Market Summary 04/07/2023

શેરબજારમાં નોન-સ્ટોપ તેજી, સેન્સેક્સે 65500નું સ્તર કૂદાવ્યું
નિફ્ટી 18400 પર ટ્રેડ થઈ આવ્યો
સપ્તાહમાં બેન્ચમાર્ક્સમાં 4 ટકાની વૃદ્ધિ
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.4 ટકા મજબૂતી સાથે 11.70ની સપાટીએ
પીએસયૂ બેંક્સ, આઈટી, ફાર્મામાં મજબૂતી
ઓટો, રિઅલ્ટી, મેટલમાં નરમાઈ
સુઝલોન, એફડીસી, બજાજ ફાઈનાન્સ નવી ટોચે
રાજેશ એક્સપોર્ટ્સ નવા તળિયે

વૈશ્વિક બજારોમાં નરમાઈને ધરાર અવગણી ભારતીય બજારે નોન-સ્ટોપ તેજી જાળવી રાખી છે. જેની પાછળ બેન્ચમાર્ક્સે સતત ચોથા સત્રમાં નવી ટોચ દર્શાવી હતી. બીએસઈ સેન્સેક્સ 274 પોઈન્ટ્સ સુધરી 65,479.05ની સપાટીએ જ્યારે નિફ્ટી 66.45 પોઈન્ટ્સના ઉછાળે 19,389ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં સુધારા વચ્ચે મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં વેચવાલી નીકળી હતી અને માર્કેટ-બ્રેડ્થ નેગેટિવ જોવા મળી રહી હતી. બીએસઈ ખાતે કુલ 3623 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1945 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1567 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળતાં હતાં. 196 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 44 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.4 ટકા મજબૂતી સાથે 11.70ની સપાટીએ બંધ રહ્યો હતો.
મંગળવારે ભારતીય બેન્ચમાર્ક્સ વધુ એક વખત ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યું હતું. નિફ્ટી 19323ના અગાઉના બંધ સામે 19407ની સપાટીએ ખૂલી ઉપરમાં 19434ની સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થઈ નીચામાં 19300ની સપાટી દર્શાવી નવી ટોચે બંધ આપવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 70 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 19459 પર બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 88 પોઈન્ટ્સના પ્રિમીયમની સરખામણીમાં 18 પોઈન્ટ્સનો ઘટાડો સૂચવે છે. જેનો અર્થ એવો થાય છે કે માર્કેટમાં ઊંચા મથાળે લોંગ પોઝીશન લિક્વિડ થઈ રહી છે અને કોઈપણ સમયે બજાર ટેકનિકલ કરેક્શનમાં જઈ શકે છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીને 19300-19400ની રેંજમાં અવરોધ છે. જે પાર થશે તો તે આગેકૂચ જાળવી શકે છે. આમ નિફ્ટીમાં 19400 પાર થાય તો નવી લોંગ પોઝીશન માટે વિચારી શકાય. બાકી હાલના તબક્કે પ્રોફિટ બુકિંગ કરી લેવું હિતાવહ છે. માર્કેટની તેજીને વૈશ્વિક બજારોનો સપોર્ટ નથી અને તેથી ફેડ તરફથી કોઈ નેગેટિવ કોમેન્ટની પ્રતિક્રિયામાં બજારોમાં અલ્પ સમય માટે ઝડપી ઘટાડો સંભવ છે. મંગળવારે નિફ્ટીને સપોર્ટ કરનારા કાઉન્ટર્સમાં બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, હિરો મોટોકોર્પ, ટેક મહિન્દ્રા, ડો. રેડ્ડીઝ લેબ્સ, સન ફાર્મા, એનટીપીસી, ટાઈટન કંપની, ટીસીએસ, વિપ્રો, સિપ્લા, કોટક બેંક અને ઈન્ફોસિસનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, આઈશર મોટર્સ, ભારતી એરટેલ, ગ્રાસિમ, એક્સિસ બેંક, ઓએનજીસી, ડિવિઝ લેબ્સ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ડસઈન્ડ બેંકમાં નરમાઈ જોવા મળી રહી હતી.
સેક્ટરલ દેખાવની વાત કરીએ તો નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ સતત બીજા સત્રમાં 1.9 ટકા સુધારા સાથે ટોચનો પર્ફોર્મર બની રહ્યો હતો. ઈન્ડેક્સના ઘટકોમાં પીએનબી, જેકે બેંક, બેંક ઓફ ઈન્ડિયા, આઈઓબી, સેન્ટ્રલ બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર મજબૂત સુધારો દર્શાવતાં હતાં. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ પણ એક ટકાથી વધુ મજબૂતી સાથએ 30 હજારની સપાટી નજીક જોવા મળ્યો હતો. જેમાં ટેક મહિન્દ્રા, એલએન્ડટી ટેક્નોલોજી, ટીસીએસ, વિપ્રો, ઈન્ફોસિસ, એચસીએલ ટેક્નોલોજી, એલટીઆઈમાઈન્ડટ્રી, એમ્ફેસિસ નોંધપાત્ર સુધારો દર્શાવી રહ્યાં હતાં. એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો બજાજ ફાઈનાન્સ 7.2 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત પીએનબી, બજાજ ફિનસર્વ, હીરો મોટોકોર્પ, ફેડરલ બેંક, કેન ફિન હોમ્સ, ટેક મહિન્દ્રા, જિંદાલ સ્ટીલ, એયૂ સ્મોલ ફાઈનાન્સ, આઈડીએફસી અને નવિન ફ્લોરિનનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, આઈશર મોટર્સ, આઈડીએફસી ફર્સ્ટ બેંક, તાતા કોમ્યુનિકેશન, એલએન્ડટી ફાઈનાન્સ, આરતી ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ડિયન હોટેલ્સ, સિન્જિન ઈન્ટરનેશનલ, અશોક લેલેન્ડ, પિરામલ એન્ટરપ્રાઈઝિસ નોંધપાત્ર નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં એસ્ટર ડીએમ, સુઝલોન એનર્જી, એફડીસી, બજાજ ફાઈનાન્સ, જેબીએમ ઓટો, હિરો મોટોકોર્પ, રિડેકો ખેતાન, જ્યોતિ લેબ્સ, ગ્લોબલ હેલ્થ, ચોલા ફિનનો સમાવેશ થતો હતો. જ્યારે રાજેશ એક્સપોર્ટ્સે નવું તળિયું દર્શાવ્યું હતું.

IDFC-IDFC ફર્સ્ટ બેંક મર્જરઃ HDFC ટ્વિન્સ પછી બીજું મોટું કોર્પોરેટ ડીલ
મર્જર રેશિયો IDFCની ફેવરમાં હોવાથી આઈડીએફસી ફર્સ્ટ બેંકનો શેર 4 ટકા ઘટાડે બંધ રહ્યો

ગયા સપ્તાહાંતે એચડીએફસી ટ્વિન્સના મેગા મર્જર પછી આઈડીએફસી અને આઈડીએફસી ફર્સ્ટ બેંકનું મર્જર બીજું સૌથી મોટું કોર્પોરેટ મર્જર બની રહ્યું છે. સોમવારે સાંજે જાહેર થયેલું મર્જર બંને કંપનીઓ મળીને કુલ રૂ. 71000 કરોડથી વધુનું મૂલ્ય ધરાવે છે. જોકે, મર્જર હેઠળ જાહેર થયેલા રેશિયો એનબીએફસી કંપની આઈડીએફસીની તરફેણમાં હોવાથી આઈડીએફસી ફર્સ્ટ બેંકના શેરમાં મંગળવારે 4 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને તે રૂ. 78.65ની સપાટીએ બંધ રહ્યો હતો. જે પ્રાઈઝે તેનું માર્કેટ-કેપ રૂ. 52,130 કરોડ પર જોવા મળતું હતું. જ્યારે આઈડીએફસીનો શેર 1.83 ટકા મજબૂતી સાથે રૂ. 111.20ની સપાટીએ બંધ હતો. તેનું માર્કેટ-કેપ રૂ. 