બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
નવા તળિયા શોધી રહેલાં અગ્રણી વૈશ્વિક શેરબજારો
યુએસ, હોંગ કોંગ, જર્મની, તાઈવાન, કોરિયા, ફ્રાન્સના બજારોમાં ભારે વેચવાલી
નિફ્ટી ઈન્ટ્રા-ડે ધોરણે 17 હજાર નીચે સરક્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ 6.3 ટકા ઉછળી 21.89ની ત્રણ મહિનાની ટોચે
એકમાત્ર આઈટીમાં મજબૂતી જોવા મળી
મેટલ, રિઅલ્ટી, ઓટોમાં 4 ટકા આસપાસનો ઘટાડો
પીએસઈ, એનર્જીમાં 2 ટકાથી વધુ નરમાઈ
બેંકિંગ, એફએમસીજીમાં પણ 2 ટકાથી વધુનું ધોવાણ
ડાયગ્નોસ્ટીક કંપનીઓના શેર્સમાં ખરીદી
શેરબજારોમાં નવા સપ્તાહની શરૂઆત ભારે વેચવાલી સાથે જોવા મળી હતી. વૈશ્વિક સ્તરે અગ્રણી બજારો તેમના બે વર્ષોના તળિયા પર ટ્રેડ થયા હતાં, જેની પાછળ સ્થાનિક બજાર પણ મહિનાના તળિયા પર જોવા મળ્યું હતું. બેન્ચમાર્ક્સ બે બાજુની વધ-ઘટ બાદ દિવસના તળિયા નજીક જ બંધ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 953.70 પોઈન્ટ્સના ઘટાડે 57145.22ની સપાટી પર જ્યારે નિફ્ટી 311.05ના ઘટાડે 17016.30ના સ્તરે બંધ જોવા મળ્યાં હતાં. માર્કેટમાં સેન્ટિમેન્ટ સંપૂર્ણપણે મંદીમય જોવા મળ્યું હતું અને તેથી માર્કેટ નોંધપાત્ર ઈન્ટ્રા-ડે બાઉન્સ આપવામં નિષ્ફળ રહ્યું હતું. લાર્જ-કેપ્સમાં ભારે વેચવાલી પાછળ નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી માત્ર સાત કાઉન્ટર્સ પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યાં હતાં. જ્યારે 43 કાઉન્ટર્સ નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં છેલ્લાં ઘણા સપ્તાહોની સૌથી નરમ માર્કેટ-બ્રેડ્થ જોવા મળી હતી. બીએસઈ ખાતે લગભગ પાંચ શેર્સમાં ઘટાડા સામે એક શેરમાં ખરીદી નોંધાઈ હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 6.3 ટકા ઉછળી 21.89ની ત્રણ મહિનાની ટોચ પર જોવા મળ્યો હતો.
ગયા સપ્તાહાંતે યુએસ બજારોએ તેમના જૂન મહિનાના તળિયાને તોડી નવુ લો બનાવતાં નવા સપ્તાહની શરૂઆત પણ ખરાબ જોવા મળશે તે લગભગ નિશ્ચિત હતું. જોકે એશિયન બજારો અગાઉથી જ ઓવરસોલ્ડ હોવાના કારણે મોટો ઘટાડો દર્શાવશે તેવી અપેક્ષા નહોતી. આનાથી વિપરીત એશિયન બજારોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. કોરિયન બેન્ચમાર્કસ કોસ્પી 3 ટકાથી વધુ ગગડી તેના વાર્ષિક તળિયા પર બંધ રહ્યો હતો. તાઈવાન બજાર પણ 2.4 ટકાનો ઘટાડો દર્શાવતો હતો. આ ઉપરાંત હોંગ કોંગ બજારમાં ઘટાડો ચાલુ રહ્યો હતો. બપોરે યુરોપના બજારો ગ્રીન ઝોનમાં ખૂલ્યાં બાદ ફરી ઘટાડાતરફી બનતાં ભારતીય બજારને કોઈ રાહત મળી નહોતી અને તે ઈન્ટ્રા-ડે સુધારો ગુમાવી ફરી તળિયા તરફ સરી પડ્યું હતું અને તેની નજીક જ બંધ રહ્યું હતું. માર્કેટે 29 ઓગસ્ટે તેણે દર્શાવેલી 17166ની બોટમને તોડી હતી. જોકે ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીએ તેની 200-ડીએમએ પર સપોર્ટ મેળવ્યો છે. તેના માટે 17 હજારનું સ્તર મહત્વનું છે. એક્સપાયરી સપ્તાહને કારણે તે બે બાજુની વધ-ઘટ દર્શાવી શકે છે. હાલમાં તેજીનો ટ્રેન્ડ રિવર્સ થયો છે. જો બેન્ચમાર્ક 17600 પર બંધ આપવામાં સફળ રહે તો જ ફરીથી તેજી તરફી ગણી શકાય. ત્યાં સુધી નવી ખરીદીથી દૂર રહેવું જોઈએ. જ્યારે અગાઉની ખરીદીમાં પ્રોફિટ હોય તો એક્ઝિટ પણ લઈ શકાય. માર્કેટમાં મે-જૂન બાદ ફરી એકવાર સતત વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે. ચાલુ કેલેન્ડરમાં માર્કેટમાં ચોથીવાર નિફ્ટી 18 હજારનું સ્તર દર્શાવી પરત ફર્યો છે. ફંડામેન્ટલ એનાલિસ્ટ્સના મતે ક્રૂડના ભાવમાં મંદી ભારતીય બજાર માટે મોટું પોઝીટીવ પરિબળ છે. જોકે બીજી બાજુ ડોલર સામે રૂપિયામાં નરમાઈને કારણે ક્રૂડમાં ઘટાડાની ઘણી ખરી અસર ધોવાઈ જાય છે. જો ક્રૂડ નોંધપાત્ર સમય 80 ડોલર આસપાસ ટકી રહે તો ભારતને ઈમ્પોર્ટ બિલમાં મોટો લાભ થઈ શકે છે.
સોમવારે માર્કેટને એકમાત્ર સપોર્ટ આઈટી તરફથી સાંપડ્યો હતો. દિવસની શરૂના ભાગમાં એકથી દોઢ ટકા જેટલો ઘટાડો દર્શાવનાર આઈટી શેર્સ ગ્રીન ઝોનમાં પરત ફર્યાં હતાં. જોકે દિવસના આખરી તબક્કામાં તેઓ લગભગ ફ્લેટ બંધ દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 0.57 ટકા સુધારા સાથે બંધ જોવા મળ્યો હતો. જેમાં કોફોર્જ, એચસીએલ ટેક., એમ્ફેસિસ, ઈન્ફોસિસ, એલએન્ડટી ટેક્નોલોજી, ટીસીએસ અને વિપ્રો પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. નિફ્ટી મેટલમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 4.2 ટકા ગગડ્યો હતો. જેમાં જિંદાલ સ્ટીલ 7 ટકા, હિંદાલ્કો 6 ટકા, નાલ્કો 6 ટકા, વેદાંત 5 ટકા, સેઈલ 4.4 ટકા, ટાટા સ્ટીલ 4.3 ટકા, એનએમડીસી 4 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં. નિફ્ટી રિઅલ્ટી પણ 4 ટકાથી વધુ તૂટ્યો હતો. જેમાં ઓબેરોટ રિઅલ્ટી 6 ટકા, બ્રિગેટ એન્ટરપ્રાઈઝ 5 ટકા, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી 5 ટકા, ગોદરેજ પ્રોપર્ટી 5 ટકા, ડીએલએફ 5 ટકા, હેમિસ્ફિઅર 4 ટકા, ફિનિક્સ મિલ્સ 4 ટકા અને સોભા ડેવલપર્સ 3 ટકા ઘટાડો દર્શાવતાં હતાં. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ 3 ટકા ગગડ્યો હતો. જેમાં અદાણી ગ્રીન એનર્જી 5 ટકા સાથે સૌથી ખરાબ દેખાવ દર્શાવતો હતો. જ્યારે તાતા પાવર 4 ટકા, ઓએનજીસી 4 ટકા, એનટીપીસી 3 ટકા, એચપીસીએલ 3 ટકા, રિલાયન્સ 3 ટકા, બીપીસીએલ 2.3 ટકા અને આઈઓસી 2 ટકા ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી પીએસઈ પણ આમાંના મોટાભાગના કાઉન્ટર્સમાં ઘટાડા પાછળ 3 ટકાથી વધુ તૂટ્યો હતો. નિફ્ટી ઓટો 3.8 ટકા સાથે મેટલ બાદ ઘટવામાં બીજા ક્રમે હતો. મેટલ કાઉન્ટર્સમાં ટાટા મોટર્સ 6 ટકા સાથે સૌથી ખરાબ દેખાવ દર્શાવત હતો. જ્યારે મારુતિ સુઝુકી 5.4 ટકા સાથે ઊંધા માથે પટકાયો હતો. આઈશર મોટર્સ 5 ટકા, એમઆરએફ 4 ટકા, અમર રાજા બેટરીઝ 4 ટકા, ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ 4 ટકા, બજાજ ઓટો 3.5 ટકા, ભારત ફોર્જ 3 ટકા, અશોક લેલેન્ડ 3 ટકા અને એમએન્ડએમ 3 ટકા ઘટાડો દર્શાવતાં હતાં. ઓટો ઈન્ડેક્સમાં નોંધપાત્ર સમય બાદ તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો 2.35 ટકા ઘટાડે 39 હજારની નીચે ઉતરી ગયો હતો. જેમાં એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક 6.4 ટકા સાથે સૌથી વધુ તૂટ્યો હતો. આ ઉપરાંત બંધન બેંક 6 ટકા, બીએનબી 6 ટકા, ફેડરલ બેંક 5 ટકા, એક્સિસ બેંક 3.4 ટકા, બેંક ઓફ બરોડા 3 ટકા, આઈડીએફસી ફર્સ્ટ બેંક 3 ટકા, ઈન્ડસઈન્ડ બેંક 3 ટકા, આઈસીઆઈસીઆઈ બેંક 2.4 ટકા અને કોટક બેંક 2 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં. નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ 3.7 ટકા સાથે સતત બીજા દિવસે તીવ્ર ઘટાડો દર્શાવી રહ્યો હતો. માર્કેટને અગાઉના બે સત્રોમાં મજબૂત સપોર્ટ પૂરો પાડનાર એફએમસીજી કાઉન્ટર્સ સોમવારે સુધારો જાળવી શક્યાં નહોતા અને ઊંધા માથે પટકાયાં હતાં. જેની પાછળ નિફ્ટી એફએમસીજી 2 ટકાથી વધુ ગગડ્યો હતો. જેમાં વરુણ બેવરેજીસ 6.3 ટકા સાથે સૌથી ઊંચો ઘટાડો દર્શાવતો હતો. આ ઉપરાંત આઈટીસી 4 ટકા, મેરિકો 3 ટકા, જ્યુબિલિઅન્ટ ફૂડ 3 ટકા, યુનાઈટેડ સ્પિરિટ્સ 3 ટકા, ડાબર ઈન્ડિયા 2 ટકા, ગોદરેજ કન્ઝ્યૂમર 2 ટકા અને કોલગેટ એક ટકા ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સે બજારને સપોર્ટ આપવાનો પ્રયાસ કર્યો હતો અને દિવસની મધ્યમાં તે અગાઉના બંધ ભાવથી ઉપર ટ્રેડ પણ થયો હતો. જોકે કામકાજની આખરમાં તે એક ટકા ઘટાડે બંધ રહ્યો હતો. જેમાં આલ્કેમ લેબ એક ટકા, લ્યુપિન એક ટકા અને ડિવિઝ લેબ એક ટકા આસપાસ સુધારો દર્શાવી રહ્યાં હતાં. જોકે ઓરોબિંદો ફાર્મા, બાયોકોન, સન ફાર્મા, ડો. રેડ્ડીઝ લેબ્સ, સિપ્લા અને ટોરેન્ટ ફાર્માએ નરમાઈ નોંધાવી હતી. બ્રોડ માર્કેટની વાત કરીએ તો બીએસઈ ખાતે 3707 કાઉન્ટર્સમાં ટ્રેડ સામે 2925 કાઉન્ટર્સ ઘટાડો જ્યારે માત્ર 660 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ રહ્યાં હતાં.
બેન્ચમાર્ક્સમાં ટોચથી 5 ટકા ઘટાડા સામે સ્મોલ-કેપ્સમાં 30 ટકાનું ગાબડું
એનબીએફસી, લોજિસ્ટીક્સ, પેપર અને રિઅલ્ટી શેર્સમાં ઊંચી વેચવાલી જોવાઈ
શેરબજારમાં તેણે સપ્ટેમ્બર મધ્યમાં દર્શાવેલી ટોચના સ્તરેથી વેચવાલી જોવા મળી રહી છે. જેમાં મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સ કાઉન્ટર્સમાં ઝડપી ઘટાડો નોંધાયો છે. કેટલાંક સ્મોલ-કેપ કાઉન્ટર્સ ગણતરીના સત્રોમાં 30 ટકા જેટલું ધોવાણ દર્શાવી ચૂક્યાં છે. જેમાં એનબીએફસી, લોજિસ્ટિક્સ, સિમેન્ટ, પેપર અને રિઅલ્ટી સેક્ટર્સની કંપનીઓનો સમાવેશ થાય છે.
સોમવારે માર્કેટમાં વધુ દોઢ ટકા ઉપરનો ઘટાડો નોઁધાયો હતો. જે સાથે બેન્ચમાર્ક્સ તેમની 15 સપ્ટેમ્બરે તેમણે દર્શાવેલી ટોચ પરથી 5 ટકા કરતાં વધુ કરેક્ટ થઈ ચૂક્યાં હતાં. નિફ્ટીએ એક સપ્તાહ અગાઉ 18096ની લગભગ પાંચ મહિનાની ટોચ દર્શાવી હતી. જ્યાંથી ગગડતાં રહી બેન્ચમાર્કે સોમવારે 16978નું તળિયું બતાવ્યું હતું. આમ નિફ્ટીએ તેની ટોચ પરથી 5.5 ટકા ગુમાવ્યા છે. જોકે તેની સરખામણીમાં નિફ્ટી-500ના કેટલાંક કાઉન્ટર્સ દૈનિક 5 ટકાના દરે ઘસાતાં જોવા મળ્યાં છે. જેમાં કેનફિન હોમ્સનો શેર ટોચ પર છે. નિફ્ટીએ એપ્રિલ બાદ જે દિવસે 18 હજારની સપાટી પાર કરી તે દિવસે કેનફિન હોમ્સનો શેર પણ તેની વાર્ષિક ટોચ પર ટ્રેડ થયો હતો. જોકે ત્યારબાદ તે ઊંધા માથે પટકાયો હતો. ગયા સપ્તાહાંતે કંપનીના સીઈઓએ રાજીનામુ આપ્યાના અહેવાલ પાછળ તેમાં વેચવાલી આગળ વધી હતી અને સોમવારે ઓવરસોલ્ડ ઝોનમાં હોવા છતાં તેમાં બાઉન્સના કોઈ સંકેતો સાંપડ્યાં નહોતા અને તે વધુ 8 ટકા ગબડ્યો હતો. આમ ગણતરીના સત્રોમાં તે 29 ટકા જેટલો તૂટી ચૂક્યો છે. 20 ટકાથી વધુ સુધારો દર્શાવતાં અન્ય કાઉન્ટર્સમાં એલ્ગી ઈક્વિપમેન્ટ(-23 ટકા), એમએન્ડએમ ફાઈનાન્સ(-23 ટકા), તાતા ઈન્વેસ્ટમન્ટ(-21 ટકા)નો સમાવેશ થાય છે. એમએન્ડએમ ફાઈનાન્સિયલ સર્વિસિસનો શેર શુક્રવારે 13 ટકા બાદ સોમવારે વધુ 6 ટકા તૂટ્યો હતો. તેણે સપ્તાહ અગાઉ જ ઘણા વર્ષોની ટોચ દર્શાવી હતી. જોકે આરબીઆઈ તરફથી કંપનીને થર્ડ પાર્ટી રિકવરી પર મનાઈ ફરમાવાતાં કંપનીના શેરમાં ભારે વેચવાલી નીકળી હતી. કેનફિન હોમ્સ અને એમએન્ડએમ ફાઈનાન્સ, બંને એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં સમાવિષ્ટ કાઉન્ટર્સ છે અને તેથી આ બંને કાઉન્ટર્મમાં ફ્યુચર્સમાં પોઝીશન ધરાવનારાઓએ મોટી નુકસાની ઉઠાવવાની બની હતી. બંને કંપનીઓ માટે બ્રોકરેજિસે તેમના નજીકના ગાળા માટેના અંદાજોમાં ઘટાડો કર્યો છે. જેને કારણે વેચવાલીનું દબાણ વધતું જોવાયું છે.
આરબીઆઈ તરફથી ચાલુ સપ્તાહે મળનારી રેટ સમીક્ષા બેઠકમાં 40-50 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિની ગણતરી પાછળ રિઅલ્ટી શેર્સમાં ભારે વેચવાલી જોવા મળી છે. જેમાં ગોદરેજ પ્રોપર્ટીઝનો શેર સપ્તાહમાં 19 ટકા જેટલો તૂટી ચૂક્યો છે. જ્યારે ઓબેરોય રિઅલ્ટી, બ્રિગેડ એન્ટરપ્રાઈઝમાં પણ 10 ટકાથી વધુનું ધોવાણ જોવા મળ્યું છે. આ ઉપરાંત પેપર અને સિમેન્ટ કાઉન્ટર્સ પણ ઊંધા માથે પટકાયાં છે. ઈન્ડિયા સિમન્ટનો શેર રૂ. 298ની ટોચ પરથી ગગડી ચાર સત્રોમાં રૂ. 232ની સપાટી પર પટકાયો હતો.
નિફ્ટી-500ના મુખ્ય અન્ડરપર્ફોર્મર્સ
સ્ક્રિપ્સ 15 સપ્ટે.ની ટોચ(રૂ) બજારભાવ(રૂ.) ફેરફાર(ટકામાં)
કેનફિન હોમ્સ 678.05 480.50 -29.14
એલ્ગી ઈક્વિપમેન્ટ 555.00 424.85 -23.45
M&M ફાઈ. 235.10 180.60 -23.18
તાતા ઈન્વેસ્ટ. 2883.40 2285.00 -20.75
શેફલર 3969.85 3198.00 -19.44
ધાની 58.90 47.45 -19.44
ઓલકાર્ગો 452.00 365.00 -19.25
જેકે પેપર 442.70 359.10 -18.88
ગોદરેજ પ્રોપ. 1420.90 1164.00 -18.08
વકરાંગી 43.91 36.00 -18.01
PSUsને સેક્ટરલ સૂચકાંકોથી 5 ટકા વધુ રિટર્ન માટેનો નિર્દેશ
જાહેર સાહસ કંપનીઓના માર્કેટ-કેપમાં વૃદ્ધિ માટે સરકારની પહેલ
કેન્દ્ર સરકારે પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સ(પીએસયૂ) કંપનીઓને તેમના શેર્સના ભાવ સંબંધિત બીએસઈ સેક્ટરલ સૂચકાંકોની સરખામણીમાં વાર્ષિક ધોરણે 5 ટકા ઊંચું રિટર્ન દર્શાવે તેમ કરવા જણાવ્યું છે. પીએસયૂ કંપનીઓના માર્કેટ-કેપિટલાઈઝેશમાં સુધારા માટે સરકારે આ નિર્દેશ આપ્યો હોવાનું વર્તુળો જણાવે છે.
સરકારે પીએસયૂ કંપનીઓ સાથે માર્કેટ કેપ સુધારણા માટે કરેલા સમજૂતી કરાર(એમઓયુ) હેઠળ આ માપદંડને સમાવવામાં આવ્યો છે. પીએસયૂ કંપનીઓના શેરમાં સુધારાનું મૂલ્યાંકર એન્યૂલ એવરેજ બેસીસ પર કરવામાં આવશે. પીએસયૂ એકમો સાથે વહેંચવામાં આવેલી ઈવેલ્યૂએશન ગાઈડલાઈન્સ મુજબ તેમના શેર્સના દૈનિક બંધ ભાવને આધારે માર્કેટ કેપિટલાઈઝેશનને સરખામણી યોગ્ય બીએસઈ સેક્ટરલ સૂચકાંક સાથે સરખાવવામાં આવશે. જો બ્રોડર સેક્ટરલ સૂચકાંક દૈનિક 4 ટકા સુધારો દર્શાવતો હતો અને પીએસયૂ શેર દૈનિક ધોરણે 5 ટકા સુધારો નોંધાવશે તો પીએસયૂ શેરમાં 1 ટકા સુધારો થયો એમ ગણવામાં આવશે. જો પીએસયૂ કંપનીનો શેર ઓછામાં ઓછો 2.5 ટકા સુધારો હાંસલ કરશે તો તેને પોઝીટીવ રેટિંગ આપવામાં આવશે. આનો અર્થ એ છે કે જો બીએસઈ સેક્ટરલ સૂચકાંક 5 ટકા સુધારો દર્શાવે તો પીએસયૂ શેરે 7.5 ટકા સુધારો દર્શાવવાનો રહેશે. શેરના દેખાવ ઉપરાંત પીએસયૂને તેમના તરફથી ડિસ્ટ્રીબ્યૂટ થતાં ડિવિડન્ડને પણ તેમના પર્ફોર્મન્સ માટેના માપદંડોમાં સમાવવામાં આવશે એમ કહેવામાં આવ્યું છે. અનલિસ્ટેડ પીએસયૂના પર્ફોર્મન્સને ચકાસવામાં તેમની અર્નિંગ્સ પ્રતિ શેરને ગણનામાં લેવામાં આવશે. માર્કેટ નિષ્ણાતોનું કહેવું છે કે માર્કેટ મેનિપ્યૂલેશનને આધારે સ્ટોકનું રિ-રેટિંગ યોગ્ય બાબત નથી.
ટાટા જૂથ લિસ્ટેડ કંપનીઓની સંખ્યા અડધી કરશે
દેશમાં સૌથી મોટા કોન્ગ્લોમેરટ એવા ટાટા જૂથે શેરબજારમાં લિસ્ટેડ જૂથ કંપનીઓની સંખ્યા અડધી કરવાનો નિર્ણય લીધો છે. જૂથની હોલ્ડિંગ કંપની ટાટા સન્સે હાલમાં 29 લિસ્ટેટ કંપનીઓને ઘટાડી 15 પર લાવવાની યોજના તૈયાર કરી છે. જૂથ માર્કેટ પ્લેસમાં સ્પર્ધા કરી શકે તેવી કેટલીક મોટી કંપનીઓ બનાવવા માગે છે. 128 અબજ ડોલરની રેવન્યૂ અને 255 અબજ ડોલરનું માર્કેટ-કેપ ધરાવતું જૂથ તેની સિમ્પ્લિફિકેશન અને સિનર્જાઈઝીંગ સ્ટ્રેટેજીને મજબૂત બનાવી રહ્યું છે. જેથી ગ્રોથ પર વધુ ફોકસ કરી શકાય. તેમજ જૂથ કંપનીઓના કેશ ફ્લોને સુધારી શકાય એમ કંપનીના ઉચ્ચ અધિકારી જણાવે છે. આ નીતિ તાતા જૂથના ચેરમેન એન ચંદ્રશેખરનના દેશના સૌથી જૂના ઔદ્યોગિક જૂથના ટ્રાન્સફોર્મેશનની દિશામાં છે. આમ કરવાથી જૂથની નાની કંપનીઓના મેનેજમેન્ટ અને નીતિ ઘડવામાં ફાળવવા પડતાં સમયની બચત થશે. 29 લિસ્ટેડ કંપનીઓ ઉપરાંત તાતા જૂથ 60 જેટલી અનલિસ્ટેડ કંપનીઓ ધરાવે છે. તેમજ 10 સેક્ટર્સમાં સેંકડો સબસિડિયરીઝ પણ ધરાવે છે. ગયા સપ્તાહાંતે જૂથે તેની સ્ટીલ બિઝનેસમાં સક્રિય તમામ કંપનીઓને તાતા સ્ટીલમાં ભેળવવાનો નિર્ણય લીધો હતો. તાતા જૂથની કેટલીક ટોચની લિસ્ટેડ કંપનીઓમાં ટીસીએસ, તાતા કોમ્યુનિકેશન્સ, તાતા મોટર્સ, તાતા પાવર, ઈન્ડિયન હોટેલ્સ, તાતા કેમિકલ્સ, તાતા એલેક્સિ, ટ્રેન્ટ, તાતા કન્ઝ્યૂમર્સ, તાતા ટેલિસર્વિસિસ વગેરેનો સમાવેશ થાય છે. તાતા જૂથની લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ-કેપિટલાઈઝેશન રૂ. 22 લાખ કરોડથી ઉપર જોવા મળે છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
પિરામલ જૂથઃ પિરામલ જૂથે ઝૂરિક ઈન્શ્યોરન્સ સાથે મળી રિલાયન્સ જનરલ ઈન્શ્યોરન્સને ખરીદી માટે બીડ કરવાનું નક્કી કર્યું છે. સંયુક્ત વેહીકલમાં બંને કંપનીઓ 50:50 ટકા ભાગીદાર હશે. રિલાયન્સ કેપિટલની પેટાકંપની માટે હજુ સુધી કોઈએ સ્ટેન્ડઅલોન બીડિંગ કર્યું નથી.
ઓએનજીસીઃ પીએસયૂ ઓઈલ કંપનીની પેટાકંપની ઓએનજીસી વિદેશ અને તેના ભાગીદારને ઈરાને ફરઝાદ-બી ગેસ ફિલ્ડમાં 30 ટકાનો ઈક્વિટી હિસ્સો ઓફર કર્યો છે. હાલમાં ઓવીએલ વિશ્વમાં ઘણા ઓઈલ ફિલ્ડ્સમાં હિસ્સો ધરાવે છે.
બીપીસીએલઃ પીએસયૂ ઓઈલ રિફાઈનીંગ અને માર્કેટિંગ કંપનીએ ક્રૂડ ઓઈલ સોર્સિંગના ડાયવર્સિફિકેશન અને ભારતની એનર્જી સિક્યૂરિટી માટે બ્રાઝિલની નેશનલ ઓઈલ કંપની પેટ્રોબાસ સાથે એમઓયૂ સાઈન કર્યાં છે.
સુઝલોન એનર્જીઃ કંપનીના બોર્ડે રાઈટ્સ ઈસ્યુ મારફતે રૂ. 1200 કરોડ ઊભા કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. કંપનીએ બજારભાવ કરતાં નોંધપાત્ર ડિસ્કાઉન્ટમાં રાઈટ્સ ઈસ્યુને મંજૂરી આપતાં શેરનો ભાવ તૂટ્યો હતો.
આઇસ મેકઃ ઇનોવેટિવ કૂલિંગ સોલ્યુશન્સ પ્રોવાઈડર કંપની રેફ્રિજરેશન કન્ટિન્યુઅસ પેનલ બિઝનેસમાં રૂ. 45-50 કરોડનું રોકાણ કરશે. કંપની હાલમાં 50થી વધુ રેફ્રિજરેશન ઉપકરણો બનાવે છે. નવો પ્લાન્ટ 12-15 મહિનામાં કાર્યાન્વિત બનશે.
મેક્સિમસ ગ્રુપઃ જૂથની પેટાકંપના એમએક્સ આફ્રિકા લિ.એ તેની કેન્યા સ્થિત પેટા કંપની ક્વોન્ટમ લુબ્રિકન્ટ્સમાં બાકીનો 49 ટકા હિસ્સો પણ હસ્તગત કર્યો છે. એમએક્સ આફ્રિકાએ 2019માં ક્વોન્ટમનો 51 ટકા હિસ્સો ખરીદ્યો હતો.
ક્યુએમએસ મેડિકલઃ મેડિકલ ડિવાઈસ કંપની ક્યુએમએસ મેડિકલ એલાઈડ સર્વિસીસ 27 સપ્ટેમ્બરે રૂ. 56.87 કરોડ એકત્ર કરવા બજારમાં પ્રવેશશે. આઈપીઓની મૂડીનો ઉપયોગ કામકાજી ખર્ચ તરીકે કરાશે. ઈસ્યુ 30 સપ્ટેમ્બરે બંધ થશે.
ગોવા કાર્બનઃ કેમિકલ કંપનીનું બોર્ડ 29 સપ્ટેમ્બરે રાઈટ્સ ઈસ્યુ મારફતે ફંડ એકત્ર કરવા માટેના પ્રસ્તાવ પર વિચારણા માટે મળશે.
સિપ્લાઃ ફાર્મા કંપનીએ ઈન્દોર પ્લાન્ટ ખાતે પ્રોડક્ટ સ્પેસિફિક પ્રિ-એપ્રૂવલ માટે યુએસએફડીએ તરફથી ઈઆઈઆર મેળવ્યું છે.
કોલ ઈન્ડિયાઃ પીએસયૂ કોલ ઉત્પાદક કંપનીએ કોલ-ટુ-કેમિકલ પ્રોડક્ટ્સ માટે ત્રણ ટોચની પીએસયૂ કંપનીઓ સાથે એમઓયૂ સાઈન કર્યાં છે.
યુનિકેમ લેબ્સઃ ફાર્મા કંપનીએ ઓપ્ટિમસ ડ્રગ્સમાં 19.97 ટકા હિસ્સાને રૂ. 271 કરોડમાં લિક્વિડેટ કર્યો છે.
એસબીઆઈઃ ટોચની બેંકે બેસેલ 3 કોમ્પ્લાયન્ટ અનસિક્યોર્ડ, નોન-કન્વર્ટિબલ ટિયર 2 બોન્ડ્સ મારફતે રૂ. 4000 કરોડ ઊભા કર્યા છે. તેણે 7.57 ટકાનો કૂપન રેટ ઓફર કર્યો હતો.
Market Summary 26 September 2022
September 26, 2022
