બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
નિફ્ટી આજે 20 હજારની સપાટી દર્શાવે તેવી શક્યતાં
ગુરુવારે બેન્ચમાર્કે 19992ની ટોચ દર્શાવી
સતત પાંચમા સત્રમાં બેન્ચમાર્ક્સે નવી ટોચ દર્શાવી
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.55 ટકા વધી 11.78ના સ્તરે
નિફ્ટી બેંક 46 હજારની સપાટી કૂદાવી ગયો
ફાર્મા, એફએમસીજી, એનર્જી, ઓટોમાં મજબૂતી
આઈટીમાં નરમાઈ
પોલીકેબ, એલેમ્બિક ફાર્મા, મઝગાંવ ડોક, સુઝલોન એનર્જી નવી ટોચે
ભારતીય શેરબજારમાં તેજીનો ચરુ સતત ઉકળી રહ્યો છે. ગુરુવારે સતત પાંચમા સત્ર દરમિયાન બેન્ચમાર્ક્સ તેમની સર્વોચ્ચ સપાટીએ ટ્રેડ થયાં હતાં. બીએસઈ સેન્સેક્સ 474.46 પોઈન્ટ્સ ઉછળી 67,571.90ની સપાટીએ જ્યારે નિફ્ટી 146 પોઈન્ટ્સની વૃદ્ધિ સાથે 19,979.15ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં ભારે ખરીદી પાછળ માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. નિફ્ટી-50ના 50 કાઉન્ટર્સમાંથી 36 સુધારા સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે 14 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ મજબૂતી જળવાય હતી. બીએસઈ ખાતે 3512 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1748 કાઉન્ટર્સ પોઝીટીવ જ્યારે 1632 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. જ્યારે 230 કાઉન્ટર્સે તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ જ્યારે 134 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.55 ટકા વધી 11.78ના સ્તરે બંધ રહ્યો હતો.
ગુરુવારે સપ્તાહના ચોથા સત્ર દરમિયાન બેન્ચમાર્ક નિફ્ટી ફ્લેટ-ટુ-નેગેટિવ ઓપનીંગ દર્શાવ્યાં પછી શરૂઆતી કલાકમાં નેગેટિવ ઝોનમાં ટ્રેડ થઈ ગ્રીન ઝોનમાં પરત ફર્યો હતો અને સતત નવી ટોચ તરફ ગતિ દર્શાવતો રહ્યો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે 19991.85ની ટોચ બનાવી તેની નજીક જ બંધ રહ્યો હતો. આમ 20000ની સપાટીએથી માત્ર 8 પોઈન્ટ્સનું છેટું રહી ગયું હતું. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 18 પોઈન્ટ્સ ડિસ્કાઉન્ટમાં 19967ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં 37ના પ્રિમીયમ સામે તીવ્ર ઘટાડો દર્શાવે છે. આનો અર્થ એવો થાય છે કે માર્કેટમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ પાછળ લોંગ પોઝીશન લિક્વિડેટ થઈ છે. જે બજારમાં કરેક્શનનો સંકેત ગણી શકાય. રોકાણકારોએ આ સ્થિતિમાં નવી ખરીદીથી દૂર રહેવું જોઈએ. ટેકનિકલ એનાલિસ્ટ્સ 20050-20100ની રેંજમાં અવરોધ જોઈ રહ્યાં છે. આમ વર્તમાન લેવલ પ્રોફિટ બુકિંગ માટેનો શ્રેષ્ઠ સમય છે. ગુરુવારે નિફ્ટીને સપોર્ટ કરનારા કાઉન્ટર્સમાં આઈટીસી, કોટક મહિન્દ્રા બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ડો. રેડ્ડીઝ લેબ્સ, સિપ્લા, ગ્રાસિમ, મારુતિ સુઝુકી, ભારતી એરટેલ, તાતા કન્ઝ્યૂમર, સન ફાર્મા, એસબીઆઈ, એક્સિસ બેંક, એચયૂએલ, બજાજ ઓટોનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાંથી જીઓ ફાઈનાન્સિયલ સર્વિસિઝ છૂટી પડતાં કંપનીનો શેરમાં 8 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત ઈન્ફોસિસ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચસીએલ ટેક, બજાજ ફિનસર્વ, આઈશર મોટર્સ, હીરો મોટોકોર્પ, બ્રિટાનિયા, ટાઈટન કંપની જેવા કાઉન્ટર્સ નરમાઈ દર્શાવતાં હતાં.
