Market Summary 06/01/2023

સતત ત્રીજા દિવસે આઉટપર્ફોર્મન્સ, સેન્સેક્સે 60K તોડ્યું
આઈટી, ફાઈનાન્સિયલ્સ પાછળ બજારમાં વેચવાલી
એફએમસીજી તરફથી બજારને સપોર્ટ
બ્રોડ માર્કેટમાં પણ નરમાઈ
અબોટ ઈન્ડિયા, પીએફસીમાં મજબૂતી યથાવત
બાયોકોન વાર્ષિક તળિયા પર ટ્રેડ થયો
બજાજ ફાઈનાન્સે 6Kની નીચે

વૈશ્વિક બજારોની સરખામણીમાં ભારતીય બજારનું અન્ડરપર્ફોર્મન્સ જળવાતાં નવા કેલેન્ડરના પ્રથમ સપ્તાહમાં સતત ત્રીજા સપ્તાહે નેગેટિવ બંધ જોવા મળ્યું હતું. બેન્ચમાર્ક સેન્સેક્સે 60 હજારનું સ્તર તોડ્યું હતું જ્યારે નિફ્ટી 18 હજારની નીચે જ જળવાયો હતો. સેન્સેક્સ 453 પોઈન્ટ ગગડી 59900.37ની સપાટીએ જ્યારે નિફ્ટી 133 પોઈન્ટ્સના ઘટાડે 17859.45ની સપાટીએ બંધ રહ્યો હતો. લાર્જ-કેપ્સમાં ભારે વેચવાલી પાછળ બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. નિફ્ટીમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 40 અગાઉના બંધ સામે ઘટાડો સૂચવતાં હતાં. જ્યારે માત્ર 10 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ સ્થિતિ સમાન હતી અને બ્રેડ્થ સતત બીજી દિવસે નેગેટિવ જોવા મળી હતી. બીએસઈ ખાતે 3638 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2084 નરમાઈ દર્શાવતા હતાં. જ્યારે 1424 પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ લગભગ ફ્લેટ જળવાયો હતો.
શુક્રવારે ભારતીય બજાર સાધારણ પોઝીટીવ ઓપનીંગ દર્શાવ્યાં બાદ સતત ઘટાડાતરફી જળવાયું હતું અને આખરે છેલ્લાં દોઢથી વધુ મહિનાના તળિયે બંધ જોવા મળ્યું હતું. નિફ્ટીએ ઈન્ટ્રા-ડે 17795.55નું તળિયું નોંધાવ્યું હતું. જ્યાંથી આંશિક બાઉન્સ થઈ બંધ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર્સ 90 પોઈન્ટ્સના પ્રિમીયમે 17949ની સપાટીએ બંધ રહ્યો હતો. જે સૂચવે છે કે ઘટાડે લોંગ પોઝીશનનો માર્કેટમાં ઉમેરો થયો હોય શકે છે. શોર્ટ-ટર્મમાં માર્કેટ ઓવરસોલ્ડ ઝોનમાં છે અને તેથી આગામી સપ્તાહે તે બાઉન્સ દર્શાવી શકે છે. જોકે ટેકનિકલ એનાલિસ્ટ્સ નિફ્ટમાં 17650 સુધી ઘટાડાની અપેક્ષા રાખી રહ્યાં છે. શુક્રવારે નિફ્ટીને સપોર્ટ કરનારા મુખ્ય કાઉન્ટર્સમાં બ્રિટાનિયા, એમએન્ડએમ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બીપીસીએલ, બજાજ ઓટો, ઓએજીસી, નેસ્લે અને આઈટીસીનો સમાવેશ થતો હતો. આનાથી ઊલટું ટીસીએસમાં 3 ટકા ઘટાડો નોંધાયો હતો. જે ઉપરાંત જેએસડબલ્યુ સ્ટીલ, ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ફિનસર્વ, ટેક મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રા, ઈન્ફોસિસ, કોલ ઈન્ડિયા, અદાણી પોર્ટ્સ અને ભારતી એરટેલ પણ નેગેટિવ જોવા મળતાં હતાં. સેક્ટરલ સૂચકાંકોની વાત કરીએ તો નિફ્ટી આઈટી 2 ટકા ગગડ્યો હતો. જ્યારે બેંક નિફ્ટી એક ટકા ઘટાડો દર્શાવતો હતો. આ ઉપરાંત મેટલ, મિડિયા, પીએસઈ,ફાર્મા સહિતના સૂચકાંકો નરમાઈ સાથે બંધ રહ્યાં હતાં. એકમાત્ર એફએમસીજી સૂચકાંક સાધારણ ગ્રીન જોવા મળતો હતો. નિફ્ટી મીડ-કેપ 100માં એસ્ટ્રાલ લિ. 2.5 ટકા સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત એમઆફએફ, હિંદ પેટ્રો, બાલક્રિષ્ણ ઈન્ડસ્ટ્રીઝ, એબીબી ઈન્ડિયા, ક્યુમિન્સ, અબોટ ઈન્ડિયા, મેક્સ ફાઈનાન્સિયલ, સિન્જિન ઈન્ટરનેશનલમાં પણ મજબૂતી જોવા મળી હતી. જ્યારે બીજી બાજુ એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ 3.7 ટકા તૂટ્યો હતો. બીજી બાજુ એબી કેપિટલ, મધરનસ એસડબલ્યુઆઈ 3 ટકા, ટ્રેન્ટ 2.5 ટકા, ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ 2.4 ટકા, કેનેરા બેંક 2 ટકા અને નવીન ફ્લોરિન 2 ટકા ઘટાડો દર્શાવતાં હતાં. નિફ્ટી બેંકમાં એકમાત્ર બંધન બેંક એક ટકા આસપાસ પોઝીટીવ જોવા મળતો હતો. એ સિવાય તમામ કાઉન્ટર્સ નેગેટિવ જળવાયાં હતાં. જેમાં એયૂ સ્મોલ ફાઈનાન્સ, ફેડરલ બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક, એસબીઆઈ વગેરેનો સમાવેશ થતો હતો. આઈટી કાઉન્ટર્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી અને તે ફરી 28 હજારની નીચે ઉતરી ગયો હતો. ટીસીએસમાં તીવ્ર ઘટાડા બાદ ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, એમ્ફેસિસ, એલટીઆઈમાઈન્ડટ્રી, વિપ્રો અને એચસીએલ ટેકમાં એક ટકાથી વધુ ઘટાડો જોવા મળી રહ્યો હતો.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં જીએનએફસી 2.7 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત હેવેલ્સ ઈન્ડિયા, અમર રાજા બેટરી, હિંદુસ્તાન પેટ્રો, એબીબી ઈન્ડિયા, આઈઓસી જેવા કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળતાં હતાં. જ્યારે બીજી બાજુ ડાબર ઈન્ડિયા, અપોલો ટાયર્સ, એચડીએફસી એએમસી, એબી કેપિટલ, પીવીઆર, બિરલાસોફ્ટમાં નરમાઈ જોવા મળી હતી. અબોટ ઈન્ડિયા, પાવર ફાઈનાન્સ, આરઈસી, આરબીએલ બેંકે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે ફાર્મા કંપની બાયોકોને વાર્ષિક તળિયું નોંધાવ્યું હતું.

