Market Summary 12/01/2023

માર્કેટમાં મંદીની હેટ્રીક, ભારતીય બજારનું અન્ડરપર્ફોર્મન્સ
વૈશ્વિક બજારોમાં મજબૂતી અકબંધ
વોલેટિલિટી ઈન્ડેક્સ 1 ટકા ઘટી 15.27ની સપાટીએ
બેંકિંગ, એફએમસીજી, એનર્જીમાં નરમાઈ
ઓટો અને આઈટી મજબૂત
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં 2 ટકાનું ગાબડું
પીએનબી હાઉસિંગ, મહિન્દ્રા સીઆઈઈ નવી ટોચે
ગ્લાન્ડ ફાર્મા, લૌરસ લેબ્સ નવા તળિયે

ચાલુ સપ્તાહે ભારતીય બજારમાં મંદીની હેટ્રીક જોવા મળી હતી. ગુરુવારે માર્કેટ બે બાજુની વધ-ઘટ વચ્ચે ત્રીજા દિવસે નેગેટિવ બંધ જોવા મળ્યું હતું. બેન્ચમાર્ક્સ પા ટકા ઘટાડા સાથે બંધ જળવાયાં હતાં. બીએસઈ સેન્સેક્સ 147.47 પોઈન્ટ્સ ગગડી 59958.03ની સપાટીએ જ્યારે નિફ્ટી-50 37.50 પોઈન્ટ્સના ઘટાડે 17858.20ની સપાટી પર બંધ રહ્યાં હતાં. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર્સ 67 પોઈન્ટ્સના પ્રિમીયમે 17924.50ની સપાટીએ બંધ રહ્યો હતો. લાર્જ-કેપ્સમાં વેચવાલી પાછળ બ્રેડ્થ ન્યૂટ્રલ જોવા મળતી હતી. નિફ્ટી-50માં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 25 પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જ્યારે અન્ય 25 નેગેટિવ જોવા મળ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં જોકે લેવાલી અટકી હતી અને બ્રેડ્થ નરમ જળવાય હતી. બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3652 કાઉન્ટર્સમાંથી 1888 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1612 પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. પ્લેટફોર્મ ખાતે 113 કાઉન્ટર્સે તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 50 કાઉન્ટર્સે તેમનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1 ટકાથી સહેજ વધુ નરમાઈએ 15.27ની સપાટીએ બંધ જળવાયો હતો.
ગુરુવારે ભારતીય બજારમાં છેલ્લાં કેટલાંક સમયથી જોવા મળતો સિલસિલો ચાલ્યો આવ્યો હતો. બેન્ચમાર્ક્સ ગ્રીન ઝોનમાં ખૂલ્યાં બાદ દિવસ દરમિયાન ઘસાતાં રહ્યાં હતાં જ્યારે આખરી દોઢેક કલાક અગાઉ બોટમ બનાવી સાધારણ પરત ફરી બંધ જોવા મળ્યાં હતાં. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 17895.70ના બંધ સામે ઈન્ટ્રા-ડે 17846ની ટોચ દર્શાવી નીચામાં 17762 સુધી ગગડ્યો હતો. બેન્ચમાર્ક તેના તાજેતરના તળિયા નીચે ઉતરી જતાં એક તબક્કે પેનિકનો ભય ઊભો થયો હતો. જોકે બજારને ઈન્શ્યોરન્સ, ઓટો અને આઈટી કાઉન્ટર્સનો સપોર્ટ મળી જતાં તે ટકી ગયું હતું. નિફ્ટીને સપોર્ટ કરનાર કેટલાંક અગ્રણી કાઉન્ટર્સમાં એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, લાર્સન, એચસીએલ ટેક, સિપ્લા, જેએસડબલ્યુ સ્ટીલ અને ડો.રેડ્ડીઝ લેબ્સ મુખ્ય હતાં. બીજી બાજુ ડિવિઝ લેબ્સ, રિલાયન્સ, બીપીસીએલ, એક્સિસ બેંક, તાતા મોટર્સ, કોટક મહિન્દ્રા બેંક, ભારતી એરટેલ અને હિંદાલ્કોમાં નરમાઈ જોવા મળતી હતી. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો બેંકિંગ, એફએમસીજી, મેટલ અને એનર્જિમાં ઘટાડો નોંધાયો હતો. જ્યારે ઓટો અને આઈટી સૂચકાંકો પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. નિફ્ટી બેંક એક તબક્કે 42 હજારની નીચે ઉતરી ગયો હતો. જોકે ત્યાંથી પરત ફર્યો હતો અને 42 હજાર પર ટકી રહ્યો હતો. તે 0.36 ટકા નેગેટિવ બંધ જોવા મળ્યો હતો. જેમાં પ્રાઈવેટ બેંક તરફથી મુખ્ય ઘટાડો નોંધાયો હતો. બંધન બેંક 2 ટકાથી વધુ ગગડ્યો હતો.જ્યારે એક્સિસ બેંક, કોટક બેંક, આઈસીઆઈસીઆઈ બેંકમાં પણ નરમાઈ જોવા મળી હતી. બીજી બાજુ એયૂ સ્મોલ ફાઈ. બેંક અને એચડીએફસી બેંક પોઝીટીવ જોવા મળ્યાં હતાં. નિફ્ટી એનર્જી 0.7 ટકા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જેમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું યોગદાન મુખ્ય હતું. એચપીસીએલ, આઈઓસી, રિલાયન્સ અને બીપીસીએલ 2 ટકાથી વધુ તૂટ્યાં હતાં. બીજી બાજુ અદાણી ગ્રીન અને પાવર ગ્રીડ કોર્પો. મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી એફએમસીજી 0.36 ટકા નરમાઈ દર્શાવતો હતો. બેન્ચમાર્ક 44 હજારના સ્તરની નીચે બંધ રહ્યો હતો. તેના મુખ્ય ઘટકોમાં વરુણ બેવરેજિસમાં વધુ 3 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે યુનાઈટેડ બ્રૂઅરિઝ, યુનાઈટેડ સ્પિરિટ્સ, તાત કન્ઝ્યૂમર્સ, ડાબર ઈન્ડિયા, આઈટીસી અને બ્રિટાનિયા પણ નરમાઈ દર્શાવતાં હતાં. ગોદરેજ કન્ઝ્યૂમર અને નેસ્લે ઈન્ડિયા પોઝીટીવ જોવા મળ્યાં હતાં. નિફ્ટી મેટલમાં નાલ્કો, મોઈલ, હિંદાલ્કો, તાતા સ્ટીલ અન વેદાંતમાં નરમાઈ હતી. જ્યારે હિંદુસ્તાન ઝીંક, જેએસડબલ્યુ સ્ટીલ, અદાણી એન્ટરપ્રાઈઝમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી આઈટી અડધા ટકા સુધારા સાથે ગ્રીન ઝોનમાં બંધ દર્શાવતો હતો. જેમાં એચસીએલ ટેક્નોલોજી, એલટીઆઈમાઈન્ડટ્રી, ઈન્ફોસિસ એલએન્ડટી ટેક્નોલોજી અને ટીસીએસ પોઝીટીવ જોવા મળ્યા હતાં. જ્યારે કોફોર્જ, એમ્ફેસિસ અને ટેક મહિન્દ્રા નરમાઈ સૂચવતો હતો. ઓટો કાઉન્ટર્સમાં ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ, બાલક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીઝ, મારુતિ સુઝુકી, અમર રાજા બેટરીઝ અને બજાજ ઓટોમાં મજબૂતી જોવા મળતી હતી. જ્યારે એમઆરએફ, અશોક લેલેન્ડ, આઈશર મોટર્સ અને ટીવીએસ મોટર્સ 1-2 ટકા નરમાઈ સાથે બંધ રહ્યાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં નવીન ફ્લોરિન 6 ટકા ઉછાળા સાથે ટોચ પર હતો. આ ઉપરાંત ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ, પીવીઆર, ક્યુમિન્સ, એમસીએક્સ ઈન્ડિયા, ઈન્ફો એજ, ગોદરેજ કન્ઝ્યૂમર, દાલમિયાન ભારતમાં સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા 4 ટકા સાથે ઘટાડામાં ટોચ પર હતો. ઉપરાંત હિંદુસ્તાન પેટ્રોલિયમ, વોલ્ટાસ, નાલ્કો, આરબીએલ બેંક, પાવર ફાઈનાન્સ કોર્પો.માં ઘટાડો જોવા મળી રહ્યો હતો. વાર્ષિક ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં પીએનબી હાઉસિંગ ફાઈ.નો સમાવેશ થતો હતો. મહિન્દ્રા સીઆઈઈ અને સીજી પાવરે પણ વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે ગ્લેન્ડ ફાર્મા, લૌરસ લેબ્સ, વોડાફોન આઈડિયા, લક્સ ઈન્ડસ્ટ્રીઝ, ગેલેક્સિ સર્ફેકન્ટન્ટ્સ, અતુલ અને બાયોકોનમાં વાર્ષિક તળિયું જોવા મળ્યું હતું.

ડિસેમ્બરમાં રિટેલ ઈન્ફ્લેશન સાધારણ ઘટાડે 5.72 ટકા પર જોવાયું
નવેમ્બરમાં કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સ 5.88 ટકાના 11-મહિનાના તળિયા પર નોંધાયો હતો
ફૂડ ઈન્ફ્લેશન નવેમ્બરના 4.67 ટકા પરથી ઘટી 4.19 ટકા પર જોવા મળ્યું

કેલેન્ડર 2022ના આખરી મહિનામાં દેશમાં કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સ(સીપીઆઈ) માસિક ધોરણે સાધારણ ઘટીને 5.72 ટકા પર જોવા મળ્યું હતું. જે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના 2-6 ટકાના કમ્ફર્ટ ઝોનની અંદર જળવાયું હતું. સતત બીજા મહિને ઈન્ફ્લેશન છ ટકાના લેવલ નીચે જોવા મળ્યું હતું. નવેમ્બરમાં કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સ 5.88 ટકાના 11-મહિનાના તળિયા પર નોંધાયો હતો.
ઓક્ટોબર 2022માં તે 6.7 ટકા પર હતું અને સપ્ટેમ્બરમાં 7.14 ટકા પર જોવા મળ્યું હતું. ડિસેમ્બર 2021માં સીપીઆઈ 5.66 ટકા પર રહ્યો હતો. ખાદ્ય પદાર્થોના ભાવ નીચા જળવાય રહેવાને કારણે સીપીઆઈમાં ઘટાડો જોવા મળ્યો હતો. ખાદ્ય પદાર્થોમાં પણ શાકભાજીના ભાવો વાર્ષિક ધોરણે ખૂબ નીચા જળવાયાં હતાં. જેણે આરબીઆઈને સતત બીજા મહિને રાહત આપી છે. નેશનલ સ્ટેટેસ્ટીકલ ઓફિસે રજૂ કરેલા આંકડા મુજબ ડિસેમ્બરમાં ફૂડ ઈન્ફ્લેશન 4.19 ટકા પર જોવા મળ્યું હતું. જે નવેમ્બરમાં 4.67 ટકા પર હતું. ઈન્ફ્લેશન બાસ્કેટમાં ફૂડ ઈન્ફ્લેશનો હિસ્સો 40 ટકા જેટલો છે. જોકે બીજી બાજુ ફ્યુઅલ અને લાઈટ કેટેગરીમાં ઈન્ફ્લેશન સૌથી ઊંચું જોવા મળ્યું હતું. તે 10.97 ટકા પર જળવાયું હતું. જ્યારબાદ ક્લોથીંગ અને ફૂટવેર કેટેગરીમાં 9.58 ટકાનું ઈન્ફ્લેશન જળવાયું હતું. જ્યારે ફૂડ અને બેવરેજિસ કેટેગરીમાં ઈન્ફ્લેશન 4.58 ટકા પર હતું. શહેરી ઈન્ફ્લેશનની સરખામણીમાં ગ્રામીણ વિસ્તારોમાં મોંઘવારી ઊંચી રહીહતી. શહેરી વિસ્તારોમાં મોંઘવારી 5.39 ટકા પર જોવા મળી હતી. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં 6.05 ટકા પર હતી. ડેટા મુજબ સીપીઆઈ છેલ્લાં ત્રણ વર્ષોથી તેના 4 ટકાના મિડિયમ ટર્મ ટાર્ગેટથી ઊંચું જળવાય રહ્યું છે.

ઈન્ફોસિસે ડિસેમ્બર ક્વાર્ટરમાં 13 ટકા વૃદ્ધિ સાથે રૂ. 6586 કરોડનો નફો નોંધાવ્યો
કંપનીની આવક 20 ટકા વધી રૂ. 38,318 કરોડ પર જોવા મળી
કંપનીના એટ્રિશનમાં ઘટાડો, વાર્ષિક ધોરણે 54,778 કર્મચારીઓનો ઉમેરો

દેશમાં બીજા ક્રમની આઈટી સર્વિસિઝ જાયન્ટ ઈન્ફોસિસે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 38,318 કરોડની આવક નોંધાવી છે. જે ગયા વર્ષે સમાનગાળાની સરખામણીમાં 20.2 ટકા વૃદ્ધિ સૂચવે છે. ગયા વર્ષે ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 31,867 કરોડની આવક જોવા મળી હતી એમ કંપનીએ બીએસઈ ફાઈલીંગમાં જણાવ્યું છે. કંપનીનો ચોખ્ખો નફો 13.4 ટકા ઉછળી રૂ. 6,586 કરોડ પર રહ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 5809 કરોડ પર હતો.
કંપનીએ ગુરુવારે ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કરવાની સાથે નાણા વર્ષ 2022-23ના ગાઈડન્સ રૂપે આવકમાં 16થી 16.5 ટકાની રેંજમાં વૃદ્ધિની શક્યતાં દર્શાવી હતી. જ્યારે ઓપરેટિંગ માર્જિન 21-22 ટકા રહેશે તેમ જાળવી રાખ્યું હતું. કંપનીએ ત્રીજા ક્વાર્ટરમાં 21.5 ટકાનો ઓપરેટિંગ માર્જિન દર્શાવ્યાં હતાં. કોન્સ્ટન્ટ કરન્સી બેસીસ પર કંપનીનો રેવન્યૂ ગ્રોથ 13.7 ટકા પર જોવા મળ્યો હતો. કંપનીના એમડી અને સીઈઓ સલીલ પારેખે જણાવ્યું હતું કે ગયા ક્વાર્ટર દરમિયાન અમારો રેવન્યૂ ગ્રોથ મજબૂત જળવાયો હતો. ડિજિટલ બિઝનેસ અને કોર સર્વિસિસ, બંનેએ સારો દેખાવ જાળવ્યો હતો. જે અમારા ગ્રાહકો સાથેના મજબૂત જોડાણને સૂચવે છે. ત્રિમાસિક ધોરણે કંપનીની આવકમાં 2.4 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે નફામાં 9.4 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 6021 કરોડનો નફો દર્શાવ્યો હતો. ચાલુ નાણા વર્ષના પ્રથમ નવ મહિનામાં કંપનીનો નેટ પ્રોફિટ 9.4 ટકા ઉછળી રૂ. 17,967 કરોડ પર જોવા મળ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 16,425 કરોડ પર હતો. જ્યારે કંપનીની આવક 22.3 ટકા વધી રૂ. 1,09,326 કરોડ જળવાય હતી. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીની કુલ કોન્ટ્રેક્ટ વેલ્યૂ 3.3 અબજ ડોલર પર હતી. જે બીજા ક્વાર્ટરની 2.7 અબજ ડોલરની સરખામણીમાં ઊંચી હતી. કંપનીએ ત્રીજા ક્વાર્ટરમાં 24.3 ટકાનો એટ્રિશન રેટ દર્શાવ્યો હતો. જે 2021-22ના સમાનગાળામાં 25.5 ટકા પર હતો. વાર્ષિક ધોરણે કંપનીએ 54,778 કર્મચારીઓની નિમણૂંક કરી હતી. તે 18.75 ટકા વૃદ્ધિ દર્શાવે છે. જોકે અગાઉ સપ્તાહની શરૂમાં ટીસીએસે કર્મચારીઓની સંખ્યામા 2 હજારનો ઘટાડો નોંધાવ્યો હતો. ઈન્ફોસિસ સીઈઓએ નજીકના ગાળામાં એટ્રિશનમાં વધુ ઘટાડાની શક્યતા વ્યક્ત કરી હતી.