સેક્ટર પર્ફોર્મન્સિસની વાત કરીએ તો બેંકિંગમાં ભારે તેજી જોવા મળી હતી. જેની પાછળ નિફ્ટી બેંક 1.2 ટકા ઉછળી 46 હજારની સપાટી કૂદાવી ગયો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે તેણે 46,256.20ની ટોચ બનાવી હતી. બેકિંગ કાઉન્ટર્સમાં કોટક મહિન્દ્રા બેંક 2.64 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત આઈસીઆઈસીઆઈ બેંક 2.3 ટકા, એસબીઆઈ, એક્સિસ બેંક, ફેડરલ બેંકમાં પણ મજબૂતી જોવા મળતી હતી. જ્યારે બંધન બેંક, આઈડીએફસી બેંક, બેંક ઓફ બરોડા અને પીએનબી નરમાઈ સૂચવતાં હતાં. ફાર્મા, એફએમસીજી, એનર્જી અને ઓટો જેવા સૂચકાંકો પણ મજબૂતી દર્શાવતાં હતાં. જ્યારે આઈટીમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા 1.5 ટકા ઉછળી નવી ટોચે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં ઓરોબિંદો ફાર્મા, ડો. રેડ્ડીઝ લેબ્સ, સિપ્લા, ઝાયડસ લાઈફ, સન ફાર્મા, લ્યુપિન, આલ્કેમ લેબ અને ડિવિઝ લેબ્સમાં મજબૂતી દર્શાવતાં હતાં. નિફ્ટી એફએમસીજી પણ 1.4 ટકા ઉછળી 54 હજારની સપાટી પાર કરી નવી ટોચે બંધ રહ્યો હતો. જેમાં આઈટીસી, ગોદરેજ કન્ઝ્યૂમર, તાતા કન્ઝ્યમર, મેરિકો, એચયૂએલ, ડાબર ઈન્ડિયા અને ઈમામી જેવા કાઉન્ટર્સ નોંધપાત્ર સુધારો દર્શાવતાં હતાં. એનએસઈ ડેરિવેટીવ્સ કાઉન્ટર્સની વાત કરીએ તો પોલીકેબ ઈન્ડિયા 9.5 ટકા સાથે સૌથી વધુ ઉછળ્યો હતો. આ ઉપરાંત એચડીએફસી એએમસી, આરબીએલ બેંક, ઓરોબિંદો ફાર્મા, ગ્લેનમાર્ક, આઈટીસી, કોટક મહિન્દ્રા, બલરામપુર ચીની, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, આઈસીઆઈસીઆઈ બેંક અને ડો. રેડ્ડીઝ લેબ્સ નોઁધપાત્ર સુધારો સૂચવતાં હતાં. બીજી બાજુ, એબીબી ઈન્ડિયા, શ્રી સિમેન્ટ્સ, જેકે સિમેન્ટ, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ, સિમેન્સ, વોડાફોન અને પર્સિસ્ટન્ટમાં ઘટાડો જોવા મળતો હતો. પોલીકેબ, એલેમ્બિક ફાર્મા, મઝગાંવ ડોક, સુઝલોન એનર્જી જેવા કાઉન્ટર્સે વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી.
કોર્પોરેટ રાઉન્ડ અપ
લાર્સન 25 જુલાઈએ બાયબેક, સ્પેશ્યલ ડિવિડન્ડની વિચારણા કરશે
એન્જીનીયરીંગ અને કન્સ્ટ્રક્શન કોંગ્લોમેરટ લાર્સન એન્ડ ટુબ્રોનું બોર્ડ આગામી ગુરુવારે કંપનીના શેર્સના બાયબેક પ્રસ્તાવ પર વિચારણા માટે મળશે. ઉપરાંત કંપનીનું બોર્ડ શેરધારકોને સ્પેશ્યલ ડિવિડન્ડ માટેના પ્રસ્તાવ પર પણ વિચારણા કરશે. અગાઉ 2019માં માર્કેટ રેગ્યુલેટર સેબીએ લાર્સનને રૂ. 9000 કરોડની શેર બાયબેક ઓફર માટે મનાઈ કરી હતી. એલએન્ડટીએ તે વખતે રૂ. 1475 પ્રતિ શેરના ભાવે 6.1 કરોડ શેર્સ સુધીના બાયબેકનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, સેબીના ઈન્કારને કારણે તે શક્ય બન્યું નહોતું. ગુરુવારે કંપની જૂન ક્વાર્ટર માટેના પરિણામોને પણ મંજૂરી આપશે. તેમજ 2023-24ના વર્ષ માટે સ્પેશ્યલ ડિવિડન્ડના પ્રસ્તાવ પર વિચારણા કરશે. જો વિશેષ ડિવિડન્ડને મંજૂરી આપવામાં આવશે તો તે માટેની રેકર્ડ ડેટ 2 ઓગસ્ટ 2023ની રહેશે એમ કંપનીએ ફાઈલીંગમાં જણાવ્યું હતું. ગુરુવારે કંપનીનો શેર 0.18 ટકા ઘટાડા સાથે રૂ. 2489.60ની સપાટીએ બંધ રહ્યો હતો.
અદાણી ACC, અંબુજા બ્રાન્ડ્સને ચાલુ રાખશે
અદાણી જૂથ સિમેન્ટ પ્રોડક્ટ્સના વેચાણ માટે તેની એસીસી અને અંબુજા સિમેન્ટ બ્રાન્ડ્સને ચાલુ રાખશે. તેમજ જૂથની સિમેન્ટ યુનિટ્સને ભેળવવાની કોઈ યોજના નથી એમ બંને સિમેન્ટ કંપનીઓના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર અજય કપૂરે એન્યૂલ જનરલ મિટિંગમાં શેરધારકોને જણાવ્યું હતું. 2022માં સ્વીસ કંપની હોલ્સિમ પાસેથી 10.5 અબજ ડોલરમાં અંબુજા સિમેન્ટ્સ અને એસીસીની ખરીદી પછી જૂથ અલ્ટ્રાટેક સિમેન્ટ પછી દેશમાં સૌથી મોટો સિમેન્ટ ઉત્પાદક બન્યો હતો. અગાઉ માધ્યમોના અહેવાલ પ્રમાણે અદાણી જૂથ બંને સિમેન્ટ કંપનીઓના મર્જરની શક્યતાં ચકાસી રહી છે. જોકે, કપૂરે બંને જાણીતી બ્રાન્ડ્સના ઉપયોગમાં કોઈપણ પ્રકારની અડચણની અપેક્ષા નહિ હોવાની ખાતરી આપી હતી. હિંડેનબર્ગ રિસર્ચના રિપોર્ટ પછી બંને કંપનીઓના શેર્સ જાન્યુઆરીના સ્તરેથી હજુ પણ નીચા ટ્રેડ થઈ રહ્યાં છે. જેમાં એસીસીનો શેર 23 ટકા જ્યારે અંબુજા સિમેન્ટનો શેર 15.7 ટકા ઘટાડો દર્શાવી રહ્યો છે.
વીમા કંપનીઓ તરફથી રૂ. 2350 કરોડની GST ચોરી
દેશની 15 જેટલી વીમા કંપનીઓ તરફથી રૂ. 2350 કરોડની જીએસટી ચોરી પકડાઈ છે. જેમાં લાઈફ અને જનરલ ઈન્શ્યોરન્સ કંપનીઓનો સમાવેશ થાય છે. જાણીતા નામોમાં બજાજ આલિઆન્ઝ, આદિત્ય બિરલા સન લાઈફ ઈન્શ્યોરન્સ, એચડીએફસી લાઈફ ઈન્શ્યોરન્સ સહિત કેટલીક જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓનો પણ સમાવેશ થાય છે. હાલમાં આ કંપનીઓ સામે તપાસ પૂરી થઈ ચૂકી હોવાનું સરકારી અધિકારી જણાવે છે અને આ કંપનીઓને શો કોઝ નોટિસ આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં રૂ. 700 કરોડની રિકવરી કરવામાં આવી છે એમ તેઓ ઉમેરે છે. કંપનીઓ સામે ખોટી રીતે ઈનપુટ ટેક્સ ક્રેડિટ લેવાના દાવા હેઠળ તપાસ થઈ હતી. જેમાં 15 લાઈફ અને 15 જનરલ ઈન્શ્યોરન્સ કંપનીઓનો સમાવેશ થતો હતો.
ઈન્ફોસિસે જૂન ક્વાર્ટરમાં 11 ટકા વૃદ્ધિ સાથે રૂ. 5945 કરોડનો નફો દર્શાવ્યો
જોકે 2023-24 માટે કંપનીએ રેવન્યૂ ગાઈડન્સ અગાઉના 4-7 ટકા પરથી ઘટાડી 1-3.5 ટકા કર્યું
દેશમાં બીજા ક્રમની આઈટી કંપની ઈન્ફોસિસે જૂન ક્વાર્ટર માટે રૂ. 5945 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 11 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક જૂન ક્વાર્ટરમાં 10 ટકા વૃદ્ધિ સાથે રૂ. 37,933 કરોડ પર જોવા મળી હતી. કંપનીનો નફો બજારની અપેક્ષા કરતાં નીચો રહ્યો હતો. જૂન ક્વાર્ટરના પરિણામોની જાહેરાત સાથે કંપનીએ નાણા વર્ષ 2023-24 માટેના રેવન્યૂ ગાઈડન્સને ઘટાડી 1-3.5 ટકા કર્યું હતું. વૈશ્વિક સ્તરે વધી રહેલાં આર્થિક પડકારોનું કારણ આપી તેણે આ ઘટાડો કર્યો હતો.
ત્રિમાસિક ધોરણે કંપનીના ઓપરેટિંગ માર્જિનમાં 0.2 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને તે 20.8 ટકા પર જોવા મળ્યાં હતાં. માર્ચ ક્વાર્ટરમા તે 21 ટકા પર હતાં. કંપનીએ રેવન્યૂ ગાઈડન્સમાં ઘટાડો કરવા છતાં ઓપરેટિંગ માર્જિન ગાઈડન્સ 20-22 ટકા પર જાળવી રાખ્યું હતું. જૂન ક્વાર્ટરમાં કંપનીના કર્મચારીઓની સંખ્યામાં 6940નો ઘટાડો જોવા મળ્યો હતો. સતત બીજા ક્વાર્ટરમાં તેના હેડ કાઉન્ટમાં ઘટાડો નોંધાયો હતો. કંપનીએ ક્વાર્ટર દરમિયાન 2.3 અબજ ડોલરની ટોટલ કોન્ટ્રેક્ટ વેલ્યૂ(ટીસીવી) દર્શાવી હતી. જે માર્ચ ક્વાર્ટરની 2.1 અબજ ડોલર કરતાં ઊંચી હતી. કંપનીએ બે દિવસ અગાઉ બે માટો ડિલ્સની જાહેરાત કરી હતી. જેમાં બીપી સાથે 1.5 અબજ ડોલરના જ્યારે ડેન્સ્કે બેંક સાતે 45.5 કરોડ ડોલરના ડીલ માટે એમઓયૂ કર્યાં હતાં. કંપનીના સીઈઓ અને એમડી સલિલ પારેખના જણાવ્યા મુજબ તેમણે 4.2 ટકા સાથે મજબૂત વૃદ્ધિ દર્શાવી હતી. કંપનીની જનરેટીવ એઆઈ કેપેબિલિટીઝમાં સારુ વિસ્તરણ નોંધાવ્યં હતું. કંપનીની સર્વગ્રાહી એઆઈ ઓફરિંગ ટોપાઝને ક્લાયન્ટ્સ તરફથી સારો પ્રતિભાવ મળી રહ્યો છે એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે ફાઈનાન્સિયલ સર્વિસિઝ, મોર્ગેજિસ, હાઈ-ટેક, ટેલિકોમ અને રિટેલ સેક્ટર્સ ક્લાયન્ટ્સ તરફથી ટ્રાન્સફોર્મેશન પ્રોગ્રામ્સ અને ડિસ્ક્રિશ્નરી પ્રોગ્રામ્સમાં ખર્ચ અટકાવી રહ્યાં છે અથવા ઘટાડી રહ્યાં છે.
