બે બાજુની વધ-ઘટ વચ્ચે શેરબજારમાં નરમ અન્ડરટોન
યુએસ બજારોમાં રજા વચ્ચે વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણ
વોલેટિલિટી ઈન્ડેક્સમાં 5 ટકા વૃદ્ધિ નોંધાઈ
પીએસયૂ બેંક ઈન્ડેક્સમાં 2 ટકાનો ઘટાડો
આઈટી, મેટલ, ઓટો, રિઅલ્ટીમાં નરમાઈ
એફએમજીસી, એનર્જી, પીએસઈમાં મજબૂતી
સિમેન્સ, બોશ, ઈક્વિટાસ નવી ઊંચાઈએ
ઈપ્કા લેબ્સ, આરતી ડ્રગ્ઝ નવા તળિયે
ભારતીય બજારમાં સતત ત્રીજા સત્રમાં અન્ડરટોન નરમ જળવાયો હતો અને બે બાજુની વધ-ઘટ પછી બેન્ચમાર્ક્સ સાધારણ નરમાઈ સાથે બંધ જોવા મળ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 18.82 પોઈન્ટ્સ ઘટી 60,672.72ની સપાટીએ જ્યારે નિફ્ટી 17.90ના ઘટાડે 17,826.70ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં વેચવાલી જળવાય રહેવાથી બ્રેડ્થ નરમ જોવા મળી હતી. નિફ્ટી-50માં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 31 કાઉન્ટર્સ તેમના અગાઉના બંધની સરખામણીમાં નરમ જળવાયાં હતાં. જ્યારે માત્ર 19 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ બ્રેડ્થ નરમ જોવા મળી હતી. બીએસઈ ખાતે 3597 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2046 રેડિશ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1411 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. 179 કાઉન્ટર્સે તેમનું વાર્ષિક તળિયું નોંધાવ્યું હતું. જ્યારે 84 કાઉન્ટર્સે વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ બનાવી હતી. વોલિટિલિટી ઈન્ડેક્સ 4.63 ટકા ઉછળી 14ની સપાટીએ બંધ રહ્યો હતો.
સોમવારે યુએસ બજારોમાં રજા વચ્ચે મંગળવારે એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. હોંગ કોંગ માર્કેટ 1.5 ટકાથી વધુ નરમાઈ દર્શાવતું હતું. જ્યારે ચીન, સિંગાપુર જેવા બજારો પોઝીટીવ જોવા મળ્યાં હતાં. યુરોપ બજારોમાં નરમાઈ જોવા મળતી હતી. ભારતીય બેન્ચમાર્ક નિફ્ટી જોકે ગેપ-અપ ઓપનીંગ બાદ નવી ટોચ દર્શાવી ફરીથી ગગડ્યો હતો અને ઈન્ટ્રા-ડે 17800નું બોટમ બનાવી તેની નજીક જ બંધ જોવા મળ્યો હતો. નિફ્ટી કેશની સરખામણીમાં નિફ્ટી ફ્યુચર્સ 24 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 17851ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્ર દરમિયાન 22 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે 2 પોઈન્ટ્સની સાધારણ વૃદ્ધિ દર્શાવતો હતો. આમ કોઈ મોટી લોંગ પોઝીશન ઉમેરાનો સંકેત મળતો નથી. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીએ 17850નો સપોર્ટ ગુમાવતાં તેમાં ઝડપી ઘટાડો સંભવ છે. જો વૈશ્વિક બજારોના સંકેતો નરમ હશે તો ભારતીય બેન્ચમાર્ક બુધવારે ગેપ-ડાઉન ઓપનીંગ સાથે ઘટાડો જાળવી શકે છે. નિફ્ટીને નીચાંમાં 17700નો એક સપોર્ટ છે. જેની નીચે બજેટ દિવસે જોવા મળેલા 17350ના લેવલનો સપોર્ટ રહેલો છે. મંગળવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા કાઉન્ટર્સમાં એનટીપીસી મુખ્ય હતો. આ ઉપરાંત બ્રિટાનિયા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, તાતા સ્ટીલ, પાવર ગ્રીડ કોર્પોરેશન, ડિવિઝ લેબ્સ, તાતા કન્ઝ્યૂમર, અદાણી પોર્ટ્સ, એમએન્ડએમ અને એચડીએફસીનો સમાવેશ થતો હતો. બીજી બાજુ નિફ્ટીમાં સૌથી વધુ ઘટનારા કાઉન્ટર્સમાં અદાણી એન્ટરપ્રાઈઝિસ, એપોલો હોસ્પિટલ, કોલ ઈન્ડિયા, બજાજ ઓટો, તાતા મોટર્સ, યૂપીએલ, એચડીએફસી લાઈફ, સન ફાર્મા અને અલ્ટ્રાટેક સિમેન્ટનો સમાવેશ થતો હતો.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો પીએસયૂ બેંક ઈન્ડેક્સમાં 2 ટકાનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે આઈટી, મેટલ, ઓટો, રિઅલ્ટીમાં નરમાઈ નોંધાઈ હતી. બીજી બાજુ એફએમજીસી, એનર્જી, પીએસઈમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી પીએસયૂ બેંક્સમાં ઊંચો ઘટાડો દર્શાવનાર કાઉન્ટર્સમાં બેંક ઓફ ઈન્ડિયા, યૂકો બેંક, કેનેરા બેંક, બેંક ઓફ બરોડા, સેન્ટ્રલ બેંક, આઈઓબી, યુનિયન બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્રનો સમાવેશ થતો હતો. નિફ્ટી આઈટી ઈન્ડેક્સમાં ઘટાડો દર્શાવનાર કાઉન્ટર્સમાં એમ્ફેસિસ, વિપ્રો, ટીસીએસ, એચસીએલ ટેક્નોલોજી, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, એલટીઆઈમાઈન્ડટ્રી મુખ્ય હતાં. નિફ્ટી મેટલ સેગમેન્ટમાં અદાણી એન્ટરપ્રાઈઝિસ 3 ટકાથી વધુ ગગડ્યો હતો. જ્યારે કોલ ઈન્ડિયા 2 ટકા, જિંદાલ સ્ટીલ એક ટકા અને વેદાંત પણ એક ટકા ઘટાડો દર્શાવતો હતો. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સમાં પ્રેસ્ટીજ એસ્ટેટ 5.3 ટકા સાથે સૌથી વધુ તૂટ્યો હતો. આ ઉપરાંત ડીએલએફ, ગોદરેજ પ્રોપર્ટીઝ, ફિનિક્સ મિલ્સ, સનટેક રિઅલ્ટી, હેમિસ્ફિઅર, ઓબેરોય રિઅલ્ટીમાં ઘટાડો જોવા મળ્યો હતો.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટની વાત કરીએ તો આઈઈએક્સ 4 ટકા સાથે સૌથી વધુ સુધારો દર્શાવતો હતો. આ ઉપરાંત એનટીપીસી, સિમેન્સ, વોલ્ટાસ, એસ્ટ્રાલ, મેરિકો, તાતા પાવર, ઈન્ફો એજ, સિન્જિન ઈન્ટરનેશનલ, બોશ, પાવર ફાઈનાન્સ, પોલીકેબ અને સેઈલમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ આદિત્ય બિરલા ફેશન્સ 5 ટકા સાથે સૌથી વધુ ગગડ્યો હતો. આ ઉપરાંત કેનેરા બેંક, અદાણી એન્ટરપ્રાઈઝિસ, બેંક ઓફ બરોડા, બંધન બેંક, એપોલો હોસ્પિટલ અને મણ્ણાપુરમ ફાઈનાન્સમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો હતો. કેટલાંક વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં સિમેન્સ, ત્રિવેણી ટર્બાઈન, સેરા સેનિટરી, જિંદાલ સ્ટેનલેસ, ઈક્વિટાસ બેંક, બોશ અને શ્રી સિમેન્ટ્સનો સમાવેશ થતો હતો. બીજી બાજુ તાતા ટેલિસર્વિસિઝ, અદાણી ટોટલ ગેસ, અદાણી ગ્રીન, આલોક ઈન્ડસ્ટ્રીઝ, ઓલેક્ટ્રા, ઈપ્કા લેબ્સ, આરતી ડ્રગ્ઝ, શીલા ફોમ, બાટા ઈન્ડિયા, સેન્ચૂરી અને બાયોકોનમાં વાર્ષિક તળિયું જોવા મળ્યું હતું.
F&O ટ્રેડિંગ માટે સમય લંબાવવા માટે શેરબજારોની વિચારણા
ડેરિવેટિવ્સ ટ્રેડિંગને લંબાવવાથી ભારતીય ટ્રેડર્સ ઓવરનાઈટ જોખમો ટાળી શકશે
યુએસ, યુરોપ અને જાપાન જેવા બજારોમાં ડેરિવેટિવ્સ પ્લેટફોર્મ 23 કલાક કાર્યરત હોય છે
સેબીએ અગાઉથી જ તેની મંજૂરી આપી દીધી હોવાથી હવે એક્સચેન્જિસે નિર્ણય લેવાનો રહે છે
શેરબજારોએ ઈક્વિટી ડેરિવેટિવ્સ કોન્ટ્રેક્ટ્સના ટ્રેડિંગ સમયગાળાને લંબાવવા માટેની યોજનાને પુનર્જિવિત કરી હોવાનું બે જાણકાર વર્તુળોનું કહેવું છે. આ માટે નેશનલ સ્ટોક એક્સચેન્જે માર્કેટ પાર્ટિસિપન્ટ્સ સાથે શરૂઆતી ચર્ચા-વિચારણા શરૂ કરી હોવાનું પણ તેઓ ઉમેરે છે. એક્સચેન્જ સત્તાવાળાઓ લાંબા સમયથી એવું માની રહ્યાં છે કે ભારતમાં વર્તમાન એફએન્ડઓ ટ્રેડિંગનો સમયગાળો ટૂંકો હોવાથી ડેરિવેટિવ્સ સેગમેન્ટના વોલ્યુમ વિદેશી બજારોમાં શિફ્ટ થઈ રહ્યાં છે. ભારત બહાર સિંગાપુર એક્સચેન્જ ખાતે નિફ્ટી ફ્યુચર્સમાં ટ્રેડિંગ જોવા મળે છે.
હાલમાં એક્સચેન્જનું ડેરિવેટિવ્ઝ પ્લેટફોર્મ સવારે 9-15થી બપોરે 3-30 સુધી ટ્રેડિંગ ધરાવે છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ અગાઉથી એક ફ્રેમવર્કમાં શેરબજારો માટે એફએન્ડઓ ટ્રેડિંગને રાતે 11-55 સુધી અને કેશ સેગમેન્ટને 5 વાગ્યા સુધી ચાલુ રાખવાની યોજના તૈયાર કરી છે. હાલમાં એનએસઈ અને માર્કેટ પાર્ટિસિપન્ટ્સ વચ્ચેની ચર્ચાનો મુખ્ય મુદ્દો ક્યાં સુધી ટ્રેડિંગ ચાલુ રાખવું જોઈએ તે છે. તેમજ આ લંબાયેલા ટ્રેડિંગ દરમિયાન કયા કોન્ટ્રેક્ટ્સ ટ્રેડિંગ માટે પ્રાપ્ય હોવા જોઈએ તથા આ માટે એક્સચેન્જે કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની રહેશેનો સમાવેશ થાય છે. એક પ્રસ્તાવ મુજબ ઓછામાં ઓછું જ્યાં સુધી યુએસ માર્કેટ ખૂલે નહિ ત્યાં સુધી એફએન્ડઓ ટ્રેડિંગને ચાલુ રાખવું જોઈએ. જેથી ટ્રેડર્સને ઓવરનાઈટ જોખમો ઘટાડવાની તક મળે. જ્યારે એક અન્ય સૂચનમાં ટ્રેડિંગ સમયગાળાને સાંજના પાંચ અથવા 5-30 સુધી ચાલુ રાખવું જોઈએ. સેબીએ અગાઉથી જ ટાઈમિંગ્સને લંબાવવા માટેની રૂપરેખા રજૂ કરી છે. તેણે આ ટ્રેડિંગ સમયગાળાને લંબાવવો કે નહિ તે મુદ્દો નિર્ણય શેરબજારો પર છોડ્યો છે. આમ એક્સચેન્જિસે સેબી પાસેથી હવે નિયમોમાં કોઈ ફેરફારની જરૂર રહેતી નથી. સ્થાનિક ઈક્વિટી પ્લેટફોર્મ્સ પર ટ્રેડિંગ સમયગાળો લંબાવવાનો મુખ્ય હેતુ ભારતીય રોકાણકારોને વૈશ્વિક ઘટનાઓની ઝડપી પ્રતિક્રિયા માટે છૂટ આપવાનો છે. માર્કેટ એનાલિસ્ટ્સના મતે ડેરિવેટિવ્સ ટ્રેડિંગનો સમયગાળો લંબાવવાથી ટ્રેડર્સને ઓવરનાઈટ જોખમો સામે હેજિંગની તક મળશે. ટ્રેડિંગ માટેનો સમયગાળો લંબાવવાથી આકસ્મિક ઘટતી ઘટનાઓ સામે પોઝીશનમાં ઝડપી ફેરફાર કરી શકાશે.
વૈશ્વિક સ્તરે કેટલાંક મોટા બજારોમાં ડેરિવેટિવ્સ પ્લેટફોર્મ્સ 23 કલાક સુધી કામ કરતાં ય છે. જેમાં યુએસ, યુરોપ અને જાપાન જેવા બજારોનો સમાવેશ થાય છે. ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ખાતે પણ ટ્રેડિંગને 22 કલાક માટે છૂટ આપવામાં આવી છે. ધીમે-ધીમે તમામ ઓફશોર વોલ્યુમ્સ ઓનશોર આવી રહ્યાં છે. મુખ્યત્વે ગિફ્ટ સિટી ખાતે શિફ્ટ થઈ રહ્યાં છે એમ એનાલિસ્ટ જણાવે છે. ભારત બહાર નિફ્ટીમાં સૌથી વધુ ટ્રેડિંગ ધરાવતું સિંગાપુર એક્સચેન્જ અથવા એસજીએક્સ પણ તેના ટ્રેડ્સને આઈએફએસસી ગિફ્ટ સિટી ખાતે સેટલ કરે છે.
ડુંગળીમાં આવકોની રેલમછેલ વચ્ચે ભાવ પાણી-પાણી
ગોંડલમાં મંગળવારે નીચામાં રૂ. 31 પ્રતિ મણના ભાવે સોદા થયા
મહુવામાં રૂ. 60-200ની રેંજમાં જોવા મળેલા ભાવ
ચોમાસામાં પાછોતરા વાવેતરના પાકનો સંગ્રહ નથી થઈ શકતો
આબોહવા સારી રહેવાથી ડુંગળીનું ઊંચું ઉત્પાદન
સરકાર રેલ્વે તરફથી રેક ફાળવે તો ભાવમાં સ્થિરતા જળવાય શકે
સૌરાષ્ટ્રના બજારોમાં ડુંગળીની જંગી આવકો પાછળ ભાવ ઘટીને છેલ્લાં ઘણા વર્ષોના તળિયા પર જોવા મળી રહ્યાં છે. મંગળવારે ગોંડલ પીઠામાં ડુંગળીના ભાવ નીચામાં રૂ. 31 પ્રતિ મણ એટલેકે રૂ. 1.5 પ્રતિ કિગ્રાએ જોવા મળ્યાં હતાં. જ્યારે રાજકોટમાં ભાવ રૂ. 30-40ની રેંજમાં જળવાયા હતાં. ડુંગળીના ઊંચા પાક વચ્ચે એકસાથે બજારમાં આવકોનો ખડકલો થવાથી ભાવ તૂટ્યાં છે. રાજ્યમાં ડુંગળીના મુખ્ય મથક મહુઆ ખાતે ભાવ રૂ. 60-200ની રેંજમાં જોવા મળતાં હતાં. જ્યારે સફેદ ડુંગળીના ભાવ રૂ. 150-450ની રેંજમાં બોલાતાં હતાં. જેનો ઉપયોગ ડિહાઈડ્રેશનમાં થતો હોય છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ ખાતે પણ આવકો ઊંચી જોવા મળી રહી છે.
સામાન્યરીતે ચોમાસુ પુરું થતી વખતે વાવવામાં આવતી ડુંગળીના ભાવ નીચા જોવા મળતાં હોય છે. કેમકે તેનો સંગ્રહ થઈ શકતો નથી. જોકે આ વખતે ભાવ વધુ પડતાં નીચા જવા પાછળનું કારણ પાકને નુકસાનને અભાવે ઊંચી ઉત્પાદક્તા છે. જેને કારણે મહુવા ખાતે અઢી-ત્રણ લાખ કટ્ટા જેટલી ઊંચી આવકો જોવા મળી રહી છે. એક કટ્ટું 50 કિગ્રા વજન ધરાવતું હોય છે. ફેબ્રુઆરીની શરૂઆતથી જ ડુંગળીની નવી આવકો શરૂ થઈ હતી અને ભાવ ઘટવાતરફી બન્યાં હતાં. છેલ્લાં 15 દિવસોમાં મણે રૂ. 50થી વધુનો ઘટાડો નોંધાયો છે. મહુઆ ખાતે 6 ફેબ્રુઆરીએ ડુંગળીના ભાવ રૂ. 100-240 જોવા મળી રહ્યાં હતાં. વેપારી વર્તુળોના મતે હજુ આવકો શરૂ થઈ છે. સિઝન 15 માર્ચ સુધી જળવાશે. જે દરમિયાન ભાવ નીચી સપાટી પર જ જોવા મળશે. કેમકે આ ડુંગળીનો સંગ્રહ થઈ શકતો નથી. તેને તાત્કાલિક રવાના કરવાની રહે છે. વચ્ચે રેલ્વે રેકની પ્રાપ્તિને કારણે મોટા જથ્થો આસામ રવાના કરવામાં આવ્યો હતો. જો સરકાર વધુ રેક ઉપલબ્ધ કરાવે તો ડુંગળીના ભાવમાં સ્થિરતા જોવા મળી શકે છે. ડુંગળી લગબગ 70 દિવસનો પાક હોય છે અને તેથી ખેડૂતો વર્ષમાં ત્રણ વાર ડુંગળીનો પાક લઈ શકતાં હોય છે. જેમાં બે પાક ચોમાસા દરમિયાન જ્યારે એક પાક શિયાળામાં લેવામાં આવે છે. આમાંથી શિયાળુ ડુંગળીનો જ સંગ્રહ શક્ય હોય છે. જ્યારે ચોમાસુ ડુંગળીનો સંગ્રહ શક્ય નથી હોતો. તેનો ઉપયોગ ખાવામાં અને ડિહાઈડ્રેશનમાં કરવામાં આવે છે.
અદાણી જૂથ કંપનીઓનું માર્કેટ-કેપ 100 અબજ ડોલર નીચે ઉતરી ગયું
જૂથની 10-લિસ્ટેડ કંપનીઓના માર્કેટ 24 જાન્યુઆરીથી મંગળવાર સુધીમાં 136 અબજ ડોલરનું ધોવાણ
અદાણી જૂથની શેરબજારો પર લિસ્ટેડ 10-કંપનીઓનું માર્કેટ-કેપ મંગળવારે 100 અબજ ડોલર નીચે ગગડી ગયું હતું. યુએસ શોર્ટસેલર હિંડેનબર્ગના રિપોર્ટ બાદ 24 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સતત વેચવાલી પાછળ જૂથ કંપનીઓના માર્કેટ-કેપમાં 136 અબજ ડોલરનું ધોવાણ જોવા મળ્યું છે. અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીની માર્કેટ-વેલ્થ પણ 50 અબજ ડોલર નીચે જોવા મળી છે.
બ્રોકરેજ વર્તુળોના જણાવ્યા મુજબ હિંડેનબર્ગના સ્ટોક મેનિપ્યુલેશનના આક્ષેપ બાદ જૂથ રોકાણકારોને ખાતરી અપાવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખી કંપનીએ કેટલાક ડેટનું વહેલાસર રિપેમેન્ટ પણ કર્યું છે. જેથી રોકાણકારોનો વિશ્વાસ પરત ફરે. કેટલાંક બેંકર્સ તરફથી કંપનીનેસ વધુ ક્રેડિટ આપવાની તૈયારી પણ દર્શાવવામાં આવી છે. જોકે આમ છતાં જૂથની કેટલીક લિસ્ટેડ કંપનીઓના ભાવમાં ઘટાડો અટકી રહ્યો નથી. મંગળવારે જૂથની એનર્જિ બિઝનેસમાં સક્રિય ત્રણ કંપનીઓના શેર્સ સેલર સર્કિટમાં બંધ જોવા મળતાં હતાં. જેમાં અદાણી ટોટલ ગેસ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ગ્રીન એનર્જીનો સમાવેશ થતો હતો. જૂથની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસનો શેર પણ 3 ટકા ગગડી રૂ. 1571.10ની સપાટીએ બઁધ રહ્યો હતો. આમ જૂથ કંપનીઓમાં માર્કેટ-કેપ ધોવાણ ચાલુ જ છે. માત્ર અદાણી પાવરના શેર્સમાં બાયર સર્કિટ જોવા મળી રહી હતી. 24 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં લગભગ એક મહિનામાં અદાણી જૂથનું માર્કેટ-કેપ 136 અબજ ડોલરથી વધુનું ધોવાણ દર્શાવી ચૂક્યું છે. વિશ્વમાં ત્રીજા ક્રમના ધનવાન વ્યક્તિ પરથી ગૌતમ અદાણી ટોચના 20 ધનવાનોની યાદીમાંથી બહાર નીકળી ચૂક્યાં છે.
અદાણી જૂથ તરફથી હિંડેનબર્ગના રિપોર્ટનો ઈન્કાર કરવા સાથે યુએસમાં કાનૂની કંપનીને નીમવા છતાં શેર્સના ભાવમાં ખરીદી જોવા મળી રહી નથી. જૂથે લીગલ અને કોમ્યુનિકેશન ટિમ્સને હાયર કરી છે. સાથે ખર્ચમાં ઘટાડો કર્યો છે અને કેટલુંક ડેટ પુનઃ ચૂકતે કર્યું છે. જેથી ટ્રેડર્સમાં જૂથના ફાઈનાન્સિંગને લઈને ચિંતા હળવી થાય. જૂથ તરફથી રોકાણકારોના વિશ્વાસ પરત મેળવવા કરવામાં આવેલા પ્રયાસને ભાગરૂપે જૂથના ડોલર બોન્ડ્સ ડિસ્ટ્રેસ્ડ ટેરિટરીમાંથી બહાર આવ્યાં છે. જોકે શેર્સના ભાવમાં ઘટાડો સૂચવે છે કે તેણે હજુ વધુ પગલાં ભરવા જરૂરી છે. કેમકે કંપનીના શેર્સમાં ઘટાડો અટકે. મુંબઈ સ્થિત એક ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરના મતે જૂથના કેપેસ અને ડેટને લઈને ચિંતાઓ ઊભી છે. જેને કારણે વેલ્યૂએશન્સ પર અસર પડી રહી છે. જૂથે તાજેતરના વર્ષોમાં 8 અબજ ડોલરથી વધુ માટે ઈન્ટરનેશનલ બોન્ડ બાયર્સને ટેપ કર્યાં હતાં. સાથે વિદેશી બેંક્સ પાસેથી આટલી માત્રામાં ફોરેન-કરન્સી લોન્સ પણ મેળવી હતી. રેટિંગ એજન્સિઝે કેટલીક અદાણી જૂથ કંપનો માટે આઉટલૂકમાં સુધારો કર્યો છે. જેમાં અદાણી ગ્રીન એનર્જી અને અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોનનો સમાવેશ થાય છે. હવે અદાણી જૂથ અને તેની કંપનીઓ ડેટ આધારિત આક્રમક વિસ્તરના બદલે કંપનીઓની ફાઈનાન્સિયલ હેલ્થ પર ધ્યાન આપી રહી છે. જૂથનું ફોકસ કેશ જાળવણી, ડેટ રિપેમેન્ટ અને પ્લેજ શેર્સની રિકવરી પર જોવા મળી રહ્યું છે.
ડોલર ઈન્ડેક્સમાં મજબૂતી પાછળ સોનું નરમ
વૈશ્વિક ડોલરમાં એક દિવસના વિરામ પછી મજબૂતી પરત ફરવાથી કિંમતી ધાતુઓમાં નરમાઈ જોવા મળી હતી. કોમેક્સ ગોલ્ડ વાયદો 10 ડોલર ઘટાડે 1840 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે સ્થાનિક કોમેક્સ એમસીએક્સ ખાતે ગોલ્ડ વાયદો રૂ. 200ની નરમાઈએ રૂ. 56000 આસપાસ ટ્રેડિંગ દર્શાવતો હતો. વૈશ્વિક કોમેક્સ ખાતે ચાંદી પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહી હતી. જોકે એમસીએક્સ ખાતે સિલ્વર ફ્યુચર્સ પણ રૂ. 150ની નરમાઈએ રૂ. 65600 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બેઝ મેટલ્સમાં નીકલ બીજા સત્રમાં 7 ટકાથી વધુનો ઉછાળો દર્શાવી રહ્યો હતો. જોકે ક્રૂડ, નેચરલ ગેસ અને કોપરમાં નરમાઈ જોવા મળી રહી હતી.
રિલાયન્સ કેપિટલ મુદ્દે NCLATની સુનાવણી પૂરી
નેશનલ કંપની લો એપલેટ ટ્રિબ્યુનલે ઈન્સોલ્વન્સી રેઝોલ્યુશન પ્રક્રિયામાંથી પસાર થઈ રહેલી રિલાયન્સ કેપિટલના લેન્ડર્સ તરફથી હરાજીનો બીજો રાઉન્ડ યોજવા અંગે ફાઈલ કરેલી અરજી પર સુનાવણી પ્રક્રિયા પૂર્ણ કરી હતી. સુનાવણી દરમિયાન ટોરેન્ટ ઈન્વેસ્ટમેન્ટ્સ વતી સિનિયર એડવોકેટ મૂકૂલ રોહતગી હાજર રહ્યાં હતાં. અગાઉ સોમવારે લેન્ડર્સ તરફથી સિનિયર એડ્વોકેટ કપિલ સિબ્બલ હાજર રહ્યાં હતાં. હાલમાં એનસીએએલએટીએ તેનો આદેશ અનામત રાખ્યો છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
એલઆઈસીઃ દેશમાં સૌથી મોટી લાઈફ ઈન્શ્યોરન્સ કંપની અને એસેટ મેનેજરના ચેરમેન એમઆર કુમારને વધુ એક ટર્મ માટે કાર્યભાર સોંપવામાં આવે તેમ વર્તુળો જણાવે છે. સરકાર તેમને 6-12 મહિના માટે એક્સટેન્શન આપી શકે છે. આમ કરવાનું મુખ્ય કારણ આઈડીબીઆઈના હિસ્સા વેચાણનું માનવામાં આવે છે. એલઆઈસી પીએસયૂ બેંકમાં બહુમતી હિસ્સો ધરાવે છે. કુમાર માટે આ ત્રીજું એક્સટેન્શન હશે.
વિપ્રોઃ આઈટી સર્વિસ કંપનીએ તેના નવા કર્મચારીઓને સુધારેલું સેલરી પેકેજ ઓફર કર્યું છે. અગાઉના રૂ. 6.5 લાખ પ્રતિ વર્ષની ઓફરને સુધારે કંપનીએ રૂ. 3.5 લાખ કરી છે. ‘વેલોસિટી’ પ્રોગ્રામ હેઠળ નિમાયેલા કર્મચારીઓને કંપની હવે નીચું વેતન ધરાવતી પ્રોડક્ટ એન્જીનીયરની ભૂમિકા ઓફર કરી રહી છે.
કેપીટીએલઃ એન્જીનીયરીંગ કંપનીની સબસિડિયરીએ વિવિધ બિઝનેસ સેગમેન્ટ્સ હેઠળ રૂ. 3185 કરોડનો ઓર્ડર મેળવ્યો છે. જેમાં ટીએન્ડડી બિઝનેસ માટે રૂ. 1481 કરોડના ઓર્ડરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રૂ. 1509 કરોડનો ઓર્ડર વોટર બિઝનેસ હેઠળ ઈપીસી પ્રોજેક્ટ્સ માટે મળ્યો છે. જ્યારે રૂ. 195 કરોડનો પ્રોજેક્ટ કમર્સિયલ બિલ્ડીંગ પ્રોજેક્ટ માટે મળ્યો છે.
ટીસીએસઃ અગ્રણી આઈટી સર્વિસિઝ કંપનીએ જર્મન ટેલિકોમ કંપની ટેલિફોનિકા જર્મનીના સ્પેસિફિક ઓપરેશન્સના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટેનું ડીલ મેળવ્યું છે. કંપનીએ જણાવ્યું છે કે આ ભાગીદારી ઓપરેશન્સ સપોર્ટ સિસ્ટમ્સ હેઠળ સર્વિસ એશ્યોરન્સ એપ્લિકેશન્સ અને પ્રોસેસિસ તૈયાર કરશે.
જોયઆલુક્કાસઃ જ્વેલરી કંપનીએ તેના રૂ. 2300 કરોડના આઈપીઓને પરત ખેંચવાની જાહેરાત કરી છે. કંપનીએ ગયા વર્ષે સેબી સમક્ષ ડીઆરએચપી ફાઈલ કર્યું હતું. આઈપીઓની રકમનો ઉપયોગ તે આંશિક ડેટ ચૂકવણીમાં તથા નવા સ્ટોર્સ ઓપન કરવામાં કરવાની હતી.
બેરિંગ પ્રાઈવેટ ઈક્વિટીઃ ઈન્વેસ્ટમેન્ટ કંપની બેરિંગ પ્રાઈવેટ ઈક્વિટી ઈન્ડિયા ઈન્વેસ્ટમેન્ટ મેનેજરે અલ્ટરનેટીવ ઈન્વેસ્ટમેન્ટ ફંડના નિયમોના ભંગ બદલ માર્કેટ રેગ્યુલેટર સેબી સાથે રૂ. 16.57 લાખમાં સમાધાન કર્યું છે.
યૂફ્લેક્સ ઈન્ડિયાઃ કંપનીની નોઈડા ઓફિસ ખાતે ઈન્કમ ટેક્સ વિભાગે રેડ પાડી હતી. આ અહેવાલ પાછળ કંપનીના શેરમાં 4.4 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને તે વાર્ષિક તળિયા પર ટ્રેડ થયો હતો. કંપનીએ તાજેતરમાં કેટલાંક બોગલ બિલ્સ ઈસ્યુ કર્યાં હોવાના આક્ષેપસર આઈટી વિભાગે રેડ પાડી હતી.
જીઆર ઈન્ફ્રાપ્રોજેક્ટ્સઃ ઈન્ફ્રા અને કન્સ્ટ્રક્શન કંપનીને રૂ. 3613 કરોડના બે એનએચએઆઈ પ્રોજેક્ટ્સ માટે સૌથી નીચા બીડર તરીકે જાહેર કરવામાં આવી છે.
બીઈએલઃ સરકારી સાહસ બીઈએલે દિલ્હી મેટ્રોની રેડ લાઈન પર ઓપરેશન્સ માટે સંયુક્તરીતે સિગ્નલીંગ સિસ્ટમ ડેવલપ કરવા માટે ભાગીદારી કરી છે.
બ્લ્યૂ સ્ટારઃ કન્ઝ્યૂમર ગુડ્ઝ કંપનીએ જાપાન ખાતે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ‘બ્લ્યૂ સ્ટાર ઈનોવેશન જાપાન એલએલસી’ની રચના કરી છે.
બીપીસીએલઃ સરકારી ઓઈલ માર્કેટિંગ કંપની ચાલુ નાણા વર્ષની સમાપ્તિ અગાઉ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ મારફતે રૂ. 1500 કરોડનું ફંડ ઊભું કરવા વિચારી રહી છે.
એનએચપીસીઃ સરકારી હાઈડ્રો પાવર કંપનીએ અનસિક્યોર્ડ, રિડિમેબલ, નોન-કન્વર્ટિબલ, નોન-ક્યૂમ્યૂલેટીવ અને ટેક્સેબલ 7.59 ટકા એડી સિરિઝ બોન્ડ્સ મારફતે રૂ. 996 કરોડનું ફંડ ઊભું કર્યું છે.