શેરબજારમાં નવા સપ્તાહમાં આગળ વધતું પોઝીટીવ મોમેન્ટમ
નિફ્ટી જોકે, 18600 પર બંધ આપવામાં નિષ્ફળ
વોલેટિલિટી ઈન્ડેક્સે ફ્લેટ બંધ આપ્યું
ઓટો, એનર્જી, બેંકિંગ, ફાર્મામાં મજબૂતી
એફએમસીજી, આઈટીમાં નરમાઈ
મઝગાંવ ડોક 18 ટકા ઉછળ્યો
એનએલસી ઈન્ડિયા, પ્રેસ્ટીજ એસ્ટેટ, એમએન્ડએમ નવી ટોચે
શેરબજારોમાં નવા સપ્તાહે તેજીનો ટ્રેન્ડ જળવાય રહ્યો હતો. વૈશ્વિક સ્તરે પોઝીટીવ માહોલ વચ્ચે ભારતીય બેન્ચમાર્ક્સે આગેકૂચ દર્શાવી હતી અને છ-મહિનાની ટોચ નજીક બંધ આપ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 240 પોઈન્ટ્સ સુધારે 61,787ની સપાટીએ જ્યારે નિફ્ટી 60 પોઈન્ટ્સ મજબૂતી સાથે 18,534ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં ખરીદી પાછળ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3840 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2169 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1491 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. 246 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 53 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. 342 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. જ્યારે 191 કાઉન્ટર્સે લોઅર સર્કિટ દર્શાવી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ફ્લેટ બંધ જોવા મળ્યો હતો.
વિતેલા સપ્તાહે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 2 ટકાથી વધુ મજબૂતી સાથે 700 પોઈન્ટ્સથી વધુ સુધારા સાથે બંધ રહ્યો હતો. જેની પાછળ એશિયન બજારો પણ ગ્રીન ઝોનમાં ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. ભારતીય બેન્ચમાર્કસે ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યું હતું. નિફ્ટી 18534ના અગાઉના બંધ સામે 18612ની સપાટી પર ખૂલી ઉપરમાં 18640ની સપાટી પર ટ્રેડ થઈ નીચામાં 18583 પર ટ્રેડ થયો હતો. બેન્ચમાર્ક 18600 પર બંધ આપી શક્યો નહોતો. કેશ નિફ્ટી સામે નિફ્ટી ફ્યુચર 108 પોઈન્ટ્સના પ્રિમીયમ સાથે 18702ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 99 પોઈન્ટ્સ પ્રિમીયમની સરખામણીમાં 9 પોઈન્ટ્સનો સુધારો દર્શાવે છે. આમ, માર્કેટમાં લોંગ પોઝીશનમાં વધારો થયો છે. જેનો અર્થ મજબૂતી આગામી સમયગાળામાં જળવાય શકે છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટી ચાલુ સપ્તાહમાં જ તેની 1 ડિસેમ્બર 2022ની ટોચને સ્પર્શવાનો પ્રયાસ કરી શકે છે. માર્કેટમાં અન્ડરટોન ખૂબ મજબૂત છે અને તેથી ઝડપથી તેજીનો ટ્રેન્ડ બદલાય તેવી શક્યતાં ઓછી છે. માર્કેટમાં એફઆઈઆઈના મજબૂત ઈનફ્લો વચ્ચે બ્રોડ બેઝ ખરીદી પણ આ બાબતનું સમર્થન કરી રહી છે. ટ્રેડર્સ 18400ના સ્ટોપલોસ સાથે તેમની લોંગ પોઝીશન જાળવી શકે છે. તેમજ નવી ખરીદી પણ કરી શકે છે.
સોમવારે નિફ્ટીને સપોર્ટ કરનારા મહત્વના કાઉન્ટર્સમાં એમએન્ડએમ, એક્સિસ બેંક, તાતા મોટર્સ, લાર્સન, ગ્રાસિમ, તાતા સ્ટીલ, એસબીઆઈ લાઈફ, ઈન્ડસઈન્ડ બેંક, મારુતિ સુઝુકી, યૂપીએલ અને સિપ્લાનો સમાવેશ થાય છે. બીજી બાજુ, ડિવિઝ લેબ્સ, ટેક મહિન્દ્રા, એશિયન પેઈન્ટ્સ, નેસ્લે, બીપીસીએલ, એચયૂએલ, હીરો મોટોકોર્પ, કોટક મહિન્દ્રા, આઈશર મોટર્સ અને આઈટીસીમાં નરમાઈ જોવા મળી હતી. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો ઓટો, એનર્જી, બેંકિંગ, ફાર્મામાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે એફએમસીજી, આઈટીમાં નરમાઈ જળવાય હતી. નિફ્ટી ઓટો ઈન્ડેક્સે 14598ની સર્વોચ્ચ ટોચ દર્શાવી તેની નજીક જ બંધ આપ્યું હતું. તેના મુખ્ય ઘટકોમાં એમએન્ડએમ, અશોક લેલેન્ડ, તાતા મોટર્સ, ભારત ફોર્જ, મારુતિ સુઝુકી, બજાજ ઓટો, બોશ, એમઆરએફનો સમાવેશ થાય છે. નિફ્ટી બેંક 0.4 ટકા સાથે 44 હજારની સપાટી પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. જેમાં એક્સિસ બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક, ઈન્ડસઈન્ડ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક સુધરવામાં મુખ્ય હતાં. બીજી બાજુ એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક, બંધન બેંક, કોટક બેંક, બેંક ઓફ બરોડમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી ફાર્મામાં સુધારો દર્શાવનાર મુખ્ય ઘટકોમાં આલ્કેમ લેબ, સિપ્લા અને સન ફાર્મા મુખ્ય હતાં. એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટમાં સુધારો દર્શાવનારા મુખ્ય કાઉન્ટર્સમાં એમએન્ડએમ, ઝી એન્ટરટેઈનમેન્ટ, હિંદુસ્તાન એરોનોટીક્સ, રેઈન ઈન્ડસ્ટ્રીઝ, ભેલ, એક્સિસ બેંક, સીજી કન્ઝ્યૂમર, આરબીએલ બેંક, પીવીઆર આઈનોક્સનો સમાવેશ થતો હતો. જ્યારે ઘટવામાં ઈન્ફો એજ, એયૂ સ્મોલ ફાઈનાન્સ, એબી કેપિટલ, કેનફિન હોમ્સ, મણ્ણાપુરમ ફાઈનાન્સ, ડેલ્ટા કોર્પ, ઝાયડસ લાઈફનો સમાવેશ થતો હતો. મઝગાંવ ડોક 18 ટકા ઉછળી સર્વોચ્ચ ઊંચાઈ પર બંધ રહ્યો હતો. આ ઉપરાંત ઈક્લર્ક્સ સર્વિસિઝ, એનએલસી ઈન્ડિયા, પ્રેસ્ટીજ એસ્ટેટ, એમએન્ડએમ, હિંદુસ્તાન એરોનોટીક્સ, ઓલેક્ટ્રા ગ્રીન, ભારત ડાયનેમિક્સ પણ વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ પર બંધ રહ્યાં હતાં.
બેંક બોર્ડે મેનેજમેન્ટને તેના નિર્ણયો માટે જવાબદાર ઠેરવવું જોઈએઃ RBI
બેંકિંગ કંપનીઓના બોર્ડે તેમના મેનેજમેન્ટના તેના નિર્ણયો બદલ જવાબદાર ઠેરવવું જોઈએ તેમજ જો તે અપેક્ષા પૂરી કરવામાં નિષ્ફળ જાય તો તેને બદલી નાખવું જોઈએ એમ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેપ્યૂટી ગવર્નર રાજેશ્વર રાવે બેંક્સના બોર્ડ મેમ્બર્સ સાથેની મંત્રણામાં જણાવ્યું હતું.
રાવે બેંક ડિરેક્ટર્સની કોન્ફરન્સમાં પ્રવચન આપતાં જણાવ્યું હતું કે બોર્ડ્સે મેનેજમેન્ટની કામગીરીનું હેતુપૂર્વર્ક વિશ્લેષણ કરવું જોઈએ અને તેને તેના પગલાઓ બદલ જવાબદાર ઠેરવવામાં આવશે તે પણ નિશ્ચિત કરવું જોઈએ. જો મેનેજમેન્ટ અપેક્ષાઓ પૂરી કરવામાં નિષ્ફળ જાય તો બોર્ડે જરૂરી પગલાઓ ભરવાં જોઈએ. જેમાં મેનેજમેન્ટને બદલવા સહિતનો સમાવેશ થાય છે. જેથી બેંકનો વહીવટ અને રિસ્ક મેનેજમેન્ટમાં સુધારો લાવી શકાય. આરબીઆઈએ 22 મેના રોજ નવી દિલ્હીમાં જાહેર ક્ષેત્રની બેંક્સ માટે જ્યારે 29 મેના રોજ મુંબઈ ખાતે પ્રાઈવેટ બેંક્સ માટે કોન્ફરન્સ આયોજિત કરી હતી. રાવે જણાવ્યું હતું કે મેનેજમેન્ટ બેંકના નાણાકિય દેખાવને લઈ પારદર્શક છે તેની ખાતરી બોર્ડે આપવી જોઈએ. જેથી બેંક સાથે જોડાયેલા ગ્રાહકોનો વિશ્વાસ ઊભો થઈ શકે અને રોકાણકારો બેંક્સ સાથે જોડાયેલા વિવિધ જોખમોનું મૂલ્યાંકન કરવામાં સક્ષમ બને. તેમણે બેંક બોર્ડ તરફથી અનૂકૂળ પોલીસી ફ્રેમવર્ક પૂરું પાડવા પર પણ ભાર મૂક્યો હતો. જેથી તેમની સ્ટ્રેટેજિસ અને રિસ્ક પ્રોફાઈલ્સની સાથે મેળ મળે તે રીતે અસરકારક્તાને ચકાસી શકાય. અસરકારક્તાને વ્યક્તિગત, ડિરેક્ટર, કમિટી અને બોર્ડ, આ તમામ લેવલે ચકાસવાની રહેશે. મેનેજમેન્ટને વેતનને લઈને તેમણે જણાવ્યું હતું કે નોમિનેશન અને રેમ્યુનરેશન કમિટીઝ મારફતે બોર્ડે એ વાતની ખાતરી આપવાની રહે કે મેનેજમેન્ટનું વેતન માત્ર ટૂંકા-ગાળાના પ્રોફિટ સાથે નહિ જોડાયેલું રહેતાં લાંબા-ગાળા માટેના જોખમોને પણ ગણતરીમાં લેતું હોવું જોઈએ. રાવના મતે બેંક્સમાં કોર્પોરેટ ગવર્નન્સ માટે બે મુખ્ય પડકારો રહેલાં છે. એક તો બેંક્સ અન્ય ફાઈનાન્સિયલ અથવા નોન-ફાઈનાન્સિયલ કંપનીઓની સરખામણીમાં ઊંચું સ્થાન ધરાવે છે. બીજું બેંક્સ માટે સૌથી મહત્વનો ભાગીદાર એવો ડિપોઝીટર્સ ભિન્નતા ધરાવવા સાથે નિશ્ક્રિય હોય છે. આ પડકાર સામે બોર્ડ ઓફ ડિરેક્ટર્સે કામ પાર પાડતાં એ વાતની ખાતરી આપવાની હોય છે કે મેનેજમેન્ટને આપવામાં આવતું ઈન્સેન્ટિવ્સ ડિપોઝીટર્સ અને અન્ય ભાગીદારોના હિતો સાથે સંકળાયેલું છે.
રીલાયન્સ રિટેલે ફ્યુચર સપ્લાય ચેઈન માટે EOI સબમિટ કર્યું
ફ્યુચર જૂથની નાદાર કંપની માટે કુલ સાત કંપનીઓએ રસ દર્શાવ્યો
દેશની સૌથી મોટી રિટેલ કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સે(RRVL) ફ્યુચર જૂથની લોજિસ્ટીક્સ અને વેરહાઉસિંગ મેનેજમેન્ટ પાંખ ફ્યુચર સપ્લાય ચેઈન(FSC)ની ખરીદી માટે રસ દાખવ્યો છે. આરઆરવીએલ સહિત અન્ય છ કંપનીઓએ એફએસસી માટે એક્સપ્રેશન્સ ઓફ ઈન્ટરેસ્ટ્ર(EOI) સબમિટ કરી દીધાં હોવાનું જાણકારોનું કહેવું છે.
રિલાયન્સ રિટેલ ઉપરાંત ફ્યુચર સપ્લાયમાં રસ દર્શાવનાર કંપનીઓમાં વન સિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્લોબ ઈકોલોજીસ્ટીક્સ, શાંતિ જીડી ઈસ્પાત એન્ડ પાવર, કેમિઓન્સ લોજીસ્ટીક્સ સોલ્યુશન્સ, તત્કાલ લોન ઈન્ડિયા અને સુગ્ના મેટલ્સનો સમાવેશ થાય છે. એકવાર રેઝોલ્યુશન પ્રોફેશ્નલ અને લેન્ડર્સ તરફથી ઈઓઆઈને મંજૂરી આપ્યાં પછી ઉપરોક્ત કંપનીઓને ફાઈનાન્સિયલ બીડ્સ રજૂ કરવામાં કહેવામાં આવશે. ફ્યુચર જૂથની વેરહાઉસિંગ અને લોજીસ્ટીક્સ જરૂરિયાતોનો ખ્યાલ એફએસસી રાખે છે. કંપનીને એકસમયે ફ્યુચર જૂથ માટે ખૂબ મહત્વની ગણવામાં આવતી હતી. કંપનીના ઈન્વેન્ટરી મેનેજમેન્ટ ટુલ્સ જૂથ કંપનીઓને ઈન્વેન્ટરી લેવલ્સનું મોનિટરીંગ, મેનેજમેન્ટ અને કંટ્રોલની છૂટ આપતાં હતાં. ફ્યુચર જૂથ કંપનીઓ નાદાર બની તે અગાઉ તે જૂથની અગ્રણી કંપનીઓ ફ્યુચર રિટેલ અને ફ્યુચર લાઈફસ્ટાઈલના દેશભરમાં પથરાયેલાં વેરહાઉસિસ અને રિટેલ સ્ટોર્સને સર્વિસ પૂરી પાડતી હતી. અગાઉ આરઆરવીએલે ઓગસ્ટ 2020માં સમગ્ર ફ્યુચર જૂથને ખરીદવા માટે ઓફર કરી હતી. તેણે રૂ. 24,713 કરોડમાં કેશની તંગી ભોગવી રહેલા જૂથની ખરીદી માટે આ ઓફર મૂકી હતી. જોકે, યુએસ રિટેલ જાયન્ટ એમેઝોને તેની સામે કાનૂની કાર્યવાહી કરતાં ડીલ શક્ય બન્યું નહોતું અને લેન્ડર્સ આખરે ફ્યુચર ગ્રૂપ કંપનીઓને બેંક્ટ્રપ્સી કોર્ટમાં ઘસડી ગયાં હતાં. આરઆરવીએલે ફ્યુચર રિટેલ માટે પણ ઈન્ટરેસ્ટ દર્શાવ્યો હતો. જોકે, પાછળથી તેણે કંપની માટે કોઈ ફાઈનાન્સિયલ ઓફર નહોતી કરી. ડિસેમ્બર 2019માં જાપાનની નિપ્પોન એક્સપ્રેસે એફસીએસમાં 22 ટકા હિસ્સો ખરીદ્યો હતો.
RBIની MPC રેટ વૃદ્ધિમાં વિરામ જાળવી રાખે તેવી શક્યતાં
આગામી 6-8 જૂને મળનારી મોનેટરી નીતિ સમીક્ષા બેઠકમાં સેન્ટ્રલ બેંકર રેટ વૃદ્ધિમાં વિરામને જાળવી રાખે તેમ મોટાભાગના અર્થશાસ્ત્રીઓ માની રહ્યાં છે. તેમના મતે આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી(એમપીસી) સર્વસંમતિએ રેપો રેટને 6.5 ટકા પર જાળવી શકે છે. એપ્રિલમાં કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ફ્લેશન 19-મહિનાના તળિયા પર આવતાં મધ્યસ્થ બેંકર તેના વલણને જાળવી રાખશે. અગાઉ ફેબ્રુઆરીમાં બેઠક દરમિયાન તેણે રેટને સ્થિર જાળવ્યાં હતાં. જોકે, આરબીઆઈ ચેરમેને તે વખતે જણાવ્યું હતું કે આ માત્ર એક વિરામ છે અને હજુ રેટ વૃદ્ધિની સાઈકલ પૂરી થઈ નથી.
એલએન્ડટી ફાઈનાન્સ રૂ. 3022 કરોડની બેડ લોન્સનું વેચાણ કરશે
એનબીએફસી કંપની એલએન્ડટી ફાઈનાન્સે રૂ. 3022 કરોડની નોન-પર્ફોર્મિંગ લોન્સના વેચાણ માટેની બિડીંગ પ્રક્રિયા શરૂ કરી હોવાનું જાણવા મળે છે. કંપનીની બેડ લોન્સમાં નિર્મલ લાઈફસ્ટાઈલ ડેવલપર્સ, નિર્મલ લાઈફસ્ટાઈલ મોલ્સ અને સુપરટેક મળી કુલ 10 એકાઉન્ટ્સનો સમાવેશ થાય છે. જેમાં નિર્મલ લાઈફસ્ટાઈલ ડેવલપર્સ રૂ. 790 કરોડના ડેટ સાથે સૌથી મોટું એકાઉન્ટ છે. જ્યારપછીના ક્રમે રૂ. 515 કરોડ સાથે સુપરટેક, રૂ. 251 કરોડ સાથે નિર્મલ લાઈફસ્ટાઈલ મોલ્સનો સમાવેશ થાય છે. 15:85ના સ્ટ્રક્ચર હેઠળ લેડરે પસંદગીની એસેટ રિકન્ટ્ર્કશન કંપનીઓ પાસેથી એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ મંગાવ્યાં છે. રસ ધરાવતી કંપનીઓ સોમવાર સુધીમાં તેમનો રસ દર્શાવવાનો રહેશે.
સાઉદીની ઉત્પાદન કાપની જાહેરાતે ક્રૂડમાં મજબૂતી
ઓપેક પ્લસે અગાઉના ઉત્પાદન કાપને 2023 આખર પરથી 2024 આખર સુધી લંબાવ્યો
વિશ્વમાં સૌથી મોટા ક્રૂડ નિકાસકાર સાઉદી અરેબિયાએ જુલાઈથી ઉત્પાદનમાં ઘટાડાની જાહેરાત કરતાં ક્રૂડમાં સપ્તાહની શરૂઆત મજબૂતી સાથે થઈ છે. એશિયન ટ્રેડ દરમિયાન બ્રેન્ટ ક્રૂડ ઓઈલ 1.5 ટકા વૃદ્ધિ સાથે 76.87 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું હતું. જ્યારે યુએસ લાઈટ વેઈટ ક્રૂડ 1.52 ટકા મજબૂતી સાથે 72.72 ડોલર પર જોવા મળતું હતું. 4 જૂને મળેલી ઓપેક પ્લસ દેશોની બેઠકમાં 2024માં પણ ઉત્પાદન કાપને જાળવી રાખવા માટે સહમતિ દર્શાવવામાં આવી હતી. વૈશ્વિક સ્તરે આર્થિક વૃદ્ધિ દરમાં નરમાઈ પાછળ નબળી માગને કારણે ઓપેક પ્લસ ઉત્પાદનમાં ઘટાડા માટે તૈયાર થયાં હતાં.
ઓપેક પ્લસની બેઠકમાં સાઉદીએ પોતાની રીતે જ જુલાઈ મહિનાથી 10 લાખ બેરલ્સ પ્રતિ દિવસ ક્રૂડ ઉત્પાદન ઘટાડી 90 લાખ બેરલ્સ ઉત્પાદન કરશે એમ જણાવ્યું હતું. આ ઘટાડો અગાઉ ઓક્ટોબર 2022માં ઓપેક પ્લસ તરફથી કરવામાં આવેલા 36.6 લાખ બેરલ પ્રતિ દિવસના ઉત્પાદન કાપ ઉપરાંતનો રહેશે. ઓક્ટોબર 2022માં કરવામાં આવેલા ઉત્પાદન કાપ અગાઉ 2023 સુધી ચાલુ રહેવાનો હતો. જોકે, તેને રવિવારે લંબાવીને 2024 આખર સુધી કરવામાં આવ્યો છે. ઓપેક પ્લસે તેની બેઠકમાં જાન્યુઆરી 2024થી સમગ્રતયા ઉત્પાદન ટાર્ગેટમાં 14 લાખ લિટર પ્રતિ દિવસના ઘટાડા માટે સહમતિ દર્શાવી હતી. જોકે, આ ઉત્પાદન ઘટાડાનો મોટાભાગનો હિસ્સો પ્રોડક્શન ટાર્ગેટ્સને રશિયા, નાઈજિરિયા અને અંગોલાના વાસ્તવિક ઉત્પાદન લેવલ્સની દિશામાં લાવશે. ક્રૂડ ઉત્પાદક દેશોની કાર્ટેલ તરફથી કોમોડિટીના ભાવમાં વૃદ્ધિના હેતુથી આમ કરવામાં આવ્યું છે. સાઉદી અરેબિયાએ ક્રૂડમાં શોર્ટ સેલર્સને પાઠ ભણાવવા માટેની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. ચાલુ વર્ષે બ્રેન્ટ અને કોમેક્સ ક્રૂડ ફ્યુચર્સમાં મોટી શોર્ટ પોઝીશન વૃદ્ધિ જોવા મળી રહી છે.
ડોલરમાં મજબૂતી વચ્ચે એશિયન ચલણોમાં નરમાઈ
યુએસ ફેડ તરફથી આગામી સપ્તાહે મળનારી બેઠકમાં રેટ વૃદ્ધિને લઈ ફરી વધતી સંભાવના વચ્ચે ડોલરમાં મજબૂતી વચ્ચે એશિયન ચલણો નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. સોમવારે ચીન, સાઉથ કોરિયા, જાપાન અને ઓસ્ટ્રેલિયા સહિતના ચલણોમાં નરમાઈ જોવા મળતી હતી. છ-કરન્સિઝ સામેનો ડોલર ઈન્ડેક્સ 0.20 ટકા મજબૂતી સાથે 104.16ની સપાટીએ ટ્રેડ થતો હતો. તાજેતરમાં યુએસ ખાતે મોટાભાગના આર્થિક ડેટા ઈન્ફ્લેશશ્નરી જોવા મળતાં ફેડ તરફથી 11મી વાર રેટ વૃદ્ધિ કરવામાં આવે તેવી શક્યતાં વધી છે અને તેથી ડોલરમાં અને બોન્ડ યિલ્ડ્સમાં મજબૂતી જોવા મળી રહી છે. જ્યારે ગોલ્ડ સહિત ઈમર્જિંગ માર્કેટ ચલણો નરમાઈ દર્શાવી રહ્યાં છે.
યુએસ ડોલર બે મહિનાની ટોચે પહોંચતાં ગોલ્ડ-સિલ્વરમાં નરમાઈ
કોમેક્સ ખાતે ગોલ્ડ વાયદો 1960 ડોલર નીચે ઉતરી ગયો જ્યારે સિલ્વર વાયદમાં 1 ટકાથી વધુ ઘટાડો
વૈશ્વિક બજારમાં યુએસ ડોલરમાં મજબૂતી વચ્ચે ગોલ્ડ અને સિલ્વરમાં વેચવાલી જોવા મળી છે. સોમવારે યુએસ ડોલર તેની બે મહિનાની ટોચ પર ટ્રેડ દર્શાવી રહ્યો હતો. ડોલર ઈન્ડેક્સ 0.32 ટકા મજબૂતી સાથે 104.285ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. જેને કારણે કિંમતી ધાતુઓ નરમાઈ દર્શાવી રહી હતી. કોમેક્સ ગોલ્ડ વાયદો 0.5 ટકા ઘટાડે 1959 ડોલર પર જ્યારે સિલ્વર વાયદો 1.1 ટકા ઘટાડે 23.49 ડોલર પર ટ્રેડ થઈ રહ્યાં હતાં. ફેડ તરફથી રેટ વૃદ્ધિની શક્યતાં ઊંચી જોવા મળવાથી ડોલર અને બોન્ડ યિલ્ડ્સમાં મજબૂતી જોવા મળતી હતી.
ભારતીય કોમેક્સ એમસીએક્સ ખાતે ગોલ્ડ વાયદો રૂ. 90ના ઘટાડે રૂ. 59520 પર ટ્રેડ દર્શાવી રહ્યો તો. જ્યારે સિલ્વર વાયદો રૂ. 430ની નરમાઈ સાથે રૂ. 71590 પર જોવા મળતો હતો. એનાલિસ્ટ્સના મતે સ્થાનિક બજારમાં ગોલ્ડને રૂ. 60 હજારની સપાટી પર ટકવામાં અવરોધ નડી રહ્યો છે. ઉપરમાં તેને રૂ. 60400નો અવરોધ છે. જ્યારે નીચામાં રૂ. 59000નો સપોર્ટ છે. સોમવારે તેણે રૂ. 59600નો નાનો સપોર્ટ તોડ્યો હતો. ગયા શુક્રવારે યુએસ ખાતે અપેક્ષા કરતાં ઊંચો નોન-ફાર્મ પેરોલ્સ ડેટા આવવાથી ડોલરમાં મજબૂતી પરત ફરી હતી. જે સોમવારે પણ જળવાય હતી. બેરોજગારી સંબંધી મજબૂત આંકડાને જોતાં ફેડ રેટ વૃદ્ધિમાં પોઝને લઈને ફરી એકવાર વિચાર કરી શકે છે. ગયા સપ્તાહે રેટમાં પોઝની શક્યતાં જોઈ રહેલા વર્ગમાં સોમવારે નોંધપાત્ર ઘટાડો જોવા મળતો હતો અને હવે બહુમતી વર્ગ એવું માની રહ્યો છે કે ફેડ હજુ એકવાર રેટ વૃદ્ધિ દર્શાવી શકે છે. જે ગોલ્ડ સહિતની ધાતુઓ માટે ચિંતાનું કારણ બની શકે છે. ગયા સપ્તાહે સતત ત્રણ સપ્તાહના ઘટાડા પછી ગોલ્ડમાં મજબૂતી જોવા મળી હતી. જોકે, શુક્રવારે યુએસ ખાતે મજબૂત ડેટા આવતાં ગોલ્ડ ઊંચા મથાળેથી ઝડપથી ગગડ્યું હતું અને ફરી ગયા સપ્તાહના તળિયા નજીક આવી ગયું છે. કોમેક્સ ખાતે ગોલ્ડને 1940-1950 ડોલરની રેંજમાં સપોર્ટ છે. જે તૂટશે તો ગોલ્ડ 1910-1930 ડોલર સુધીનો ઘટાડો દર્શાવી શકે છે એમ એનાલિસ્ટ્સનું કહેવું છે.
એંજલ વનના ક્લાયન્ટ બેઝમાં મે મહિનામાં 44 ટકા વૃદ્ધિ નોંધાઈ
કંપનીનો રિટેલ ઈક્વિટી માર્કેટ હિસ્સો 4 ટકા વધ્યો
સ્ટોક બ્રોકિંગ કંપની એંજલ વનનો કુલ ક્લાયન્ટ બેજ મે મહિનામાં વાર્ષિક ધોરણે 44.5 ટકા વધી 1.459 કરોડ પર પહોંચ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તે 1.010 કરોડ પર હતો. એપ્રિલ 2023ની સરખામણીમાં તે 3.3 ટકા વૃદ્ધિ દર્શાવે છે.
કંપનીનો રિટેલ ઈક્વિટી ટર્નઓવર માર્કેટ શેર સમાનગાળામાં 4.02 ટકા વધી 23.9 ટકા પર પહોંચ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 19.9 ટકા પર હતો. એપ્રિલમાં તે 23.8 ટકા પર હતો. જોકે, તે 0.8 ટકાની ખૂબ નાની વૃદ્ધિ દર્શાવતો હતો. કંપનીએ સરેરાશ દૈનિક ઓર્ડર્સમાં 22.4 ટકા વૃદ્ધિ દર્શાવી હતી અને તે 41.2 લાખ પર પહોંચ્યાં હતાં. જે ગયા વર્ષે મે મહિનામાં 33.6 લાખ પર હતાં. મે મહિનામાં કુલ ઓર્ડર્સની સંખ્યા 9.06 કરોડ પર જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં 7.063 કરોડ સામે 28 ટકા ઊંચી હતી. યુનિક મ્યુચ્યુલ ફંડ સિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન(સિપ)નું રજિસ્ટ્રેશન વાર્ષિક ધોરણે 682 ટકા ઊછળી 1,22,070 પર જોવા મળ્યું હતું. જોકે, એપ્રિલમાં જોવા મળેલી 1,49,310ની સંખ્યા કરતાં તે 18.2 ટકા જેટલું નીચું હતું. રિટેલ ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ માર્કેટ શેરની વાત કરીએ તો ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ ટ્રેડિંગમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. કંપનીનો રિટેલ માર્કેટ શેર મે મહિનામાં વાર્ષિક ધોરણે 4.01 ટકા વૃદ્ધિ સાથે 23.9 ટકા પર પહોંચ્યો હતો. કેશ ટ્રેડિંગમાં જોકે, કંપનીનો માર્કેટ હિસ્સો 0.23 ટકા ઘટી 13.4 ટકા પર જોવા મળ્યો હતો. વધુમાં, પ્લેટફોર્મે મે મહિનામાં કુલ ક્લાયન્ટ એક્વિઝિશન્સમાં 1.7 ટકા ઘટાડો નોઁધાયો હતો. મે મહિનામાં તેણે 4.6 લાખ નવા ક્લાયન્ટ્સ મેળવ્યાં હતાં. જે મે 2022માં મેળવેલા 4.7 લાખ ક્લાયન્ટ્સની સરખામણીમાં નીચા હતા.
મે મહિનામાં રિટેલ ઓટો સેલ્સમાં વાર્ષિક 10 ટકા વૃદ્ધિ નોંધાઈઃ ફાડા
ટુ-વ્હીલર્સનું વેચાણ 9 ટકા વધ્યું, થ્રી-વ્હીલર્સના વેચાણમાં 79 ટકા અને પેસેન્જર વેહીકલ્સના વેચાણમાં 4 ટકા વૃદ્ધિ
ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ એસોસિએશન્સ(ફાડા)ના દાવા મુજબ મે મહિનામાં ભારતમાં વાહનોના રિટેલ વેચાણમાં વાર્ષિક 10 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. સંસ્થાના ડેટા મુજબ તમામ સેગમેન્ટમાં વેચાણ વૃદ્ધિ જોવા મળી હતી. જેમાં ટુ-વ્હીલર્સમાં 9 ટકા સેલ્સ ગ્રોથ જોવા મળ્યો હતો. જ્યારે થ્રી-વ્હીલર્સમાં 79 ટકાની તીવ્ર વેચાણ વૃદ્ધિ જોવા મળી હતી. જોકે, પેસેન્જર વેહીકલ્સ અથવા કાર્સના વેચાણમાં 4 ટકા અને કમર્સિયલ વેહીકલ્સમાં 7 ટકા વેચાણ વૃદ્ધિ નોંધાઈ હતી.
ઈલેક્ટ્રીકલસ વેહીકલ્સના વેચાણમાં પ્રભાવી વેચાણ વૃદ્ધિ જોવા મળી હતી. અને કુલ રિટેલ વેચાણમાં તેનો હિસ્સો 8 ટકાના નોંધપાત્ર સ્તરે જોવા મળ્યો હતો. જેનું મુખ્ય કારણ ટુ-વ્હીલર્સ ઈવીના વેચાણમાં જોવા મળેલી વૃદ્ધી હતું. ઈવીની કુલ વેચાણ વૃદ્ધિમાં ટુ-વ્હીલર્સનો હિસ્સો 7 ટકા જ્યારે થ્રી-વ્હીલર્સ ઈવીનો હિસ્સો 56 ટકાના નોંધપાત્ર સ્તરે જોવા મળ્યો હતો. કમર્સિયલ વેહીકલ અને પેસેન્જર વેહીકલમાં પણ ઈવી સેગમેન્ટે વૃદ્ધિ દર્શાવી હતી. ઈવી સીવીના વેચાણે 0.5 ટકા જ્યારે ઈવી પીવીના વેચાણે 2.5 ટકા યોગદાન આપ્યું હતું.
ઓટોમોબાઈલના રિટેલ વેચાણમાં વિવિધ સેગમેન્ટ્સમાં ભિન્ન પડકારો જોવા મળ્યાં હતાં. જેમાં ટુ-વ્હીલર, કમર્યિસલ વેહીકલ અને પેસેન્જર વેહીકલ્સ સેગમેન્ટમાં ઈન્વેન્ટરી, રેગ્યુલેટરી નિયમોથી લઈ હવામાનને કારણે વોક-ઈનમાં ઘટાડો નોંધાયો હતો. સીવી સેક્ટર વેહીકલની પ્રાપ્તિમાં સુધારાની ધારણા બાંધી રહ્યું છે. જોકે આરડીઈ સંબંધિત નિયમો અને સિઝનલ અસરોને કારણે વેચાણ પર અસર પડી હતી. પીવી સેક્ટરે માગમાં વૃદ્ધિ નોંધાવી હતી. ખાસ કરીને નવા મોડેલ્સમાં કોમ્પેક્ટ અને ફૂલ-સાઈઝ એસયૂવી અને ઈવીમાં આમ જોવા મળ્યું હતું. જોકે, ઈન્વેન્ટરીના દબાણ અને રાઈટ મોડેલ પ્રાપ્તિએ પડકારો ઊભા કર્યાં હતાં. આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી તરફથી રેટમાં સ્થિરતા જાળવવામાં આવે તેવી અપેક્ષાને જોતાં વેહીકલની માગ આગામી સમયગાળામાં પણ જળવાયેલી રહેવાની અપેક્ષા છે. રેટ સ્થિર રહેવાથી વાહનોની માગ પર પોઝીટીવ અસર શક્ય છે. જોકે, સપ્લાય ચેઈન સંબંધિત મુદ્દાઓ, ડિમાન્ડ-સપ્લાય ડાયનેમિક્સ અને રેગ્યુલેટરી પડકારો ઓટો રિટેલના ભાવિ પર અસર કરતાં રહેશે એમ ફાડા ઉમેરે છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
વિપ્રોઃ આઈટી સર્વિસિઝ કંપની વિપ્રોએ તેની બાયબેક ઓફર માટે 16 જૂન 2023ની તારીખ રેકર્ડ ડેટ તરીકે ફિક્સ કરી છે. કંપની બજારભાવથી લગભગ 10 ટકા પ્રિમીયમ ભાવે શેર્સની પરત ખરીદી કરશે. કંપનીએ ચોથા ક્વાર્ટરના પરિણામ સાથે બાયબેક પ્રોગ્રામની જાહેરાત કરી હતી. ત્યારથી અત્યાર સુધીમાં કંપનીના શેરમાં 8 ટકાનું રિટર્ન જોવા મળ્યું છે.
કેઆરબીએલઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 118 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 109 કરોડના નફાની સરખામણીમાં 8 ટકા ઊંચો છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 987.4 કરોડ સામે 30 ટકાથી વધુ વૃદ્ધિ સાથે રૂ. 1279.7 કરોડ પર જોવા મળી હતી.
પ્રેસ્ટીજઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 468.4 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 939 કરોડના નફાની સરખામણીમાં 50.1 ટકા નીચો છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 2400.3 કરોડ સામે 9.6 ટકાથી વધુ વૃદ્ધિ સાથે રૂ. 2631.8 કરોડ પર જોવા મળી હતી.
ઝાયડસ લાઈફઃ ટોચની ફાર્મા કંપનીને ડ્રગ રેગ્યુલેટર યુએસએફડીએ તરફથી કંપનીની અમદાવાદ સેઝ સ્થિત એનિમલ હેલ્થ ડ્રગ મેન્યૂફેક્ચરિંગ ફેસિલિટીને લઈને કોઈ ઓબ્ઝર્વેશનન્સ ઈસ્યુ કરવામાં આવ્યાં નથી.
બજાજ ફિનસર્વઃ રાહુલ બજાજ સ્થાપિત બજાજ ફિનસર્વ ગ્રૂપ દેશમાં 70 હજાર લોકોને રોજગારી પૂરી પાડી રહ્યું છે. કંપની કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી હેઠળ દિવ્યાંગો માટે આરોગ્ય, શિક્ષણ, સંરક્ષણ, કૌશલ્ય અને સમાવેશના ક્ષેત્રોમાં 20 લાખથી વધુ જીવનમાં પરિવર્તનો લાવી છે. તેણે પૂણે તથા મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં આ પ્રકારની પહેલો હાથ ધરી છે.
વીઆઈઃ ટેલિકોમ ઓપરેટરે નવા અનલિમિટેડ નાઈટ ડેટા પેક્સ ‘વીઆઈ છોટા હીરો’ લોન્ચ કર્યા છે. ‘નાઇટ બિન્જ’ ડેટા પેક ઓફર કરનાર એકમાત્ર ટેલિકોમ પ્લેયર વીઆઈએ રૂ. 17 અને રૂ. 57માં બે નવા પેક રજૂ કર્યા છે જે વીઆઈ વપરાશકર્તાઓને કોઈપણ મર્યાદા વિના, મધ્યરાત્રિથી સવારના 6:00 વાગ્યા સુધી આખી રાત બિન્જ વોચિંગનો લાભ આપે છે.
દેવ લેબટેક વેન્ચર્સઃ કંપનીએ 2022-23માં રૂ. 30.34 કરોડનું વેચાણ નોંધાવ્યું છે. જે અગાઉના વર્ષે રૂ. 26.98 કરોડ પર હતું. કંપનીનો નેટ પ્રોફિટ અગાઉના વર્ષે રૂ. 49.42 લાખ સામે ગયા વર્ષે રૂ. 1.41 કરોડ રહ્યો હતો. કંપનીએ છેલ્લાં છ મહિનામાં રૂ. 20.68 કરોડનું વેચાણ નોંધાવ્યું હતું.
લેન્ક્સેસઃ સ્પેસિયાલિટી કેમિકલ ઉત્પાદકે 2023ના પ્રથમ ક્વાર્ટરમાં 18.9 કરોડ યૂરોનો એબિટા નોઁધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 26.2 કરોડ યૂરોના એબિટા સામે 28 ટકા નીચો છે. કંપનીનું વેચાણ ગયા વર્ષે 1.931 અબજ યૂરો સામે 1.7 ટકા ઘટાડે 1.899 અબજ યૂરો પર નોંધાયું હતું.
કોટક મહિન્દ્રા બેંકઃ બેંકના પ્રાઈવેટ બેન્કિંગ તરફથી કોટક રિઝર્વ લોન્ચ કરાયું છે. જે ભારતના અતિધનવાનો માટેનો સેવિંગ્ઝ પ્રોગ્રામ છે. બેંકે યુએચએનઆઈ અને એચએનઆઈ માટે અગાઉ ક્યારેય નહીં તેવા લક્ઝરી બેન્કિંગ અનુભવ હેઠળ ખાસ સેવાઓની શ્રેણી ઓફર કરી છે.
ભારત ફોર્જઃ કંપનીએ મે મહિનામાં નોર્થ અમેરિકા ક્લાસ 8 ટ્રક માટે 15,500 યુનિટ્સનો ઓર્ડર મેળવ્યો છે. જે માર્સિક ધોરણે 29 ટકા વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે વાર્ષિક ધોરણે ટ્રકની માગમાં 10 ટકા વૃદ્ધિ જોવા મળે છે.
હિરો મોટોકોર્પઃ ટોચની બાઈક ઉત્પાદકે નવી HF ડિલક્સ સિરીઝ હેઠળ HF ડિલક્સ કેનવાસ લોંચ કર્યું છે. જે આકર્ષક ચાર પટ્ટાઓ સાથે ચાર ડાયનેમિક કલર સ્કીમ્સ ધરાવે છે. એડવાન્સ્ડ ટેક્નોલોજી સાથે તે ફ્યુઅલ એફિશ્યન્ટ સાથે આધુનિક ફિચર્સ ધરાવે છે.
બાયોકોનઃ યુએસ એફડીએએ બેંગલૂરૂ સ્થિત ઓરલ ડોસેજ ફોર્મ્યુલેશન્સ મેન્યૂફેક્ચરિંગ સુવિધાના ઈન્સ્પેક્શનની કામગીરી પૂર્ણ કરી છે. જે માટે તેણે કોઈ ઓબ્ઝર્વેશન્સ ઈસ્યુ કર્યું નથી.
આઈઓબીઃ જાહેર ક્ષેત્રની ઈન્ડિયન ઓવરસિઝ બેંક પર બેંક રેગ્યુલેટર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રૂ. 2.20 કરોડની પેનલ્ટી લાગુ પાડી છે.
ટેક મહિન્દ્રાઃ મહિન્દ્રા જૂથની આઈટી સર્વિસિઝ કંપનીની સ્ટેપ ડાઉન સબસિડિયરી કોમવીવા ટેક્નોલોજિસ ડુ બ્રાઝિલમાં 0.04 ટકા અને 99.96 ટકા હિસ્સાના વેચાણ માટે તૈયાર થઈ છે.
રામ્કો સિસ્ટમ્સઃ કંપનીએ કતારમાં નવી ઓફિસ શરુ કરી છે. કંપની સમગ્ર ગલ્ફ પ્રદેશમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની કામગીરીમાં સપોર્ટ પૂરો પાડવાના હેતુસર આ ઓફિસ ખોલી છે.