મંથલી એક્સપાયરી સપ્તાહની નરમાઈ સાથે શરૂઆત
નિફ્ટીએ 17850નો સપોર્ટ ગુમાવ્યો
વોલેટાલિટી ઈન્ડેક્સમાં 2 ટકાથી વૃદ્ધિ
બેંકિંગ, ફાર્મા, મેટલ, એનર્જીમાં નરમાઈ
આઈટી, ઓટોમાં મજબૂતી
અલ્ટ્રાટેક, સોનાટા, પર્સિન્ટન્ટમાં નવી ટોચ
અદાણી જૂથ શેર્સમાં ઘટાડો યથાવત
ભારતીય બજારમાં સપ્તાહની શરૂઆત નરમાઈ સાથે જોવા મળી હતી. બેન્ચમાર્ક્સ અડધા ટકા ઘટાડે બંધ જોવા મળ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 311 પોઈન્ટ્સ ગગડી 60,691.54ની સપાટીએ જ્યારે નિફ્ટી 99.60 પોઈન્ટ્સના ઘટાડે 17,844.60ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં વેચવાલી પાછળ બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. નિફ્ટી-50માં સમાવિષ્ટ 50માંથી 31 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવી રહ્યા હતાં. જ્યારે માત્ર 19 કાઉન્ટર્સ અગાઉના બંધ સામે સુધારો સૂચવી રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3738 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2178 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1391 પોઝીટીવ જોવા મળ્યાં હતાં. 184 કાઉન્ટર્સે તેમનું વાર્ષિક તળિયું બનાવ્યું હતું. જ્યારે 90 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ બનાવી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2.2 ટકા મજબૂતી સાથે બંધ જોવા મળ્યો હતો.
સોમવારે ભારતીય બજારે મજબૂતી સાથે શરૂઆત દર્શાવી હતી, જોકે લગભગ એકાદ કલાકના ગાળામાં તે ગ્રીનમાંથી રેડ ઝોનમાં સરી પડ્યો હતો અને દિવસ દરમિયાન ધીમો ઘસારો દર્શાવતો રહ્યો હતો અને લગભગ તળિયા નજીક જ બંધ રહ્યો હતો. નિફ્ટીએ 17850નો નજીકનો સપોર્ટ ગુમાવ્યો હતો. કેશ નિફ્ટીની સરખામણીમાં નિફ્ટી ફ્યુચર 22 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રના 21 પોઈન્ટ્સના પ્રિમિયમ સમાન જ છે. આમ માર્કેટમાં નવી લોંગ પોઝીશનની વૃદ્ધિની શક્યતાં નથી. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે જે રીતે માર્કેટમાં ધીમો ઘસારો જોવા મળી રહ્યો છે. તે સૂચવે છે કે માર્કેટમાં ઘટાડો આગળ વધી શકે છે. નિફ્ટીમાં હવે 17700નો સપોર્ટ છે. જે તૂટશે તો બજેટના દિવસે જોવા મળેલું 17350નું બોટમ જ સપોર્ટ છે. આમ આગામી સત્રોમાં માર્કેટમાં તીવ્ર ઘટાડાની શક્યતાં ઊભી છે. સોમવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા કાઉન્ટર્સમાં ડિવિઝ લેબ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટેક મહિન્દ્રા, હિંદાલ્કો, પાવર ગ્રીડ કોર્પોરેશન, એસબીઆઈ લાઈફ, એચડીએફસી લાઈફ, તાતા મોટર્સ અને એચસીએલ ટેક મુખ્ય હતાં. બીજી બાજુ નિફ્ટીમાં સૌથી વધુ ઘટનારા કાઉન્ટર્સમાં સિપ્લા, અદાણી એન્ટરપ્રાઈઝિસ, બ્રિટાનિયા, બીપીસીએલ, યૂપીએલ, એચડીએફસી અને મારુતિ સુઝુકી મુખ્ય હતાં. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો આઈટી અને ઓટો પોઝીટીવ જોવા મળ્યાં હતાં. જ્યારે બેંકિંગ, ફાર્મા, મેટલ અને એનર્જી સહિતના સેક્ટર્સમાં નરમાઈ જળવાય હતી. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 0.54 ટકા સુધારે બંધ રહ્યો હતો. જેમાં સુધારો દર્શાવનાર અગ્રણી કાઉન્ટર્સમાં કોફોર્જ, એલએન્ડટી ટેનોલોજી, ટેક મહિન્દ્રા, એલટીઆઈમાઈન્ડટ્રી, એચસીએલ ટેક્નોલોજી, ઈન્ફોસિસ અને એમ્ફેસિસનો સમાવેશ થતો હતો. એકમાત્ર ટીસીએસ નરમાઈ દર્શાવતો હતો. નિફ્ટી ઓટો 0.3 ટકા સુધારો દર્શાવતો હતો. જેના મુખ્ય કાઉન્ટર્સમાં ટીવીએસ મોટર, ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ, બાલક્રિષ્ણ ઈન્ડસ્ટ્રીઝ, બોશ, તાતા મોટર્સ, એમઆરએફ, એમએન્ડએમ, બજાજ ઓટો, આઈશર મોટર્સનો સમાવેશ થતો હતો. બેંકનિફ્ટી એક ટકાથી વધુ ગગડી 41 હજારની નીચે ઉતરી ગયો હતો. બેંકિંગ શેર્સમાં એયૂ સ્મોલ ફાઈનાન્સ, આઈડીએફસી ફર્સ્ટ બેંક, બેંક ઓફ બરોડા, કોટક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ, એક્સિસ બેંક, એચડીએફસી બેંક ઘટાડો દર્શાવવામાં ટોચ પર હતાં. નિફ્ટી મેટલ 0.8 ટકા તૂટ્યો હતો. જેમાં અદાણી એન્ટરપ્રાઈઝ, એનએમડીસી, વેદાંત, હિંદુસ્તાન ઝીંક, જેએસડબલ્યુ સ્ટીલ અને સેઈલ ઘટવામાં ટોચ પર હતાં. નિફ્ટી રિઅલ્ટી 0.7 ટકા ગગડ્યો હતો. જેમાં ઈન્ડિયાબુલ્સ રિલ્ટી, સનટેક રિઅલ્ટી, બ્રિગેડ એન્ટરપ્રાઈઝિસ, ગોદરેજ પ્રોપર્ટીઝ, હેમિસ્ફિઅર અને ફિનિક્સ મિલ્સ નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી એનર્જી કાઉન્ટર્સમાં અદાણી ગ્રીન એનર્જી 5 ટકા ઘટાડે બંધ જોવા મળ્યો હતો. આ ઉપરાંત બીપીસીએલ, આઈઓસી, એચપીસીએલ, ઓએનજીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, તાતા પાવર, ગેઈલ, એનટીપીસીમાં પણ નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા કાઉન્ટર્સમાં સિપ્લા 6 ટકા સાથે તીવ્ર ઘટાડો દર્શાવતો હતો. આ ઉપરાંત બાયોકોન, ઓરોબિંદો ફાર્મા, ઝાયડસ લાઈફ, ટોરેન્ટ ફાર્મા અને લ્યુપિનમાં પણ નરમાઈ જોવા મળી હતી. એનએસઈ ડેરિવેટીવ્સ કાઉન્ટર્સની વાત કરીએ તો કોફોર્જ 3 ટકાથી વધુ સુધારા સાથે અગ્રણી રહ્યો હતો. આ ઉપરાંત પર્સિસ્ટન્ટ, શ્રી સિમેન્ટ્સ, ગુજરાત ગેસ, મધરસન, નવિન ફ્લોરિન, ડિવિઝ લેબ્સ, જીએનએફસીમાં સુધારો જોવા મળ્યો હતો. 52-સપ્તાહનું તળિયું દર્શાવનાર શેર્સમાં સિપ્લા, અદાણી એન્ટરપ્રાઇઝિસ, ડેલ્ટા કોર્પ, પિરામલ એન્ટરપ્રાઈઝિસ, વોડાફોન આઈડિયા, અતુલ, બાયોકોન અને એનએમડીસીનો સમાવેશ થાય છે. વાર્ષિક ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં સોનાટા, સેરા સેનિટરી, પર્સિસ્ટન્ટ, શ્રી સિમેન્ટ્સ, અલ્ટ્રાટેક, બોશ અને સુપ્રીમ ઈન્ડસ્ટ્રીઝનો સમાવેશ થતો હતો. બીજી બાજુ વાર્ષિક તળિયું દર્શાવનાર કાઉન્ટર્સમાં અદાણી ટ્રાન્સમિશન, અદાણી ટોટલ ગેસ, અઆવોક ઈન્ડસ્ટ્રીઝ, તાતા ટેલિસર્વિસિઝ, વેરોક એન્જિનીયર, ઈન્ડિગો પેઈન્ટ્સ, મહિન્દ્રા લોજિસ્ટીક્સ, આરતી ડ્રગ્ઝ, બાયોકોન અને સેન્ચ્યૂરીનો સમાવેશ થતો હતો.
સરકારે હિંદુસ્તાન ઝીંકના 2.98 અબજ ડોલરના ડીલનો વિરોધ કર્યો
હિંદુસ્તાન ઝીંકે વેદાંત ઝીંક એસેટ્સ ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
કેન્દ્ર સરકારે વેદાંત લિ. પાસેથી 2.98 અબજ ડોલરમાં તેની ઝીંક એસેટ્સ ખરીદવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો છે. સોમવારે ફાઈલીંગમાં હિંદુસ્તાન ઝીંકે આમ જણાવ્યું છે. સરકાર તરફથી હિંદુસ્તાન ઝીંકમાં નીમાયેલા ડિરેક્ટર્સે 19 જાન્યુઆરીએ મૂકવામાં આવેલા પ્રસ્તાવને ફગાવ્યો હોવાનું કંપનીનો પત્ર સૂચવે છે. સરકાર હિંદુસ્તાન ઝીંકમાં લગભગ 30 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે વેદાંત સૌથી મોટો શેરધારક છે. કંપનીના પત્રમાં જણાવ્યા મુજબ સરકારે ‘રિલેટેડ પાર્ટી ટ્રાન્જેક્શન’ને લઈને તેનો વિરોધ દર્શાવ્યો હતો. સરકારી પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે અમે કંપનીને આ એસેટ્સની ખરીદી માટે અન્ય કેશલેસ પધ્ધતિના ઉપયોગ માટે વિનંતી કરીએ છીએ. સરકાર આ ડિલને લઈને વધુ કોઈપણ ઠરાવનો વિરોધ કરશે અને તેની પાસે પ્રાપ્ય તમામ કાનૂની વિકલ્પો ચકાસશે એમ તેમાં ઉમેરવામાં આવ્યું હતું. હિંદુસ્તાન ઝીંક ને વેદાંતે જોકે તત્કાળ આને લઈને કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. વેદાંત જૂથ તેનું દેવું ઓછું કરવા માટે એક જૂથ કંપનીની એસેટ્સ અન્ય જૂથ કંપનીને વેચવા વિચારી રહી હતી.
એપ્રિલથી ડિસેમ્બરમાં NRI ડિપોઝીટ્સમાં 76 ટકાનો ઉછાળો જોવાયો
ગયા વર્ષે 3.07 અબજ ડોલર સામે ચાલુ નાણા વર્ષના નવ મહિનામાં 5.4 અબજ ડોલરનો NRI ડિપોઝીટ ફ્લો નોંધાયો
નોન-રેસિડેન્ટ ઈન્ડિયન્સ(NRIs) તરફથી ડિપોઝીટ્સમાં ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન તીવ્ર ઉછાળો નોંધાયો છે. એપ્રિલથી ડિસેમ્બર 2022ના નવ મહિનામાં બિનનિવાસી ભારતીયોએ 5.4 અબજ ડોલરનો ડિપોઝીટ ફ્લો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 3.07 અબજ ડોલર પર હતો.
જોકે 2022-23ના પ્રથમ નવ મહિનામાં આઉટસ્ટેન્ડિંગ એનઆરઆઈ ડિપોઝીટ્સમાં ઘટાડાનો દોર ચાલુ રહ્યો હતો. ડિસેમ્બર 2022ની આખરમાં કુલ એનઆરઆઈ ડિપોઝીટ્સ 134.5 અબજ ડોલર પર જોવા મળી હતી. જે માર્ચ 2022ની આખરમાં 134.5 અબજ ડોલર પર હતી અને ડિસેમ્બર 2021ની આખરમાં 141.90 અબજ ડોલર પર હતી. નવેમ્બરમાં 134.6 અબજ ડોલરની સરખામણીમાં ડિસેમ્બરમાં તે સ્થિર હતી એમ આરબીઆઈ ડેટા સૂચવે છે. બેંકર્સના મતે એનઆરઆઈ ડિપોઝીટ્સના ફ્લોમાં વૃદ્ધિનું કારણ ઈન્ટરેસ્ટ રેટ્સ પરની લિમિટ્સ જેવી સુવિધાઓમાં વૃદ્ધિ છે. જોકે એનઆઈઆઈ તરફથી ડિપોઝીટ્સમાં ઘટાડો નોંધાયો હતો. જેનું કારણ તહેવારો દરમિયાન ખરીદી હતું. કુલ ડિપોઝીટ્સમાં ઘટાડાનું આ એક મુખ્ય કારણ હતું. જુલાઈમાં આરબીઆઈએ એનઆરઆઈ એકાઉન્ટ્સમાં નવેસરથી ફ્લો આવે તે માટે કેટલાંક પગલાઓ હાથ ધર્યાં હતાં. જેમાં ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ(બેંક) અથવા એફસીએનઆર(બી) અને નોન-રેસિડેન્ટ એક્સટર્નલ(એનઆરઈ) ડિપોઝીટ્સ પર ઈન્ટરેસ્ટ રેટ્સની મર્યાદામાં રાહત અને કેશ રિઝર્વ રેશિયોની જાળવણીમાંથી મુક્તિ જેવી બાબતોનો સમાવેશ થતો હતો.
આરબીઆઈ એનાલિસિસ સૂચવે છે કે ડિસેમ્બર 2022ની આખરમાં આઉટસ્ટેન્ડિંગ એફસીએનઆર(બી) ડિપોઝીટ્સ 17.55 અબજ ડોલર પર હતી. જે નવેમ્બરમાં 16.71 અબજ ડોલરની સરખામણીમાં સુધારો દર્શાવતી હતી. જોકે વર્ષ અગાઉ સમાનગાળામાં 18.15 અબજ ડોલરની સરખામણીમાં તે ઘટાડો સૂચવતી હતી. એફસીએનઆર(બી) ડિપોઝીટ્સ માટે ડોલર મુખ્ય ચલણ છે. ડિસેમ્બર 2022ની આખરમાં એનઆરઈ ડિપોઝીટ્સ 94.46 અબજ ડોલર પર હતી. જે નવેમ્બર 2022ની આખરમાં 95.31 અબજ ડોલર પર હતી. જ્યારે વર્ષ અગાઉના સમાનગાળામાં 102.91 અબજ ડોલર પર હતી. માર્ચ 2022ની આખરમાં એનઆરઈ ડિપોઝીટ્સ 100.8 અબજ ડોલર પર હતી. યોગ્યતા ધરાવતાં એનઆરઆઈ કોઈપણ ફોરેન ડિનોમિનેશનમાં એનઆરઈ ડિપોઝીટ્સમાં નાણા મૂકી શકે છે. સામે તેઓ રૂપિયામાં નાણા ઉપાડી શકે છે. નોન-રેસિડેન્ટ ઓર્ડિનરી(એનઆરઓ) એકાઉન્ટમાં રૂપિયામાં નાણા રાખી શકાય છે અને તેને અન્ય વિદેશી ચલણમાં રૂપાંતરિક કરી શકાતાં નથી. ડિસેમ્બર 2022ની આખરમાં એનઆરઓ ડિપોઝીટ્સ 22.45 અબજ ડોલરના સ્તરે સ્થિર જોવા મળી રહી હતી. જે નવેમ્બર 2022ની આખરમાં 22.46 અબજ ડોલર પર હતી. ડિસેમ્બર 2021ની આખરમાં તે 20.83 અબજ ડોલર પર જોવા મળતી હતી. આમ વાર્ષિક ધોરણે તેમાં દોઢ અબજ ડોલરની વૃદ્ધિ નોંધાઈ હતી.
ટ્વિટરે ગયા સપ્તાહે સેલ્સ ટીમમાંથી અનેકને પડતાં મૂક્યાં
કંપનીએ તાજેતરમાં જ તેની દિલ્હી અને મુંબઈ ઓફિસ બંધ કરી કર્મચારીઓને ઘરેથી કામ કરવા જણાવ્યું હતું
સોશ્યલ મિડિયા કંપની ટ્વિટરે ગયા શુક્રવારે તેની સેલ્સ ટીમમાંથી ઘણા લોકોને પડતાં મૂક્યાં હતાં એમ ધ ઈન્ફોર્મેશને એક રિપોર્ટમાં જણાવ્યું છે. તેણે કેટલા કર્મચારીઓને પિંક સ્લિપ આપી હતી તેના ચોક્કસ આંકડાની માહિતી પ્રાપ્ય નથી બની પરંતુ કંપનીની સેલ્સ અને માર્કેટિંગ ટિમ્સમાં 800 કર્મચારીઓ કામ કરતાં હતાં.
નવા જોબ કટ રાઉન્ડને કારણે ભારતમાં કેટલી જોબ ગઈ તેનો ખ્યાલ હજુ નથી આવ્યો. ગયા વર્ષે કંપનીએ તેના 200 જણના સ્ટાફમાંથી 90 ટકા સ્ટાફને દૂર કર્યો હતો. એલોન મસ્કે ઓક્ટોબર 2022માં ટ્વિટરને ટેક ઓવર કર્યાંથી અત્યાર સુધીમાં કપનીએ લગભગ 3500 કર્મચારીઓને છૂટાં કર્યાં છે. એલોન મસ્કે ટ્વિટરની 44 અબજ ડોલરમાં ખરીદી કરી હતી. કંપનીએ તાજેતરમાં જ દિલ્હી અને મુંબઈ ખાતેની ઓફિસિસને બંધ કરી હતી અને સ્ટાફને ઘરેથી જ કામ કરવા માટે જણાવ્યું હતું. બિલ્ડીંગ અધિકારીના જણાવ્યા મુજબ દિલ્હી બિલ્ડીંગમાં ડિસેમ્બરથી ખૂબ જ જૂજ લોકો હતો અને તેનો ઉપયોગ નહોતો થઈ રહ્યો. કંપનીએ ડિસેમ્બરથી જ તેની ઓફિસને બંધ કરી હતી. મહામારીની શરૂઆતથી તેઓ ઘરેથી જ કામ કરતાં હતાં એમ તેઓ ઉમેરે છે. વૈશ્વિક સ્તરે કંપની સાન ફ્રાન્સિસ્કોના મુખ્યાલયો અને બ્રિટિશ ઓફિસિસના ભાડાં નહિ ચૂકવવાને કારણે ઘણી ફરિયાદોનો સામનો કરી રહી છે. માધ્યમોના અહેવાલો મુજબ ટ્વિટર તેની હેડ ઓફિસનું ભાડું નહિ ચૂકવવા બદલ કાનૂની ખટલાનો સામનો કરી રહી છે. દરમિયાનમાં સેન્ટ્રલ લંડનમાં તેની પ્રિમાઈસીસના માલિકે જણાવ્યું હતું તેઓ કંપનીને રેન્ટલ ડેટને કારણે કોર્ટમાં લઈ ગયા છે.
2022માં હવાઈ મુસાફરી ઉછળીને 2019ના 85 ટકાના સ્તરે પહોંચી
આંતરરાષ્ટ્રીય હવાઈ ઉડાન પણ 2019ના 75 ટકાના સ્તર પર પરત ફરી
ભારતમાં કોવિડને લઈને ચિંતા ઓછી થવાથી એરલાઈન્સ કંપનીઓએ કેલેન્ડર 2022માં સ્થાનિક એર ટ્રાવેલમાં તેમજ આવકમાં નોંધપાત્ર સુધારો નોંધાવ્યો હતો. ભારતના સ્થાનિક આરપીકે(રેવન્યૂ પેસેન્જર કિલોમિટર્સ) પણ 2021ની સરખામણીમાં 48.8 ટકા વધ્યાં હતાં એમ આઈટા(IATA)એ જણાવ્યું હતું.
ડિસેમ્બર 2022માં એર ટ્રાફિકનું પ્રમાણ લગભગ 2019ના સ્તરે જોવા મળ્યું હતું. 2019ની સરખામણીમાં તે માત્ર 3.6 ટકા ઘટાડો દર્શાવતું હતું. 2022માં ભારતીય ડોમેસ્ટીક એએસકે(અવાઈલેબલ સીટ કિલોમીટર્સ)માં વાર્ષિક 30.1 ટકાની વૃદ્ધિ જોવા મળતી હતી. અન્ય એશિયા પેસિફિક ડોમેસ્ટીક માર્કેટ્સ માટે જાપાનમાં આરપીકે સંદર્ભમાં ડોમેસ્ટીક ટ્રાફિક 2021ની સરખામણીમાં 75.9 ટકા ઉછળ્યો હતો. જ્યારે 2019ના સ્તરના 74.1 ટકા પર પહોંચ્યો હતો. ચીન 2022માં પણ ઘણે અંશે કોવિડ નિયંત્રણો હેઠળ રહ્યું હોવાના કારણે 2021ની સરખામણીમાં આરપીકે અને એસએકેમાં અનુક્રમે 39.8 ટકા અને 35.2 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. વૈશ્વિક સ્તરે વાત કરીએ તો 2022માં કુલ પેસેન્જર ટ્રાફિકમાં 64.4 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. જ્યારે મહામારી અગાઉના સ્તરની સરખામણીમાં તે પેસેન્જર ટ્રાફિક 68.5 ટકા પર જોવા મળ્યો હતો. 2022માં ઈન્ટરનેશનલ એર ટ્રાફિક 2021ની સરખામણીમાં 152.7 ટકા ઉછળ્યો હતો અને 2019ના 62.2 ટકાના સ્તરે પહોંચ્યો હતો. ડિસેમ્બર 2022ની વાત કરીએ તો ઈન્ટરનેશલ ટ્રાફિટ વાર્ષિક ધોરણે 80.2 ટકા વૃદ્ધિ દર્શાવતો હતો અને ડિસેમ્બર 2019ની સરખામણીમાં 75.1 ટકાના સ્તરે જોવા મળ્યો હતો. એમ આઈટા જણાવે છે.
ખાંડનું ઉત્પાદનમાં 5.4 ટકા વધી 2.54 કરોટ ટન રહ્યું
વર્તમાન સુગર વર્ષમાં દેશમાં ખાંડનું ઉત્પાદન 2.54 કરોડ ટન પર જોવા મળ્યું છે. જે વાર્ષિક ધોરણે 5.39 ટકા વૃદ્ધિ દર્શાવે છે એમ ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન જણાવે છે. સુગર વર્ષ ઓક્ટોબરથી શરૂ થાય છે અને સપ્ટેમ્બરમાં પૂરું થાય છે. આમ અત્યાર સુધીમાં પાંચ મહિનામાં નોંધપાત્ર ઉત્પાદન થઈ ચૂક્યું છે. ઈથેનોલ માટે સુગરને અલગ કર્યાં પછી 1 ઓક્ટોબરથી 15 ફેબ્રુઆરી સુધીમાં મિલ્સે 2.28 કરોડ ટન સુગર ઉત્પાદિત કરી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 2.22 કરોડ ટન પર હતી. એસોસિએશને ગયા મહિને 2022-23 માટેના તેના અંદાજમાં અગાઉની આગાહી કરતાં 7 ટકા ઘટાડો કર્યો હતો. જેનું મુખ્ય કારણ વિપરીત હવામાનના કારણે શેરડીની ઉત્પાદક્તામાં ઘટાડો હતો.
યુએસ બોન્ડ્સમાં નરમાઈ પાછળ ગોલ્ડમાં મજબૂતી
વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સ ફરી 104ની સપાટી નીચે ઉતરી જતાં યુએસ બોન્ડ્સમાં નવા સપ્તાહની શરૂઆત નરમાઈ સાથે જોવા મળી હતી. જેની પાછળ ગોલ્ડ મજબૂતી દર્શાવતું હતું. કોમેક્સ ખાતે ગોલ્ડ વાયદો 1854 ડોલર પર ગ્રીન ઝોનમાં ટ્રેડ દર્શાવતું હતું. જે ગયા સપ્તાહના બંધની સરખામણીમાં 4 ડોલરનો સુધારો સૂચવતો હતો. ચાંદીમાં પણ સાધારણ મજબૂતી જોવા મળી હતી. ભારતીય બજારમાં એમસીએક્સ ખાતે ગોલ્ડ વાયદો રૂ. 67ની મજબૂતી સાથે રૂ. 56324 પર ટ્રેડ દર્શાવી રહ્યો હતો. જ્યારે ચાંદી પણ રૂ. 60ના સુધારે રૂ. 65691 પર ટ્રેડ થઈ રહી હતી. ક્રૂડ અને બેઝ મેટલ્સમાં પણ મજબૂતી જોવા મળી હતી. ક્રૂડ વાયદો એક ટકાથી વધુ સુધારો સૂચવતો હતો. જ્યારે નીકલ 8 ટકાનો ઉછાળો દર્શાવતો હતો.
કોર્પોરેટ હેડલાઈન્સ
અદાણી સિમેન્ટઃ કંપનીએ જણાવ્યું છે કે હિમાચલ પ્રદેશમાં ભાડાને લઈ ચાલી રહેલી મંત્રણાનો સફળ ઉકેલ આવ્યો છે. એસીબી અને અંબુજા સિમેન્ટ્સ તેના ગગલ અને દાડલાઘાટ પ્લાંટમાં કાલથી કામગીરી શરૂ કરશે. અંબુજા સિમેન્ટના દાડલાઘાટ પ્લાંન્ટ માટે અને એસીસીના ગગલ પ્લાન્ટ માટે નવા દર બંને પક્ષોની સહમતિથી નિર્ધારિત થયાં છે.
યૂબીએલ/સબમિલરઃ સુપ્રીમ કોર્ટે લીકર કંપની પર કમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ લાગુ પાડેલી રૂ. 862 કરોડની પેનલ્ટી પર સ્ટે મૂક્યો છે. સીસીઆઈએ યુનાઈટેડ બ્રૂઅરીઝ, સબમિલર અને કાર્લ્સબર્ગ પર આ પેનલ્ટી લાગુ પાડી હતી.
કોર્પોરેટ ઓર્ડર્સઃ રેલ્વે કંપની રાઈટ્સે રૂ. 76.08 કરોડના મૂલ્યનો ઓર્ડર મેળવ્યો છે. કેપિટલ ગુડ્ઝ કંપની કેઈસી ઈન્ટરનેશનલે રૂ. 3023 કરોડના મૂલ્યના ઓર્ડર્સ મેળવ્યાં છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની દિલીપ બિલ્ડકોને રૂ. 1947 કરોડના ઓર્ડર મેળવ્યાં છે. આરપીપી ઈન્ફ્રા પ્રોજેક્ટ્સે ગ્રેટર ચેન્નાઈ કોર્પોરેશન પાસેથી રૂ. 59.9 કરોડનો ઓર્ડર મેળવ્યો છે. રેલટેલે બેંગલોક મેટ્રો રેઈલ કોર્પો. પાસેથી રૂ. 33.3 કરોડનો ઓર્ડર મેળવ્યો છે.
શેફલરઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 231 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 191 કરોડના નફાની સરખામણીમાં 21 ટકા વધુ છે. જ્યારે કંપનીએ ગયા ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1523 કરોડની સરખામણીમાં 18 ટકા ઊંચી રૂ. 1795 કરોડની આવક દર્શાવી છે.
ટેલિકોમ કંપનીઝઃ રિલાયન્સ જીઓએ ડિસેમ્બરમાં 17.08 લાખ નવા ગ્રાહકો ઉમેર્યાં હતાં. જે સંખ્યા અગાઉના મહિને 14.26 લાખ પર હતી. ભારતી એરટેલે પણ ગયા મહિને રૂ. 10.56 કરોડની સરખામણીમાં રૂ. 15.26 લાખ યુઝર્સનો ઉમેરો કર્યો હતો.
સન ફાર્માઃ ટોચની ફાર્મા કંપનીએ અગત્સ સોફ્ટવેરમાં રૂ. 30 કરોડમાં બે તબક્કામાં 26.09 ટકા હિસ્સાની ખરીદી કરી છે. જ્યારે રેમિડીઓ ઈન્નોવેટિવ સોલ્યુશન્સમાં રૂ. 149.9 કરોડમાં 27.39 ટકા હિસ્સાની ખરીદી કરી છે.
પાવર ગ્રીડ કોર્પોરેશનઃ પીએસયૂ ટ્રાન્સમિશન જાયન્ટને વિવિધ પ્રોજેક્ટ્સ માટે ઈન્ટર-સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમની સ્થાપના માટે ટેરિફ-બેઝ્ડ કમ્પિટિટિવ બિડીંગ હેઠળ સફળ બીડર તરીકે જાહેર કરવામાં આવી છે.
ક્રિસિલઃ રેટિંગ એજન્સીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 158 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 168.6 કરોડના નફાની સરખામણીમાં 6.3 ટકા વધુ છે. જ્યારે કંપનીએ ગયા ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 706 કરોડની સરખામણીમાં 16.5 ટકા ઊંચી રૂ. 822.3 કરોડની આવક દર્શાવી છે.
સિપ્લાઃ ફાર્મા કંપનીએ તેના પિઠમપુર મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ માટે યુએસએફડી તરફથી ફોર્મ 483માં ઈસ્યુઝ અને ઓબ્ઝર્વેશન્સ દર્શાવ્યાં છે. જેની પાછળ કંપનીના શેરમાં સોમવારે 6 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો અને તે રૂ. 1000ની નીચે ઉતરી ગયો હતો.
ગેઈલઃ પીએસયૂ ગેસ કંપની યુએસ ખાતે એલએનજી પ્રોજેક્ટ્સમાં 26 ટકા ઈક્વિટી હિસ્સો ખરીદવા માટે વિચારી રહી છે.
ઝાયડસ લાઈફસાઈન્સિઝઃ ટોચની ફાર્મા કંપનીએ અમેરિકન માર્ટમાં સિરોલિમસ ટેબલેટ્સના વેચાણ માટે યુએસ હેલ્થ રેગ્યુલેટર યુએસએફડી પાસેથી મંજૂરી મેળવી લીધી છે.
સંવર્ધન મધરસનઃ ઓટો એન્સિલઅરી ઉત્પાદક કંપનીની પાંખે 54 કરોડ યૂરોમાં સાસ ઓટોસિસ્ટમેટિકનીકનો 100 ટકા હિસ્સો ખરીદ્યો છે.
પેન્નાર ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીએ તેના વિવિધ બિઝનેસ વર્ટિકલ્સમાં રૂ. 851 કરોડના મૂલ્યના ઓર્ડર્સ મેળવ્યાં છે.