સાવચેતી વચ્ચે શેરબજારમાં નવા નાણા વર્ષની પોઝીટીવ શરૂઆત
નિફ્ટી 17400 પર બંધ આપવામાં નિષ્ફળ
જોકે સેન્સેક્સે 59000ની સપાટી પાર કરી
વોલેટિલિટી ઈન્ડેક્સ 3 ટકા ગગડી 12.58ના સ્તરે
ઓટો, ફાર્મા, બેંકિંગમાં મજબૂતી
આઈટી, એફએમસીજી, મેટલમાં નરમાઈ
અદાણી જૂથ શેર્સમાં પણ ઘટાડો
જેબીએમ ઓટો, સોનાટા, એઆઈએ એન્જિ. નવી ટોચે
ટીમલીઝ સર્વિસિઝ 52-સપ્તાહના તળિયે
ભારતીય શેરબજારમાં નવા નાણાકિય વર્ષની પોઝીટીવ શરૂઆત જોવા મળી હતી. સોમવારે ઉઘડતાં સપ્તાહે માર્કેટ સાંકડી રેંજમાં અથડાયેલું રહ્યાં બાદ ગ્રીન ઝોનમાં બંધ આપવામાં સફળ રહ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 115 પોઈન્ટ્સના સુધારે 59106ની સપાટીએ જ્યારે નિફ્ટી 38 પોઈન્ટ્સ સુધારે 17398ની સપાટીએ બંધ જોવા મળ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં નોંધપાત્ર ખરીદી પાછળ માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. જેમાં નિફ્ટી-50માં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 35 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 15 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ સ્થિતિ સમાન હતી. બીએસઈ ખાતે કુલ 3759 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2773 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે માત્ર 856 કાઉન્ટર્સ નેગેટિવ બંધ સૂચવતાં હતાં. 129 કાઉન્ટર્સે તેમનું વાર્ષિક તળિયું બનાવ્યું હતું. જ્યારે 94 કાઉન્ટર્સે 52-સપ્તાહની ટોચ બનાવી હતી. કુલ 15 કાઉન્ટર્સ અપર સર્કિટમાં બંધ રહ્યાં હતાં. જ્યારે 4 કાઉન્ટર્સ નીચલી સર્કિટમાં બંધ જોવા મળતાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2.8 ટકા ગગડી 12.58ના સ્તરે બંધ રહ્યો હતો.
ગયા સપ્તાહાંતે યુએસ બજારમાં તીવ્ર મજબૂતી પાછળ સોમવારે એશિયન સહિત ભારતીય બજારો પોઝીટીવ ઝોનમાં ટ્રેડ દર્શાવતાં હતાં. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 17360ના બંધ સામે 17428ની સપાટીએ ગેપ-અપ ઓપનીંગ દર્શાવી દિવસ દરમિયાન સાંકડી રેંજમાં અથડાયેલો જોવા મળ્યો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે 17313ની બોટમ બનાવી તે પરત ફર્યો હતો અને પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી કેશની સરખામણીમાં નિફ્ટી ફ્યુચર્સ 77 પોઈન્ટ્સના પ્રિમીયમે 17475ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 82 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે ઘટાડો સૂચવતો હતો. આનો અર્થ એ છે કે માર્કેટમાં ઊંચા સ્તરે લોંગ પોઝીશન હળવી થઈ રહી છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીને 17400 આસપાસ અવરોધ નડી રહ્યો છે અને તેથી આ સપાટી પાર કરવામાં તેને સમય લાગી શકે છે. જો તે 17050નું સ્તર તોડશે તો 16600 સુધી ગગડી શકે છે. આમ માર્કેટમાં સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. ઊંચા મથાળે લેણમાં ચડી જવાની ઉતાવળ કરવા જેવી નથી. મીડ અને સ્મોલ-કેપ્સમાં બાર્ગેન હંટિંગની ઘણી તકો છે. જેને ચોક્કસ ઝડપી શકાય તેમ છે.
સોમવારે નિફ્ટીને સમર્થન પૂરું પાડનારા કાઉન્ટર્સમાં હીરો મોટોકોર્પ, કોલ ઈન્ડિયા, બજાજ ઓટો, મારુતિ સુઝુકી, આઈશર મોટર્સ, ડિવિઝ લેબ્સ, બજાજ ફાઈનાન્સ, ઓએનજીસી, યૂપીએલ અને ભારતી એરટેલનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, ઘટાડો દર્શાવનાર કાઉન્ટર્સમાં બીપીસીએલ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, એપોલો હોસ્પિલ્સ, આઈટીસી, ઈન્ફોસિસ, સિપ્લા, એચયૂએલ અને જેએસડબલ્યુ સ્ટીલ મુખ્ય હતાં. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો ઓટો, ફાર્મા, બેંકિંગમાં મજબૂતી જોવા મળી હતી. જેમાં નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 1.5 ટકા સુધારો સૂચવતો હતો. તેના મુખ્ય કાઉન્ટર્સમાં હીરો મોટોકોર્પ, બજાજ ઓટો, મારુતિ સુઝુકી, આઈશર મોટર્સ, અમર રાજા બેટરીઝ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, અશોક લેલેન્ડ અને એમએન્ડએમમાં નોંધપાત્ર સુધારો જોવા મળતો હતો. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ અડધો ટકો સુધર્યો હતો. જેમાં ડિવિઝ લેબ્સ, બાયોકોન, ડો. રેડ્ડીઝ લેબ્સ, ટોરેન્ટ ફાર્મા અને લ્યુપિન સુધારો દર્શાવતાં હતાં. નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેસ એક ટકાથી વધુ મજબૂતી દર્શાવતો હતો. જેમાં યૂકો બેંક 7 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત પંજાબ એન્ડ સિંધ બેંક, બેંક ઓફ મહાકાષ્ટ્ર, આઈઓબી, સેન્ટ્રલ બેંક અને જેકે બેંકમાં પણ સારો સુધારો નોઁધાયો હતો. આઈટી, એફએમસીજી, મેટલમાં નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 0.23 ટકા ઘટાડે બંધ રહ્યો હતો. જેમાં ઈન્ફોસિસ, એલટીઆઈમાઈન્ડટ્રી અને ટીસીએસ ઘટવામાં અગ્રણી હતાં. બીજી બાજુ, એલએન્ડટી ટેક્નોલોજી પોઝીટીવ જોવા મળી રહ્યો હતો. એચસીએલ ટેક, કોફોર્જ અને વિપ્રો પણ સુધારો દર્શાવતાં હતાં. નિફ્ટી એફએમસીજીમાં નરમાઈ જોવા મળી હતી. જેમાં આઈટીસી, જ્યુબિલિઅટ ફૂડ, એચયૂએલ, યુનાઈટેડ સ્પિરિટ્સ, ગોદરેજ કન્ઝ્યૂમર, મેરિકો ઘટાડો દર્શાવતાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં જીએમઆર એરપોર્ટ્સ 7 ટકાથી વધુ સુધારા સાથે ટોચ પર હતો. આ ઉપરાંત વોડાફોન, આઈઈએક્સ, બંધન બેંક, લૌરસ લેબ્સ, ડેલ્ટા કોર્પ, જીએનએફસી, ગ્લેનમાર્ક, કેન ફિન હોમ્સ, ચંબલ ફર્ટિ, વેદાંત, પોલીકેબ, બલરામપુર ચીનીમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, મહાનગર ગેસમાં 6 ટકાથી વધુ ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત એચપીસીએલ, બીપીસીએલ, એયૂ સ્મોલ, દિપક નાઈટ્રેટ, એસઆરએફ, આઈજીએલ, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝમાં નરમાઈ જોવા મળી રહી હતી. કેટલાંક 52-સપ્તાહની ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં જેબીએમ ઓટો, સોનાટા, એઆઈએ એન્જિનીયરીંગ, મણ્ણાપુરમ ફાઈનાન્સ, ગુજરાત પીપાવાવ, એનસીસી, સિમેન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, દાલમિયા ભારત અને ઝાયડસ લાઈફનો સમાવેશ થતો હતો. જ્યારે ટીમલીઝ સર્વિસિઝે વાર્ષિક તળિયું બનાવ્યું હતું.
વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ માર્ચમાં પોઝીટીવ ઈનફ્લો નોંધાવ્યો
FPI તરફથી જાન્યુઆરીમાં રૂ. 29 હજાર કરોડનો ઊંચો આઉટફ્લો જોવા મળ્યો હતો
વિદેશી સંસ્થાકિય રોકાણકારો તરફથી ચાલુ કેલેન્ડરમાં પ્રથમવાર માર્ચ મહિના દરમિયાન પોઝીટીવ ઈનફ્લો નોંધાયો હતો. જેમાં તેમણે રૂ. 7936 કરોડનું ચોખ્ખું રોકાણ દર્શાવ્યું હતું. 2023ના શરૂઆતી બે મહિના દરમિયાન એફપીઆઈ તરફથી નેગેટિવ ફ્લો જોવા મળ્યો હતો. જેમાં જાન્યુઆરીમાં તેમણે રૂ. 28852 કરોડની તીવ્ર વેચવાલી નોંધાવી હતી. જ્યારે ફેબ્રુઆરીમાં પણ તેમણે રૂ. 5294 કરોડનું નેટ સેલીંગ દર્શાવ્યું હતું. જોકે માર્ચ દરમિયાન પોઝીટીવી ઈનફ્લો નોંધાવા પાછળ અદાણી જૂથમાં યુએસ બેઝ્ડ જીક્યુજી પાર્ટનર્સ તરફથી જોવા મળેલું રૂ. 15 હજાર કરોડથી વધુનું રોકાણ કારણભૂત હોવાનું વર્તુળો જણાવે છે. તેમના મતે, માર્ચમાં પણ વિદેશી સંસ્થાકિય રોકાણકારો તરફથી સમગ્રતયા વેચવાલી જળવાય હતી. જોકે એકાદ-બે બલ્ક ડિલ્સ પાછળ તેમના તરફથી ફ્લો પોઝીટીવ જોવા મળ્યો હતો. ગયા કેલેન્ડરમાં આખરી મહિના ડિસેમ્બરમાં એફપીઆઈ તરફથી રૂ. 11,119 કરોડનો ઈનફ્લો નોંધાયો હતો. એક બ્રોકરેજે તેના રિપોર્ટમાં નોંધ્યા મુજબ નવા નાણા વર્ષ દરમિયાન એફપીઆઈ તરફથી નજીકના સમયગાળામાં ફ્લો પોઝીટીવ જળવાય રહેવાની શક્યતાં ઊંચી છે. જે માટેના બે મુખ્ય કારણોમાં એક તો ફેડ તરફથી રેટ વૃદ્ધિમાં પોઝની શક્યતાં છે. જ્યારે બીજું કારણ ભારતીય બજારના વેલ્યૂએશન્સનું વાજબી બનવું છે. છેલ્લાં એક વર્ષમાં ભારતીય બેન્ચમાર્ક્સ 23ના પીઈ પરથી ઘટીને હાલમાં 18ના પીઈ પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. જે તેની લોંગ-ટર્મ એવરેજને જોતાં વાજબી વેલ્યૂએશન સૂચવે છે. સ્થાનિક બજારનું હરિફ બજારોની સરખામણીમાં વેલ્યૂએશન પ્રિમીયમ નોંધપાત્ર રીતે ઘટી ગયું છે. જ્યારે સ્થાનિક કંપનીઓ તરફથી ડિસેમ્બર ક્વાર્ટરમાં અપેક્ષિત પરિણામોને જોતાં નીચા મથાળે સ્થાનિક બજારમાં એફઆઈઆઈ પરત ફરી શકે છે. ઉપરાંત, કેટલાંક સ્થાનિક પરિબળો જેવાકે કરન્સ એકાઉન્ટ ડેફિસિટમાં પ્રભાવી ટર્નએરાઉન્ડને જોતાં તેમની વેચવાલીમાં ઘટાડાની શક્યતાં છે. સાથે નિકાસ મોરચે સ્થિતિ સુધરી રહી છે. જે એફઆઈઆઈને માટે મોટી રાહત સમાન છે.
UBS 36K સાથે 20-30 ટકા કર્મચારીઓની છટણી કરી શકે
ક્રેડિટ સ્વીસ સાથે મર્જર પછી યુબીએસ સમગ્ર વિશ્વમાં તેના કર્મચારીઓમાં 36000 જોબ્સનો ઘટાડો કરી શકે છે એમ એક સ્વીસ સાપ્તાહિકે નોંધ્યું છે. ગયા વર્ષે 19 માર્ચે સ્વીસ સરકારની દરમિયાનગીરી પાછળ યૂબીએસે ક્રેડિટ સ્વીસને ટેકઓવર કરી હતી. યૂબીએસે ગયા સપ્તાહે જણાવ્યું હતું કે મુશ્કેલીમાં મુકાયેલી ક્રેડિટ સ્વીસની ખરીદીમાં જોવા મળેલા જોખમને જોતાં તે ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યૂટીવ સર્ગિઓ ઈર્મોટ્ટીને પરત બોલાવશે.
રવિવારે આંતરિક સ્રોતોને ટાંકીને સ્વીસ સાપ્તાહિકે જણાવ્યું હતું કે બેંકનું મેનેજમેન્ટ તેના 20-30 ટકા વર્કફોર્સની છટણી કરી શકે છે. જેનો અર્થ 25000થી 36000 કર્મચારીઓની નોકરી જોખમમાં હોવાનું ગણી શકાય. આમાંથી સ્વિટ્ઝર્લેન્ડમાં જ 11000 નોકરીઓ પર કાપ મૂકાય તેવી શક્યતાં છે. મર્જર અગાઉ યૂબીએસ 72 હજારથી વધુ જ્યારે ક્રેડિટ સ્વીસ 50 હજારથી વધુ કર્મચારીઓ ધરાવતાં હતાં. બંને બેંક્સ વૈશ્વિક હાજરી ધરાવે છે.
બેંક્સના 2022-23માં ટિયર-ટુ બોન્ડ ઈસ્યુમાં સાડા ત્રણ ગણી વૃદ્ધિ
ગયા નાણા વર્ષ દરમિયાન બેંકોએ ટિયર-ટુ કેપિટલ સ્વરૂપે રૂ. 59600 કરોડ ઊભા કર્યાં
કમર્સિયલ બેંક્સ તરફથી 2022-23માં ટિયર-2 બોન્ડ ઈસ્યુમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી હતી. ગયા નાણા વર્ષે તેમણે વાર્ષિક ધોરણે 3.5 ગણી વૃદ્ધિ દર્શાવવા સાથે ટિયર-2 બોન્ડ્સ મારફતે રૂ. 59,600 કરોડ ઊભાં કર્યાં હતાં. જેમાં દેશમાં સૌથી મોટા ખાનગી લેન્ડર એચડીએફસી બેંકે રૂ. 20 હજાર કરોડ ઊભાં કર્યાં હતં. જ્યારે દેશના સૌથી મોટા લેન્ડર એસબીઆઈએ પણ ટિયર-2 બોન્ડ્સ મારફતે રૂ. 13,718 કરોડ ઈસ્યુ કર્યાં હતાં. જ્યારે ત્રીજા ક્રમની પ્રાઈવેટ બેંક એક્સિસે રૂ. 12000 કરોડ ઊભાં કર્યાં હતાં એમ બ્રોકરેજ હાઉસનો રિપોર્ટ સૂચવે છે.
વ્યાજ દરમાં સતત વૃદ્ધિ સાથે ટિયર-2 તેમજ ટિયર-1 બોન્ડ્સ પર કૂપન રેટમાં પણ વૃદ્ધિ જોવા મળી હતી. આરબીઆઈએ વર્ષ દરમિયાન રેપો રેટમાં 2.5 ટકા વૃદ્ધિ નોંધાવી હતી. તેને પરિણામે માર્કેટમાં લિક્વિડીટી ટાઈટનીંગ જોવા મળી હતી. ટિયર-2 બોન્ડ્સ જોકે એડિશ્નલ ટિયર-1 બોન્ડ્સના કૂપન રેટની સરખામણીમાં સસ્તાં જોવા મળ્યાં હતાં. ટિયર 2 બોન્ડ્સ માટે કૂપન રેટ એડિશ્નલ ટિયર-1 ઈન્સ્ટ્રુમેન્ટ્સ કરતાં લગભગ 100 બેસીસ પોઈન્ટ્સ સસ્તાં જોવા મળ્યાં હતાં. જેઓ નીચું રેટિંગ ધરાવતાં હતાં તેમના માટે એટીવન બોન્ડ્સનું વેચાણ કઠિન બન્યું હતું. રેટેડ બેસલ-3 કોમ્પ્લાયન્ટ ટિયર-1 અને ટિયર-2 ઈન્સ્ટ્રુમેન્ટ્સ હાઈબ્રીડ સબઓર્ડિનેટેડ ડેટ ઈન્સ્ટ્રુમેન્ટ્સ છે. જેઓ ઈક્વિટીની જેમ લોસ-એબ્સોર્પ્શન ફિચર્સ ધરાવે છે. પરંપરાગત ડેટ ઈન્સ્ટ્રુમેન્ટ્સની સરખામણીમાં આવા ફિચર્સ નુકસાનની ઊંચી તીવ્રતા ધરાવે છે.
વિતેલા નાણા વર્ષમાં પેસેન્જર વેહીકલ્સનું વિક્રમી 38.89 લાખનું વેચાણ
2021-22માં 33.79 લાખ યુનિટ્સ સામે ગયા વર્ષે કાર્સના વેચાણમાં 26.71 ટકાની વૃદ્ધિ નોંધાઈ
ગયા નાણા વર્ષ દરમિયાન ભારતીય બજારમાં સ્થાનિક પેસેન્જર વેહીકલ(પીવી)નું વેચાણ 38.89 લાખ યુનિટ્સની વિક્રમી સપાટીએ નોંધાયું હતું. જે ગયા વર્ષ 2021-22માં જોવા મળેલા 33.79 લાખ યુનિટ્સની સરખામણીમાં 26.71 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કાર ઉત્પાદકોને કેટલીક સપ્લાય ચેઈન સમસ્યાઓ સતત નડવા છતાં ઉત્પાદન અને વેચાણમાં વૃદ્ધિ જાળવી શકાય હતી.
નવા નાણા વર્ષ 2023-24માં ભારતીય ઓટો ઉદ્યોગ 40.1-40.5 લાખ યુનિટ્સ પેસેન્જર વેહીકલ્સના વેચાણની અપેક્ષા રાખે છે એમ મારુતિ સુઝુકીના અધિકારી જણાવે છે. તેમના મતે નવા નાણા વર્ષમાં પીવી સેલ્સના વેચાણમાં 5-7 ટકા વૃદ્ધિ જોવા મળે તેવી અપેક્ષા છે. મારુતિ સુઝુકી ઉદ્યોગ ક્ષેત્રે સરેરાશ વૃદ્ધિ દરની સરખામણીમાં ઊંચો દર નોંધાવે તેવું પણ તેમનું માનવું છે. 2022-23માં મારુતિ સુઝુકીએ કુલ 16.06 લાખ પીવીનું વેચાણ નોંધાવ્યું હતું. જે વાર્ષિક ધોરણે 20.68 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. સેમીકંડક્ટર ચીપની તંગી હળવી થવાના કારણે કંપની સારો દેખાવ દર્શાવી શકી હતી. જોકે કેટલાંક મોડેલ્સના ઉત્પાદન પર અસર જળવાય હતી. પીવી સેલ્સમાં સૌથી ઊંચી વૃદ્ધિ સ્પોર્ટ યુટિલિટી વેહીકલ(એસયૂવી)ના વેચાણમાં જોવા મળી હતી. વાર્ષિક ધોરણે તમામ કાર સેગમેન્ટ્સમાં એસયૂવીએ 35.9 ટકા સાથે સૌથી ઊંચો વૃદ્ધિ દર નોંધાવ્યો હતો. જેની સરખામણીમાં એન્ટ્રી લેવલ ગણાતાં હેચબેકના વેચાણમાં માત્ર 20 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. 2018-19માં ભારતમાં વેચાયેલી કુલ કાર્સમાં એસયૂવીનો હિસ્સો માત્ર 23.2 ટકા હતો. જે 2022-23માં વધીને 43 ટકા પર પહોંચ્યો હતો. આમ એક મોટો વર્ગ છેલ્લાં ત્રણ વર્ષોમાં એસયૂવી તરફ વળ્યો છે. દેશમાં બીજા ક્રમની કાર ઉત્પાદક કંપની હ્યુન્ડાઈએ 2022-23માં કુલ 5,67,546 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. જે વાર્ષિક ધોરણે 17.87 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીએ વર્ષ દરમિયાન ઘણી પ્રોડક્ટ્સ લોંચ કરી હતી. જોકે, સ્થાનિક કાર ઉત્પાદક તાતા મોટર્સે વેચાણમાં વાર્ષિક ધોરણે સૌથી ઊંચી વૃદ્ધિ દર્શાવી હતી. કંપનીએ 2022-23માં કુલ 538,640 પીવીનું વેચાણ કર્યું હતું. જે અગાઉના વર્ષે 370,372 યુનિટ્સ પર હતું. આમ વાર્ષિક ધોરણે કંપનીએ 45.43 ટકાનું વેચાણ દર્શાવ્યું હતું. કંપનીના અધિકારીના જણાવ્યા મુજબ કોવિડ પછી માગમાં ઝડપી રિકવરી અને સેમીકંડક્ટર્સની અછત હળવી થવા સાથે નવા મોડેલ્સ લોંચિંગને કારણે વેચાણમાં લાભ થયો હતો. કંપની માટે એસયૂવી અને ઈવી(ઈલેક્ટ્રીક વેહીકલ્સ) વેચાણ પાછળ ઊંચી વૃદ્ધિ જોવા મળી હતી. ગ્રાહકોમાં સેફ વેહીકલની પસંદગીને કારણે એસયૂવીની માગ વધી રહી છે. તાતા મોટર્સ ભારતીય ઈવી કાર સેગમેન્ટમાં 80 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. તાતા મોટર્સ નવા વર્ષે પણ માગ મજબૂત જળવાય રહે તેવી અપેક્ષા ધરાવે છે. અન્ય બે કાર કંપનીઓ કિયા મોટર્સ અને ટોયોટા કિર્લોસ્કરે પણ 40-50 ટકાની રેંજમાં વેચાણ વૃદ્ધિ દર્શાવી હતી. જોકે હોન્ડા મોટર્સે નીચા બેઝ પર પણ માત્ર 6.8 ટકાની એકઅંકી વૃદ્ધિ નોંધાવી હતી.
નાણા વર્ષ 2022-23માં પેસેન્જર વેહીકલ્સનું વેચાણ
કંપની 2021-22માં વેચાણ 2022-23માં વેચાણ વૃદ્ધિ(ટકામાં)
મારુતિ સુઝુકી 1,331,558 1,606,870 20.68%
હ્યુન્દાઈ 481,500 567,546 17.87%
તાતા મોટર્સ 370,372 538,640 45.43%
કિઆ 186,787 269,229 44.14%
ટોયોટા કિર્લો. 123,770 174,015 40.6%
હોન્ડા મોટર્સ 85,609 91,418 6.79%
દેશમાં EVનું પણ વિક્રમી વેચાણ નોંધાયું
નાણા વર્ષ 2022-23માં ઈલેક્ટ્રીક વેહીકલ્સનું વેચાણ 11.80 લાખ યુનિટ્સ નજીક વિક્રમી સ્તરે જોવા મળ્યું હતું. અગાઉના નાણા વર્ષ દરમિયાન તે 4.58 લાખ યુનિટ્સ પર નોંધાયું હતું. આમ વાર્ષિક ધોરણે 2.5 ગણી વૃદ્ધિ નોંધાઈ હતી. પૂરાં થયેલા નાણા વર્ષ દરમિયાન છેલ્લાં નવ વર્ષના કુલ વેચાણ કરતાં વધુ વેચાણ જોવા મળ્યું હતું. છેલ્લાં છ મહિનાથી માસિક ધોરણે ઈવી વેચાણ એક લાખથી વધુ યુનિટ્સ જોવા મળી રહ્યું છે. માર્ચ 2023માં ઈવીનું વેચાણ 1.4 લાખ યુનિટ્સના નવા વિક્રમી સ્તરે નોંધાયું હતું. જે ત્રિમાસિક ધોરણે પણ 3.5 લાખ યુનિટ્સનું વિક્રમી વેચાણ સૂચવે છે. જે નાણા વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 2.23 લાખ યુનિટ્સ, બીજા ક્વાર્ટરમાં 2.65 લાખ યુનિટ્સ અને ત્રીજા ક્વાર્ટરમાં 3.43 લાખ યુનિટ્સ પર જોવા મળતું હતું.
ભારતમાંથી વિક્રમી 1.12 અબજ ડોલરની કોફી નિકાસ જોવા મળી
પૂરાં થયેલા નાણા વર્ષ 2022-23માં દેશમાંથી 1.126 અબજ ડોલરની વિક્રમી કોફી નિકાસ જોવા મળી હતી. વૈશ્વિક બજારમાં કોફીના ભાવમાં નોંધપાત્ર વૃદ્ધિ પાછળ મૂલ્ય સંદર્ભમાં કોફીની નિકાસમાં ઊંચી વૃદ્ધિ નોંધાઈ હતી. અગાઉના વર્ષે દેશમાંથી 1.027 અબજ ડોલરની નિકાસની સરખામણીમાં ગયા વર્ષે નિકાસમાં 10 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી અને તેણે વર્ષની શરૂમાં નિર્ધારિત કરેલા 1.088 અબજ ડોલરના ટાર્ગેટને પાર કર્યો હતો. વાસ્તવમાં, કોફી નિકાસ સતત બીજા વર્ષે એક અબજ ડોલરથી વધુ જોવા મળી હતી. રૂપિયા સંદર્ભમાં જોઈએ તો કોફી નિકાસ અગાઉના વર્ષે રૂ. 7655.50 કરોડની સરખામણીમાં ગયા વર્ષે 14 ટકા વધી રૂ. 9033.38 કરોડ પર રહી હતી. જોકે વોલ્યુમ ગ્રોથમાં બીજી બાજુ 3.6 ટકા ઘટાડો નોંધાયો હતો અને તે 3.98 લાખ ટન પર રહી હતી. જે અગાઉના વર્ષે 4.13 લાખ ટન પર હતો.
ખરિફ ચોખાની ખરીદી 4.92 કરોડ ટને પહોંચી
દેશમાં ખરિફ સિઝનમાં ઉત્પાદિત ચોખાની ખરીદી પ્રથમ છ મહિનામાં 4.922 કરોડ ટને પહોંચી હોવાનું સરકારી વર્તુળો જણાવે છે. ઓક્ટોબર 2022થી માર્ચ 2023 સુધીમાં આ ખરીદી થઈ છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 4.957 કરોડ ટનની સરખામણીમાં 0.7 ટકા ઘટાડો દર્શાવે છે. ચાલુ સિઝનમાં પ્રથમવાર ખરિફ ચોખાની ખરીદીમાં ઘટાડો જોવા મળ્યો છે, જોકે સરકાર સામાન્યરીતે જોવા મળતી જરૂરિયાત ઉપરાંતની જરૂરિયાતને પૂરી કરવા માટે સારી સ્થિતિમાં છે એમ વર્તુળો જણાવે છે. તેણે ફૂડ સિક્યૂરિટી નિયમ મુજબ જરૂરી 96 ટકા ખરીદી પૂર્ણ કરી લીધી હોવાના કારણે ચિંતાનું કારણ જોવામાં આવી રહ્યું નથી. પશ્ચિમ બંગાળ અને આસામાં ખરીદીમાં વિલંબને કારણે ખરીદીમાં સાધારણ ઘટાડો નોંધાયો છે. સરકારે 2022-23 ખરિફ માટે 5.1472 કરોડ ટન ચોખાની ખરીદીનો ટાર્ગેટ બાંધ્યો હતો.
રેઈટ્સ અને ઈન્વિટ્સમાં રોકાણ તળિયાં પર
ગયા નાણા વર્ષ 2022-23માં REITs અને INvITs જેવા ઈમર્જિંગ ઈન્સ્ટ્રુમેન્ટ્સ મારફતે સૌથી નીચું ફંડ રેઈઝીંગ જોવા મળ્યું હતું. પૂરાં થયેલા વર્ષ દરમિયાન આવા નવા રોકાણ સાધનો મારફતે માત્ર રૂ. 1166 કરોડ જ એકત્ર થયાં હતાં. જેનું મુખ્ય કારણ રોકાણકારોમાં પર્યાપ્ત જાગૃતિનો અભાવ હોવાનું વર્તુળો જણાવે છે. આગળ પર ડિસ્ટ્રીબ્યુનશ્સ પર ટેક્સ નિયમોમાં ફેરફારને કારણે ટેક્સ લાયેબિલિટીમાં નોંધપાત્ર વૃદ્ધિને કારણે આવા સાધનોનું આકર્ષણ ઘટશે એમ વર્તુળો જણાવે છે. આવી એસેટ્સે વધુ સારા અન્ડરલાઈંગ યિલ્ડ્સ રળવા પડશે અથવા તો આકર્ષણ વધારવા માટે ભાવમાં ઘટાડો કરવો પડશે એમ એનાલિસ્ટ્સ જણાવે છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
ટેલિકોમ કંપનીઝઃ દેશમાં ટોચની ટેલિકોમ કંપનીએ જાન્યુઆરીમાં 35 લાખ એક્ટિવ મોબાઈલ યુઝર્સનો ઉમેરો કર્યો હતો. જે સાથે તેનો કુલ એક્ટિવ કસ્ટમર બેઝ વધી 39.4 કરોડ પર પહોંચ્યો હતો. બીજા ક્રમની એરટેલે જાન્યુઆરીમાં 13 લાખ યુઝર્સનો ઉમેરો નોંધાવ્યો હતો. જે સાથે મહિનાની આખરમાં તેનો બેઝ 36.6 કરોડ યુઝર્સ પર જોવા મળ્યો હતો. જ્યારે વોડાફોન આઈડિયાએ 5 લાખ યુઝર્સ ગુમાવ્યાં હતાં. જે સાથે તેનો બેઝ વધુ ઘટી 20.9 કરોડે પહોંચ્યો હતો.
સેઈલઃ સરકારી સ્ટીલ ઉત્પાદક કંપનીને વેગન વ્હીલ્સની આયાત માટે સરકાર તરફથી સત્તાવાર મંજૂરી મળી ગઈ છે. હાલમાં રેલ્વે રેક્સની અછતને જોતાં આયાત અનિવાર્ય બની છે. કંપની ઈન્ટરનેશનલ સપ્લાયર્સ પાસેથી વેગન વ્હીલ્સની આયાત કરશે. ડિસેમ્બરમાં દૈનિક 105 રેક્સની માગ સામે 36 રેક્સની અછત જોવા મળી હતી. જે જાન્યુઆરીમાં 28 રેક્સ પર જ્યારે ફેબ્રુઆરીમાં 24 રેક્સ પર જળવાઈ હતી.
કોલ ઈન્ડિયાઃ પીએસયૂ કોલ ઉત્પાદકે ઊંચા ઈન્ફ્લેશનને જોતાં ફીડસ્ટોક પ્રાઈસમાં વૃદ્ધિ માટે માગણી કરી છે. જોકે ભાવમાં કેટલો વધારો કરવામાં આવશે તે અંગે કંપનીએ કોઈ ફોડ નથી પાડ્યો. અગાઉ તેણે 2018માં 10 ટકાનો ભાવ વધારો નોંધાવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં કોલના ભાવ કોલ ઈન્ડિયાની સરખામણીમાં ચારથી પાંચ ગણા સ્તરે ટ્રેડ થઈ રહ્યાં છે.
ઓટો કંપનીઝઃ તાતા મોટર્સે માર્ચ મહિનામાં કુલ 89351 યુનિટ્સનું વેચાણ નોઁધાવ્યું હતું. જ્યારે એસએમએલ ઈસુઝુએ 59 ટકા વૃદ્ધિ સાથે કુલ 2169 યુનિટ્સનું વેચાણ દર્શાવ્યું હતું. વીએસટી ટિલર્સે 114 ટકા વૃદ્ધિ સાથે રૂ. 5596 યુનિટ્સનું વેચાણ હાથ ધર્યું હતું.
જીએચસીએલઃ કેમિકલ અને ટેક્સટાઇલ કંપનીએ તેના સ્પિનિંગ બિઝનેસનું ડીમર્જર એક એપ્રિલથી લાગુ થશે એમ જણાવ્યું છે. હવેથી કંપની જીએચસીએલ ટેક્સટાઇલ્સ લિમિટેડ તરીકે ઓળખાશે. જે સાથે કંપનીના ટેક્સટાઇલ બિઝનેસના વિભાજનની પ્રક્રિયા પૂરી થઈ છે.
જિંદાલ સોઃ હૈદરાબાદ સ્થિત બેક્ટ્રપ્સી કોર્ટે શેરબજારમાં લિસ્ટેડ સાતવાહન ઈસ્પાતની ખરીદી માટે જિંદાલ સોની અરજીને માન્યતા આપી છે. કંપનીએ રૂ. 694 કરોડમાં કંપની ખરીદવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. સાતવાહને લેન્ડર્સેને રૂ. 1852 કરોડનું ડેટ ચૂકવવાનું બાકી છે.
એચએએલઃ કંપનીએ નાણા વર્ષ 2022-23 માટે ઓપરેશન્સમાંથી રૂ. 26500 કરોડની વિક્રમી આવક નોંધાવી હતી. પીએસયૂ કંપનીએ વર્ષ દરમિયાન સરકાર તરફથી વિક્રમી ઓર્ડર્સ પણ મેળવ્યાં હતાં. જેની પાછળ શેરનો ભાવ સર્વોચ્ચ સપાટીએ જોવા મળ્યો હતો.
અદાણી પોર્ટ્સઃ અદાણી જૂથ કંપનીએ એનસીએલટી રૂટ મારફતે કરાઈકાલ પોર્ટની ખરીદી કરી છે. તેણે રૂ. 1485 કરોડમાં આ ખરીદી કરી છે. કંપનીએ વેદાંત, જેએસડબલ્યુ ઈન્ફ્રા સહિતના હરિફોને પાછળ રાખી બીડ હાંસલ કર્યું હતું.
તાતા પાવરઃ મહારાષ્ટ્ર ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશને તાતા જૂથની યુટિલિટી કંપનીને નાણા વર્ષ 2023-24માં 11.9 ટકા અને 2024-25 માટે 12.2 ટકા દર વૃદ્ધિ માટેની મંજૂરી આપી છે.
એન્જીનીયર્સ ઈન્ડિયાઃ પીએસયૂ ઈપીસી કંપનીએ એનર્જી સેક્ટર તરફથી વિવિધ એસાઈન્મેન્ટ્સ માટે રૂ. 48.82 કરોડના મૂલ્યનો જોબ ઓર્ડર મેળવ્યો છે.
એનસીસીઃ કન્સ્ટ્રક્શન કંપનીએ રાજ્યો તથા કેન્દ્રિય એજન્સિઝ પાસેથી રૂ. 1919 કરોડના મૂલ્યના પાંચ નવા ઓર્ડર્સ મેળવ્યાં છે.
પ્રકાશ ઈન્ડસ્ટ્રીઝઃ સ્ટીલ કંપનીએ આગામી પાંચ વર્ષો માટે 10 લાખ ટન પ્રતિ વર્ષની એડિશ્નલ લોંગ ટર્મ કોલ લિંકેજીસ મેળવી છે.
રેલ વિકાસ નિગમઃ રેલ્વે મંત્રાલયની કંપનીની સબસિડિયરીએ રૂ. 1271 કરોડના મૂલ્યનો પ્રોજેક્ટ મેળવ્યો છે.