બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
બેંકિંગના સપોર્ટ પાછળ શેરબજારમાં ઘટાડો અટક્યો
બેંક નિફ્ટીએ સર્વોચ્ચ સપાટી દર્શાવી
પીએસયૂ બેંક ઈન્ડેક્સ 4 ટકા ઉછળ્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ 5 ટકા ગગડી 13.39ની સપાટીએ
ફાર્મા, રિઅલ્ટી, એનર્જી, ઓટોમાં નરમાઈ
લાર્સન, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, રેડિંગ્ટન નવી ઊંચાઈએ
મીડ અને સ્મોલ-કેપ્સમાં પણ ખરીદી જોવાઈ
વૈશ્વિક બજારોમાં મિશ્ર માહોલ વચ્ચે સ્થાનિક બજાર સાંકડી રેંજમાં ટ્રેડ સાથે પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યું હતું. જે સાથે ચાર સત્રોથી જોવા મળતો ઘટાડો અટક્યો હતો. બીએસઈ સેન્સેક્સ 160 પોઈન્ટ્સ સુધારા સાથે 62571ની સપાટીએ જ્યારે નિફ્ટી 49 પોઈન્ટ્સ સુધરી 18609ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સ સહિત મીડ અને સ્મોલ-કેપ્સમાં પણ ખરીદી જળવાય હતી. નિફ્ટીમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 27 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 23 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 4.9 ટકા ગગડી 13.39ની સપાટી પર બંધ રહ્યો હતો.
ગુરુવારે ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીઓના પરિણામોની જાહેરાત વચ્ચે નિફ્ટી લગભગ 98 પોઈન્ટ્સની રેંજમાં અથડાયો હતો. બેન્ચમાર્ક 18570ની સપાટીએ પોઝીટીવ ઓપનીંગ બાદ સુધરી 18625ના સ્તરે ટ્રેડ થયો હતો. જ્યારે એક તબક્કે ઈન્ટ્રા-ડે 18537નું તળિયું દર્શાવ્યું હતું. નિફ્ટી કેશ સામે નિફ્ટીફ્યુચર 115 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથએ 18725 પર બંધ રહ્યો હતો. એકબાજુ વૈશ્વિક બજારોમાં મિશ્ર માહોલ જોવા મળી રહ્યો હતો. એશિયન બજારોમાં હોંગ કોંગને બાદ કરતાં કોરિયા, તાઈવાન, જાપાન, સિંગાપુર જેવા બજારો નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. યુએસ ખાતે નાસ્ડેકમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. યુરોપ બજારો પણ તેમની તાજેતરની ટોચ પરથી ગગડી રહ્યાં છે. આમ બજારોમાં અન્ડરટોન નરમાઈ તરફી બન્યો છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં ભાજપના વિક્રમી વિજયે બજારને સપોર્ટ પૂરો પાડ્યો છે. એનાલિસ્ટ્સના મતે માર્કેટમાં તેજી થાક ખાઈ રહી છે. વેલ્યૂએશનને લઈને ચિંતા ઊભી છે. આરબીઆઈએ વધુ રેટ વૃદ્ધિ માટે વ્યક્ત કરેલી શક્યતાએ બજારની ચિંતા વધારી છે. જેની પાછળ ભારતીય બજાર કેટલાક સમય માટે કોન્સોલિડેશનમાં જઈ શકે છે. નિફ્ટી 18600ની નીચે સતત બંધ આપશે તો 18300 અને 17900 સુધીનો ઘટાડો ઝડપી જોવા મળી શકે છે એમ તેઓ માને છે.
