Market Summary 2 December 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
શેરબજારમાં આંઠ સત્રોથી અવિરત તેજી પછી વિરામ
વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક નરમાઈ જોવાઈ
નિફ્ટી કેશ-ફ્યુચર્સમાં 120નું પ્રિમીયમ યથાવત
ઈન્ડિયા વિક્સમાં 0.7 ટકા વૃદ્ધિ નોંધાઈ
ઓટો, કન્ઝમ્પ્શન, બેંકિંગમાં નરમાઈ
મીડ અને સ્મોલ-કેપ્સમાં જોકે મજબૂતી
ભેલ, સિએટ, જ્યોતિ લેબ્સ નવી ઊંચાઈએ

સતત આંઠ સત્રોથી તેજી દર્શાવ્યાં બાદ ભારતીય બજારમાં વિરામ જોવા મળ્યો હતો. યુએસ બજારોની આગેવાની વૈશ્વિક બજારોમાં નરમાઈને કારણે પણ ઊંચા મથાળે વેચવાલી જોવા મળી હતી અને માર્કેટે સમગ્ર દિવસ માટે રેડ ઝોનમાં ટ્રેડ દર્શાવ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 415 પોઈન્ટ્સ ગગડી 62680ની સપાટીએ જ્યારે નિફ્ટી 117 પોઈન્ટ્સના ઘટાડે 18696 પર બંધ જોવા મળ્યાં હતાં. નિફ્ટી કેશ સામે ફ્યુચર્સ 119 પોઈન્ટ્સ પ્રિમીયમે 18815 પર બંધ રહ્યો હતો. લાર્જ-કેપ્સમાં વ્યાપક વેચવાલી પાછળ બ્રેડ્થ નરમ જળવાય હતી. નિફ્ટીમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 34 ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર 14 કાઉન્ટર્સ અગાઉના બંધ સામે પોઝીટીવ જોવા મળ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં જોકે સુધારો જળવાયો હતો અને બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 0.67 ટકા સુધારા સાથે 13.45ની સપાટીએ બંધ રહ્યો હતો.
બુધવારે તીવ્ર ઉછાળા બાદ ગુરુવારે યુએસ બજારો પાછા પડ્યાં હતાં. જેની પાછળ એશિયાઈ બજારો ઘટાડા સાથે ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. જેની અસરે ભારતીય બજાર ગેપ-ડાઉન ઓપનીંગ બાદ અગાઉના બંધને દર્શાવવામાં નિષ્ફળ રહ્યું હતું. નિફ્ટી 18812ના બંધ સામે 18752ની સપાટીએ ખૂલી ઈન્ટ્રા-ડે 18782ની ટોચ દર્શાવી ઘટતો રહ્યો હતો. ઈન્ટ્રા-ડે તેણે 18639નું તળિયું બનાવ્યું હતું. આમ લગભગ પખવાડિયા બાદ માર્કેટે દિવસમાં કોઈએક સમયે ગ્રીન ઝોનમાં ટ્રેડ દર્શાવ્યું નહોતું. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે માર્કેટમાં સતત સુધારા બાદ આ પ્રકારનું કરેક્શન સ્વાભાવિક છે. બજારનો ટ્રેન્ડ સુધારાતરફી જ છે. લોંગ ટ્રેડર્સે 18300ના સ્ટોપલોસને જાળવીને તેમની પોઝીશન ઊભી રાખવી જોઈએ. આગામી સપ્તાહે આરબીઆઈની બેઠકને કારણે શરૂઆતી સત્રોમાં બજારમાં વધ-ઘટ ઊંચી જોવા મળી શકે છે. જોકે ત્યારબાદ તે ફરી સુધારાતરફી બની રહે તેવી શક્યતાં છે. નિફ્ટી ડિસેમ્બરમાં જ 19 હજારની સપાટી દર્શાવે તેવું બની શકે એમ તેઓ ઉમેરે છે. શુક્રવારે બજારને મેટલ, રિઅલ્ટી અને મિડિયા શેર્સ તરફથી સપોર્ટ સાંપડ્યો હતો. એ સિવાય તમામ સેક્ટરલ સૂચકાંકો નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી મેટલ 0.5 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેમાં મોઈલ, વેદાંતા, તાતા સ્ટીલ, સેઈલ, કોલ ઈન્ડિયા જેવા કાઉન્ટર્સ સુધરવામાં અગ્રણી હતા. મેટલ ઈન્ડેક્સ 6700ની સપાટી પાર કરી ગયો હતો અને તેની ગયા વર્ષની ટોચથી 100 પોઈન્ટ્સ છેટે જોવા મળ્યો હતો. નિફ્ટી રિઅલ્ટી એક ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેમાં હેમિસ્ફિઅર 6 ટકા ઉછળ્યો હતો. જ્યારે ફિનિક્સ મિલ્સ, પ્રેસ્ટીજ એસ્ટેટ, સોભા ડેવલપર્સ અને ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટીમાં 2 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો. નિફ્ટી મિડિયા ઈન્ડેક્સ 1.2 ટકા ઉછળ્યો હતો. જેમાં ડિશ ટીવી 7 ટકા, ટીવી18 બ્રોડકાસ્ટ 3 ટકા, ઝી એન્ટરટેઈનમેન્ટ 2 ટકા અને નેટવર્ક 18નો ટકાનો સમાવેશ થતો હતો. બીજી બાજુ બેંકિંગ, ફાર્મા, આઈટી, ઓટો સહિતના સેક્ટરલ સૂચકાંકો નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી બેંક 0.4 ટકા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જોકે તેણે 43 હજારની સપાટી જાળવી રાખી હતી. બેકિંગ કાઉન્ટર્સમાં બંધન બેંક, એયૂ સ્મોલ ફાઈ. બેંક, પીએનબીમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. જ્યારે આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, બેંક ઓફ બરોડા નેગેટિવ બંધ સૂચવતાં હતાં. આઈટી કાઉન્ટર્સ પણ રેડિશ જોવા મળતાં હતાં. જેમાં ઈન્ફોસિસ, ટીસીએસ અને વિપ્રો મુખ્ય હતાં. નિફ્ટી એફએમસીજી પણ અડધા ટકા ઘટાડે બંધ રહ્યો હતો. જેમાં ટાટા કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ, એચયૂએલ, નેસ્લે, પીએન્ડજી, આઈટીસી તમામ નેગેટિવ જોવા મળી રહ્યાં હતાં. નિફ્ટી ફઆર્મા અને નિફ્ટી કન્ઝ્મ્પ્શન પણ ઘટાડો સૂચવી રહ્યાં હતાં.
નિફ્ટી કાઉન્ટર્સની વાત કરીએ તો એપોલો હોસ્પિટલ્સ 2 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ટેક મહિન્દ્રા, તાતા સ્ટીલ, ગ્રાસિમ, ડો. રેડ્ડીઝ લેબ્સ, બીપીસીએલ પોઝીટીવ જોવા મળતાં હતાં. જ્યારે આઈશર મોટર્સ, એમએન્ડએમ, તાતા કન્ઝ્યૂમર્સ, હીરો મોટોકોર્પ, મારુતિ સુઝુકી, એચડીએફસી બજાજ ઓટો વગેરે નોંધપાત્ર ઘટાડો દર્શાવતાં હતાં. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ભેલ 7 ટકા ઉછળી રૂ. 90ની સપાટી કૂદાવી ગયો હતો. શેર છેલ્લાં ઘણા વર્ષોની ટોચ પર ટ્રેડ થયો હતો. આ ઉપરાંત એસ્ટ્રાલ, એબી કેપિટલ, એમએન્ડએમ ફાઈનાન્સિયલ, એલએન્ડટી ફાઈનાન્સ, ઓરેકલ ફાઈનાન્સ, એલએન્ડટી ટેક્નોલોજી, મણ્ણાપુરમ ફાઈ., પોલીકેબ, અતુલ, બિરલા સોફ્ટ, યુનાઈટેડ બ્રૂઅરીઝમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. આ તમામ કાઉન્ટર્સ 3 ટકાથી વધુ મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. બીજી બાજુ અબોટ ઈન્ડિયા, અશોક લેલેન્ડ, ઈન્ડિગોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. વાર્ષિક અથવા તો સર્વોચ્ચ સપાટી દર્શાવનારા કાઉન્ટર્સમાં રેમન્ડ, ભેલ, જેકે લક્ષ્મી સિમેન્ટ, જ્યોતિ લેબ્સ, એપીએલ એપોલો, સિએટ, વરુણ બેવરેજિસ, એબી કેપિટલ, કલ્યાણ જ્વેલર, એલએન્ડટી ફાઈનાન્સનો સમાવેશ થતો હતો. બ્રોડ માર્કેટમાં મજબૂતી જળવાઈ રહી હતી. બીએસઈ ખાતે કુલ 3621 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2030 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1455 નેગેટિવ જોવા મળતાં હતાં. જ્યારે 143 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 27 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું.


તમામ ઈન્શ્યોરન્સ બિઝનેસ માટે એક લાયસન્સનો સરકારનો પ્રસ્તાવ
નાણા મંત્રાલયનો ઈન્શ્યોરર્સને અન્ય ફાઈનાન્સિયલ પ્રોડક્ટ્સના વેચાણની છૂટ આપવાનુ સૂચન

કેન્દ્રિય નાણા મંત્રાલયે ઈન્શ્યોરન્સ સંબંધી નયમોમાં અનેક સુધારાઓનો પ્રસ્તાવ મૂક્યો છે. જેમાં ઈન્સ્યોરર્સને માટે એક સર્વસામાન્ય(કંપોઝીટ) લાયસન્સની જોગવાઈથી લઈ તેમને વિવિધ ફાઈનાન્સિયલ પ્રોડક્ટ્સના વેચાણની છૂટ આપવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. સાથે ઈન્શ્યોરન્સ રેગ્યુલેટર ઈરડાઈના ચેરમેન અને હોલ-ટાઈમ મેમ્બર્સ માટેની નિવૃત્તિ વયમાં વૃદ્ધિ કરવાની બાબત પણ સામેલ છે.
ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્સિયલ સર્વિસિઝે કરેલા સૂચનોમાં ઈન્શ્યોરર્સને એકથી વધુ ઈન્શ્યોરન્સ બિઝનેસમાં કામ કરવાની છૂટ આપવાનો સમાવેશ પણ થાય છે. જે મુજબ ઈન્શ્યોરસે જનરલ, લાઈફ અને હેલ્થ ઈશ્યોરન્સના દરેક બિઝનેસ માટે રેગ્યુલેટર પાસેથી અલગ-અલગ લાયસન્સ લેવાની જરૂર રહેતી નથી. જો કંપની આ બિઝનેસિસ માટે લઘુત્તમ મૂડી જરૂરિયાતનું પાલન કરતી હોય તો એક સર્વગ્રાહી લાયસન્સ વડે તે તમામ ઈન્શ્યોરન્સ બિઝનેસિસ ચલાવી શકે છે. આ માટે સરકારે ઈન્શ્યોરન્સ એક્ટ 1938માં સુધારો કરવાનો રહેશે. જો અરજદાર વિવિધ શ્રેણીઓ અને પેટા-શ્રેણીઓ માટે નિર્ધારિત કરવામાં આવેલા યોગ્યતાના માપદંડોનું પાલન કરતો હશે તો રેગ્યુલેટર અરજદારને ઈન્શ્યોરર તરીકે રજિસ્ટર કરી તેને તમામ ક્લાસિસ અથવા સબ-ક્લાસિસ માટેનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પૂરું પાડી શકે છે. જો ઈન્શ્યોરર ઈન્શ્યોરન્સના એક ક્લાસ અથવા સબ-ક્લાસનો બિઝનેસ ચલાવતો હોય તો તેણે તમામ ક્લાસ મુજબ રિસિટ્સ અને પેમેન્ટ્સ અલગથી જાળવવાના રહેશે એમ વિભાગે તેના પ્રસ્તાવમાં જણાવ્યું છે. ચાલુ સપ્તાહની શરૂમાં આ પ્રસ્તાવિત સુધારાઓ રજૂ કરવામાં આવ્યાં હતાં. જેના પર જાહેર જનતા 15 ડિસેમ્બર સુધી તેમના પ્રતિભાવ રજૂ કરી શકે છે. વવિધ બિઝનેસ ક્લાસિસમાં લાઈફ, જનરલ, હેલ્થ અથવા રિઈન્શ્યોરન્સનો સમાવેશ થાય છે. જ્યારે સબ-ક્લાસિસમાં ફાયર, મરિન અને મિસ્સેલેનિયલ બિઝનેસિસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિભાગે ઈરડાઈના ચેરમેને અને હોલ-ટાઈમ ડિરેક્ટર માટેની નિવૃત્તિ વયને 65 વર્ષ સુધી વધારવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. હાલમાં તે 62 વર્ષની છે. સાથે જ કેપ્ટિવ ઈન્શ્યોરર્સનો કન્સેપ્ટ પણ રજૂ કર્યો છે. પ્રસ્તાવમાં ઈન્શ્યોરન્સ કંપનીઓને અન્ય ફાઈનાન્સિયલ પ્રોડક્ટ્સના વેચાણ માટેની છૂટ માટે પણ માગ કરાઈ છે. જેનો અર્થ એ થાય છે કે ઈન્શ્યોરન્સ કંપનીઓ મ્યુચ્યુલ ફંડ્સ પ્રોડક્ટ્સનું પણ વેચાણ કરી શકે. વિભાગે ઈન્શ્યોરન્સ કંપનીઓને તેમની કામગીરીના સ્કેલને આધારે લઘુત્તમ પેઈડ-અપ ઈક્વિટી કેપિટલ સાથે કામગીરીની શરૂઆત કરવાની છૂટ આપવા પણ જણાવ્યું છે. હાલના નિયમો મુજબ લાઈફ, જનરલ અથવા હેલ્થ ઈન્શ્યોરન્સ બિઝનેસ માટે રૂ. 100 કરોડના પેઈડ-અપ કેપિટલની જરૂરિયાત રહે છે. જ્યારે રિઈન્શ્યોરન્સ બિઝનેસ માટે રૂ. 200 કરોડની નેટવર્થ જરૂરી બને છે.


નવેમ્બરમાં કારના વેચાણે નવો વિક્રમ બનાવ્યો
કેલેન્ડર 2022માં 38 લાખ કાર્સના વેચાણ સાથે 2018ની ટોચને પાર કરવાનો અંદાજ
મારુતિ, તાતા મોટર્સના વેચાણમાં દ્વિઅંકી વૃદ્ધિ નોંધાઈ
ટોચની 10 પેસેન્જર વેહીકલ્સ ઉત્પાદકોનું વેચાણ 32 ટકા વધ્યું
દેશમાં કાર ઉત્પાદકો માટે નવેમ્બર મહિનો વિક્રમી વેચાણ દર્શાવતો હતો. વાર્ષિક ધોરણે દેશના ટોચના 10 પેસેન્જર વેહીકલ ઉત્પાદકોએ ગયા મહિને 31.7 ટકા વૃદ્ધિ નોંધાવી હતી અને કુલ 3,10,807 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. સેમીકંડક્ટર્સની ઉપલબ્ધિ વધતાં કાર ઉત્પાદકો વધુ યુનિટ્સનું ઉત્પાદન કરી શક્યાં હતાં. સતત છઠ્ઠા મહિને કાર ઉત્પાદનમાં વૃદ્ધિનો ક્રમ જળવાયો હતો. ઓટો કંપનીએ ડિલર્સને કરવામાં આવેલા વેચાણને સેલ્સ તરીકે ગણનામાં લે છે.
ભારત વિશ્વમાં ચોથુ સૌથી મોટુ પેસેન્જર વેહીકલ માર્કેટ છે અને તે અગાઉ કેલેન્ડર 2018માં બનાવેલા વિક્રમી કાર વેચાણના વિક્રમને તોડવા તૈયાર જણાય છે એમ મારુતિ સુઝુકીના સિનિયર અધિકારી જણાવે છે. ડિસેમ્બર મહિના સાથે 2022માં કારનું વેચાણ 38 લાખ યુનિટ્સને પાર કરી જવાનો અંદાજ છે. જે ભારતીય બજારમાં કોઈપણ કેલેન્ડરમાં કાર્સનું સૌથી ઊંચું વેચાણ હશે એમ તેઓ ઉમેરે છે. અગાઉ 2018માં ભારતમાં 33 લાખ કાર્સનું સૌથી ઊંચું વેચાણ નોંધાયું હતું. જોકે ત્યારબાદ કોવિડ સહિતની ઘટનાઓને કારણે કારના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો હતો. હાલમાં હાથ પર મજબૂત ઓર્ડર બુક હોવાના કારણે કાર ઉત્પાદકોને કેલેન્ડરની સમાપ્તિ વિક્રમી વેચાણ સાથે જોવા મળે એમ જણાઈ રહ્યું છે. ઉદ્યોગ ક્ષેત્રે અત્યારે કુલ ઓર્ડર બુક 7.5 લાખ કાર્સની છે. જ્યારે મારુતિ એકલી જ 3.75 લાખ કાર્સની ઓર્ડર બુક ધરાવે છે. માર્કેટ અગ્રણીએ તમામ સેગમેન્ટમાં વેચાણ વૃદ્ધિ નોંધાવી હતી. જેમાં એસયૂવી સેગમેન્ટ્સમાં વાર્ષિક 20.6 ટકા વૃદ્ધિ સાથે સ્થાનિક માર્કેટમાં 132,395 યુનિટ્સનું વેચાણ જોવા મળ્યું હતું. હ્યુન્દાઈ મોટર ઈન્ડિયાએ વેચાણમાં 29.7 ટકા વૃદ્ધિ નોંધાવી હતી અને તેનું વેચાણ 48,003 યુનિટ્સ પર રહ્યું હતું. કંપની 2022માં તેનું સૌથી ઊંચું વેચાણ દર્શાવવા માટે તૈયાર છે એમ કંપનીના સેલ્સ ડિરેક્ટરે જણાવ્યું હતું. તાતા મોટર્સનું વેચાણ પણ 55 ટકા ઉછળી 46425 યુનિટ્સ પર રહ્યું હતું. જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું વેચાણ 56 ટકા ઉછળી 30,238 યુનિટ્સ પર જોવા મળ્યું હતું. માત્ર બે કંપનીઓ ટોયોટા અને નિસ્સાન મોટરના વોલ્યુમમાં અનુક્રમે 9.4 ટકા અને 9.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે અન્ય કંપનીઓ કિઆ ઈન્ડિયા, હોન્ડા કાર્સ, એમજી મોટર, સ્કોડા ઓટોએ નવેમ્બરમાં વેહીકલ વેચાણમાં દ્વિઅંકી વૃદ્ધિ નોંધાવી હતી. સ્કોડા ઈન્ડિયાના બ્રાન્ડ ડિરેક્ટરના જણાવ્યા મુજબ તેમણે તાજેતરમાં જ અગાઉના વિક્રમી વેચાણને પાર કરી નવો રેકર્ડ બનાવ્યો છે અને નવેમ્બર સેલ્સે સાથે ભારત સ્કોડા ઓટો માટે ત્રીજું સૌથી મોટું બજાર બન્યું છે. કંપનીએ 2021ની સરખામણીમાં ચાલુ વર્ષે તેના વાર્ષિક વેચાણને બમણુ બનાવ્યું છે. જોકે રેટ વૃદ્ધિને લઈને તેઓ ભાવિ વેચાણને લઈને થોડી ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે. કેમકે રેપો રેટમાં વૃદ્ધિની અસર હવે લેન્ડિંગ રેટ્સ પર પણ પડી રહી છે. દેશમાં દર 10 કાર વેચાણમાંથી 8 કાર્સનું વેચાણ ક્રેડિટ પર થતું હોય છે અને તેથી ફાઈનાન્સ એ કારના વેચાણમાં એક મહત્વનુ નિર્ણાયક પરિબળ બની રહે છે. સાથે સતત ઊંચા સ્તરે જળવાય રહેલું ઈન્ફ્લેશન પણ અવરોધક બની શકે છે. વિવિધ એજન્સીઝ તરફથી દેશના ગ્રોથ રેટમાં કરવામાં આવેલી વૃદ્ધિ થોડી ચિંતા ઉપજાવી રહી છે. એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે ભારતના 2022-23 માટેના આર્થિક વૃદ્ધિ દરને 7.3 ટકાના અગાઉના અંદાજ પરથી ઘટાડી 7 ટકા કર્યો છે.

અગ્રણી કંપનીઓનું નવેમ્બરમાં વેચાણ
કંપની યુનિટ્સ વેચાણ વૃદ્ધિ(ટકામાં)
મારુતિ સુઝુકી 1,32,395 21
હ્યુન્દાઈ 48,003 30
તાતા મોટર્સ 46,425 55
એમએન્ડએમ 30,392 56
કીઆ કાર્સ 24,025 69
એમજી ઈન્ડિયા 4079 64
નિસ્સાન ઈન્ડિયા 2400 -9
સ્કોડા ઈન્ડિયા 4433 102


ગોલ્ડે મહિનામાં 200 ડોલરનો તીવ્ર ઉછાળો નોંધાવ્યો
નવેમ્બરની શરૂમાં 1620 ડોલર પર ટ્રેડ દર્શાવનાર ગોલ્ડ 1817 ડોલરે પહોંચ્યું
એમસીએક્સ ખાતે સોનું રૂ. 53300ની સપાટી પાર કરી ગયું
એનાલિસ્ટ્સના મતે 1850 ડોલર સુધી સુધારાની જગા, સ્થાનિક બજારમાં ભાવ રૂ. 54500ને સ્પર્શી શકે

યુએસ ફેડ રિઝર્વ તરફથી રેટ વૃદ્ધિ ધીમી કરવામાં આવે તે પ્રકારના સંકેતો પાછળ ગોલ્ડમાં મજબૂતી જળવાઈ છે. વૈશ્વિક બજારમાં તેણે ગુરુવારે સાંજે 1800 ડોલરની સપાટી કૂદાવી હતી. જ્યારબાદ શુક્રવારે તે 1815 ડોલર આસપાસ ટ્રેડ દર્શાવતું રહ્યું હતું. છેલ્લા એક મહિનામાં ગોલ્ડે 200 ડોલરનો તીવ્ર સુધારો દર્શાવ્યો છે. જેણે ગોલ્ડ ઈન્વેસ્ટર્સને મોટી રાહત પૂરી પાડી છે.
અગાઉ ફેડ તરફથી સતત ઊંચી રેટ વૃદ્ધિ પાછળ ગોલ્ડ એપ્રિલમાં તેની 2079 ડોલરની ટોચ પરથી ગગડી નવેમ્બર શરૂઆતમાં 1618 ડોલરના તળિયા પર ટ્રેડ થયું હતું. તે ફેબ્રુઆરીમાં રશિયા-યૂક્રેન યુધ્ધની શરૂઆત વખતે જોવા મળતાં 1770 ડોલરના સ્તરથી પણ 150 ડોલર નીચે ઉતરી ગયું હતું. જોકે યુએસ ખાતે ઓક્ટોબર ઈન્ફ્લેશન ડેટામાં રાહત ગોલ્ડમાં પ્રથમ બાઉન્સ માટેનું કારણ બન્યું હતું અને ગોલ્ડ 1780 ડોલર સુધી ઉછળ્યું હતું. જોકે ત્યારબાદ છેલ્લાં બે સપ્તાહ દરમિયાન તે કોન્સોલિડેશનમાં જોવા મળ્યું હતું. પખવાડિયા અગાઉ યુએસ ફેડે રજૂ કરેલી ઓક્ટોબર મિનિટ્સમાં ફેડ અધિકારીઓ તરફથી રેટ વૃદ્ધિને ધીમી કરવાના ડોવિશ ટોને તથા તાજેતરમાં ફેડ ચેરમેન પોવેલે પણ બ્રૂકલીન ખાતે તેમના પ્રવચનમાં રેટ વૃદ્ધિની ગતિ ધીમી કરવાનો સંકેત આપતાં ગોલ્ડમાં ભારે શોર્ટ કવરિંગ જોવા મળ્યું હતું અને તે 1800 ડોલરના મહત્વના સપોર્ટને પાર કરી ગયું હતું. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે ગોલ્ડમાં ટ્રેન્ડ તેજીતરફી બન્યો છે અને હજુ તે વધુ એક સુધારામાં 1850 ડોલર સુધી ઉછળી શકે છે. જ્યારબાદ કોન્સોલિડેશનની શક્યતાં છે. ફેબ્રુઆરી આખરથી એપ્રિલ સુધીમાં 300 ડોલરના સુધારા બાદ ચાલુ કેલેન્ડરમાં ગોલ્ડે બીજીવાર ઝડપી તેજી દર્શાવી છે. જોકે ગોલ્ડમાં બે બાજુની મૂવમેન્ટ જોવા મળી છે. ફંડામેન્ટલ એનાલિસ્ટ્સ માને છે કે રેટ વૃદ્ધિ ધીમી પડશે તો પણ તે ક્યારે વિરામમાં જશે તે હજુ નક્કી નથી. કેમકે યુએસ ખાતે ફુગાવો ફેડના 2 ટકાના કમ્ફર્ટ ઝોનથી ઘણો ઊંચો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં ફેડ એકાદ-બે મિટિંગમાં વિરામ બાદ ફરી રેટ વૃદ્ધિનો માર્ગ અપનાવી શકે છે. જોકે હાલમાં તો ગોલ્ડના ભાવમાં તમામ રેટ વૃદ્ધિ ડિસ્કાઉન્ટ થઈ ચૂકી છે. જ્યારે જીઓ-પોલિટિકલ રિસ્કનું જોખમ ઊભું છે. જે સ્થિતિમાં ગોલ્ડમાં ખરીદીનો ક્રમ જળવાય શકે છે. જો રોકાણકારો ગોલ્ડ ઈટીએફ્સમાં રોકાણ વધારશે તો ગોલ્ડની માગમાં ઝડપી વૃદ્ધિ સંભવ છે. અગાઉ ગોલ્ડમેન સાચે ગોલ્ડના ભાવ 2500 ડોલરની સપાટી દર્શાવે તેવી આગાહી કરી છે.
ભારતીય કોમેક્સ એમસીએક્સ ખાતે ગોલ્ડ વાયદો 53300ની સપાટી પાર કરી ગયાં હતા. તેઓ છેલ્લાં છ મહિનાની ટોચ પર ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. ડોલર સામે રૂપિયામાં નવેમ્બરમાં સુધારાને કારણે વૈશ્વિક બજારમાં જોવા મળેલી વૃદ્ધિની સંપૂર્ણ અસર ગોલ્ડના ભાવ પર જોવા નથી મળી. જોકે વૈશ્વિક ડોલર ઓવરસોલ્ડ હોવાથી બાઉન્સ થવાની શક્યતાં છે. આ સ્થિતિમાં રૂપિયો ફરી નરમાઈ દર્શાવી શકે છે. જે સ્થિતિમાં ભાવ રૂ. 54500 સુધીનો સુધારો બતાવે તેવી શક્યતાં છે. ભારતીય બજારમાં ગોલ્ડના ભાવે રૂ. 56000ની સર્વોચ્ચ ટોચ બનાવી છે.



દેશની ટોચની 500 મૂલ્યવાન કંપનીઓમાં 31 કંપનીઓ ગુજરાતની
રાજ્યની અગ્રણી 31 કંપનીઓનું કુલ વેલ્યૂએશન વાર્ષિક 53 ટકા ઉછળી રૂ. 23.5 લાખ કરોડ
દેશની ટોચની 500 કંપનીઓનું કુલ વેલ્યૂએશન રૂ. 226 લાખ કરોડે પહોંચ્યું

બર્ગન્ડી પ્રાઈવેટ, એક્સિસ બેંકના પ્રાઈવેટ બેંકિંગ બિઝનેસ અને હુરુન ઈન્ડિયાએ ભારતની સૌથી મૂલ્યવાન 500 કંપનીઓની બીજી આવૃત્તિ ‘2022 બર્ગન્ડી પ્રાઈવેટ હુરુન ઈન્ડિયા 500’ લોન્ચ કરી છે. જેમાં ગુજરાતની 31 કંપનીઓનો સમાવેશ થાય છે. તમામ કંપનીઓને તેમના મૂલ્ય અનુસાર ક્રમાંકિત કરવામાં આવે છે. જેમાં જે લિસ્ટેડ કંપનીઓ માટે માર્કેટ કેપિટલાઇઝેશન અને નોન-લિસ્ટેડ કંપનીઓ માટે વેલ્યુએશન તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. હુરુન રિપોર્ટ ઈન્ડિયા અને બર્ગન્ડી પ્રાઈવેટે ગુજરાત પ્રાઈવેટ સેક્ટરની ઊંચા વેલ્યૂએશન્સ ધરાવતી કંપનીઓનું વિશ્લેષણ કર્યું છે. રિપોર્ટમાં કટ-ઓફ તારીખ 30 ઑક્ટોબર હતી. યાદીમાં માત્ર ભારતમાં મુખ્ય મથક ધરાવતી પ્રાઈવેટ સેક્ટરની કંપનીઓનો સમાવેશ થાય છે.
વૈશ્વિક અર્થતંત્ર જ્યારે મંદી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ભારતીય કંપનીઓ ચાલુ વર્ષે ઊંચી વૃદ્ધિ દર્શાવી છે. મોટાભાગની કંપનીઓના વેલ્યૂએશન્સ ઊંચકાયા છે એમ એક્સિસ બેંકના એમડી અને સીઈઓ જણાવે છે. જે ભારતીય અર્થતંત્રને ત્રીજા સૌથી મોટા અર્થતંત્ર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. વૈશ્વિક પડકારો વચ્ચે 2022 બર્ગન્ડી પ્રાઈવેટ હુરુન ઈન્ડિયા 500 લિસ્ટમાં સમાવિષ્ટ કંપનીઓએ ઈન્વેસ્ટર્સ વેલ્થમાં રૂ. 226 લાખ કરોડ(2.7 ટ્રિલિયન યુએસ ડોલર)ની વેલ્થ ઊભી કરી છે. આ કંપનીઓ ભારતના જીડીપીમાં 29 ટકાનો ઊંચો હિસ્સો ધરાવે છે. જ્યારે દેશમાં કુલ વર્કફોર્સનો 1.5 ટકા હિસ્સો પણ તેઓ ધરાવે છે. યાદીમા સમાવિષ્ટ 67 કંપનીઓ 10 વર્ષથી પણ ઓછા સમયથી સક્રિય છે. તેઓ ટેક્નોલોજી અને ડિજીટલ ક્ષેએ ઈનોવેટિવ જોવા મળી રહી છે.
જો સેક્ટરવાર જોઈએ તો રાજ્યની 31માંથી સાત કંપનીઓ હેલ્થકેર સેકટરમાંથી આવે છે. જ્યારે 7 કંપનીઓ કેમિકલ્સ સેક્ટરની, 5 કંપનીઓ એનર્જી સેગમેન્ટની જ્યારે 4 કંપનીઓ કન્ઝ્યૂમર ગૂડ્ઝ અને 3 કંપનીઓ કન્સ્ટ્રક્શન સેક્ટર સાથે જોડાયેલી છે. ગુજરાતની ટોચની 10 કંપનીઓમાં અદાણી જૂથની સાત કંપનીઓનો સમાવેશ થાય છે. જ્યારે તે ઉપરાંત ઈન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ, ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ અને ઝાયડસ લાઈફસાયન્સિઝનો સમાવેશ થાય છે. આમાં ઈન્ટાસ ફાર્મા શેરબજાર પર લિસ્ટેડ નથી. તેનું વેલ્યૂએશન રૂ. 59300 કરોડ જેટલું થાય છે. ઊંચું વેલ્યૂએશન ધરાવતી અન્ય અનલિસ્ટેડ કંપનીઓમાં બાલાજી વેફર્સ(રૂ. 11400 કરોડ), ફાર્મસન ફાર્મા(રૂ. 10100 કરોડ) અને વિની કોસ્મેટીક્સ(રૂ. 8600 કરોડ)નો સમાવેશ થાય છે.



નવેમ્બરમાં EV રજિસ્ટ્રેશન્સમાં 177 ટકા ઉછાળો નોંધાયો
ઈલેક્ટ્રિકલ વેહીકલ્સની વધી રહેલી સ્વીકૃતિના સંકેતરૂપે નવેમ્બરમાં સતત બીજા મહિના દરમિયાન ઈવી રજિસ્ટ્રેશન્સ એક લાખ યુનિટ્સને પાર કરી ગયું હતું. જ્યારે વાર્ષિક ધોરણે તેણે રજિસ્ટ્રેશનમાં 177 ટકાની ઊંચી વૃદ્ધિ દર્શાવી હતી. તેમજ માસિક ધોરણે 3 ટકા વૃદ્ધિ નોંધાવી હતી. ઈવી રજિસ્ટ્રેશન્સમાં સતત છઠ્ઠા મહિને ગ્રોથ જોવા મળ્યો હતો. નવેમ્બરમાં કુલ 1,18,877 યુનિટ્સ ઈવીનું રજિસ્ટ્રેશન થયું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 42,893 યુનિટ્સ પર હતું. જ્યારે ઓક્ટોબરમાં 1,15,893 યુનિટ્સ પર હતું એમ વાહન ડેશબોર્ડનો ડેટા જણાવે છે.
સેર્બેરસે યસ બેંકની NPAs માટે 8300 કરોડની ઓફર મૂકી
પ્રાઈવેટ ઈક્વિટી કંપની સર્બેરસ કેપિટલે યસ બેંકની સ્ટ્રેસ્ડ એસેટ્સની ખરીદી માટે રૂ. 8300 કરોડની ઓફર કરી હોવાનું વર્તુળો જણાવે છે. પીઈ અગ્રણી જેસી ફ્લાવર્સ અને સર્બેરસ વચ્ચે યસ બેંકની રૂ. 48000 કરોડની સ્ટ્રેસ્ડ એસેટ્સ માટે તીવ્ર સ્પર્ધા ચાલી રહી છે. સર્બેરસે બુક વેલ્યૂને આધારે યસ બેંકને તમામ પેમેન્ટ શરૂઆતમાં કરવાની ઓફર કરી છે. જ્યારે જેસી ફ્લાવર્સે તેની રૂ. 12000 કરોડની ઓફર હેઠળ શરૂમાં માત્ર 15 ટકા ચૂકવવાની તૈયારી દર્શાવી છે. જ્યારે બાકીની રકમ જેસી ફ્લાવર્સ જેમ-જેમ રિકવરી કરશે તેમ-તેમ ચૂકવવામાં આવશે.


કોર્પોરેટ હેડલાઈન્સ

એસ્સારઃ ઔદ્યોગિક જૂથ ઓડિશાના કેઓનઝાર ખાતે રૂ. 12000 કરોડના ખર્ચે વાર્ષિક 14 ટનની ક્ષમતા સાથે નિકાસલક્ષી પેલેટાઈસિંગ કોમ્પલેક્સની સ્થાપના કરશે. સાથે આયર્ન ઓર ફાઈન્સ બેનિફકેશન પ્લાન્ટ પણ સ્થાપશે. આ ઉપરાંત કંપની રૂ. 40 હજારના ખર્ચે આંતરરાષ્ટ્રીય ભાગીદાર સાથે મળી 7.5 ટનની ક્રૂડ-ટુ-પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ પણ વિકસાવવાની યોજના ધરાવે છે.
યૂપીઆઈ ટ્રાન્ઝેક્શન્સઃ નવેમ્બરમાં યૂપીઆઈ ટ્રાન્ઝેક્શન્સ માસિક ધોરણે 1.7 ટકા ઘટાડા સાથે રૂ. 11.9 લાખ કરોડ પર રહ્યાં હતાં. જોકે ટ્રાન્ઝેક્શન્સનું વોલ્યુમ ગયા મહિનાના સમાન સ્તરે 730 કરોડ પર જળવાયું હતું એમ એનપીસીઆઈનો ડેટા સૂચવે છે. નવેમ્બરમાં વોલ્યુમમાં ઘટાડાનું મુખ્ય કારણ અગાઉના બે મહિનાનો ઊંચો બેઝ હોવાનું વર્તુળો જણાવે છે.
અદાણી પોર્ટઃ કંપનીએ કરાઈકાર પોર્ટ માટેનું બીડ મેળવ્યું છે. કંપનીએ રૂ. 1200 કરોડની ઓફર કરી હતી. તેણે હરિફ વેદાંતને પાછળ રાખી બીડ મેળવ્યું હતું. પોર્ટ માટેનું બિડીંગ આઈબીસી હેઠળ યોજવામાં આવ્યું હતું. ગયા સપ્તાહે કરાઈલનો લેન્ડર્સે એક બેઠકમાં એપીસેઝની ઓફરને સ્વીકારી હતી. જેને મંજૂરી માટે હવે એનસીએલટીમાં લઈ જવામાં આવશે.
એસજેવીએનઃ સરકારી જળવિદ્યુત ઉત્પાદક સતલજ જળ વિદ્યુત યોજનાની સબસિડિયરી એસજેવીએન ગ્રીન એનર્જીએ ગ્રીડ કોર્પોરેશન ઓફ ઓડિશા સાથે 1000 મેગાવોટ હાઈડ્રો ઈલેક્ટ્રિક પ્રોજેક્ટ્સના ડેવલપમેન્ટ માટે તથા 2000 મેગાવોટ સોલાર પાવર પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે એમઓયુ સાઈન કર્યાં છે.
જેકે ટાયરઃ જેકે ટાયર એન્ડ ઈન્ડસ્ટ્રીઝ આગામી બે વર્ષોમાં પેસેન્જર વેહીકલ સેગમેન્ટમાં તેની ક્ષમતામાં 13 ટકા વૃદ્ધિ કરવા માટે રૂ. 900 કરોડનું રોકાણ કરશે. અગાઉ કંપનીએ 2018માં રૂ. 700 કરોડના રોકાણની યોજના બનાવી હતી. જોકે કોવિડને કારણે તે શક્ય નહોતી બની.
અદાણી જૂથઃ અગ્રણી ઔદ્યોગિક જૂથ ઓડિશા ખાતે આગામી દસ વર્ષોમાં રૂ. 60 હજાર કરોડનું રોકાણ કરશે એમ રાજ્યના ટોચના અધિકારીએ જણાવ્યું હતું. ગ્રૂપ ચાલુ મહિને 50 લાખ ટનની ક્ષમતા સાથેના એલએનજી ટર્મિનલને કાર્યાન્વિત કરશે. જેની ક્ષમતા આગામી પાંચ વર્ષોમાં બમણી કરવામાં આવશે.
હોન્ડા મોટરસાયકલઃ ટુ-વ્હીલર્સ ઉત્પાદકે નવેમ્બરમાં 3,73,221નું વેચાણ નોઁધાવ્યું છે. જેમાં 353,540 યુનિટ સ્થાનિક વેચાણ જ્યારે 19,681 યુનિટની નિકાસનો સમાવેશ થાય છે. ગયા વર્ષે સમાનગાળામાં કંપનીએ 2,56,174 યુનિટ્સના વેચાણની સરખામણીમાં 38 ટકા વૃદ્ધિ દર્શાવી છે. તહેવારોની સિઝનને કારણે વેચાણ ઊંચું જળવાયું હતું.
પાવર કંપનીઝઃ દેશમાં નવેમ્બર મહિનામાં વીજ વપરાશ વાર્ષિક ધોરણે 14 ટકા ઉછળી 112.81 અબજ યુનિટ્સ પર રહ્યો હતો.
રેલ્વે કંપનીઝઃ ભારતીય રેલ્વેએ નવેમ્બર મહિનામાં ફ્રેઈટ લોડિંગમાંથી રૂ. 1,05,905 કરોડની કમાણી કરી હતી. જે વાર્ષિક ધોરણે 16 ટકા વૃદ્ધિ દર્શાવે છે.
આઈશર મોટર્સઃ કંપનીએ નવેમ્બરમાં 70766 યુનિટ્સ વેહીકલ્સનું વેચાણ નોઁધાવ્યું હતું. જે 69500 યુનિટ્સની અપેક્ષા કરતાં ઊંચું રહ્યું હતું. જોકે કંપનીના શેરમાં વેચવાલી જોવા મળી હતી.
મોઈલઃ સરકારી માઈનીંગ કંપનીએ નવેમ્બર મહિનામાં 1.2 લાખ ટન મેગેનીઝ ઉત્પાદન દર્શાવ્યું છે. જે માસિક ધોરણે 60 ટકાની તીવ્ર વૃદ્ધિ દર્શાવે છે. આ અહેવાલ પાછળ કંપનીનો શેર 4 ટકાથી વધુ ઉછળ્યો હતો.
બંધન બેંકઃ પ્રાઈવેટ સેક્ટર બેંકમાં પ્લુટુસ વેલ્થ મેનેજમેન્ટ એલએલપીએ 90 લાખ શેર્સની ઓપન માર્કેટમાંથી ખરીદી કરી છે. કંપનીએ રૂ. 235.65 પ્રતિ શેરના ભાવે આ ખરીદી કરી છે.
ઓર્ચિડ ફાર્માઃ કંપનીના બોર્ડે ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશ્નલ ઈન્વેસ્ટર્સને પ્લેસમેન્ટ મારફતે રૂ. 500 કરોડ ઊભા કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage