બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
ઈન્ટ્રા-ડે વોલેટિલિટી વચ્ચે માર્કેટ્સે ફ્લેટ બંધ દર્શાવ્યું
હોંગ કોંગ, ચીનના બજારો સિવાય અન્યત્ર નરમાઈ
હેંગ સેંગ 5 ટકા, ચીનનું બજાર 2 ટકા ઉછળ્યું
ઈન્ડિયા વિક્સ 2 ટકા વધી 13.73ની સપાટીએ
મેટલ ઈન્ડેક્સે સર્વોચ્ચ સપાટી દર્શાવી
ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી નરમ
એનબીએફસી શેર્સમાં ભારે લેવાલી
આઈડીએફસી ફર્સ્ટ બેંક, એબી કેપિટલ નવી ઊંચાઈએ
વૈશ્વિક બજારોમાં મિશ્ર દેખાવ વચ્ચે ભારતીય બજારોમાં સતત બીજા દિવસે અન્ડરટોન નરમાઈ તરફી બની રહ્યો હતો. બે બાજુની વધ-ઘટ બાદ બેન્ચમાર્ક્સ લગભગ ફ્લેટ જોવા મળ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 34 પોઈન્ટ્સના ઘટાડે 62835ની સપાટીએ જ્યારે નિફ્ટી 5 પોઈન્ટ્સ સુધરી 18701ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં મધ્યમસરની ખરીદી પાછળ બ્રેડ્થ લગભગ ન્યૂટ્રલ જળવાય હતી. નિફ્ટીમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 26 પોઝીટીવ જોવા મળ્યાં હતાં. જ્યારે 24 કાઉન્ટર્સ ઘટાડો સૂચવતાં હતાં. જોકે બ્રોડ માર્કેટમાં ખરીદી જળવાય હતી અને માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2 ટકા વધી 13.73ની સપાટી પર બંધ રહ્યો હતો.
એશિયન બજારોમાં કોઈ એક દિશામાં ટ્રેડના અભાવ વચ્ચે ભારતીય બજારમાં કામકાજની શરૂઆત પોઝીટીવ રહી હતી. નિફ્ટી 18696ના બંધ સામે 18720 પર ખૂલ્યાં બાદ ગગડીને 18591 પર ટ્રેડ થયો હતો. જોકે શરૂઆતી ઘટાડા બાદ તે ધીમે-ધીમે સુધરતો રહ્યો હતો અને ઉપરમાં 18729ની સપાટી પર ટ્રેડ થયો હતો અને ફ્લેટ બંધ રહ્યો હતો. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે માર્કેટમાં ટ્રેન્ડ સુધારાનો જ છે અને તેથી ઘટાડે ખરીદીનો વ્યૂહ યોગ્ય બની રહેશે. જો બેન્ચમાર્ક 18600નું સ્તર તોડે તો જ માર્કેટમાં ટ્રેન્ડ રિવર્સલની શક્યતાં ઊભી થઈ શકે છે. હાલમાં વિદેશી સંસ્થાકિય રોકાણકારો તરફથી પોઝીટીવ ફ્લોને જોતાં વેચવાલીની શક્યતાં ઓછી છે. તેમજ સ્થાનિક ડેટા પણ સારો આવી રહ્યો છે. જોકે ચાલુ સપ્તાહે આરબીઆઈની બેઠક તથા ગુરુવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ જેવી ઘટનાઓને જોતાં બજારમાં સાવચેતી જોવા મળી શકે છે. જેની પાછળ વોલ્યુમમાં પણ ઘટાડો સંભવ છે. સોમવારે બજારને સપોર્ટ આપવામાં મેટલ સેક્ટર મુખ્ય હતું. આ સિવાય બેંકિંગમાં પણ પોઝીટીવ ટોન જળવાય રહ્યો હતો. જોકે તે સિવાય અન્ય સેક્ટરમાં નરમાઈ જોવા મળી રહી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 1.9 ટકા ઉછળી 6820ની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. ઈન્ટ્રા-ડે તેણે 6835ની ટોચ દર્શાવી હતી. ઈન્ડેક્સે ગયા વર્ષે દર્શાવેલી ટોચને પાર કરી હતી. મેટલ કાઉન્ટર્સમાં હિંદાલ્કો, તાતા સ્ટીલ, હિંદુસ્તાન ઝીંક, નાલ્કો, એનએમડીસી, કોલ ઈન્ડિયા, જેએસડબલ્યુ સ્ટીલ, વેદાંત અને સેઈલમાં એક ટકાથી લઈ 4 ટકા ઉપરાંતની મજબૂતી જોવા મળતી હતી. બેંક નિફ્ટી અડધો ટકો સુધરી 43333ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે તે નવી ટોચ દર્શાવી શક્યો નહોતો. બેંકિંગ કાઉન્ટર્સમાં ફેડરલ બેંક 3 ટકા ઉછળ્યો હતો. જ્યારે આઈડીએફસી ફર્સ્ટ બેંક 2.4 ટકા, પીએનબી 2 ટકા, એસબીઆઈ 1.6 ટકા, ઈન્ડસઈન્ડ બેંક 1.5 ટકા, બેંક ઓફ બરોડા જ.5 ટકા સુધારો દર્શાવતાં હતાં. માત્ર એક્સિસ બેંક નરમાઈ સૂચવતો હતો. નિફ્ટી રિઅલ્ટી અને મિડિયા પણ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. રિઅલ્ટી કાઉન્ટર્સમાં હેમિસ્ફિઅર 10 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત સોભા 5 ટકા, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી 2 ટકા અને ગોદરેજ પ્રોપર્ટીઝ 2 ટકા મજબૂતી દર્શાવતાં હતાં. નિફ્ટી પીએસઈ પણ 0.74 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેમાં નાલ્કોનું યોગદાન મુખ્ય હતું. શેર 3 ટકા ઉછળ્યો હતો. જ્યારે એનએમડીસી 2.4 ટકા, ઓએનજીસી 2 ટકા, ઓઈલ ઈન્ડિયા 2 ટકા, એનટીપીસી પણ 2 ટકા સુધારો દર્શાવતાં હતાં. જોકે બીજી બાજુ ભેલ, એચપીસીએલ, પાવર ફાઈનાન્સ કોર્પોરેશન, બીપીસીએલ અને કોન્કોરમાં નરમાઈ જોવા મળી હતી. આઈટી, ફાર્મા અને ઓટો સેક્ટર્સ નરમાઈ તરફી જળવાયાં હતાં. નિફ્ટી ઓટો 0.3 ટકા, નિફ્ટી આઈટી 0.52 ટકા અને ફાર્મા 0.3 ટકા ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. ઓટો કાઉન્ટર્સમાં ટીવીએસ મોટર, ટાટા મોટર્સ, ભારત ફોર્જ અને એમએન્ડએમ ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે આઈટી કાઉન્ટર્સમાં એલએન્ડટીમાઈન્ડટ્રી, ટેક મહિન્દ્રા, કોફોર્જ, એમ્ફેસિસ, એલએન્ડટી ટેક્નોલોજી અને એચસીએલ ટેક્નોલોજી નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. ફાર્મા કાઉન્ટર્સમાં બાયોકોન, ઓરોબિંદો ફાર્મા, લ્યુપિન, ડો. રેડ્ડીઝ લેબ્સ સહિતના કાઉન્ટર્સ રેડ ઝોનમાં જોવા મળતાં હતાં. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટની વાત કરીએ તો એનબીએફસી શેર્સમાં ભારે ખરીદી નોંધાઈ હતી. જેમાં એમએન્ડએમ ફાઈનાન્સિયલ 5.3 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત એબી કેપિટલ, પિરામલ એન્ટરપ્રાઈઝ, મણ્ણાપુરમ ફાઈનાન્સ પણ 4 ટકાથી વધુ સુધારો દર્શાવતાં હતાં. ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ 3 ટકા જેટલો સુધર્યો હતો. બીજી બાજુ દાલમિયા ભારત, એચપીસીએલ, એપોલો હોસ્પિટલ, પર્સિસ્ટન્ટ ટેક્નોલોજી, મેટ્રોપોલીસ, વોડાફોન આઈડિયા, ગુજરાત ગેસ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ નોંધપાત્ર ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. કેટલાંક કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ અથવા સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. જેમાં જેકે લક્ષ્મી સિમેન્ટ, કલ્યાણ જ્વેલર્સ, એસજેવીએન, એબી કેપિટલ, વરુણ બેવરેજીસ, આઈઆઈએફએલ ફાઈનાન્સ, બેંક ઓફ ઈન્ડિયા, આઈડીએફસી, ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ અને ઈન્ડિયન બેંકનો સમાવેશ થતો હતો.