ગુરુવારે માર્કેટને સપોર્ટ કરવામાં બેંકિંગ એકમાત્ર સેક્ટર હતું. તેમાં પણ પીએસયૂ બેંક શેર્સમાં ભાવે ખરીદી જોવા મળી હતી. નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ 4 ટકા ઉછળી ઘણા વર્ષોની ટોચ પર ટ્રેડ થયો હતો. જેમાં સેન્ટ્રલ બેંક 12 ટકા ઉછાળા સાથે ટોચ પર હતો. આ ઉપરાંત પંજાબ એન્ડ સિઁધ બેંક 10 ટકા ઉછળ્યો હતો. જ્યારે અન્ય કાઉન્ટર્સમાં જેકે બેંક 9 ટકા, બેંક ઓફ ઈન્ડિયા 8 ટકા, બેંક ઓફ બરોડા 7 ટકા, આઈઓબી 6 ટકા, યૂકો બેંક 5 ટકા, બેંક ઓફ મહારાષ્ટ્ર 4 ટકાનો સમાવેશ થાય છે. પીએસયૂ બેંક્સ પાછળ બેંક નિફ્ટી પણ 1.2 ટકા સુધારે 43597ની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. ઈન્ટ્રા-ડે તેણે 43640ની ટોચ દર્શાવી હતી. પ્રાઈવેટ બેંક્સમાં ફેડરલ બેંક, એક્સિસ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, બંધન બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. બેંકિંગ સિવાય એફએમસીજી સેક્ટરમાં કોઈ ખાસ સુધારો નહોતો જોવા મળ્યો. મેટલ ઈન્ડેક્સ 0.71 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેમાં એનએમડીસી, હિંદાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, હિંદુસ્તાન ઝીંક, તાતા સ્ટીલ, સેઈલ પોઝીટીવ જોવા મળતાં હતાં. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સે 45986ની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જેમાં વરુણ બેવરેજિસનું મુખ્ય યોગદાન હતું. આ સિવાય યુનાઈડેટ બ્રુઅરિઝ, કોલગેટ, ટાટા કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ, ગોદરેજ કન્ઝ્યૂમર્સમાં પણ સુધારો જોવા મળ્યો હતો. જોકે નેસ્લે, પીએન્ડજી, આઈટીસીમાં નરમાઈ જોવા મળી રહી હતી. ફાર્મા ઈન્ડેક્સ 1.1 ટકા જેટલો તૂટ્યો હતો. સન ફાર્મામાં 4 ટકા ધોવાણ આ માટેનું મુખ્ય કારણ હતો. આ સિવાય લ્યુપિન, ડિવિઝ લેબ્સ, ઓરોબિંદો ફાર્મા અને ટોરેન્ટ ફાર્મા પણ નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી રિઅલ્ટી બીજા દિવસે ઘટાડો સૂચવતો હતો. તે 0.8 ટકા નરમાઈ સાથે બંધ રહ્યો હતો. રિઅલ્ટી કાઉન્ટર્સમાં સોભા 3.5 ટકા સાથે ઘટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ફિનિક્સ મિલ્સ, સનટેક રિઅલ્ટી, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી, પ્રેસ્ટીજ એસ્ટેટ, ડીએલએફ, ગોદરેજ પ્રોપર્ટીઝ, હેમિસ્ફિઅર, ઓબેરોય રિઅલ્ટીમાં પણ નરમાઈ જોવા મળી રહી હતી. નિફ્ટી મિડિયા 0.75 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટની વાત કરીએ તો પીએસયૂ બેંક શેર્સ તેમની પાંચ વર્ષોની ટોચ પર ટ્રેડ થયા હતાં. આ ઉપરાંત કોરોમંડલ ઈન્ટરનેશનલ, ભારત ફોર્જ, એનએમડીસી, રામ્કો સિમેન્ટ્સ, એસ્ટ્રાલ, ગુજરાત ગેસ, અમર રાજા બેટરીઝ, સિટી યુનિયન બેંક, ઈન્ડિગો, ગ્લેનમાર્ક, બોશ, કોન્કોર, લાર્સનમાં 2 ટકાથી લઈ 5 ટકા સુધીનો સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ 4 ટકા સાથે ઘટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત એલટીઆઈમાઈન્ડટ્રી, ડિક્સોન ટેક્નોલોજી, લ્યુપિન, એમઆરએફ, ડિવિઝ લેબ્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન, એલએન્ડટી ટેક્નોલોજી, પિરામલ એન્ટપ્રાઈઝમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો હતો. પીએસયૂ બેંક્સ સહિત ઘણા કાઉન્ટર્સે તેમની મલ્ટી-યર હાઈ દર્શાવી હતી. જેમાં કરુર વૈશ્ય, ગોડફ્રે ફિલિપ્સ, જેકે લક્ષ્મી સિમેન્ટ, વરુણ બેવરેજિસ, રેડિંગ્ટન, લાર્સન, પાવર ફાઈનાન્સ, એક્સાઈડ ઈન્ડ., યુનાઈટેડ બ્રૂઅરિઝનો સમાવેશ થતો હતો. બ્રોડ માર્કેટમાં જોઈએ તો બીએસઈ ખાતે 3619 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1866 પોઝીટીવ જોવા મળતાં હતાં. જ્યારે 1625 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. 244 કાઉન્ટર્સ તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ પર બંધ રહ્યાં હતાં. જ્યારે 18 કાઉન્ટર્સ 52-સપ્તાહનું તળિયું દર્શાવી રહ્યાં હતાં.
PSU બેંક રોકાણકારોની વેલ્થમાં રૂ. 2.83 લાખ કરોડનો ઉછાળો
જાહેર ક્ષેત્રની બેંક્સમાં સરકારી હિસ્સાના મૂલ્યમાં બે મહિનામાં રૂ. 2.14 લાખ કરોડની તીવ્ર વૃદ્ધિ નોંધાઈ
પીએસયૂ બેંક્સનું કુલ માર્કેટ-કેપ ગુરુવારે રૂ. 11.12 લાખ કરોડની સપાટીએ પહોંચ્યું
બે મહિનામાં પીએસયૂ શેર્સે 109 ટકા સુધીનું અસાધારણ રિટર્ન દર્શાવ્યું
જાહેર ક્ષેત્રની બેંક્સના અસાધારણ દેખાવ પાછળ બેંક્સમાં સૌથી મોટા શેરધારક સરકાર સહિત રોકાણકારોની વેલ્થમાં છેલ્લાં બે મહિનામાં જંગી ઉમેરો જોવા મળ્યો છે. સપ્ટેમ્બર આખરમાં રૂ. 8.29 લાખ કરોડ પર જોવા મળી રહેલું તમામ 13 લિસ્ટેડ પીએસયૂ બેંક્સનું માર્કેટ-કેપ બે મહિનામાં 39 ટકા ઉછળી ગુરુવારે રૂ. 11.12 લાખ કરોડ પર નોંધાયું હતું. આમ રોકાણકારોની વેલ્થમાં રૂ. 2.83 લાખ કરોડની વદ્ધિ જોવા મળી છે. જો આમાંથી એસબીઆઈને બાદ કરીએ તો માર્કેટ-કેપ ઉછાળો 100 ટકાથી પણ ઊંચો બેસે છે. કેમકે ગણતરીમાં લીધેલા સમયગાળામાં એસબીઆઈના શેરમાં માત્ર 15 ટકા સુધારો જોવા મળ્યો છે. બીજી બાજુ નાની અને મધ્યમ કક્ષાના પીએસયૂ બેંક શેર્સ 109 ટકા જેટલાં ઉછળ્યાં છે.
પીએસયૂ બેંક્સમાં સૌથી મોટા શેરધારક તરીકે સરકારની વેલ્થમાં પણ રૂ. 2.14 લાખ કરોડનો ઉમેરો જોવા મળ્યો છે. સપ્ટેમ્બર આખરમાં પીએસયૂ બેંક્સમાં સરકારી હિસ્સાનું મૂલ્ય રૂ. 5.57 લાખ કરોડ પર જોવા મળતું હતું. જે ગુરુવારે રૂ. 7.71 લાખ કરોડ પર નોંધાયું હતું. સરકાર નાની પીએસયૂ બેંક્સમાં 98 ટકા સુધીનો ઊંચો હિસ્સો ધરાવે છે. પંજાબ સિંધ એન્ડ બેંકમાં સરકાર 98.15 ટકા સાથે રૂ. 33500 કરોડનું માર્કેટ-કેપ ધરાવે છે. જ્યારે એસબીઆઈમાં 57.52 ટકાના સૌથી નીચા હિસ્સા સાથે રૂ. 3.14 લાખ કરોડનું માર્કેટ-કેપ ધરાવે છે. એસબીઆઈ પછી બેંક ઓફ બરોડામાં સરકારી હિસ્સાનું મૂલ્ય રૂ. 62 હજાર કરોડ સાથે બીજા ક્રમે જોવા મળે છે. બેંકમાં સરકાર 64 ટકા હિસ્સો ધરાવે છે. સરકારી બેંક્સમાં બે મહિનામાં 109 ટકા રિટર્ન સાથે બેંક ઓફ બરોડા દેખાવમાં ટોચ પર રહી હતી. બેંકનો શેર રૂ. 48ના બજારભાવ સામે ઉછળી ગુરુવારે રૂ. 100ની સપાટી પાર કરી ગયો હતો. આ જ રીતે પંજાબ એન્ડ સિંધ બેંકનો શેર 102 ટકા ઉછળી રૂ. 32 નજીક પહોંચ્યો હતો. જ્યારે યૂકો બેંક(101 ટકા), યુનિયન બેંક(98 ટકા), મહારાષ્ટ્ર બેંક(70 ટકા), સેન્ટ્રલ બેંક(62 ટકા), પીએનબી(58 ટકા) અને ઈન્ડિયન બેંક(50 ટકા)નો ઉછાળો દર્શાવે છે. મોટાભાગના પીએસયૂ બેંક શેર્સ તેમણે કોવિડ દરમિયાન દર્શાવેલા તળિયાના ભાવથી 3-4 ગણા ભાવે ટ્રેડ થઈ રહ્યાં છે. બેંક્સ તરફથી છેલ્લાં કેટલાંક ક્વાર્ટર્સમાં સતત સારા પરિણામો પાછળ રોકાણકારો પીએસયૂ બેંક શેર્સ તરફ વળ્યાં છે. સરકાર આગામી બજેટમાં પીએસયૂ બેંક શેર્સના પ્રાઈવેટાઈઝેશનને લઈ નક્કર જાહેરાત કરે તેવી શક્યતાં પણ છે. અગાઉ 2020-21 માટેના બજેટમાં નાણાપ્રધાને ત્રણ બેંકોના પ્રાઈવેટાઈઝેશનની વાત કરી હતી. જોકે આમ બની શક્યું નહોતું. હાલમાં સારા વેલ્યૂએશન જોતાં સરકાર ફરી આ મુદ્દે આગળ વધી શકે છે.
PSU બેંક શેર્સનો બે મહિનામાં દેખાવ
સ્ક્રિપ્સ સપ્ટે. આખરનો ભાવ(રૂ.) ગુરુવારનો ભાવ(રૂ.) વૃદ્ધિ(ટકામાં)
બેંક ઓફ ઈન્ડિયા 48.20 100.90 109.34
પંજાબ સિંધ બેંક 15.65 31.65 102.24
યૂકો બેંક 11.90 23.90 100.84
યુનિયન બેંક 44.65 88.30 97.76
મહારાષ્ટ્ર બેંક 17.80 30.20 69.66
સેન્ટ્રલ બેંક 20.10 32.45 61.44
પીએનબી 36.55 57.90 58.41
ઈન્ડિયન બેંક 196.85 294.90 49.81
IOB 17.50 25.90 48.00
કેનેરા બેંક 228.75 324.50 41.86
બેંક ઓફ બરોડા 132.40 187.40 41.54
IDBI 41.25 58.10 40.85
SBI 530.60 612.25 15.39
LICના CEO તરીકે પ્રાઈવેટ સેક્ટર પ્રોફેશ્નલ માટે સરકારની વિચારણા
કંપનીના નિરાશાજનક લિસ્ટીંગ બાદ સૌથી મોટા ઈન્શ્યોરરના આધુનિકિકરણ માટે સરકારનો પ્રયાસ
વર્તમાન સીઈઓની મુદત માર્ચમાં પૂરી થશે
સરકાર લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના પ્રથમ ચીફ એક્ઝીક્યુટીવ તરીકે પ્રાઈવેટ સેક્ટર પ્રોફેશ્નલની નિમણૂંક માટેની ઈચ્છા ધરાવે છે. જેથી દેશમાં સૌથી મોટા ઈન્શ્યોરરનું આધુનિકીકરણ હાથ ધરી શકાય. કંપનીના ગયા મે મહિનામાં શેરબજારમાં નિષ્ફળ લિસ્ટીંગ બાદ સરકાર આ પ્રકારે વિચારી રહી હોવાનું બે સરકારી અધિકારીઓ જણાવે છે.
પ્રાઈવેટ સેક્ટરમાંથી નીમવામાં આવેલા અધિકારી દેશના સૌથી મોટા ઈન્શ્યોરરનું નેતૃત્વ કરશે. જે હાલમાં રૂ. 41 લાખ કરોડની એસેટ્સનું સંચાલન ધરાવે છે. એલઆઈસીના 66-વર્ષોના ઈતિહાસમાં આવુ પ્રથમવાર બનશે. નામ નહિ આપવાની શરતે વર્તુળો જણાવે છે કે સરકાર એલઆઈસીના સીઈઓની નિમણૂંક માટેના માપદંડોને વ્યાપક બનાવી રહી છે. જેથી પ્રાઈવેટ સેક્ટરના ઉમેદવારો સીઈઓની પોસ્ટ માટે અરજી કરી શકે. હાલમાં ઈન્શ્યોરન્સ કંપનીનું નેતૃત્વ ચેરમેન દ્વારા કરવામાં આવે છે. જે હોદ્દાને માર્ચ મહિનાની આખરમાં જ્યારે વર્તમાન ચેરમેન નિવૃત્ત થશે ત્યારે નાબૂદ કરવામાં આવશે એમ અધિકારી જણાવે છે. જ્યારબાદ સરકાર પ્રાઈવેટ સેક્ટરમાંથી પસંદ કરવામાં આવેલા ચીફ એક્ઝીક્યુટીવની નિમણૂંક કરશે. આમ થઈ શકે તે માટે એલઆઈસી સંબંધી નિયમોમાં ગયા વર્ષે સુધારા કરવામાં આવ્યાં હતાં. સરકારનું આ પગલું એલઆઈસીના સુકાન માટે પસંદગીના અવકાશને વ્યાપક બનાવવા સાથે શેરધારકોને સારો સંકેત મોકલશે એમ વર્તુળો ઉમેરે છે. એલઆઈસીનો શેર લિસ્ટીંગ ભાવથી 30 ટકા જેટલો નીચે ટ્રેડ થઈ રહ્યો છે. રોકાણકારોની વેલ્થમાં રૂ. 2 લાખ કરોડનું ગાબડું પડ્યું છે. એલઆઈસીના સીઈઓ કયા સેક્ટરમાંથી પસંદ કરવામાં આવશે તે અંગે વર્તુળો જોકે સ્પષ્ટ જણાવી રહ્યાં નથી. એલઆઈસી 60 ટકાથી વધુ હિસ્સા સાથે દેશના લાઈફ ઈન્શ્યોરન્સ સેક્ટરમાં સૌથી મોટો શેર ધરાવે છે.
ક્લિન પાવર માટે રૂ. 2.2 લાખ કરોડનો ગ્રીડ અપગ્રેડેશન યોજના તૈયાર
પ્રોજેક્ટ હેઠળ રાજસ્થાન અને ગુજરાતના રણ સ્થિત સોલાર પ્લાન્ટ્સ તથા તમિલનાડુના વિન્ડ ફાર્મ્સને નેશનલ નેટવર્ક સાથે જોડાશે
કેન્દ્ર સરકારે દેશમાં રિન્યૂએબલ એનર્જી ઉત્પાદન પ્લાન્ટ્સને જોડવા માટે ટ્રાન્સમિશન લાઈન્સ ઊભી કરવા માટે રૂ. 2.44 લાખ કરોડ(લગભગ 30 અબજ ડોલર)ની યોજના ખૂલ્લી મૂકી છે. સરકાર 2030 સુધીમાં ક્લિન-પાવર ઉત્પાદન ક્ષમતાને ત્રણ ગણી કરવાનું લક્ષ્ય ધરાવે છે.
આ પ્રોજેક્ટ રાજસ્થાન અને ગુજરાતના રણોમાં આવેલા સોલાર પ્લાન્ટ્સ તથા તમિલનાડુ સ્થિત વિન્ડ ફાર્મ્સને નેશનલ નેટવર્ક સાથે જોડશે એમ પાવર મંત્રાલયે જણાવ્યું છે. તે ભારતની ઈન્ટર-રિજિયોનલ ટ્રાન્સમિશન ક્ષમતાન ચાલુ દાયકાની આખર સુધીમાં 150 ગીગાવોટ્સ પરથી વધારી 112 ગીગાવોટ્સ પર લઈ જશે. ટ્રાન્સમિશન લાઈન્સના અભાવને કારણે દેશમાં રિન્યૂએબલ ઈલેક્ટ્રિસિટીનું પરિવહન અટકી પડ્યું છે. ભારત 2070 સુધીમાં નેટ ઝીરો એમિશનનો ધ્યેય ધરાવે છે. જેને ધ્યાનમાં રાખતાં શહેરી અને ઔદ્યોગિક વિસ્તારોમાં ક્લિન પાવર પહોંચાડવા માટે તેણે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અવરોધને દૂર કરવો જરૂરી છે. મોટાભાગના કિસ્સાઓમાં ક્લિન પાવર ઉત્પાદન કેન્દ્રો શહેરી અને ઔદ્યોગિક વસાહતોથી દૂરના વિસ્તારોમાં આવેલા જોવા મળે છે. દેશ હાલામાં 173 ગીગાવોટ્સની રિન્યૂએબલ ઉર્જા ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. જેને 2030 સુધીમાં 500 ગીગાવોટ્સ સુધી લઈ જવાનો ટાર્ગેટ છે. ટ્રાન્સમિશન પ્લાનમાં ટ્રાન્સફોર્મર્સ અને હાઈ વોલ્ટેજ લાઈન્સ ઊભી કરવાનો સમાવેશ થાય છે. જેથી લાંબા અંતર સુધી પાવરને લઈ જઈ શકાય. ઉપરાંત સબમરિન કેબલ્સ નાખવાનો પણ સમાવેશ થાય છે. જેથી ઓફશોર વિન્ડ પ્રોજેક્ટ્સમાંથી ઈલેક્ટ્રિસિટિનું શીપીંગ કરી શકાય.
બીજા ક્વાર્ટરમાં કોર્પોરેટ પ્રોફિટ-ટુ-GDP રેશિયોમાં તીવ્ર ઘટાડો
મેન્યૂફેક્ચરિંગ કંપનીઓ માટે જીડીપીની સરખામણીમાં પ્રોફિટ રેશિયો નવ ક્વાર્ટરના તળિયે જોવા મળ્યો
નાણા વર્ષ 2021-22ના બીજા ક્વાર્ટરમાં પ્રોફિટ-ટુ-GDP રેશિયોમાં 4.39 ટકાની દાયકાની ટોચ પર હતો
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતીય કોર્પોરેટ પ્રોફિટ-ટુ-જીડીપી રેશિયો તીવ્ર ઘટાડો દર્શાવી રહ્યો હતો. સતત બીજા ક્વાર્ટરમાં રેશિયોમા ઘટાડો જોવા મળ્યો હતો. જેણે નાણાકિય વર્ષ 2020-21ના બીજા અર્ધવાર્ષિક સમયગાળામાં તથા સમગ્ર 2021-22 દરમિયાન તીવ્ર વૃદ્ધિ નોંધાવી હતી. કોર્પોરેટ કંપનીઓની નફાકારક્તામાં ઘટાડા પાછળનું મુખ્ય કારણ માર્જિન્સમાં ઘટાડો છે.
અત્યાર સુધીમાં પરિણામો જાહેર કરી ચૂકેલી 3361 લિસ્ટેડ કંપનીઓના સપ્ટેમ્બર ક્વાર્ટર પરિણામોનો અભ્યાસ કરીએ તો જણાય છે કે તેમનો કુલ નફો દેશના જીડીપીના 3.48 ટકા જેટલો બેસતો હતો. જે પ્રથમ ક્વાર્ટર(જૂન ક્વાર્ટર)માં જીડીપીના 3.57 ટકા પરની સરખામણીમાં 0.09 ટકા ઘટાડો દર્શાવતો હતો. જ્યારે 2021-22ના બીજા ક્વાર્ટરમાં તે 4.39 ટકા પર હતો. જે તેની છેલ્લાં એક દાયકાની ટોચ હતી. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જોકે આ રેશિયો કોવિડ અગાઉના 2.3 ટકાની સરેરાશ કરતાં ઊંચો જોવા મળ્યો હતો. કોર્પોરેટ પ્રોફિટ-ટુ-જીડીપી રેશિયોમાં ઘટાડાની આગેવાની મેન્યૂફેક્ચરિંગ કંપનીઓએ લીધી હતી. જેમણે જીડીપીની સરખામણીમાં તેમના પ્રોફિટનો રેશિયો નવ ક્વાર્ટરના તળિયે જોયો હતો. આનાથી ઊલટું સર્વિસિસ સેક્ટરનો દેખાવ સારો રહ્યો હતો. ખાસ કરી બેંક્સ અને ફાઈનાન્સિયલ સર્વિસિસ કંપનીઓએ બીજા ક્વાર્ટરમાં વિક્રમી નફો નોંધાવ્યો હતો અને તેને કારણે તેમના નફા હિસ્સામાં વૃદ્ધિ જોવા મળી હતી. અભ્યાસમાં સમાવિષ્ટ કંપનીઓનો કુલ પ્રોફિટ વાર્ષિક ધોરણે 7.8 ટકા ગગડી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 2.27 લાખ કરોડ પર રહ્યો હતો. જે વર્ષ અગાઉ સમાનગાળામાં રૂ. 2.47 લાખ કરોડ પર હતો. 2021-22ના માર્ચ મહિનામાં રૂ. 2.78 લાખ કરોડના વિક્રમી કોર્પોરેટ પ્રોફિટની સરખામણીમાં સપ્ટેમ્બર ક્વાર્ટરમાં અર્નિંગ્સ 18.2 ટકા ગગડ્યાં હતાં. આની સરખામણીમાં ભારતનો ત્રિમાસિક નોમીનલ જીડીપી વાર્ષિક ધોરણે 16.2 ટકા વૃદ્ધિ સાથે રૂ. 65.31 લાખ કરોડ પર રહ્યો હતો. જોકે ગયા માર્ચ ક્વાર્ટરમાં રૂ. 66.15 લાખ કરોડની સરખામણીમાં 1.3 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યો હતો. મેન્યૂફેક્ચરિંગ કંપનીઓના માર્જિન્સમાં નોંધપાત્ર ઘટાડા પાછળ કોર્પોરેટ ક્ષેત્રે સમગ્રતયા પ્રોફિટ ઘટ્યો હતો. ઊંચા ઊનપુટ ખર્ચને કારણે તથા નીચા રિઅલાઈઝેશનને કારણે આમ બન્યું હતું એમ વર્તુળો જણાવે છે. મેન્યૂફેક્ચરિંગ કંપનીઓનો સંયુક્ત પ્રોફિટ-ટુ-જીડીપી રેશિયો ગગડી 0.93 ટકાની સ્તરે પહોંચ્યો હતો. જે જૂન ક્વાર્ટરમાં 1.13 ટકા પર હતો. જ્યારે સપ્ટેમ્બર 2021 ક્વાર્ટરમાં 1.53 ટકા પર જોવા મળી રહ્યો હતો. જૂન 2017થી ડિસેમ્બર 2019 દરમિયાન આ કંપનીઓનો સરેરાશ પ્રોફિટ, જીડીપીના 0.9 ટકા જેટલો જોવા મળતો હતો. મેન્યૂફેક્ચરિંગ કંપનીઓનો સંયુક્ત પ્રોફિટ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 86200 કરોડ પરથી 29.3 ટકાના તીવ્ર ઘટાડે ગયા સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 60950 કરોડ પર જોવા મળ્યો હતો. એનાલિસ્ટ્સ આગામી ક્વાર્ટર્સમાં કોર્પોરેટ પ્રોફિટ ટુ જીડીપી રેશિયોમાં વધુ ઘટાડો જોઈ રહ્યાં છે. જોકે બેંકિંગ કંપનીઓ તરફથી સારો દેખાવ જળવાય શકે છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કોર્પોરેટ પ્રોફિટમાં બેંક્સનો હિસ્સો 27 ટકાની વિક્રમી ટોચ પર પહોંચ્યો હતો. જે વર્ષ અગાઉ સમાનગાળામાં 18 ટકાના સ્તરે જોવા મળી રહ્યો હતો. કોવિડ અગાઉના 5 ટકાના સ્તરની સરખામણીમાં તે તીવ્ર વૃદ્ધિ સૂચવી રહ્યો છે. છેલ્લાં ક્વાર્ટરમાં કોમોડિટીઝીના ભાવમાં તીવ્ર ઘટાડાને પગલે એનાલિસ્ટ્સ ટ્રેન્ડ રિવર્સલની અપેક્ષા રાખી રહ્યાં છે. તેમના મતે રો-મટિરિયલ કોસ્ટ તથા એનર્જી કોસ્ટમાં નોંધપાત્ર ઘટાડા પાછળ તથા ઈન્ટરેસ્ટ રેટમાં પીક બનવામાં હોવાથી કોર્પોરેટ માર્જિન્સમાં ફરી વૃદ્ધિનો ટ્રેન્ડ જોવા મળશે.
હાઈડ્રોજન-ચલિત એન્જિન ડેવલપમેન્ટ માટે RILની અશોક લેલેન્ડ સાથે વાતચીત
મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હાઈડ્રોજન-પાવર્ડ એન્જિન્સના ડેવલપમેન્ટ અને સપ્લાય માટે હિંદુજા જૂથની માલિકીની બસ ઉત્પાદક અશોક લેલેન્ડ સાથે વાતચીતના આખરી તબક્કામાં પહોંચી ગઈ હોવાનું જાણકારોનું કહેવું છે. જે હેઠળ પ્રથમ તબક્કામાં લેલેન્ડ વર્તમાન 45000 ટ્રક્સના કાફલામાં ફ્યુઅલ-સેલ એન્જિન્સ ફીટ કરશે. જેથી આ વાહનો ડિઝલના બદલે ગ્રીન હાઈડ્રોજનનો ઈંધણ તરીકે ઉપયોગ કરી શકે. હાલમાં આ વાહનો રિફાઈન્ડ પ્રોડક્ટ્સનું પરિવહન કરવામાં ઉપયોગમાં લેવાય છે. રિલાયન્સ તેની જામનગર રિફાઈનરી ખાતે 2025 સુધીમાં ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદનનું આયોજન ધરાવે છે. તે વિશાળ ઓટોમોટીવ માર્કેટને હાઈડ્રોજન સપ્લાય માટે વિચારી રહી છે. જેમાં બસ અને કેબ્સનો સમાવેશ થાય છે.
2022માં સ્ટાર્ટ-અપ ફંડીંગમાં 35 ટકા ઘટાડો
ચાલુ કેલેન્ડરમાં શરૂઆતી 11 મહિના દરમિયાન સ્ટાર્ટ-અપ ફંડીગમાં 35 ટકાનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે અને તે 24.7 અબજ ડોલર પર રહ્યું છે. ગયા વર્ષે સમાનગાળામાં તે 37.2 અબજ ડોલર પર જોવા મળ્યું હતું. આમ અંતિમ આંકડાની રીતે તે 13 અબજ ડોલરનો મોટો ઘટાડો સૂચવે છે. એક રિપોર્ટ મુજબ લેટ-સ્ટેજ ફંડીંગમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળવાને કારણે આમ બન્યું છે. જાન્યુઆરીથી નવેમ્બર 2021માં લેટ-સ્ટેજ ફંડીંગના ભાગરૂપે 29.3 અબજ ડોલરની રકમ જોવા મળી હતી. જેની સરખામણીમાં ચાલુ વર્ષે માત્ર 16.1 અબજ ડોલરનું ફંડ કંપનીઓએ મેળવ્યું છે. જે 79 ટકાનો તીવ્ર ઘટાડો દર્શાવે છે. જોકે નવેમ્બરમાં સ્ટાર્ટ-અપ ફંડીંગનો દેખાવ સારો જળવાયો હતો. જે આગામી મહિનાઓમાં આગળ વધે છે કે નહિ તે જોવાનું રહેશે.
કોર્પોરેટ હેડલાઈન્સ
એક્સિસ બેંકઃ ત્રીજા ક્રમની પ્રાઈવેટ બેંક રૂ. 12 હજાર કરોડના ટિયર-2 બોન્ડ્સ ઈસ્યુ કરવા માટે વિચારી રહી છે. જે ચાલુ નાણાકિય વર્ષ દરમિયાન કોઈપણ બેંક તરફથી બીજું સૌથી મોટું ફંડ રેઈઝીંગ હશે. બેંક રૂ. 1000 કરોડની બેઝ સાઈઝ સાથે ઈસ્યુ કરશે. જેમાં રૂ. 11 હજાર કરોડનો ગ્રીન-શૂ ઓપ્શન રહેશે. બોન્ડ 10 વર્ષનો મેચ્યોરિટી પિરિયડ ધરાવતાં હશે. બોન્ડ સેલ શુક્રવારે હાથ ધરાય તેવી શક્યતાં છે.
આઈડીબીઆઈ બેંકઃ કેન્દ્ર સરકારના ડિસઈન્વેસ્ટમેન્ટ વિભાગે પીએસયૂ બેંકના હિસ્સા વેચાણને લઈને 9-10 સંભવિત બીડર્સ પાસેથી 167 ક્વેરિઝ મેળવી હોવાનું વર્તુળો જણાવે છે. જેમાં હિસ્સાના વેચાણ બાદ મેનેજમેન્ટ કંટ્રોલના ટ્રાન્સફરથી લઈ કોર્પોરેટ રિસ્ટ્રક્ચરિંગ જેવી બાબતોનો સમાવેશ થાય છે.
કાર ઉત્પાદકોઃ દેશમાં કાર ઉત્પાદન કંપનીઓ જાન્યુઆરી મહિનાથી તેમની પ્રોડક્ટ્સના ભાવમાં વૃદ્ધિ માટે વિચારી રહી છે. જેમાં મર્સિડિઝ-બેન્ઝ, ઔડી, રેનો, કિઆ ઈન્ડિયા અને એમજી મોટરનો સમાવેશ થાય છે. મારુતિ સુઝુકી અને તાતા મોટર્સ અગાઉ ભાવ વૃદ્ધિની જાહેરાત કરી ચૂક્યાં છે. કંપનીઓ વિવિધ મોડેલ્સના ભાવમાં 5 ટકા સુધીનો વધારો કરશે.
ઈન્ડુસ ટાવરઃ ટેલિકોમ ટાવર કંપનીના બોર્ડે મૂલ્યના નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ મારફતે રૂ. 1500 કરોડ ઊભા કરવાની મંજૂરી આપી છે. કંપની ત્રણ તબક્કામાં આ ઈસ્યુ કરશે. પ્રાઈવેટ પ્લેસમેન્ટ આધારે હાથ ધરાનારા એનસીડી ઈસ્યુ મારફતે કંપની તેનું કેપેક્સ મેળવશે.
ટેલિકોમ કંપનીઝઃ ટેલિકોમ ઓપરેટર્સે 1 ઓક્ટોબરે તેમની 5જી સર્વિસિસ લોંચ કર્યાં બાદ તેમની સેવાને અત્યાર સુધીમાં દેશના 50 શહેરોમાં વિસ્તારી છે. જ્યાં પણ 5જી સેવા ઉપલબ્ધ છે ત્યાં ગ્રાહકો તરફથી ફરિયાદો નહિ મળી હોવાનું પણ ટેલિકોમ વિભાગે જણાવ્યું છે. જીઓ અને એરટેલ 5જી સેવા ચાલુ કરવામાં અગ્રણી છે.
ઓએનજીસીઃ સરકારે ઓએનજીસીના બોર્ડનું પુનર્ગઠન કર્યું છે. જેમાં ડિરેક્ટર(પ્રોડક્શન) તથા ડિરેક્ટર(સ્ટ્રેટેજી એન્ડ કોર્પોરેટ અફેર્સ)ની બે નવી પોસ્ટ ઉભી કરવામાં આવી છે. ઉપરાંત સરકારે બીપીસીએલના નિવૃત્ત અધિકારીને ઓઈલ ઉત્પાદક કંપનીના ચેરમેન બનાવ્યાં છે.
એચસીએલ ટેક્નોલોજીઃ અગ્રણી આઈટી કંપનીએ ઈન્ટેલ અને માવેનીર સાથે 5જી એન્ટરપ્રાઈઝ ટેક્નોલોજી સોલ્યુશન્સ ડિલિવર કરવા માટે જોડાણ કર્યું છે. કંપનીઓ ભેગા મળી ઈન્ટેલ ઝેઓન પ્રોસેસર સ્થિત ક્લાઉડ-નેટીવ ઈ2ઈ આર્કિટેક્ચર ડેવલપ કરશે.
આઈશર મોટર્સઃ હાઈ એન્ડ બાઈક ઉત્પાદક રોયલ એનફિલ્ડે જણાવ્યું છે કે તેણે બ્રાઝિલ ખાતે તેની નવી એસેમ્બલી સુવિધાને કાર્યાન્વિત કરી દીધી છે.
ટેક મહિન્દ્રાઃ ટોચની આઈટી કંપનીએ ક્લાઉડ બ્લેઝ ટેકના લોંચની જાહેરાત કરી છે. જે એક ઈન્ટિગ્રેટેડ તથા સેક્ટર-એગ્નોસ્ટીક પ્લેટફોર્મ છે.
મહિન્દ્રા લોજિસ્ટીક્સઃ લોજિસ્ટીક્સ સોલ્યુશન્સ પ્રોવાઈડરે યૂકે ખાતે એમએલએલ ગ્લોબલ લોજિસ્ટીક્સ નામે એક સંપૂર્ણ માલિકીની સબસિડિયરીની સ્થાપના કરી છે.
આઈએલએન્ડએફએસ ટ્રાન્સપોર્ટેશનઃ કંપની તેના સંયુક્ત સાહસ હઝિરાબાગ રાંચી એક્સપ્રેસવે લિમિટેડમાં 50 ટકા હિસ્સાનું વેચાણ કરશે.
ટીવીએસ મોટરઃ ટુ-વ્હીલર ઉત્પાદકે જર્મન કંપની બીબીટી 35/22 વેર્મોજેનસ્વેવાલ્ટુંગ્સ જીએમબીએચમાં 25000 યૂરોમાં 100 ટકા હિસ્સાની ખરીદી કરી છે.
Market Summary 8 December 2022
December 08, 2022