IPO મારફતે ફંડ એકત્રીકરણમાં હજુ પણ OFSનો મોટો હિસ્સો
છેલ્લાં આંઠ વર્ષોથી ફ્રેશ ઈક્વિટી કરતાં ઓફર-ફોર-સેલ મારફતે ઊંચું ફંડ મેળવાયું
2022માં પ્રવેશેલાં આઈપીઓમાં 68.4 ટકા હિસ્સો ઓએફએસનો હતો, જેમાં મેઈન બોર્ડ પર તે 70.2 ટકા જેટલો ઊંચો હતો

કેલેન્ડર 2022માં પણ આઈપીઓ મારફતે ઊભા કરવામાં આવતાં નાણામાં ઓફર-ફોર-સેલ મારફતે એકત્ર કરવામાં આવેલા નાણાનો હિસ્સો મોટો હતો. જ્યારે કંપનીઓએ તેમની ભાવિ નાણા જરૂરિયાતો માટે ખૂબ નાની રકમ ઊભી કરી હતી. ડિસેમ્બરમાં પૂરા થયેલાં વર્ષ દરમિયાન આઈપીઓ મારફતે ઊભી થયેલી રકમમાં 68.4 ટકા હિસ્સો ઓફર-ફોર-સેલ(ઓએફએસ)નો હતો. આમ કંપનીની નવી નાણા જરુરિયાતો માટે ઊભા કરવામાં આવેલા નાણાનો હિસ્સો ત્રીજા ભાગથી પણ નીચો જોવા મળતો હતો. કેલેન્ડર 2021માં આઈપીઓમાં ઓએફએસનો હિસ્સો 63.2 ટકા પર જોવા મળતો હતો. કેલેન્ડર 2015થી 2022ના આઁઠ વર્ષોથી આઈપીઓમાં વર્તમાન રોકાણકારો તરફથી થતો ઓફર-ફોર-સેલનો હિસ્સો ઊંચો જોવા મળી રહ્યો છે. 2013માં પણ ટ્રેન્ડ આવો જ હતો. એકમાત્ર 2014માં ફ્રેશ ઈક્વિટીનો હિસ્સો ઊંચો રહ્યો હતો.
2022માં કંપનીઓએ આઈપીઓ મારફતે રૂ. 61,171 કરોડની રકમ ઊભી કરી હતી. જેમાં માત્ર રૂ. 19,358 કરોડ જ ફ્રેશ કેપિટલ હતી. જ્યારે રૂ. 41,813 કરોડ જૂના રોકાણકારો તરફથી થઈ રહેલા વેચાણનો હતો. આ રકમમાં મેઈન બોર્ડ ઉપરાંત સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝ(એસએમઈ) સેગમેન્ટનો પણ સમાવેશ થાય છે. એસએમઈ આઈપીઓમાં ઓફર-ફોર-સેલનું પ્રમાણ મેઈન બોર્ડની સરખામણીમાં નીચું હતું. મેઈન બોર્ડની વાત કરીએ તો 2022માં કુલ રૂ. 59,298 કરોડની આઈપીઓ ઓફરમાં 70.2 ટકા હિસ્સો ઓએફએસનો હતો. કેલેન્ડર 2015થી મેઈનબોર્ડ આઈપીઓમાં સેકન્ડરી શેર સેલ્સનો હિસ્સો ઊંચો જોવા મળી રહ્યો છે. જેમાં પ્રાઈવેટ ઈક્વિટી ઈન્વેસ્ટર્સ તેમની પાસેના હિસ્સાને લિક્વિડેટ કરી રહ્યાં છે. 2021માં જોકે ફ્રેશ ઈક્વિટીનું પ્રમાણ થોડું વધ્યું હતું. વર્ષ દરમિયાન આઈપીઓ મારફતે મળેલી રકમમાં ફ્રેશ ઈક્વિટીનું પ્રમાણ 36.5 ટકા પર હતું. જેનું મુખ્ય કારણ ન્યૂ-એજ કંપનીઓનો બજારમાં પ્રવેશ હતો. જેમને બિઝનેસ વિસ્તરણ માટે ફંડની જરૂરિયાત હતી. 2021માં ફ્રેશ કેપિટલનો હિસ્સો અગાઉના આંઠ વર્ષોની કુલ રકમ કરતાં ઊંચો હતો. જોકે આ માટેનું એક અન્ય કારણ વર્ષ દરમિયાન જોવા મળેલા વિક્રમી આઈપીઓ પણ હતાં.
એસએમઈ સેગમેન્ટ જોકે મેઈનબોર્ડ કરતાં ભિન્ન ચિત્ર સૂચવે છે. એસએમસઈ પ્લેટફોર્મ પર ઊઘરાવવામાં આવતાં દર રૂ. 10માંથી રૂ. 9 કંપનીની જરૂરિયાત પૂરી કરવામાં જાય છે. 2022માં એસએમઈ આઈપીઓમાં રૂ. 1874 કરોડના કુલ ફંડમાંથી 90.9 ટકા રકમ ફ્રેશ ઈક્વિટી મારફતે ઊભી કરવામાં આવી હતી. ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સના જણાવ્યા મુજબ મોટાભાગની કંપનીઓ એસએમઈ આઈપીઓમાં મોટાભાગની ઈક્વિટી પ્રમોટર્સની હોય છે અને ત્યાં કોઈ પીઈ ઈન્વેસ્ટર્સ હોતો નથી. એસએમઈ આઈપીઓ શરૂ થયા ત્યારે મોટાભાગની કંપનીઓ વર્કિંગ કેપિટલ માટે તેનો ઉપયોગ કરતી હતી.
માર્કેટ પ્લેયર્સના મતે સેકન્ડરી શેર્સ વેચાણ મારફતે પણ આઈપીઓની સફળતા એ મેચ્યોર માર્કેટની નિશાની છે. કેમકે ઓએફએસ મારફતે પીઈ ઈન્વેસ્ટર્સને એક્ઝિટ આપવામાં આવે છે અને તે રીતે નાણા છૂટાં થાય છે. જેનવી કંપનીઓમાં રોકાણ થતાં હોય છે. ઉપરાંત પ્રમોટર્સને પણ તેમનો કેટલોક હિસ્સો વેચવાની છૂટ મળતી હોય છે.

પાછલા આંઠ વર્ષોમાં IPOનો દેખાવ
કેલેન્ડર કુલ ફંડ(રૂ. કરોડમાં) OFS મારફતે ફંડ(રૂ. કરોડમાં)
2015 13874 7092
2016 27031 17456
2017 68827 55732
2018 33246 23845
2019 12986 9423
2020 26772 23093
2021 119469 75494
2022 61171 41813

બજેટમાં કેપેક્સ ગ્રોથને લઈ સરકાર મધ્યમ વલણ અપવાને તેવી શક્યતાં
પ્રાઈવેટ સેક્ટર તરફથી મૂડી ખર્ચમાં મજબૂત રિકવરી જોતાં સરકારની વિચારણા

કેન્દ્ર સરકાર ફેબ્રુઆરીના પ્રથમ દિવસે રજૂ થનારા નવા નાણા વર્ષ 2023-24 માટેના બજેટમાં મૂડી ખર્ચ(કેપિટલ એક્સપેન્ડિચર)ને લઈને છેલ્લાં બે બજેટમાંનું આક્રમક વલણ છોડે તેવી શક્યતાં જોવાઈ રહી છે. આ માટેના કારણોમાં સતત બે વર્ષોથી સરકાર તરફથી ઊંચા મૂડી ખર્ચ ઉપરાંત પ્રાઈવેટ સેક્ટર તરફથી જોવા મળી રહેલી મજબૂત કેપેક્સ રિકવરી છે.
ચાલુ નાણા વર્ષ 2022-23 માટે કેન્દ્રિય યુનિયન બજેટે રૂ. 7.5 લાખ કરોડના કેપેક્સનો ટાર્ગેટ નિર્ધારિત કર્યો હતો. જે અગાઉના નાણા વર્ષ 2021-22 માટેના રૂ. 5.54 લાખ કરોડના કેપેક્સ ટાર્ગેટની સરખામણીમાં 35.4 ટકા ઊંચો હતો. 2021-22માં મૂકવામાં આવેલો અંદાજ પણ અગાઉના વર્ષ 2020-21ના રૂ. 4.12 લાખ કરોડના કેપેક્સ અંદાજ કરતાં 34.5 ટકા ઊંચો હતો. જેને જોતાં આગામી વર્ષ માટેનો મૂડી ખર્ચ વૃદ્ધિનો અંદાજ નીચો જોવા મળી શકે છે. સરકારી વર્તુળોના મતે 2023 બજેટમાં નાણાપ્રધાન કેપેક્સ ખર્ચમાં 25 ટકા વૃદ્ધિનો અંદાજ જાળવી શકે છે. જે આગામી વર્ષે કુલ મૂડી ખર્ચ અંદાજને રૂ. 9.5 લાખ કરોડ પર લઈ જઈ શકે છે. જો નાણા પ્રધાન આગામી બજેટમાં રૂ. 10 લાખ કરોડના મૂડી ખર્ચ આંકને પાર કરે તો પણ ટકાવારીમાં વૃદ્ધિની રીતે તે પાછલાં બે બજેટ કરતાં નીચો રહેશે. કોઈપણ સ્થિતિમાં 30 ટકાથી ઊંચા કેપેક્સ વૃદ્ધિ દરની શક્યતાં નહિ હોવાનું વર્તુળો જણાવે છે.
સરકાર અને સ્વતંત્ર એજન્સિઝ તરફથી ટ્રેક કરવામાં આવતાં ડેટા મુજબ પ્રાઈવેટ સેક્ટર તરફથી કેપેક્સમાં મજબૂત રિકવરી જોવા મળી રહી છે. જેને જોતાં સરકાર નવા બજેટમાં કેટલી મૂડી ખર્ચ વૃદ્ધિ રાખવી તે અંગે ચર્ચા-વિચારણા કરી રહી છે. ટોચના નીતિઘડવૈયાઓ જાહેરમાં કેપેક્સમાં ધીમી વૃદ્ધિને લઈને નિવેદન કરી ચૂક્યાં છે. આ માટે તેઓ પ્રાઈવેટ સેક્ટર તરફથી જોવા મળી રહેલા પ્રોત્સાહક કેપેક્સ રિકવરીનું કારણ આપી રહ્યાં છે. ખાનગી ક્ષેત્ર તરફથી ખર્ચમાં વૃદ્ધિ પાછળના કારણોમાં માગમાં રિવાઈવલ ઉપરાંત બેલેન્સ શીટ સંબંધી સમસ્યાઓનું દૂર થવું જવાબદાર છે. છેલ્લાં વર્ષોમાં કોર્પોરેટ ક્ષેત્રે તેમના લેવરેજિંગમાં નોંધપાત્ર ઘટાડો નોંધાવ્યો છે. ગયા મહિને સંસદના શિયાળુ સત્રમાં નાણાપ્રધાને જણાવ્યું હતું કે ખાનગી ક્ષેત્ર દ્વારા મૂડી ખર્ચમાં સુધારો જોવા મળી રહ્યો છે. વાર્ષિક ધોરણે તે 35 ટકા વૃદ્ધિ સૂચવે છે. જ્યારે કોવિડ અગાઉના સ્તરની સરખામણીમાં 53 ટકા વૃદ્ધિ દર્શાવે છે. તેમણે ઉમેર્યું હતું કે કેન્દ્ર સરકારની પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટીવ(પીએલઆઈ) યોજનાને મજબૂત પ્રતિભાવ સાંપડ્યો છે. તાજેતરમાં ચીફ ઈકોનોમિક એડવાઈઝર વી અનંતા નાગેશ્વરને જણાવ્યું હતું કે ચાલુ નાણા વર્ષ દરમિયાન એપ્રિલ-સપ્ટેબરના છ મહિના દરમિયાન પ્રાઈવેટ સેક્ટરમાં રૂ. 3 લાખ કરોડનું કેપેક્સ જોવા મળ્યું છે. જે વાર્ષિક ધોરણે 20-30 ટકા વૃદ્ધિ સૂચવે છે. આ અગાઉ તેમણે જણાવ્યું હતું કે નીતિ ઘડવૈયાઓએ હવે એ નક્કી કરવાનું રહેશે કે પબ્લિક-સેક્ટર ઈન્વેસ્ટમેન્ટને અત્યારની ઝડપે જ વધારવું છે કે પછી અર્થતંત્રમાં કેપિટલ ફોર્મેશનના મુખ્ય એન્જિન તરીકે પ્રાઈવેટ સેક્ટરને ટેક ઓવર કરવા દેવું છે.

છેલ્લાં વર્ષોમાં કેન્દ્ર સરકારનો કેપેક્સ ટાર્ગેટ
બજેટ વર્ષ કેપેક્સ કદ(રૂ. લાખ કરોડમાં)
2019-20(અંદાજ) 3.38
2019-20(વાસ્તવિક) 3.36
2020-21(અંદાજ) 4.12
2021-22(વાસ્તવિક) 4.26
2021-22(અંદાજ) 5.54
2021-22(રિવાઈઝ્ડ એસ્ટીમેટ) 6.03
2022-23(અંદાજ) 7.5

ફેડના હોકિશ વલણ બાદ ડોલર મજબૂત, ગોલ્ડમાં નરમાઈ
ડોલર ઈન્ડેક્સ ત્રણ સપ્તાહ બાદ 105ની સપાટી પર ટ્રેડ થયો
કોમેક્સ ગોલ્ડ 1860 ડોલરની તાજેતરની ટોચ પરથી 1840-1845 ડોલર પર ઠેલાયું

યુએસ ફેડની મિનિટ્સમાં હોકિશ વલણ જળવાયાં બાદ ડોલર ઈન્ડેક્સ શુક્રવારે તેની ત્રણ સપ્તાહની ટોચે ટ્રેડ થયો હતો. 15 ડિસેમ્બર બાદ તેણે પ્રથમવાર 105ની સપાટી પર ટ્રેડ દર્શાવ્યું હતું. ડોલરમાં મજબૂતી પાછળ ગોલ્ડમાં સાધારણ નરમાઈ જોવા મળી હતી. જોકે શુક્રવારે તે 1840-1845 ડોલરની સાંકડી રેંજમાં અથડાયેલું જોવા મળ્યું હતું. અગાઉ કેલેન્ડરની શરૂમાં તેણે 1860 ડોલરની છ મહિનાની ટોચ દર્શાવી હતી. ભારતીય બજારમાં ગોલ્ડ તેની સર્વોચ્ચ સપાટી નજીક પહોંચી ગયું હતું. બુધવારે એમસીએક્સ વાયદો રૂ. 56190ની તેની ઓલટાઈમ હાઈથી સાધારણ છેટે બંધ રહ્યો હતો જોકે ગુરુવારે તે ફરી રૂ. 56 હજારની નીચે ઉતરી ગયો હતો. શુક્રવારે આ લખાય છે ત્યારે એમસીએક્સ ગોલ્ડ ફ્યુચર્સ રૂ. 55400ની સપાટી પર ટ્રેડ દર્શાવી રહ્યો હતો. જ્યારે સિલ્વર માર્ચ ફ્યુચર્સ રૂ. 570ની મજબૂતી સાથએ રૂ. 68648ની સપાટી પર જોવા મળી રહ્યો હતો. ફેડ તરફથી રેટ વૃદ્ધિને લઈ આક્રમક વલણ જળવાય રહેવાથી ક્રૂડ અને બેઝ મેટલ્સ સહિત અન્ય કોમોડિટીઝમાં પણ વેચવાલી જોવા મળી હતી.
બુધવારે યુએસ ફેડ રિઝર્વે તેની ડિસેમ્બર મિટિંગની રજૂ કરેલી મિનિટ્સ મુજબ સેન્ટ્રલ બેંકના સભ્યો 2 ટકાના ઈન્ફ્લેશન ટાર્ગેટને લઈને પ્રતિબધ્ધ જણાયા હતાં. તેઓ ઈન્ફ્લેશનને ડામવા માટે લાંબા સમય સુધી નિયંત્રિત પોલિસી જાળવા રાખવા માટે સહમત હતાં. જે સૂચવે છે કે 2023ના પ્રથમ ક્વાર્ટર બાદ ફેડ તરફથી રેટ વૃદ્ધિ વિરામની શક્યતાં નથી. તેમજ આગામી બેઠકમાં તે વધુ એકવાર 50 બેસીસ પોઈન્ટ્સ રેટ વૃદ્ધિ જાળવી શકે છે. જે ઈક્વિટી, ગોલ્ડ સહિતના એસેટ ક્લાસિસ પર દબાણ ઊભું કરી શકે છે.

વોડાફોન રૂ. 7 હજાર કરોડની ઈમર્જન્સી લોન માટે બેંકોના સંપર્કમાં
વી માટે ઈન્ડુસ ટાવરનું રૂ. 7500 કરોડનું ડેટ ચૂકવવું અનિવાર્ય

દેશમાં ત્રીજા ક્રમની ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાએ રૂ. 7000 કરોડ સુધીની લોન્સ માટે કેટલીક બેંક્સનો સંપર્ક કર્યો છે. જેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, એચડીએફસી બેંક અને આઈડીએફસી ફર્સ્ટ બેંકનો સમાવેશ થાય છે. જોકે લેન્ડર્સે કંપની પાસે કેટલીક સ્પષ્ટતાઓ માગી છે. જેમાં વોડાફોનમાં સરકારના સંભવિત શેરહોલ્ડિંગનો સમાવેશ થાય છે. ઉપરાંત વીમાં વોડાફોન કેટલી મૂડી રોકવાનું આયોજન ધરાવે છે એ અંગે પણ સ્પષ્ટતા માગી છે. મોટાભાગની લોન્સનો ઉપયોગ કંપની ઈન્ડુસ ટાવર્સને ચૂકવવાના થતાં નાણાની પુનઃચૂકવણીમાં વાપરશે. વીએ ઈન્ડુસ ટાવર્સને રૂ. 7500 કરોડનું ડેટ ચૂકવવાનું રહે છે. વીએ ટાવર કંપનીને જાન્યુઆરીથી તેના ડેટનું 100 ટકા રિપેમેન્ટ કરવાનું ચાલુ કરશે એમ વાયદો કર્યો છે. ઈન્ડુસ ટાવર્સે વીને ચેતવણી આપી છે કે જો તે દેવુ ચૂકવવામાં નિષ્ફળ જશે તો કંપની વી માટે ટાવર સાઈટ્સનો ઉપયોગ અટકાવશે. અગ્રણી બેંકના સિનિયર અધિકારી જણાવે છે કે વીએ લોન માટે અમારો સંપર્ક કર્યો છે. જોકે અમે તેમને કોઈ કમિટમેન્ટ નથી દર્શાવ્યું. એક અન્ય બેંકરના જણાવ્યા મુજબ વીએ તેમને રૂ. 15 હજાર કરોડની બેંક ગેરંટીઝને ગણનામાં લઈ નવેસરથી લોન આપવા જણાવ્યું છે. એક અન્ય બેંકરે જોકે કંપનીને લોન આપવાનો ઈન્કાર કર્યો હોવાનું જણાવ્યું છે. વી હાલમાં રૂ. 75830 કરોડની નેગેટિવ નેટવર્થ ધરાવે છે.

સરકાર, RBIની દક્ષિણ એશિયાઈ દેશો સાથે રૂપિ ટ્રેડની વિચારણા
આરબીઆઈ ગવર્નરના મતે ઈન્ફ્લેશન ઊંચા સ્તરે જળવાયેલું રહેશે તો આર્થિક ગ્રોથ અને ઈન્વેસ્ટમેન્ટ સામે જોખમોમાં વૃદ્ધિ થશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શશીકાંત દાસે શુક્રવારે જણાવ્યું હતું કે સરકાર તથા મધ્યસ્થ બેંક દક્ષિણ એશિયાઈ દેશો સાથે સરહદ પાર વેપારને રૂપિયામાં હાથ ધરવા માટે મંત્રણા ચલાવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે સેન્ટ્રલ બેંકની ડિજિટલ કરન્સી હાલમાં ટ્રાયલના તબક્કામાં છે તથા આરબીઆઈ ડિજિટલ રૂપી લોંચને લઈ ખૂબ જ સાવચેતીપૂર્વક આગળ વધી રહી છે.
હોલસેલ પાયલોટના સફળ લોંચ બાદ આરબીઆઈએ 1 ડિસેમ્બર, 2022ના રોજ સીબીડીસીના રિટેલ પાયલોટ પ્રોજેક્ટને ખૂલ્લો મૂક્યો હતો. નવી દિલ્હી ખાતે યોજાયેલી આઈએમએફની કોન્ફરન્સમાં બોલતાં દાસે જણાવ્યું હતું કે 2022-23 માટે ગ્લોબલ ટ્રેડ આઊટલૂક દક્ષિણ એશિયાઈ રિજનમાં ઊંચા ઈન્ટ્રા-રિજિયન ટ્રેડની શક્યતાં જોઈ રહ્યો છે. જેને જોતાં ગ્રોથ અને એમ્પ્લોયમેન્ટની તકોમાં વૃદ્ધિ થઈ શકે છે. દાસે જણાવ્યું હતું કે સેન્ટ્રલ બેંક લેવલે કો-ઓપરેશનનો પ્રથમ પ્રયાસ કોમન ગોલ્સ અને પડકારોને લઈને એકબીજા પાસેથી શીખવાનો હોય છે. સાથે ક્રોસ-બોર્ડર ટ્રેડના રૂપી સેટલમેન્ટ અને સીબીડીસીને લઈને પણ અમે પ્રયાસ કરી રહ્યાં છીએ. આરબીઆઈ આ ક્ષેત્રે આગળ વધી ચૂકી છે અને ભવિષ્યમાં તે વ્યાપક સહકારનું ક્ષેત્ર હોય શકે છે. આરબીઆઈ ગવર્નરે કોવિડ, ફુગાવો અને ફાઈનાન્સિય માર્કેટ ટાઈટનીંગ તથા રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ઊભી થયેલા પડકારો સાથે કામ પાર પાડવા છ પોલિસી પ્રાયોરિટિઝ પણ રજૂ કરી હતી. એકથી વધુ બાહ્ય આંચકાઓને કારણે સાઉથ એશિયન અર્થતંત્રો પણ ભાવનું દબાણ જોવા મળી રહ્યું છે. ઈન્ફ્લેશનને હળવું કરવા માટે, ક્રેડિબલ મોનેટરી પોલિસી એક્શન અને ટાર્ગેટેડ સપ્લાય-સાઈડ દરમિયાનગીરી માટે ફિસ્કલ ટ્રેડ પોલિસી અને એડમિનિસ્ટ્રેટીવ પગલાઓ ચાવીરૂપ સાધનો બની ગયાં છે. તેમણે ઉમેર્યું હતું કે તાજેતરમાં કોમોડિટીઝના ભાવમાં ઘટાડાને કારણે આગળ પર ફુગાવાને નીચો જાળવવામા સહાયતા મળશે, જોકે જો ઈન્ફ્લેશન ઊંચા સ્તરે જળવાયેલું રહેશે તો આર્થિક ગ્રોથ અને ઈન્વેસ્ટમેન્ટ સામે જોખમોમાં વૃદ્ધિ થશે. સાઉથ એશિયન રિજિયન માટે ભાવમાં સ્થિરતા સૌથી મહત્વની બાબત બની રહેશે એમ દાસે નોંધ્યું હતું.

સેબીની મંજૂરી પાછળ IDBI બેંક 5 ટકા સુધર્યો
માર્કેટ રેગ્યુલેટર સેબીએ સરકારની આઈડીબીઆઈ બેંકમાંના તેના હિસ્સાને ડિસઈન્વેસ્ટમેન્ટ પછી ‘પબ્લિક હોલ્ડિંગ’ તરીકે જાળવી પુનઃવર્ગીકૃત કરવાની વિનંતીને માન્ય રાખતાં બેંકના શેરમાં શુક્રવારે 5 ટકા સુધારો જોવા મળ્યો હતો. સેબીએ ગુરુવારે સરકારની માગણી માન્ય રાખી હતી. સેબીએ ડિસઈન્વેસ્ટમેન્ટ પછી બેંકમાં સરકારના વોટિંગ રાઈટ્સ 15 ટકાથી નહિ વધે તેવી શરતે આ માગણી માન્ય રાખી હતી. ઉપરાંત સરકારે તેના હિસ્સાને શા માટે પબ્લિક શેરહોલ્ડિંગ તરીકે પુનઃવર્ગીકૃત કરવો છે તે માટેનો તેનો ઈરાદો પણ જણાવવો પડશે. વધુમાં બેંકે ડિસઈન્વેસ્ટમેન્ટ પછી સ્ટોક એક્સચેન્જિસને સરકારી હિસ્સાના રિક્સાલિફિકેશન માટે અરજી પણ કરવાની રહેશે.
ઓફિસ લિઝીંગમાં ભારતીય કંપનીઓએ યુએસ હરિફોને પાછળ રાખ્યાં
ઐતિહાસિક ઘટનામાં 2022માં ભારતીય કંપનીઓએ પ્રથમવાર ઓફિસ સ્પેસના ગ્રોસ લિઝીંગમાં યુએસ કંપનીઓને પાછળ રાખી દીધી હતી. સીબીઆરઈ ઈન્ડિયાના જણાવ્યા મુજબ લગભગ 50 ટકા હિસ્સા સાથે ભારતીય કંપનીઓએ યુએસ હરિફોને પાછળ પાડ્યાં હતાં. 2022માં ઓફિસના ગ્રોસ લિઝિંગમાં 40 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી અને નવ મુખ્ય શહેરોમાં તે 5.66 કરોડ સ્ક્વેર ફીટ રહ્યું હતું. ગયા વર્ષે તે 4.05 કરોડ સ્ક્વેર ફિટ પર જોવા મળ્યું હતું. કુલ જગ્યામાંથી 2.773 કરોડ ચો. ફિટ જગ્યા સ્થાનિક કંપનીઓએ લિઝ પર રાખી હતી. જ્યારે 2.037 કરોડ ચો.ફીટ યુએસ કંપનીઓએ વપરાશમાં લીધી હતી.

RBI બે તબક્કામાં રૂ. 16K કરોડના ગ્રીન બોન્ડ્સનું ઓક્શન કરશે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ શુક્રવારે એક જાહેરાતમાં જણાવ્યું હતું કે તે સોવરિન ગ્રીન બોન્ડ્સ(SGrBs) ઈસ્યુ કરશે. જેનો હેતુ દેશમાં ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે રિસોર્સિસ એકઠાં કરવાનો છે. દેશના કાર્બન એમિશન્સને ઘટાડવાના ટાર્ગેટની દિશામાં આરબીઆઈ રૂ. 16 હજાર કરોડના SGrBs ઈસ્યુ કરશે. સેન્ટ્રલ બેંક જાન્યુઆરીમાં અને ફેબ્રુઆરીમાં, રૂ. 8-8 હજાર કરોડના બે તબક્કામાં આ બોન્ડ્સ ઈસ્યુ કરશે એમ નોટિફિકેશન જણાવતું હતું. બેંક રૂ. 4-4 હજાર કરોડનું મૂલ્ય ધરાવતાં 5-વર્ષ અને 10-વર્ષ માટેના ગ્રીન બોન્ડ્સને 25 જાન્યુઆરીએ ઓક્શન કરશે. જ્યારે બીજા તબક્કામાં 9 ફેબ્રુઆરીએ બોન્ડ્સ ઈસ્યુ કરશે. સેન્ટ્રલ બેંકના જણાવ્યા મુજબ બોન્ડ્સ મારફતે એકત્ર કરવામાં આવેલી રકમનો ઉપયોગ કાર્બન ફૂટપ્રિન્ટને ઓછી કરવામાં સહાયરૂપ પબ્લિક સેક્ટર પ્રોજેક્ટ્સમાં કરવામાં આવશે. આરબીઆઈના નોટિફિકેશન મુજબ સેન્ટ્રલ બેંકે ભારત સરકાર સાથે ચર્ચા-વિચારણા બાદ 2022-23 માટે SGrBsના ઈસ્યુઅન્સને લઈને એક ઈન્ડિકેટીવ કેલેન્ડર જાહેર કરવાનું નક્કી કર્યું હતું.

કોર્પોરેટ હેડલાઈન્સ

લાર્સન એન્ડ ટુબ્રોઃ એન્જિનીયરીંગ જાયન્ટની સબસિડિયરી એલએન્ડટી રિઅલ્ટી ડેવલપર્સે તેની સબસિડિયરી થીંક ટાવર ડેવલપર્સમાં તેના સમગ્ર 99 ટકા હિસ્સાના વેચાણ માટે એગ્રીમેન્ટમાં પ્રવેશ કર્યો છે. એગ્રીમેન્ટ 30 જાન્યુ. સુધમાં પૂરો થવાની અપેક્ષા છે.
વોડાફોનઃ ટેલિકોમ કંપનીમાં ઈક્વિટી સ્વેપનો મુદ્દો એક જટિલ બાબત હોવાનું કેન્દ્રિય ટેલિકોમ પ્રધાને જણાવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે વોડાફોન આઈડિયાની ઘણી જરૂરિયાતો છે. ખાસ તેને કેપિટલ એક્સપેન્ડિચરની જરૂરિયાત છે. જોકે કેટલી કેપિટલ અને કોણ મૂડી ઠાલવશે તેને લઈને કશું નિશ્ચિત નથી. હાલમાં આ બાબતો વિચારણા હેઠળ છે.
એનટીપીસીઃ પીએસયૂ વીજ ઉત્પાદક કંપનીએ ચાલુ નાણા વર્ષ દરમિયાન 300 અબજ યુનિટ્સ વીજ ઉત્પાદનના સીમાચિહ્નને પાર કર્યું છે. 5 જાન્યુઆરી 2023ના રોજ કંપનીએ 73.7 ટકાનું પ્લાન્ટ લોડ ફેક્ટર હાંસલ કર્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 68.5 ટકા પર હતું.
ટીસીએસઃ ટોચની આઈટી સર્વિસ કંપનીએ તેના ક્લાઉડ સેલ્ફ-ડ્રાઈવીંગ પ્લેટફોર્મનું પરિક્ષણ કર્યું છે. તેણે વિવિધ જીઓગ્રાફીમાં 3 લાખ કિલોમીટરથી વધુના રિઅલ ટાઈમ વેહીકલ ડેટાનો ઉપયોગ કર્યો છે. કંપનીએ યુએસ, જાપાન, યુરોપ તેમજ ભારતમાં આ ડ્રાઈવીંગ ડેટા એકત્ર કર્યો છે. જે કાર ઉત્પાદકોને નવી પેઢીના વાહનો બનાવવામાં ઉપયોગી બનશે.
એમસીએક્સઃ દેશમાં સૌથી મોટો કોમોડિટી એક્સચેન્જને સેબીએ રૂ. 2 લાખનો દંડ ફટકાર્યો છે. એમસીએક્સે લંડનની ઓછી જાણીતી કંપની પીઈએસબી સાથે સોફ્ટવેર કોન્ટ્રેક્ટ કરતાં સેબીએ આ પગલું ભર્યું છે. એમસીએક્સ 2018માં ગોલ્ડ માટે સ્પોટ ટ્રેડિંગ પ્લેટફોર્મ વિકસાવવા ઈચ્છતું હતું. જોકે તેણે એડવાન્સમાં મોટી રકમ આપીને વિવાદ ઊભો કર્યો હતો. પાછળથી ચાર વર્ષો પછી સોફ્ટવેર ડિલિવર કરવામાં આવ્યું હતું. જે પણ સારી ક્વોલિટીનું નહોતું.
પ્લાસ્ટ ઇન્ડિયાઃ પ્લાસ્ટીક અને પોલિમર ઉદ્યોગ ઓર્ગેનીઝેશન પ્લાસ્ટ ઇન્ડિયા ફાઉન્ડેશને આગામી બજેટમાં પોલિમર પરની આયાત ઘટાડવા અને સ્થાનિક પ્લાસ્ટિક ઉદ્યોગને ટેકો આપવા માટે ફિનિશ્ડ ઉત્પાદનો પર કસ્ટમ ડ્યુટી વધારવા વિનંતી કરી છે.
એવિએશન કંપનીઝઃ ડિસેમ્બર 2022માં ડોમેસ્ટીક એર પેસેન્જર ટ્રાફિક વાર્ષિક 15 ટકાના દરે વધી 129 લાખ પર પહોંચ્યો હોવાનું ઈકરાનો રિપોર્ટ જણાવે છે. જોકે તે ડિસેમ્બર 2019ની સરખામણીમાં હજુ પણ એક ટકો નીચે હોવાનું તે ઉમેરે છે. ચાલુ નાણા વર્ષના પ્રથમ નવ મહિના દરમિયાન ડોમેસ્ટીક પેસેન્જર ટ્રાફિક 986 લાખ રહ્યાનો અંદાજ છે. જે વાર્ષિક 63 ટકા વૃદ્ધિ સૂચવે છે.
ગોદરેજ એગ્રોવેટઃ એગ્રીકલ્ચર બિઝનેસમાં સક્રિય કંપની તેલંગાણાના ખમ્મામ જિલ્લામાં ખાદ્ય તેલ પ્રોસેસિંગ યુનિટ્સની સ્થાપના કરશે.
RHI મેગ્નેસિટા: કંપનીએ રૂ. 1708 કરોડમાં દાલમિયા ભારત રિફ્રેક્ટરીઝના રિફ્રેક્ટરીઝ બિઝનેસને હસ્તગત કરવા માટે બીએસઈ અને એનએસઈ તરફથી મંજૂરી મેળવી છે.
તાતા મોટર્સઃ ઓટોમોબાઈલ કંપનીની સબસિડિયરી જગુઆર લેન્ડ રોવરનું યૂકે ખાતે ડિસેમ્બરમાં વેચાણ વાર્ષિક ધોરણે 12.5 ટકા ગગડી 3,501 યુનિટ્સ પર રહ્યું હતું.
આરવીએનએલઃ રેલ્વે કંપનીએ ગુજરાત મેટ્રો પાસેથી રૂ. 166 કરોડના મૂલ્યનો ઓર્ડર મેળવ્યો છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage