શેરબજારમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ પાછળ નરમાઈ
નિફ્ટી બીજા દિવસે 18400 પર ટકવામાં નિષ્ફળ
વોલેટિલિટી ઈન્ડેક્સ 1 ટકો વધી 13.29ના સ્તરે
પીએસઈ અને આઈટી સિવાય નરમાઈ
ઓટો, એફએમસીજીમાં પણ પ્રોફિટ બુકિંગ
અદાણી જૂથ શેર્સમાં સાર્વત્રિક નરમાઈ
સોનાટા, હૂડકો, ઓરો ફાર્મા નવી ટોચે
પીવીઆર, સુમીટોમો નવા તળિયે
વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણ વચ્ચે ભારતીય શેરબજારમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 413 પોઈન્ટ્સ ગગડી 61932ની સપાટીએ જ્યારે નિફ્ટી 112ના ઘટાડે 18287ની સપાટીએ બંધ રહ્યાં હતાં. માર્કેટમાં સુસ્તી પાછળ બ્રેડ્થ પણ સાધારણ નેગેટિવ જોવા મળતી હતી. બીએસઈ ખાતે કુલ 3659 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1772 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1757 કાઉન્ટર્સ અગાઉના બંધ સામે પોઝીટીવ જોવા મળતાં હતાં. જ્યારે 151 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ દર્શાવી હતી અને 28 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1 ટકો વધી 13.29ના સ્તરે બંધ જોવા મળ્યો હતો.
મંગળવારે બેન્ચમાર્ક નિફ્ટીએ પોઝીટીવ ઓપનીંગ દર્શાવ્યું હતું. અગાઉના 18399ના બંધ સામે ઈન્ડેક્સ 18432ની સપાટીએ ખૂલી ઉપરમાં 18432ની ટોચ બનાવી સતત ઘસાતો રહ્યો હતો. સત્રના આખરી એક કલાકમાં વેચવાલીની તીવ્રતા વધી હતી અને જોતજોતામાં તે 18300ના સ્તરની નીચે ઉતરી ગયો હતો. ઈન્ટ્રા-ડે 18264નું બોટમ બનાવી તેની નજીક જ બંધ રહ્યો હતો. નિફ્ટી કેશની સરખામણીમાં નિફ્ટી ફ્યુચર્સ 38 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 18325ના સ્તરે બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 13 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. જેનો અર્થ એ થાય છે કે ઘટાડે લોંગ પોઝીશનમાં ઉમેરો થયો છે. જે બજારમાં આગામી સત્રમાં સ્થિરતા સૂચવે છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે 18100ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવવી જોઈએ. માર્કેટમાં હજુ પણ રિવર્સલના સંકેતો નથી. યુએસ ખાતે ડેટ સિલીંગને લઈ ચર્ચા શરૂ થઈ છે. જેની બજાર પર અસર જોવા મળી શકે છે. જો સમસ્યાનું પોઝીટીવ નિરાકરણ આવશે તો વૈશ્વિક બજારો પાછળ સુધારો સંભવ છે.
મંગળવારે નિફ્ટીને સપોર્ટ કરનારા મુખ્ય કાઉન્ટર્સમાં બીપીસીએલ, ઓએનજીસી, કોલ ઈન્ડિયા, બજાજ ફાઈનાન્સ, એનટીપીસી, એસબીઆઈ, એચયૂએલ, બજાજ ફિનસર્વ, ઈન્ફોસિસ અને હિંદાલ્કોનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, એચડીએફસી, તાતા મોટર્સ, એમએન્ડએમ, એચડીએફસી બેંક, એપોલો હોસ્પિટલ, મારુતિ સુઝુકી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, કોટક બેંક, સન ફાર્મા અને ભારતી એરટેલમાં નોંધપાત્ર નરમાઈ જોવા મળી રહી હતી. સેક્ટરલ દેખાવ જોઈએ તો જાહેર સાહસો અને આઈટી સિવાય સુસ્તી જોવા મળતી હતી. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સે નવી ટોચ દર્શાવી હતી. જેમાં સુધારો દર્શાવનાર મુખ્ય ઘટકોમાં આઈઓસી, હિંદુસ્તાન એરોનોટીક્સ, બીપીસીએલ, ઓએનજીસી, ભેલ, કોલ ઈન્ડિયા, એનટીપીસી અને ભારત ઈલેક્ટ્રીક મુખ્ય હતાં. નિફ્ટી આઈટી ઈન્ડેક્સમાં કોફોર્જ, એમ્ફેસિસ, એલટીઆઈમાઈન્ડટ્રી, ઈન્ફોસિસ, વિપ્રોમાં સુધારો જોવા મળતો હતો. જોકે આ સિવાય અન્ય સેક્ટર્સ નરમાઈ સૂચવતાં હતાં. જેમાં નિફ્ટી ઓટો એક ટકા સાથે ઘટવામાં ટોચ પર હતો. તાતા મોટર્સ, એમએન્ડએમ, મારુતિ સુઝુકી, બોશ, આઈશર મોટર્સ, અશોક લેલેન્ડ જેવા કાઉન્ટર્સમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતો હતો. નિફ્ટી બેંક 0.4 ટકા નરમાઈ દર્શાવતો હતો. જેમાં એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા બેંક, ફેડરલ બેંક અને બંધન બેંકનો સમાવેશ થાય છે. નિફ્ટી મેટલ પણ નરમાઈ સૂચવતો હતો. જેના ઘટકોમાં જિંદાલ સ્ટીલ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, નાલ્કો, જેસડબલ્યુ સ્ટીલ અને તાતા સ્ટીલ ઘટાડો દર્શાવતાં હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરું તો બિરલાસોફ્ટ 6.4 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત એસ્ટ્રાલ, ઓરોબિંદો ફાર્મા, વોડાફોન આઈડિયા, એલઆઈસી હાઉસિંગ, આઈઓસી, ઈન્ડિયન હોટેલ્સ, ઈન્ડુસ ટાવર્સ, હિંદુસ્તાન એરોનોટિક્સ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, આઈઈએક્સ અને મણ્ણાપુરમ ફાઈ.પણ સારો સુધારો દર્શાવતાં હતાં. બીજી બાજુ બર્ગર પેઈન્ટ્સ, આરઈસી, મેટ્રોપોલીસ, ટોરેન્ટ ફાર્મા, જિંદાલ સ્ટીલ, આદિત્ય બિરલા ફેશન, પાવર ફાઈનાન્સ, એચડીએફસીમાં નરમાઈ જોવા મળી હતી. સોનાટા, હૂડકો, ઓરો ફાર્માએ વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે પીવીઆર, સુમીટોમો નવા તળિયે ટ્રેડ થયાં હતાં.
RBIનું બોર્ડ શુક્રવારે સરકારને ડિવિડન્ડ પેઆઉટ માટે નિર્ણય લે તેવી સંભાવના
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનું બોર્ડ 19 મેના રોજ મળશે એમ જાણકાર વર્તુળોનું કહેવું છે. જેમાં તે સરકારને ડિવિડન્ડ ચૂકવણાને લઈને પણ ચર્ચા કરે તેવી સંભાવના છે. મુંબઈ ખાતે યોજાનારી બેઠકમાં સેન્ટ્રલ બેંકની ફાઈનાન્સિયલ સ્થિતિને લઈને તથા સરકારને કેટલી રકમ ડિવિડન્ડ તરીકે ચૂકવી શકાય તેમ છે તેને લઈને ચર્ચા થશે એમ નામ નહિ આપવાની શરતે વર્તુળોએ જણાવ્યું હતું.
પરંપરાગતરીતે આરબીઆઈ મે મહિનામાં બોર્ડ મિટિંગ દરમિયાન તેની નાણાકિય સ્થિતિની સમીક્ષા કરતી હોય છે અને સરકારને કેટલું ફંડ ટ્રાન્સફર કરી શકાય તેમ છે તે નિર્ધારિત કરતી હોય છે. આરબીઆઈને આ અંગે કરવામાં આવેલા મેઈલનો કોઈ પ્રત્યુત્તર જોકે મળ્યો નહોતો. સરકારે આરબીઆઈ તથા અન્ય જે નાણાકિય સંસ્થાઓમાં તે હિસ્સો ધરાવે છે તેની પાસેથી રૂ. 48000 કરોડનું ભંડોળ મેળવવાનો અંદાજ રાખ્યો છે. બેંકર્સ સહિતના એનાલિસ્ટ્સ નાણા વર્ષ 2022-23 માટે આરબીઆઈ તરફથી સરકારને રૂ. એક લાખ કરોડથી રૂ. 2 લાખ કરોડની રેંજમાં ડિવિડન્ડનો અંદાજ ધરાવે છે. 2021-22 માટે આરબીઆઈએ સરકારને રૂ. 30 બજાર કરોડનું ડિવિડન્ડ વિતરિત કર્યું હતું. જેને ધ્યાનમાં લેતાં આ વખતે પણ આરબીઆઈની બોર્ડ મિટિંગમાં ડિવિડન્ડ તરીકે ઊંચી રકમ ચૂકવાય તેવી શક્યતાં જોવાઈ રહી છે.