ભારત 2022માં 100 અબજ ડોલરનું વિક્રમી રેમિટન્સ મેળવશે
પ્રથમવાર કોઈ દેશ આવુ સીમાચિહ્ન હાંસલ કરશે
મેક્સિકો 60 અબજ ડોલર તથા ચીન 51 અબજ ડોલર સાથે બીજા અને ત્રીજા ક્રમે રહેશે
વર્લ્ડ બેંકના અહેવાલ મુજબ કેલેન્ડર 2022માં ભારત 100 અબજ ડોલરનું વિક્રમી રેમિટન્સ મેળવશે. જે સાથે વિશ્વમાં આટલું ઊંચું રેમિટન્સ મેળવનાર તે પ્રથમ દેશ બનશે. હજુ સુધી કોઈ દેશે 100 અબજ ડોલરથી વધુનું રેમિટન્સ દર્શાવ્યું નથી. ભારત પછીના ક્રમે રેમિટન્સ મેળવવામાં મેક્સિકો(60 અબજ ડોલર), ચીન(51 અબજ ડોલર), ફિલિપિન્સ(38 અબજ ડોલર), ઈજિપ્ત(32 અબજ ડોલર) અને પાકિસ્તાન(29 અબજ ડોલર)ના ક્રમે રહેશે.
ભારતનું રેમિટન્સ દેશના જીડીપીના લગભગ 3 ટકા જેટલું રહેશે. વિશ્વ બેકે તેના માઈગ્રેશન એન્ડ ડેવલપમેન્ટ બ્રીફ નામના અહેવાલમાં જણાવ્યું છે કે 2022માં ભારતના રેમિટન્સમાં 12 ટકા વૃદ્ધિ જોવા મળશે. જે ગયા વર્ષે 7.5 ટકા પર રહી હતી. જેને કારણે 2021માં 89.4 અબજ ડોલરની સરખામણીમાં 2022માં રેમિટન્સ 100 અબજ ડોલરની સંખ્યા પાર કરી જશે. મોટાભાગનું રેમિટન્સ પશ્ચિમી દેશો યુએસ અને યુકે ઉપરાંત અખાતી દેશોમાંથી જોવા મળશે એમ રિપોર્ટ નોંધે છે. ચાલુ વર્ષે એક નોંધપાત્ર બાબત એ છે કે કુલ રેમિટન્સમાં 23 ટકા હિસ્સા સાથે યુનાઈટેડ સ્ટેટ્સ પ્રથમવાર ટોચના સ્થાને રહેશે. તે યૂએઈને પાછળ રાખશે. 2020-21માં યુએઈ રેમિટન્સ મોકલવામાં ટોચ પર હતું. દેશના કુલ ઈમિગ્રેન્ટ્સનો 20 ટકા હિસ્સો યુએસ અને યૂકે ખાતે રહે છે. યુએસની વસ્તી ગણતરી મુજબ 2019માં 50 લાખ ભારતીયો ત્યાં વસતાં હતાં. જેમાંથી 43 ટકા હાઈ સ્કિલ્ડ ભારતીય હતાં. એટલેકે ભારતમાં જન્મેલા યુનાઈટેડ સ્ટેટ્સ નિવાસીઓ ગ્રેજ્યૂએટ ડિગ્રી ધરાવતાં હતાં. જેની સરખામણીમાં યુએસમાં જન્મેલા રેસિડેન્ટ્સમાં 13 ટકા જ ગ્રેજ્યૂએટ્સ હતાં. આને કારણે યુએસ ખાતે ભારતીયોની માથાદિઠ આવક સૌથી ઊંચી જોવા મળે છે. યોગ્યતામાં ઠાંચાકિય તબદિલીને કારણે હાઈ-સેલરાઈડ જોબ્સમાં ભારતીયોનું પ્રમાણ ઊંચું છે અને તેથી રેમિટન્સિસમાં પણ તે બાબત જોવા મળી રહી છે. મહામારી દરમિયાન પણ હાઈ-ઈન્કમ દેશોમાં ભારતીય ઈમિગ્રન્ટ્સે વર્કમ ફ્રોમ હોમનો લાભ લીધો હતો. તેમને ઊંચા ફિસ્કલ સ્ટીમ્યુલસ પેકેજિસને કારણે પણ ઘણો લાભ થયો હતો. જ્યારે કોવિડ બાદ વેતન વૃદ્ધિ અને વિક્રમી એમ્પ્લોયમેન્ટની સ્થિતિને કારણે રેમિટન્સ ગ્રોથમાં સહાયતા મળી હોવાનું રિપોર્ટ જણાવે છે. માત્ર યૂએસ ખાતે જ નહિ યૂકે અને ગલ્ફ દેશોમાં પણ ભારતીયો સરેરાશ વેતનથી ઊંચું વેતન મેળવી રહ્યાં છે અને તેની અસર રેમિટન્સ પર પડી છે.
ભારત અને નેપાળના મજબૂત દેખાવને કારણે 2022માં દક્ષિણ એશિયામાં રેમિટન્સિસમાં 3.5 ટકા વૃદ્ધિ નોંધાશે અને તે કુલ 163 અબજ ડોલર પર જોવા મળે એમ વિશ્વ બેંક જણાવે છે. જોકે 2021માં 6.7 ટકા વૃદ્ધિ દરની સરખામણીમાં તે નીચો વૃદ્ધિ દર દર્શાવે છે. આનું કારણ આ ક્ષેત્રના વ્યક્તિગત દેશોમાં જોવા મળતો ફેરફાર છે. જેમકે ભારતના રેમિટન્સમાં 12 ટકા જ્યારે નેપાળમાં 4 ટકા વૃદ્ધિ જોવા મળી રહી છે. બીજી બાજુ અન્ય દેશોના રેમિટન્સમાં કુલ 10 ટકાનો ઘટાડો નોંધાયો છે.
ભારતનું રેમિટન્સ શા માટે વધી રહ્યું છે?
વર્લ્ડ બેંકના જણાવ્યા મુજબ ભારતીય ઈમિગ્રેન્ટ્સની યોગ્યતામાં માળખાકિય તબદિલી જોવા મળી રહી છે અને તેથઈ તેઓ ‘સૌથી ઊંચી ઈન્કમ ધરાવતી કેટેગરી’માં આવે છે. ખાસ કરીને તેમનો સર્વિસ સેક્ટરમાં દબદબો જોવા મળી રહ્યો છે. ઊંચા એજ્યૂકેશનને કારણે તેઓ ઊંચી ઈન્કમ ધરાવતાં ગ્રૂપમાં છે અને તેથી ઊંચી આવકને કારણે તેઓ ઊંચું રેમિટન્સ મોકલી રહ્યાં છે. ગલ્ફ દેશોમાં લો-સ્કીલ્ડ એમ્પ્લોયમેન્ટમાંથી હવે તેઓ યુએસ, યુકે, સિંગાપુર, ઓસ્ટ્રેલિયા, જાપાન અને ન્યૂ ઝીલેન્ડ જેવા દેશોમાં હાઈ-સ્કીલ્ડ જોબ્સમાં પ્રભુત્વ ધરાવે છે.
એમેઝોન 20 હજાર કર્મચારીઓની છટણી કરે તેવી સંભાવના
અગાઉ કંપની 10 હજાર કર્મચારીઓને છૂટાં કરે તેવા અહેવાલ હતાં
કોવિડમાં ઊંચી નિમણૂંકો બાદ એમેઝોન હવે આગામી મહિનાઓમાં 20 હજાર કર્મચારીઓને છૂટાં કરે તેવી સંભાવના છે. કંપનીના તમામ વિભાગોમાં 1થી 7 ગ્રેડ્સમાં તમામ રેંકિંગ્સમાં આ ઘટાડો કરવામાં આવી શકે છે એમ કોમ્પ્યુટર વર્લ્ડનો રિપોર્ટ જણાવે છે. નવેમ્બરમાં ન્યૂ યોર્ક ટાઈમ્સે એક અહેવાલમાં જણાવ્યું હતું કે એમેઝોન 10 હજાર કર્મચારીઓને છૂટાં કરી શકે છે.
છેલ્લાં કેટલાંક દિવસોથી કંપનીએ મેનેજર્સને એમ્પ્લોયીના પર્ફોર્મન્સ પ્રોબ્લેમ્સ શોધી કાઢવા જણાવ્યું છે. 20 હજાર કર્મચારીઓ એમેઝોનના 15 લાખ કર્મચારીઓના વૈશ્વિક ફોર્સનો 1.3 ટકા જેટલો હિસ્સો દર્શાવે છે. આમાં નોન-પર્મેનન્ટ વર્કર્સનો સમાવેશ પણ થાય છે. એમેઝોનના કર્મચારીઓને છૂટાં કરતી વખતે 24-કલાકની નોટિસ અને છૂટાં કર્યાં બદલનો પગાર આપવામાં આવે છે. અત્યાર સુધીમાં કંપનીના ઈતિહાસની આ સૌથી મોટી છટણી હશે. અહેવાલ જણાવે છે કે હજુ સુધી ક્યા વિભાગમાંથી અથવા કયા ક્ષેત્રમાંથી કર્મચારીઓની છટણી કરવામાં આવશે તે અંગે કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ય નથી. જોકે તે સમગ્ર બિઝનેસમાં જોવા મળશે કંપનીના વર્તુળોના જણાવ્યા મુજબ મહામારી વખતે વધુ પડતાં હાયરિંગને કારણે તથા કંપનીની નાણાકિય કામગીરી વણસવાને કારણે ખર્ચમાં ઘટાડાના ભાગરૂપે આમ કરવામાં આવશે. અગાઉ 17 નવેમ્બરે એમેઝોન સીઈઓ એન્ડી જસ્સીએ કર્મચારીઓને એક સંદેશમાં આ વાતની ખાતરી આપતાં જણાવ્યું હતું કે છટણી આવી રહી છે. જોકે તેમણે કેટલાં કર્મચારીઓની છટણી કરવામાં આવશે તે અંગે કોઈ સ્પષ્ટતાં નહોતી કરી. ન્યૂ યોર્ક ટાઈમ્સના ડિલબુક સમિટમાં બોલતાં જસ્સીએ સામૂહિત છટણીનો બચાવ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અમારે અમારા ખર્ચમાં ઘટાડો કરવાની જરૂર છે. કંપની છટણીના લાભોમાં સેપરેશન પેમેન્ટ, ટ્રાન્ઝિશ્નલ હેલ્થ ઈન્શ્યોરન્સ બેનિફિટ્સ અને એક્સટર્નલ જોબ પ્લેસમેન્ટ સપોર્ટ પૂરો પાડે છે.
દેશમાંથી સ્માર્ટફોન નિકાસમાં એપલ ટૂંકમાં સેમસંગને પાછળ રાખશે
એપ્રિલ-ઓક્ટોબરમાં ફોન નિકાસમાં એપલનો હિસ્સો વધી 2.2 અબજ ડોલરે પહોંચ્યો
ભારતમાંથી સ્માર્ટફોન્સની નિકાસની બાબતમાં એપલ ચાલુ નાણાકિય વર્ષની આખર સુધીમાં સેમસંગને પાછળ રાખી દે તેવી શક્યતાં જોવાઈ રહી છે. ઉપરાંત 2023-24ના નવા વર્ષમાં પણ એપલ કોરિયન જાયન્ટ્સથી ચઢિયાતો દેખાવ કરે તેવી અપેક્ષા છે. વર્ષ અગાઉ દેશની ફોન નિકાસમાં નજીવો હિસ્સો ધરાવતાં એપલનો હિસ્સો ચાલુ વર્ષે એપ્રિલથી ઓક્ટોબરમાં વધી 2.2 અબજ ડોલર પર જોવા મળ્યો છે. જ્યારે સેમસંગની નિકાસ 2.8 અબજ ડોલર પર જોવા મળી રહી છે એમ અહેવાલ જણાવે છે.
ચાલુ નાણા વર્ષના પ્રથમ સાત મહિના દરમિયાન દેશમાંથી સ્માર્ટફોનની કુલ નિકાસ 5 અબજ ડોલર પર જોવા મળી છે. જે 2021-22માં સમાનગાળામાં જોવા મળેલી 2.2 અબજ ડોલરની નિકાસની સરખામણીમાં 127 ટકા વૃદ્ધિ દર્શાવે છે. બંને કંપનીઓ ભારતમાં પ્રોડક્શન-લિંક્ડ ઈન્સેન્ટિવ્સ(પીએલઆઈ) સ્કિમ્સ હેઠળ સ્માર્ટફોન્સનું ઉત્પાદન ધરાવે છે. ભારતમાં ત્રણ કંપનીઓ એપલ સ્મોર્ટફોન્સનું ઉત્પાદન કરે છે. જેમાં ફોક્સકોન, પેગાટ્રોન અને વિસ્ટ્રોનનો સમાવેશ થાય છે. એપ્રિલ-ઓક્ટોબર 2020-21 દરમિયાન કુલ નિકાસમાં એપલનો હિસ્સો 10 ટકા હતો. જે 2021-22માં વધી 50 ટકા નજીક પહોંચ્યો છે. એપ્રલ-ઓક્ટોબરમાં ભારતની ઈલેક્ટ્રોનિક્સ નિકાસે બીજા ક્રમે ઊંચો વૃદ્ધિ દર દર્શાવ્યો હતો અને તે 12.14 અબજ ડોલર પર રહી હતી. જે 2020-21માં સમાનગાળામાં 7.87 અબજ ડોલર પર હતી. 2020-21માં કુલ નિકાસમાં મોબાઈલ ફોન્સનો હિસ્સો 30 ટકા હતો. જે 2022માં વધી 41 ટકા થયો હતો. સ્માર્ટફોનની નિકાસ બમણી થવાને કારણે ઈલેક્ટ્રોનિક્સની નિકાસ વધી રહી છે. આ સેક્ટર ચીન અને વિયેટનામ સાથે સીધી સ્પર્ધા કરી રહ્યું છે અને તે સ્પર્ધાત્મક બની રહે તેની ખાતરી જરૂરી છે એમ ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશનના હોદ્દેદાર જણાવે છે. રોકાણકારના સેન્ટિમેન્ટને પણ આપણે ઊંચું જાળવી રાખવું જરૂરી છે જેથી ભારતમાં સપ્લાય ચેઈનનું સ્થાનાંતર મજબૂત જળવાય રહે એમ તેઓ ઉમેરે છે.
ડોલર સામે રૂપિયો 47 પૈસા ગગડ્યો
નવા સપ્તાહની શરૂઆત ફોરેક્સ માર્કેટ માટે સારી નહોતી રહી. યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો 47 પૈસા ગગડી 81.80ની સપાટીએ બંધ રહ્યો હતો. આયાતકારો તરફથી ડોલરની ખરીદીને પગલે વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સમાં નરમાઈ છતાં સ્થાનિક ચલણમાં ઘટાડો નોંધાયો હતો. જોકે ફોરેક્સ ડિલર્સના મતે જો ડોલર ઈન્ડેક્સ મજબૂત હોત તો રૂપિયામાં તીવ્ર ધોવાણ જોવાયું હોત. રૂપિયો 81.26ની સપાટીએ ખૂલી નીચામાં 81.82 સુધી ટ્રેડ થયો હતો. જ્યાંથી બે પૈસા બાઉન્સ થઈ બંધ રહ્યો હતો. વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સ 105ની સપાટી નીચે ત્રણ મહિનાથી વધુના તળિયે ટ્રેડ દર્શાવતો હતો.
MCX ખાતે ચાંદીએ રૂ. 67000નું સ્તર કૂદાવ્યું
વૈશ્વિક બજારમાં મજબૂતી જળવાતાં તેમજ ડોલર સામે રૂપિયામાં નરમાઈને પગલે કિંમતી ધાતુઓના ભાવમાં સુધારો આગળ વધ્યો હતો. જેમાં ચાંદી મુખ્ય હતી. એમસીએક્સ ખાતે માર્ચ સિલ્વર વાયદો લગભગ સવા ટકા સુધારા સાથે રૂ. 67000ની સપાટી પાર કરી ગયો હતો. જે છેલ્લાં ઘણા મહિનાઓની ટોચ હતી. કોમેક્સ ખાતે સિલ્વર વાયદો 23 ડોલર પર ટકી રહ્યો હતો. રૂપિયામાં નરમાઈ પાછળ ગોલ્ડમાં પણ અડધા ટકાની મજબૂતી જોવા મળી રહી હતી અને એમસીએક્સ ફેબ્રુઆરી ગોલ્ડ વાયદો રૂ. 234ના સુધારે રૂ. 54084ની સપાટી પર ટ્રેડ દર્શાવી રહ્યો હતો. આમ તેણે રૂ. 54 હજારનું સ્તર પાર કર્યું હતું.
કોર્પોરેટ હેડલાઈન્સ
એનટીપીસીઃ પીએસયૂ પાવર ઉત્પાદક કંપની તેની રિન્યૂએબલ એનર્જિ પાંખ એનટીપીસી ગ્રીન એનર્જીમાં માર્ચ 2023 સુધીમાં સ્ટ્રેટેજિક ઈન્વેસ્ટર મેળવશે એમ કંપનીએ જણાવ્યું છે. કંપની રિન્યૂએબલ એનર્જીમાં મોટાપાયે રોકાણ કરી રહી છે.
ટોય્ઝ કંપનીઝઃ સરકાર ભારતમાં ટોય્ઝ ઉત્પાદક કંપનીઓને પ્રોત્સાહન આપવા માટે રૂ. 3500 કરોડના પ્રસ્તાવિત કદ સાથે પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટીવ(પીએલઆઈ) સ્કીમ લંબાવવા માટે વિચારી રહી છે. હાલમાં તે નાણા મંત્રાલય સાથે આ મુદ્દે સક્રિય ચર્ચા-વિચારણા ચલાવી રહી છે એમ વર્તુળો જણાવે છે.
પાવર ગ્રીડ કોર્પોરેશનઃ પીએસયૂ ગ્રીડ કંપની તેના ટેલિકોમ બિઝનેસને અલગ કરવા માટે વિચારી રહી છે. ટેલિકોમ બિઝનેસ પર ફોકસ વધારવા માટે કંપની સંપૂર્ણ માલિકીની પેટાકંપની પાવરગ્રીડ ટેલિસર્વિસિસ લિમાં બિઝનેસને ખસેડશે. દેશમાં 5જી સર્વિસ શરૂ થઈ રહી છે ત્યારે કંપની ટેલિકોમ બિઝનેસ પર ધ્યાન આપવાનો હેતુ ધરાવે છે.
એમએન્ડએમ ફાઈનાન્સઃ એનબીએફસીએ નવેમ્બર મહિનામાં રૂ. 4500 કરોડની લોન વિતરણ કરી હતી. જે વાર્ષિક ધોરણે 75 ટકાની તીવ્ર વૃદ્ધિ દર્શાવે છે. જેની પાછળ કંપનીના શેરમાં લગભગ 6 ટકાનો ઉછાળો નોંધાયો હતો.
અદાણી જૂથઃ ઔદ્યોગિક જૂથે તેની એરપોર્ટ પાંખ અદાણી એરપોર્ટ હોલ્ડિંગની બોરોઈંગ લિમિટમાં વૃદ્ધિ કરી છે. દેશમાં આવેલા તેના આંઠ એરપોર્ટ્સ ખાતે વિસ્તરણ યોજનાઓને ફંડ કરવા માટે બોરોઈંગ લિમિટને અગાઉના રૂ. 14 હજાર કરોડ પરથી વધારી રૂ. 16500 કરોડ કરવામાં આવી છે.
જીએમઆર એરપોર્ટઃ કંપનીની પાંખ જીએમઆર ઈન્ટરનેશનલ એરપોર્ટ લિ. સ્થાનિક બજારમાંથી નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ મારફતે રૂ. 1250 કરોડ ઊભા કરવા માટે વિચારી રહી છે. કંપની આ નાણા તેના 30 કરોડ ડોલરની વિદેશી લોનની આંશિક ચૂકવણી માટે ઊભા કરશે. કંપનીએ એપ્રિલ 2024 સુધીમાં આ બોન્ડ્સની પુનઃચૂકવણી કરવાની રહે છે.
એનડીટીવીઃ મિડિયા કંપનીમાં અદાણી જૂથની ઓપન ઓફર સામે 53 લાખ શેર્સ વેચાણ માટે આવ્યાં છે. એટલેકે ઓફર 32 ટકા જેટલી સબસ્ક્રાઈબ થઈ છે. જૂથે 1.67 કરોડ શેર્સની ખરીદી માટે ઓપન ઓફર કરી હતી. જે કંપનીની કુલ ઈક્વિટીનો 26 ટકા હિસ્સો હતો. જોકે કંપનીને રવિવાર સુધીમાં 53.27 લાખ શેર્સ માટે ઓફર મળી હતી.
આઈઆઈએફએલ વેલ્થઃ કંપનીના પ્રમોટર નિર્મલ મધુ ફેમિલી પ્રાઈવેટ ટ્રસ્ટે કંપનીમાં રૂ. 94.50 કરોડના મૂલ્યના શેર્સનું બજારમાં વેચાણ કર્યું છે. કંપનીના શેરે સોમવારે સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી.
એનડીટીવીઃ વિકાસા ઈન્ડિયા ઈઆઈએફ આઈ ફંડે મિડિયા કંપનીમાં 3.89 લાખ ઈક્વિટી શેર્સનું વેચાણ કર્યું છે. જે કંપનીની કુલ ઈક્વિટી હિસ્સાનો 0.6 ટકા જેટલો હિસ્સો છે.
હિંદુસ્તાન એરોનોટિક્સઃ પીએસયૂ કંપનીએ રૂ. 427.45 કરોડનો ઈન્કમ ટેક્સ રિફંડ ઓર્ડર મેળવ્યો છે.
આયોન એક્સચેન્જઃ કંપનીએ પીએસયૂ ઓઈલ જાયન્ટ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન પાસેથી રૂ. 343.36 કરોડનો ઓર્ડર મેળવ્યો છે.
પીબી ફિનટેકઃ કંપનીમાં જ્યારે ટોચના રોકાણકારે 5 ટકાથી વધુ હિસ્સાનું વેચાણ કર્યું છે ત્યારે સોસાયટી જનરાલી અને મોર્ગન સ્ટેનલી મોરેશ્યસે કંપનીમાં રૂ. 243 કરોડની ઈક્વિટીઝની ખરીદી કરી છે.
ડ્રોન પ્રોડ્યૂસર્સઃ સિવિલ મિનિસ્ટ્રીએ સ્થાનિક ડ્રોન ઈન્ડસ્ટ્રીને સહાયરૂપ બનવા માટે પીએલઆઈ ઈન્સેન્ટિવ સ્કિમ હેઠળ ગાઈડલાઈન્સ ઈસ્યુ કરી છે.
વેરિટાસઃ ઈન્વેસ્ટર સ્વાન એનર્જીએ વેરિટાસમાં 7 લાખ શેર્સ અથવા 2.6 ટકા ઈક્વિટી હિસ્સાની ખરીદી કરી છે.
Market Summary 5 December 2022
December 05, 2022