17,791 કરોડ નોંધાયું હતું. આઈડીએફસી ફર્સ્ટ બેંકે આઈડીએફસીના 155 શેર્સ સામે આઈડીએફસી ફર્સ્ટ બેંકના 100 શેર્સનો રેશિયા જાહેર કર્યો હતો. આમ 3 જુલાઈના બંધ ભાવે આઈડીએફસીના શેરધારકોને 17 ટકા પ્રિમીયમ મળી રહ્યું હતું. સોમવારે આઈડીએફસીના શેરમાં 7 ટકા સુધારો નોઁધાયો હતો. જેને ગણનામાં લઈએ તો ગયા શુક્રવારના બંધ ભાવે મર્જર રેશિયો 24 ટકા પ્રિમીયમ સૂચવતું હતું. પેરન્ટ આઈડીએફસી માટે રિસ્ક-રિવોર્ડ રેશિયો તરફેણદાયી હોવાના કારણે શેર 2 ટકા સુધર્યો હતો. હાલમાં એનબીએફસી એવી આઈડીએફસી તેની નોન-ફાઈનાન્સિયલ હોલ્ડિંગ કંપની મારફતે આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં 39.93 ટકા હિસ્સો ધરાવે છે. મર્જર પછી બેંકની બુક વેલ્યૂમાં 4.9 ટકા વૃદ્ધિ જોવા મળશે.
IDFC ફર્સ્ટ બેંક MSCIમાં પ્રવેશશે?
નુવામા અલ્ટરનેટિવ રિસર્ચના જણાવ્યા મુજબ આઈડીએફસી ફર્સ્ટ બેંક ઓગસ્ટ 2023માં એમએસસીઆઈ ઈન્ડેક્સમાં પ્રવેશ માટે સંભવિત ઉમેદવાર છે. જોકે, આ માટે શેરમાં વર્તમાન સ્તરેથી 10 ટકા તેજીની જરૂરિયાત છે. જુલાઈના ત્રીજા સપ્તાહ સુધીમાં તે રૂ. 85ની સપાટીને સ્પર્શે તો એમએસસીઆઈ ઈન્ડેક્સમાં તેનો પ્રવેશ શક્ય છે. જો શેરનો એમએસસીઆઈમાં ઉમેરો થાય તો કાઉન્ટરમાં 17 કરોડ ડોલરથી 18 કરોડ ડોલરનો સંભવિત ઈનફ્લો જોવા મળી શકે છે. બંને કંપનીઓનું મર્જર ચાલુ વર્ષે પૂરું થવાની અપેક્ષા છે. મર્જરની પ્રગતિ સાથે રેશિયો મુજબ બંને શેર વચ્ચેના સ્પ્રેડમાં ઘટાડો જોવા મળે તેવી અપેક્ષા પણ છે.

ચોમાસાની જમાવટ પાછળ ખરિફ પાકોનું વાવેતર લગભગ 50 ટકા પૂર્ણ
ગઈ સિઝનમાં 30.20 લાખ હેકટર સામે ચાલુ વર્ષે સમાનગાળામાં 40.46 લાખ હેકટરમાં વાવેતર પૂર્ણ
સપ્તાહમાં વાવેતરમાં 15.23 લાખ હેકટર વિસ્તારનો ઉમરો જોવા મળ્યો
મુખ્ય ખરિફ પાક કપાસનું વાવેતર 20.26 લાખ હેકટર સાથે 86 ટકામાં સંપન્ન
મગફળીનું વાવેતર પણ 13.29 લાખ હેકટર સાથે 70 ટકામાં નોંધાયું
બાજરીનું વાવેતર ગઈ સિઝન સામે ત્રણ ગણુ વધી 51 હજાર હેકટરમાં જોવા મળ્યું

છેલ્લાં પખવાડિયામાં રાજ્યભરમાં શ્રીકાર વરસાદ પાછળ ચોમાસુ વાવેતર ઊંચી પ્રગતિ દર્શાવી રહ્યું છે. સોમવાર સુધીમાં રાજ્યમાં 40.46 લાખ હેકટરમાં ખરિફ વાવણી નોંધાઈ હતી. જે છેલ્લાં ત્રણ વર્ષોમાં સરેરાશ 85.97 લાખ હેકટરના વાવેતરની સરખામણીના 47.07 ટકા જેટલી થવા જાય છે. ગઈ સિઝનમાં સમાનગાળામાં રાજ્યમાં 30.20 લાખ હેકટર વિસ્તારમાં વાવેતર જોવા મળતું હતું. આમ વાર્ષિક ધોરણે તે 10.26 લાખ હેકટર વિસ્તારમાં ઊંચી જોવા મળે છે. સમયસર વરસાદને જોતાં રાજ્યમાં ચોમાસુ વાવેતર ગયા વર્ષ કરતાં ઊંચું જોવા મળે તેવી શક્યતાં જોવાઈ રહી છે. છેલ્લાં એક સપ્તાહમાં વાવેતર 15.23 લાખ હેકટરમાં વૃદ્ધિ દર્શાવતું હતું. ગયા સપ્તાહની શરૂમાં તે 25.33 લાખ હેકટરે જોવા મળતું હતું.
