બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
બુલ્સ અડગ રહેતાં વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક તેજી
યુએસ, ચીન, યુરોપ સહિત તેજી જ તેજી
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.6 ટકા ગગડી 20.55ની સપાટીએ
આઈટી સિવાય તમામ ક્ષેત્રોમાં મજબૂતી
નિફ્ટી ઓટોમાં વધુ 2 ટકા ઉછાળો નોંધાયો
મેટલ, મિડિયા, એનર્જી અને એફએમસીજીમાં પણ મજબૂતી
બ્રેન્ટ ક્રૂડ 109 ડોલરથી પરત ફરી 112 ડોલર પર
શરૂઆત સારી તેનો અંત પણ સારો એ કહેવતને સાર્થક કરતાં ભારતીય શેરબજારે સુધારા સાથે સપ્તાહની સમાપ્તિ નોંધાવી હતી. સપ્તાહના શરૂઆતી બે સત્રો દરમિયાન મજબૂતી દર્શાવનાર બજાર બુધવારે તૂટ્યું હતું. જોકે આખરી બે સત્રોમાં તે ફરી સુધારાતરફી બની રહ્યું હતું. સપ્તાહના આખરી સત્રમાં બેન્ચમાર્ક સેન્સેક્સ 462 પોઈન્ટ્સ સુધરી 52728ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 143 પોઈન્ટ્સ મજબૂતી સાથે 15699 પર બંધ જોવા મળ્યો હતો. આમ 15700ની સપાટીથી સહેજ છેટું રહી ગયું હતું. નિફ્ટી-50ના 50 કાઉન્ટર્સમાંથી 41 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર નવ કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. જેમાં મુખ્યત્વે આઈટી કાઉન્ટર્સનો સમાવેશ થતો હતો. બ્રોડ માર્કેટમાં પણ ખરીદી જળવાય હતી અને બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.6 ટકા ગગડી 20.55ની સપાટી પર બંધ રહ્યો હતો.
શુક્રવારનો દિવસ વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક તેજીનો બની રહ્યો હતો. ગુરુવારે યુએસ બજારોમાં સુધારા પાછળ એશિયન બજારો 2 ટકા સુધીની મજબૂતી સૂચવી રહ્યાં હતાં. જ્યારે બીજી બાજુ યુરોપ ખાતે પણ યુકેનું બજાર 2 ટકાથી વધુ મજબૂતી દર્શાવતું હતું. આમ લાંબા સમયગાળા બાદ વિકસિત તેમજ ઈમર્જિંગ બજારોમાં તેજીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. જે રોકાણકારોનું સેન્ટિમેન્ટ ધીમે-ધીમે પોઝીટીવ બની રહ્યું હોય તેમ સૂચવે છે. જોકે આગામી સપ્તાહે પણ અન્ડરટોન મજબૂત જળવાય રહે તો જ આમ થઈ રહ્યું હોવાની ખાતરી મળશે. કેમકે હજુ માર્કેટ તેમના તાજેતરના બોટમથી બહુ દૂર ટ્રેડ નથી થઈ રહ્યાં. એનાલિસ્ટ્સના મતે માર્કેટમાં કેટલોક સમય બેતરફી વધ-ઘટ જળવાય રહેશે અને તે મોટી તેજી કે મોટી મંદી નહિ દર્શાવે પરંતુ વર્તમાન સ્તરેથી 2-3 ટકાની રેંજમાં અથડાતું રહેશે. ભારતીય બજાર માટે જુલાઈમાં શરૂ થનારી પરિણામોની સિઝન ખૂબ મહત્વની બની રહેશે. કેમકે તે પરિણામો વાસ્તવમાં કોમોડિટીઝના ભાવમાં વૃદ્ધિની અર્નિંગ્સ પર કેટલી અસર પડી તે દર્શાવશે. તાજેતરમાં કોમોડિટીઝના ભાવમાં જોવા મળેલા ઘટાડા પાછળ વપરાશી સેક્ટર્સના શેર્સમાં મજબૂતી જોવા મળી રહી છે. જેમકે ઓટોમોબાઈલ શેર્સ છેલ્લાં કેટલાંક સત્રોથી બ્રોડ માર્કેટને આઉટપર્ફોર્મ કરી રહ્યાં છે. એફએમસીજી કંપનીઓના શેર્સમાં પણ ખરીદી જોવા મળી રહી છે. કેમકે ક્રૂડ સહિતની કોમોડિટીઝના ભાવ ઘટી રહ્યાં છે. શુક્રવારે ભારતીય બજારમાં એકમાત્ર આઈટી ક્ષેત્ર નેગેટિવ જોવા મળ્યું હતું. જે સિવાય અન્ય તમામ સેક્ટરલ સૂચકાંકો પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી ઓટો 2 ટકા સાથે આઉટપર્ફોર્મર જોવા મળતો હતો. ઓટો સેક્ટરમાં એમએન્ડએમ 4.32 ટકા સાથે રૂ. 1072ની નવી ટોચ પર બંધ રહ્યો હતો. ટીવીએસ મોટર 3.5 ટકા, બોશ 3.22 ટકા, હીરો મોટોકોર્પ 3.21 ટકા, એમઆરએફ 2.24 ટકા અને આઈશર મોટર્સ 2.1 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી એફએમસીજી 1.24 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેમાં ગોદરેજ કન્ઝ્યૂમર 2.55 ટકા સાથે ટોપર રહ્યો હતો. એચયૂએલ, વરુણ બેવરેજિસ, બ્રિટાનિયા, નેસ્લે સહિતના કાઉન્ટર્સ 1.5 ટકાથી વધુ સુધારો સૂચવી રહ્યાં હતાં. મેટલ ઈન્ડેક્સ 1.63 ટકા સુધારો સૂચવતો હતો. જેમાં સ્ટીલ શેર્સે તેજીની આગેવાની લીધી હતી. વેલસ્પન કોર્પ 7.34 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવતો હતો. આ ઉપરાંત જિંદાલ સ્ટીલ 2.5 ટકા, એનએમડીસી 2.43 ટકા, નાલ્કો 2 ટકા, જેએસડબલ્યુ સ્ટીલ 1.6 ટકા, હિંદાલ્કો 1.5 ટકા અને ટાટા સ્ટીલ 1.4 ટકા સુધારો સૂચવતાં હતાં. અદાણી ગ્રીન એનર્જી, ટાટા પાવર, ઓએનજીસી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પાછળ નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ 1.4 ટકા સુધર્યો હતો. બેંકનિફ્ટી પણ 1.5 ટકા મજબૂતી દર્શાવતો હતો. જેમાં નાના બેંકિંગ કાઉન્ટર્સ સુધારો દર્શાવવામાં અગ્રણી હતાં. જેમકે આઈડીએફસી બેંકે 4.2 ટકા, બંધન બેંકે 3 ટકા, ફેડરલ બેંક 2.8 ટકા અને ઈન્ડસઈન્ડ બેંક 2.75 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. પીએસયૂ બેંક શેર્સ પણ સુધારો સૂચવતાં હતાં. બ્રોડ માર્કેટમાં ખરીદી પાછળ બીએસઈ ખાતે બેથી વધુ શેર્સમાં તેજી પાછળ એક શેરમાં નરમાઈ જોવા મળી હતી. પ્લેટફોર્મ ખાતે કુલ 3448 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2391 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર 931 કાઉન્ટર્સે નેગેટિવ બંધ આપ્યું હતું. 60 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 53 કાઉન્ટર્સ વાર્ષિક તળિયા પર ટ્રેડ થયાં હતાં. આમ સતત બીજા દિવસે બ્રોડ માર્કેટ પણ મજબૂત રહ્યું હતું. એમએમટીસી, આસાહી ઈન્ડિયા, આઈસીઆઈએલ, હિકલ જેવા કાઉન્ટર્સ 16 ટકા સુધીનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માન ઈન્ફ્રા, એલિકોન, પર્સિસ્ટન્ટ સિસ્ટમ જેવા કાઉન્ટર્સ નેગેટિવ ટ્રેડ સૂચવતાં હતાં.
ગોલ્ડની મૂવમેન્ટ પર ઈ-વે બિલ્સ લાગુ પડે તેવી શક્યતાં
ગુડ્ઝ એન્ડ સર્વિસિસ ટેક્સ કાઉન્સિલ આગામી સપ્તાહે મળનારી બેઠકમાં રાજ્યની અંદર ગોલ્ડ મૂવમેન્ટ પર ઈ-વે બિલ્સ લાગુ પાડવાની વિચારણા કરે તેમ જાણવા મળે છે. સોના ઉપરાંત કિંમતી પત્થરોનો પણ ઈ-વે બિલ્સમાં સમાવેશ થઈ શકે છે. કેરળના નાણાપ્રધાનની આગેવાની હેઠળના ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સની ભલામણને આધારે આમ કરવામાં આવી શકે છે. આગામી સપ્તાહે મંગળવાર તથા બુધવારે મળનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ રિપોર્ટ રજૂ કરવામાં આવે તેવી અપેક્ષા છે. કાઉન્સિલ આ સૂચનને મંજૂર રાખશે તો ગોલ્ડની મૂવમેન્ટને ટ્રેક કરવામાં સહાયતા મળશે તેમજ તેને કારણે કરચોરીને પકડવામાં પણ મદદ મળી રહેશે એમ માનવામાં આવે છે. પ્રધાનોના જૂથે તૈયાર કરેલા અહેવાલમાં એમ્પાવરિંગ સ્ટેટ્સને નવો નિયમ લાગુ પાડવા અંગે નિર્ણય લેવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
AI સ્વીકૃતિ અને ડેટાના ઉપયોગથી જીડીપીમાં 500 અબજ ડોલરનો ઉમેરો થશે
આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સના સ્વીકાર અને ડેટા યુટિલાઈઝેશન સ્ટ્રેટેજિસથી ભારતના જીડીપીમાં 2025 સુધીમાં 500 અબજ ડોલરનો ઉમેરો થઈ શકે છે એમ નાસ્કોમે તૈયાર કરેલો એક રિપોર્ટ જણાવે છે. તેના જણાવ્યા મુજબ ચાર મહત્વના સેક્ટર્સમાં એઆઈની સ્વીકૃતિ 2025 સુધીમા દેશના જીડીપીમાં સંભવિત 400-500 અબજ ડોલરના 60 ટકા હિસ્સો ધરાવી શકે છે. આ ચાર ક્ષેત્રોમાં કન્ઝ્યૂમર ગુડ્ઝ એન્ડ રિટેલ, બેંકિંગ-ફાઈનાન્સિયલ સર્વિસિસ અને ઈન્શ્યોરન્સ, એનર્જી અને ઈન્ડસ્ટ્રીઅલ્સ તથા હેલ્થકેરનો સમાવેશ થાય છે. નાસ્કોમે ઈવાય સાથે મળી માઈક્રોસોફ્ટ, ઈએક્સએલ અને કેપજેમિનીની સહાયથી ‘એઆઈ એડોપ્શન ઈન્ડેક્સ’ લોંચ કર્યો છે. રિપોર્ટ મુજબ એઆઈ ક્ષેત્રે વૈશ્વિક ઈન્વેસ્ટમેન્ટ્સ છેલ્લાં બે વર્ષોમાં બમણું જોવા મળ્યું છે. 2022માં 36 અબજ ડોલર પરથી વધી 2021માં તે 77 ડોલર પર નોંધાયું હતું.
ભારત સિવાય ટોચના નવ દેશોમાં સ્ટીલ ઉત્પાદન ઘટ્યું
સતત અગિયારમા મહિને વૈશ્વિક સ્ટીલ ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો હતો. જોકે ભારત આમાંથી બાકાત રહ્યો હતો. મે મહિનામાં વિશ્વમાં ટોચના 10 સ્ટીલ ઉત્પાદકોમાંથી નવે ઘટાડો દર્શાવ્યો હતો. જેમાં ચીનનો સમાવેશ પણ થાય છે. જ્યારે ભારતે મે મહિના દરમિયાન સ્ટીલ ઉત્પાદનમાં 17.3 ટકા વૃદ્ધિ સાથે 1.06 કરોડ ટનની વૃદ્ધિ નોંધાવી હતી એમ વર્લ્ડ સ્ટીલ એસોસિએશનનો ડેટા જણાવે છે. એસોસિએશન સાથે જોડાયેલા 64 દેશોમાં મે મહિના દરમિયાન સ્ટીલ ઉત્પાદન વાર્ષિક ધોરણે 3.5 ટકા ઘટાડા સાથે 16.95 કરોડ ટન પર જોવા મળ્યું હતું. જોકે માસિક ધોરણે ઉત્પાદનમાં વૃદ્ધિ નોંધાઈ હતી. એપ્રિલમાં આ દેશોએ 16.27 કરોડ ટન ઉત્પાદન દર્શાવ્યું હતું.
યુક્રેન ઘટના પાછળ વૈશ્વિક કોમોડિટીઝના ભાવ ટોચ બનાવીને ઊંધા માથે પટકાયાં
નીકલના ભાવમાં તેની ટોચ પરથી 56 ટકાથી વધુનો ઘટાડો જ્યારે ગોલ્ડમાં 12 ટકાનો સૌથી નીચો ઘટાડો
બીએમડી ક્રૂડ પામતેલ 8757 ડોલર પરથી 4870 ડોલર પર 44 ટકા જેટલું ગગડ્યું
નેચરલ ગેસ પણ ટોચ પરથી 35 ટકા પટકાયો
કોમોડિટીઝના ભાવ ફેબ્રુઆરીમાં રશિયા-યૂક્રેન સંઘર્ષ બાદ જે ઝડપે ઉછળ્યાં હતાં. તેનાથી વધુ ઝડપે ગગડ્યાં છે. તાજેતરમાં વૈશ્વિક બજારમાં બેઝ મેટલ્સથી લઈ એગ્રી કોમોડિટીઝ તીવ્ર પ્રાઈસ કરેક્શનનો સામનો કરી રહી છે. જેમાં બેઝ મેટલ્સ, ખાદ્ય તેલોથી લઈ કિંમતી ધાતુઓનો સમાવેશ થાય છે. ફેબ્રુઆરીની આખરથી એપ્રિલ-મે સુધીમાં બમણી ભાવ વૃદ્ધિ દર્શાવનાર કોમોડિટીઝ તેમની ટોચની સપાટીએથી 50 ટકા કરતાં વધુનો ઘટાડો દર્શાવી ચૂકી છે. આમ ફુગાવાને લઈને ચિંતિત સેન્ટ્રલ બેંકર્સને આગામી સમયગાળામાં નોંધપાત્ર રાહત મળે તેવી ઊંચી સંભાવના જોવા મળી રહી છે.
બેઝ મેટલ્સમાં લંડન મેટલ એક્સચેન્જ ખાતે નીકલના ભાવ 23 ફેબ્રુઆરીની તેની સપાટી પરથી 125 ટકા જેટલા ઉંચકાય ગયા હતા. અંતિમ આંકડાની રીતે વાત કરીએ તો 24396 ડોલર પ્રતિ ટન પરથી નીકલના ભાવ 55 હજાર ડોલર પર બોલાયાં હતાં. જે 23 જૂને 24038 ડોલર પર ટ્રેડ થઈ રહ્યાં હતાં. આમ ઐતિહાસિક ટોચ પરથી તે 56.3 ટકા જેટલાં ગગડી ચૂક્યાં છે. ચીન ખાતે કોવિડ લોકડાઉન સહિત યુએસ ફેડ તરફથી આક્રમક રેટ વૃદ્ધિને કારણે વૈશ્વિક જીડીપી વૃદ્ધિ દરમાં અગાઉની અપેક્ષા સામે નોંધપાત્ર ઘટાડાની શક્યતાં પાછળ બેઝ મેટલ્સના ભાવ તીવ્ર કરેક્શન દર્શાવી રહ્યાં છે. નીકલ ઉપરાંત એલ્યુમિનિયમના ભાવ પણ તેની ઐતિહાસિક ટોચ બનાવી 40 ટકા જેટલાં ગગડ્યાં છે. જ્યારે કોપરના ભાવ ગઈકાલે 20 મહિનાના તળિયા પર ટ્રેડ થયા હતાં. એલએમઈ કોપર 10800 ડોલરની સપાટી વટાવી હાલમાં 8400 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. જે સૂચવે છે કે સપ્લાય ચેઈનની ચિંતા પાછળ ભાવમાં જોવા મળેલો વધારો ઊભરા જેવો નીવડ્યો છે. કોમોડિટી એનાલિસ્ટ્સના મતે યુક્રેન ઘટના બાદ કોમોડિટીઝના ભાવમાં ઉછાળો ફંડામેન્ટલ્સ કરતાં સેન્ટિમેન્ટ પ્રેરિત વધારે હતો અને તેથી બજારની નજર જ્યારે વાસ્તવિક માગ પર પડી ત્યારે તેમાં ઝડપી ઘટાડો પણ જોવા મળ્યો છે. તેમના મતે કોમોડિટીઝના ભાવમાં વર્તમાન સ્તરેથી વધવા માટે કોઈ મજબૂત કારણ જોવા મળી રહ્યું નથી. આ સ્થિતિમાં ભાવ ધીમો ઘસારો દર્શાવવાનું જાળવી શકે છે. અગાઉ એનાલિસ્ટ્સ કોમોડિટીઝમાં સુપર બુલ રનની શક્યતાં વ્યક્ત કરી રહ્યાં હતાં. જેઓ હવે અવળી શક્યતાં જોઈ રહ્યાં છે. તેમના રશિયા-યૂક્રેન ઘર્ષણ પુરું થતાં ભાવમાં ઓર ઘટાડો જોવા મળી શકે છે.
