બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
સતત બીજા દિવસે તેજીવાળાઓ બાજી સંભાળવામાં સફળ
વૈશ્વિક બજારોની સરખામણીમં ભારતીય બજારનું આઉટપર્ફોર્મન્સ
ઈન્ટ્રા-ડે લો પરથી ગ્રીન ઝોનમાં પરત ફરી સાધારણ નરમાઈ સાથે બંધ
વોલેટિલિટી ઈન્ડેક્સ 4.24 ટકા ઉછળી 21.90ના સ્તરે
એનર્જી, મેટલ અને ઓટો તરફથી મજબૂત સપોર્ટ
બેંકિંગ, એફએમસીજી અને આઈટીમાં નરમાઈ જોવાઈ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 2 ટકા ઉચકાયો
બ્રોડ માર્કેટમાં બાયર્સ ગેરહાજર બનતાં અનેક શેર્સમાં નવું વાર્ષિક તળિયું
વૈશ્વિક બજારોમાં ઓચિંતી વેચવાલી પાછળ સ્થાનિક બજારમાં ચાર સત્રોથી જોવા મળતી તેજીને બ્રેક લાગી હતી. જોકે હરિફ બજારોની સરખામણીમાં ભારતીય બજારે આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું અને એક તબક્કે ઈન્ટ્રા-ડે લો પરથી ગ્રીન ઝોનમાં પરત ફરી સાધારણ નેગેટિવ બંધ આપ્યું હતું. જેમાં બીએસઈ સેન્સેક્સ 150 પોઈન્ટ્સ ઘટી 53027ની સપાટીએ જ્યારે નિફ્ટી 51 પોઈન્ટ્સ ગગડી 15799ની સપાટી પર બંધ રહ્યાં હતાં. નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 33 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર 17 સુધારા સાથે બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાંથી પણ ખરીદારો દૂર થવાથી માર્કેટ-બ્રેડ્થ નબળી જોવા મળી હતી. જોકે વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 4.24 ટકા ઉછળી 21.90ના સ્તરે બંધ રહ્યો હતો.
મંગળવારે પણ મોટાભાગનો સમય નેગેટિવ ટ્રેડ દર્શાવ્યાં બાદ સાધારણ પોઝીટીવ બંધ આપવામાં સફળ રહેલા ભારતીય બજારે બુધવારે પણ તેજીવાળાઓ તરફથી સપોર્ટ સાંપડ્યો હતો. દિવસ દરમિયાન બેન્ચમાર્ક નિફ્ટી મંગળવારના 15708ના તળિયાની નીચે ઉતરી જઈ 15688ના સ્તરે ટ્રેડ થયો હતો. જોકે બજાર બંધ થવાના કલાક અગાઉ તેણે 15862ની ટોચ પણ દર્શાવી હતી અને લગભગ 15800ના સ્તરથી સહેજ નીચે બંધ આપ્યું હતું. જો વૈશ્વિક બજારમાં મજબૂતી પરત ફરશે તો ભારતીય પણ બે સત્રોના કોન્સોલિડેશનમાંથી બહાર આવી સુધારાતરફી ચાલ દર્શાવી શકે છે. જોકે ટ્રેડર્સે 15687ના સ્ટોપલોસ સાથે તેમની પોઝીશન જાળવવાની રહેશે. આ સ્તરની નીચે બજારમાં વધુ ઘટાડો સંભવ છે. બુધવારે વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક નરમાઈ પ્રવર્તી રહી હતી. એશિયા અને યુરોપના બજારો 2 ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જેમાં હોંગ કોંગ, જર્મની, કોરિયાના બજારો 2 ટકા ડાઉન હતાં. જ્યારે ચીન 1.4 ટકા, જાપાન એક ટકો અને તાઈવાન 1.3 ટકા ઘટાડો દર્શાવતાં હતાં. મંગળવારે યુએસ ખાતે નાસ્ડેકમાં 3 ટકાનું ગાબડું પડ્યું હતું. જેને કારણે વૈશ્વિક સેન્ટિમેન્ટ ફરી ડહોળાયું હતું. એનાલિસ્ટ્સના મતે ગુરુવારે જૂન સિરિઝની એક્સપાયરીને જોતાં સ્થાનિક બજારમાં ઊંચી વોલેટિલિટી જળવાયેલી જોવા મળી શકે છે. જો તેજીવાળાઓ સામા પડીને ખરીદી કરશે તો શોર્ટવાળાઓએ તેમની પોઝીશન કાપવા માટે દોટ મૂકવાની થઈ શકે છે. જે સ્થિતિમાં નવી સિરિઝની મજબૂત શરૂઆત જોવા મળે તેવું બને. માર્કેટમાં મેટલ, ઓટો અને એનર્જી સેક્ટર તેજીવાળાઓની પસંદ બન્યાં છે. છેલ્લાં કેટલાંક સત્રોથી તેઓ બજારને સપોર્ટ પૂરો પાડી રહ્યાં છે.
બુધવારે નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ 3 ટકાથી વધુ મજબૂતી દર્શાવતો હતો. કેમકે ઈન્ડેક્સના મુખ્ય ઘટકોમાં ભારે લેવાલી જોવા મળી હતી. સતત બીજા દિવસે ઓએનજીસી 3.2 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જે સિવાય એનટીપીસી 2.3 ટકા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 2 ટકા, ગેઈલ 1.72 ટકા અને આઈઓસી 1.4 ટકા સુધારો દર્શાવતાં હતાં. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ પણ 1.91 ટકા સુધર્યો હતો. જેમાં સ્ટીલ શેર્સનું યોગદાન મહત્વનું હતું. જિંદાલ સ્ટીલ 2.3 ટકા, કોલ ઈન્ડિયા 2 ટકા અને હિંદ ઝિંક એક ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી ઓટો 1.41 ટકા સુધરી બંધ રહ્યો હતો. જેના મુખ્ય ઘટકોમાં બોશ 6 ટકા, ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ 2.6 ટકા, ટીવીએસ મોટર 1.6 ટકા અને અશોક લેલેન્ડ 1 ટકા સુધારો દર્શાવી રહ્યો હતો. જોકે બીજી બાજુ બેંકનિફ્ટી 1.6 ટકા ઘટાડો સૂચવતો હતો. મોટાભાગની પ્રાઈવેટ બેંકના શેર્સ ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જેમાં એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક 4.27 ટકા, બંધન બેંક 3 ટકા, એક્સિસ બેંક 2.62 ટકા, કોટક બેંક 1.6 ટકા, એસબીઆઈ 1 ટકો, આઈડીએફસી બેંક 1 ટકા ઘટાડો સૂચવી રહ્યાં હતાં. ડિફેન્સિવ નેચરના ગણાતાં નિફ્ટી આઈટી, નિપ્ટી ફાર્મા અને નિફ્ટી એફએમસીજી પણ નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં અબોટ ઈન્ડિયા 4.72 ટકા, ટ્રેન્ટ 3.84 ટકા, ઈન્ડિયા સિમન્ટ્સ 3.2 ટકા, કોરોમંડલ ઈન્ટરનેશનલ 3 ટકા, પેજ ઈન્ડસ્ટ્રીઝ 2.5 ટકા અને એસ્ટ્રાલ 2.2 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે બીજી બાજુ આરબીએલ બેંક 5.23 ટકા, એસ્કોર્ટ્સ 5 ટકા, મેક્સ ફાઈનાન્સિલય 4.7 ટકા, ઈન્ડિયાબુલ્સ 4.4 ટકા, એચડીએફસી લાઈફ 4.4 ટકા અને જ્યુબિલિઅન્ટ ફૂડ 4.14 ટકા ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં ખરીદી સાવ ઠપ્પ જોવા મળી રહી હતી. જેને કારણે અનેક કાઉન્ટર્સ નવો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. બીએસઈ ખાતે 3450 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1781 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1521 પોઝીટીવ જોવા મળ્યાં હતાં. 67 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 54 કાઉન્ટર્સે તેમની 52-સપ્તાહની નીચી સપાટી નોંધાવી હતી. 148 કાઉન્ટર્સ સ્થિર બંધ દર્શાવી રહ્યાં હતાં.
ઓનલાઈન ઈન્શ્યોરન્સ પ્રોવાઈડર્સે કમિશનની વિગતો આપવી પડશે
ઓનલાઈન ઈન્શ્યોરન્સ વેન્ડર્સ જેવાકે પોલિસીબઝાર અને એકો તથા કોર્પોરેટ એજન્ટ્સે ઈન્શ્યોરન્સ કંપનીઓ પાસેથી તેમણે મેળવેલા કમિશનની વિગતો ખૂલ્લી કરવી પડી શકે છે. આ પગલાનો હેતુ ઈન્શ્યોરન્સ સેક્ટરમાં પારદર્શક્તા લાવવાનો તથા ગ્રાહક સુરક્ષાનો છે. આને કારણે ઊંચું કમિશન અથવા તો મળતર ધરાવતી પ્રોડક્ટના મિસસેલીંગનો પણ અંત આવશે. વેબ એગ્રીગેટર્સે ઈન્શ્યોરન્સધારકોની સુરક્ષા માટે ચોક્કસ વિભાગ શરૂ કરવો પડશે. તેમણે ઈન્શ્યોરન્સ કંપનીઓની પ્રોડક્ટ્સ વેચવા બદલ કંપનીઓ પાસેથી તેમને મળવાપાત્ર કમિશન રેટ્સ અને રિવોર્ડ્સને ડિસ્ક્લોઝ કરવાના રહેશે. કોર્પોરેટ એજન્ટ્સ અને બ્રોકર્સ માટે પણ કમિશનનું રિપોર્ટિંગ ફરજિયાત બનાવવામાં આવી શકે છે. ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા(ઈરડાઈ) ઈન્શ્યોરન્સ કંપનીઓ કરેલા ખર્ચ માટે સિંગલ લિમિટના પ્રસ્તાવ પર વિચારણા કરી રહી છે. જેમાં ઈન્શ્યોરર્સ તરફથી ચૂકવવામાં આવેલા ઓપરેટિંગ ખર્ચાઓ, કમિશન્સ અને રિવોર્ડ્સનો સમાવેશ થતો હશે. હાલની પ્રેકટીસ મુજબ બિઝનેસ લેવલે ભિન્ન-ભિન્ન લિમિટની છૂટ આપવામાં આવે છે. આ પ્રસ્તાવનો હેતુ ઈન્શ્યોરન્સ કંપનીઓ તરફથી યોગ્ય માર્કેટ વર્તન અને ખર્ચ મેનેજમેન્ટનો છે.
LIC અને અદાણી વિલ્મેરનો લાર્જ-કેપ્સમાં સમાવેશ થશે
ચાલુ કેલેન્ડરમાં શેરબજારમાં લિસ્ટીંગ પામેલી પાંચ કંપનીઓમાંથી બે કંપનીઓને એસોસિએશન ઓફ મ્યુચ્યુલ ફંડ્સ(એમ્ફિ) દ્વારા અર્ધવાર્ષિક રિક્લાસિફિકેશનના ભાગરૂપે લાર્જ-કેપ સેક્શનમાં પ્રવેશ આપવામાં આવશે. આમાં જાહેર ક્ષેત્રની સૌથી મોટી જીવન વીમા કંપની લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન અને અદાણી વિલ્મેરનો સમાવેશ થાય છે. જ્યારે ડેલ્હીવેરી, વેદાંત ફેશન્સ અને મધરસન વાયરિંગને મીડ-કેપમાં સમાવેશ મળશે. એમ્ફી દ્વારા વર્ષે બે વાર સ્ટોક્સનું તેમના કદ અને સરેરાશ માર્કેટ-કેપને આધારે રિક્લાસિફિકેશન કરવામાં આવે છે. આ વખતે જાન્યુઆરીથી જૂનના સમયગાળાને ધ્યાનમાં રાખીને આમ કરવામાં આવશે. જેમાં ટોચની 100 માર્કેટ-કેપ કંપનીઓને લાર્જ-કેપ્સની રેંક આપવામાં આવશે. જ્યારે પછીની 150 કંપનીઓને મીડ-કેપ્સ અને પછીની કંપનીઓ સ્મોલ-કેપ તરીકે ઓળખાશે. છેલ્લાં છ મહિનામાં ઘણી જાણીતી કંપનીઓ લાર્જ-કેપ્સમાંથી મીડ-કેપ્સમાં પરત ફરી છે. જેમાં ગોદરેજ પ્રોપર્ટીઝ, સેઈલ, ઝાયડસ લાઈફસાયન્સ, જ્યુબિલિઅન્ટ ફૂડ અને પીબી ફિનટેકનો સમાવેશ થાય છે. જ્યારે અનેક કંપનીઓ મીડ-કેપ્સમાંથી સ્મોલ-કેપ્સમાં તબદિલ થઈ છે.
રિલાયન્સ રિટેલના ચેરમેન તરીકે ઈશા અંબાણીનું નામ નિશ્ચિત
રિલાયન્સ જીઓ ઈન્ફોકોમના ચેરમેન તરીકે આકાશ અંબાણીની નિયુક્તિ બાદ ટૂંકમાં જ ઈશાને પ્રમોશનની સંભાવના
એશિયામાં સૌથી મોટા ઉદ્યોગ જૂથ રિલાયન્સ કોંગ્લોમેરટના રિટેલ યુનિટના ચેરમેન તરીકે મુકેશ અંબાણીના દિકરી ઈશા અંબાણીનું નામ નિશ્ચિત હોવાનું તેમજ આ અંગે ટૂંકમાં જ જાહેરાત કરવામાં આવશે એમ વર્તુળો જણાવે છે. આ સાથે વિશ્વમાં ટોચના ધનપતિઓમાં સમાવેશ પામતાં મુકેશ અંબાણી તેમના સક્સેસન પ્લાનમાં આગળ વધે તેમ માનવામાં આવે છે. મંગળવારે તેમણે રિલાયન્સ જીઓ ઈન્ફોકોમના ચેરમેન તરીકે તેમના પુત્ર આકાશ અંબાણીના નામની જાહેરાત કરી હતી.
ઈશા અંબાણીને રિટેલ બિઝનેસના વડા તરીકે નીમવામાં આવે તે નિશ્ચિત હોવાનું જણાવતાં વર્તુળો બુધવારે પણ આ અંગેની જાહેરાત કરવાની શક્યતાં વ્યક્ત કરી રહ્યા હતાં. હાલમાં ઈશા અંબાણી રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિ.ના ડિરેક્ટર છે. રિલાયન્સ ગ્રૂપના પ્રતિનિધિએ આ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો હતો. મંગળવારે જૂથના ટેલિકોમ યુનિટ રિલાયન્સ જિઓ ઈન્ફોકોમ લિ.ના ચેરમેન તરીકે ઙાઈ આકાશ અંબાણીની નિમણૂંક બાદ ઈશા અંબાણીને પણ પ્રમોશન આપવામાં આવશે એમ વર્તુળો જણાવે છે. જીઓમાં મેટાના ઈવેન્સ્ટમેન્ટને લઈને મંત્રણા ચલાવનાર જીઓ ઈન્ફોકોમની ટીમ્સમાં ઈશા અને આકાશનો પણ સમાવેશ થતો હતો. 30 વર્ષીય ઈશાએ યેલ યુનિવર્સિટી ખાતેથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે. રિલાયન્સ રિટેલ અને રિલાયન્સ જીઓએ અંબાણી પરિવારના ઓઈલ-ટુ-ટેલિકોમ કોન્ગ્લોમેરટ બિઝનેસની સબસિડિઅરીઝ છે. 217 અબજ ડોલરનું માર્કેટ કેપ ધરાવતી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ એ જૂથની ફ્લેગશિપ કંપની છે. મુકેશ અંબાણી તેના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે.
‘ડાર્ફ ફાઈબર’ કેસમાં સેબીએ NSE પર રૂ. 7 કરોડનો દંડ ફટકાર્યો
એક્સચેન્જ ઉપરાંત કુલ 18 સંસ્થા અને વ્યક્તિઓ પર રૂ. 3-6 કરોડની રેંજમાં લાગુ પાડેલો દંડ
એનએસઈની ભૂતપૂર્વ એમડી અને સીઈઓ ચિત્રા રામક્રિષ્ણ પર રૂ. 7 કરોડનો દંડ લાગુ
માર્કેટ રેગ્યુલેટર સેબીએ નેશનલ સ્ટોક એક્સચેન્જ(એનએસઈ) પર 2015ના ‘ડાર્ફ ફાઈબર’ કેસમાં ભારે પેનલ્ટી લાગુ પાડી છે. ડાર્ક ફાઈબર તરીકે ઓળખાતા કેસમાં કેટલાંક ચોક્કસ બ્રોકર્સે તેમની કો-લોકેશન ફેસિલિટીઝને ઝડપી કનેક્ટિવિટી પૂરી પાડવા માટે એનએસઈના ઈન્ટરનેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો દુરુપયોગ કર્યો હતો.
આ કેસ હેઠળ સેબીએ એનએસઈ પર રૂ. 7 કરોડનો દંડ ફટકાર્યો છે. માર્કેટ રેગ્યુલેટરે દેશમાં સૌથી મોટા એક્સચેન્જ ઉપરાંત કુલ 18 સંસ્થાઓ અને વ્યક્તિઓ પર કેસ લાગુ પાડ્યો છે. જેમાં એનએસઈની ભૂતપૂર્વ એમડી અને સીઈઓ ચિત્રા રામક્રિષ્ણ પર રૂ. 5 કરોડની પેનલ્ટી લાગુ પાડી છે. એક્સચેન્જના ભૂતપૂર્વ ગ્રૂપ સીઈઓ સુબ્રમણ્યમ પર પણ રૂ. 5 કરોડની પેનલ્ટી લાગુ પાડવામાં આવી છે. એનએસઈના વર્તમાન ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર રવિ વારાણસી પર રૂ. 5 કરોડનો દંડ તથા ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર સંપર્ક ઈન્ફોટેઈનમેન્ટ પર રૂ. 3 કરોડની પેનલ્ટી ફટકારવામાં આવી છે. દરમિયાનમાં બે બ્રોકિંગ કંપનીઓ વેટુવેલ્થ બ્રોકર્સ અને જીકેએન સિક્યુરિટીઝી પર પણ અનુક્રમે રૂ. 6 કરોડ અને રૂ. 5 કરોડનો દંડ લાગુ પાડવામાં આવ્યો છે.
તાજેતરમાં રજૂ થયેલો 186-પેજનો આદેશ સમાન મુદ્દાને લઈને 2019માં કરવામાં આવેલા આદેશને અનુસરે છે, જેમાં સેબીએ કોઈપણ સિક્યૂરિટીઝ માર્કેટ ઈન્ટરમિડિયરીને ટેલિકોમ સર્વિસિસ પૂરી પાડવા પર સંપર્ક ઈન્ફોટેઈનમેન્ટ પર પ્રતિબંધ લાગુ પાડ્યો હતો. 2019માં સેબીએ એનએસઈને રૂ. 62.6 કરોડની અન્ય ડિપોઝીટ જમા કરાવવા માટે આદેશ આપ્યો હતો. જ્યારે વેટુવેલ્થને રૂ. 15.34 કરોડ અને જીકેએન સિક્યૂરિટીઝને વધુ રૂ. 4.9 કરોડ જમા કરાવવા જણાવ્યું હતું. આ આદેશને સિક્યૂરિટીઝ એપલેટ ટ્રિબ્યુનલ(સેટ)માં પડકારવામાં આવ્યો હતો અને હાલમાં તેની સુનાવણી પેન્ડિંગ છે.
એવું કહેવામાં આવે છે કે એનએસઈના કો-લોક રેક માટે કેબલીંગ એવી રીતે કરવામાં આવ્યું હતું કે વે2વેલ્થ અને જીકેએન સિક્યૂરિટીઝને સંપર્ક સાથે જોડાયેલા અન્ય ટ્રેડિંગ સભ્યોની સરખામણીમાં નીચી લેટન્સીનો લાભ મળ્યો હતો. તેના તાજા ઓર્ડરમાં સેબીએ જણાવ્યું છે કે જીકેએને બિનસત્તાવાર સર્વિસ પ્રોવાઈડર તરફથી પૂરા પાડવામાં આવેલા ડાર્ક ફાઈબર અથવા તેના જેવા જ ડિવાઈસથી તેના એનએસઈ કોલો અને બીએસઈ કોલો સેન્ટર સ્થિત તેના રેક્સ વચ્ચે સીધી પી2પી કનેક્ટિવિટી સ્થાપી હતી. આ ડાર્ક ફાઈબર વધુ સ્પીડ અને નીચી લેટન્સીની ખાતરી પૂરી પાડતો હતો. જે ઝડપી ડેટા ટ્રાન્સમિશન અને એનએસઈ તરફથી થતાં માર્કેટ ડેટાના વિતરણને બંને એક્સચેન્જિસની કોલો સુવિધા સ્થિત અન્ય હાઈ ફ્રિકવન્સી ટ્રેડિંગ બ્રોકર્સની સરખામણીમાં જીકેએન સુધી ઝડપી પહોંચાડવાની ખાતરી આપતો હતો. ઝડપી માર્કેટ ડેટાન પ્રાપ્તની અનૂકૂળતાં છતાં તેના ટર્નઓવરમાં અનેકગણી વૃદ્ધિ નહિ થઈ હોવાની જીકેએનની દલીલને રેગ્યુલેટરે ગ્રાહ્ય રાખી નહોતી. સેબીએ નોંધ્યું હતું કે સમગ્ર મામલો વધુ સ્પીડ મેળવવાનો અને ટ્રેડ્સને હાથ ધરવામાં એક્યૂરસી, રિસોર્સ એલોકએશન સંબંધી છે. વધુ ઝડપ અને લેટન્સીને પરિણામો ઊંચા ટ્રેડિંગ વોલ્યુમ થાય તે જરૂર નથી એમ સેબીએ ઉમેર્યું છે. ઓર્ડરમાં સેબીએ જણાવ્યું છે કે વેટુવેલ્થને એનએસઈ તરફથી મળેલી પ્રેફરન્શિયલ ટ્રીટમેન્ટ પૂરી પાડવામાં આવી છે અને તેનો સીધો લાભ કંપનીને મળ્યો છે. સંપર્ક પાસે જરૂરી લાયસન્સ નહિ હોવા છતાં એનએસઈએ વેટુવેલ્થને સંપર્ક લાઈનનો ઉપયોગ કરવાની છૂટ આપી હતી. સેબીએ નોંધ્યું છે કે આ પ્રકારની વિશેષ સંભાળને કારણે એનએસઈની માર્ગદર્શિકાઓનું પાલન કરી રહેલા અન્ય બ્રોકર્સ સાથે અન્યાય થયો હતો. તેઓએ કોઈ બિનસત્તાવાર વેન્ડર્સ પાસેથી ડાર્ક ફાઈબરની સેવા નહોતી લીધી અને તેઓ તેમના રેગ્યુલર ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ સાથે જોડાયેલા રહ્યાં હતાં.
એનએસઈના વલણને સખ્ત શબ્દોમાં વખોડતાં સેબીએ જણાવ્યું હતું કે એનએસઈ જીકેએનનું સાઈટ ઈન્સ્પેક્શન હાથ ધરવામાં નિષ્ફળ રહ્યું હતું. જે એનએસઈ તરફથી પસંદગીપૂર્વકની અપાઈ રહી હોવાનો સંકેત છે. તે સૂચવે છે કે એનએસઈ પી2પી કનેક્ટિવિટીને લઈને એનએસઈ અને જીકેએન વચ્ચે સાંઠગાંઠ હતી. ચિત્રા રામક્રિષ્ણ પરની પેનલ્ટીને યોગ્ય ઠેરવતાં સેબીએ નોંધ્યું છે કે કોઈપણ સંસ્થાનો સીઈઓ જવાબદારીમાંથી છટકી શકે નહિ. સુબ્રમણ્યમ અને વારાણસીના કિસ્સામાં પણ રેગ્યુલેટરે સમાન દલીલો કરી છે.
સેબી દ્વારા સંસ્થા/વ્યક્તિઓ પર લાગુ પાડવામાં આવેલી પેનલ્ટી
સંસ્થા પેનલ્ટીની રકમ(રૂ. કરોડમાં)
NSE 7
ચિત્રા રામક્રિષ્ણા 5
સુબ્રમણ્યમ આનંદ 5
રવિ વારાણસી 5
સંપર્ક ઈન્ફો 3
વેટુવેલ્થ 6
જીકેએન સિક્યૂરિટીઝ 5
કોર્પોરેટ હેડલાઈન્સ
ગેઈલઃ ભારત સરકારના ગેસ સાહસના નવા ચેરમેન તરીકે સંદિપ ગુપ્તાની પસંદગી કરવામાં આવી છે. તેઓ ઓઈલ એન્ડ ગેસ ક્ષેત્રે ઊંડો અનુભવ ધરાવે છે. તેમણે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશ ખાતે 31 વર્ષથી વધુ સમય સેવા આપી છે.
બેંક ઓફ બરોડાઃ પીએસયૂ બેંક તેના કોર્પોરેટ અને ઈન્સ્ટીટ્યુશ્નલ ક્રેડિટ બિઝનેસનું બે યુનિટ્સમાં વર્ગીકરણ કરી પુનર્ગઠન કરી રહી છે. તેના બે યુનિટ્સમાં લાર્જ બિઝનેસ અને મીડ-કોર્પોરેટ્સને અલગ કરવામાં આવશે. રૂ. 250 કરોડ સુધીના બિઝનેસને મીડ-કોર્પોરેટ્સમાં સમાવવામાં આવશે. આ માટે તે 27 નવી શાખાઓ શરૂ કરશે.
ટાટા સ્ટીલઃ કંપનીની વાર્ષિક સાધારણ સભામાં તાતા જૂથના ચેરમેન એન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે તાતા સ્ટીલની વિસ્તરણ યોજના યથાવત છે. સરકાર તરફથી ઈન્ફ્લેશન પર અંકુશ માટે લેવામાં આવેલા પગલાની કંપનીની યોજનાઓ પર અસર નહિ પડી હોવાનું તેમણે જણાવ્યું હતું. ભારતીય સ્ટીલ ઉદ્યોગ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક્તા ધરાવે છે અને તેથી તે ભારત માટે તેમજ વિશ્વ માટે સ્ટીલ ઉત્પાદન ધરાવતો હશે.
તાતા ટેક્નોલોજીઃ તાતા જૂથની કંપની ફોક્સકોન રચિત મોબિલિટી ઈન હારમોની કોન્સોર્ટિયમ(એમઆઈએચ) કોન્સોર્ટિયમમાં જોડાઈ છે. આ કોન્સોર્ટિયમનો હેતુ સસ્ટેનેબલ મોબિલિટી સોલ્યુશન્સના ડેવલપમેન્ટ તથા ઉદ્યોગ ક્ષેત્રે કોલોબોરેશનને પ્રોત્સાહન આપવાનો છે. એમઆઈએચ સોફ્ટવેર, હાર્ડવેર અને સર્વિસિઝ ક્ષેત્રે 2300 સભ્યોનું બનેલું જૂથ છે.
ગ્લેનમાર્ક ફાર્માઃ ફાર્મા કંપનીએ અન્ય ફાર્મા કંપની વોખાર્ડ પાસેથી યુએસમાં કેટલીક ઓવર-ધ-કાઉન્ટર ડ્રગ્ઝની ખરીદી કરી છે. જે ગ્લેનમાર્કની યુએસ ખાતે ઓટીસી હાજરીને મજબૂત કરે તેવી શક્યતાં છે. આ એક્વિઝીશનમાં ફેમોટીડાઈન માટે નવા એએનડીએનો સમાવેશ થાય છે.
સ્પાઈસજેટઃ ઉડ્ડયન કંપની ડિસેમ્બર 2022 સુધીમાં સાત મેક્સ જેટ્સનો સમાવેશ કરવાની યોજના ધરાવે છે.
ઓરિએન્ટ બેલઃ કંપનીએ રૂ. 20 કરોડના મૂડી ખર્ચ સાથેના બે પ્રોજેક્ટ્સના સમયસર સમાપ્તિની જાહેરાત કરી છે.
હઝૂર મલ્ટીઃ કંપનીએ નાગપુર-મુંબઈ સુપર કોમ્યુનિકેશન એક્સપ્રેસવે લિ. પાસેથી વર્ક ઓર્ડર મેળવ્યો હોવાનું જણાવ્યું છે.
પર્ફિઓસઃપ્રાઈવેટ સેક્ટર્સ બેંક જેવીકે એચડીએફસી બેંક તથા આઈસીઆઈસીઆઈ બેંક, પર્ફિઓસ એકાઉન્ટ એગ્રિગેશન સર્વિસિસમાં 10-10 ટકા હિસ્સાની ખરીદી કરશે. આ માટે બંને બેંક રૂ. 4.03 કરોડની ચૂકવણી કરશે. પીએસયૂ બેંક એસબીઆઈ પણ કંપનીમાં હિસ્સો ખરીદશે.
રૂટ મોબાઈલઃ કંપનીના બોર્ડે બાયબેકને મંજૂરી આપી હતી. જે મુજબ તેઓ રૂ. 1700 પ્રતિ શેરના ભાવે કુલ રૂ. 120 કરોડના મૂલ્ય સુધીના શેર્સની બજારમાંથી ખરીદી કરશે. જોકે આ જાહેરાત બાદ શેરમાં ઘટાડો નોંધાયો હતો.
ચંબલ ફર્ટિલાઈઝરઃ અગ્રણી ફર્ટિલાઈઝર કંપનીના પ્રમોટર્સે વધુ 17.12 લાખ શેર્સ પ્લેજ કરાવ્યાં છે. કંપનીના શેરમાં છેલ્લાં કેટલાંક સત્રોથી ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે. બુધવારે તે વધુ 3 ટકા ઘટાડો દર્શાવવા સાથે વર્ષના તળિયા પર ટ્રેડ દર્શાવતો હતો.
ગોદાવરી પાવરઃ કંપનીએ આલોક ફેરો એલોયઝના 37.79 લાખ ઈક્વિટ શેર્સની ખરીદી કરી છે.
એક્રિસિલઃ કંપનીએ એડિશ્નલ 1.6 લાખ ક્વાર્ટ્ઝ કિચન સિંક્સ યુનિટ્સના કમર્સિયલ પ્રોડક્ટશનની શરૂઆત કરી છે.
Market Summary 29 June 2022
June 29, 2022