SBIની આગેવાની હેઠળ કોન્સોર્ટિયમ અદાણીના રૂ. 34K કરોડના પ્રોજેક્ટને ફંડ પૂરું પાડશે
યુએસ શોર્ટ સેલર હિંડેનબર્ગના રિપોર્ટ પછી ગ્રૂપ માટે સૌથી મોટું ડીલ
યુએસ શોર્ટ સેલર હિંડેનબર્ગ રિસર્ચના રિપોર્ટ પછી સૌથી મોટા ફંડ રેઝીંગમાં અદાણી ગ્રૂપે ભારતીય બેંક્સ પાસેથી હજારો કરોડનું ફંડીંગ મેળવવામાં સફળતા મેળવી છે. એસબીઆઈના કોન્સોર્ટિયમ હેઠળની બેંકોએ અદાણીના મુંદ્રા સ્થિત પોલીવિનાઈલ ક્લોરાઈડ(પીવીસી)ના રૂ. 34000 કરોડના પ્રોજેક્ટમાં નોંધપાત્ર ફંડીંગ માટે સહમતિ દર્શાવી છે. આ ફાઈનાન્સિંગ મળવાથી પ્રોજેક્ટ ઓગસ્ટના મઘ્યભાગ સુધીમાં ફાઈનાન્સિયલ ક્લોઝર દર્શાવે તેવી શક્યતાં છે એમ વર્તુળો જણાવે છે.
પ્રોજેક્ટના પ્રથમ તબક્કા માટે જાહેર ક્ષેત્રની બેંક્સ તરફથી ફંડ મેળવવામાં આવશે. જેઓ રૂ. 14500 કરોડના ફંડીંગનો મોટો હિસ્સો મેળવશે. જ્યારે પ્રાઈવેટ લેન્ડર્સ પાછળથી પ્રોજેક્ટને ફંડ પૂરું પાડશે. અદાણી એન્ટરપ્રાઈઝિસની સબસિડિયરી મુંદ્રા પેટ્રોકેમનો પ્રોજેક્ટ પ્રથમ તબક્કામાં 10 લાખ ટનની વાર્ષિક ક્ષમતા સ્થાપવા માગે છે. જે 2025-26 સુધીમાં કાર્યાન્વિત બનશે. જે માટે 2.5 અબજ ડોલરનો ખર્ચ લાગશે. બીજા તબક્કામાં ક્ષમતાને બમણી કરવામાં આવશે. કોલ-ટુ-પીવીસી પ્રોજેક્ટ એ મુંદ્રા ખાતે પેટ્રોકેમિકલ ક્લસ્ટર ડેવલપ કરવાના જૂથની મહત્વાકાંક્ષી યોજનાનો મહત્વનો ભાગ છે. જૂથ આ સેગમેન્ટમાં એક મહત્વનો ખેલાડી બનવા ઈચ્છે છે. હિંડેનબર્ગ રિસર્ચ રિપોર્ટ પછી માટે આ પ્રથમ મોટું બેંક ફાઈનાન્સિંગ ડીલ છે. જાન્યુઆરીમાં હિંડેનબર્ગ રિપોર્ટ પછી અદાણી જૂથના શેર્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી અને અદાણી વિશ્વમાં બીજા ક્રમના સંપત્તિવાનની યાદીમાંથી બહાર આવી ગયા હતા. તેમજ કંપનીએ અદાણી એન્ટરપ્રાઈઝિસના રૂ. 20000 કરોડના એફપીઓને પરત ખેંચ્યો હતો. જેણે જૂથની વિવિધ યોજનાઓ સામે સવાલ ઊભો કર્યો હતો. હાલમાં સ્થાનિક લેન્ડર્સ અદાણી જૂથમાં માત્ર 16 ટકાનું એક્સપોઝર ધરાવે છે. જૂથનું ત્રીજા ભાગનું બોરોઈંગ એ વિદેશી બોન્ડ્સ મારફતે તથા વૈશ્વિક બેંક્સ તરફથી થયેલું છે. હિંડેનબર્ગ રિપોર્ટના આક્ષેપો પછી અદાણી જૂથે ગયા ફેબ્રુઆરીમાં પેટ્રોકેમ પ્રોજેક્ટ સહિતના કેટલાંક મહત્વના કેપેક્સ પ્લાન્સને મુલત્વી રાખ્યાં હતાં. પાછળથી જૂથે પ્રમોટર્સ તરફથી હિસ્સા વેચાણ મારફતે ફંડ ઊભું કરીને ડેટની વહેલી ચૂકવણી કરવા સાથે પ્લેજ્ડ શેર્સમાં ઘટાડો કર્યો હતો. જેમ કરી રોકાણકારોનો વિશ્વાસ પરત મેળવવાનો પ્રયાસ કર્યો હતો. માર્ચમાં યુએસ સ્થિત બૂટિક ઈન્વેસ્ટર જીક્યુજી પાર્ટનર્સે જૂથમાં રૂ. 15000 કરોડનું રોકાણ કર્યું હતું. તેણે પાછળથી પણ કંપનીમાં તેનું હોલ્ડિંગ વધાર્યું હતું.
જીઓ ફાઈનાન્સિયલ સર્વિસિઝનું વેલ્યૂએશન 20 અબજ ડોલર
માર્કેટ એનાલિસ્ટ્સની રૂ. 160-190ની અપેક્ષા સામે ગુરુવારે શેરનો ભાવ રૂ. 261.85 પર નિર્ધારિત થયો
જે સાથે કંપની દેશમાં ટોચની 40 સૌથી ઊંચું મૂલ્ય ધરાવતી કંપનીમાં પ્રવેશી
મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાંથી છૂટી પડેલી જીઓ ફાઈનાન્સિયલ સર્વિસિઝ(JFS)નું વેલ્યૂએશન 20 અબજ ડોલર આસપાસ જોવા મળ્યું છે. ગુરુવારે સવારે વિશેષ પ્રાઈસ ડિસ્કવરી સત્રમાં શેરનો ભાવ રૂ. 261.85 પર નિર્ધારિત થયો હતો. જે રૂ. 160-190ની અપેક્ષિત રેંજ કરતાં નોંધપાત્ર ઊંચો રહ્યો હતો. આ સાથે જ કંપની માર્કેટ-કેપિટલાઈઝેશનની રીતે દેશની ટોચની 40 સૌથી ઊંચું મૂલ્ય ધરાવતી કંપનીમાં પણ પ્રવેશી હતી. તેની પેરન્ટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 233 અબજ ડોલર સાથે દેશની સૌથી ઊંચું મૂલ્ય ધરાવતી કંપની છે.
દેશના શેરબજારોમાં પ્રથમવાર જીઓ ફાઈનાન્સિયલ સર્વિસિસના શેરનું મૂલ્ય નક્કી કરવા માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું વિશેષ એક કલાકનું ‘પ્રિ-ઓપન કોલ ઓક્શન’ સત્ર યોજાયું હતું. જે દરમિયાન જેએફએસનું મૂલ્ય રૂ. 261.85 પર નિર્ધારિત થયું હતું. જે બુધવારે રૂ. 2841.85ના રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બંધ ભાવ અને ગુરુવારે વિશેષ સત્રની આખરમાં કંપનીના શેરના રૂ. 2580ના ભાવ વચ્ચેનો તફાવત દર્શાવે છે. જોકે, સ્પેશ્યલ સત્ર પછીના રૂટિન ટ્રેડિંગ સત્રમાં રિલાયન્સનો શેર 1.2 ટકા સુધારા સાથે રૂ. 2620ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરધારકોને એક શેર સામે જીઓ ફાઈનાન્સિયલનો એક શેર પ્રાપ્ત થશે. જીઓ ફાઈ.નું ઊંચું વેલ્યૂએશન રોકાણકારોમાં કંપનીના પર્ફોર્મન્સને લઈને મજબૂત વિશ્વાસ હોવાનું સૂચવે છે. કંપનીનો ઊંચો મોબાઈલ કસ્ટમર બેઝ જોતાં કંપનીનું ભાવિ ખૂબ ઉજળું હોવાનું એનાલિસ્ટ્સ માને છે. ઉપરાંત જેએફએસ પાસે રિલાયન્સના 1 કરોડ ટ્રેઝરી શેર્સ પણ રહેલાં છે. આ પરિબળોએ રોકાણકારોને ખૂબ વિશ્વાસ પૂરો પાડ્યો હોવાનું એક ટોચના રિસર્ચ એનાલિસ્ટનું કહેવું છે. તેમના મતે જીએફએસનં અનલોકિંગ હજુ શરૂઆત છે અને આગામી સમયગાળામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં વર્તમાન સ્તરેથી નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળે તેવી શક્યતાં રહેલી છે. કેમકે કંપનીના રિટેલ અને ટેલિકોમ બિઝનેસ પણ વૃદ્ધિની ઊંચી તકો દર્શાવી રહ્યાં છે. જીએફએસને દેશના મહત્વના સૂચકાંકોમાં સમાવેશ કરવામાં આવશે. જેમાં નિફ્ટી-50નો સમાવેશ પણ થાય છે. જોકે, તેના લિસ્ટીંગ પછી જ તેનું ટ્રેડિંગ ચાલુ થઈ શકશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગામી વાર્ષિક સાધારણ સભામાં લિસ્ટીંગને લઈને તારીખ નિર્ધારિત થઈ શકે છે. રિલાયન્સ સ્ટ્રેટેજિક ઈન્વેસ્ટમેન્ટ્સ કે જેનું જેએફએસ તરીકે પુનઃ નામકરણ થવાનું છે, તેણે બુધવારે જૂન ક્વાર્ટર માટે રૂ. 145 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જ્યારે રૂ. 215 કરોડની રેવન્યૂ નોંધાવી હતી.
ઈન્ડેક્સ ફંડ્સ JFSના લિસ્ટીંગ પછી 15 કરોડ શેર્સનું વેચાણ કરી શકે
જીઓ ફાઈનાન્સિયલ સર્વિસિઝના લિસ્ટીંગ પછી સ્થાનિક પેસિવ ફંડ્સ તરફથી કંપનીના 15 કરોડ શેર્સનું વેચાણ શક્ય હોવાનું એક અભ્યાસ જણાવે છે. નુવામા અલ્ટરનેટિવ એન્ડ ક્વોન્ટેટિટિવ રિસર્ચની ગણતરી મુજબ રૂ. 261.80 પ્રતિ શેરના ભાવે નિફ્ટી 50 ઈન્ડેક્સ પેસિવ ટ્રેકર્સ 9 કરોડ શેર્સ(લગભગ 29 કરોડ ડોલરનું મૂલ્ય)નું વેચાણ કરી શકે છે. સાથે સેન્સેક્સ ટ્રેકર્સ પણ 5.5 કરોડ શેર્સ(17.5 કરોડ ડોલર)નું વેચાણ કરી શકે છે. આ ગણતરી નિફ્ટી 50માં કંપનીનું વેઈટેજ 1 ટકાથી ઓછું જ્યારે સેન્સેક્સમાં લગભગ 1 ટકાની ધારણા બાંધી કરવામાં આવી છે. લિસ્ટીંગના ત્રણ દિવસ પછી જેએફએસને સૂચકાંકોમાંથી દૂર કરવામાં આવશે. જ્યારે તેના વેઈટેજને અન્ય શેર્સમાં વહેંચવામાં આવશે. આમ શેરના ભાવમાં ઊંચી વોલેટિલિટી શક્ય છે. દરમિયાનમાં, 19 જુલાઈએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું વેઈટેજ નિફ્ટી50માં 11 ટકા પરથી ઘટી 10.1 ટકા પર જોવા મળ્યું હતું. જ્યારે સેન્સેક્સમાં 12.8 ટકા પરથી ઘટી 11.8 ટકા પર નોંધાયું હતું.
JFSના રોકાણકારને 100 ટકા કેપિટલ ગેઈન થયો
જે રોકાણકારોએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાંથી જીઓ ફાઈનાન્સિયલના મર્જર અગાઉ 19 જુલાઈએ રિલાયન્સનો શેર ખરીદ્યો હતો તેઓ હાલમાં 100 ટકા કેપિટલ ગેઈન દર્શાવે છે. ગુરુવારે જીએફએસની ડિસ્કવર્ડ પ્રાઈસ રૂ. 261.85 હતી. જ્યારે રિલાયન્સ રૂ. 2589 પર સેટલ થયો હતો. જોકે ડિમર્જર અગાઉ આરઆઈએલના શેરમાં 4.68 ટકા જેએફએસનું મૂલ્ય હતું. એટલેકે 19 જુલાઈએ રૂ. 2853ના બંધ ભાવની રીતે તે રૂ. 133 બેસતું હતું. જોકે ગુરુવારે રૂ. 261.85ની ડિસ્કવરી પર તેમને 100 ટકા મૂડી લાભ જોવા મળતો હતો. જો રોકાણકારોએ રિલાયન્સનો શેર માર્ચમાં રૂ. 2180ના વાર્ષિક તળિયે ખરીદ્યો હશે તો જેએફએસનો ખર્ચ રૂ. 102 અને આરઆઈએલનો ખર્ચ રૂ. 2078નો બેસશે. જોકે, રોકાણકાર કયા ભાવે શેરનું વેચાણ કરે છે તેના આધારે ટેક્સ જવાબદારી નક્કી થશે.
FPI ભારત પર ફિદાઃ માર્ચથી અત્યાર સુધીમાં રૂ. 1.5 લાખ કરોડ સાથે વિશ્વમાં સૌથી ઊંચો ઈનફ્લો
હરિફ બજારોમાં બીજા ક્રમે તાઈવાને રૂ. 48 હજાર કરોડનો ઈનફ્લો દર્શાવ્યો
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ(FPI)એ માર્ચ 2023ની શરૂઆતથી જ અત્યાર સુધીના પોણા ચાર મહિના દરમિયાન ભારતમાં રૂ. 1.5 લાખ કરોડ(18 અબજ ડોલર)નું નેટ રોકાણ દર્શાવ્યું છે. જે તમામ હરિફ વૈશ્વિક બજારોમાં સૌથી ઊંચો ઈન્વેસ્ટમેન્ટ ફ્લો છે એમ આઈસીઆઈસીઆઈ સિક્યૂરિટીઝનો રિપોર્ટ સૂચવે છે. વિશ્વમાં બીજા ક્રમે 6 અબજ ડોલર(રૂ. 48 હજાર કરોડ આસપાસ) સાથે તાઈવાન એફપીઆઈ ફ્લોની બાબતમાં બીજા ક્રમે જોવા મળે છે.
જો ત્રિમાસિક ગાળાની રીતે જોઈએ તો ભારતમાં ઈનફ્લો તેના નજીકના સ્પર્ધકની સામે ત્રણ ગણો જોવા મળી રહ્યો છે. સમાન બાબત માર્કેટના દેખાવ માટે પણ સાચી ઠરે છે. ભારતીય બેન્ચમાર્ક નિફ્ટી નવી ટોચ દર્શાવવામાં સફળ રહ્યો છે. જ્યારે બાકીના બજારો લડખડાતાં જોવા મળે છે એમ બ્રોકરેજના એનાલિસ્ટ જણાવે છે. સ્થાનિક ઈક્વિટી માર્કેટના સારા દેખાવને કારણે MCCI EMમાં ભારતનું વેઈટેજ સતત વધી રહ્યું છે. જ્યારે બીજી બાજુ એમએસસીઆઈ ઈન્ડેક્સમાં 30 ટકા સાથે સૌથી ઊંચો હિસ્સો ધરાવતાં ચીનનું અર્થતંત્ર સંઘર્ષનો સામનો કરી રહ્યું અને પર્ફોર્મન્સની બાબતમાં નિષ્ફળ ગયું છે. એનાલિસ્ટના મતે ભારતમાં પેસિવ ફ્લોમાં તબક્કાવાર વૃદ્ધિ જોવા મળી શકે છે પરંતુ એક્ટિવ ફ્લોમાં આગામી ક્વાર્ટર્સમાં ઝડપી વૃદ્ધિ જોવા મળવી જોઈએ. નિફ્ટી 50 ઈન્ડેક્સ ડિસેમ્બર 2022ની તેની ટોચથી માર્ચ 2023 સુધીમાં 10 ટકા ગગડ્યો હતો. જોકે, ત્યારપછી બજારમાં સતત સુધારો જોવા મળ્યો છે અને છેલ્લાં કેટલાંક સત્રોથી તે મજબૂત ફોરેન ઈનફ્લો પાછળ સતત નવી ટોચ દર્શાવી રહ્યો છે. છેલ્લાં ચાર મહિનામાં મીડકેપ્સ અને સ્મોલકેપ્સે આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું છે. સ્મોલ કેપ ઈન્ડેક્સ માર્ચ મહિનાના તળિયેથી 30 ટકાનો સુધારો સૂચવે છે. જેની સરખામણીમાં બેન્ચમાર્ક નિફ્ટી 17 ટકા આસપાસની વૃદ્ધિ દર્શાવે છે. નિફ્ટી 50 ઈન્ડેક્સ હાલમાં 2024-25ના 18.2ના ફોરવર્ડ પીઈ પર ટ્રેડ થઈ રહ્યો છે. જે ઐતિહાસિક વેલ્યૂએશનની સરખામણીમાં સાધારણ ઊંચા છે. જોકે, અગાઉ તે ઐતિહાસિક વેલ્યૂએશન કરતાં ઊંચા ભાવે પણ ટ્રેડ થયેલાં જોવા મળ્યાં છે. જૂન 2023માં સ્થાનિક મ્યુચ્યુલ ફંડ્સના ઈક્વિટી પોર્ટફોલિયોનું મૂલ્ય રૂ. 25.6 લાખ કરોડે પહોંચ્યું હતું. જે વાર્ષિક ધોરણે 33 ટકા વૃદ્ધિ સૂચવે છે એમ એનએસડીએલનો ડેટા જણાવે છે. એપ્રિલ અને મેમાં નેગેટિવ ઈનફ્લો પછી એનએફઓ સિવાય ઈક્વિટી સ્કિમ્સમાં ઈનફ્લોમાં જૂનમાં રિકવરી જોવા મળી હતી અને તે રૂ. 5600 કરોડ પર નોંધાયો હતો. માર્ચ 2023માં ઈનફ્લો રૂ. 16693 કરોડ પર હતો.જે એપ્રિલમાં ઘટીને રૂ. 4868 કરોડ પર જ્યારે મેમાં રૂ. 3066 કરોડ પર જ જોવા મળ્યો હતો. મીડકેપ અને સ્મોલકેપ ફંડ્સે પણ છેલ્લાં કેટલાંક મહિનાઓમાં ઊંચો ઈનફ્લો દર્શાવ્યો છે. જેમાં જૂનમાં સ્મોલકેપે રૂ. 5500 કરોડનો વિક્રમી ઈનફ્લો નોંધાવ્યો હતો. જે મે 2023માં રૂ. 3300 કરોડ પર હતો. કેલેન્ડર 2023ના પ્રથમ છ મહિનામાં સ્મોલકેપ ફંડ્સે રૂ. 18000 કરોડનો ઈનફ્લો દર્શાવ્યો છે.
ITC રૂ. 6 લાખ કરોડનું M-Cap પાર કરનાર સાતમી કંપની બની
કંપનીનો શેર ગુરુવારે 2.8 ટકા ઉછળી રૂ. 492.15ની ટોચે બંધ રહ્યો
સિગારેટ અગ્રણી આઈટીસી રૂ. 6 લાખ કરોડથી વધુનું માર્કેટ-કેપિટલાઈઝેશન ધરાવતી સાતમી ટોચની કંપની બની છે. ગુરુવારે કંપનીના શેરમાં ભારે ખરીદી જોવા મળી હતી અને તે 2.8 ટકા મજબૂતી સાથે રૂ. 492.15ની ટોચ પર બંધ રહ્યો હતો. જે ભાવે તેનું માર્કેટ-કેપ રૂ. 6,13,133 કરોડ જોવા મળતું હતું. કંપનીએ ઈન્ટ્રા-ડે ધોરણે રૂ. 493.70ની ટોચ દર્શાવી હતી. છેલ્લાં એક વર્ષમાં કંપની 70 ટકાથી વધુનું રિટર્ન દર્શાવી રહ્યો છે.
આઈટીસી ઉપરાંત રૂ. છ લાખ કરોડનું માર્કેટ-કેપ ધરાવતી કંપનીઓમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટીસીએસ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચયૂએલ અને ઈન્ફોસિસનો સમાવેશ થાય છે. કેલેન્ડર 2023માં આઈટીસીનો શેર 48 ટકાનું રિટર્ન દર્શાવી રહ્યો છે. કંપનીના તમામ વર્ટિકલ્સ તરફથી આકર્ષક દેખાવને કારણે આમ બન્યું છે. કંપની સિગારેટ, એફએમસીજી, પેપર અને હોટેલ્સ જેવા બિઝનેસિસ ધરાવે છે. કંપની 3 ટકાથી ઊંચું ડિવિડન્ડ યિલ્ડ પણ ધરાવે છે.
ઓગસ્ટમાં ITCના હોટેલ્સ બિઝનેસ ડિમર્જર માટે જાહેરાતની શક્યતાં
ગુરુવારે એક અગ્રણી મિડિયા રિપોર્ટ મુજબ આઈટીસી ઓગસ્ટમાં તેના હોટેલ બિઝનેસના ડિમર્જરને લઈને જાહેરાત કરી શકે છે. જેની લાંબા સમયથી રોકાણકારો રાહ જોઈ રહ્યાં છે. કંપની તેની 12 ઓગસ્ટે મળનારી એન્યૂઅલ જનરલ મિટિંગમાં આમ કરી શકે છે. કંપનીના હોટેલ્સ બિઝનેસને અલગ કરવાથી આઈટીસીના શેરમાં વધુ સુધારો શક્ય છે. કેમકે કંપનીનો હોટેલ બિઝનેસ તેના મૂડી ખર્ચ સામે પૂરતું વળતર દર્શાવી રહ્યો નહોતો.
કોર્પોરેટ હેડલાઈન્સ
HUL: એફએમજીસી જાયન્ટ હિંદુસ્તાન યુનિલીવરે જૂન ક્વાર્ટરમાં રૂ. 2472 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 2289 કરોડની સરખામણીમાં 8 ટકા વૃદ્ધિ સૂચવે છે. જોકે ત્રિમાસિક ધોરણે કંપનીનો નફો 10 ટકા ઘટાડો દર્શાવતો હતો. માર્ચ ક્વાર્ટરમાં તેણે રૂ. 2552 કરોડનો નફો નોંધાવ્યો હતો. જૂન ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ. 15,333 કરોડ રહી હતી. જે વર્ષ અગાઉ સમાનગાળામાં જોવા મળતી રૂ. 14,016 કરોડની સરખામણીમાં 6.4 ટકા ઊંચી હતી. સ્થાનિક વોલ્યુમ ગ્રોથ 3 ટકા પર જોવા મળ્યો હતો.
એલએન્ડટી ફાઈનાન્સઃ લાર્સન જૂથની એનબીએફસીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 531 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 262 કરોડના નફાની સરખામણીમાં બમણાથી વધુ વૃદ્ધિ સૂચવે છે. કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 1533.4 કરોડ પરથી 14.3 ટકા વધી રૂ. 1752.5 કરોડ પર રહી હતી.
ફિનોલેક્સ ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 115.3 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 99 કરોડના નફાની સરખામણીમાં 16.2 ટકાની વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 1189.8 કરોડની સરખામણીમાં 0.9 ટકા ઘટાડે રૂ. 1179.2 કરોડ પર રહી હતી.
તાતા કોમ્યુનિકેશન્સઃ તાતા જૂથની કોમ્યુનિકેશન કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 381.7 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 544 કરોડના નફાની સરખામણીમાં 29.8 ટકાનો ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 4310.5 કરોડની સરખામણીમાં 10.7 ટકા વધી રૂ. 4,771.4 કરોડ પર જોવા મળી હતી.
કેન ફિન હોમ્સઃ હાઉસિંગ ફાઈનાન્સ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 183.5 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 162.21 કરોડના નફાની સરખામણીમાં 13.1 ટકાની વૃદ્ધિ સૂચવે છે. કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 611.21 કરોડની સરખામણીમાં 34.81 ટકા વધી રૂ. 823.96 કરોડ પર રહી હતી.
આલોક ઈન્ડસ્ટ્રીઝઃ ટેક્સટાઈલ સેક્ટરની કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 226.14 કરોડની ખોટ દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતી રૂ. 141.58 કરોડની ખોટની સરખામણીમાં 66 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 1971.522 કરોડની સરખામણીમાં 28 ટકા ગગડી રૂ. 1410.25 કરોડ પર જોવા મળી હતી.