તેજીનું મોમેન્ટમ જળવાતાં હરિફો સામે આઉટપર્ફોર્મન્સ યથાવત
નિફ્ટી 18600 પર બંધ આપવામાં સફળ
ઈન્ડિયા વિક્સ 2.4 ટકા નરમાઈએ 12.01ના સ્તરે
બેંકનિફ્ટીએ સર્વોચ્ચ સપાટીએ બંધ દર્શાવ્યું
એફએમસીજી ઈન્ડેક્સ પણ નવી ટોચે
મેટલ, ફાર્મા, રિઅલ્ટી, એનર્જીમાં નરમાઈ
એઆઈએ એન્જીનીયરીંગ સર્વોચ્ચ સપાટીએ
વૈશ્વિક બજારોમાં મિશ્ર માહોલ વચ્ચે ભારતીય શેરબજારમાં તેજીનો ક્રમ જળવાયો છે. બેન્ચમાર્ક્સે સપ્તાહના બીજા સત્રમાં સુધારો જાળવી છ-મહિનાની ટોચ પર બંધ દર્શાવ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 123 પોઈન્ટ્સ સુધારે 62969ની સપાટીએ જ્યારે નિફ્ટી 35 પોઈન્ટ્સ સુધરી 18634ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બેન્ચમાર્કમાં મજબૂતી વચ્ચે લાર્જ-કેપ્સમાં વિશેષ લેવાલીના અભાવે બ્રેડ્થ સાધારણ નેગેટિવ જોવા મળી હતી. નિફ્ટીમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 26 નેગેટવ બંધ જોવા મળતાં હતાં. જ્યારે 24 કાઉન્ટર્સે પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું. બ્રોડ માર્કેટમાં પણ સ્થિતિ સમાન હતી. બીએસઈ ખાતે કુલ 3614 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1874 નેગેટિવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1631 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળતાં હતાં. 153 કાઉન્ટર્સે તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 33 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2.4 ટકા નરમાઈએ 12.01ના સ્તરે બંધ રહ્યો હતો.
મંગળવારે ભારતીય શેરબજાર સાધારણ પોઝીટીવ શરૂઆત દર્શાવ્યાં પછી રેંજ બાઉન્ડ ટ્રેડ દર્શાવવા સાથે મોટેભાગે પોઝીટીવ ઝોનમાં જોવા મળ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 18599ના બંધ સામે 18607ની સપાટીએ ખૂલી ઉપરમાં 18662 પર ટ્રેડ થઈ 18600 પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 86 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 18720ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 76 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે વૃદ્ધિ સૂચવે છે. આનો અર્થ એવો કરી શકાય કે માર્કેટમાં ઊંચા મથાળે લોંગ પોઝીશનમાં સાધારણ ઉમેરો થયો છે. જે તેજીના મોમેન્ટમને આગળ લઈ જઈ શકે છે. ટેકનિકલ એનાલિસ્ટ ટૂંકાગાળામાં નિફ્ટી નવી ટોચ દર્શાવે તેવી અપેક્ષા રાખી રહ્યાં છે. તેમનો નજીકનો ટાર્ગેટ 18900નો છે. 18300ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવવા માટે તેઓ જણાવે છે. મંગળવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા મુખ્ય કાઉન્ટર્સમાં બજાજ ફિનસર્વ, કોટક મહિન્દ્રા બેંક, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી લાઈફ, એચસીએલ ટેકનોલોજી, એક્સિસ બેંક, અલ્ટાટ્રેક સિમેન્ટ, ઈન્ફોસિસ, ગ્રાસિમ અને વિપ્રોનો સમાવેશ થાય છે. બીજી બાજુ હિંદાલ્કો, અદાણી એન્ટરપ્રાઈઝિસ, ટેક મહિન્દ્રા, તાતા સ્ટીલ, સન ફાર્મા, આઈશર મોટર્સ, એપોલો હોસ્પિટલ, ડો. રેડ્ડીઝ લેબ્સ, કોલ ઈન્ડિયા અને નેસ્લેમાં નરમાઈ જોવા મળી હતી. સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો બેંકનિફ્ટીએ સર્વોચ્ચ સપાટીએ બંધ દર્શાવ્યું હતું. નિફ્ટી પછી બીજા ક્રમે ટ્રેડ થતા ઈન્ડેક્સે 44499ની સર્વોચ્ચ ટોચ દર્શાવી 4436 પર બંધ આપ્યું હતું. બેંકિંગ શેર્સમાં આઈડીએફસી ફર્સ્ટ બેંક, બંધન બેંક, પીએનબી, કોટક મહિન્દ્રા, એક્સિસ બેંક, ઈન્ડસઈન્ડ બેંકે મજબૂત સુધારો દર્શાવ્યો હતો. જોકે, એયૂ સ્મોલ ફિન બેંક, એસબીઆઈ અને ફેડરલ બેંકમાં નરમાઈ જોવા મળી હતી. એફએમસીજી ઈન્ડેક્સ પણ સર્વોચ્ચ ટોચ પર બંધ રહ્યો હતો. તેણે ઈન્ટ્રા-ડે ધોરણે 51 હજારનું સ્તર પાર કર્યું હતું. બેન્ચમાર્કને સપોર્ટ કરનાર કાઉન્ટર્સમાં જ્યુબિલિઅન્ય ફૂડ, ઈમામી, ડાબર ઈન્ડિયા, એચયૂએલ અને આઈટીસીનો સમાવેશ થતો હતો. જોકે બીજી બાજુ મેટલ, ફાર્મા, રિઅલ્ટી, એનર્જીમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ એક ટકા આસપાસ ઘટાડો દર્શાવતો હતો. જેમાં વેદાંતા 5 ટકા સાથે તૂટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત નાલ્કો, એપીએલ એપોલો, જિંદાલ સ્ટીલ, હિંદાલ્કો, અદાણી એન્ટરપ્રાઈઝિસ, વેલસ્પન કોર્પ અને સેઈલ ઘટાડો દર્શાવવામાં મુખ્ય હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ કાઉન્ટર્સ ખાતે સુધરવામાં અગ્રણી કાઉન્ટર્સમાં ઓરોબિંદો ફાર્મા 6.54 ટકા સાથે ટોચ પર હતો. આ ઉપરાંત, આરબીએલ બેંક, એચડીએફસી એએમસી, એમસીએક્સ ઈન્ડિયા, પાવર ફાઈનાન્સ, રામ્કો સિમેન્ટ્સ, એબીએફઆરએલ, આરઈસી, એબી કેપિટલ, આઈડીએફસી, પેજ ઈન્ડસ્ટ્રીઝ, આઈડીએફસી ફર્સ્ટ બેંકનો સમાવેશ થતો હતો. બીજી બાજુ ઘટવામાં વેદાંત, ઈન્ફો એજ, બાલક્રિષ્ણ ઈન્ડસ્ટ્રીઝ, નાલ્કો, ચંબલ ફર્ટિ., એયૂ સ્મોલ ફાઈ., ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, એપોલો ટાયર્સ, ડિએલએફ અગ્રણી હતાં. સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં એઆઈએ એન્જીનીયરીંગનો સમાવેશ થતો હતો. જ્યારે ઓરોબિંદો ફાર્મા, પાવર ફાઈનાન્સ, રામ્કો સિમેન્ટ્સે વાર્ષિક ટોચ દર્શાવી હતી.
બ્લેકરોકે બાઈજુસનું વેલ્યૂએશન વધુ 62 ટકા ઘટાડી 8.4 અબજ ડોલર કર્યું
અગાઉ ડિસેમ્બર 2022માં અને એપ્રિલ 2023માં બાઈજુસના વેલ્યૂએશનમાં ઘટાડો કરી ચૂકી છે
યુએસ સ્થિત પ્રાઈવેટ ઈક્વિટી રોકાણકાર બ્લેકરોકે બેંગલૂરૂ સ્થિત સ્ટાર્ટઅપ યુનિકોર્ન બાઈજુસના વેલ્યૂએશનમાં ત્રીજીવાર ઘટાડો કર્યો છે અને તને 8.4 અબજ ડોલર દર્શાવ્યું છે એમ એક અહેવાલ જણાવે છે. બ્લેકરોકે 2020માં 12 અબજ ડોલરના વેલ્યૂએશન સાથે બાઈજુસમાં રોકાણ કર્યું હતું. ત્યારપછી એપ્રિલ 2022માં બ્લેકરોકે બાઈજુસના શેરનું 4660 ડોલરનું વેલ્યૂએશન દર્શાવ્યું હતું. જે વખતે કંપનીનું મૂલ્ય 22 અબજ ડોલર બેસતું હતું. જોકે, પાછળથી ડિસેમ્બર 2022ની આખરમાં બ્લેકરોકે બાઈજુસના શેર્સનું વેલ્યૂએશન 2400 ડોલર પ્રતિ શેરનું કરી કંપનીના વેલ્યૂએશન્સમાં ઘટાડો કર્યો હતો. એપ્રિલ-2023માં પણ બ્લેકરોકે બાઈજુસનું વેલ્યૂએશન 50 ટકા ઘટાડી 22 અબજ ડોલર પરથી 11.5 અબજ ડોલર કર્યું હતું.
જોકે, આશ્ચર્યની બાબત એ છે કે બાઈજુસે તાજેતરના ફંડીંગ રાઉન્ડમાં 22 અબજ ડોલરના વેલ્યૂએશને 25 કરોડ ડોલર ઊભા કર્યાં હતાં. જે સૂચવે છે કે સ્ટાર્ટઅપને અન્ય રોકાણકારો બ્લેકરોકના મૂલ્યાંકન કરતાં ઊંચું વેલ્યૂએશન આપી રહ્યાં છે. એ વાત નોંધવી રહી કે બ્લેકસ્ટોન બાઈજુસમાં નોંધપાત્ર રોકાણકાર નથી અને સ્ટાર્ટઅપમાં તે 1 ટકાથી પણ નીચો હિસ્સો ધરાવે છે. ભારતીય સ્ટાર્ટઅપ્સને લઈને છેલ્લાં કેટલાંક સમયથી વિદેશી રોકાણકારોમાં વેલ્યૂએશન ઘટાડવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જેમાં આ ઘટના તાજી છે. પખવાડિયા પહેલાં ઈન્વેસ્કોએ સ્વીગીના વેલ્યૂએશનમાં 50 ટકા ઘટાડો દર્શાવ્યો હતો. જ્યારે અન્ય રોકાણકારોએ પાઈન લેબ્સ અને ફાર્મઈઝીના વેલ્યૂએશન્સમાં પણ ઘટાડો કર્યો હતો.
સરકાર સોલાર પેનલ પરના ઈમ્પોર્ટ ટેક્સમાં ઘટાડો કરી શકે
દેશમાં રિન્યૂએબલ એનર્જીની વધતી માગ સામે શોર્ટેજ દૂર કરવા ચાલી રહેલી વિચારણા
ભારત સરકાર સોલાર પેનલ્સ પરના આયાત કરને ઘટાડી અડધો કરે તેવી શક્યતાં છે. તેમજ તે ગુડ્ઝ એન્ડ સર્વિસિઝ ટેક્સને પણ પરત ખેંચવા ઈચ્છી રહી છે એમ સરકારી વર્તુળો જણાવે છે. તેમના મતે દેશમાં રિન્યૂએબલ એનર્જીની વધતી માગને પૂરી કરવા આમ કરવાની વિચારણા ચાલી રહી છે. કેમકે સ્થાનિક ઉત્પાદન માગ સામે ઘણું નીચું છે.
દેશના રિન્યૂએબલ એનર્જી મંત્રાલયે તેની વિનંતીને માન્ય રાખવા માટે નાણા મંત્રાલય સાથે મંત્રણા યોજી છે. તેણે અગાઉ સોલાર પેનલ્સ પરના ઈમ્પોર્ટ ટેક્સને 40 ટકાથી ઘટાડી 20 ટકા કરવા માટે જણાવ્યું હતું એમ ત્રણેક વર્તુળો નામ નહિ આપવાની શરેત જણાવે છે. તેમના મતે આ અંગે હજુ સુધી કોઈ આખરી નિર્ણય લેવાયો નથી. આ ઉપરાંત અન્ય બે મંત્રાલયોએ સોલાર પેનલ્સ પર લાગુ પડતાં ગુડ્ઝ એન્ડ સર્વિસિઝ ટેક્સને 12 ટકા પરથી 5 ટકા કરવા માટે જીએસટી ટેક્સ કાઉન્સિલને અરજી કરી છે એમ વર્તુળો ઉમેરે છે. 2021માં સોલાર પેનલ્સ પર જીએસટી લાગુ પાડવામાં આવ્યો હતો. ભારતે દેશમાં ચીનની આયાત પર નિયંત્રણ માટે એપ્રિલ 2022માં પેનલની આયાત પર 40 ટકા ટેક્સ જ્યારે સોલાર સેલ્સ પર 25 ટકા આયાત ટેક્સ લાગુ પાડ્યો હતો. જોકે, તેમ છતાં ભારતમાં સ્થાનિક માગને પહોંચી શકાય તેટલું ઉત્પાદન જોવા મળી રહ્યું નથી. સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર બનવાના હેતુ સાથે આયાત ટેક્સ લાગુ પાડ્યો હતો. વર્તુળોના જણાવ્યા મુજબ સ્થાનિક ક્ષમતા ઓછી પડી રહી છે અને માગ-પુરવઠા વચ્ચે ગેપ વધી રહ્યો છે. જેને જોતાં આયાત જરૂરી બની છે. મોદી સરકાર 2031-32 સુધીમાં દેશમાં 365 ગીગાવોટ્સની સ્થાપિત સોલાર ક્ષમતાનો ટાર્ગેટ હાંસલ કરવા માગે છે અને તેને ધ્યાનમાં રાખીને ડિવાઈસ પરના આયાત ટેક્સમાં ઘટાડાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જોકે, નાણા મંત્રાલય તરફથી આ અંગે કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી. તેમજ રિન્યૂએબલ એનર્જી મંત્રાલયના પ્રવક્તાએ પણ કોઈ પ્રતિભાવ આપ્યો નહોતો.
FDI ઈક્વિટી ઈનફ્લોમાં 2022-23માં 22 ટકા ઘટાડો
નાણા વર્ષ 2022-23માં ઈક્વિટીમાં સીધા પ્રત્યક્ષ રોકાણ(એફડીઆઈ)માં 22 ટકા ઘટાડો નોંધાયો હતો અને તે 46.03 અબજ ડોલર પર રહ્યું હતું. વૈશ્વિક અર્થતંત્રમાં પડકારોને જોતાં આમ બન્યું હતું. જેમાં વિકસિત દેશોમાં ઊંચા ફુગાવા પાછળ રેટમાં સતત વૃદ્ધિ મુખ્ય પરિબળ હતું. વિશ્વમાં ટોચના 10 એફડીઆઈ ઈક્વિટી ઈનફ્લો ઠાલવનાર દેશોમાં 17.2 અબજ ડોલર સાથે સિંગાપુર ટોચ પર હતો. આ ઉપરાંત મોરેશ્યસ(6.13 અબજ ડોલર), યુએસ(6 અબજ ડોલર), યુએઈ(3.35 અબજ ડોલર), નેધરલેન્ડ્સ(2.5 અબજ ડોલર), જાપાન(1.8 અબજ ડોલર), યૂકે(1.73 અબજ ડોલર), સાયપ્રસ(1.27 અબજ ડોલર) અને કેયમેન આઈલેન્ડ્સ(77.2 કરોડ ડોલર) તથા જર્મની(54.7 અબજ ડોલર)નો સમાવેશ થાય છે.
ડોલરમાં નરમાઈ પાછળ ગોલ્ડમાં બીજા દિવસે બાઉન્સ
વૈશ્વિક બજારમાં યુએસ ડોલરમાં નરમાઈ પાછળ બુલિયનમાં મજબૂતી જોવા મળી હતી. જેમાં ગોલ્ડના ભાવ લગભગ એક ટકો સુધારો સૂચવી રહ્યાં હતાં. કોમેક્સ ગોલ્ડ ફ્યુચર 17 ડોલરથી વધુ મજબૂતી સાથે 1980 ડોલર પર ટ્રેડ થતો હતો. બે સત્રોમાં તે ગયા સપ્તાહના તળિયા સામે 30 ડોલરથી વધુ સુધારો દર્શાવી ચૂક્યો છે. ભારતમાં એમસીએક્સ ખાતે ગોલ્ડ ફ્યુચર રૂ. 500ના સુધારે રૂ. 59930ની સપાટી કૂદાવી ગયો હતો. વૈશ્વિક બજારમાં સિલ્વરમાં પણ સુધારા પાછળ એમસીએક્સ સિલ્વર વાયદો રૂ. 300ની મજબૂતી સાથે રૂ. 71430ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. જોકે વૈશ્વિક બજાર પાછળ ક્રૂડ સહિત બેઝ મેટલ્સમાં નરમાઈ જોવા મળતી હતી. ક્રૂડ 1.6 ટકા સાથે સૌથી ઊંચો ઘટાડો દર્શાવતું હતું.
ટોરેન્ટ ફાર્માએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 287 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો
કંપનીના બોર્ડે પ્રતિ શેર રૂ. 8ના ડિવિડન્ડની ભલામણ કરી
અમદાવાદ સ્થિત ટોચની ફાર્મા કંપની ટોરેન્ટ ફાર્માએ માર્ચ ક્વાર્ટર માટે રૂ. 287 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. કંપનીએ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 118 કરોડની ખોટ નોંધાવી હતી. કંપનીના બોર્ડે પરિણામની જાહેરાત સાથે 160 ટકા ડિવિડન્ડની ભલામણ કરી હતી. એટલેકે રૂ. 5ની ફેસ વેલ્યૂના શેર દિઠ રૂ. 8નું ડિવિડન્ડ મળવાપાત્ર રહેશે.
માર્ચ ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ. 2491 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 2131 કરોડ પર હતી. કંપનીએ તેના એબિટામાં વાર્ષિક ધોરણે 29.6 ટકા વૃદ્ધિ નોંધાવી હતી અને તે રૂ. 727 કરોડ પર જોવા મળ્યો હતો. નાણા વર્ષ 2022-23ના ચોથા ક્વાર્ટરમાં ફાર્મા કંપનીએ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ રૂ. 150 કરોડનો ખર્ચ કર્યો હતો. જે વર્ષ અગાઉ સમાનગાળામાં રૂ. 138 કરોડ પર હતો.
કંપનીની ભારતમાં આવક 22 ટકા વધી રૂ. 1257 કરોડ પર જોવા મળી હતી. માર્ચ ક્વાર્ટરમાં કંપનીએ કન્ઝ્યૂમર હેલ્થકેર પ્લેટફોર્મ લોંચ કર્યું હતું. ભારતમાં સમગ્ર 2022-23 માટે કંપનીની આવક 16 ટકા વધી રૂ. 4984 કરોડ પર રહી હતી. કંપનીએ બ્રાઝિલ બજારમાં 27 ટકા વૃદ્ધિ સાથે રૂ. 318 કરોડની આવક નોંધાવી હતી. સમગ્ર 2022-23 માટે તેની બ્રાઝિલ માર્કેટની આવક 26 ટકા વધી રૂ. 935 કરોડ પર જોવા મળી હતી. કંપનીએ વર્ષ દરમિયાન નવી 12 મંજૂરીઓ મેળવી હતી. જ્યારે વધુ 14 ફાઈલીંગ્સ પાઈપલાઈનમાં છે. યુરોપમાં જર્મની ખાતે કંપનીની આવક 16 ટકા વધી રૂ. 253 કરોડ રહી હતી. કંપનીની આવકમાં વૃદ્ધિના કારણોમાં નવા ટેન્ડર્સ અને ઓટીસી સેગમેન્ટમાં વૃદ્ધિ જવાબદાર હતી. સમગ્ર નાણા વર્ષ માટે જર્મનીની આવક રૂ. 928 કરોડ પર રહી હતી. જે વાર્ષિક ધોરણે 4 ટકા ઘટાડો દર્શાવતી હતી. કંપનીની યુએસ સ્થિત આવક 1 ટકા ઘટી રૂ. 280 કરોડ પર રહી હતી. સમગ્ર વર્ષ માટે યુએસની આવક 9 ટકા ઘટી રૂ. 1162 કરોડ પર રહી હતી.
બેન્ચમાર્ક્સ ટોચથી છેટાં છે ત્યારે નિફ્ટી મીડ-કેપ 100એ ઓલ-ટાઈમ હાઈ બનાવી
સતત આંઠ સપ્તાહથી નિફ્ટી મીડ-કેપ 100 ઈન્ડેક્સ પોઝીટીવ જોવા મળ્યો
બીએસઈ સેન્સેક્સ અને નિફ્ટી-50 હજુ તેમની સર્વોચ્ચ ટોચથી થોડા છેટે ચાલી રહ્યાં છે ત્યારે નિફ્ટી મીડ-કેપ 100 ઈન્ડેક્સે તેની ઓલ-ટાઈમ હાઈ બનાવી છે. છેલ્લાં આઁઠ સપ્તાહથી ઈન્ડેક્સ સતત પોઝીટીવ જોવા મળી રહ્યો છે. જે સમયગાળામાં તે 3.22 ટકાનો સુધારો સૂચવે છે.
એક અભ્યાસ મુજબ નિફ્ટી અને સેન્સેક્સે 28 માર્ચના રોજ તેમના તળિયાના સ્તરેથી લગભગ 10 ટકાનું બાઉન્સ નોંધાવ્યું છે. જ્યારે નિફ્ટી મીડ-કેપ 100 ઈન્ડેક્સ 14.6 ટકા જેટલો સુધર્યો છે. આમ તેણે નોંધપાત્ર માર્જિન સાથે નિફ્ટીને પાછળ રાખી દીધો છે. નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ પણ તેની 52-સપ્તાહની ટોચથી 0.6 ટકા દૂર જોવા મળી રહ્યો છે. તેણે 17 જાન્યુઆરી, 2022ના રોજ 11,980.75ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. મીડ-કેપ અને સ્મોલકેપ શેર્સમાં રોકાણકારો તરફથી સતત ખરીદી જોવા મળી છે. જેનું મુખ્ય કારણ માર્ચ ક્વાર્ટર માટે તેમણે દર્શાવેલા અપેક્ષાથી સારા અર્નિંગ્સ હોવાનું એનાલિસ્ટ્સ જણાવે છે. તાજેતરમાં ફુગાવામાં ઘટાડાને કારણે મીડ-કેપ કંપનીઓને ખર્ચમાં રાહત મળી છે અને તેઓ આગામી સમયગાળા માટે વધુ સારો દેખાવ દર્શાવી શકે છે. ઉપરાંત, અર્થતંત્રમાં માગ પણ પરત ફરી રહી છે અને તેથી આર્થિક મંદીને લઈને ચિંતા દૂર થઈ હોવાનું એનાલિસ્ટ્સ જણાવે છે. છેલ્લાં પખવાડિયામાં કેટલીક એજન્સીઓએ દેશના જીડીપી વૃદ્ધિ દરને લઈને પોઝીટીવ સુધારો પણ દર્શાવ્યો છે. સાથે આરબીઆઈ તરફથી રેટ વૃદ્ધિમાં વિરામ પણ એક પોઝીટીવ પરિબળ તરીકે જોવા મળી રહ્યું છે. મધ્યસ્થ બેંક તરફથી સિસ્ટમમાં પૂરતી લિક્વિડીટીની ખાતરી પાછળ રેટમાં સ્થિરતા જોવા મળી રહી છે. જ્યારે, એક વર્ગ ચાલુ કેલેન્ડરની આખર સુધીમાં આરબીઆઈ તરફથી રેટ કટની અપેક્ષા પણ રાખી રહ્યો છે. જે તમામ પરબિળોને કારણે બીજી અને ત્રીજી હરોળના શેર્સમાં ખરીદીનું મોમેન્ટમ વેગીલું બની શકે છે. જે સ્થિતિમાં લાર્જ-કેપ્સની સરખામણીમાં તેઓ આઉટપર્ફોર્મન્સ દર્શાવે તેવું બની શકે છે. મીડ-કેપ સૂચકાંકમાં ટોચનો સુધારો દર્શાવનાર કાઉન્ટર્સમાં અદાણી પાવર 48 ટકા જેટલો ઉછળ્યો છે. આ ઉપરાંત બંધન બેંક(41 ટકા), એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક(40 ટકા), એસ્ટ્રાલ(38 ટકા) અને ગોદરેજ પ્રોપર્ટીઝ(35 ટકા)નો સમાવેશ થાય છે. આઈડીએફસી ફર્સ્ટ બેંક, દેવયાની ઈન્ટરનેશનલ, સોના બીએલડબલ્યુ પ્રિસિઝન ફોર્જિંગ્સ અને સીજી પાવર, દરેક 32 ટકાનો સુધારો દર્શાવે છે. ઈન્ડેક્સમાં સમાવિષ્ટ 100માંથી માત્ર 10 કાઉન્ટર્સ 1-12 ટકા સુધીનો નેગેટિવ દેખાવ દર્શાવી રહ્યાં છે. જેમાં ગ્લેન્ડ ફાર્મા, ઈપ્કા લેબોરેટરીઝ, ઝી એન્ટરટેઈનમેન્ટ, હિંદુસ્તાન ઝીંક, ક્રોમ્પ્ટન ગ્રિવ્ઝ, આદિત્ય બિરલા ફેશન, ઈન્ડિયન બેંક, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર, ઓઈલ ઈન્ડિયા અને ફેડરલ બેંકનો સમાવેશ થાય છે.
SBIએ રૂ. 2000ની નોટ્સ સ્વરૂપે રૂ. 14000 કરોડની ડિપોઝીટ મેળવી
ગિફ્ટ-આઈએફએસસી ખાતે બેંકના ફોરેન કરન્સી બોંડ્સનું લિસ્ટીંગ કરાવ્યું
દેશના સૌથી મોટા બેંકર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(એસબીઆઈ)એ રિઝર્વ બેંક તરફથી દેશમાંથી સૌથી ઊંચી ડિનોમિનેશન ધરાવતી નોટને પરત ખેંચવાની જાહેર કર્યાં પછી રૂ. 2000ની નોટ્સ સ્વરૂપમાં રૂ. 14000 કરોડની ડિપોઝીટ્સ મેળવી હોવાનું જણાવ્યું હતું. બેંક ચેરમેન દિનેશ કુમાર ખારાએ એસબીઆઈના ફોરેન કરન્સી બોન્ડ્સના ગાંધીનગર સ્થિત ગિફ્ટ-આઈએફએસલી સિટી ખાતે લિસ્ટીંગ વખતે આમ જણાવ્યું હતું.
એક અગ્રણી આર્થિક અખબારના અહેવાલ મુજબ ખારાએ ઉમેર્યું હતું કે રૂ. 2000ની નોટ્સને પરત કરવાના ભાગરૂપે બેંકમાં રૂ. 14 હજાર કરોડની નવી ડિપોઝીટ્સ ઊભી થઈ છે. જ્યારે રૂ. 3000 કરોડની નોટ્સને એક્સચેન્જ કરવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ બેંક્સ સામાન્ય રીતે બજારનો 20 ટકા હિસ્સો ધરાવે છે. મધ્યસ્થ બેંકે 19 મેના રોજ રૂ. 2000ની નોટ્સને ચલણમાંથી પરત ખેંચવાની જાહેરાત કરી હતી. જોકે, તે કાનૂની ટેન્ડર તરીકે ચલણમાં ચાલુ રહેશે એમ પણ ઉમેર્યું હતું. આરબીઆઈએ નવેમ્બર 2016માં રૂ. 2000ની નોટ્સને રજૂ કરી હતી. તેણે રૂ. 500 અને રૂ. 1000ના ડિનોમિનેશનની બેંક નોટ્સના ડિમોનેટાઈઝેશન પછી આમ કર્યું હતું.
ગો ફર્સ્ટના લિઝર્સની વિનંતી ફગાવી નથી પરંતુ બાજુ પર રાખી છેઃ DGCA
એવિએશન રેગ્યુલેટરના મતે ગો ફર્સ્ટનું ‘બેંક્ટ્રપ્સી પ્રોટેક્શન’ એ કેપ ટાઉન કન્વેન્શન રુલ્સથી ઉપર છે
દેશમાં એવિએશન રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને મંગળવારે જણાવ્યું હતું કે કટોકટીનો સામનો કરી રહેલી ગો-ફર્સ્ટ એરલાઈન્સના લિઝર્સને વિમાનોને પરત મેળવવાની વિનંતીને ફગાવવામાં નથી પરંતુ હાલ પૂરતી બાજુ પર રાખવામાં આવી છે. તેણે ઉમેર્યું હતું કે ગો ફર્સ્ટનું ‘બેંક્ટ્રપ્સી પ્રોટેક્શન’ એ કેપ ટાઉન કન્વેન્શન રુલ્સથી ઉપર છે.
રેગ્યુલેટરે જણાવ્યું હતું કે ગો ફર્સ્ટના લિઝર્સની વિનંતી પર કામ નથી કરી રહી કેમકે કાયદાએ એરલાઈન્સની એસેટ્સને ફ્રિઝ કરી છે. ડીજીસીએના જણાવ્યા મુજબ જ્યારે બેંક્ટ્રપ્સીની પ્રક્રિયા ચાલુ હોય ત્યારે કોઈ સ્થાનિક નિયમ લિઝર્સને વિમાનોને પરત મેળવવાનો અધિકાર આપતો નથી. બેંક્ટ્રપ્સની પ્રોટેક્શનને મંજૂરી આપતી વખતે એનસીએલટીએ તેના આદેશમાં ગો ફર્સ્ટની તમામ એસેટ્સ પર ફ્રિઝનો આદેશ આપ્યો હતો. કેટલાંક લિઝર્સે તેમની લિઝને અગાઉથી જ નાબૂદ કરવા સાથે લગભગ 40થી વધુ વિમાનોને પરત મેળવવા માટે ડીજીસીએ સમક્ષ અરજી કરી હતી તેમ છતાં એનસીએલટીએ આ મુજબનો આદેશ આપ્યો હતો. ડીજીસીએના જણાવ્યા મુજબ હાલમાં નાદારી સંબંધી કામગીરી ચાલી રહી છે અને તે લિઝર્સને તેમના વિમાનો પરત મેળવવા માટે કાયદાકીય મંજૂરી આપી શકે નહિ. જેને જોતાં હાલમાં લીઝર્સની અરજીઓને પેન્ડિંગ રાખવા સિવાય અન્ય કોઈ વિકલ્પ જણાતો નથી. ગો ફર્સ્ટના લીઝર્સમાં સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડની પેમ્બ્રોક એરક્રાફ્ટ લીઝીંગ, એસએમબીસી એવિએશન, સીડીબી એવિએશનની જીવાય એવિએશન લીઝીંગ, જેકસન સ્ક્વેર એવિએશન અને બીઓસી એવિએશનનો સમાવેશ થાય છે.
RBI ઈ-રૂપી પાયલોટ પ્રોજેક્ટમાં 23-24માં વધુ બેંક્સનો સમાવેશ કરશે
મધ્યસ્થ બેંક સીબીડીસી પ્રોજેક્ટમાં નવા ઉપયોગો અને ફિચર્સ પણ ઉમેરશે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 2022-23 માટેના તેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે કે હાલમાં ચાલી રહેલા સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી(સીબીડીસી)ના પાયલોટ પ્રોજેક્ટમાં તે 2023-24માં વધુ બેંક્સનો સમાવેશ કરશે. સાથે તે ઈ-રૂપીના વધુ ઉપયોગો અને ફિચર્સનો પણ સમાવેશ ચાલુ નાણા વર્ષમાં કરશે.
મંગળવારે રજૂ કરેલા વાર્ષિક અહેવાલમાં આરબીઆઈએ નોંધ્યું હતું કે તે 2023-24માં વર્તમાન સીબીડીસી-રિટેલ અને સીબીડીસી-હોલસેલ પાયલોટ પ્રોજેક્ટ્સમાં વિવિધ ઉપયોગો અને ફિચર્સનો વિસ્તાર કરવા માગે છે. રિપોર્ટમાં જણાવ્યાં મુજબ 2022-23ના બજેટમાં જાહેર કરવામાં આવેલા ડિજિટાઈઝેશનના પ્રયાસોને આગળ ધપાવતાં તેણે ગયા વર્ષે સીબીડીસીને તબક્કાવાર રજૂ કર્યો હતો. જેમાં અનુક્રમે 1 નવેમ્બર તથા 1 ડિસેમ્બરે 2022ના રોજ હોલસેલ અને રિટેલ સેગમેન્ટ્સ માટે ડિજીટલ રૂપીને લોંચ કર્યો હતો. પાયલોટ્સ લોંચ કર્યાં પછી સામાન્ય પ્રજામાં જાગૃતિ ફેલાવવા માટે સીબીડીસી પર ‘કન્સેપ્ટ નોટ’ રજૂ કરવામાં આવી હતી એમ રિપોર્ટમાં ઉમેર્યું હતું. આરબીઆઈએ તેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે 2022-23માં બેંકિંગ સેક્ટર મારફતે પકડવામાં આવેલી કુલ ફેક કરન્સીમાંથી 4.6 ટકા આરબીઆઈ તરફથી જ્યારે 95.4 ટકા અન્ય બેંક્સ તરફતી પકડાઈ હતી. સેન્ટ્રલ બેંકે રૂ. 100ના ડિનોમિનેશન્સ ધરાવતી 78,699 અને રૂ. 200ના ડિનોમિનેન્શ ધરાવતી 27,258 નોટ્સ પકડી હતી. જ્યારે રૂ. 2000ના મૂલ્યની 9806 નોટ્સ જપ્ત કરી હતી. આરબીઆઈએ 19 મેના રોજ રૂ. 2000ની નોટ્સને વ્યવહારમાંથી પરત ખેંચવાનો નિર્ણય લીધો હતો. જોકે, તેણે જણાવ્યું હતું કે રૂ. 2000ની નોટ કાનૂની ચલણ તરીકે ચાલુ રહેશે. તેણે બેંક્સને તત્કાળ અસરથી રૂ. 2000ની નોટ્સ બંધ કરવાનું જણાવ્યું હતું.
કોર્પોરેટ હેડલાઈન્સ
આઈઆરસીટીસીઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 278.8 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 214 કરોડના પ્રોફિટ સામે 30.4 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 691 કરોડ સામે 39.7 ટકા વધી રૂ. 39.7 કરોડ પર જોવા મળી હતી.
હિકલઃ કેમિકલ અને ફોર્મ્યુલેશન્સ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 36 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 20.7 કરોડના પ્રોફિટ સામે 74 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 502.4 કરોડ સામે 8.5 ટકા વધી રૂ. 545.3 કરોડ પર જોવા મળી હતી.
આઈએસજીઈસીઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 86 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 37.6 કરોડના પ્રોફિટ સામે 115 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1596 કરોડ સામે 28 ટકા વધી રૂ. 2042.7 કરોડ પર જોવા મળી હતી.
સોભાઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 48.6 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 14 કરોડના પ્રોફિટ સામે 350 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 710.3 કરોડ સામે 70.3 ટકા વધી રૂ. 1209.9 કરોડ પર જોવા મળી હતી.
એનબીસીસીઃ પીએસયૂ સાહસે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 108.4 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 35 કરોડના પ્રોફિટ સામે 200 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 2441 કરોડ સામે 4.3 ટકા વધી રૂ. 2790 કરોડ પર જોવા મળી હતી.
ફોર્સ મોટર્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 146.7 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 42.8 કરોડના પ્રોફિટ સામે 200 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 841 કરોડ સામે 60 ટકા વધી રૂ. 1490 કરોડ પર જોવા મળી હતી.
એનએચપીસીઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 643.4 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 467 કરોડના પ્રોફિટ સામે 38 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1674.3 કરોડ સામે 21.2 ટકા વધી રૂ. 2028.8 કરોડ પર જોવા મળી હતી.
ટાઈમ ટેક્નોઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 63.6 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 56 કરોડના પ્રોફિટ સામે 14.5 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1039 કરોડ સામે 14.8 ટકા વધી રૂ. 1192.4 કરોડ પર જોવા મળી હતી.
ટેક્નોક્રાફ્ટઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 50 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 72 કરોડના પ્રોફિટ સામે 50 ટકા ઘટાડો સૂચવે છે.