સપ્લાય ચેઈનના ડાયવર્સિફેકેશન માટ ટેસ્લાના અધિકારીઓ ભારતની મુલાકાત લેશે
ઈલેક્ટ્રીક કાર ઉત્પાદક કંપની ચીન ઉપરાંત સપ્લાય ચેઈનને અન્યત્ર વિસ્તારવા માગે છે
યુએસ ઈવી કાર જાયન્ટ ટેસ્લા ઈન્કના સિનિયર અધિકારીઓનું જૂથ ચાલુ સપ્તાહે ભારતની મુલાકાત માટે વિચારી રહ્યું છે એમ મિડિયા રિપોર્ટ જણાવે છે. આ મુલાકાતનો હેતુ સરકારી અધિકારીઓ સાથે ચર્ચા-મંત્રણાનો તથા ચીન ઉપરાંત અન્યત્ર કાર ઉત્પાદકની સપ્લાય ચેઈનને વિસ્તૃત બનાવવાની તકો શોધવાનો છે.
કંપનીના અધિકારીઓ ભારત સરકારના પ્રતિનિધિઓ સાથે મંત્રણા યોજે તેવું આયોજન છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કચેરીના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. તેમની વચ્ચ ટેક્લા કાર મોડેલ્સના કોમ્પોનેન્ટ્સ માટે સ્થાનિક સ્તરેથી સોર્સિંગ ચર્ચાનો મુખ્ય મુદ્દો બની રહેશે એમ નામ નહિ આપવાની શરતે વર્તુળો જણાવે છે. ગયા વર્ષે ભારત સરકાર સાથે ટેરિફ ઘટાડાને લઈને લાંબા સમયથી ચાલી રહેલી મડાગાંઠનો ઉકેલ નહિ આવતાં એલોન મસ્કે ભારતીય બજારમાં પ્રવેશની યોજનાને અટકાવી હતી. જ્યારે આ પગલાને આવકારવામાં આવી રહ્યું છે. જોકે, ટેસ્લાનો ભારતમાં શું પ્લાન છે તે હજુ પણ ખૂલ્લો કરવામાં નથી આવ્યો, તેમ છતાં આ મુલાકાત કંપની દેશમાં મજબૂત હાજરી ઈચ્છી રહી હોય તેવો સંકેત પૂરો પાડે છે. તેમજ તે દેશના ઝડપથી વૃદ્ધિ પામી રહેલા ઈલેક્ટ્રીક વેહીકલ માર્કેટનું ખેડાણ ઈચ્છી રહી હોય તેમ જણાય છે. ટેસ્લા જોડાણો અને સ્થાનિક ભાગીદારીઓ માટેની તકો શોધી રહી છે ત્યારે ઉદ્યોગ નિરીક્ષકો આ સંબંધમાં વધુ ડેવલપમેન્ટ્સને લઈ આતુરતા દર્શાવી રહ્યાં છે.
રવનીત કૌર CCIના પ્રથમ મહિલા વડા બન્યાં
એન્ટીટ્રસ્ટ સંસ્થાના ચેરમેન તરીકે તેઓ પ્રથમ નોન-સેક્રેટરી રેંક બ્યૂરોક્રેટ પણ છે
કમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા(સીસીઆઈ)ને તેના પ્રથમ મહિના પ્રમુખ મળ્યાં છે. પંજાબ કેડરના 1988ની બેંચના આઈએએસ ઓફિસર રવનીત કૌરને આ પદનો કારભાર સોંપવામાં આવ્યો છે. ઓક્ટોબરમાં 60મા વર્ષમાં પ્રવેશનાર કૌરને ઓક્ટોબર 2022થી ખાલી જગ્યાનો હવાલો અપાયો છે. અગાઉ આ સ્થાનનો કાર્યભાર અશોક ગુપ્તા સંભાળતા હતા.
સીસીઆઈના વડા તરીકે કૌર માત્ર પ્રથમ મહિના જ નથી પરંતુ તેઓ પ્રથમ નોન-સેક્રેટરી રેંક બ્યૂરોક્રેટ પણ છે. હાલમાં તેઓ પંજાબ સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યૂ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં સ્પેશ્યલ ચીફ સેક્રેટરી અને ફાઈનાન્સિયલ એડવાઈઝર છે. સિનિયર ગવર્મેન્ટ અધિકારીના મતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રે અનુભવ કૌરને સીસીઆઈના હાઈ પ્રોફાઈલ કેસના સંચાલનમાં ઉપયોગી બનશે એમ જણાવે છે. એન્ટીટ્રસ્ટ રેગ્યુલેટર કેટલીક જાયન્ટ ટેક કંપનીઓ સંબંધી કેસ લડી રહ્યો છે ત્યારે કૌરની નિમણૂંક કરવામાં આવી છે. સીસીઆઈ હાલમાં ગુગલ, વોટ્સએપ, ફેસબુક અને એમેઝોન જેવી કંપનીઓ સાથે એન્ટીટ્રસ્ટ સંબંધી કેસ લડી રહી છે. સીસીઆઈ પાસે 200 કેસિસનો બેકલોગ હતો. જેને ડિસેમ્બરમાં નેશનલ એન્ટી પ્રોફિટઅરીંગ ઓથોરિટીને ટ્રાન્સફર કરવામાં આવ્યાં હતાં. સિનિયર ઓફિસરના જણાવ્યા મુજબ સામાન્યરીતે સીસીઆઈના ચેરપર્સન્સ તરીકે પ્રવેશતી વ્યક્તિ અનુભવ અને સ્કીલ રહિતની હોય છે જ્યારે તેઓ સંસ્થામાંથી બહાર જાય છે ત્યારે તેઓ પાસે સ્કિલ હોય છે. કૌરનો પાંચવર્ષનો કાર્યકાળ તેમના હોદ્દાને સ્થિરતા પૂરી પાડશે એમ તેઓ ઉમેરે છે.
શાપુરજી પાલોનજી તાતા સન્સના શેર્સ પ્લેજ કરી 1.6 અબજ ડોલર ઊભા કરશે
કંપનીની ઓન્ટેરિયો મ્યુનિસિપલ એમ્પ્લોઈઝ રિટાર્મેન્ટ સિસ્ટમ, વાર્ડે પાર્ટનર્સ, સર્બેરસ અને ફેરાલોન કેપિટલની સાથે મંત્રણા
શાપુરજી પાલોનજી જૂથ પ્રાઈવેટ ક્રેડિટ ફેસિલિટી મારફતે 1.6 અબજ ડોલર ઊભા કરવા માટે વિચારી રહ્યું હોવાનું જાણકારોનું કહેવું છે. એન્જિનીયરીંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અગ્રમી આ માટે તાતા સન્સમાંના તેના કેટલાંક હિસ્સાનું પ્લેજ કરશે એમ તેઓ ઉમેરે છે. ડોઈશે બેંક અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક આ ડીલને શક્ય બનાવવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. અગાઉ પણ શાપુરજી પાલોનજી તાતા સન્સનો હિસ્સો ગિરવે મૂકી નાણા ઊભા કરી ચૂકી છે.
કંપની તાતા સન્સનો હિસ્સો પ્લેજ કરી નાણા ઊભા કરવા માટે હાલમાં ઓન્ટેરિયો મ્યુનિસિપલ એમ્પ્લોઈઝ રિટાર્મેન્ટ સિસ્ટમ, વાર્ડે પાર્ટનર્સ, સર્બેરસ અને ફેરાલોન કેપિટલ મેનેજમેન્ટ જેવા ફંડ્સ સાથે વાતચીત ચલાવી રહી છે. શાપુરજી પાલોનજી તરફથી જોકે આ અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નહોતી. ડોઈશે બેંક અને ઓન્ટેરિયો મ્યુનિસિપલે પણ કોઈ વાત કરી નહોતી. કંપની તરફથી ઊભી કરવામાં આવનાર નાણાનો આંશિક ઉપયોગ વર્તમાન લોન્સના રિફાઈનાન્સિંગ માટે કરવામાં આવશે એમ વર્તુળો જણાવે છે. ઊંચા ડેટનો સામનો કરી રહેલી શાપુરજી પાલોનજીએ છેલ્લાં બે વર્ષોમાં તેની કેટલીક નોન-કોર એસેટ્સનું વેચાણ પણ કર્યું છે. કંપની તાતા સન્સમાં 18 ટકા હિસ્સા સાથે ટોચની શેરધારક છે.
પ્રાટ એન્ડ વ્હીટની સાથેના વિવાદમાં ગો ફર્સ્ટની ઈમર્જન્સી આર્બિટેશનની માગ
કંપનીના મતે યુએસ કંપનીએ સમયસર એન્જિન નહિ આપવા ઉપરાંત ખામીભર્યાં એન્જિન્સ સપ્લાય કર્યાં હતાં
ભારતીય ઉડ્ડયન કંપની ગો એરલાઈન્સે એન્જીન મેકર પ્રાટ એન્ડ વ્હીટની સાથેના વિવાદમાં ડેલાવર ખાતે તત્કાળ આર્બિટ્રેશન ઓર્ડરને લાગુ પાડવાની જરૂરિયાત હોવાનું જણાવ્યું છે. ઉડ્ડયન કંપનીએ પોતાને બિઝનેસમાં જાળવી રાખવા માટે આમ જણાવ્યું છે.
ગો ફર્સ્ટે રેયથીઓન ટેક્નોલોજિસની માલિકીની એન્જિન ઉત્પાદકને તેની નાણાકિય પરેશાનીઓ અને તાજેતરમાં તેના સ્વૈચ્છિક બેક્ટ્રપ્સી ફાઈલીંગ માટે જવાબદાર ગણાવી છે. તેના મતે યુએસ કંપનીએ તેને ખામીભર્યાં એન્જિન સપ્લાય કરવા સાથે સમયસર એન્જિન રિપ્લેસ નહોતાં કર્યાં જેને કારણે તેણે અડધાં વિમાનોનો ઉપયોગ કરી શકી નહોતી. ગો એરલાઈન્સે માર્ચમાં સિંગાપુરમાં આપવામાં આવેલા આર્બિટ્રેશન ઓર્ડરને લાગુ પાડવા માટે ડેલાવેર સ્થિત ડિસ્ટ્રીક્ટ કોર્ટનો અભિગમ કર્યો છે. આ ઓર્ડરમાં પ્રાટને એરલાઈન કંપનીને સર્વિસેબલ સ્પેર એન્જિન્સનો સપ્લાય પૂરો પાડી સહાયતા કરવા માટે જણાવાયું હતું. ગયા સપ્તાહે પ્રાટ એન્ડ વ્હીટનીએ ડેલાવર કોર્ટમાં એક દલીલમાં જણાવ્યું હતું કે ગો ફર્સ્ટનો દાવો ખોટો છે અને વિવાદના પરિણામો બદલાઈ ચૂક્યાં છે. એન્જિન ઉત્પાદકનું કહેવું છે કે ગો ફર્સ્ટને બેંક્ટ્રપ્સી પ્રોટેક્શનની મંજૂરી મળ્યાં બાદ તે વધુ જોખમોનો સામનો કરી રહી છે. તેણે કોર્ટને એરલાઈનની વિનંતીને મોકૂફ રાખવા અથવા રદ કરવા જણાવ્યું હતું. ગો એરલાઈન્સે ડેલાવેર કોર્ટમાં જણાવ્યું હતું કે પ્રાટની દલીલ નિષ્ફળ ગઈ છે. એરલાઈને ઈમર્જન્સી આર્બિટ્રેડરને ટાંકીને ફાઈલીંગમાં જણાવ્યું છે કે જો તેને એન્જીનની ડિલિવરીના સ્વરૂપમાં રાહત પૂરી પાડવામાં નહિ આવે તો ગો ફર્સ્ટ બિઝનેસમાંથી બહાર નીકળી જવાનો પડકાર રહેલો છે. પ્રાટ તરફથી ઈચ્છવામાં આવે રહેલો સ્ટે કંપનીને નુકસાન પહોંચાડશે એમ ફાઈલીંગમાં જણાવાયું છે. પ્રાટ એન્ડ વ્હીટની તરફથી આ અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નહોતી.
સરકારે ક્રૂડ પરનો વિન્ડફોલ ટેક્સ દૂર કર્યો
દેશમાં ઉત્પાદિત ક્રૂડ પર રૂ. 4100 પ્રતિ ટન વિન્ડફોલ ટેક્સ વસૂલાતો હતો
ભારત સરકારે પેટ્રોલિયમ ક્રૂડ પરના વિન્ડફોલ ટેક્સને દૂર કર્યો છે. સરકાર પ્રતિ ટન રૂ. 4100નો વિન્ડફોલ ટેક્સ વસૂલી રહી હતી. આ નિર્ણય મંગળવારથી અમલી બન્યો હોવાનું સરકારી જાહેરનામું જણાવતું હતું. અગાઉ મે મહિનામાં સરકારે સ્થાનિક સ્તરે ઉત્પાદિત ક્રૂડ પર રૂ. 6400 પ્રતિ ટન પરથી વિન્ડફોલ ટેક્સને ઘટાડે રૂ. 4100 ટન કર્યો હતો. જ્યારે પેટ્રોલ, ડિઝલ અને એવિએશન ટર્બાઈન ફ્યુઅલ(એટીએફ) પરના વિન્ડફોલ ટેક્સને શૂન્ય પર જાળવી રાખ્યો હતો. અગાઉ, સરકારે સ્થાનિક સ્તરે ઉત્પાદિત ક્રૂડ પર વિન્ડફોલ ટેક્સને શૂન્યથી વધારી રૂ. 6400 પ્રતિ ટન કર્યો હતો. સરકારે ડિઝલ પરની એક્સપોર્ટ ડ્યુટીને પણ નાબૂદ કરી હતી. છેલ્લાં બે સપ્તાહના સરેરાશ ક્રૂડ ભાવને આધારે દર 15 દિવસે ટેક્સ રેટમાં સમીક્ષા હાથ ધરવામાં આવે છે.
સરકારે જુલાઈ 2022માં પ્રથમવાર એનર્જી કંપનીઓ પર વિન્ડફોલ ટેક્સ લાગુ પાડ્યો હતો. તે સાથે ભારત સરકાર ક્રૂડના ઊંચા ભાવોમાંથી સુપર-નોર્મલ પ્રોફિટ રળી રહેલી કંપનીઓ પાસેથી ટેક્સ વસૂલતાં દેશોની યાદીમાં જોડાઈ હતી. તેણે ઓઈલ ઉત્પાદકો પર વિન્ડફોલ ટેક્સ લાગુ પાડવા સાથે વિદેશી બજારોમાં પેટ્રોલ, ડિઝલ અને એટીએફનું વેચાણ કરી ઊંચો નફો રળતાં રિફાઈનર્સ પર પણ લાગુ પાડ્યો હતો. ક્રૂડ પર વિન્ડફોલ ટેક્સ લાગુ પાડીને સરકારનો હેતુ ડિઝલ અને પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં કરવામાં આવેલા ઘટાડાને સરભર કરવાનો હતો. રશિયા-યૂક્રેન વોર પછી ક્રૂડના ભાવમાં તીવ્ર ઉછાળાને પગલે સરકારે પેટ્રોલિયમ પેદાશો પરની એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો. ક્રૂડ પરનો વિન્ડફોલ ટેક્સ દૂર થવાથી વેદાંતા લિમિટેડ અને ઓએનજીસી જેવી કંપનીઓને લાભ મળશે.
5G સ્મોર્ટફોનનો ખર્ચ ઘટાડવા કવાલકોમનું OEMs સાથે જોડાણ
કંપની રૂ. 8000થી નીચેની રેંજમાં 5જી સ્માર્ટફોન બનાવશે
વૈશ્વિક ફેબલેસ ચીપ મેકર ક્લાલકોમ ઈન્ક હાલમાં ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યૂફેક્ચરર્સ(ઓઈએમ્સ) સાથે મળીને 5જી સ્માર્ટફોનના ખર્ચને નીચો લાવવા માટે કાર્ય કરી રહી છે. કંપની 90 ડોલર આસપાસ(રૂ. 7000-8000)ના ખર્ચે વાજબી પ્રમાણમાં અધિક ફિચર્સ સાથે ફોન તૈયાર થાય તેવો પ્રયાસ કરી રહી છે. જેથી ઊંચા વોલ્યુમ ધરાવતાં માસ(સમૂહ) માર્કેટને આકર્ષી શકાય એમ મોબાઈલ ડિવાઈસ ઉત્પાદકો જણાવે છે.
કવાલકોમ ઈન્ડિયા અને સાર્કના પ્રેસિડેન્ટ રાજેન વગાડિયાના જણાવ્યા મુજબ ભારતમાં મીડ અને એન્ટ્રી-લેવલ ફોન્સ વોલ્યુમના મુખ્ય ચાલકબળો છે. આ સેગમેન્ટને ટાર્ગેટ કરી રહેલા ગ્રાહકો પોસાય શકે તેવા 5જી સ્માર્ટફોનની પ્રાપ્તિની રાહ જોઈ રહ્યાં છે. આ સેગમેન્ટ્સમાં પ્રોડક્ટ ડિઝાઈન કરવા માટે અમારો રોડ મેપ OEMને સમર્થ બનાવશે અને અપેક્ષા મુજબ 5જી હેન્ડસેટ્સ રૂ. 10000 અને તેનાથી નીચેના પ્રાઈસ પોઈન્ટ્સને પણ તોડશે એમ તેઓ ઉમેરે છે. દેશમાં સમગ્રતયા સ્માર્ટફોન્સના વેચાણમાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે આમ બની રહ્યું છે. માર્ચ ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે દેશમાં સ્માર્ટ ફોન્સના વેચાણમાં 19 ટકા ઘટાડો નોંધાયો હતો. જે સતત ત્રીજા ક્વાર્ટર દરમિયાન હેન્ડસેટ્સના વેચાણમાં ઘટાડો સૂચવતો હતો.
ટ્વિટરે હાયરિંગ સ્ટાર્ટઅપ લાસ્કીની ખરીદી કરી
સોશ્યલ મિડિયા કંપનીએ એલોન મસ્કના નેતૃત્વમાં પ્રથમ એક્વિઝીશન કર્યું
એલોન મસ્કના નેતૃત્વ હેઠળ પ્રથમ ડિલમાં ટ્વિટરે જોબ-મેચીંગ ટેક સ્ટાર્ટઅપ લાસ્કીની ખરીદી કરી હોવાનું જાણવા મળે છે. મસ્કે કંપનીને ટેકઓવર કર્યાં બાદ આ પ્રથમ એક્વિઝિશન હોવાનું વર્તુળો જણાવે છે. તેમના મતે આ ડીલ ટ્વિટરને પેમેન્ટ્સ સહિતના વિવિધ ફિચર્સ સાથેની ‘સુપર-એપ’માં ટ્રાન્સફોર્મ કરવાના બિલિયોનર મસ્કના વિઝનને આગળ ધપાવે છે.
આ ડીલ અંગે જાણકાર ઈન્સાઈડરના કહેવા મુજબ ટ્વિટર આ ડિલ માટે રોકડ ઉપરાંત શેર્સમાં ચૂકવણું કરશે. જોકે વાસ્તવિક ખરીદ ભાવ નક્કિ કરવાનું શક્ય નથી બન્યું પરંતુ વર્તુળો તે કરોડો ડોલરમાં હોવાનો દાવો કરી રહ્યાં છે. જોકે, આનાથી વધુ કોઈ માહિતી મળી શકી નથી. તેમજ ટ્વિટરે એક્સિઓસના રિપોર્ટ પર કોઈ ટિપ્પણી પણ નથી કરી. એલોન મસ્કે 2022ના આખરી ક્વાર્ટરમાં ટ્વિટરને હસ્તગત કરી હતી અને કંપનીમાં મોટાપાયે કર્મચારીઓની છટણી સાથે ટોચના પદો પર મોટા ફેરફાર હાથ ધર્યાં હતાં.
બેંક ઓફ બરોડાનો નફો 168 ટકા ઉછળી રૂ. 4775 કરોડ રહ્યો
જાબેર ક્ષેત્રની બીજા ક્રમની બેંક બેંક ઓફ બરોડાએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 4775.33 કરોડનો નફો નોઁધાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 168.46 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. કંપનીએ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1778.77 કરોડનો નફો દર્શાવ્યો હતો. બેંકની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ રૂ. 11525 કરોડ પર જોવા મળી હતી. જે વાર્ષિક 33.8 ટકા વૃદ્ધિ સૂચવતી હતી. બેંકના બોર્ડે રૂ. 5.50ના શેર દિઠ ડિવિડન્ડની જાહેરાત કરી હતી. કંપનીની ઓપરેટીંગ ઈન્કમ રૂ. 14,991 કરોડ જ્યારે ગ્લોબલ નેટ ઈન્ટરેસ્ટ માર્જિન વાર્ષિક ધોરણે 45 બેસીસ પોઈન્ટ્સ વધી 3.53 ટકા પર રહ્યાં હતાં. બેંકનું ડોમેસ્ટીક નેટ ઈન્ટરેસ્ટ માર્જિન 51 બેસીસ પોઈન્ટ્સ વધી રૂ. 3.65 ટકા પર રહ્યું હતું. બેંકની ગ્રોસ એનપીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં 6.61 ટકા પરથી ઘટી 3.79 ટકા પર જોવા મળી હતી. જ્યારે નેટ એનપીએ રેશિયો ડિસેમ્બર ક્વાર્ટરમાં 1.72 ટકા પરથી ઘટી 0.89 ટકા પર નોંધાયો હતો. બેંકનો પ્રોવિઝન કવરેજ રેશિયો 92.43 ટકા જોવાયો હતો. જ્યારે સ્લીપેજ રેશિયો 1.02 ટકા ઘટી 2.52 ટકા પર નોંધાયો હતો.
IOCએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 10059 કરોડનો નફો નોંધાવ્યો
સરકારી ઓઈલ રિફાઈનીંગ અને માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને માર્ચ ક્વાર્ટરમાં રૂ. 10059 કરોડનો નફો દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 67 ટકા ઉછાળો સૂચવે છે. ગયા વર્ષે સમાનગાળામાં કંપનીએ રૂ. 6021 કરોડનો નફો નોંધાવ્યો હતો બેંકની કામકાજી આવક 10 ટકા વૃદ્ધિ સાથે રૂ. 2.6 લાખ કરોડ પર રહી હતી. જ્યારે 2022-23માં સરેરાશ ગ્રોસ રિફાઈનીંગ માર્જિન 19.52 ડોલર પ્રતિ બેરલ પર રહ્યાં હતાં. જે અગાઉના વર્ષ દરમિયાન 11.25 ડોલર પ્રતિ બેરલ પર હતાં. કંપનીને ડોમેસ્ટીક એલપીજીના વેચાણ પણ અન્ડર રિકવરીઝનો સામનો કરવા પડી રહ્યો હતો. જે માટે સરકારે વન ટાઈમ કોમ્પન્સેશનના ભાગરૂપે રૂ. 10,801 કરોડની ગ્રાન્ટ આપી હતી. કંપનીના બોર્ડે પ્રતિ શેર રૂ. 3ના આખરી ડિવિડન્ડની ભલામણ કરી હતી.
કોર્પોરેટ હેડલાઈન્સ
ફાઈઝરઃ ફાર્મા કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 129.7 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 125.8 કરોડની સરખામણીમાં 3.1 ટકા ઊંચો છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 549.7 કરોડ સામે 4.2 ટકા વધી ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 572.6 કરોડ પર જોવા મળી હતી.
કોરોમંડલઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 246.4 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 290 કરોડની સરખામણીમાં 15 ટકા નીચો છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 4227 કરોડ સામે 30 ટકા વધી ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 5476 કરોડ પર જોવા મળી હતી.
ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 311 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 179 કરોડની સરખામણીમાં 74 ટકા ઊંચો છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 3261 કરોડ સામે 12.1 ટકા વધી ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 3656 કરોડ પર જોવા મળી હતી.
સૂર્યોદય એસએફબીઃ સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંકે 2022-23ના નવ મહિનામાં રૂ. 38.8 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. નાણા વર્ષ 2021-22ના 9 મહિનામાં બેંકે રૂ. 44.9 કરોડની ખોટ કરી હતી. બેંકનું લોન વિતરણ 33.3 ટકા વધી રૂ. 3,395.6 કરોડ પર જોવા મળ્યું હતું. જ્યારે બેંકના કુલ એડવાન્સ 11 ટકા વધી રૂ. 5,408.2 કરોડ રહ્યાં હતાં. બેંકની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ 22.5 ટકા વધી રૂ. 536.5 કરોડ થઈ હતી.
ઉત્તમ સુગરઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 70 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 61 કરોડની સરખામણીમાં 15 ટકા ઊંચો છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 490.4 કરોડ સામે 7.5 ટકા વધી ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 527.4 કરોડ પર જોવા મળી હતી.
કરુર વૈશ્ય બેંકઃ પ્રાઈવેટ બેંકે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 338 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 214 કરોડ સામે 58.3 ટકાની વૃદ્ધિ સૂચવે છે. બેંકની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ 25.7 ટકા વધી રૂ. 892.6 કરોડ પર રહી હતી. બેંકની જીએનપીએ 2.7 ટકા પરથી ઘટી 2.27 ટકા પર તથા નેટ એનપીએ 0.94 ટકા પરથી સુધરી 0.74 ટકા રહી હતી. બેંકે પ્રતિ શેર રૂ. 2ના ડિવિડન્ડની ભલામણ કરી છે.
નુવોકો વિસ્ટાસઃ સિમેન્ટ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 383 કરોડનો એબિટા નોંધાવ્યો છે. જે વાર્ષિક 41 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ત્રિમાસિક ધોરણે 12 ટકા વધી રૂ. 2929 કરોડ રહી હતી. કંપનીનું વોલ્યુમ 17 ટકા વધી 52 લાખ ટન રહ્યું હતું. જ્યારે નેટ ડેટ રૂ. 751 કરોડ ઘટી રૂ. 4414 કરોડ જોવા મળ્યું હતું.
એસ્ટ્રાલઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 206 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 144 કરોડની સરખામણીમાં 43.1 ટકા ઊંચો છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1390 કરોડ સામે 8.3 ટકા વધી ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 1506 કરોડ પર જોવા મળી હતી.
પ્રોક્ટર હેલ્થઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 59.2 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 51.2 કરોડની સરખામણીમાં 16 ટકા ઊંચો છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 268 કરોડ સામે 20 ટકા વધી ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 321 કરોડ પર જોવા મળી હતી.