સૌથી મહત્વના ખરિફ પાક કપાસનું વાવેતર 20.26 લાખ હેકટરમાં સંપન્ન થઈ ચૂક્યું છે. છેલ્લાં એક સપ્તાહમાં તે 7.19 લાખ હેકટર વિસ્તારની વૃદ્ધિ દર્શાવે છે. રાજ્યમાં છેલ્લાં ત્રણ વર્ષોમાં 23.61 લાખ હેકટર સરેરાશ વાવેતર સામે 86 ટકાથી વધુ વિસ્તારમાં કપાસ વવાઈ ચૂક્યો છે. ચાલુ સિઝનમાં સારા વરસાદ પાછળ કપાસનું વાવેતર 25 લાખ હેકટરને પાર કરી જાય તેવી શક્યતાં છે. બીજા મહત્વન ખરિફ પાક મગફળીનું વાવેતર પણ 13.29 લાખ હેકટરમાં નોંધાયું છે. જે ગઈ સિઝનમાં સમાનગાળામાં 10.15 લાખ હેકટરમાં જોવા મળતું હતું. છેલ્લાં ત્રણ વર્ષોના સરેરાશ 18.95 લાખ હેકટરના વાવેતર સામે 70 ટકા વાવણી પૂરી થઈ ચૂકી છે. અન્ય તેલિબિયાં સોયાબિનનું વાવેતર પણ ગઈ સાલના 81 હજાર હેકટર સે 1.54 લાખ હેકટરમાં જોવા મળે છે. જે 1.98 લાખ સરેરાશ વાવણી વિસ્તારના 77 ટકા જેટલો થાય છે. તલનું વાવેતર પણ 17 હજાર હેકટર સાથે 16 ટકા વિસ્તારમાં થઈ ચૂક્યું છે. અનાજ પાકોનું વાવેતર પણ ગઈ સિઝનની સરખામણીમાં ઊંચું જોવા મળે છે અને 1.01 લાખ હેકટર(ગઈ સિઝનમાં 76205 લાખ હેકટર)માં નોંધાયું છે. જેમાં બાજરીનું વાવેતર 51181 હેકટર(17474 હેકટર)માં જોવા મળે છે. જોકે મકાઈનું વાવેતર 34557 હેકટર(40621 હેકટર) સાથે સાધારણ ઘટાડો દર્શાવી રહ્યું છે.
કઠોળ પાકોની વાત કરીએ તો વાવેતર ગઈ સિઝન કરતાં સાધારણ ઊંચું જોવા મળે છે. ગયા વર્ષે 50501 હેકટર સામે ચાલુ સિઝનમાં કઠોળનું વાવેતર 51983 હેકટરમાં થઈ ચૂક્યું છે. જે છેલ્લાં ત્રણ વર્ષોની 4.57 લાખ હેકટરની સરેરાશના 11.4 ટકા જેટલું બેસે છે. ખરિફ ઘાસચારાનું વાવેતર 2.59 લાખ હેકટર(1.69 લાખ હેકટર) સાથે 23 ટકામાં થઈ ચૂક્યું છે. જ્યારે શાકભાજી પાકોનું વાવેતર પણ 86000 હેકટર(65000 હેકટર) સામે ગઈ સિઝન કરતાં નોંધપાત્ર ઊંચું જોવા મળે છે.

3 જુલાઈ સુધી રાજ્યમાં વાવેતરનું ચિત્ર(લાખ હેકટરમાં)

પાક ખરિફ 2023 ખરિફ 2022
કપાસ 20.26 15.57
મગફળી 13.29 10.15
સોયાબિન 1.54 0.81
બાજરી 0.52 0.17
ઘાસચારો 2.59 1.69
શાકભાજી 0.86 0.65
કુલ 40.66 30.20

જૂન ક્વાર્ટરમાં બેંક્સે એડવાન્સિસમાં દર્શાવેલી મજબૂત વૃદ્ધિ
સામાન્યરીતે નાણા વર્ષનો પ્રથમ ક્વાર્ટર બિઝનેસ માટે મંદ ગણાય છે

ચાલુ નાણા વર્ષ 2023-24ના પ્રથમ ક્વાર્ટરમાં બેંકિંગ કંપનીઓ તરફથી સારી કામગીરી જળવાય રહી છે. સામાન્યરીતે બિઝનેસ માટે મંદ ગણાતા જૂન ક્વાર્ટરમાં બેંક્સના એડવાન્સિસ અને ડિપોઝીટ્સમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. સોમવારે એપ્રિલ-જૂનના ત્રણ મહિનાઓની કામગીરી દર્શાવનાર કેટલીક બેંક્સે અપેક્ષાથી સારી કામગીરી દર્શાવી છે. આવી બેંક્સમાં બેંક ઓફ મહારાષ્ટ્ર, ફેડરલ બેંક, સીએસબી બેંક, કરુર વૈશ્ય બેંક અને ધનલક્ષ્મી બેંકનો સમાવેશ થાય છે.
જેમકે પીએસયૂ બેંક બેંક ઓફ મહારાષ્ટ્રની ડિપોઝીટ્સ 25 ટકા વૃદ્ધિ સાથે રૂ. 2,44,364 કરોડ પર જોવા મળી હતી. જ્યારે બેંકના એડવાન્સિસ પણ 25 ટકા વધી રૂ. 1,75,603 કરોડ પર નોંધાયા હતાં. પ્રાઈવેટ સેક્ટરની ફેડરલ બેંકની ડિપોઝીટ્સમાં અને એડવાન્સિસ, બંનેમાં 21-21 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. બેંકની ડિપોઝીટ્સ રૂ. 2,22,513 કરોડ પર જ્યારે બેંકના એડવાઈન્સિસ રૂ. 1,86,593 કરોડ પર જોવા મળ્યાં હતાં. એક અન્ય પ્રાઈવેટ સેક્ટર બેંક સીએસબીની ડિપોઝીટ્સ 21 ટકા વધી રૂ. 24,476 કરોડ પર જ્યારે એડવાન્સિસ 30 ટકા વધી રૂ. 21,307 કરોડ પર નોંધાયા હતાં. જ્યારે ધનલક્ષ્મી બેંકની ડીપોઝીટ્સ 6 ટકા વધી રૂ. 13,374 કરોડ પર જ્યારે એડવાન્સિસ 15 ટકા વધી રૂ. 10,044 કરોડ પર જોવા મળ્યાં હતાં. બેંકિંગ વર્તુળોના જણાવ્યા મુજબ જૂન ક્વાર્ટરમાં સામાન્યરીતે જોવા મળતી કામગીરી કરતાં ઊંચી કામગીરી પાછળ સરકાર તરફથી રૂ. 2000ની નોટ્સની પાછી ખેંચવાની ઘટનાની પણ મહત્વની ભૂમિકા છે. જેને કારણે પીએસયૂ બેંક્સની ડિપોઝીટ્સમાં અસાધારણ વૃદ્ધિ નોંધાઈ છે. બીજી બાજુ પર્સનલ લોનની ઊંચી માગ પાછળ એડવાન્સિસમાં પણ હેલ્ધી ગ્રોથ જોવા મળ્યો છે.

ચીને ગેલીયમ અને જર્મેનિયમ પર પ્રતિબંધ મૂકતાં ચીપના ભાવમાં મજબૂતીની શક્યતાં
સેમીકંડક્ટર ઉદ્યોગ પર ચીનના વધતાં પ્રભાવને ટાળવાના ભાગરૂપે યુએસ અને કેટલાંક યુરોપિયન દેશોએ નિયંત્રણો સહિત કેટલાંક વ્યૂહાત્મક પગલાંઓ હાથ ધર્યાં છે ત્યારે ચીને વળતા જવાબમાં સેમીકંડક્ટર ઉત્પાદન માટે મહત્વના એવા બે રેર તત્વોની નિકાસ પર નિયંત્રણો લાગુ પાડ્યાં છે. જેને કારણે ટૂંકાગાળામાં સપ્લાય ચેઈનમાં અવરોધો ઉપરાંત સેમીકંડક્ટર્સ અને તેના ઉપયોગ થકી બનનારી પ્રોડક્ટ્સના ભાવમાં વૃદ્ધિની શક્યતાં છે.
વીએલએસઆઈ સોસાયટીના પ્રમુખના જણાવ્યા મુજબ સેમીકંડક્ટર્સ ચિપ્સ અને GaN અને SiGe જેવી ટેક્નોલોજીસ માટે મહત્વની કાચી સામગ્રી તરીકે ગેલીયમ અને જર્મેનિયમ બે મહત્વના મટિરિયલ છે. આ મટિરિયલ્સનો ઉપયોગ કરીને ઈલેક્ટ્રોનિક્સ ચિપ્સ, રેડિયો ફ્રિકવન્સી ચિપ્સ, વાયરલેસ કોમ્યુનિકેશન અને વેરી હાઈ સ્પીડ સિગ્નલીંગ બનાવવામાં આવે છે. ઉપરાંત ઇલેક્ટ્રિક વેહીકલ્સ, ડેટા સેન્ટર્સ, 5જી, રડાર, જીપીએસ, વાયરલેસ કોમ્યુનિકેશન પણ ચિપ્સ પણ મહત્વનો આધાર ધરાવે છે એમ તેઓ ઉમેરે છે. વિશ્વમાં ગેલીયમના ઉત્પાદનમાં ચીનનો 90 ટકા હિસ્સો છે. જ્યારે ગર્મેનિયમનો 80 ટકા હિસ્સો છે એમ ઉદ્યોગ વર્તુળો જણાવે છે. ચીનના પ્રતિબંધને કારણે આ ધાતુઓનો ફ્લો ધીમો પડશે અને સપ્લાય નિયંત્રણમાં રહેવાથી તેના ઉપયોગકર્તા ઉદ્યોગો પર ખર્ચનું ભારણ વધશે. ગેલીયમ અને જર્મેનિયમ, બંને આવશ્યક ધાતુઓ છે. તેના રિફાઈનીંગ અને મેન્યૂફેક્ચરિંગ સાથે જોડાયેલા ખર્ચને જોતાં સપ્લાય ચેઈન રિસ્ક્સની સંભાવના છે એમ ઈન્ડસ્ટ્રી ઈન્ટેલિજન્સ ગ્રૂપના હેડ પ્રભુ રામ જણાવે છે. ચીન ઉપરાંત જર્મની, કઝાખસ્તાન અને રશિયા પણ આ રો મટિરિયલ્સનો સપ્લાય ધરાવે છે પરંતુ ચીનના સ્કેલની સામે તેઓ સ્પર્ધામાં નહિ ટકી શકતાં તેમણે ઉત્પાદનમાં ઘટાડો કર્યો છે. યુએસ પાસે વિશ્વમાં સૌથી મોટી જર્મેનિયમ માઈન્સ છે તેમ છતાં તે રો મટિરિયલ્સનું ઉત્પાદન નહિ કરી રહ્યું હોવાનું માનવામાં આવે છે.

એપ્રિલ-મેમાં ફર્ટિલાઈઝરની આયાતમાં 57 ટકાનો ઉછાળો
મહત્વના ફર્ટિલાઈઝર્સ યુરિયા, ડીએપી, એમઓપી અને કોમ્પ્લેક્સની આયાતમાં 2023-24ના પ્રથમ બે મહિના દરમિયાન 57 ટકાની તીવ્ર વૃદ્ધિ નોંધાઈ છે. સરકારી ડેટા મુજબ એપ્રિલ અને મે દરમિયાન કુલ 28 લાખ ટન ખાતર આયાત થયું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 17.87 લાખ ટન આયાત દર્શાવતું હતું. એપ્રિલ-મે 2022 દરમિયાન ફર્ટિલાઈઝરની આયાતમાં વાર્ષિક ધોરણે 15 ટકા ઘટાડો નોંધાયો હતો. દેશમાં ફોસ્ફરસ અન પોટાશની આયાત મહત્વની છે કેમકે દેશ આ બંને ખાતર માટે મહ્દઅંશે વિદેશ પર નિર્ભર છે. દેશમાં પોટાશનું ઉત્પાદન નહિવત છે. જ્યારે ફોસ્ફરસનું ઉત્પાદન 20 ટકા જેટલું છે. સમયસર આયાતને કારણે ચોમાસામાં ખેડૂતોને ખાતરની તંગીની સમસ્યા નહિ નડે એમ ઉદ્યોગ વર્તુળો જણાવે છે.
FCIએ ઘઉં અને ચોખાના વેચાણ માટે ટેન્ડર જાહેર કર્યું
સરકારી કંપની ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(FCI)એ ઈ-ઓક્શન મારફતે 8 લાખ ટન અનાજના વેચાણ માટે ટેન્ડર જાહેર કર્યાં છે. આ વેચાણ 5 જુલાઈએ યોજાશે. આમ કરવાનો સરકારનો હેતુ ઘઉં અને ચોખાના ભાવને અંકુશમાં રાખવાનો છે. રાજ્યવાર જાહેર કરવામાં આવેલા ટેન્ડર મુજબ સરકાર ઓપન માર્કેટ સેલ સ્કીમ હેઠળ 4.07 લાખ ટન ઘઉંનું જ્યારે 3.86 લાખ ટન ચોખાનું વેચાણ કરશે. તમામ રાજ્યોમાં પંજાબમાં ઊંચી ફાળવણી કરવામાં આવી છે. કુલ 4.08 લાખ ટન ઘઉંમાંથી પંજાબમાં 1.5 લાખ ટનનું વેચાણ થશે. જે કુલ જથ્થાના 39 ટકા જેટલો છે. પંજાબ ખાતે ઊંચો જથ્થો હોવાને કારણે રાજ્ય તરફથી ઊંચી ઓફર કરવામાં આવશે એમ અધિકારી જણાવે છે.

કોર્પોરેટ હેડલાઈન્સ

ટીસીએસઃ ટોચની આઈટી સર્વિસિઝ કંપની 12 જુલાઈએ તેના જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કરશે. આ ઉપરાંત કંપનીનું બોર્ડ ક્વાર્ટર માટે ઈન્ટરિમ ડિવિડન્ડની વિચારણા અને મંજૂરી આપે તેમ પણ જાણવા મળે છે. કંપનીએ ઈન્ટરિમ ડિવિડન્ડ માટે 20 જુલાઈની ડેટ નિર્ધારિત કરી છે. કંપનીનું બોર્ડ બજારમાંથી શેર્સ બાયબેક કરશે એમ ગ્લોબલ બ્રોકરેજ જેફરીઝનું માનવું છે. કંપનીએ ગયા ક્વાર્ટરના પરિણામ વખતે નિરાશા આપી હતી.
એવન્યૂ સુપરમાર્ટઃ ડીમાર્ટની માલિક કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 11,584.44 કરોડની રેવન્યૂ દર્શાવી છે. જે વાર્ષિક ધોરણે 18.12 ટકા વૃદ્ધિ સૂચવે છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 9806.89 કરોડની આવક નોંધાવી હતી. કંપનીએ જૂન 2021 ક્વાર્ટરમાં રૂ. 5031.75 કરોડની આવક જ્યારે જૂન 2020 ક્વાર્ટરમાં રૂ. 3833.23 કરોડની આવક દર્શાવી હતી. 30 જૂને કંપની 327 ડિમાર્ટ સ્ટોર્સ ધરાવતી હતી.
ઈન્ડસઈન્ડ બેંકઃ પ્રાઈવેટ બેંકના પ્રમોટર 1.5 અબજ ડોલર સુધીનું ફંડ ઊભું કરશે. તેઓ રિલાયન્સ કેપિટલની ખરીદી માટે નાણા મેળવવા માટે તેમજ બેંકમાં તેમના હિસ્સાની વૃદ્ધિ માટે આમ કરશે. હાલમાં ઈન્ડસઈન્ડ બેંકમાં તેઓ 16.51 ટકા હિસ્સો ધરાવે છે. જેને વધારી 26 ટકા સુધી લઈ જવા માટે તેમને આરબીઆઈની આખરી મંજૂરી ટૂંકમાં મળે તેવી સંભાવના છે. હિસ્સો વધારવા માટે તેમણે રૂ. 10000 કરોડનું રોકાણ કરવું પડશે.
એડીએજી ગ્રૂપઃ એડીએજી જૂથના ચેરમેન અનિલ અંબાણીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોટે તરફથી કરવામાં આવેલી પૂછપરછ પછીના બીજા દિવસે એટલેકે મંગળવારે તેમના પત્નિ ટીના અંબાણીએ પણ ઈડી સમક્ષ હાજરી દર્શાવી હતી. જેમાં ઈડીએ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ હેઠળ તેમની સામેના કેસ સંબંધી નિવેદન રેકર્ડ કર્યું હતું. અનિલ અંબાણીએ સોમવારે પોતાનું નિવેદન આપ્યું હતું.
અદાણી ગ્રીનઃ અદાણી જૂથની રિન્યૂએબલ સેક્ટરની કંપનીનું બોર્ડ 6 જુલાઈએ ફંડ એકત્ર કરવા માટે બેઠક યોજશે એમ એક્સચેન્જ ફાઈલીંગમાં જણાવ્યું છે. કંપની ઈક્વિટી શેર્સ અથવા અન્ય સિક્યૂરિટીઝ ઈસ્યુ કરીને આ નાણા ઊભા કરશે. આ માટે તે માત્ર પ્રાઈવેટ પ્લેસમેન્ટનો જ ઉપયોગ નહિ કરે એમ પણ નોંધ્યું હતું. જોકે, આ માટે કંપનીએ જરૂરી મંજૂરીઓ મેળવવાની રહેશે. જીક્યુજી પ્રાઈવેટ ઈન્વેસ્ટરે કંપનીમાં 2.2 ટકા હિસ્સો ખરીદ્યો છે.
મુથુટ માઇક્રોફિનઃ મહિલા ગ્રાહકોને માઈક્રો લોન્સ પૂરી પાડતી મુથુટ માઇક્રોફિન લિમિટેડે સેબી સમક્ષ DRHP ફાઇલ કર્યું છે. ડિસેમ્બર 2022ની આખરમાં ગ્રોસ લોન પોર્ટફોલિયોના સંદર્ભમાં તે દેશમાં ચોથી સૌથી મોટી માઈક્રોફિન કંપની હતી. તે કેરળ અને તમિલનાડુમાં સૌથી ઊંચો બજાર હિસ્સો ધરાવે છે. કંપની ઓફર-ફોર-સેલ અને ફ્રેશ ઈક્વિટી મારફતે રૂ. 1350 કરોડ ઊભા કરવા ધારે છે.
આરઈસીઃ પીએસયૂ એનબીએફસી અને પાવર સેક્ટરમાં સૌથી મોટી લેન્ડર 1 અબજ ડોલરની રકમ ઊભી કરશે એમ જાણવા મળે છે. કંપની ટર્મ લોન્સ મારફતે આ રકમ ઊભી કરશે. જેનો ઉપયોગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ફંડીંગ માટે કરવામાં આવશે. કંપની બે તબક્કામાં એક્સટર્નલ કમર્સિયલ બોરોઈંગ મારફતે રકમ મેળવશે. જેમાં ચાલુ મહિને પ્રથમ તબક્કામાં 50.5 કરોડ ડોલર ઊભા કરશે એમ વર્તુળો જણાવે છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage