યુએસ બોન્ડ્સમાં તેજી પાછળ શેરબજારોમાં ગાબડાં
ડાઉ-નાસ્ડેક 2 ટકાથી વધુ ગગડતાં એશિયન બજારોમાં નરમાઈ
સેન્સેક્સ 60 હજારની નીચે ઉતરી ગયો
નિફ્ટીના 50માંથી માત્ર ત્રણ કાઉન્ટર્સ ગ્રીન ઝોનમાં જળવાયાં
વોલેટિલિટી ઈન્ડેક્સમાં 11 ટકાનો ઉછાળો
મેટલ, એનર્જી, બેંકિંગ, ઓટો, આઈટીમાં નરમાઈ
અદાણી જૂથ શેર્સમાં સાર્વત્રિક વેચવાલી
આઈઆરબી ઈન્ફ્રા, બ્લ્યૂસ્ટાર નવી ટોચે
બીએસઈ, ગોદરેજ પ્રોપર્ટીઝ, લૌરસ લેબ્સ નવા તળિયે
મધર માર્કેટ એવા યુએસ શેરબજારોમાં વેચવાલીને પગલે ઈમર્જિંગ બજારોમાં પણ વેચવાલી ફરી વળી હતી. જેમાં ભારતીય બજારોએ નોંધપાત્ર અન્ડરપર્ફોર્મન્સ જાળવી રાખ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 928 પોઈન્ટ્સ ગગડી 59745ની સપાટીએ જ્યારે નિફ્ટી 272 પોઈન્ટ્સ તૂટી 17554ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી. જેને કારણે બ્રેડ્થ નેગેટિવ જળવાય હતી. નિફ્ટી-50માં સમાવિષ્ટ 50માંથી 47 કાઉન્ટર્સ અગાઉના બંધની સરખામણીમાં ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે માત્ર ત્રણ કાઉન્ટર્સ જ પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ સ્થિતિ સમાન હતી. બીએસઈ ખાતે કુલ 3606 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2592 નેગેટિવ બંધ રહ્યાં હતાં. જ્યારે 884 કાઉન્ટર્સ જ પોઝીટીવ બંધ જોવા મળી રહ્યાં હતાં. 266 કાઉન્ટર્સે તેમનું વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું. જ્યારે 68 કાઉન્ટર્સે તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ બનાવી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સમાં ભારે વૃદ્ધિ જોવા મળી હતી. ઈન્ડિયા વિક્સ 11.21 ટકા ઉછળી 15.58ની સપાટીએ બંધ રહ્યો હતો.
મંગળવારે યુએસ ખાતે બોન્ડ્સમાં ભારે તેજી જોવા મળી હતી. ડોલર ઈન્ડેક્સ પણ 104.20ની તેની તાજેતરની ટોચ પર પહોંચ્યો હતો. જેની પાછળ યુએસ બેન્ચમાર્ક્સ નાસ્ડેક અને ડાઉ જોન્સમાં ભારે વેચવાલી નીકળી હતી. જેની અસરે એશિયન બજારો એક ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. ભારતીય બજારે કામગીરીની શરૂઆત ગેપ-ડાઉન દર્શાવી હતી. જોકે ત્યારબાદ તેમાં સતત વેચવાલી જોવા મળી હતી અને તે ઘસાતું રહ્યું હતું અને દિવસના તળિયા નજીક જ બંધ રહ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી ઈન્ટ્રા-ડે 17773ની ટોચ પરથી ગગડી 17529ની સપાટીએ ટ્રેડ થયો હતો. કેશ નિફ્ટીની સરખામણીમાં નિફ્ટી ફ્યુચર 12 પોઈન્ટ્સ પ્રિમીયમે 17566ની સપાટી પર બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રના 24 પોઈન્ટ્સ પ્રિમીયમની સરખામણીમાં ઘટાડો દર્શાવે છે. આમ માર્કેટમાં લોંગ પોઝીશન લિક્વિડેટ થઈ હોય તેમ જણાય છે. જે નજીકના સમયગાળામાં તીવ્ર બાઉન્સની શક્યતાં નથી દર્શાવતો. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીને નજીકમાં 17350નો સપોર્ટ છે. જેની નીચે 17200નું સ્તર જોવા મળી શકે છે. જ્યારે ઉપરમાં તેના માટે 17700નો અવરોધ છે. જે પાર થાય તો 18 હજાર તરફ બજાર ગતિ કરી શકે છે. માર્કેટ શોર્ટ-ટર્મમાં ઓવરસોલ્ડ હોવાથી એક બાઉન્સ અપેક્ષિત છે. જોકે ગુરુવારે ફેબ્રુઆરી એક્સપાયરી જોતાં માર્કેટમાં બે બાજુની વધ-ઘટ જોવા મળે તેવી શક્યતાં છે. બુધવારે નિફ્ટીને સપોર્ટ કરનારા કાઉન્ટર્સમાં આઈટીસી, બજાજ ઓટો અને ડિવિઝ લેબ્સનો સમાવેશ થતો હતો. આ સિવાયના તમામ નિફ્ટી કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. જેમાં અદાણી એન્ટરપ્રાઈઝિસ 11 ટકા ગબડ્યો હતો. જ્યારે અદાણી પોર્ટ્સ, ગ્રાસિમ, બજાજ ફાઈનાન્સ, જેએસડબલ્યુ સ્ટીલ, બજાજ ફિનસર્વ, એમએન્ડએમ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેંક મુખ્ય હતાં. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો તમામ સૂચકાંકો રેડ ઝોનમાં બંધ રહ્યાં હતાં. જ્યારે મોટાભાગના એક ટકાથી વધુ ઘટાડો દર્શાવતાં હતાં. જેમાં મેટલ ઈન્ડક્સ 2.64 ટકા સાથે સૌથી ખરાબ જોવા મળ્યો હતો. મેટલ કાઉન્ટર્સમાં એનએમડીસી, સેઈલ, જેએસડબલ્યુ સ્ટીલ, જિંદાલ સ્ટીલ, હિંદુસ્તાન ઝીંક અને મોઈલમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ 2 ટકા તૂટ્યો હતો. જેમાં અદાણી ગ્રીન એનર્જી 5 ટકા સાથે તૂટવામાં અગ્રણી હતો. આ ઉપરાંત તાતા પાવર, આઈઓસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એનટીપીસી, હિંદુસ્તાન પેટ્રો, પાવર ગ્રીડ કોર્પોરેશન પણ નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ 2 ટકા ગગડ્યો હતો. જેમાં ઈન્ડિયન બેંક, યુનિયન બેંક, સેન્ટ્રલ બેંક, પીએનબી, પંજાબ એન્ડ સિંધ બેંક, જે બેંક, આઈઓબી અને બેંક ઓફ બરોડામાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. એસબીઆઈ 1.4 ટકા ગગડ્યો હતો. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ એક ટકાથી વધુ ઘટાડો દર્શાવતો હતો. જેમાં વિપ્રો 2 ટકા સાથે તૂટવામાં ટોચ પર હતો. ઉપરાંત એલટીઆઈમાઈન્ડટ્રી, ટીસીએસ, એચસીએલ ટેક, ઈન્ફોસિસ પણ એક ટકાથી વધુ તૂટ્યાં હતાં. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ એક ટકાથી વધુ નરમાઈ દર્શાવતો હતો. જેમાં અમર રાજા બેટરીઝ 3.4 ટકા, અશોક લેલેન્ડ 3 ટકા, એમઆરએફ 3 ટકા અને એમએન્ડએમ 2.4 ટકા ઘટાડો સૂચવી રહ્યો હતો.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટની વાત કરીએ તો સુધારો દર્શાવનાર કાઉન્ટર્સમાં ઓરોબિંદો ફાર્મા ટોચ પર હતો. આ ઉપરાંત વોલ્ટાસ, ગ્લેનમાર્ક, પેટ્રોનેટ એલએનજી, પર્સિસ્ટન્ટ, આઈઈએક્સ, અબોટ ઈન્ડિયા, બાટા ઈન્ડિયા અને ઈપ્કા લેબનો સમાવેશ થાય છે. બીજી બાજુ ઘટાડો દર્શાવનાર કંપનીઓમાં અદાણી એન્ટરપ્રાઈઝ ટોચ પર હતી. આ ઉપરાંત અદાણી પોર્ટ્સ, આદિત્ય બિરલા, અંબુજા સિમેન્ટ્સ, એસ્ટ્રાલ, ટોરેન્ટ પાવર, એસીસી, બલરામપુર ચીની, ઈન્ડિયા સિમેન્ટ્સ અને ઈન્ડિયાબુલ્સ હાઉસિંગનો સમાવેશ થતો હતો. વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કંપનીઓમાં આઈઆરબી ઈન્ફ્રા 15 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત બ્લ્યૂ સ્ટાર, સેરા સેનિટરી, સાયન્ટ, ટ્રિવેણી ટર્બાઈન, સિમેન્સમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ વાર્ષિક તળિયું દર્શાવનાર કાઉન્ટર્સમાં અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટ્રાન્સમિશન, અદાણી ટોટલ ગેસ, તાતા ટેલિસર્વિસિસ, બીએસઈ, ગોદરેજ પ્રોપર્ટીઝ અને લૌરસ લેબ્સનો સમાવેશ થતો હતો.
સરકાર OMSS હેઠળ વધુ ઘઉં વેચાણ કરશે
સરકારે ઓપન માર્કેટ સેલ સ્કિમ(ઓએમએસએસ) હેઠળ માર્કેટમાં વધુ 20 લાખ ટન ઘઉંનો જથ્થો છૂટો કરવાની જાહેરાત કરી છે. દેશમાં મહત્વની સ્ટેપલ કોમોડિટીના ભાવમાં વધુ ઘટાડા માટે સરકારે આ નિર્ણય લીધો છે. આ જાહેરાત બીજા રાઉન્ડની હરાજી અગાઉ કરવામાં આવી છે. જેમાં 11.72 લાખ ટન ઘઉંનું વેચાણ કરવામાં આવશે.
ખાદ્યાન્ન મંત્રાલયે અત્યાર સુધીમાં કુલ 50 લાખ ટન ઘઉંનો જથ્થો મુક્ત બજારમાં વેચવાનો નિર્ણય લીધો છે. જેમાં પ્રથમ તબક્કામાં 30 લાખ ટન અને બીજા તબક્કામાં 20 લાખ ટનનો સમાવેશ થાય છે. રિઝર્વ પ્રાઈસમાં ઘટાડા સાથએ 20 લાખ ટનના અધિક ઓફલોડિંગને કારણે બજારમાં ઘઉંના ભાવમાં ઘટાડામાં સહાયતા મળશે એમ મંત્રાલયનું કહેવું છે. ફેબ્રુઆરીના પ્રથમ દિવસે પ્રથમ રાઉન્ડની હરાજી યોજાઈ હતી. જ્યારે 15 ફેબ્રુઆરીએ બીજો રાઉન્ડ યોજાયો હતો. એ વાત ઉલ્લેખનીય છે કે સરકારે છૂટા બજારમાં ઘઉંનું વેચાણ કરતાં કોમોડિટીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા ત્રણ સપ્તાહોમાં પ્રતિ કિગ્રા ભાવ રૂ. 33.47 પરથી ઘટી રૂ. 33.15 પર જોવા મળ્યાં હતાં. જ્યારે ઘઉંના લોટનો ભાવ પણ રૂ. 38.02 પ્રતિ કિગ્રા પરથી ગગડી રૂ. 37.63 પ્રતિ કિગ્રા પર જોવા મળ્યો હતો.
ભારતીયોનું વિદેશી બજારોમાં શેર્સ, પ્રોપર્ટી રોકાણ વિક્રમી સપાટીએ
કેલેન્ડર 2022માં વિદેશમાં સ્થાનિક ઈન્વેસ્ટર્સે લિસ્ટેડ કંપનીઓમાં 96 કરોડ ડોલરથી વધુ રોક્યાં
ભારતીયો તરફથી વિદેશી શેરબજાર, પ્રોપર્ટી અને ડિપોઝીટ્સમાં રોકાણ 2022માં વિક્રમી સપાટીએ હોવાની શક્યતાં છે. ગયા કેલેન્ડરમાં 2.1 અબજ ડોલરના રોકાણ સાથે ભારતીયોનું વૈશ્વિક રોકાણ છેલ્લાં દાયકામાં વિક્રમી હોવાનું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો ડેટા જણાવે છે.
આ ઉપરાંત દરેક સેગમેન્ટ માટે કરવામાં આવેલું રોકાણ પણ વિક્રમી હોવાનું આરબીઆઈ ડેટા સૂચવે છે. સરકાર ભારતીયોને વિદેશમાં વિવિધ હેતુસર 2.5 લાખ ડોલરના રોકાણની છૂટ આપે છે. લિબરાઈઝ્ડ રેમિટન્સ સ્કિમ(એલઆરએસ) હેઠળ તેને એજ્યૂકેશન, મેડિકલ, ગિફટ્સ, ડોનેશન્સ, ટ્રાવેલ અને ક્લોઝ રિલેટિવ્સના મેઈન્ટેનન્સ તથા અન્ય હેતુસર ઉપયોગમાં લઈ શકાય છે. આરબીઆઈ પાસે એપ્રિલ 2011થી અત્યાર સુધીનો ડેટા ઉપલબ્ધ છે. ડિસેમ્બર 2022માં પૂરા થતાં 12-મહિના દરમિયાન વિદેશી ઈક્વિટી અથવા ડેટ માર્કેટમાં ભારતીયોનું રોકાણ 96.95 કરોડ ડોલરની વિક્રમી સપાટીએ જોવા મળ્યું હતું. ડિસેમ્બર મહિના માટે આ આંકડો 11.95 કરોડ ડોલરની વિક્રમી સપાટીએ હતો. મહિના દરમિયાન રોકાણકારોમાં વિદેશી શેર્સને લઈ ઊંચી રૂચિ જોવા મળી હતી. દેશમાં મોટાભાગના બ્રોકરેજિસે તેમના ગ્રાહકોને વિદેશી શેરબજારોમાં લિસ્ટેડ કંપનીઓમાં રોકાણની સુવિધા માટે ગ્લોબલ બ્રોકરેજિસ સાથે જોડાણ કર્યું છે. ઘણા રોકાણકારો મ્યુચ્યુલ ફંડ્સ મારફતે પણ વિદેશી બજારોમાં લિસ્ટેડ કંપનીઓમાં રોકાણ કરી રહ્યાં છે. ડિસેમ્બરની આખરમાં એમએફ પાસે પડેલી વિદેશી બજારમાં લિસ્ટેડ સિક્યૂરિટીઝનું મૂલ્ય રૂ. 2.7 લાખ કરોડ જેટલું જોવા મળતું હતું. જાન્યુઆરી 2023નો ડેટા જોઈએ તો વિદેશી સિક્યૂરિટીઝમાં રોકાણમાં રૂ. 29,012 કરોડની વૃદ્ધિ નોંધાઈ હતી. જો ઈમ્મૂવેબલ પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ્સની વાત કરીએ તો ડિસેમ્બર 2022માં પૂરા થતાં 12-મહિનામાં લગભગ 10 કરોડ ડોલરનું રોકાણ થયું હોવાનું ડેટા સૂચવે છે.
કોવિડ પછી પુરુષો કરતાં મહિલાઓમાં જોબ રિકવરી ધીમી
એક અભ્યાસ મુજબ શહેરી મહિલાઓમાં રોજગારીના દરમાં 2019ની સરખામણીમાં 2021માં 22.1 ટકાનો ઘટાડો નોંધાયો
ઓક્ટોબર 2021થી ઓક્ટોબર 2022 ઈપીએફઓ ડેટા મુજબ મહિલાઓનું રજિસ્ટ્રેશન સતત 28 ટકાથી નીચું
કોવિડ પછી જોબ માર્કેટમાંથી મહિલાઓને બાકાત રાખવાનો શરૂ થયેલો ક્રમ હજુ પણ યથાવત હોવાનું એક રિપોર્ટ જણાવે છે. ‘વુમેન એન્ડ વર્કઃ હાઉ ઈન્ડિયા ફેર્ડ ઈન 2022’ શીર્ષક હેઠળ રજૂ કરવામાં આવેલા એક અહેવાલ મુજબ મહામારી બાદ પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં જોબ રિકવરી ધીમી જોવા મળી છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ મહામારી પછી ઓછી સંખ્યામાં મહિલાઓ તેમના કામના સ્થળે પરત ફરી છે. ગ્રામીણ મહિલાઓમાં બેરોજગારીનો દર 1.6 ટકા વધ્યો છે. જ્યારે ગ્રામીણ પુરુષોમાં બેરોજગારી દર 1.2 ટકાના દરે વધતો જોવાયો છે.
સેન્ટર ફોર મોનીટરિંગ ઈન્ડિયન ઈકોનોમી(CMIE) અને સેન્ટર ફોર ઈકોનોમિક ડેટા એન્ડ એનાલિસિસ(CEDA)ના જણાવ્યા મુજબ માત્ર શહેરી ભારતમાં જ મહિલાઓમાં રોજગારીના દરમાં 2019ની સરખામણીમાં 2021માં 22.1 ટકાનો ઘટાડો નોંધાયો હતો. 2021ની આખરમાં ગ્રામીણ અને શહેરી, બંને ભારતમાં નોકરી વાંચ્છુક મહિલાઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. બીજી બાજુ 2019ની સરખામણીમાં નોકરી ઈચ્છી રહેલા પુરુષોની વૃદ્ધિ જોવા મળી હતી. દેશના કર્મચારીગણમાં મહિલાઓની ભાગીદારીની વિષમ સ્થિતિ દર્શાવવા સાથે રિપોર્ટ વર્કિંગ વૂમેનને દૈનિક ધોરણે સામનો કરવા પડતાં પડકારો પર પણ દ્રષ્ટિપાત કરે છે. જેમકે રિપોર્ટ મુજબ વર્કિંગ વૂમેનમાં ‘ફિમેલ ગિલ્ટ’ને કારણે ઈન્ટિમેટ પાર્ટનર વાયોલન્સ(IPV)ના કિસ્સા વધ્યાં છે. કામ કરતી મહિલાઓમાં હંમેશા પારિવારિક જવાબદારી ઉઠાવવામાં નિષ્ફળતાને લઈ ડર જોવા મળતો હોય છે.
રિપોર્ટ મુજબ પંજાબમાં ગ્રામીણ વિસ્તારોમાં ફિમેલ વર્ક પાર્ટિસિપેશન રેટ(એફડબલ્યુપીઆર) 2017-18થી 2020-21 વચ્ચે 9.9 ટકા પરથી બમણો વધી 17.9 ટકા પર જોવા મળ્યો હતો. જ્યારે શહેરી વિસ્તારોમાં તે માત્ર 3 ટકા વૃદ્ધિ દર્શાવતો હતો. તેલંગાણામાં ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓનો વર્ક પાર્ટિસિપેશન રેટ પણ 2017-18માં 25.9 ટકા પરથી વધી 2020-21માં 45.1 ટકા પર રહ્યો હતો. જ્યારે શહેરી મહિલાઓમાં આ પ્રમાણ માત્ર 3.8 ટકા જેટલું વધ્યું હતું. કેરળમાં ગ્રામીણ મહિલાઓ માટે ડબલ્યુપીઆરમાં 9 ટકા જ્યારે શહેરી મહિલાઓમાં 4.8 ટકા વૃદ્ધિ જોવા મળી હતી.
લિસ્ટેડ કંપનીઓમાં પર્મેનન્ટ બોર્ડ સીટની પ્રથા સામે સેબીની લાલઆંખ
બોર્ડ ડિરેક્ટર્સ માટે પાંચ વર્ષે એકવાર શેરધારકોની મંજૂરી મેળવવાની રહેશે
સેબીએ સ્પેશ્યલ રાઈટ્સ માટે પણ કડક નિયમોનો પ્રસ્તાવ રજૂ કર્યો
માર્કેટ રેગ્યુલેટર સેબીએ લિસ્ટેડ કંપનીઓમાં કેટલાંક ડિરેક્ટર્સ તરફથી કાયમી બોર્ડ સિટ્સ જાળવી રાખવાની પ્રેકટીસને બંધ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. રેગ્યૂલેટરે સૂચવ્યાં મુજબ કંપનીના બોર્ડમાં સેવા બજારતાં કોઈપણ વ્યક્તિની ડિરેક્ટરશીપને શેરધારકો તરફથી સમયાંતરે મંજૂરી આધિન હોવી જોઈએ. ઓછામાં ઓછું પાંચ વર્ષોમાં એક વાર આમ કરવું જોઈએ એમ સેબીએ જણાવ્યું છે.
મંગળવારે એક ચર્ચા પત્રમાં સેબીએ જણાવ્યું હતું કે કેટલાંક પ્રમોટર્સ બોર્ડમાં કાયમીપણાનો લાભ મેળવે છે. જે તેમને બિનજરૂરી લાભ પૂરો પાડે છે. તેમજ તે શેરધારકોના હિત સામે પૂર્વગ્રહિત હોય છે. આ મુદ્દો ગયા વર્ષે ડિશ ટીવીના અગાઉના પ્રમોટર્સ અને યસ બેંક વચ્ચે ગજગ્રાહને કારણે ઊભો થયો હતો. જેમાં જવાહર ગોયેલને લાગેલા નોટ-લાયેબલ-ટુ-રિટાયર ટેગને લઈને બંને જૂથ વચ્ચે લાંબું ઘર્ષણ જોવા મળ્યું હતું.
કોઈપણ લિસ્ટેડ કંપનીના બોર્ડમાં વ્યક્તિએ પર્મેનન્ટ સીટ મેળવવા માટે બે માર્ગ છે. એક તો આર્ટિકલ્સ ઓફ એસોસિએશન(એઓએ)માં ક્લોઝ દાખલ કરીને અથવા બીજું બોર્ડમાં ‘રિટાયર બાય રોટેશન’ લાગુ નહિ પડે તે રીતે અને કોઈ ચોક્કસ નિર્ધારિત સમયગાળા વિના ડિરેક્ટર તરીકેની નિમણૂંક મારફતે. સેબીએ તેના ચર્ચા પત્રમાં મૂકેલા પ્રસ્તાવમાં જણાવ્યું છે કે 31 માર્ચ 2023ના રોજ કોઈ ડિરેક્ટર કંપનીના બોર્ડ પર અગાઉના પાંચ-વર્ષોથી સત્તામાં હશે તો આવી લિસ્ટેડ કંપનીએ 1 એપ્રિલ, 2024 પછી યોજાનારી પ્રથમ બોર્ડ મિટિંગમાં જ તે માટે મંજૂરી મેળવવાની રહેશે. ત્યારબાદ કંપનીએ દર પાંચ વર્ષે એકવાર તમામ ડિરેક્ટર પોઝીશન્સ માટે શેરધારકોની મંજૂરી મેળવવાની રહેશે. સેબીના પ્રસ્તાવને કારણે લિસ્ટેડ કંપનીઓ ખાતે કેટલાં ડિરેક્ટર્સ પર અસર પડશે તેનો કયાસ જોકે હજુ સુધી નથી આવ્યો. એ જ ચર્ચા પત્રમાં સેબીએ બાઈન્ડિંગ એગ્રીમેન્ટ્સ, શેરધારકોને કેટલાંક ચોક્કસ સ્પેશ્યલ રાઈટ્સ અને લિસ્ટેડ કંપનીઓ તરફથી શેરધારકોની મંજૂરી વિના સ્લમ્પ સેલને લઈને કેટલીક મહત્વની ભલામણો પણ કરવામાં આવી છે. સામાન્યરીતે કંપની તેના લિસ્ટીંગ અગાઉ ઈન્વેસ્ટમેન્ટ આકર્ષવા માટે પ્રિ-આઈપીઓ ઈન્વેસ્ટર્સ અને પ્રમોટર્સને સ્પેશ્યલ રાઈટ્સ ઓફર કરતી હોય છે. કંપની અને પ્રિ-આઈપીઓ ઈન્વેસ્ટર્સ વચ્ચે થયેલા શેરધારકોના કરારમાં સ્પેશ્યલ રાઈટ્સનો સમાવેશ કરવામાં આવ્યો હોય છે. કેટલાંક શેરધારકો તરફથી ભોગવવામાં આવી રહેલા સ્પેશ્યલ રાઈટ્સના મુદ્દાના ઉકેલ માટે સેબીએ લિસ્ટેડ કંપનીઓના શેરધારકોને આપવામાં આવેલા કોઈપણ સ્પેશ્યલ રાઈટ માટે પાંચ વર્ષે એકવાર શેરધારકોની મંજૂરી જરૂરી હોવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
વૈશ્વિક ગોલ્ડમાં નીચા મથાળે જોવા મળતો સપોર્ટ
ગોલ્ડના ભાવમાં છેલ્લાં ત્રણ દિવસથી નીચેની સપાટીએ સપોર્ટ જોવા મળી રહ્યો છે. ચાલુ સપ્તાહે ત્રીજા સત્રમાં ગોલ્ડ 8 ડોલર સુધારા સાથે 1750 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યું હતું. સોમવારે અને મંગળવારે 1835-1840 ડોલરની રેંજમાં સપોર્ટ મેળવી તે પરત ફરતું જોવાયું છે. બુધવારે યુએસ બોન્ડ યિલ્ડ્સમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો હતો. જેને કારણે ગોલ્ડમાં ખરીદી જોવા મળતી હતી. એમસીએક્સ ખાતે ગોલ્ડ વાયદો રૂ. 90ની મજબૂતીએ રૂ. 56250 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે સિલ્વર વાયદો રૂ. 100ના ઘટાડે રૂ. 65954 પર જોવા મળતો હતો.
એપ્રિલથી જાન્યુઆરીમાં રશિયન સ્ટીલ આયાત પાંચ ગણી વધી
ભારતમાં રશિયા ખાતેથી સ્ટીલની આયાતમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી છે. એપ્રિલ 2022થી જાન્યુઆરી 2023 સુધીના 10 મહિના દરમિયાન રશિયા ભારતમાં ચોથા સૌથી મોટા સ્ટીલ નિકાસકાર તરીકે ઊભર્યું છે. આ સમયગાળા દરમિયાન દેશમાં રશિયન સ્ટીલની આયાતમાં 500 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. નાણા વર્ષના પ્રથમ 10 મહિના દરમિયાન રશિયાએ ભારતમાં 2.8 લાખ ટન ફિનિશ્ડ સ્ટીલની નિકાસ કરી છે. જેમાં 2.1 લાખ ટન અથવા 72 ટકા હિસ્સો એચઆરસી અને સ્ટ્રીપ્સનો હતો. રશિયાએ હોટ રોલ્ડ કોઈલ્સના સૌથી મોટા સપ્લાયર તરીકે જાપાનને પણ પાછળ રાખી દીધું છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
ઓરિએન્ટ સિમેન્ટઃ કંપનીએ એક્સચેન્જ ફાઈલીંગમાં જણાવ્યું છે કે તેણે અદાણી પાવર મહારાષ્ટ્ર સાથે થયેલા એમઓયૂને રદ કર્યાં છે. આ માટે તેણે અદાણી પાવર તરફથી જરૂરી મંજૂરીઓ મેળવવામાં નિષ્ફળતાને કારણભૂત ગણાવી છે. સપ્ટેમ્બર 2021માં ઓરિએન્ટ સિમેન્ટે એપીએમએલ સાથે તિરોડા ખાતે સિમેન્ટ ગ્રાઈન્ડિંગ યુનિટની શક્યતાં ચકાસવા એમઓયૂની જાહેરાત કરી હતી.
આઈઆરબી ઈન્ફ્રાઃ ઈન્ફ્રા કંપનીને ગુજરાતમાં સિક્સ-લેન હાઈવે પ્રોજેક્ટ માટે પસંદગીના બીડર તરીકે જાહેર કરવામાં આવી છે. આ અહેવાલ પાછળ કંપનીના શેરમાં 14 ટકા ઉછાળો નોંધાયો હતો અને તે વાર્ષિક ટોચ પર પહોંચ્યો હતો.
એલઆઈસી હાઉસિંગઃ એલઆઈસીની સબસિડિયરીમાં આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ એમએફે ઓપન માર્કેટ ઓપરેશન મારફતે 1.11 કરોડ શેર્સની ખરીદી કરી છે. જે કંપનીની કુલ ઈક્વિટીનો 2.03 ટકા હિસ્સો સૂચવે છે.
તાતા સ્ટીલઃ તાતા જૂથની સ્ટીલ કંપની તેના જૂના ડેટ્સની ચૂકવણી માટે તથા ભાવિ ક્ષમતા વિસ્તરણ માટે જરૂરી મૂડી પ્રાપ્ય કરવા અનસિક્યોર્ડ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ મારફતે રૂ. 2150 કરોડ ઊભા કરશે. કંપની રૂ. 1 લાખની ફેસ વેલ્યૂ ધરાવતાં 2.15 લાખ એનસીડી ઈસ્યુ કરશે. એનસીડી 25 ફેબ્રુઆરી, 2028ની મેચ્યોરિટી ધરાવતાં હશે.
બાયોકોનઃ ફાર્માસ્યુટીકલ કંપનીએ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ ઈસ્યુ કરીને રૂ. 1070 કરોડનું ફંડ ઊભું કર્યું છે. કંપની તાજેતરમાં કરેલા એક્વિઝીશન્સ પછી લિક્વિડીટી ઊભી કરવા વિવિધ વિકલ્પો મારફતે ફંડ પ્રાપ્ત કરી રહી છે.
એનટીપીસીઃ પીએસયૂ વીજ સાહસની સબસિડિયરી એનટીપીસી ગ્રીન એનર્જી તેની બાકી નીકળતી ડેટ જવાબદારીને ચૂકતે કરવા માટે રૂ. 9000 કરોડ ઊભા કરવાનું આયોજન કરી રહી છે. આ માટે કંપનીએ બેંક્સ તથા ફાઈનાન્સિયલ ઈન્સ્ટિટ્યુશન્સ પાસેથી લોન ઓફર્સ મંગાવી છે. જે માટે 6 માર્ચ આખરી તારીખ છે.
એસબીઆઈઃ દેશમાં ટોચની લેન્ડરે નાણા વર્ષ 2022-23ના ત્રીજા ક્વાર્ટર માટે 4.6 ટકા જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ બાંધ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ડિસેમ્બર ક્વાર્ટર માટે અંદાજેલા 4.4 ટકાના ગ્રોથ કરતાં તે ઊંચો છે. જોકે ઈન્ડિયા રેટિંગ્સે અંદાજેલા 5 ટકાના જીડીપી ગ્રોથની સરખામણીમાં તે નીચો છે.
બ્રિગેડ એન્ટરપ્રાઈઝિસઃ રિઅલ એસ્ટેટ કંપની તેની કમર્સિયલ અને હોટેલ્સ એસેટ્સ માટે પ્રાઈવેટ ઈક્વિટી પ્લેયર્સ સાથે ફંડ્સ માટે વાતચીત ચલાવી રહી છે. જેમાં સિંગાપુર સરકારની જીઆઈસીનો સમાવેશ થાય છે. કંપની તેના હોટેલ્સ પોર્ટફોલિયો માટે સ્ટ્રેટેજીક પાર્ટનર શોધી રહી છે.
એચડીઆઈએલઃ બેન્ક્ટ્રપ્સી કોર્ટે એચડીઆઈએલની સહયોગી કંપની પ્રિવિલેજ પાવર એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને કોર્પોરેટ ઈન્સોલ્વન્સી રેઝોલ્યુશન પ્રોસેસ હેઠળ દાખલ કરી છે. એનલીએએલટીની મુંબઈ બેંચે અનુરાગ કુમાર સિંહાની ઈન્સોલ્વન્સી રેઝોલ્યુશન પ્રોફેશ્નલ તરીકે નિમણૂંક કરી છે. યુનિટિ સ્મોલ ફાઈનાન્સ બેંકની અરજીને આધારે એનસીએલટીએ આ નિર્ણય લીધો છે. કંપની રૂ. 138 કરોડની ચૂકવણીમાં નિષ્ફળ ગઈ છે.
બીઈએલઃ સરકારી સાહસે એડવાન્સ્ડ મિડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ પ્રોગ્રામ માટે સરકારી એજન્સી ડીઆરડીઓ સાથે સમજૂતી કરાર સાઈન કર્યાં છે.
અદાણી પોર્ટઃ અદાણી જૂથની કંપનીએ કમર્સિયલ પેપર્સની મેચ્યોરિટી પેટે એસબીઆઈ મ્યુચ્યુલ ફંડને રૂ. 1000 કરોડ અને આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુલ ફંડને રૂ. 500 કરોડની ચૂકવણી કરી છે.