એગ્રી કોમોડિટીઝની વાત કરીએ તો ક્રૂડ પામ તેલના ભાવ 23 ફેબ્રુઆરીના રોજ 6506 ડોલર પરથી ઉછળી 8757 ડોલર પર ટ્રેડ થયાં હતાં. જ્યાંથી 44.4 ટકા જેટલા ગગડી 4870 ડોલર પર ટ્રેડ થઈ રહ્યાં છે. આ જ રીતે સીબોટ ખાતે સોયાબિન ઓઈલ પણ 71 ડોલર પરથી 91.4 ડોલર થઈ 67.71 ડોલર પર જોવા મળી રહ્યું છે. જ્યારે આઈસીઈ કોટન વાયદો 122.4 સેન્ટ પરથી 158 સેન્ટ પર બોલાઈ 136 સેન્ટ આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. કિંમતી ધાતુઓ પણ ઘટાડામાંથી બાકાત રહી નથી. કોમેક્સ ગોલ્ડના ભાવ 1909 ડોલર પરથી ઊચકાઈ 2070 ડોલરની સર્વોચ્ચ ટોચ નજીક ટ્રેડ થયા બાદ 1823 ડોલર આસપાસ જોવા મળી રહ્યાં છે. જ્યારે ચાંદી 24.55 ડોલર પરથી 25 ડોલર બોલાયા બાદ હાલમાં 21 ડોલર આસપાસ ટ્રેડ થઈ રહી છે.
કોમોડિટીઝનો ઉદય અને અસ્ત
કોમોડિટીઝ 23 ફેબ્રુઆરી 2022 ટોચ 23 જૂન ટોચ પરથી ઘટાડો(ટકામાં)
LME નીકલ 24396 55000 24038 -56.30%
BMD CPO 6506 8757 4870 -44.40%
NYMEX નેચરલ ગેસ 4.62 9.66 6.239 -35.40%
LME એલ્યુ. 3293 4073 2477.5 -39.20%
હોટ રોલ્ડ કોઈલ 1000 1665 1127 -32.30%
સોયાબિન ઓઈલ 70.72 91.4 67.71 -25.90%
LME ઝીંક 3572 4896 3491.5 -28.70%
LME લેડ 2335 2700 1947.5 -27.90%
DCE આયર્ન ઓર 677 948 729 -23.10%
LME કોપર 9866 10845 8409 -22.50%
WTI ક્રૂડ 92.1 130 104.27 -19.80%
COMEX સિલ્વર 24.55 24.94 20.95 -16.00%
ICE કોટન 122.4 158 136.32 -13.70%
COMEX ગોલ્ડ 1909 2070 1823 -11.90%
(ભાવ સેન્ટ/ડોલરમાં)
માર્કેટ કરેક્શન પાછળ ટ્રેડિંગ વોલ્યુમ ગગડીને કોવિડ અગાઉના સ્તરે પહોંચ્યું
મેમાં દૈનિક સરેરાશ રૂ. 62 હજારનું કેશ સેગમેન્ટ વોલ્યુમ જૂનમાં રૂ. 48 હજાર કરોડ પર નોંધાયું
જોકે ડેરિવિટિવ્સ સેગમેન્ટમાં વોલ્યુમ દૈનિક રૂ. 106 લાખ કરોડની વિક્રમી સપાટીએ જોવા મળ્યું
શેરબજારમાં સતત ઘટાડાને પગલે સેન્ટિમેન્ટ ખરડાતાં કેશ સેગમેન્ટ વોલ્યુમ ગગડીને કોવિડ મહામારી પહેલાના સ્તરે પહોંચી ગયું છે. દેશમાં બે સ્ટોક ટ્રેડિંગ પ્લેટફોર્મ એનએસઈ અને બીએસઈ ખાતે જૂન મહિનામાં અત્યાર સુધી કેશ સેગમેન્ટનું દૈનિક ટર્નઓવર રૂ. 48011 કરોડ પર જોવા મળ્યું હતું. જે ફેબ્રુઆરી 2020માં કોવિડના આગમન પહેલાં રૂ. 40 હજાર કરોડની સપાટી બાદનું સૌથી નીચું માસિક ટર્નઓવર સૂચવે છે. જોકે બીજી બાજુ સંસ્થાકિય રોકાણકારોનું પ્રભુત્વ ધરાવતાં ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં કામકાજ નવી ઊંચાઈઓ આંબી રહ્યું છે. જૂન મહિનામાં અત્યાર સુધીમાં તે દૈનિક ધોરણે રૂ. 106 લાખ કરોડ આસપાસ જોવા મળ્યું છે.
મે મહિનાની સરખામણીમાં જૂન મહિનાના ટર્નઓવરમાં 22 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે એપ્રિલ મહિનાની સરખામણીમાં તે 35 ટકાનો તીવ્ર ઘટાડો સૂચવે છે. એપ્રિલ મહિનામાં કેશ સેગમેન્ટમાં દૈનિક વોલ્યુમ રૂ. 73245 કરોડના સ્તરે જોવા મળતું હતું. જે ચાલુ કેલેન્ડરમાં કોઈપણ મહિના દરમિયાન સૌથી ઊંચું દૈનિક વોલ્યુમ હતું. જાન્યુઆરીથી માર્ચ મહિના દરમિયાન દૈનિક ટર્નઓવર રૂ. 63 હજાર કરોડ ઉપર જોવા મળ્યું હતું. જેમાં જાન્યુઆરીમાં દૈનિક કામકાજ રૂ. 69457 કરોડ પર જ્યારે ફેબ્રુઆરીમાં રૂ. 63 હજાર કરોડ પર તથા માર્ચમાં રૂ. 70731 કરોડનું સરેરાશ દૈનિક કામકાજ નોંધાયું હતું. જોકે છેલ્લાં બે મહિનાથી કેશ સેગમેન્ટના કામકાજમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જે સૂચવે છે કે રિટેલ ઈન્વેસ્ટર્સનો મોટો હિસ્સો માર્કેટમાં કામકાજથી અળગો થયો છે અને તે માર્કેટને દૂરથી જોવાનું પસંદ કરી રહ્યો છે. માર્કેટ નિરીક્ષકોના મતે ચાલુ મહિને બજારમાં બે બાજુની ઊંચી વધ-ઘટ જોવા મળી છે. ચાલુ કેલેન્ડરમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને મે બાદ જૂન સતત પાંચમો વોલેટાઈલ મહિનો બની રહ્યો છે. જેને કારણે રિટેલ ઈન્વેસ્ટર્સની હિંમત તૂટી ગઈ છે અને તેઓ નવા રોકાણથી દૂર થયાં છે. તેઓ છેલ્લાં છ મહિનામાં પોર્ટફોલિયોમાં નોંધપાત્ર નુકસાનનો સામનો કરી રહ્યાં છે અને તેથી જ્યાં સુધી તેમને વાજબી ભાવે એક્ઝિટ નહિ મળે ત્યાં સુધી તેઓ માર્કેટમાં નવી ટ્રેડિંગ પોઝીશન લેવાનું ટાળે તેવું જણાય રહ્યું છે. હાલમાં માર્કેટને લઈને મોટાભાગના એનાલિસ્ટ્સ પણ સાવચેતીનો સૂર વ્યક્ત કરી રહ્યાં છે. જેની પણ રિટેલ સાયકોલોજિ પર અસર પડી છે. આમ હાલમાં માર્કેટમાં મોટા રોકાણકારો તથા સંસ્થાઓ જ એક્ટિવ છે.
ગયા સપ્તાહે ભારતીય ઈક્વિટી બેન્ચમાર્ક્સે તેમની 13-મહિનાની નીચી સપાટીને સ્પર્શ કર્યો હતો. સ્થાનિક સેન્ટ્રલ બેંકર આરબીઆઈએ ચાલુ મહિને રેપો રેટમાં 50 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કરી હતી. જ્યારે યુએસ ફેડે 75 બેસીસ પોઈન્ટ્સ રેટ વૃદ્ધિ કરતાં શેરબજારમાં ભારે વેચવાલી નોંધાઈ હતી. નિફ્ટી 16000નો સપોર્ટ તોડી નીચામાં 15300ની નીચે ઉતરી ગયો હતો. અગ્રણી બ્રોકરેજના ઓપરેશન હેડના જણાવ્યા મુજબ કેશ ડિલિવરી વોલ્યુમમાં ઘટાડાના ટ્રેન્ડને જોતાં જણાય છે કે આગામી કેટલાંક સમયગાળામાં આ ટ્રેન્ડ ચાલુ રહેશે. એકવાર માર્કેટ સ્થિર થશે અને એક દિશામાં ગતિ દર્શાવશે ત્યારબાદ જ રિટેલ વર્ગ ફરી બજારમાં પરત ફરતો જોવા મળશે. તેમના મતે જે વર્ગ ફ્યુચર્સ અને ઓપ્શન્સ સેગમેન્ટ પર આધારિત છે તેને ઓછી અસર પડી છે અને તે સારી સ્થિતિમાં જોવા મળે છે. ઓક્ટોબર 2021માં બજારે સર્વોચ્ચ ટોચ દર્શાવ્યાં બાદ સતત ઘટાડો દર્શાવવાનું ચાલુ રાખ્યું છે. એપ્રિલમાં બજારમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. જે ટકી શક્યો નહોતો અને મેમાં માર્કેટ ફરી ગગડ્યું હતું. જ્યારે જૂન મહિનામાં બજાર મોટાભાગના સત્રો દરમિયાન 16000ની નીચેના સ્તરોએ ટ્રેડ દર્શાવતું રહ્યું છે. ફંડામેન્ટલ એનાલિસ્ટના મતે બોન્ડ માર્કેટમાં યિલ્ડ્સ વધી રહ્યાં છે. જેને કારણે શેરબજાર ઘટાડો દર્શાવી રહ્યું છે. ખાસ કરીને મીડ અને સ્મોલ-કેપ સેગમેન્ટમાં મોટાભાગના કાઉન્ટર્સ તેમની ટોચથી 50 ટકાથી વધુ તૂટી ચૂક્યાં છે. જેણે રિટેલ રોકાણકારોને મોટો આંચકો આપવા સાથે હતોત્સાહ કર્યાં છે. તેઓ વર્તમાન નીચા ભાવે એવરેજ કરવા માટે પણ તૈયાર નથી જણાતાં. કેમકે તેઓ બજારની ચાલને લઈને સાવચેત જોવા મળી રહ્યાં છે.
કેલેન્ડર 2022માં દૈનિક સરેરાશ ટર્નઓવર
મહિનો દૈનિક ટર્નઓવર(કરોડમાં)
જાન્યુઆરી 69457
ફેબ્રુઆરી 63080
માર્ચ 70731
એપ્રિલ 73245
મે 61710
જૂન 48011
કોર્પોરેટ હેડલાઈન્સ
આઈઓસીઃ દેશમાં ટોચની ઓઈલ માર્કેટિંગ કંપનીના અગ્રણી અધિકારીના જણાવ્યા મુજબ યુક્રેન કટોકટી ચાલુ રહેવાના કારણે ઓઈલના ભાવ 100 ડોલર પ્રતિ બેરલ પર જળવાયેલા રહેવાની અપેક્ષા છે. જ્યાં સુધી બંને દેશો ખાતેથી સપ્લાય સામાન્ય નહિ બને ત્યાં સુધી ક્રૂડ ઊંચી સપાટી પર ટ્રેડ દર્શાવશે.
ડો.રેડ્ડીઝ લેબોઃ હૈદરાબાદ મુખ્યાલય ધરાવતી ફાર્મા કંપનીએ ભારતીય બજારમાં ટોચની પાંચ ફાર્મા કંપનીઓમાં પ્રવેશવાનો ટાર્ગેટ બાંધ્યો છે. હાલમાં કંપની માટે યુએસ સૌથી મહત્વનું બજાર છે. તે આગામી પાંચ વર્ષોમાં ચીન ખાતેથી તેની આવક બમણી કરવાનો જ્યારે બ્રાઝિલ ખાતે પાંચ ગણી કરવાનો ટાર્ગેટ ધરાવે છે.
સુઝુકી અને ટોયોટાઃ જાપાનની બે ટોચની ઓટો કંપનીઓ સુઝુકી અને ટોયોટા ભારતીય બજારમાં તેમના સંબંધોને ગાઢ કરવા માગે છે. તેઓ ડેવલપમેન્ટ અને પ્રોડક્શન ક્ષેત્રે જોડાણને વધુ મજબૂત બનાવીને નેટ ઝીરોના ટાર્ગેટને ઝડપથી હાંસલ કરવા ઈચ્છે છે. નવા જોડાણ હેઠળ ઓગસ્ટમાં સુઝુકી તેણે ટોયોટા કિર્લોસ્કર મોટર ખાતે વિકસાલેવી નવી એસયૂવીનું પ્રોડક્શન શરૂ કરશે.
તાતા કેમિકલ્સઃ તાતા કેમિકલ્સ યુરોપે યૂકે ખાતે પ્રથમ ઈન્ડસ્ટ્રીઅલ-સ્કેલ કાર્બન કેપ્ચર અને યુસેઝ પ્લાન્ટ ખૂલ્લો મૂક્યો હતો. કંપનીના જણાવ્યા મુજબ યૂકેના નેટ-ઝીરો ટાર્ગેટને હાંસલ કરવા આ મહત્વનો માઈલસ્ટોન બની રહેશે. આ પ્લાન્ટ માટે ટાટા કેમિકલ્સ યુરોપે 2 કરોડ પાઉન્ડનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે.
ઓએનજીસીઃ દેશમાં ટોચની પીએસયૂ હાઈડ્રોકાર્બન કંપનીની સબસિડિયરી ઓએનજીસી વિદેશ લિમિટેડે લેટિન અમેરિકામાં કોલંબિયા ખાતે લિઆનોસ બેસિનમાં એક વેલમાં ઓઈલની શોધ કરી છે.
ડીસીએમ શ્રીરામઃ કેમિકલ કંપની વિન્ડ-સોલાર હાઈબ્રીડ રિન્યૂએબલ પાવર પ્રોજેક્ટ માટે સ્પેશ્યલ પરપઝ વેહીકલમાં રૂ. 65 કરોડનું રોકાણ કરશે.
એચયૂએસઃ અગ્રણી એફએમસીજી કંપનીના સીએમડીએ જણાવ્યું છે કે કંપની વોલ્યુમની ચિંતા કર્યાં વિના ભાવમાં વૃદ્ધિ કરવાનું જાળવશે.
જેટ એરવેઝઃ ઉડ્ડયન કંપનીએ હાયરિંગ શરૂ કર્યું છે. સાથે તેણે અગાઉ કાર્યરત કેબિન ક્રૂ મેમ્બર્સને ફરીથી એરલાઈન કંપનીમાં જોડાવા જણાવ્યું છે. દેશમાં એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ 20 મેના રોજ જેટ એરવેઝના એર ઓપરેટર સર્ટિફિકેટને ફરી માન્યતા આપી હતી. જ્યારબાદ તે ઉડાન શરૂ કરી શકે છે. રેમન્ડઃ ડાયવર્સિફાઈડ ગ્રૂપ આગામી ત્રણ વર્ષોમાં ડેટ ફ્રી બનવાનો ટાર્ગેટ ધરાવે છે. માર્ચ 2022ની આખરમાં કંપનીનું નેટ ડેટ ઘટી રૂ. 1088 કરોડ પર હતું. જે વર્ષ અગાઉ રૂ. 1416 કરોડ પર જોવા મળતું હતું. જ્યારે બે વર્ષ અગાઉ રૂ. 1859 કરોડ પર હતું.
એચસીએલ ટેક્નોલોજિસઃ અગ્રણી આઈટી કંપનીએ કેનેડામાં વેનકૂવર કાતે નવા ડિલિવરી સેન્ટરના ઓપનીંગની જાહેરાત કરી છે.
વિજયા ડાયગ્નોસ્ટીકઃ તાજેતરમાં બજારમાં લિસ્ટીંગ પામનાર કંપનીના પ્રમોટર સૂરા સૂરેન્દ્રનાથ રેડ્ડીએ 14થી 22 જૂનના સમયગાળામાં બજારમાંથી 2.66 લાખ શેર્સની ખરીદી કરી છે.
આશિયાના હાઉસિંગઃ રિઅલ એસ્ટેટ ડેવલપરે પૂણે-સ્થિત લોહિયા જૈન ગ્રૂપ સાથે પ્રિમિયમ મીડ-સેગમેન્ટ પ્રોજેક્ટ માટે હાથ મિલાવ્યાં છે.
થર્મેક્સઃ એન્જિનીયરીંગ કંપની રિન્યૂએબલ એનર્જી સેક્ટરમાં બે કંપનીઓની ખરીદી કરશે.
ચંબલ ફર્ટિલાઈઝર્સઃ ખાતર કંપનીની પ્રમોટર ગ્રૂપ કંપની સિમોન ઈન્ડિયાએ 21 જૂનના રોજ 1.2 લાખ શેર્સ પ્લેજ કર્યાં છે.
જેએન્ડકે બેંકઃ પીએસયૂ બેંકનું બોર્ડ 28 જૂનના રોજ ફંડ એકત્ર કરવાના પ્રસ્તાવ પર વિચારણા માટે મળશે.
સૂયોગ ટેલિમેટિક્સઃ કંપનીમાં ઈન્વેસ્ટર નરિમાન ઈન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ્સે 4.02 લાખ શેર્સનું વેચાણ કર્યું છે.
Market Summary 24 June 2022
June 24, 2022