. ડોલર સંદર્ભમાં ગોલ્ડના ભાવ તેની ટોચથી 5 ટકા નીચે ટ્રેડ થઈ રહ્યાં છે. જોકે, સ્થાનિક બજારમાં તે ટોચ આસપાસ જ જળવાયેલા રહ્યાં છે. ઉપરાંત, 2022માં ડોલર સામે રૂપિયામાં સતત ઘટાડા પાછળ ગોલ્ડ વધુને વધુ મોંઘું બનતું રહ્યું હતું. ઈન્વેસ્ટમેન્ટ માટેની માગ જૂન ક્વાર્ટરમાં 29.5 ટકા પર રહી હતી. જે 2022માં સમાનગાળામાં 30.4 ટન પર હતી. આરબીઆઈ તરફથી રૂ. 2000ની ચલણી નોટ્સને પરત ખેંચવાના કારણે પણ સોનાની માગ પર ટૂંકાગાળા માટે વિપરીત અસર પડી હોવાનું વર્તુળોનું કહેવું છે. જૂન 2022 ક્વાર્ટરમાં ગોલ્ડની માગ 170.7 ટન પર જોવા મળી હતી. જે ચાલુ વર્ષે સમાનગાળામાં 158.1 ટન પર રહી હતી. આમ 12 ટનથી વધુનો ઘટાડો નોંધાયો હતો. રૂપિયા સંદર્ભમાં જોકે ગોલ્ડની માગ જૂન ક્વાર્ટરમાં વધીને રૂ. 82,530 કરોડ પર જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 79,270 કરોડ પર હતી. ગોલ્ડની કુલ માગમાં ટકાવારીની રીતે જ્વેલરીની માગ આંઠ ટકાના ઘટાડે 128.6 ટન પર રહી હતી. જે વર્ષ અગાઉ સમાનગાળામાં 140.3 ટકા પર જોવા મળતી હતી. જોકે, 18 કેરેટની ગોલ્ડ જ્વેલરીની માગ ઊંચી જોવા મળી હતી. ચાલુ નાણા વર્ષ માટે ઊંચી જીડીપી વૃદ્ધિના અંદાજને જોતાં ભારતમાં ગોલ્ડની માગ બીજા અર્ધવાર્ષિક ગાળામાં મજબૂત જળવાય રહેવાની શક્યતાં છે. તહેવારો અને લગ્નગાળાની સિઝનમાં સામાન્યરીતે દેશમાં સોનાની ખરીદી ઊંચી જોવા મળતી હોય છે. આમ, આગામી મહિનાઓ ગોલ્ડની ખરીદી માટે સારા હોય શકે છે.
ધાતુના ઊંચા ભાવોને કારણે જૂના ગોલ્ડનું વેચાણ પણ ઊંચું નોંધાયું હતું અને તેને કારણે દેશમાં ગોલ્ડ રિસાઈકલીંગમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી. જૂન ક્વાર્ટરમાં 37.6 ટન ગોલ્ડનું રિસાઈકલીંગ થયું હતું. જે વાર્ષિક ધોરણે 61 ટકા વૃદ્ધિ સૂચવતું હતું.
રાજ્યમાં વધુ 4.54 લાખ હેકટર વૃદ્ધિ સાથે 75 લાખ હેકટરમાં ખરિફ વાવણી
ડાંગરનું વાવેતર ગયા સપ્તાહે 3.88 લાખ હેકટર વધી 7.1 લાખ હેકટરે પહોંચ્યું
એરંડાના વાવેતરમાં 94 હજાર હેકટરની સાપ્તાહિક વૃદ્ધિ નોંધાઈ
કપાસનું વાવેતર વધુ 30 હજાર હેકટર વધી 26.65 લાખ હેકટરની પાંચ વર્ષની ટોચે
રાજ્યભરમાં જુલાઈમાં ભરપૂર વરસાદને કારણે ખરિફ વાવેતરનું ચિત્ર ખૂબ ઊજળું જોવા મળી રહ્યું છે. 31 જુલાઈ સુધીમાં રાજ્યમાં કુલ 74.64 લાખ હેકટરમાં ખરિફ વાવણી સંપન્ન થઈ હતી. જે છેલ્લાં ત્રણ વર્ષોના સરેરાશ 85.97 લાખ હેકટરના વાવેતરની સરખામણીમાં 87 ટકા વિસ્તાર સૂચવે છે. ગઈ ખરિફમાં સમાનગાળામાં 70.25 લાક હેકટરમાં વાવેતર નોંધાયું હતું. આમ ચાલુસિઝનમાં 4.39 લાખ હેકટર જેટલું ઊંચું વાવેતર જોવા મળી રહ્યું છે. મગફળી, તુવેર અને અડદ જેવા પાકોમાં વાવેતરમાં સાધારણ ઘટાડા સિવાય અન્ય તમામ ખરિફ પાકોનું વાવેતર વાર્ષિક ધોરણે વૃદ્ધિ દર્શાવી રહ્યું છે.
મુખ્ય ખરિફ પાક કપાસની વાત કરીએ તો ખરિફ સિઝનના બે મહિનાની આખરે 26.65 લાખ હેકટરમાં તેનું વાવેતર જોવા મળતું હતું. જે છેલ્લાં પાંચ વર્ષોમાં સૌથી ઊંચું છે. ગઈ સિઝનમાં તે 25.04 લાખ હેકટરે જોવા મળતું હતું. જ્યારે ત્રણ વર્ષોના સરેરાશ 23.61 લાખ હેકટરના વાવેતર સામે તે 11.19 ટકા જેટલું ઊંચું છે. વાવેતરમાં બીજો ક્રમ ધરાવતી મગફળીનો વિસ્તાર જોકે ગઈ સિઝનના 16.72 લાખ હેકટર સામે ઘટી 16.22 લાખ હેકટરમાં જોવા મળ્યો હતો. જે ત્રણ વર્ષોના સરેરાશ 18.95 લાખ હેકટરના 85 ટકા જેટલો બેસે છે. આમ મગફળીના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ઉપરાંત, જૂનાગઢ, ગીર સોમનાથ જેવા જિલ્લામાં અતિભારે વરસાદના કારણે કેટલેક ઠેકાણે મગફળીના પાકને નુકસાન પણ થયું છે. અનાજ પાકોની વાત કરીએ તો ડાંગરના પાકના વાવેતરમાં ગયા સપ્તાહે વેગ આવ્યો હતો અને 3.88 લાખ હેકટર વૃદ્ધિ સાથે વાવેતર 7.1 લાખ હેકટરે પહોંચ્યું હતું. જે ગઈ સિઝનના 6.67 લાખ હેકટર કરતાં 43 હજાર હેકટરની વૃદ્ધિ સૂચવે છે. ડાંગરના વાવેતરમાં હજુ પણ બે લાખ હેકટર સુધીની વૃદ્ધિ જોવા મળશે. રાજ્યમાં છેલ્લાં ત્રણ વર્ષોમાં 8.42 લાખ હેકટરમાં ડાંગરનું વાવેતર નોંધાયું હતું. બાજરીનું વાવેતર 1.73 લાખ હેકટર સાથે ગઈ સિઝનથી ઊંચું જળવાયું છે. જ્યારે મકાઈનું વાવેતર 2.8 લાખ હેકટર સાથે સાધારણ ઘટાડો સૂચવે છે. કઠોળ પાકોનું વાવેતર પણ ગઈ સિઝનમાં 3.33 લાખ હેકટર સામે 14 હજાર હેકટર નીચે 3.19 લાખ હેકટરમાં જોવા મળે છે. અખાદ્ય તેલિબિયાં એરંડાના વાવેતરમાં વેગ આવ્યો છે અને તે 2.43 લાખ હેકટરમાં નોંધાઈ ચૂક્યું છે. જે ત્રણ વર્ષોની 6.68 લાખ હેકટરની સરેરાશના 36 ટકા જેટલું છે. આગામી પખવાડિયામાં તેમાં વધુ ત્રણ લાખ હેકટરથી વધુની વૃદ્ધિ જોવા મળી શકે છે. ઘાસચારા પાકોનું વાવેતર 8.31 લાખ હેકટર(ગયા વર્ષે 7.21 લાખ હેકટર) અને શાકભાજી પાકોનું વાવેતર 1.98 લાખ હેકટર(1.82 લાખ હેકટર)માં જોવા મળી રહ્યું છે.
31 જુલાઈ સુધી રાજ્યમાં વાવેતરનું ચિત્ર(લાખ હેકટરમાં)
પાક ખરિફ 2023 ખરિફ 2022
કપાસ 26.65 25.04
મગફળી 16.22 16.72
ડાંગર 7.10 6.67
બાજરી 1.73 1.62
ઘાસચારો 8.31 7.21
શાકભાજી 1.98 1.82
કુલ 74.64 70.25
રશિયન કંપનીઓ તરફથી આઉટફ્લોને મેનેજ કરવાની RBIની ખાતરી
ભારતીય બેંક્સ પાસે રશિયન કંપનીઓ રૂપિયા સહિત દિરહામ, યુઆનમાં મોટી રકમ ધરાવે છે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સ્થાનિક બેંકર્સને એક ખાતરી આપતાં જણાવ્યું છે કે રશિયા તરફથી ફઁડ આઉટફ્લોના કિસ્સામાં પડનારી અસરના સંચાલન માટે પોતે તૈયાર છે. ઓછામાં ઓછા ચાર બેંકર્સ અને એક માર્કેટ પાર્ટિસિપન્ટ્સે મંગળવારે આમ જણાવ્યું હતું.
પશ્ચિમી દેશો તરફથી રશિયા પર વૈશ્વિક વેપાર માટે યુએસ ડોલર પર પ્રતિબંધને કારણે ભારત તેને રૂપિયા સહિત દિરહામ અને રૂપિયામાં ચૂકવણી કરે છે. જેને સ્થાનિક બેંક્સ સ્પેશ્યલ એકાઉન્ટ્સમાં જાળવે છે. ભારતમાં રશિયાની નિકાસમાં જંગી વૃદ્ધિને કારણે રશિયન કંપનીઓએ મોટું ટ્રેડ સરપ્લસ ઊભું કર્યું છે. જ્યાં સુધી રશિયન કંપનીઓ રકમને પરત લઈ જાય નહિ ત્યાં સુધી આરબીઆઈએ તેમને સ્થાનિક સરકારી બોન્ડ્સમાં રોકાણ માટે છૂટ આપી છે એમ રશિયન વિદેશ પ્રધાને જણાવ્યું છે. બેંકર્સને આ નાણાના ગમે ત્યારે આઉટફ્લોને લઈ ચિંતા સતાવી રહી છે. જોકે, આરબીઆઈએ એક અનૌપચારિક બેઠકમાં તેમને ખાતરી આપી છે કે આ પ્રકારની ઘટના સાથે કામ પાર પાડવા માટે તેમની પાસે પૂરતું બફર છે અને ચિંતાનું કોઈ કારણ નથી એમ બેંકિંગ વર્તુળો ઉમેરે છે. જ્યારે પણ બેંક્સે ફોરેક્સ અન ડેટ માર્કેટ પર સંભવિત ચિંતા વ્યક્ત કરી છે ત્યારે આરબીઆઈએ તેમને પોઝીટીવ પ્રતિભાવ પાઠવ્યો છે એમ જાહેર ક્ષેત્રની બેંકના ટ્રેઝરી અધિકારી જણાવે છે. આરબીઆઈએ આ પ્રકારના ફંડ્સની રકમ ક્યારે પણ રજૂ નથી કરી એમ વર્તુળો જણાવે છે. જોકે, બ્રોકિંગ કંપની સીએલએસએના અંદાજ મુજબ 20-30 અબજ ડોલરના રશિયન ક્રૂડની આયાત માટે રૂપિયામાં ચૂકવણું કરવામાં આવ્યું છે. જેને સરકારી બોન્ડ્સમાં રોકવામાં આવ્યાં હોવાની શક્યતાં છે.
કોર્પોરેટ રાઉન્ડ અપ
જાપાનની ડિસ્કોની ભારતમાં સેન્ટર સ્થાપવા વિચારણા
જાપાનીઝ ચીપ ઈક્વિપમેન્ટ સપ્લાયર ડિસ્કો ભારતમાં સેન્ટરની સ્થાપના માટે વિચારી રહી હોવાનું વર્તુળો જણાવે છે. ઉપરાંત ડિસ્કો ભારતમાં એપ્લિકેશન્સ લેબોરેટરી શરૂ કરવા પણ વિચારી રહી છે. જે ટેસ્ટ કટ્સ સહિત અન્ય પ્રયોગાત્મક પ્રોસેસિંગ પર્ફોર્મ કરશે. ડિસ્કો ભારતમાં તેના ક્લાયન્ટ્સને સપોર્ટ પૂરો પાડવાનો હેતુ ધરાવે છે અને દેશમાં સેમીકંડક્ટર ઉદ્યોગના માર્કેટિંગ માટે બેઝ તરીકે કામ કરે છે. નિક્કાઈ એશિયાના રિપોર્ટ મુજબ કંપની ભારતમાં એપ્લિકેશન્સ લેબોરેટરી શરૂ કરે તેવી શક્યતાં પણ છે. જોકે, જાપાનીઝ કંપનીની યોજનાનો આધાર કંપનીની ગ્રાહક કંપનીઓ દેશમાં તેમના વિસ્તરણને લઈને કેવી પ્રગતિ દર્શાવે છે તેના પર રહેલો છે. ડિસ્કો સિલિકોન વેફર્સના કટીંગ અને ગ્રાઈન્ડિંગ ટુલ્સ માટે માર્કેટ લીડર છે. તે વૈશ્વિક સ્તરે ચીપમેકિંગમાં બેક-એન્ડ પ્રોસેસિસ માટેના ઈક્વિપમેન્ટમાં 70-80 ટકા હિસ્સો ધરાવે છે. વૈશ્વિક કંપનીઓ તરફથી ભારતમાં થઈ રહેલા શ્રેણીબધ્ધ ઈન્વેસ્ટમેન્ટ્સનો ભાગરુપ આ ઈન્વેસ્ટમેન્ટ છે. ગયા સપ્તાહે યુએસ ચીપ ઉત્પાદક એડવાન્સ્ડ માઈક્રો ડિવાઈઝિસે ભારતમાં પાંચ વર્ષોમાં 40 કરોડ ડોલરના રોકાણની જાહેરાત કરી હતી. તે બેંગલૂરુ ખાતે સૌથી મોટું ડિઝાઈન સેન્ટર બનાવશે. જે 3000 નવા એન્જિનીયર્સને રોજગારી પૂરી પાડશે.
મારુતિએ જૂલાઈમાં 1.81 લાખ વેહીકલ્સનું વેચાણ કર્યું
ટોચની કાર ઉત્પાદક મારુતિએ જુલાઈમાં 1,81,360 યુનિટ્સ કાર્સનું વેચાણ નોંધાવ્યું હતું. જે વાર્ષિક ધોરણે 3.2 ટકા ઊંચું હતું. કંપનીના એસયૂવી મોડેલ્સના વેચાણમાં ઊંચી વૃદ્ધિ પાછળ આમ બન્યું હતું. કંપનીએ જૂલાઈ 2022માં 1,75,916 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. જૂન 2023માં કંપનીએ 1,59,418 યુનિટ્સ વેચ્યાં હતાં. આમ માસિક ધોરણે વેચાણમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી. કંપનીએ સ્થાનિક બજારમાં 6.5 ટકા વેચાણ વૃદ્ધિ દર્શાવી હતી અને તે 1,54,685 યુનિટ્સ પર રહ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 1,45,666 યુનિટ્સ પર જોવા મળતું હતું. જૂન 2023માં કંપનીનું વેચાણ 1,39,648 યુનિટ્સ જળવાયું હતું. કંપનીના યુટીલિટી વેહીકલના વેચાણમાં 166.62 ટકાની તીવ્ર વૃદ્ધિ જોવા મળી હતી અને તે 62,049 યુનિટ્સ પર નોંધાયું હતું.
NSEની વધુ એક ચેતવણી
એક્સચેન્જના ધ્યાન ઉપર આવ્યું છે કે સૈંશ સ્ટોક્સ નામની કંપની સાથે સંકળાયેલા શુભમ શર્મા નામના વ્યક્તિ મોબાઇલ નંબર “8128477028” મારફતે ઓપરેટ કરી શેરમાર્કેટમાં રોકાણ ઉપર ખાતરીપૂર્વક વળતર અને ટ્રેડિંગ માટે શેર્સની ટિપ્સ આપી રહ્યાં છે. વધુમાં તેઓ રોકાણકારોને તેમના ક્રેડેન્શિયલ શેર કરવાનું કહીને તેમના ટ્રેડિંગ એકાઉન્ટનું સંચાલન કરવાની ઓફર કરી રહ્યાં છે. શેરબજારમાં સૂચક/ખાતરીપૂર્વકના/ગેરંટેડ વળતર આપતી ઓફર કાયદાથી પ્રતિબંધિત છે
કોર્પોરેટ હેડલાઈન્સ
બોશઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 409 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 23 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીએ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 334 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 3544 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં 18 ટકા વધી રૂ. 4158 કરોડ પર રહી હતી.
ઓબેરોય રિઅલ્ટીઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 321.6 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 20 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીએ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 403.1 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 9131 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં 3 ટકા ઘટાડે રૂ. 9099 કરોડ પર રહી હતી.
એચજી ઈન્ફ્રાઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 150.3 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 37.4 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીએ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 109.4 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 1105.9 કરોડની સામે ચાલુ વર્ષે સમાનગાળામાં 22.2 ટકા વધી રૂ. 1351.1 કરોડ પર રહી હતી.
કાયનેસ ટેકઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 246 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 145 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીએ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 100.5 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 1963 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં 50 ટકા વધી રૂ. 2972 કરોડ પર રહી હતી.
KEI ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 121.3 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 16.9 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીએ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 103.8 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 1565.4 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં 13.9 ટકા વધી રૂ. 1782.6 કરોડ પર રહી હતી.
પેટ્રોનેટ એલએનજીઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 789.9 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે એનાલિસ્ટ્સના રૂ. 735 કરોડના અંદાજની સરખામણીમાં ઊંચો જોવા મળ્યો હતો.