બજેટ પૂર્વે શેરબજારમાં પોઝીટીવ અન્ડરટોન
ઈન્ટ્રા-ડે વોલેલિટીલિટી બાદ બજાર ગ્રીન ઝોનમાં બંધ રહેવામાં સફળ
વોલેટિલિટી ઈન્ડેક્સ 5 ટકા ગગડી 16.87ની સપાટીએ
વૈશ્વિક સ્તરે સાર્વત્રિક નરમાઈ વચ્ચે સ્થાનિક બજારનું આઉટપર્ફોર્મન્સ
ઓટો, મેટલ, એનર્જી, પીએસઈમાં મજબૂતી
આઈટી અને ફાર્મામાં નરમાઈ
બ્રોડ માર્કેટમાં ભારે લેવાલી નોંધાઈ
એમએન્ડએમ, કેપીઆઈટી ટેક નવી ઊંચાઈએ
લૌરસ લેબ્સ, ઝાયડસ વેલનેસ અને ફાઈઝર નવા તળિયે
બજેટ અગાઉના સત્રમાં ભારતીય શેરબજારે બે બાજુની વધ-ઘટ દર્શાવ્યાં બાદ પોઝીટીવ બંધ આપવામાં સફળતા મેળવી હતી. વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક મંદી વચ્ચે ભારતીય બજારે આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 49.49 પોઈન્ટ્સ વધી 59,549.90ની સપાટીએ જ્યારે નિફ્ટી-50 17,662.15ની સપાટીએ બંધ રહ્યાં હતાં. જોકે લાર્જ-કેપ્સમાં બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. નિફ્ટીમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 41 અગાઉના બંધની સરખામણીમાં ઘટાડો સૂચવતાં હતાં. જ્યારે 9 કાઉન્ટર્સ જ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. જોકે બ્રોડ માર્કેટમાં ઊંચી ખરીદી જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3625 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2377 પોઝીટીવ જોવા મળ્યાં હતાં. જ્યારે માત્ર 1133 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. બીજી બાજુ 90 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 135 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું નોંધાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 5 ટકા ગગડી 16.87ની સપાટીએ બંધ રહ્યો હતો.
સોમવારે યુએસ બજારમાં વેચવાલીને પગલે મંગળવારે એશિયન બજારો નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. જેની વચ્ચે ભારતીય બજારનું ઓપનીંગ પોઝીટીવ જોવા મળ્યું હતું. નિફ્ટી 17648.95ના અગાઉના બંધ સામે 17,731.45ની સપાટીએ ખૂલી શરૂઆતી દોરમાં ઘટાડાતરફી બની રહ્યો હતો. લગભગ પ્રથમ એક કલાકના ટ્રેડિંગ બાદ તેણે 17,537.55નું ઈન્ટ્રા-ડે તળિયું બનાવ્યું હતું. જ્યાંથી તેમાં તબક્કાવાર સુધારો જોવા મળ્યો હતો અને કામકાજની આખરમાં તે 17,735.70ની દિવસની ટોચ પર ટ્રેડ થયો હતો. જોકે 17700 પર બંધ રહેવામાં બીજા દિવસે નિષ્ફળ રહ્યો હતો. કેશ નિફ્ટીની સરખામણીમાં નિફ્ટી ફ્યુચર્સ 133 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે બંધ જોવા મળ્યો હતો. જે સૂચવે છે કે માર્કેટમાં લોંગ પોઝીશનમાં ઉમેરો થયો છે. સોમવારે નિફ્ટી ફ્યુચર્સમાં 94 પોઈન્ટ્સનું પ્રિમીયમ જોવા મળતું હતું. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે, જોકે બેન્ચમાર્ક માટે 17800નો પ્રથમ અવરોધ છે. જે પાર થતાં 18000નો અવરોધ જોવા મળી શકે છે. જ્યારે નીચે 17450નો મહત્વનો સપોર્ટ છે. બુધવારે બજેટના દિવસે માર્કેટમાં બે બાજુ ઊંચી વધ-ઘટની સંભાવના છે. જોકે માર્કેટ નજીકના સમયગાળામાં કોન્સોલિડેશનમાં જોવા મળે તેવી શક્યતાં ઊંચી છે. જો બજેટ પોઝીટીવ બની રહેશે તો જ બજાર ટૂંકમાં 18 હજારની સપાટી પાર કરી શકશે તેમ માનવામાં આવે છે. જ્યારે નીચે 17400ની નીચે જવાની શક્યતાં પણ ઓછી છે. મંગળવારે નિફ્ટીને સપોર્ટ કરનારા મુખ્ય સ્ટોક્સમાં એમએન્ડએમ ટોચ પર હતો. કંપનીનો શેર 3.54 ટકા ઉછળી સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. આ ઉપરાંત અલ્ટ્રાટેક સિમેન્ટ, એસબીઆઈ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, અદાણી પોર્ટ્સ, બીપીસીએલ, પાવર ગ્રીડ કોર્પોરેશન, હીરો મોટોકોર્પનો સમાવેશ થતો હતો. બીજી બાજુ બજાજ ફાઈનાન્સ, ટીસીએસ,ટેક મહિન્દ્રા, બ્રિટાનિયા, સન ફાર્મા, સિપ્લા, એચડીએફસી લાઈફ, ડિવિઝ લેબ્સ અને એશિયન પેઈન્ટ્સમાં વેચવાલી જોવા મળી હતી.
મંગળવારે બજારને સપોર્ટ આપવામાં ઓટો, મેટલ, એનર્જી અને પીએસઈ સેક્ટર્સ મુખ્ય હતાં. નિફ્ટી ઓટો 1.9 ટકા ઉછળ્યો હતો. જેમાં અશોક લેલેન્ડ 3.4 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત એમએન્ડએમ, બોશ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, હીરો મોટોકોર્પ, આઈશર મોટર્સ, બાલક્રિષ્ણ ઈન્ડસ્ટ્રીઝ, તાતા મોટર્સ, એમઆરએફ અને ભારત ફોર્જમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ 1.71 ટકા ઉછળ્યો હતો. જેના ઘટકોમાં બીઈએલ 7 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ભેલ, આરઈસી, સેઈલ, પાવર ફાઈનાન્સ, હિંદુસ્તાન એરોનોટિક્સ, બીપીસીએલ, પાવર ગ્રીડ કોર્પોરેશન, આઈઆરસીટીસી પણ નોંધપાત્ર સુધારો દર્શાવતાં હતાં. નિફ્ટી મેટલ 1.52 ટકા મજબૂતી સૂચવતો હતો. જેમાં સેઈલ 4 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત વેદાંત, અદાણી એન્ટરપ્રાઈઝ, જેએસડબલ્યુ સ્ટીલ, જિંદાલ સ્ટીલ, હિંદુસ્તાન ઝીંક અને તાતા સ્ટીલ પણ સુધારો સૂચવી રહ્યાં હતાં. નિફ્ટી રિઅલ્ટી, નિફ્ટી એફએમસીજી, નિફ્ટી મિડિયામાં પણ મજબૂતી જોવા મળી હતી. માત્ર નિફ્ટી આઈટી અને નિફ્ટી ફાર્મા નેગેટિવ જળવાયાં હતાં. જેમાં નિફ્ટી આઈટી 1.2 ટકા જ્યારે નિફ્ટી ફાર્મા એક ટકો ડાઉન જોવા મળતાં હતાં. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ચંબલ ફર્ટિલાઈઝર્સ 8 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ભારત ઈલેક્ટ્રોનિક્સ, ભેલ, બેંક ઓફ બરોડા, પીએનબી, આઈડીએફસી, પિરામલ એન્ટરપ્રાઈઝિસ, આરઈસી, કેન ફિન હોમ્સ, શ્રી સિમેન્ટ્સ, ઈન્ડુસ ટાવર્સ, સેઈલ, જીએનએફસી, પાવર ફાઈનાન્સ, તાતા પાવર, સિટી યુનિયન બેંક, એસ્ટ્રાલ લિ. મજબૂતી સૂચવતાં હતાં. જ્યારે બીજી બાજુ લૌરસ લેબ્સ, બજાજ ફાઈનાન્સ, ટીસીએસ, એમ્ફેસિસ, ટેક મહિન્દ્રા, બ્રિટાનિયા, એલટીઆમાઈન્ડટ્રી, ટોરેન્ટ ફાર્મામાં નરમાઈ જોવા મળી હતી. કેટલાંક સર્વોચ્ચ અથવા 52-સપ્તાહની ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં આઈઆઈએફએલ ફાઈનાન્સ, કેપીઆઈટી ટેક, રત્નમણિ મેટલ, એઆઈએ એન્જિનીયરીંગ, એમએન્ડએમ, મહિન્દ્રા સીઆઈઈ, એજિસ લોજીસ્ટીક્સ, કાર્બોરેન્ડમનો સમાવેશ થતો હતો. જ્યારે વાર્ષિક તળિયુ દર્શાવનાર કાઉન્ટર્સમાં લૌરસ લેબ્સ, ઝાયડસ વેલનેસ, ફાઈઝર, ઈન્ડિગો પેઈન્ટ્સ, ગ્લેક્સોસ્મિક્થલાઈન, ઓરોબિંદો ફાર્મા અને ક્વેસ કોર્પ જોવા મળતાં હતાં.
અદાણી એન્ટરપ્રાઈઝનો FPO આખરે છલકાઈ ગયો
મંગળવારે બજાર બંધ થતાં સુધીમાં કંપનીની ફોલો-ઓન ઓફર 1.1 ગણી ભરાઈ
કંપનીએ 4.55 કરોડ શેર્સની ઓફર સામે 5.085 કરોડ શેર્સ માટે અરજી મેળવી
ક્વિબ હિસ્સો 1.26 ગણો છલકાઈ ગયો જ્યારે રિટેલ હિસ્સામાં માત્ર 12 ટકા અરજી મળી
અદાણી જૂથની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસની ફોલો-ઓન પબ્લિક ઓફર આખરે સંપૂર્ણપણે ભરાઈ ગઈ હતી. આ લખાય છે ત્યાં સુધી મળતી માહિતી મુજબ કંપનીનો એફપીઓ 1.12 ગણો ભરાઈ ચૂક્યો છે. એટલેકે કંપનીએ 4.55 કરોડ શેર્સની ઓફર સામે 5.085 કરોડ શેર્સની ડિમાન્ડ જોઈ હતી. આમાં એન્કર હિસ્સાનો સમાવેશ થતો નથી.
સાંજ સુધી પ્રાપ્ત આંકડા મુજબ એફપીઓમાં રિટેલ હિસ્સાનું ભરણું માત્ર 12 ટકા જ ભરાયું હતું. જોકે ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશ્નલ ઈન્વેસ્ટર્સ તરફથી ઊંચી માગ જોવા મળી હતી. ક્વિબ હિસ્સામાં 1.28 કરોડ શેર્સ સામે 1.61 કરોડ શેર્સની માગ રહી હતી. જે 1.26 ગણો છલકાયો હતો. નોન-ઈન્સ્ટિટ્યુશ્નલ ઈન્વેસ્ટર્સ તરફથી સૌથી સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો અને તેમનો હિસ્સો 332 ટકા ઓવરસબસ્ક્રિપ્શન સૂચવતો હતો. એનઆઈઆઈ તરફથી 3.193 કરોડ શેર્સ માટે અરજી કરવામાં આવી હતી. જ્યારે તેમને માટે માત્ર 96 લાખ શેર્સ રિઝર્વ્ડ રાખવામાં આવ્યાં છે. કંપનીના એમ્પ્લોઈઝ હિસ્સાનું ભરણું પણ 54 ટકા જેટલું ભરાયું હતું. અગાઉ 25 જાન્યુઆરીએ કંપનીમાં ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશ્નલ ઈન્વેસ્ટર્સે એન્કર બુક માટે રૂ. 6000 કરોડના શેર્સ સબસ્ક્રાઈબ કર્યાં હતાં. એન્કર ઈન્વેસ્ટર્સમાંના એક એવા અબુ ધાબીની આઈએચસીએ 30 જાન્યુઆરીએ જણાવ્યું હતું કે તે ઈસ્યુમાં વધુ 40 કરોડ ડોલરનું રોકાણ કરશે. ગયા સપ્તાહે યુએસ શોર્ટ સેલર હિંડેનબર્ગે અદાણી જૂથને લઈને પ્રગટ કરેલા રિસર્ચ રિપોર્ટ બાદ કંપનીના શેર્સમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. અદાણી જૂથે પાછળથી હિંડેનબર્ગને 413 પાનાનો જવાબ આપ્યો હતો. જોકે આ રિપોર્ટ પાછળ શરૂઆતી બે દિવસોમાં એઈએલનો એફપીઓ માત્ર 3 ટકા જેટલો ભરાયો હતો. જેને બુધવારે નોંધપાત્ર પ્રતિસાદ સાંપડ્યો હતો અને બજાર બંધ થતાં સુધીમાં તો એફપીઓ સંપૂર્ણપણે ભરાય ગયો હતો. માર્કેટ વર્તુળોના મતે એફપીઓની સફળતા અદાણી જૂથની રોકાણકારોને આકર્ષવાની ક્ષમતા દર્શાવી રહી છે. 31 જાન્યુઆરીએ બંધ થયેલી ઓફરમાં પ્રાઈસ બેંડ રૂ. 3112-3276નું રાખવામાં આવ્યું હતું. જૂથ એફપીઓમાંથી મળનારી રકમનો ઉપયોગ ગ્રીન હાઈડ્રોજન ઈકોસિસ્ટમના ફંડીંગ, વર્તમાન એરપોર્ટ સુવિધાઓના સુધારા તથા નવા એક્સપ્રેસ વેના બાંધકામમાં કરવા ધારે છે. જ્યારે કેટલીક રકમનો ઉપયોગ જૂથની સબસિડિયરીઝના ડેટ ચૂકવણીમાં પણ કરશે.
રેટિંગ કંપનીઓએ લેન્ડર્સ પાસેથી અદાણી જૂથમાં એક્સપોઝરની વિગતો માગી
જૂથના કુલ ડેટમાં બેંકિંગ કંપનીઓનું એક્સપોઝર 38 ટકા જેટલું છે
જેપીમોર્ગનના મતે અદાણીના મૂડી ખર્ચ પર મોનીટરિંગની વિશેષ જરૂર
અદાણી જૂથને રૂ. 80 હજાર કરોડની લોન પૂરી પાડનાર ભારતીય બેંકોએ યુએસ સ્થિત હિંડેનબર્ગના રિસર્ચ રિપોર્ટ બાદ રોકાણકારોની ચિંતા હળવી કરવા માટેના પ્રયાસો હાથ ધરવા પડ્યાં છે. યુએસ શોર્ટ સેલરે અદાણી જૂથ પર માર્કેટ મેનિપ્યુલેશન તથા એકાઉન્ટીંગમાં ગેરરિતી જોવા આક્ષેપ કર્યાં હતાં.
જાહેર ક્ષેત્રની બેંકના એક અધિકારીના જણાવ્યા મુજબ સપ્તાહાંતે અમને રોકાણકારો તરફથી અમારા એક્સપોઝરને લઈને ઘણા કોલ્સ આવ્યા હતાં. અમે અમારા લોન એક્સપોઝર અને અન્ય રોકાણોને લઈને ડેટા તૈયાર કર્યો છે અને તેને રોકાણકારો સાથે વહેંચ્યો છે એમ તેઓ ઉમેરે છે. બેંક અધિકારીઓ મુજબ આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સિઝે પણ બેંક્સ પાસેથી અદાણી ગ્રૂપમાં તેમના એક્સપોઝરને લઈને વિગતો માગી છે. બેંકર્સનું કહેવું છે કે તેમનું મોટાભાગનું એક્સપોઝર અદાણી ગ્રૂપ કંપનીઓના કેશ ફ્લોઝ આધારિત છે અને તેને લઈને તત્કાળ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જોકે તેઓ સ્થિતિ પર દેખ-રેખ રાખી રહ્યાં છે.
સીએલએસએના રિપોર્ટ મુજબ ભારતીય બેંક્સે અદાણી જૂથમાં કુલ રૂ. 80 હજાર કરોડનું એક્સપોઝર ધરાવે છે. જે જૂથના કુલ ડેટના 38 ટકા જેટલું છે. સોમવારે પંજાબ નેશનલ બેંકે જણાવ્યું હતું કે તે અદાણી જૂથમાં રૂ. 7000 કરોડનું એક્સપોઝર ધરાવે છે. બેંકના સીએમડીએ જણાવ્યું હતું કે તેઓ સ્થિતિ પર ચાંપતી નજર નાખી રહ્યાં છે. બેંકર્સના જણાવ્યા મુજબ રોકાણકારો અદાણીમાં બેંકોના નોન-ફંડ એક્સપોઝરને લઈ ચિંતિત છે. તેમનું કેટલુંક નોન-ફંડ એક્સપોઝર કુલ એક્સપોઝરના 40 ટકા જેટલું ઊંચું છે. સીએલએસએના જણાવ્યા મુજબ પ્રાઈવેટ બેંક્સ 2023-24ની લોન્સના 0.3 ટકા એક્સપોઝર ધરાવે છે. જે 2023-24ની નેટવર્થના 1.5 ટકા જેટલી થાય છે. પબ્લિક સેક્ટર બેંક્સ માટે એક્સપોઝર 2023-24ની લોન્સના 0.7 ટકા જેટલું છે. જ્યારે 2023-24ની નેટવર્ષના 6 ટકા જેટલું છે. અદાણી જૂથની ટોચની પાંચ કંપનીઓ અદાણી એન્ટરપ્રાઈસિઝ, અદાણી પોર્ટ્સ, અદાણી પાવર, અદાણી ગ્રીન અને અદાણી ટ્રાન્સમિશનનું 2021-22માં કુલ ડેટ રૂ. 2.1 લાખ કરોડ હતું એમ રિપોર્ટ જણાવે છે. જેમાં ટર્મ લોન્સ, વર્કિંગ કેપિટલ લોન્સ અને અન્ય સુવિધાઓનો સમાવેશ થાય છે. જે જૂથના કુલ ડેટનો 38 ટકા જેટલો હિસ્સો છે. જેપીમોર્ગને એક અહેવાલમાં જણાવ્યું છે કે અદાણીના મૂડી ખર્ચ પર દેખરેખની જરૂર છે. કંપનીએ નોંધ્યું છે કે અદાણી જૂથે ડિસ્ક્લોઝ કરેલો ડેટ/એબિટા રેશિયો વાજબી જણાય છે, પરંતુ આગામી પાંચથી દસ વર્ષોમાં જૂથના 120 અબજ ડોલરના ખર્ચનો પ્લાન ઊંચો જણાય રહ્યો છે. તેના માટે કેવી રીતે ફાઈનાન્સિંગ મેળવવામાં આવે છે તે જોવાનું રહેશે.
2022માં વૈશ્વિક ગોલ્ડ માગ 10-વર્ષોની ટોચે જોવા મળી
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ મુજબ ગયા કેલેન્ડરમાં ગોલ્ડની માગ 18 ટકા વધી 4,741 ટન પર રહી
સેન્ટ્રલ બેંક્સની માગ બમણાથી વધુ વધી 1136 ટન પર 55-વર્ષની ટોચે
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના 2022માં ગોલ્ડની માગને લઈને એક રિપોર્ટ મુજબ ગયા વર્ષે સોનાની માંગ (ઓટીસી સિવાય) વાર્ષિક ધોરણે 18 ટકા વધીને 4,741 ટન પર જોવા મળી હતી. કેલેન્ડર 2011 બાદ જોવા મળેલી આ સૌથી ઊંચી ખરીદી છે. એ વાત ઉલ્લેખનીય છે કે ગોલ્ડે 2011માં સૌપ્રથમવાર 1900 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. ગયા વર્ષે ગોલ્ડની માગમાં વૃદ્ધિ પાછળ સેન્ટ્રલ બેંકર્સ અને રિટેલ ખરીદારો જવાબદાર હતાં. બંને વર્ગ તરફથી ઊંચી ખરીદી નીકળી હતી.
2022માં સેન્ટ્રલ બેંકર્સે 1,136 ટન સોનું ખરીદ્યું હતું. જે અગાઉના વર્ષની સરખામણીમાં 125 ટકા વૃદ્ધિ દર્શાવતું હતું. 2021માં મધ્યસ્થ બેંકોએ 450 ટન સોનું ખરીદ્યું હતું. 2022માં સેન્ટ્રલ બેંકર્સની ખરીદી 55-વર્ષોની ટોચ પર જોવા મળી હતી. જે સૂચવે છે કે મધ્યસ્થ બેંકર્સ તેમની એસેટ્સનું ડાયવર્સિફિકેશન કરી રહ્યાં છે. એટલેકે તેમણે ઊંચા ભાવે ડોલર વેચીને કેટલુંક ફોરેક્સ ગોલ્ડમાં રૂપાંતરિત કર્યું છે. 2022ના ચોથા ત્રિમાસિક ગાળામાં ખરીદી 417 ટન પર પહોંચી હતી. જ્યારે જુલાઈથી ડિસેમ્બર સુધીમાં તે 800 ટન પર જોવા મળી હતી. 2022માં ઈન્વેસ્ટર્સની માગમાં 10 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. એકબાજુ ઈટીએફ આઉટફ્લોમાં વૃદ્ધિ નોંધાઈ હતી. જ્યારે બીજી બાજુ સોનાની લગડી અને સિક્કાની માગમાં મજબૂતી જોવા મળી હતી. ચીનમાંથી ઘટેલી માગને અન્ય દેશોમાં વધેલી માગે સરભર કરી હતી. જેમકે યુરોપમાં સોનાની લગડી અને સિક્કાનું રોકાણ 2022માં 300 ટનને પાર કરી ગયું હતું. જેમાં જર્મનીએ ઊંચી ખરીદી દર્શાવી હતી. મધ્યપૂર્વિય દેશોમાં પણ ગોલ્ડની માગ વાર્ષિક ધોરણે 42 ટકા વૃદ્ધિ દર્શાવતી હતી.
વટાવી દીધું, તેમાં જર્મન માંગએ મજબુત સહાયતા આપી હતી. મધ્યપૂર્વિયમાં એક નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે, જ્યાં વાર્ષિક ધોરણે વાર્ષિક માંગ 42 ટકા વધી છે. જોકે જ્વેલરીની માગ 2022માં સાધારણ ઘટાડો દર્શાવતી હતી. કેલેન્ડર દરમિયાન તે 3 ટકા ઘટી 2086 ટન પર જોવા મળી હતી. કોવિડ-19 લોકડાઉનને આમ બન્યું હતું. 2022માં ગોલ્ડનો વાર્ષિક પુરવઠો સાધારણ વધી 4755 ટન પર રહ્યો હતો. ખાણનું ઉત્પાદન 3612 ટન પર ચાર વર્ષની ટોચે જોવા મળ્યું હતું.
ગોલ્ડમાં રોકાણ વધારી રહેલાં મલ્ટી-એસેટ ફંડ્સ
નવેમ્બર-ડિસેમ્બર 2022માં ઘણા ફંડ્સે તેમના પોર્ટફોલિયોમાં ગોલ્ડમાં 1-6 ટકાનો ઉમેરો કર્યો
મલ્ટી-એસેટ એલોકેશન ફંડ મેનેજર્સે છેલ્લાં કેટલાંક મહિનાઓમાં ગોલ્ડ એલોકેશનમાં વૃદ્ધિ નોંધાવી છે. વૈશ્વિક અર્થતંત્રમાં મંદીના ડરને કારણે ગોલ્ડને લઈને જોવા મળી રહેલો પોઝીટીવ આઉટલૂક આ પાછળનું મુખ્ય કારણ છે.
મલ્ટી-એસેટ પોર્ટફોલિયોઝનું એનાલિસીસ કરીએ તો જણાય છે કે મોટાભાગની સ્કિમ્સે નવેમ્બર-ડિસેમ્બર 2022 દરમિયાન તેમના પોર્ટફોલિયોમાં ગોલ્ડ વેઈટેજમાં 1-6 ટકાની વૃદ્ધિ કરી હતી. કોટક મહિન્દ્રા એએમસીના ફંડ મેનેજમેન્ટ રિસર્ચના એક્ઝિક્યૂટીવ વાઈસ-પ્રેસિડેન્ટ દેવેન્દર સિંઘલે જણાવ્યા મુજબ છેલ્લાં કેટલાંક મહિનાઓ દરમિયાન તેમણે ઈક્વિટી હિસ્સામાં અર્થપૂર્ણ ઘટાડો કર્યો છે. ઈન્ટરેસ્ટ-રેટ સાઈકલમાં શિફ્ટને કારણે ગોલ્ડનું એક્સપોઝર વધાર્યું છે. એક એસેટ ક્લાસ તરીકે ગોલ્ડનું આકર્ષણ વધવાના કારણે પણ આમ બન્યું છે. મલ્ટી-એસેટ એલોકેશન ફંડ્સ એ એવા ઈન્વેસ્ટમેન્ટ ફંડ છે જે વિવિધ એસેટ ક્લાસિસમાં નાણાનું રોકાણ કરે છે. જેમાં સ્ટોક્સ, બોન્ડ્સ, રિઅલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ અને કોમોટિડીઝ(મુખ્યત્વે ગોલ્ડ)નો સમાવેશ થાય છે. જોકે દરેક સ્કીમમાં આ એસેટ ક્લાસિસને ફાળવવામાં આવેલી એસેટ્સમાં ફેરફાર જોવા મળતો હોય છે. ટેક્સેશનને આધારે પણ એલોકેશનમાં ભિન્નતા જોવા મળતી હોય છે. ઈક્વિટી-ઓરિએન્ટેડ મલ્ટી-એસેટ ફંડ હંમેશા ઓછામાં ઓછી 65 ટકા ફાળવણી ઈક્વિટીઝને કરતી હોય છે. જેથી ઈક્વિટી ટેક્સેશન માટે યોગ્યતા મેળવી શકાય. આવી સ્કિમ્સ પાસે અન્ય એસેટ ક્લાસિસને ફાળવણી માટે ઓછી જગ્યા હોય છે. ડેટ ટેક્સેશન માટે ડિઝાઈન કરવામાં આવી હોય તેવી સ્કિમ્સ પાસે અન્ય એસેટ્સમાં રોકાણ માટે ફંડ્સને લઈ વધુ ફ્લેક્સિબિલિટી જોવા મળતી હોય છે.
બેલેન્સ્ડ પોર્ટફોલિયો માટે વિવિધ એસેટ ક્લાસિસમાં એલોટમેન્ટ જરૂરી છે. ઈક્વિટીની હાજરી ફંડમાં ગ્રોથનું એલિમેન્ટ લાવતી હોય છે. ઈન્ટરનેશનલ ઈક્વિટી મેગાટ્રેન્ડ્સમાં રોકાણની તક પૂરી પાડતી હોય છે. ડેટ એસેટ્સ એક સ્થિર રિટર્ન રળવામાં સહાયરૂપ થતી હોય છે. જ્યારે ગોલ્ડ એ ઈન્ફ્લેશન સામે સંભવિત હેજિંગ પૂરું પાડે છે એમ ઈન્વેસ્ટમેન્ટ એનાલિસ્ટ જણાવે છે. મલ્ટી-એસેટ એલોકેશન ફંડ્સમાં ગોલ્ડના વેઈટમાં વધારો 2023માં ગોલ્ડના સારા દેખાવની અપેક્ષાની દિશામાં છે. નવા કેલેન્ડરમાં ગોલ્ડના ભાવ રૂ. 60000ની ટોચ દર્શાવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારો સેફ-હેવન એસેટ તરફ આકર્ષાય રહ્યાં છે. બ્રોકરેજ હાઉસના મતે યુએસ ફેડ તરફથી રેટ વૃદ્ધિમાં વિરામ બાદ ડોલરમાં નરમાઈને કારણે ગોલ્ડને લાભ મળશે. ચીને ઝીરો કોવિડ પોલિસી દૂર કરતાં ત્યાં આર્થિક પ્રવૃત્તિમાં સુધારા બાદ કન્ઝ્યૂમર માગમાં વૃદ્ધિ પાછળ પણ ગોલ્ડના ભાવમાં વૃદ્ધિની સંભાવના છે.
ડોલર સામે રૂપિયો 41 પૈસા ગગડ્યો
બજેટ અગાઉના સત્ર દરમિયાન યુએસ ડોલર સામે રૂપિયામાં નરમાઈ જોવા મળી હતી. ફોરેક્સ માર્કેટમાં રૂપિયા માટે તે લગભગ બે મહિનાનો સૌથી ખરાબ દિવસ બની રહ્યો હતો. ડોલર સામે રૂપિયો 41 પૈસા ગગડી 81.92ની સપાટીએ બંધ રહ્યો હતો. ઈક્વિટી માર્કેટમાં વિદેશી રોકાણ સંસ્થાઓ તરફથી સતત આઉટફ્લોને કારણે રૂપિયા પર દબાણ જોવા મળ્યું હોવાનું ફોરેક્સ ડિલર્સનું કહેવું હતું. જેની પાછળ 6 ડિસેમ્બર પછી રૂપિયામાં 0.51 ટકાનો સૌથી ઊંચો ઘટાડો નોંધાયો હતો. જોકે સમગ્ર જાન્યુઆરીની વાત કરીએ તો રૂપિયો ડોલર સામે એક ટકા મજબૂતી સાથે બંધ જોવા મળ્યો હતો.
વૈશ્વિક બજાર પાછળ સોનું-ચાંદી નરમ
વૈશ્વિક બજારમાં ગોલ્ડમાં ધીમો ઘસારો જોવા મળી રહ્યો છે. મંગળવારે કોમેક્સ ગોલ્ડ વાયદો 16 ડોલર આસપાસ નરમાઈ દર્શાવવા સાથે 1909 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો. દિવસ દરમિયાન ઊપરમાં 1936 ડોલર જ્યારે નીચે 1900 ડોલર પર ટ્રેડ થયો હતો. જે સૂચવે છે કે 1900 ડોલરનો સપોર્ટ તે જાળવી રહ્યો છે. જો આ સ્તર તૂટશે તો 1880 ડોલરનો સપોર્ટ મળી શકે છે. સ્થાનિક કોમેક્સ એમસીએક્સ ખાતે ગોલ્ડ વાયદો રૂ. 143ના ઘટાડે રૂ. 56639ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ પાછળ ચાંદીમાં નોંધપાત્ર વેચવાલી જોવા મળી રહી હતી. એમસીએક્સ સિલ્વર વાયદો 1 ટકાથી વધુ ગગડી રૂ. 68 હજારની નીચે ઉતરી ગયો હતો.
કોર્પોરેટ હેડલાઈન્સ
લાર્સન એન્ડ ટૂબ્રોઃ કેપિટલ ગુડ્ઝ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટર માટે મજબૂત પરિણામો દર્શાવ્યાં છે. ક્વાર્ટર દરમિયાન કંપનીનો ચોખ્ખો નફો રૂ. 2552.92 કરોડ જોવા મળ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 2054.74 કરોડની સરખામણીમાં 24.24 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવકમાં 17 ટકા વૃદ્ધિ જોવા મળી હતી અને તે રૂ. 46,390 કરોડ પર રહી હતી. કંપનીની આંતરરાષ્ટ્રીય આવક રૂ. 17,317 કરોડ પર રહી હતી. કંપનીનો એબિટા રૂ. 5073 કરોડ પર જોવા મળ્યો હતો. કંપનીના શેરમાં વધ-ઘટ બાદ મજબૂતી જોવા મળી હતી.
બીપીસીએલઃ જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1,956.6 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે રૂ. 1,436 કરોડના અંદાજની સરખામણીમાં નોંધપાત્ર ઊંચો હતો. કંપનીનો એબિટા રૂ. 3854 કરોડના અંદાજની સામે રૂ. 4234 કરોડ પર રહ્યો હતો. દરમિયાનમાં સરકારે બીપીસીએલને એલપીજી માટે વન-ટાઈમ ગ્રાન્ટ તરીકે રૂ. 5582 કરોડ મંજૂર કર્યાં છે.
ટેક મહિન્દ્રાઃ મહિન્દ્રા જૂથની ટેક્નોલોજી કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટર માટે રૂ. 1296 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે રૂ. 1294 કરોડના અંદાજ જેટલો જ જોવા મળ્યો હતો. બેંકનો એબિટા રૂ. 1592 કરોડ સામે રૂ. 1644.9 કરોડ પર રહ્યો હતો.
આરઈસીઃ પીએસયૂ સાહસે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 2915.3 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 2773.4 કરોડની સરખામણીમાં 5.1 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષના રૂ. 10,037 કરોડની સરખામણીમાં રૂ. 9,781.8 કરોડ પર જોવા મળી હતી.
એમઆરપીએલઃ પીએસયૂ સાહસે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 195 કરોડની ખોટ દર્શાવી હતી. ગયા વર્ષે સમાનગાળામાં કંપનીએ રૂ. 589 કરોડનો નફો દર્શાવ્યો હતો. કંપનીની આવક ગયા વર્ષના રૂ. 25,033 કરોડની સરખામણીમાં રૂ. 30,966 કરોડ પર જોવા મળી હતી.
ધામપુર સુગરઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 46.4 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 58.1 કરોડની સરખામણીમાં 20.2 ટકા ઘટાડો દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષના રૂ. 561.7 કરોડની સરખામણીમાં 3 ટકા ગગડી રૂ. 543.8 કરોડ પર જોવા મળી હતી.
હેસ્ટર બાયોસાયન્સિસઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 74.64 કરોડની આવક દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતી રૂ. 55.69 કરોડની આવકો કરતાં 35 ટકા ઊંચી છે. કંપનીએ ગયા વર્ષે રૂ. 8.33 કરોડની સામે 46 ટકા વૃદ્ધિ સાથે રૂ. 12.16 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જ્યારે એબિટા 18 ટકા વધી રૂ. 17.79 કરોડ રહ્યો હતો.
આઈનોક્સ લેઝરઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 40.4 કરોડની ખોટ દર્શાવી છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 1.3 કરોડની ખોટ નોંધાવી હતી. કંપનીની આવક ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 296.5 કરોડ પરથી 74 ટકા ઉછળી રૂ. 515.6 કરોડ પર રહી હતી.
ટ્રાઈડન્ટઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 144.2 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 211 કરોડના નફા સામે 31 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1980 કરોડ સામે ચાલુ વર્ષે 17 ટકા ગગડી રૂ. 1641 કરોડ પર રહી હતી.
સેન્ચૂરી ટેક્સટાઈલઃ કંપનીના બોર્ડે કુલ રૂ. 400 કરોડના નોન-ક્ન્વર્ટિબલ ડિબેન્ચર્સના ઈસ્યુ માટે મંજૂરી આપી છે. જે 7.07 ટકા કૂપન રેટ ધરાવશે.