બટાટાનું ઉત્પાદન નવી સિઝનમાં 7 ટકા ઊંચું રહેવાનો અંદાજ
ખેડૂતો ઊંચું ઉત્પાદન આપતી વેરાયટીઝ તરફ વળતાં તેમજ હવામાન સારુ રહેવાથી ઉત્પાદક્તા વધશે

દેશમાં નવી સિઝનમાં બટાટાનું ઉત્પાદન 5-7 ટકા ઊંચું રહેવાનો અંદાજ છે. ઊંચા વાવેતર અને સાનૂકૂળ હવામાનને કારણે આમ જોવા મળશે એમ વર્તુળો જણાવે છે. દેશમાં બટાટાનું વાવેતર કરતાં મોટાભાગના વિસ્તારોમાં ગયા વર્ષની સરખામણીમાં વાવેતર 3-5 ટકા ઊંચું જોવા મળ્યું છે. જ્યારે અત્યાર સુધીમાં હવામાન અનૂકૂળ જળવાયું છે એમ વર્તુળોનું કહેવું છે.
ગઈ સિઝન 2021-22માં દેશમાં બટાટાનું વાવેતર કરતાં મુખ્ય રાજ્યા ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, પંજાબ અને ગુજરાતમાં કુલ ઉત્પાદન 5.357 કરોડ ટન પર જોવા મળ્યું હતું. જે અગાઉના વર્ષ 2020-21માં 5.617 કરોડ ટન પર નોંધાયું હતું. જોકે ચાલુ સિઝનમાં વાવેતર વૃદ્ધિ પાછળ ઉત્પાદન ફરી અગાઉના વર્ષની નજીક પહોંચી જાય તેવી શક્યતાં છે. ફેડરેશન ઓફ કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન્સ ઓફ ઈન્ડિયાના પ્રમુખના જણાવ્યા મુજબ ખેડૂતોએ પરંપરાગત વેરાયટીઝ સામે ચાલુ સિઝનમાં ઊંચા યિલ્ડ ધરાવતી વેરાયટીઝનું વાવેતર કર્યું છે. દેશમાં ટ્યુબરના સૌથી મોટા ઉત્પાદક યૂપીએ ગયા વર્ષે વિક્રમી પાક દર્શાવ્યો હતો. ચાલુ સિઝનમાં વાવેતર વિસ્તાર 3-5 ટકા ઊંચો હોવાથી ઉત્પાદનમાં પણ 5 ટકા વૃદ્ધિ જોવા મળશે. ભિન્ન વેરાયટીઝના વાવેતરને કારણે યિલ્ડ પણ ઊંચા રહેશે. તેમજ હવામાન પણ ખૂબ સારુ હોવાથી પાકને ફાયદો રહેશે એમ તેઓ ઉમેરે છે. જોકે હજુ પાકની કાપણીને લગભગ એક મહિનાની વાર છે. ત્યાં સુધી હવામાન સારુ જળવાશે તો પાક ખૂબ સારો જળવાશે. ગયા વર્ષે બટાટાના ભાવ આકર્ષક નહિ રહ્યાં હોવાથી ખેડૂતોએ બિયારણ જાળવી રાખ્યું હતું અને તેને કારણે યૂપીમાં ટ્યુબરના વાવેતરમાં વૃદ્ધિ નોંધાઈ છે.
યુપી બાદ બટાટાના ઉત્પાદનમાં બીજા ક્રમે આવતાં પશ્ચિમ બંગાળમાં 2022માં હવામાનની પ્રતિકૂળતાઓ પાછળ પાક ખૂબ નાનો જોવા મળ્યો હતો. રાજ્યમાં ઉત્પાદન 23 ટકા ગગડી 85 લાખ ટન જ રહ્યું હતું. જે 2020-21માં 110 લાખ ટન પર હતું. જોકે ચાલુ સિઝનમાં ઉત્પાદનમાં 10 ટકા વૃદ્ધિની અપેક્ષા રાખવામાં આવે છે. હાલમાં રાજ્યમાં વહેલા કરવામાં આવેલા વાવેતરમાંથી કેટલોક પાક બજારમાં પ્રવેશી રહ્યો છે. જોકે મોટાભાગનો પાક હજુ તૈયાર થઈ રહ્યો છે. દેશમાં બટાટાના ચોથા મોટા ઉત્પાદક ગુજરાત ખાતે પણ પાકનું વાવેતર ગઈ સિઝન કરતાં ઊંચું જોવા મળી રહ્યું છે. રાજ્યમાં ગઈ સિઝનમાં 128 લાખ હેકટર સામે ચાલુ સિઝનમાં 131 લાખ હેકટરમાં બટાટાનું વાવેતર નોઁધાયું છે.

ડિસેમ્બરમાં ગોલ્ડની આયાત 79 ટકા ગગડી 20 વર્ષોના તળિયે
ગયા વર્ષે 95 ટન સામે ચાલુ વર્ષે ડિસેમ્બરમાં માત્ર 20 ટન ગોલ્ડ આયાત
સોનાની આયાતમાં ઘટાડાને પગલે વેપારી ખાધમાં ઘટાડો તથા રૂપિયાને સપોર્ટ
કેલેન્ડર 2022માં ગોલ્ડ આયાત ગયા વર્ષના 1068 ટન પરથી ગગડીને 706 ટન પર રહી

ભારતમાં ડિસેમ્બરમાં ગોલ્ડની આયાત વાર્ષિક ધોરણે 79 ટકા ગગડી માસિક ધોરણે બે દાયકાના તળિયા પર જોવા મળી હતી. સ્થાનિક બજારમાં ગોલ્ડના ભાવ સર્વોચ્ચ સપાટી નજીક પહોંચવાથી તેમજ ગેરકાયદે દાણચોરી વધવાને કારણે આમ બન્યું હોવાનું વર્તુળો જણાવે છે. વિશ્વમાં ગોલ્ડના બીજા સૌથી મોટા વપરાશકાર તરફથી ગોલ્ડની આયાતમાં ઘટાડો કિંમતી ધાતુના ભાવમાં વૃદ્ધિને અંકુશમાં રાખી શકે છે. હાલમાં વૈશ્વિક બજારમાં ભાવ તેની આંઠ-મહિનાની ટોચ પર ટ્રેડ દર્શાવી રહ્યાં છે.
ગોલ્ડની આયાતમાં ઘટાડો દેશની વેપાર ખાધમાં ઘટાડામાં સહાયરૂપ બની શકે છે. દેશમાં ગોલ્ડની આયાત નીચી જળવાય તે માટે સરકારે ગયા જુલાઈમાં જ પીળી ધાતુ પરની આયાત ડ્યુટીમાં વૃદ્ધિ કરી હતી. જોકે તેને કારણે દેશમાં ગેરકાયદે ગોલ્ડની આયાતમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી રહી છે. જેને કારણે પણ સત્તાવાર આયાત પર અસર પડી હોવાની શક્યતાં છે. ડિસેમ્બરમાં ગોલ્ડની આયાત માત્ર 20 ટકા પર રહી હતી. જે વર્ષ અગાઉ 95 ટન પર જોવા મળતી હતી એમ સરકારી વર્તુળો નામ નહિ આપવાની શરતે જણાવે છે. જો મૂલ્ય સંદર્ભમાં વાત કરીએ તો ડિસેમ્બરમાં 1.19 અબજ ડોલરની ગોલ્ડ ઈમ્પોર્ટ નોઁધાઈ હતી. જે વર્ષ અગાઉ 4.73 અબજ ડોલર પર હતી. કેલેન્ડર 2022માં ભારતની ગોલ્ડ આયાત ગગડીને 706 ટન પર રહી હતી. જે કેલેન્ડર 2021માં 1068 ટન પર નોંધાઈ હતી એમ સરકારી વર્તુળો જણાવે છે. ગોલ્ડના ઊંચા ભાવોને કારણે પણ ગોલ્ડની આયાત પર અસર પડી હતી. 2022માં ડોલર સામે રૂપિયામાં 11 ટકાથી વધુના ઘટાડાને કારણે દેશમાં મહ્દઅંશે આયાત થતાં ગોલ્ડના ભાવમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી. કેલેન્ડર 2021ની આખરમાં રૂ. 48 હજાર પર ચાલી રહેલાં ગોલ્ડના ભાવ ગયા કેલેન્ડરમાં રૂ. 55 હજારની સપાટી પાર કરી ગયા હતા.

તાતા જૂથની યુરોપમાં ઈવી સેલ મેન્યૂફેક્ચરિંગ શરૂ કરવાની વિચારણા
‘ઈન્ટિલેક્ચ્યૂઅલ પ્રોપર્ટી-હેવી’ સુવિધા બે સેલ કેમિસ્ટ્રીઝનું ઉત્પાદન કરશે

દેશના સૌથી જૂનું કોન્ગ્લોમેરટ તાતા જૂથ યુરોપ ખાતે ઈલેક્ટ્રીક વેહીકલ સેલ-મેન્યૂફેક્ચરિંગની કામગીરી શરૂ કરવા માટે વિચારી રહ્યું છે. જૂથ તેના બ્રિટીશ સ્થિત યુનિટને બેટરી-પાવર્ડ કાર્સમાં શિફ્ટ કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવવાના ભાગરૂપે આમ કરે તેવી શક્યતાં છે.
યુરોપની સુવિધા માટે જગુઆર લેન્ડ રોવર અને તાતા મોટર્સ મૂળ ગ્રાહકો બની રહેશે. ઉપરાંત કંપની વ્યાપક બજારમાં પણ બેટરી સેલ્સનું વેચાણ કરશે એમ તાતા મોટર્સના ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર્સ પીબી બાલાજિએ જણાવ્યું હતું. બેટરી માટે પ્રોડક્શ પ્લાન્સને લઈને અમે પૂરતું કવર ધરાવીએ છીએ પરંતુ યુરોપ ખાતે અમારે કેટલીક સેલ ક્ષમતાની જરૂરિયાત છે એમ તેમણે ઉમેર્યું હતું. હાલમાં તાતા તેમના પ્લાનને આખરી ઓપ આપી રહ્યાં છે અને ટૂંકમાં જ તેઓ વિગતો જાહેર કરશે. જોકે તેમણે યુરોપમાં સેલ ક્ષમતાના લોકેશન અને સમય મર્યાદા અંગે કોઈ વિગતો નહોતી આપી. તેમણે વધુ વિગતો આપ્યાં સિવાય ઉમેર્યું હતું કે કંપની આ સેક્ટરમાં ઘણું ઈન્વેસ્ટમેન્ટ કરશે. ‘ઈન્ટિલેક્ચ્યૂઅલ પ્રોપર્ટી-હેવી’ સુવિધા બે સેલ કેમિસ્ટ્રીઝનું ઉત્પાદન કરશે. જેમાં તાતા મોટર્સ ઈવી માટે લિથિયમ આયર્ન ફોસ્ફેટ અને ભારતીય ઓટોમેકર તથા જગુઆર લેન્ડ રોવર માટે નીકલ મેગેનીઝ કોબાલ્ટનો સમાવેશ થાય છે. આ યોજના કંપનીને ક્રિટિલ પાર્ટ્સ સપ્લાય ચેઈન પર વધુ સારા નિયંત્રણમાં સહાયરૂપ બનશે. કોવિડ બાદ તાતા મોટર્સ સહિતની કંપનીઓએ સપ્લાયને લઈને મોટા અવરોધોનો સામનો કરવો પડ્યો હતો. તાતા મોટર્સ અને જગુઆર લેન્ડ રોવરને બહોળી ઈકોસિસ્ટમના ભાગરૂપ હોવાના કારણે લાભ મળશે. હાલમાં યૂકેનો કાર ઉદ્યોગ સૌથી ખરાબ સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે. બ્રેક્સિટ બાદ યૂકે સ્થિત જગુઆર લેન્ડ રોવર સહિતની કંપનીઓએ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. હાલમાં ત્યાં કંપનીઓ ઈવી તરફ તબદિલ થઈ રહી છે. દેશ લાર્જ-સ્કેલ સેલ સુવિધાઓ માટે રોકાણને આકર્ષવામાં નિષ્ફળ રહ્યો છે. માત્ર ચીનના એન્વિઝન ગ્રૂપ ત્યાં એક પ્લાન્ટ ધરાવે છે.

કર્મચારીઓની છટણીને લઈ ફરિયાદ બાદ એમેઝોનને લેબર કમિશ્નરની નોટિસ
નાસ્સેન્ટ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એમ્પ્લોઈઝ સેનેટનો કંપનીએ ભારતીય લેબર લોનું ઉલ્લંઘન કર્યાંના દાવો

પૂણે સ્થિત લેબર કમિશ્નરની ઓફિસે એમેઝોન ગ્રૂપને નોટિસ પાઠવી છે. ઈ-કોમર્સ જાયન્ટે ગેરકાયદે રીતે વોલ્યુન્ટરી સેપરેશન પોલિસી અને છટણીનો અમલ કર્યો હોવાની ફરિયાદ બાદ તેણે આમ કર્યું છે. એમેઝોનને 17 જાન્યુઆરીએ કમિશ્નરની ઓફિસમાં હાજર રહેવા માટે જણાવાયું છે.
નાસ્સેન્ટ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એમ્પ્લોઈઝ સેનેટે(NITES) તેની ફરિયાદમાં જણાવ્યું છે કે ઈન્ડસ્ટ્રીઅલ ડિસ્પ્યુટ એક્સ હેઠળ એમ્પ્લોયર સંબંધિત સરકારની આગોતરી મંજૂરી વિના કર્મચારોને છૂટાં કરી શકે નહિ. જે કામદારે સતત એક વર્ષ સુધી કંપનીમાં કામગીરી નિભાવી હોય તેને ત્રણ મહિનાની આગોતરી નોટિસ પાઠવ્યા વિના નોકરીમાંથી છૂટો કરી શકાય નહિ. તેમજ સંબંધિત સરકાર તરફથી પણ અગાઉથી મંજૂરી મેળવવાની રહે છે એમ નાઈટ્સે જણાવ્યું છે. તેની વેબસાઈટ સૂચવે છે કે સંસ્થા આઈટી સેક્ટર એમ્પ્લોઈઝના અધિકારો માટે કામ કરી રહી છે. એમ્પ્લોયરે છટણીના કારણો સાથે અરજી કરવાની રહેશે એમ પણ તે જણાવે છે. નાઈટ્સના હોદ્દેદારના મતે એમેઝોને સ્પષ્ટપણે ભારતીય લેબર નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. કંપનીએ અમલ કરેલી વોલ્યુન્ટિઅર સેપરેશન પોલિસિને લઈને ક્યારેય લેબર મિનિસ્ટ્રીને જાણ કરી નથી. એમેઝોને જોકે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. વૈશ્વિક ઈ-કોમર્સ પ્લેયરે એક જાહેરાતમાં જણાવ્યું હતું કે તે વૈશ્વિક સ્તરે 18 ટકા વર્કફોર્સની છટણી કરશે. જે ભારતમાં પણ તેના એક ટકા વર્કફોર્સ પર અસર કરશે. જેના ભાગરૂપે ભારતમાં કંપનીના 10 હજાર કર્મચારીઓમાંથી 1000ની છટણી જોવા મળશે.

બોન્ડ સૂચકાંકો પર ડેરિવેટિવ્સના લોંચ માટે સેબીની મંજૂરી

માર્કેટ રેગ્યુલેટર સેબીએ સ્ટોક એક્સચેન્જિસને એએપ્લસ અને તેનાથી ઊપરનું રેટિંગ ધરાવતી કોર્પોરેટ ડેટ સિક્યૂરિટીઝ આધારે ઈન્ડેક્સ ડેરિવેટિવ્સ કોન્ટ્રેક્ટ્સ રજૂ કરવા માટે મંજૂરી આપી છે. બોન્ડ માર્કેટમાં લિક્વિડિટીમાં વૃદ્ધિના હેતુસર સેબીએ આ નિર્ણય લીધો છે. ઉપરાંત તે ઈન્વેસ્ટર્સને તેમની પોઝીશન હેજ કરવાની તક પણ પૂરી પાડશે.
સેબીએ એક સર્ક્યુલરમાં જણાવ્યું હતું કે શરૂઆતમાં સ્ટોક એક્સચેન્જિસને કોર્પોરેટ બોન્ડ સૂચકાંકોને આધારે ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સ લોંચ કરવાની છૂટ અપાઈ છે. આ માટે સ્ટોક એક્સચેન્જિસે મંજૂરી માટે રેગ્યુલેટર સમક્ષ વિગતવાર પ્રસ્તાવ રજૂ કરવાનો રહેશે. તેમણે અન્ડરલાઈંગ ઈન્ડેક્સ, મેથોડોલોજી, કોન્ટ્રેક્ટ સ્પેસિફિકેશન્સ, રિસ્ક મેનેજમેન્ટ અને ટ્રેડિંગ, ક્લિઅરીંગ અને સેટલમેન્ટ મિકેનીઝમ જેવી વિગતો પૂરી પાડવાની રહેશે. આવા ઈન્ડેક્સની રચના માટે પૂરતી લિક્વિડીટી ધરાવતી કોર્પોરેટ બોન્ડ સિક્યૂરિટીઝ જરૂરી બની રહેશે. ઈન્ડેક્સમાં સમાવિષ્ટ સિક્યૂરિટિઝની દર છ મહિને સમીક્ષા પણ કરવાની રહેશે. ઈન્ડેક્સમાં ઓછામાં ઓછા આંઠ ઈસ્યુઅર્સનો સમાવેશ કરવાનો રહેશે. જેમાં સિંગલ ઈસ્યુઅર 15 ટકાથી વધુ વેઈટ ધરાવી શકશે નહિ. વધુમાં એક્સચેન્જિસને ઈન્ડેક્સમાં અથવા સેક્ટરમાં કોઈ એક ચોક્કસ ગ્રૂપના ઈસ્યુઅરના 25 ટકાથી વધુ વેઈટ ધરાવવાની છૂટ અપાશે નહિ. જોકે પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સ, પબ્લિક ફાઈનાન્સિયલ ઈન્સ્ટીટ્યુશન્સ અને પીએસયૂ બેંક્સને આ મર્યાદામાંથી મુક્તિ આપવામાં આવી છે. આવા સૂચકાંકો માટે ટ્રેડિંગનો સમયગાળો ચાલુ દિવસે સવારે 9થી લઈ સાંજના પાંચ વાગ્યા સુધીનો રહેશે. જ્યારે ડેઈલી સેટલમેન્ટ પ્રાઈસ આખરી અડધા કલાકમાં કોન્ટ્રેક્ટની વોલ્યૂમ-વેઈટેડ એવરેજ રહેશે.

રૂપિયામાં સતત ચોથા દિવસે મજબૂત જોવાઈ
ગુરુવારે રૂપિયાએ યુએસ ડોલર સામે ચોથા દિવસે મજબૂતી જાળવી રાખી હતી. ડોલર સામે રૂપિયો વધુ 11 પૈસા સુધરી 81.57ની સપાટીએ બંધ રહ્યો હતો. અગાઉ ત્રણ સત્રોમાં રૂપિયો 115 પૈસાની મજબૂતી દર્શાવી ચૂક્યો છે. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સમાં નરમાઈ જળવાતાં ઈમર્જિંગ માર્કેટ કરન્સિઝમાં પોઝીટીવ ટ્રેન્ડ જોવા મળ્યો છે અને કેલેન્ડરની શરૂમાં તેઓ મક્કમ જોવા મળી રહ્યાં છે. સ્થાનિક બજારમાં વિદેશી રોકાણકારો તરફથી આઉટફ્લો વચ્ચે રૂપિયો મજબૂત જળવાયો છે તે પોઝીટીવ બાબત છે. ગુરુવારે રૂપિયો 81.54ની સપાટીએ મજબૂત ખૂલ્યાં બાદ ગગડી ઈન્ટ્ર-ડે 81.74ના તળિયા પર પટકાયો હતો. જોકે ત્યારબાદ રિકવર થયો હતો અને પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું.
ગોલ્ડ-સિલ્વરમાં કોન્સોલિડેશન
વૈશ્વિક બજારમાં સોનું-ચાંદી સાંકડી રેંજમાં અથડાઈ રહ્યાં છે. કોમેક્સ ગોલ્ડ છેલ્લાં બે સત્રોથી 1870 ડોલરથી 1890 ડોલરની રેંજમાં ટ્રેડ દર્શાવી રહ્યું છે. જેની પાછળ ભારતીય કોમેક્સ ખાતે પણ ગોલ્ડ રૂ. 300ની રેંજમાં નેરો ટ્રેડ સૂચવે છે. એમસીએક્સ ગોલ્ડ વાયદો ગુરુવારે 150ની મજબૂતી સાથે રૂ. 55845ની સપાટી પર ટ્રેડ દર્શાવતું હતું. તે ઉપરમાં રૂ. 55875 અને નીચામાં રૂ. 55780ની રેંજમાં અથડાયું હતું. ચાંદી વાયદો રૂ. 630ના સુધારે રૂ. 68606ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો. તે છેલ્લાં સપ્તાહથી રૂ. 68000-70000ની રેંજમાં અથડાઈ રહ્યો છે.

કોર્પોરેટ હેડલાઈન્સ

એચસીએલ ટેક્નોલોજિસઃ આઈટી કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 4096 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 3442 કરોડની સરખામણીમાં 19 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક પણ વાર્ષિક 19.5 ટકા ઉછળી રૂ. 26,700 કરોડ રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 22,331 કરોડ પર હતી. કંપનીએ શેર દીઠ રૂ. 10નું ઈન્ટરિમ ડિવિડન્ડ જાહેર કર્યું છે. ત્રીજા ક્વાર્ટરમાં કંપનીએ 5892 નવા કર્મચારીઓની નિમણૂંક કરી હતી. જે સાથે કંપનીના કર્મચારીઓની કુલ સંખ્યા 2,22,270 પર પહોંચી હતી. ક્વાર્ટર દરમિયાન કંપનીએ 21.7 ટકાનો એટ્રીશન રેટ અનુભવ્યો હતો.
રિલાયન્સ કેપિટલઃ એડીએજી જૂથની નાદાર કંપની માટે કંપનીના લેન્ડર્સે 19 જાન્યુઆરીએ ઓક્શનના બીજા રાઉન્ડનું આયોજન કર્યું છે. કંપનીએ તેના બીડર્સને આ અંગે જાણ કરી હોવાનું વર્તુળો જણાવે છે. લેન્ડર્સની નોટ મુજબ નવા હરાજી રાઉન્ડમાં રૂ. 9500 કરોડની લઘુત્તમ બેઝ પ્રાઈસ રહેશે. જ્યારે રૂ. 8000 કરોડનું અપફ્રન્ટ કેશ પેમેન્ટ રહેશે. નોંધ મુજબ પછીની હરાજીમાં બેઝ પ્રાઈઝ રૂ. 10000 કરોડ અને ત્યારપછીના રાઉન્ડમાં રૂ. 10250 કરોડની રહેશે.
એસબીઆઈઃ દેશનો સૌથી મોટો લેન્ડર તેના વિઝા સ્ટીલ એકાઉન્ટની રૂ. 700 કરોડની બેડ લોનનું વેચાણ કરશે. આ માટે કંપનીએ રૂ. 250 કરોડની રિઝર્વ પ્રાઈસ નિર્ધારિત કરી છે. જ્યારે 10 ફેબ્રુઆરીએ આ માટે ઈ-ઓક્શન યોજવામાં આવશે. કટક સ્થિત એનસીએલટીની બેંચના વિસા સામેની ઈન્સોલ્વન્સી પ્રક્રિયાની મંજૂરી પર ઓડિશા હાઈકોર્ટે સ્ટે મૂકવાં છતાં એસબીઆઈની વેચાણ ઓફર આવી છે.
કોન્કોરઃ સરકાર કન્ટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના પ્રાઈવેટાઈઝેશન માટે 2022-23ની આખર સુધીમાં એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ્સ મંગાવે તેવી શક્યતાં છે. કેન્દ્ર સરકારનો દિપમ વિભાગ આખરી બીડ ડોક્યૂમેન્ટને નિર્ધારિત કરતાં અગાઉ રેલ્વે મંત્રાલય પાસેથી કેટલીક વધુ સ્પષ્ટતાં માટે રાહ જોઈ રહ્યો હોવાનું જાણકાર વર્તુળોનું કહેવું છે. કોન્કોરનું ખાનગીકરણ છેલ્લાં બે વર્ષથી ચર્ચામાં છે.
રિલાયન્સ જીઓઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સબસિડિયરીએ ઉત્તરાખંડ અને તમિલનાડુમાં તાજા લોંચ સાથે 100 દિવસોમાં દેશમાં કુલ 101 શહેરોમાં 5જી સર્વિસ લોંચ કરી દીધી છે. બુધવારે તેણે દેહરાદૂન તથા તમિલનાડુ ખાતે કોઈમ્બુતુર, મદુરાઈ, તિરુચિરાપલ્લી, સાલેમ, હોસુર અને વેલ્લોર ખાતે 5જી સેવા લોંચ કરી હતી.
હિંદાલ્કોઃ બિરલા જૂથની એલ્યુમિનિયમ ઉત્પાદકે પ્રાઈવેટ પ્લેસમેન્ટ બેસીસ પર રૂ. 700 કરોડ સુધીની રકમ ઊભી કરવા માટે બોર્ડની મંજૂરી મેળવી છે. કંપની નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ ઈસ્યુ મારફતે આ રકમ ઊભી કરશે.
પીવીઆરઃ એનસીએલટીની મુંબઈ બેંચે દેશના બે ટોચની મલ્ટીપ્લેક્સ ચેઈન્સ પીવીઆર લિમિટેડ અને આઈનોક્સ લેઝરના મર્જરની મંજૂરી આપી દીધી છે. મર્જ થયેલી કંપની પીવીઆર-આઈનોક્સ તરીકે ઓળખાશે. જે ભારતમાં સૌથી મોટી એક્ઝિબિશન કંપની હશે. તે 109 શહેરોમાં 1,546 સ્ક્રિન્સ ઓપરેટ કરતી હશે.
પીબી ફિનટેકઃ બેંક રેગ્યુલેટર આરબીઆઈએ કંપનીની સબસિડિયરી પીબી ફાઈનાન્સિયલ એકાઉન્ટ એગ્રીગેટર્સને એકાઉન્ટ એગ્રીગેટરના બિઝનેસની સ્થાપના માટે સૈધ્ધાંતિક મંજૂરી આપી છે.
અદાણી એન્ટરપ્રાઈઝઃ અદાણી જૂથની કંપનીએ જણાવ્યું છે કે તે મધ્યપ્રદેશમાં રૂ. 60 હજાર કરોડનું રોકાણ કરશે.
રૂટ મોબાઈલઃ કંપનીએ શ્રીલંકા સ્થિત ટોચના મોબાઈલ નેટવર્ક ઓપરેટર સાથે એક્સક્લુઝિવ એસએમએસ ફાયરવોલ સોલ્યુશન અને કનેક્ટિવિટી સર્વિસ એગ્રીમેન્ટ સાઈન કર્યાં છે.
ક્યુમિન્સ ઈન્ડિયાઃ કંપનીએ હાઈડ્રોજન ઈન્ટરનલ કોમ્બુસ્ટીબલ એન્જિન અને ફ્યુઅલ અગ્નોસ્ટીક પ્લેટફોર્મ લોંચ કર્યાં છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage