Market Summary 14/03/2023

શેરબજારમાં વેચવાલીનો ક્રમ જળવાતાં ચોથા દિવસે નરમાઈ
સેન્સેક્સ 58 હજારના સ્તરની નીચે ઉતરી ગયો
નિફ્ટી 17 હજાર ટકાવવામાં સફળ
વોલેટિલિટી ઈન્ડેસ 16.21ની સપાટીએ ફ્લેટ જળવાયો
ફાર્મા અને મિડિયા સિવાય તમામ ક્ષેત્રોમાં નરમાઈ
આઈટી, મેટલ, એફએમસીજી, ઓટો પર દબાણ
સોનાટા સોફ્ટવેર નવી ટોચે
બંધન બેંક, વોખાર્ટ, ઈમામી, એમ્ફેસિસ નવા તળિયે

વૈશ્વિક શેરબજારોમાં સેન્ટીમેન્ટ વધુ વણસતાં સ્થાનિક બજારમાં ચોથા દિવસે વેચવાલીનો ક્રમ જળવાયો હતો. બેન્ચમાર્ક્સ બે બાજુની તીવ્ર વધ-ઘટ બાદ અડધા ટકાથી વધુ ઘટી બંધ જોવા મળ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 338 પોઈન્ટ્સ ગગડી 57900 જ્યારે નિફ્ટી 111 પોઈન્ટ્સના ઘટાડે 17043ની સપાટી પર બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં ભારે વેચવાલીને પગલે બ્રેડ્થ નરમ જોવા મળી હતી. નિફ્ટી-50માં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 39 ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે 11 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ સ્થિતિ સમાન હતી. બીએસઈ ખાતે કુલ 3630 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2410 નેગેટિવ જોવા મળતાં હતાં. જ્યારે 1129 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. 338 કાઉન્ટર્સે તેમના વાર્ષિક તળિયાં બનાવ્યાં હતાં. જ્યારે 71 કાઉન્ટર્સે તેમની નવી ટોચ નોંધાવી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 16.21ની સપાટીએ સ્થિર બંધ દર્શાવી રહ્યો હતો.
સપ્તાહની નરમ શરૂઆત પછી બીજા સત્રમાં પણ વેચવાલી જળવાઈ હતી. સોમવારે યુએસ માર્કેટ્સ નરમ રહેવાને પગલે એશિયાઈ બજારોમાં 2 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. ભારતીય બજાર જોકે પોઝીટીવ ઓપનીંગ દર્શાવ્યાં બાદ ગગડ્યાં હતાં અને સમગ્ર દિવસ દરમિયાન બે બાજુ અથડાતાં જોવા મળ્યાં હતાં. નિફ્ટી 17154ના બંધ સામે 17160 પર ખૂલી ઉપરમાં 17225ની ટોચ દર્શાવી નીચામાં 16987ની સપાટીએ ટ્રેડ થયો હતો. જોકે ત્યાંથી ફરી 17 હજારની સપાટી પર પરત ફર્યો હતો અને તેને જાળવી રાખવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 97 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે બંધ જોવા મળ્યો હતો. જે અગાઉના સત્રના 66 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. જેને આગામી સત્રમાં શોર્ટ કવરિંગની શક્યતાં તરીકે જોઈ શકાય. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટી માટે 17 હજાર મહત્વનો સપોર્ટ છે. જે જળવાય રહ્યો છે અને બાઉન્સમાં તે 17200-17300 સુધીનો સુધારો જાળવી શકે તેમ છે. જોકે તેનાથી વધુ સુધારાની શક્યતાં નથી. તેમજ માર્કેટ સુધારે વેચવાલીનું બની રહે તેવી સંભાવના પણ છે. માર્કેટમાં વ્યાપક વેચવાલી વચ્ચે ટ્રેડર્સે લાર્જ-કેપ્સમાં જ તેમની પોઝીશન જાળવવી જોઈએ. કેમકે મીડ-કેપ્સમાં બાઉન્સ ટકી રહ્યાં નથી અને તે સતત ધોવાણ દર્શાવી રહ્યાં છે. મંગળવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા મુખ્ય કાઉન્ટર્સમાં બીપીસીએલનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત ટાઈટન કંપની, ભારતી એરટેલ, લાર્સન, એસબીઆઈ લાઈફ, ઈન્ડસઈન્ડ બેંક, સન ફાર્મા, આઈસીઆઈસીઆઈ બેંક અને કોલ ઈન્ડિયા પણ મજબૂતી દર્શાવતાં હતાં. બીજી બાજુ અદાણી એન્ટરપ્રાઈઝ નિફ્ટી શેર્સમાં સૌથી વધુ તૂટ્યો હતો. આ ઉપરાંત અદાણી પોર્ટ્સ, એમએન્ડએમ, ટીસીએસ, એચડીએફસી લાઈફ, બજાજ ફાઈનાન્સ, ટેક મહિન્દ્રા, ઓએનજીસી, વિપ્રો અને કોટ મહિન્દ્રા બેંકમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. સેક્ટરલ દેખાવ પર નજર કરીએ તો ફાર્મા ઈન્ડેક્સ સાધારણ પોઝીટીવ બંધ રહ્યો હતો. જેમાં ઝાયડસ લાઈફ, ટોરેન્ટ ફાર્મા, આલ્કેમ લેબ, ઓરોબિંદો ફાર્મા, સન ફાર્મા અને લ્યુપિન મજબૂતી દર્શાવતાં હતાં. મિડિયા ઈન્ડેક્સ પણ ગ્રીન જોવા મળતો હતો. જોકે બીજી બાજુ આઈટી, મેટલ, ઓટો અને એફએમસીજીમાં વેચવાલી આગળ વધી હતી. આઈટી ઈન્ડેક્સ 1.65 ટકા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જેમાં કોફોર્જ 4 ટકા ગગડ્યો હતો. આ ઉપરાંત એમ્ફેસિસ, ટીસીએસ, ટેક મહિન્દ્રા, એલએન્ડટી ટેક્નોલોજી, વિપ્રો, એચસીએલ ટેક, એલટીઆઈમાઈન્ડટ્રી અને ઈન્ફોસિસમાં પણ નરમાઈ જોવા મળી રહી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ પણ એક ટકાથી વધુ તૂટ્યો હતો. જેમાં અદાણી એન્ટરપ્રાઈઝ 7 ટકા સાથે ટોચ પર હતો. આ ઉપરાંત હિંદુસ્તાન ઝીંક, જિંદાલ સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, તાતા સ્ટીલ, સેઈલમાં પણ નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ અડધા ટકા જેટલો નરમ જળવાયો હતો. જેમાં ઈમામી 4 ટકા તૂટ્યો હતો. જે ઉપરાંત જ્યુબિલિયન્ટ ફૂડ, મેરિકો, આઈટીસી, એચયૂએલ, બ્રિટાનિયા અને નેસ્લે પણ નરમાઈ દર્શાવી રહ્યાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટની વાત કરીએ તો ઝી એન્ટરટેઈનમેન્ટ 2.2 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત પીવીઆર, એમએન્ડએમ ફાઈનાન્સિયલ, યુનાઈટેડ સ્પિરિટ્સ, એનએમડીસી, પેટ્રોનેટ એલએનજી, જીએમઆર એરપોર્ટ્સમાં મજબૂતી જોવા મળી હતી. બીજા બાજુ, બંધન બેંક 5.4 ટકા સાથે ઘટવામાં અગ્રણી હતો. આ ઉપરાંત ઈન્ટિલેક્ટ ડિઝાઈન, આદિત્ય બિરલા ફેશન, ફોર્જ, અંબુજા સિમેન્ટ્સ, અદાણી પોર્ટ્સ, પિરામલ એન્ટરપ્રાઈઝ, એમએન્ડએમ, બલરામપુર ચીની, હેવેલ્સ ઈન્ડિયા અને ગ્લેનમાર્ક ફાર્મા પણ ઘટાડો દર્શાવતાં હતાં. સોનાટા સોફ્ટવેરે તેની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. જ્યારે બંધન બેંક, ઈન્ટિલેટ ડિઝાઈન, વોખાર્ટ, આદિત્ય બિરલા ફેશન, ઈમામી, રોસારી, એમ્ફેસિસ, આલ્કિલ એમાઈન્સે તેમના વાર્ષિક તળિયાં દર્શાવ્યાં હતાં.

અદાણી જૂથ શેર્સમાં લગભગ બે સપ્તાહ પછી સાર્વત્રિક ઘટાડો
જૂથની એનર્જી કંપનીઓના શેર્સમાં 5 ટકાની સેલર સર્કિટ્સ જોવાઈ

અદાણી જૂથ કંપનીઓના શેર્સમાં માર્ચ મહિનાની શરૂઆતથી શરુ થયેલો સુધારો અટક્યો છે. મંગળવારે જૂથની તમામ લિસ્ટેડ કંપનીઓના શેર્સ નેગેટિવ ઝોનમાં બંધ જોવા મળ્યાં હતાં. જેમાં અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ 7 ટકાથી વધુ નરમાઈ સાથે સૌથી વધુ ઘટ્યો હતો. જ્યારે અન્ય કંપનીઓના શેર્સ 1.55 ટકાથી લઈ 5 ટકા સુધીનો ઘટાડો દર્શાવતાં હતાં.
જૂથની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં સતત ચોથા દિવસે નરમાઈ જોવા મળી હતી. માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં એઈએલમાં રોકાણ કરી ચૂકેલા યુએસ ઈન્વેસ્ટમેન્ટ બૂટિક તરફથી જૂથમાં વધુ રોકાણની શક્યતાં દર્શાવવા છતાં જૂથ શેર્સમાં સુઘારો અટકી પડ્યો હતો. અદાણી એન્ટરપ્રાઈઝનો શેર મંગળવારે 7.25 ટકા ગગડી રૂ. 1737.75ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે અદાણી પોર્ટ્સ એન્ડ સેઝનો શેર 3.93 ટકા ઘટાડે રૂ. 654.20ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. આ ઉપરાંત અદાણી ટોટલ ગેસ, અદાણી ટ્રાન્સમિશન, અદાણી વિલ્માર અને અદાણી પાવર જેવી કંપનીઓના શેર્સ 5-5 ટકાની સેલર સર્કિટમાં બંધ જોવા મળ્યાં હતાં. અદાણી ગ્રીન એનર્જીનો શેર 1.55 ટકા નરમાઈ દર્શાવતો હતો. જ્યારે સિમેન્ટ કંપનીઓમાં અંબુજા સિમેન્ટ 3.94 ટકાનો જ્યારે એસીસી 1.8 ટકા ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. 24 જાન્યુઆરીએ હિંડેનબર્ગના રિસર્ચ રિપોર્ટ રજૂ થયા બાદ અદાણી જૂથના માર્કેટ-કેપમાં 130 અબજ ડોલરનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

દેશમાંથી અત્યાર સુધીમાં 37.75 લાખ ટન સુગરની રવાનગી
ચાલુ સુગર સિઝનમાં દેશમાંથી 37.75 લાખ ટન સુગરની ફિઝિકલ રવાનગી થઈ ચૂકી હોવાનું વર્તુળો જણાવે છે. જેમાંથી 13.5 ટકા શીપમેન્ટ્સ બાંગ્લાદેશ તરફથી ખરીદવામાં આવ્યાં છે એમ ઓલ ઈન્ડિયા સુગર ટ્રેડર્સ એસોસિએશનનો ડેટા સૂચવે છે.
સંસ્થાના જણાવ્યા મુજબ 9 માર્ચ સુધીમાં સુગર મિલ્સમાંથી કુલ 43.90 લાખ ટન ખાંડ બહાર નીકળી ચૂકી છે. જેમાંથી 37.75 લાખ ટનનું શીપમેન્ટ થઈ ચૂક્યું છે. જ્યારે બાકીની 1.27 લાખ ટનનું શીપ્સ પર લોડિંગ થઈ ચૂક્યું છે અથવા થઈ રહ્યું છે. જ્યારે 4.87 લાખ ટન ખાંડ રિફાઈનરીઝને ડિલીવર કરવામાં આવી રહી છે. જેને ડિમ્ડ એક્સપોર્ટનો દરજ્જો પ્રાપ્ય થયેલો છે. કેન્દ્ર સરકારે ચાલુ સુગર વર્ષ માટે 60 લાખ ટન ખાંડનો જથ્થો છૂટો કર્યો છે. જે સપ્ટેમ્બરની આખર સુધીમાં નિકાસ કરવાનો રહેશે. જોકે મિલર્સ અને ટ્રેડર્સે એક મહિના અગાઉ જ તમામ જથ્થાના નિકાસ માટેના ડિલ્સ કરી લીધાં છે. અત્યાર સુધીમાં દેશમાંથી ટોચના સુગર આયાતકારોમાં બાંગ્લાદેશ 5.11 લાખ ટન સાથે ટોચ પર છે. ત્યારબાદના ક્રમે સોમાલિયા 3.36 લાખ ટન સાથે બીજા ક્રમે છે. પછીના ક્રમે દિજીબોતી, સુદાન અને ઈન્ડોનેશિયા આવે છે.

નવા નાણા વર્ષમાં બેંકો MCLRમાં દોઢ ટકા વૃદ્ધિ કરે તેવી સંભાવનાઃ રિપોર્ટ
આરબીઆઈએ છેલ્લાં વર્ષમાં રેપો રેટમાં 250 બેસીસ પોઈન્ટ્સનો વધારો કરી તેને 6.5 ટકા કર્યો છે

કમર્સિયલ બેંક્સ તેમના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ્ડ ધિરાણ દર(એમસીએલઆર)માં નવા નાણા વર્ષ 2023-24માં 100-150 બેસીસ પોઈન્ટ્સ(એકથી દોઢ ટકા)ની વૃદ્ધિ કરે તેવી શક્યતાં જોવાઈ રહી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી રેપો રેટમાં સતત વૃદ્ધિ પાછળ લિક્વિડિટીની સ્થિતિ ટાઈટ બનવાને કારણે આમ થશે એમ ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્સનો રિપોર્ટ જણાવે છે.
એપ્રિલ 2022થી રેપો રેટમાં વૃદ્ધિની શરૂઆતની પ્રતિક્રિયારૂપે બેંકોએ સરેરાશ એમસીએલઆર(એક વર્ષના સમયગાળા માટે)માં મે 2022થી ફેબ્રુઆરી 2023 સુધીમાં 120 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ નોંધાવી છે એમ આરબીઆઈનો ડેટા દર્શાવે છે. આરબીઆઈએ પોલિસી રેપો રેટમાં ફેબ્રુઆરી 2023 સુધીમાં 250 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિ હાથ ધરી છે અને તે 6.5 ટકા પર પહોંચ્યો છે. દેશમાં કોર્પોરેટ અને બિઝનેસ ગૃહોને મોટેભાગે એમસીએલઆર-લિંક્ડ લોન્સ આપવામાં આવે છે. સપ્ટેમ્બર 2022ની આખરમાં બાકી નીકળતી કુલ ફ્લોટિંગ રેટ રૂપી લોન્સમાં એમસીએલઆર-લિંક્ડ લોન્સનો હિસ્સો 46.5 ટકા જેટલો હતો એમ આરબીઆઈ ડેટા સૂચવે છે. રેટિંગ એજન્સીના જણાવ્યા મુજબ 2022-23માં બેંક્સ તરફથી રિવર્સ રેપોમાંથી રૂ. 5 લાખ કરોડ ઉપાડાયા હતાં. જેને કારણે બેંક્સ ક્રેડિટ અને ડિપોઝીટમાં વૃદ્ધિ વચ્ચેના ગાળાને પૂરવા માટે સમર્થ બની હતી. જોકે બેંક્સ પાસે 2023-24માં તે પ્રાપ્ય નહિ હોય. આમ એમસીએલઆરમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળશે.
એજન્સીના નોંધ્યા મુજબ રૂ. 60 હજાર કરોડના બેલેન્સ ઓફ પેમેન્ટ્સ(બીઓપી) સરપ્લસથી કુલ ડિપોઝીટમાં કોઈ ખાસ સુધારો નહિ જોવા મળે. 2023-24માં પોલિસી રેટ સ્થિર જળવાયેલો રહે તો પણ બેંકિંગ સિસ્ટમમાં રેટ વૃદ્ધિનું દબાણ જળવાશે. માર્ચ 2023ના આગામી બેથી ત્રણ સપ્તાહ દરમિયાન બેંકિંગ સિસ્ટમમાં લિક્વિડીટીમાં વધુ સખતાઈ જોવા મળશે. જે માટે એકથી વધુ કારણો જવાબદાર છે. જેમકે એડવાન્સ ટેક્સ પેમેન્ટ, જીએસટી પેમેન્ટ અને ટીએલટીઆરઓ મેચ્યોરિટીનો સમાવેશ થાય છે. વધુમાં નાણા વર્ષ પૂરું થવા જઈ રહ્યું હોવાથી બેંકિંગ સિસ્ટમમાં ક્રેડિટ ઓફટેકમાં તેજી જોવા મળે તેવી અપેક્ષા છે. આરબીઆઈ જરૂરી સિસ્ટમ લિક્વિડીટીની ઉપલબ્ધિની ખાતરી સાથે સપોર્ટ જાળવી રાખશે. જોકે નબળું લિક્વિડીટી પ્રોફાઈલ ધરાવતી કંપનીઓ માટે આગામી ટાઈટ લિક્વિડીટીનો સમયગાળો કઠિન સાબિત થઈ શકે છે. ઈન્ક્રિમેન્ટલ ફંડીંગ ઊંચા રેટ પર થશે. જેને કારણે કંપનીઓના માર્જિનથી લઈને વ્યાજ ખર્ચ પર અસર પડશે. જોકે, બેંક્સે પણ ઈન્ક્રિમેન્ટલ ફંડીંગ માટે નવી ડિપોઝીટ્સ પર આધાર રાખવાનો રહેશે. જે માટે તેણે રેટ્સ ઊંચા આપવા પડશે અને તેથી તેની ફંડ કોસ્ટમાં વૃદ્ધિ જોવાશે. ગયા વર્ષે બેંકિંગ સિસ્ટમમાં રેટ્સ 150થી 200 બેસીસ પોઈન્ટ્સ જેટલાં વધવા છતાં ડિપોઝીટ્સ રેટમાં સરેરાશ 75 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિ જ જોવા મળી છે એમ રેટિંગ એજન્સી નોંધે છે.

મૂડીઝે ફર્સ્ટ રિપબ્લિક સહિત પાંચ અન્ય US બેંકનું રેટિંગ ઘટાડ્યું
એજન્સીએ અનઈન્સ્યોર્ડ ડિપોઝીટ ફંડિંગને લઈ આ બેંક્સને વોચ હેઠળ મૂકી

મૂડીઝની ઈન્વેસ્ટર્સ સર્વિસે ફર્સ્ટ રિપબ્લિક બેંક સહિત પાંચ અન્ય યુએસ બેંકર્સના રેટિંગ ડાઉનગ્રેડ કરવા સમીક્ષા રી રહી છે. જે સિલીકોન વેલી બેંકના પતન બાદ પ્રાદેશિક ફાઈનાન્સિયલ બેંક્સના આરોગ્યને લઈને ચિંતા દર્શાવી રહી છે.
મૂડીઝ તરફથી રેટિંગ ઘટાડા માટે સમીક્ષા હેઠળ રાખવામાં આવેલી બેંક્સમાં વેસ્ટર્ન અલાયન્ઝ બેંન્કોર્પ, ઈન્ટ્રસ્ટ ફાઈનાન્સિયલ કોર્પ, યૂએમબી ફાઈનાન્સિયલ કોર્પ, ઝીઓન્સ બેન્કોર્પ અને કોમેરિકા ઈન્ક.નો સમાવેશ થાય છે. ક્રેડિટ રેટિંગ એજન્સીએ આ લેન્ડર્સને ત્યાં રહેલી ઈન્શ્યોરન્સ નહિ ધરાવતી ડિપોઝીટ ફંડિંગને લઈને ચિંતા વ્યક્ત કરી છે. સાથે તેમના એસેટ પોર્ટફોલિયોમાં પણ અનરિઅલાઈઝ્ડ લોસને લઈ ચિંતા વ્યક્ત કરી છે.
યુએસ ખાતે એસવીબીના પતન પછી મૂડીઝ તરફથી આ પગલું ભરવામાં આવ્યું છે. સરકારે એસવીબીના ડિપોઝીટર્સને રાહત પૂરી પાડવા છતાં અને લેન્ડર્સ માટે નવેસરથી લેન્ડિંગ ફેસિલિટી શરૂ કરવા છતાં રેટિંગ એજન્સીએ આમ કર્યું છે. મૂડીઝે સપ્તાહાંતે સિગ્નેચર બેંકના બંધ થયા બાદ તેને રેટિંગને ડાઉનગ્રેડ કર્યું હતું તથા તેને ક્રેડિટ રેડિંગને પર ખેંચ્યું હતું. સેન ફ્રાન્સિસ્કો સ્થિત ફર્સ્ટ રિપબ્લિકના શેરમાં સોમવારે 62 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે ફિનિક્સ સ્થિત વેસ્ટર્ન એલાયન્ઝના શેરમાં 47 ટકાનું ગાબડું પડ્યું હતું. ડલ્લાસ સ્થિત કોમેરિકાનો શેર 28 ટકા તૂટ્યો હતો. ફર્સ્ટ રિપબ્લિકના કિસ્સામાં મૂડીઝે જણાવ્યું હતું કે ફેડરલ ઈન્શ્યોરન્સની વીમો ધરાવતી ડિપોઝીટ્સને પાર કરી જતી રકમની ડિપોઝીટ્સને લઈને ચિંતા ઊભી છે. કેમકકે તે વધુ સંવેદનશીલ પ્રકારની છે અને તેમાં ઝડપી ઉપાડ જોવા મળી શકે છે. જો તેમાં ધારણા કરતાં ઊંચો ડિપોઝીટ આઉટફ્લો જોવા મળશે તો લિક્વિડિટીનો સપોર્ટ પર્યાપ્ત નહિ બની રહે અને બેંકે તેની એસેટ્સનું વેચાણ કરવાનું બનશે. આમ તેણે હજુ સુધી બુક નહિ કરેલું નુકસાન બુક થશે. ડિસેમ્બરમાં બેંકની વેચાણ માટે અવાઈલેબલ-ફોર-સેલ અને હેલ્ડ-ટુ-મેચ્યોરિટી સિક્યૂરિટીઝ તેના ઈક્વિટી ટાયર-1 કેપિટલના ત્રીજા ભાગથી વધુ હતી. ફર્સ્ટ રિપબ્લિકે અગાઉ જણાવ્યું હતું કે તેણે ફેડરલ રિઝર્વ અને જેપીમોર્ગન ચેઝ એન્ડ કંપની પાસેથી અધિક લિક્વિડિટીની પ્રાપ્તિ મારફતે તેની નાણાકિય સ્થિતિને વ્યાપક અને વૈવિધ્યતાસભર બનાવી છે.

SVBની અસરે ફાઈનાન્સિયલ સ્ટોક્સમાં 465 અબજ ડોલરનો ઘટાડો
એમએસસીઆઈ વર્લ્ડ ફાઈનાન્સિયલ્સ ઈન્ડેક્સ અને એમએસસીઆઈ ઈએમ ફાઈનાન્સિયલ્સ ઈન્ડેક્સના સંયુક્ત માર્કેટ-કેપમાં ત્રણ દિવસમાં 465 અબજ ડોલરનું ધોવાણ
વૈશ્વિક ફાઈનાન્સિયલ શેર્સમાં છેલ્લાં ત્રણ ટ્રેડિંગ સત્રોમાં 465 અબજ ડોલરનું ધોવાણ જોવા મળ્યું છે. સિલિકોન વેલી બેંકના પતન પછી ન્યૂ યોર્કથી જાપાન સુધી રોકાણકારોએ બેંકિંગ કંપનીઓમાં તેમનું રોકાણ ઘટાડ્યું છે. મંગળવારે સવારે એમએસસીઆઈ એશિયા પેસિફિક ફાઈનાન્સિયલ ઈન્ડેક્સ 2.7 ટકા જેટલો તૂટતાં નુકસાનમાં ઓર વધારો નોંધાયો હતો. ઈન્ડેક્સ 29 નવેમ્બરના લેવલથી સૌથી નીચા સ્તરે જોવા મળ્યો હતો. જાપાનમાં મિત્સુબિશી યૂએફજે ફાઈનાન્સિયલ ગ્રૂપ ઈન્કનો શેર 8.3 ટકા સાથે સૌથી ઊંચો ઘટાડો દર્શાવતો હતો. જયારે સાઉથ કોરિયાના હાના ફાઈનાન્સિયલ ગ્રૂપ ઈંકનો શેર 4.7 ટકા અને ઓસ્ટ્રેલિયાના એએનઝેડ ગ્રૂપ હોલ્ડિંગ્સમાં 2.8 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
યુએસ ખાતે બેંકિંગ શેર્સમાં ભારે વેચવાલી પાછળ એશિયન બેંકિંગ શેર્સમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. યુએસ સરકારે જાહેર કરેલો રેસ્ક્યૂ પ્લાન બેંકિંગ સેક્ટરમાં એસવીબી અને સિગ્નેચર બેંક પછી વધુ પતન અટકાવી શકશે કે કેમ તે ચિંતા રોકાણકારોને સતાવી રહી હતી. એશિયન લેન્ડર્સ જોકે પ્રત્યક્ષ જોખમથી ઘણે અંશે બચેલા જોવા મળી રહ્યાં હતાં. એમએસસીઆઈ વર્લ્ડ ફાઈનાન્સિયલ્સ ઈન્ડેક્સ અને એમએસસીઆઈ ઈએમ ફાઈનાન્સિયલ ઈન્ડેક્સના માર્કેટ કેપિટલાઈઝેશનમાં ત્રણ સત્રોમાં 465 અબજ ડોલરનો ઘટાડો જોવા મળ્યો હતો. મોટાભાગની ઉત્તર એશિયાઈ બેંક્સ જોકે તેમની મજબૂત ડિપોઝીટ્સ અને એસેટ મિક્સ તથા લિક્વિડીટીને જોતાં સિલિકોન વેલી બેંકની પાછળ આકસ્મિક પતનું ખૂબ નાનુ જોખમ ધરાવે છે. જોકે એસવીબી જેવી ઘટનાને કારણે ફાઈનાન્સિયલ કંપનીઓ બોન્ડ્સમાં તેમના જંગી રોકાણો સહિત અન્ય ફાઈનાન્સિયલ ઈન્સ્ટ્રમેન્ટ્સમાં રોકાણને લઈને ચિંતા જોવા મળી રહી છે. યુએસ 2-વર્ષ માટેના ટ્રેઝરી યિલ્ડ્સમાં સોમવારે 1980 પછીનો સૌથી મોટો એકદિવસીય કડાકો જોવા મળ્યો હતો. યુએસ બેંકિંગ સિસ્ટમમાં જોવા મળી રહેલી તાજેતરની તકલીફોને જોતાં ફેડરલ રિઝર્વ રેટમાં આક્રમક વૃદ્ધિનું વલણ ત્યજે તેવી અપેક્ષા પાછળ બોન્ડ યિલ્ડ્સ ઊઁધા માથે પટકાયાં હતાં. જે મંગળવારે સવારે વધુ ઘટાડા પછી બપોરે થોડો બાઉન્સ દર્શાવી રહ્યાં હતાં. મોર્નિંગસ્ટાર ઈન્કના એનાલિસ્ટના મતે યુએસ ખાતે મોંઘા લેન્ડિંગની શક્યતાને ચકાસવી પડશે. ફેડ તરફથી ઈન્ટરેસ્ટ રેટ્સ વૃદ્ધિ ક્યારે અટકે છે તે પણ જોવાનું મહત્વનું બની રહેશે એમ તેમણે ઉમેર્યું હતું.

ડોલર સામે રૂપિયામાં 26 પૈસા નરમાઈ જોવાઈ
યુએસ ડોલર સામે રૂપિયો સતત બીજા દિવસે ઘટાડો દર્શાવી રહ્યો હતો. મંગળવારે ડોલર સામે રૂપિયો 26 પૈસા ગગડી 82.49ની સપાટીએ બંધ રહ્યો હતો. સોમવારના 82.23ના બંધ ભાવ સામે રૂપિયો 82.27ની સપાટીએ નરમ ખૂલ્યાં બાદ ઉપરમાં 82.50 અને નીચામાં 82.24ની રેંજમાં અટવાયો હતો અને આખરે નેગેટિવ બંધ જળવાયો હતો. વિદેશી સંસ્થાકિય રોકાણકારો તરફથી અવિરત વેચવાલીને પગલે રૂપિયા પર દબાણ જોવા મળી રહ્યું હોવાનું ફોરેક્સ ડિલર્સ જણાવતાં હતાં.
નબળી માગ પાછળ કોટનમાં ખાંડીએ રૂ. 1500નો ઘટાડો
વૈશ્વિક અર્થતંત્રમાં મંદીને લઈને ગભરાટ વચ્ચે સ્થાનિક માગ નીચી જળવાતાં કોટનના ભાવ પર દબા જોવા મળી રહ્યું છે. ગયા સપ્તાહની શરૂમાં રૂ. 62000-62500ની સપાટી પર જોવા મળતી ખાંડીના ભાવ બે દિવસથી રૂ. 60500 આસપાસ બોલાઈ રહ્યાં છે. જિંનીંગ વર્તુળોના મતે સ્પીનર્સની માગ જરૂર પૂરતી જોવા મળી છે. બીજી બાજુ જે ખેડૂતો ઊંચા ભાવે વેચવાલીની રાહમાં માલ પકડીને બેઠાં હતાં તેઓ હવે બજારમાં આવક લાવી રહ્યાં છે. આમ આગામી ઓફ સિઝનમાં પણ ભાવમાં ગયા વર્ષની જેમ કોઈ મોટી તેજીની શક્યતાં નથી જોવાઈ રહી. જો વૈશ્વિક સ્તરે બેંકિંગ સંકટ આગળ વધશે તો ભાવ વધુ દબાય તેવી શક્યતાં તેઓ વ્યક્ત કરે છે.

કોર્પોરેટ હેડલાઈન્સ

રિલાયન્સ કેપિટલઃ એડીએજી જૂથ કંપની માટે બીજા રાઉન્ડનું ઓક્શન 20 માર્ચ સુધી નહિ યોજવા માટે સુપ્રીમ કોર્ટે કમિટિ ઓફ ક્રેડિટર્સને આદેશ આપ્યો છે. ટોરેન્ટ ઈન્વેસ્ટમેન્ટ્સે 4 માર્ચે નેશનલ કંપની લો એપલેટ ટ્રિબ્યુનલે 2 માર્ચે કમિટિ ઓફ ક્રેડિટર્સને સેકન્ડ ઓક્શનમાં આગળ વધવાના આદેશ સામે સુપ્રીમમા અપીલ કરી હતી. જેના ભાગરૂપે સુપ્રીમે સીઓસીને આદેશ કર્યો છે. ટોરેન્ટ તરફથી મૂકૂલ રોહતગી અને શ્યામ દિવાને કોર્ટમાં રજૂઆત કરી હતી.
ગેઈલ ઈન્ડિયાઃ પીએસયૂ ગેસ સાહસે નાણા વર્ષ 2022-23 માટે રૂ. 4 પ્રતિ શેરના ઈન્ટરિમ ડિવિડન્ડની જાહેરાત કરી છે. જે માટે 21 માર્ચની રેકર્ડ ડેટ નિર્ધારિત કરવામાં આવી છે. કંપની ડિવિડન્ડ પેટે કુલ રૂ. 2630 કરોડનું ચૂકવણું કરશે. કંપનીએ ચાલુ વર્ષ માટે પ્રથમ ઈન્ટરિમ ડિવિડન્ડ જાહેર કર્યું છે. સરકાર કંપનીમાં 51.52 ટકા હિસ્સો ધરાવે છે.
ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝઃ આદિત્ય બિરલા જૂથની ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝના પેઈન્ટ ઉદ્યોગમાં પ્રવેશથી સમગ્ર ઈન્ડસ્ટ્રી ક્ષેત્રે માર્જિન્સ પર અસર પડે તેવી શક્યતાં છે. વર્તુળોના જણાવ્યા મુજબ પેઈન્ટ ઉદ્યોગના માર્જિનમાં 1.5 ટકાથી 4 ટકા સુધીની અસર પડી શકે છે. જૂથે જાન્યુઆર 2021માં પેઈન્ટ ઉદ્યોગમાં પ્રવેશની જાહેરાત કરી હતી. એક રિસર્ચ રિપોર્ટ મુજબ ગ્રાસિમ 2029-30 સુધીમાં 20 ટકા માર્કેટ હિસ્સો મેળવી શકે છે. જેને કારણે ઈન્ડસ્ટ્રીના એબિટા પર 1.5 ટકાની વિપરીત અસર જોવા મળશે.
પીએનબી હાઉસિંગઃ પીએનબીની હાઉસિંગ ફાઈનાન્સ કંપનીએ રૂ. 2500 કરોડના રાઈટ્સ ઈશ્યૂ માટે સેબીની મંજૂરી મેળવી લીધી છે. ડીઆરએચપી મુજબ કંપની તેના વર્તમાન રોકાણકારોને ફૂલ્લી પેઈડ-અપ ઈક્વિટી શેર્સ ઈસ્યુ કરશે. ઈસ્યુ પછી કંપનીમાં પીએનબીનો હિસ્સો વર્તમા 32.53 ટકા પરથી ઘટી 30 ટકાથી નીચે જશે. જોકે તે 26 ટકાથી નીચે નહિ જાય.
એરટેલઃ ટેલિકોમ કંપનીએ 22 સર્કલ્સમાં એન્ટ્રી-લેવલ પ્લાનના દરમાં વૃદ્ધિ કરી છે. તેણે લઘુત્તમ રૂ. 99ના રિચાર્ટ પ્લાનને પડતો મૂકી તેને સ્થાને રૂ. 155નો પ્લાન રજૂ કર્યો છે. રૂ. 99નો પ્લાન એરટેલની કુલ મોબાઈલ રેવન્યૂમાં 7-8 ટકા હિસ્સો ધરાવતો હતો. જોકે રેટમાં ફેરફારથી આ રેવન્યૂ પર અસર પડવાની શક્યતાં એનાલિસ્ટ્સ વ્યક્ત કરે છે.
નાલ્કોઃ જાહેર ક્ષેત્રના એલ્યુમિનિયમ સાહસે 2022-23 માટે રૂ. 2.5 પ્રતિ શેરના વચગાળાની ડિવિડન્ડની જાહેરાત કરી છે. જે માટે 21 માર્ચને રેકર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે. કંપનીએ અગાઉ જાન્યુઆરીમાં રૂ. 1નું ઈન્ટરિમ ડિવિડન્ડ જાહેર કર્યું હતું.
હૂડકોઃ સરકારી સાહસ નવા નાણા વર્ષ માટે મહત્તમ રૂ. 18 હજાર કરોડના ફંડ રેઈઝિંગ પ્લાન માટે વિચારણા ચલાવી રહ્યું છે.
લ્યુપિનઃ ફાર્મા કંપનીના પૂણે સ્થિત બાયોરિસર્ચ સેન્ટર ખાતે યુએસ એફડીએએ તેની ઈન્સપેક્શનની કામગીરી પૂર્ણ કરી છે. રેગ્યૂલેટરે કોઈપણ પ્રકારના ઓબ્ઝર્વેશન્સ વિના કામગીરી સમાપ્ત કરી હતી.
તાતા કેમિકલ્સઃ ફિચ રેટિંગ એજન્સીએ તાતા જૂથની કંપનીના લોંગ-ટર્મ ફોરેન-કરન્સી આઈડીઆર આઉટલૂકને સ્ટેબલમાંથી પોઝીટીવ બનાવ્યું છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage