Market Summary 13/04/23

આઈટી કંપનીઓ તરફથી નિરાશા વચ્ચે બજારમાં આગેકૂચ જારી
નિફ્ટીએ સતત નવમા સત્રમાં પોઝીટીવ બંધ દર્શાવ્યું
વૈશ્વિક બજારોમાં મિશ્ર ટ્રેન્ડ
વોલેટિલિટી ઈન્ડેક્સ 3 ટકા ગગડી 11.90ના સ્તરે
બેંકિંગ, રિઅલ્ટી, ઓટો, મેટલમાં પોઝીટીવ વલણ
આઈટી, ફાર્મા અને મિડિયામાં નરમાઈ
જેબી કેમિકલ્સ, એચડીએફસી, જીએમઆર નવી ટોચે

ભારતીય શેરબજારમાં સતત નવમા સત્રમાં સુધારો જોવા મળ્યો હતો. જોકે, ઈન્ટ્રા-ડે ધોરણે બજાર મોટાભાગનો સમય નેગેટિવ ઝોનમાં ટ્રેડ દર્શાવતું રહ્યું હતું. જ્યારે આખરી સમયમાં ખરીદી પાછળ તે પોઝીટીવ બંધ રહેવામાં સફળ રહ્યું હતું. જે સૂચવે છે કે બજારમાં તેજીવાળાઓ આસાનીથી બાજી છોડવા તૈયાર નથી. બીએસઈ સેન્સેક્સ 38 પોઈન્ટ્સ સુધારા સાથે 60431ની સપાટીએ જ્યારે નિફ્ટી 16 પોઈન્ટ્સ સુધારા સાથે 17828ની સપાટીએ બંધ જોવા મળ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં ખરીદી જળવાય રહેવા પાછળ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 28 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 22 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળી રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ ધીમી ખરીદી જળવાય હતી. બીએસઈ ખાતે કુલ 3610 કાઉન્ટર્સમાંથી 1849 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1643 નેગેટિવ જોવા મળ્યાં હતાં. 106 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 33 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું નોંધાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 3 ટકા ગગડી 11.90ના સ્તરે બંધ રહ્યો હતો.
ગુરુવારે ભારતીય બજારની શરૂઆત સાધારણ નેગેટિવ જોવા મળી હતી. નિફ્ટી અગાઉના 17812ના બંધ સામે 17807ની સપાટીએ ખૂલ્યાં બાદ ધીમો ઘસાતો જોવા મળ્યો હતો. મધ્યાંતર સુધીમાં 17730નું તળિયું બનાવી તે સુધારાતરફી બન્યો હતો અને 17842ની ટોચ બનાવી તેની નજીક જ બંધ આપ્યું હતું. કેશ નિફ્ટીની સરખામણીમાં નિફ્ટી ફ્યુચર 56 પોઈન્ટ્સના પ્રિમીયમે 17884ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 53 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે સાધારણ સુધારો દર્શાવે છે. આમ માર્કેટમાં લોંગ-શોર્ટ પોઝીશનમાં ખાસ ફેરફારના સંકેતો નથી. માર્કેટ એનાલિસ્ટ્સ બજારની મધ્યમગાળાની ચાલને લઈને નેગેટિવ વલણ ધરાવે છે. જોકે, નજીકમાં એકવાર બેન્ચમાર્ક 18000નું સ્તર પાર કરે તેવી શક્યતાં પણ જોઈ રહ્યાં છે. જે વખતે 18200ના સ્ટોપલોસથી શોર્ટ પોઝીશન લઈ શકાય એમ માને છે. ટેકનિકલ એનાલિસ્ટ્સ જોકે 17800નો સપોર્ટ જૂએ છે. જે તૂટશે તો 17500-17600ની રેંજમાં બજાર પટકાઈ શકે છે એમ જણાવે છે. તેમના મતે, હાલમાં નવી પોઝીશનથી દૂર રહેવું જોઈએ કેમકે કામકાજ ઘણા ઓછા છે.
ગુરુવારે નિફ્ટીને સપોર્ટ કરનારા મુખ્ય કાઉન્ટર્સમાં ઈન્ડસઈન્ડ બેંક ટોચ પર હતો. આ ઉપરાંત એચડીએફસી લાઈફ, આઈશર મોટર્સ, એપોલો હોસ્પિટલ, પાવર ગ્રીડ કોર્પોરેશન. એક્સિસ બેંક, બજાજ ફિનસર્વ, કોટક મહિન્દ્રા બેંક અને અદાણી એન્ટરપ્રાઈઝિસ મુખ્ય હતાં. બીજી બાજુ ઈન્ફોસિસ 3 ટકા ઘટાડા સાથે સૌથી વધુ તૂટ્યો હતો. આ ઉપરાંત ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, ટીસીએસ, એનટીપીસી, બીપીસીએલ, સન ફાર્મા, લાર્સન અને હીરો મોટોકોર્પ ઘટવામાં અગ્રણી હતાં. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો બેંકિંગ, રિઅલ્ટી, ઓટો, મેટલમાં પોઝીટીવ વલણ જોવા મળ્યું હતું. બેંકનિફ્ટી 1.4 ટકા ઉછળી 42,133ની સપાટીએ બંધ રહ્યો હતો. જેમાં એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક 17 ટકા સાથે ઉછળવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ઈન્ડસઈન્ડ બેંક, એક્સિસ બેંક, પીએનબી, કોટક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. રિઅલ્ટી ઈન્ડેક્સ 1.2 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેમાં ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી 3 ટકાથી વધુ ઉછળ્યો હતો. આ ઉપરાંત ગોદરેજ પ્રોપર્ટીઝ, ડીએલએફ, ફિનિક્સ મિલ્સ, હેમિસ્ફિઅરમાં પણ સુધારો નોંધાયો હતો. આઈટી કંપનીઓએ અપેક્ષાથી ઊણા પરિણામો રજૂ કરતાં નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 2.2 ટકા ઘટાડો દર્શાવતો હતો. જેમાં એલટીઆઈ માઈન્ડટ્રી 4 ટકા સાથે તૂટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ઈન્ફોસિસ, એમ્ફેસિસ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, ટીસીએસ, એલએન્ડટી ટેક્નોલોજીમાં પણ નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 0.76 ટકા ગગડ્યો હતો. જેમાં સન ફાર્મા, લ્યુપિન, ડિવિઝ લેબ્સ, ટોરેન્ટ ફાર્મા, ડો. રેડ્ડીઝ લેબ્સ, સિપ્લા અને ઝાયડસ લાઈફ ઘટવામાં અગ્રણી હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટમાં સુધારો દર્શાવવામાં એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક 17 ટકા સાથે ટોચ પર હતી. આ ઉપરાંત ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી લાઈફ, ગોદરેજ પ્રોપર્ટીઝ, આઈશર મોટર્સ, ટીવીએસ મોટર, એસબીઆઈ કાર્ડ, એસ્કોર્ટ્સ કુબોટા, વ્હર્લપુલ અને ડિક્સોન ટેક્નોલોજીનો સમાવેશ થાય છે. બીજી બાજુ, ઘટાડો દર્શાવવામાં એલટીઆઈમાઈન્ડટ્રી, પર્સિસ્ટન્ટ, લૌરસ લેબ્સ, ઈન્ફોસિસ, એમ્ફેસિસ, પાવર ફાઈનાન્સ, બિરલા સોફ્ટ ટોચ પર હતાં. સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં જેબી કેમિકલ્સ, એચડીએફસી, જીએમઆર એરપોર્ટ્સ, આઈજીએલ, ઝાયડસ લાઈફ, ગોદરેજ કન્ઝ્યૂમર, મેક્સ હેલ્થકેરનો સમાવેશ થતો હતો.

ઈન્ફોસિસે 7.8 ટકા વૃદ્ધિ સાથે રૂ. 6128 કરોડનો નફો દર્શાવ્યો
કંપનીની આવક 16 ટકા વધી રૂ. 37,441 કરોડ પર જોવા મળી

દેશની બીજા ક્રમની આઈટી સર્વિસ કંપની ઈન્ફોસિસે માર્ચ ક્વાર્ટર માટે રૂ. 6128 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 7.8 ટકા વૃદ્ધિ સૂચવે છે. જોકે, ત્રિમાસિક ધોરણે તે નફામાં ઘટાડો દર્શાવી રહી છે. ડિસેમ્બર 2022 ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 6586 કરોડનો નફો નોંધાવ્યો હતો. માર્ચ ક્વાર્ટરમાં કંપનીની કોન્સોલિડેટેડ રેવન્યૂ રૂ. 37441 કરોડ પર રહી હતી. જે વાર્ષિક ધોરણે 16 ટકા વૃદ્ધિ દર્શાવે છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 32,276 કરોડની આવક નોંધાવી હતી. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ. 38318 કરોડ પર રહી હતી. કંપનીના પરિણામો દલાલ સ્ટ્રીટની અપેક્ષાથી ઊણા જોવા મળ્યાં હતાં. જેને લઈને રોકાણકારોમાં નિરાશા જોવા મળી હતી.
આઈટી જાયન્ટે રૂ. 7877 કરોડનો એબિટા નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 6956 કરોડ પર હતો. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો એબિટા રૂ. 8242 કરોડ પર જોવા મળ્યો હતો. એબિટા માર્જિન પણ ત્રિમાસિક ધોરણે 0.5 ટકા ઘટી 21 ટકા પર જોવા મળ્યાં હતાં. કોન્સ્ટન્ટ કરન્સી આધારે જોઈએ તો કંપનીની રેવન્યૂ 8.8 ટકા વૃદ્ધિ દર્શાવતી હતી. જે સમગ્ર નાણા વર્ષ દરમિયાન 15.4 ટકા પર જોવા મળી હતી. જીઓગ્રાફીની રીતે જોઈએ તો ચોથા ક્વાર્ટરમાં નોર્થ અમેરિકાએ આવકમાં મુખ્ય વૃદ્ધિ દર્શાવી હતી. કુલ આવકમાં તેનો હિસ્સો 61 ટકા જેટલોહતો. જ્યારબાદ 27 ટકા સાથે યુરોપ તથા 9.4 ટકા સાથે બાકીનું વિશ્વ અને 2.6 ટકા સાથે ભારતનો ક્રમ જોવા મળતો હતો. માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો એટ્રિશન રેટ ઘટી 20.9 ટકા પર રહ્યો હતો. જે ડિસેમ્બર ક્વાર્ટરમાં 24.3 ટકા પર હતો. કંપનીના કુલ કર્મચારીઓની સંખ્યા 3,43,234 લાખ પર હતી. જે ત્રિમાસિક ધોરણે 3611 કર્મચારીઓનો ઘટાડો દર્શાવતી હતી. ચોથા ક્વાર્ટરમાં મોટી ડિલ્સનું કુલ મૂલ્ય 2.1 અબજ ડોલર પર જોવા મળ્યું હતું. જે સમગ્ર વર્ષ માટે 9.8 અબજ ડોલર પર નોંધાયું હતું. કંપનીના બોર્ડે નાણા વર્ષ માટે રૂ. 17.50 પ્રતિ શેરના આખરી ડિવિડન્ડની ભલામણ કરી હતી. જે સાથે 2022-23 દરમિયાન કુલ રૂ. 34 પ્રતિ શેરનું ડિવિડન્ડ મળશે. જે ગયા વર્ષની સરખામણીમાં 9.7 ટકા વૃદ્ધિ સૂચવે છે.

100 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતાં બિઝનેસિસે 7 દિવસોમાં ઈ-ઈનવોઈસ અપલોડ કરવું પડશે

દેશમાં રૂ. 100 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતાં બિઝનેસિસે આગામી 1 મેથી 7 દિવસોમાં આઈઆરપી પર ઈ-ઈનવોઈસ અપલોડ કરવું પડશે એમ જીએસટી નેટવર્કે જણાવ્યું છે. હાલના નિયમ મુજબ બિઝનેસિસ આ પ્રકારના ઈનવોઈસિસને ઈનવોઈસ રજિસ્ટ્રેશન પોર્ટલ(IRP) પર આવા ઈનવોઈસના ઈસ્યુ ડેટથી નિસ્બર રાખ્યા સિવાય વર્તમાન દિવસે અપલોડ કરે છે.
કરદાતાઓને એક એડવાઈઝરીમાં જીએસટી નેટવર્કે જણાવ્યું છે કે સરકારે આઈઆરપી પોર્ટલ્સ પર ઈ-ઈનવોઈસ પર ઓલ્ડ ઈનવોઈસિસના રિપોર્ટિંગ પર સમય મર્યાદા લાગુ પાડવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય વાર્ષિક 100 કરોડ કે તેનાથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે છે. જીએસટીએન જણાવે છે કે સમયસર કોમ્પ્લાયન્સ માટે આ કેટેગરીમાં આવતાં કરદાતાઓને રિપોર્ટીંગ તારીખના સાત દિવસો પછી ઈનવોઈસ રિપોર્ટિંગની છૂટ નહિ મળે. કરદાતાઓને આ જરૂરિયાતના પાલન માટે પૂરતો સમય પૂરો પાડવા માટે નવું ફોર્મેટ 1 મે, 2023થી અમલમાં મૂકવામાં આવશે એમ પણ જીએસટીએને ઉમેર્યું છે. આ મર્યાદા ઈનવોઈસ પર લાગુ પડશે. જ્યારે ડેબિટ/ક્રેડિટ નોટ્સના રિપોર્ટિંગ પર કોઈ સમય મર્યાદા લાગુ પડશે નહિ એમ તેણે ઉમેર્યું છે. એક ઉદાહરણ આપતાં જીએસટીએને જણાવ્યું છે કે ધારોકે ઈનવોઈસ 1 એપ્રિલ 2023ની તારીખ ધરાવતું હશે તો તેનું રિપોર્ટિંગ 8 એપ્રિલ 2023 પછી કરી શકાશે નહિ. ઈનવોઈસ રજિસ્ટ્રેશન પોર્ટલમાં ઊભી કરવામાં આવેલી વેલિડેશન સિસ્ટમ સાત-દિવસની વિન્ડો પછી ઈનવોઈસના રિપોર્ટિંગ માટે છૂટ નહિ આપે એમ પણ જણાવાયું છે. આમ, કરદાતાએ નવી સમય મર્યાદા હેઠળ ઈનવોઈસને સાત દિવસોમાં જ રિપોર્ટ કરવું ફરજિયાત બની રહેશે. જીએસટી નિયમો મુજબ, જો આઈઆરપી પર ઈનવોઈસ અપલોડ કરવામાં આવ્યું ના હોય તો બિઝનેસિસ ઈનપુટ ટેક્સ ક્રેડિટ(આઈટીસી) મેળવી શકે નહિ. એક ટેક્સ નિષ્ણાતના જણાવ્યા મુજબ ટેક્નોલોજિકલ ફેરફાર મોટી કંપનીઓમાં જોવા મળતાં ઈ-ઈનવોઈસિસમાં પાછોતરી ડેટ નાખવાની પ્રવૃત્તિને રોકશે. એકવાર મોટા ટેક્સપેયર્સ માટે તેના સફળ અમલીકરણ પછી સરકાર નાના કરદાતાઓ માટે પણ આ ફેરફારને અમલી બનાવે તેવી અપેક્ષા છે એમ તેઓ ઉમેરે છે. હાલમાં, રૂ. 10 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતાં બિઝનેસિસે જ તેના તમામ બી2બી ટ્રાન્ઝેક્શન્સ માટે ઈલેક્ટ્રોનિક ઈનવોઈસ જનરેટ કરવાની જરૂરિયાત રહે છે. જીએસટી નિયમો હેઠળ 1 ઓક્ટોબર, 2020થી રૂ. 500 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે બીટુબી ટ્રાન્ઝેક્શન્સ પર ઈ-ઈનવોઈસિંગ ફરજિયાત બનાવાયું હતું. જેને પાછળથી 1 જાન્યુઆરી, 2021થી રૂ. 100 કરોડના ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે પણ લંબાવાયું હતું. જ્યારે 1 એપ્રિલ, 2021થી રૂ. 50 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ જ્યારે 1 એપ્રિલ, 2022થી રૂ. 20 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ પર પણ તેને લાગુ પાડવામાં આવ્યું હતું. જેને 1 ઓક્ટોબર, 2022થી રૂ. 10 કરોડ સુધી લઈ જવામાં આવ્યું હતું.

દેશમાં ઘઉંનો જથ્થો 83.4 લાખ ટનના 6-વર્ષના તળિયે જોવાયો
વાર્ષિક ધોરણે ઘઉંના જથ્થામાં 57 ટકાનો તીવ્ર ઘટાડો
ગયા વર્ષે એપ્રિલમાં સરકાર પાસે 1.89 કરોડ ટન ઘઉઁનો જથ્થો જોવા મળતો હતો

દેશમાં સરકારી ગોદામોમાં ઘઉંના જથ્થામાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. સરકારી એજન્સી ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(એફસીઆઈ) પાસે હાલમાં માત્ર 83.45 લાખ ટન ઘઉંનો જથ્થો જોવા મળી રહ્યો છે. જે છેલ્લાં છ-વર્ષોનું તળિયું છે. ચાલુ દાયકામાં બીજીવાર એવું બન્યું છે જે વખતે ઘઉંનો જથ્થો 85 લાખ ટનની નીચે ઉતરી ગયો છે.
ગયા વર્ષે અત્યારના સમયે એફસીઆઈ પાસે 1.89 કરોડ ટન ઘઉંનો જથ્થો પડ્યો હતો. જેમાં એક વર્ષમાં 57 ટકાનો તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છએ. જેની પાછળનું મુખ્ય કારણ ગયા વર્ષે સરકારી એજન્સીએ દર્શાવેલી ઘઉંની ખરીદીમાં ખાધ સાથે કોમોડિટીના ભાવને અંકુશમાં જાળવવા માટે સરકારે મુક્ત બજારમાં તાત્કાલિક ધોરણે ઘઉંને છૂટા કરવાની ઊભી થયેલી જરૂરિયાત છે. હાલમાં, દેશમાં ઘઉંના જથ્થાને લઈ ચિંતા જોવા મળી રહી છે. માર્ચ મહિનામાં જોવા મળેલા કમોસમી વરસાદને કારણે દબાણમાં ઓર વૃદ્ધિ થઈ છે. જોકે, સરકારી વર્તુળોના જણાવ્યા મુજબ માવઠાંને કારણે ઘઉઁના પાકને ખાસ નુકસાન જોવા નથી મળ્યું. જો વરસાદ થોડો વહેલો પડ્યો હોત તો પાકને 25-30 ટકા જેટલું નુકસાન થયું હોત એમ નિષ્ણાતોનું કહેવું છે. જોકે, દેશમાં ઘણો ખરો પાક માર્ચ મહિનાના પ્રથમ પખવાડિયામાં લેવાઈ ચૂક્યો હતો અને તેથી આવા પાક પર માવઠાંની કોઈ પ્રતિકૂળ અસર જોવા મળી નહોતી. એક અંદાજ મુજબ, ઘઉંના પાકને નુકસાન 10 ટકાથી નીચું જોવા મળી રહ્યું છે. ચાલુ રવિ સિઝનમાં દેશમાં ઘઉંનું વાવેતર ઊંચું જોવા મળ્યું હતું અને શરૂઆતી સ્થિતિને જોતાં વિક્રમી પાકની અપેક્ષા હતી. જોકે, હવે તેમાં 25 લાખ ટન આસપાસ ઘટાડો જોવા મળી શકે છે. જોકે તેમ છતાં તે 10-11 કરોડ ટન વચ્ચે રહેવાની શક્યતાં છે. જે ગઈ સિઝન કરતાં ઊંચો છે.
એ વાત નોંધવી રહી કે ગયા વર્ષે સરકારે 4.44 કરોડ ટનનો ઘઉં ખરીદીનો ટાર્ગેટ રાખ્યો હતો. જે પાછળથી ઘટાડી 1.95 કરોડ ટન કરવો પડ્યો હતો. જોકે, આખરે સરકારી એજન્સીઝ માત્ર 1.879 કરોડ ટન ઘઉંની ખરીદી કરી શકી હતી. જે છેલ્લાં 16-વર્ષોમાં સૌથી નીચી હતી. આમ થવાનું કારણ ઘઊંના ઊંચા ભાવ પણ જવાબદાર હતાં. જેને કારણે ખેડૂતોએ તેમનો માલ એફસીઆઈ વેચવાના બદલે મુક્ત બજારમાં ઊંચા ભાવે વેપારીઓને વેચવાનું પસંદ કર્યું હતું. પાછળથી સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. જાહેર વિતરણ સિસ્ટમ(પીડીએસ) ડેટા જોઈએ તો સરકારે છેલ્લાં ત્રણ વર્ષોમાં સરેરાશ 4 કરોડ ટન ઘઉંનું વિતરણ કર્યું છે. હાલમાં સરકાર પાસે 83.34 લાખ ટન ઘઉંના જથ્થાને જોતાં તેણે પીડીએસ માટે 3.415 કરોડ ટન ઘઉંની ખરીદી કરવાની રહેશે.

છેલ્લાં વર્ષોમાં સરકારી એજન્સીઝ પાસે ઘઉંનો જથ્થો
વર્ષ જથ્થો(લાખ ટનમાં)
2014 242.0
2015 172.2
2016 145.3
2017 80.5
2018 132.3
2019 169.9
2020 247.0
2021 273.0
2022 189.9
2023 83.45

પેસેન્જર વેહીલ્સના વેચાણમાં 2022-23માં 27 ટકા ઉછાળો નોંધાયો
અગાઉના વર્ષે 31 લાખ યુનિટ્સની સરખામણીમાં ગયા વર્ષે 39 લાખ પીવીનું વેચાણ જોવા મળ્યું
સેમીકંડક્ટરની તંગી હળવી બનતાં કાર ઉત્પાદકોને મળેલી રાહત

ભારતમાં પેસેન્જર વેહીલ્સના વેચાણમાં ગયા નાણા વર્ષ 2022-23માં 26.7 ટકાની તીવ્ર વૃદ્ધિ જોવા મળી હતી. સેમીકંડક્ટર્સ અથવા તો ચીપની ઉપલબ્ધતાં વ્યાપક બની રહેવાથી સ્પોર્ટ યુટિલિટી વેહીકલ્સ(એસયૂવી)ના ઉત્પાદનમાં વેગ નોંધાયો હતો એમ ઓટો ઈન્ડસ્ટ્રી સંસ્થા સિયામે જણાવ્યું હતું.
ભારતમાં પેસેન્જર વેહીકલ્સનું વેચાણ નાણા વર્ષ 2022-23માં 39 લાખ યુનિટ્સ પર નોંધાયું હતું. જે 31 માર્ચ, 2022ના રોજ પૂરાં થયેલા વર્ષ દરમિયાન 31 લાખ યુનિટ્સ પર જોવા મળ્યું હતું. આમ વાર્ષિક ધોરણે લગભગ 9 લાખ યુનિટ્સ વેચાણ વૃદ્ધિ જોવા મળી હતી. જે અંતિમ આંકડાની રીતે કોઈપણ વર્ષ દરમિયાન સૌથી ઊંચી હતી. સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યૂફેક્ચરર્સના મતે કંપની તરફથી ડિલર્સને આ વિક્રમી વેચાણ હતું. સમગ્ર વર્ષ દરમિયાન ઈન્ફ્લેશન ઊંચું રહેવા છતાં પીવીની માગ ઊંચી રહી હતી. તેમાં પણ એસયૂવીની ડિમાન્ડ વિક્રમી સ્તરે જોવા મળી હતી. જેનું મુખ્ય કારણ પેન્ટ-અપ ડિમાન્ડ હતું. જેણે ઓટોમોબાઈલના વેચાણને સપોર્ટ પૂરો પાડ્યો હતો.
વર્ષની આખરમાં નવા ફ્યુઅલ એમિશન નિયમો અગાઉ ખરીદી કરવા માટે પણ એક પ્રકારે ધસારો જોવાયો હતો. ઉપરાંત તહેવારોમાં પણ માગ ઊંચી રહી હતી. જોકે ચીપ સપ્લાય સારો થવાને કારણે કંપનીઓ ઊંચું પ્રોડક્શન જાળવી શકી હતી. દેશમાં લોઅર-ટુ-મિડલ ઈન્કમ ધરાવતાં પરિવારોની નાણાકિય તંદુરસ્તીના માપદંડ સમાન ટુ-વ્હીલર્સના વેચાણમાં પણ 16.9 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. અગાઉ ચાલુ મહિનાની શરૂમાં ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ એસોસિએશન્સ(ફાડા)એ પણ મજબૂત ડેટા રજૂ કર્યો હતો. દેશમાં રિટેલ વેચાણના આંકડા જાહેર કરતી સંસ્થાઓ નવા નાણા વર્ષ માટે વેચાણ વૃદ્ધિ જોકે એક અંકી તથા નીચેની બાજુ રહેવાની અપેક્ષા વ્યક્ત કરી હતી. જેના મુખ્ય કારણોમાં ઊંચા ઈન્ફ્લેશન સાથે કાર ઉત્પાદકો તરફથી તેમની પ્રોડક્ટના ભાવમાં કરવામાં આવેલો વધારો જવાબદાર હોવાનું નોંધ્યું હતું. માર્ચમાં રિટેલ ઈન્ફ્લેશન ડેટા 5.66 ટકા પર જોવા મળ્યો હતો. જે એપ્રિલમાં 6.44 ટકા પર હતો. ઓટો ઉત્પાદકો જેવાકે મારુતિ સુઝુકી અને હીરો મોટોકોર્પે તેમની પ્રોડક્ટ્સના ભાવમાં ચાલુ વર્ષની શરૂઆતથી વૃદ્ધિ કરી છે. સિઆમના જણાવ્યા મુજબ માર્ચમાં કુલ પેસેન્જર વેહીકલ્સ વેચાણમાં 4.5 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી.

એપલે ભારતમાં ગયા વર્ષે 7 અબજ ડોલરના આઈફોન બનાવ્યાં
કંપનીએ 2022-23માં પાંચ અબજ ડોલરના આઈફોન્સ નિકાસ પણ કર્યાં
યુએસ ટેક જાયન્ટ ભારતમાં હાલમાં આઈફોન્સનું લગભગ 7 ટકા ઉત્પાદન કરી રહી છે, જે 2021માં માત્ર 1 ટકા પર હતું

એપલ ઈન્કે ગયા નાણા વર્ષ 2022-23માં ભારતમાં 7 અબજ ડોલરથી વધુના મૂલ્યના આઈફોન્સનું ઉત્પાદન હાથ ધર્યું હતું. જે વાર્ષિક ધોરણે ત્રણ ગણી વૃદ્ધિ દર્શાવે છે. ચીન બહાર ઉત્પાદન સુવિધાને ખસેડવાના ભાગરૂપે આમ બન્યું હતું.
યુએસ કંપની હાલમાં ભારતમાં લગભગ સાત ટકા આઈફોન્સનું ઉત્પાદન ધરાવે છે એમ જાણકાર વર્તુળો જણાવે છે. કંપનીના બે ઉત્પાદક ભાગીદારો ફોક્સકોન ટેક્નોલોજી ગ્રૂપ અને પેગાટ્રોન કોર્પ ભારતમાં તેમની ઉત્પાદન સુવિધા વિસ્તારી રહ્યાં છે. 2021માં ભારતમાં અંદાજે 1 ટકા આઈફોન્સનું ઉત્પાદન નોંધાયું હતું.
યુએસ અને ચીન વચ્ચે ટ્રેડ વોર જેવા તણાવો વચ્ચે એપલ ચીન પરની તેની નિર્ભરતા ઘટાડવા ઈચ્છે છે. લાંબા સમયથી એપલના ભાગીદારો તેમની ચીનની સુવિધાનું અન્યત્ર સ્થાનાંતર કરી રહ્યાં છે. જે ઝડપ ગયા વર્ષે વધતી જોવા મળી હતી. વિશ્વમાં સૌથી ઊંચું વેલ્યૂએશન ધરાવતી એપલે ગયા વર્ષે ચીન સ્થિત ફોક્સકોનની મુખ્ય ઉત્પાદન સુવિધા ખાતે અરાજક્તાનો સામનો કરવાનો બન્યો હતો. જેને કારણે એપલની સપ્લાય ચેઈન પર ગંભીર અસર જોવા મળી હતી અને ઉત્પાદનમાં કાપ મૂકવો પડ્યો હતો. જ્યારે બીજી બાજુ ભારતે સ્થાનિક સ્તરે મેન્યૂફેક્ચરિંગને વેગ આપવા માટે ઈન્સેન્ટિવ્સ આપવાનું શરૂ કરતાં ઘણી કંપનીઓ ભારતમાં તેમની સુવિધાની સ્થાપના માટે આકર્ષાઈ છે. માર્ચ 2023માં પૂરા થતાં વર્ષ દરમિયાન એપલે ભારતમાંથી કુલ ઉત્પાદનના 5 અબજ ડોલરના ફોનની નિકાસ કરી હતી. જે અગાઉના વર્ષની સરખામણીમાં ચાર ગણી હતી. એપલ ભારતમાં તેના નવા મોડેલ્સનું ઉત્પાદન શરૂ કરે તેવી શક્યતાં છે. પ્રથમવાર એવું બનશે કંપની ભારત અને ચીનમાં એકસાથે નવા મોડેલ્સનું ઉત્પાદન શરૂ કરશે. જો આક્રમકપણે ભારતમાં આઈફોન્સ ઉત્પાદનમાં વિસ્તરણ ચાલુ રહ્યું તો 2025ના ચોથા ક્વાર્ટર સુધીમાં એપલ ભારતમાં તેના કુલ ઉત્પાદનનો 25 ટકા હિસ્સો ઉત્પાદિત કરતું હશે એમ માનવામાં આવે છે. હાલમાં એપલના ત્રણેય ભાગીદારો મળીને ભારતમાં 60 હજાર કામદારો ધરાવે છે.

વૈશ્વિક બજાર પાછળ સોનું-ચાંદીમાં મજબૂતી
યુએસ ખાતે માર્ચ મહિના માટેનો કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ફ્લેશન ડેટા અપેક્ષા કરતાં નીચો આવતાં ડોલરમાં નરમાઈ પાછળ ગોલ્ડ અને સિલ્વરમાં મજબૂતી જોવા મળી હતી. વૈશ્વિક કોમેક્સ ખાતે ગોલ્ડ વાયદો 2045 ડોલરની ટોચ દર્શાવી 2043 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યો હતો. જે 0.9 ટકા સુધારો સૂચવતો હતો. જ્યારે સિલ્વર ફ્યુચર એક ટકાથી વધુ મજબૂતી સાથે 25.75 ડોલર પર જોવા મળતો હતો. જેની પાછળ એમસીએક્સ સિલ્વર રૂ. 450ની મજબૂતીએ રૂ. 76363ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ગોલ્ડ રૂ. 331ના સુધારે રૂ. 60959ની સપાટીએ ટ્રેડ થતો હતો. સોના કરતાં ચાંદી વધુ સારો દેખાવ દર્શાવી રહી છે. એનાલિસ્ટ્સ ચાંદીમાં નજીકમાં રૂ. 80 હજારની સર્વોચ્ચ સપાટીની અપેક્ષા રાખી રહ્યાં છે.

રવિ પાક બજારમાં પ્રવેશતાં મકાઈના ભાવમાં 15 ટકાનો ઘટાડો
છેલ્લાં એક સપ્તાહમાં મકાઈના ભાવમાં 15 ટકાનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. જેનું મુખ્ય કારણ બજારમાં રવિ સિઝનની આવકો છે. હાલમાં ભાવ ઘટીને રૂ. 2010 પ્રતિ ક્વિન્ટલ પર જોવા મળી રહ્યાં છે. જે સરકાર નિર્ધારિત રૂ. 1962ના લઘુત્તમ ટેકાના ભાવની ખૂબ નજીક છે. જેને જોતાં ભાવ આ સપાટી નીચે ઉતરી જવાની પૂરી શક્યતાં છે. જે સ્થિતિમાં સરકારે માર્કેટમાં દરમિયાનગીરી કરવાની બની શકે છે. મકાઈના મુખ્ય વપરાશકાર એવા પોલ્ટ્રી સેક્ટરની માગ હળવી છે જ્યારે બીજી બાજુ આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચા સપ્લાયને કારણે નિકાસ માગ પણ મંદ જોવા મળી રહી છે. હાલમાં ભારતીય મકાઈના ભાવ 291 ડોલર પ્રતિ ટન ટ્રેડ થઈ રહ્યાં છે. જ્યારે આર્જેન્ટીના અને બ્રાઝિલના માલના ભાવ અનુક્રમે 301 ડોલર અને 288 ડોલર પર જોવા મળે છે.

આઈઓસીઃ પીએસયૂ ઓઈલ માર્કેટિંગ કંપની હરિયાણામાં પાણીપત ખાતે પ્રસ્તાવિત સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ પ્રોડ્ક્શન પ્લાન્ટમાં સ્થાનિક એરલાઈન્સ કંપનીઓને લઘુમતી હિસ્સાની ઓફર કરે તેવી શક્યતાં છે. કેન્દ્રિય ઉડ્ડયન સચિવની અધ્યક્ષામાં મળેલી બેઠકમાં આ પ્રસ્તાવ રજૂ કરાયો હતો.
રિલાયન્સ જીઓઃ દેશમાં ટોચના ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરે ભારતી એરટેલ સામે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં ફરિયાદ કરી છે. જેમાં એરટેલ તરફથી રિલાયન્સ જીઓના કન્ઝ્યૂમર-ફ્રેન્ડલી ટેરિફના કરાઈ રહેલા વિરોધને બદઈરાદાપૂર્વકનો ગણાવ્યો છે. ભારતીએ તાજેતરમાં ટ્રાઈનો વન સર્વિસ-વન રેટ સિસ્ટમ માટે સંપર્ક કર્યો હતો.
સુગર કંપનીઝઃ વૈશ્વિક બજારમાં રો-સુગરના ભાવ 11-વર્ષોની ટોચ પર પહોંચ્યાં છે. જેનો લાભ ભારતીય કંપનીઓને મળી શકે છે. હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ભારત ટોચનું ખાંડ નિકાસકાર છે. સ્થાનિક બજારમાં પણ ખાંડના ભાવ ટોચ પર જોવા મળી રહ્યાં છે. લંડન તે મે ડિલિવરી વાયદો 0.04 ટકા મજબૂતીએ 24.38 સેન્ટ્સ પ્રતિ પાઉન્ડ પર જોવા મળ્યો હતો.
વેદાંતાઃ કોમોડિટી બિઝનેસમાં સક્રિય જૂથે ગુરુવારે રૂ. 2100 કરોડનું ફંડ ઊભું કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ ફંડ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ મારફતે ઊભું કરવામાં આવશે. જે પ્રાઈવેટ પ્લેસમેન્ટ બેસીસ પર એલેટ કરાશે.
જેએસપીએલઃ જીંદાલ સ્ટીલ એન્ડ પાવરે તેની રેલ ઉત્પાદન ક્ષમતાને બમણી કરી 22 લાખ ટનની કરવાનો નિર્ણય લીધો છે. આ માટે તે ઓરિસ્સાના અંગુલ ખાતે 12 લાખ ટનની ક્ષમતાનો પ્લાન્ટ સ્થાપશે. જેમાં કંપની રૂ. 2500-3000 કરોડનું રોકાણ કરશે.
લ્યુપિનઃ ફાર્મા કંપની નાણા વર્ષ 2023-24માં 17 રિજિયોનલ રેફરન્સ લેબોરેટરી ખોલશે. આમાંથી 7-8 લેબોરેટરીઝ દક્ષિણ ભારતમાં હશે. જ્યારે બાકીની પશ્ચિમ ભારતમાં હશે. કંપનીએ તાજેતરમાં બેંગલૂરૂ ખાતે તેની બીજી લેબોરેટરી શરૂ કરી હતી. કંપની હૈદરાબાદમાં લેબોરેટરી ધરાવે છે.
બેંક ઓફ ઈન્ડિયાઃ પીએસયૂ બેંક નવા નાણા વર્ષ 2023-24માં રૂ. 6500 કરોડ ઊભા કરવા માટે વિચારી રહી છે. બેંક ફોલો-ઓન-પબ્લિક ઓફર ઉપરાંત ક્યૂઆઈપી, રાઈટ્સ ઈસ્યુ અને પ્રેફરન્શિયલ ઈસ્યૂ મારફતે આ નાણા ઊભા કરશે. ઉપરાંત તે એડિશ્નલ ટિયર-1 બોન્ડ્સ મારફતે રૂ. 4500 કરોડ ઊભા કરશે.
બજાજ ફાઈનાન્સઃ દેશની અગ્રણી એનબીએફસી બજાજ ફાઈનાન્સ કેલેન્ડર 2025 સુધીમાં માઈક્રો ફાઈનાન્સ સેગમેન્ટમાં પ્રવેશશે. કંપની મધ્યમ વર્ગ સિવાયના વર્ગ પર તેનું ધ્યાન કેન્દ્રિત કરવાના ભાગરૂપે આમ કરશે. આગામી 12-મહિનામાં કંપની કાર ફાઈનાન્સ સેગમેન્ટમાં પણ પ્રવેશ કરશે.
ભેલઃ પીએસયૂ એન્જિનીયરીંગ કંપનીએ પ્રેશરાઈઝ્ડ હેવી વોટર રિએક્ટર ટેક્નોલોજી આધારિત ન્યૂકલિયર પાવર પ્લાન્ટ્સની સ્થાપના માટે એનપીસીઆઈએલ સાથે એમઓયૂ કર્યાં છે.
રાઈટ્સઃ રેલ્વેની કંપનીએ કેરળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ફંડ બોર્ડ તરફથી રૂ. 72 કરોડના મૂલ્યનો ઓર્ડર મેળવ્યો છે.
અદાણી ટ્રાન્સમિશનઃ અદાણી ટ્રાન્સમિશનની સબસિડીયરી અદાણી ઈલેક્ટ્રિસિટી મુંબઈએ બે વર્ષોમાં રિન્યૂએબલ એનર્જીનો હિસ્સો વધારી 30 ટકા કર્યો છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage