Market Summary 8 June 2022

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સમરી

રેપો રેટ વૃદ્ધિ પછી માર્કેટમાં નોંધાયેલો સુધારો ટક્યો નહિ
બે બાજુની વધ-ઘટ વચ્ચે બેન્ચમાર્ક્સમાં સતત ચોથા દિવસે નરમાઈ
વૈશ્વિક બજારો તરફથી સપોર્ટનો અભાવ
વોલેટિલિટી ઈન્ડેક્સ 3 ટકા ગગડી 19.83ના સ્તરે
એફએમસીજી, એનર્જી, ઈન્ફ્રામાં જોવા મળેલી વેચવાલી
રિઅલ્ટી, આઈટી, ઓટો, મેટલમાં પોઝીટીવ મૂવ
એલઆઈસીનો શેર વધુ 2 ટકા ગગડી રૂ. 738ના સ્તરે બંધ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રેપો રેટમાં 50 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કર્યાં બાદ સ્થાનિક શેરબજારમાં જોવા મળેલો સુધારો ટકી શક્યો નહોતો. બે બાજુ ઊંચી વધ-ઘટ બાદ બેન્ચમાર્ક્સ સતત ચોથા ટ્રેડિંગ સત્રમાં નેગેટિવ બંધ જોવા મળ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 741 પોઈન્ટ્સની રેંજમાં અથડાઈ 215 પોઈન્ટસ ઘટાડે 54892ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 60 પોઈન્ટ્સના ઘટાડે 16356ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 28 ઘટાડા સાથે બંધ દર્શાવતાં હતાં. જ્યારે 22માં પોઝીટીવ બંધ જોવા મળ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીક્સ 3 ટકા ગગડી ફરી 20ની અંદર ઉતરી ગયો હતો અને 19.83ના સ્તરે બંધ રહ્યો હતો.
આરબીઆઈ દ્વારા અપેક્ષિત પગલામાં રેપો રેટ 50 બેસીસ પોઈન્ટ્સ વધારી 4.9 ટકા કરવામાં આવ્યો હતો. બેંક ચેરમેન તરફથી રેટ વૃદ્ધિન જાહેરાત બાદ એક તબક્કે નિફ્ટી ઉછળીને 15514ની ઈન્ટ્રા-ડે ટોચ પર ટ્રેડ થયો હતો. જોકે ત્યાંથી ગગડી 16293ની બોટમ બનાવી ત્યાંથી સાધારણ પરત ફરી બંધ રહ્યો હતો. વૈશ્વિક બજારોમાં પણ દિશાહિન ટ્રેન્ડને કારણે સ્થાનિક બજારને કોઈ સપોર્ટ સાંપડ્યો નહોતો. એશિયન બજારો સાધારણ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે યુરોપ બજારો સતત બીજા દિવસે નરમ જોવા મળી રહ્યાં હતાં. આમ ભારતીય બજારમાં લોકલ ઈવેન્ટ હાવી રહી હતી. જોકે રેટ વૃદ્ધિને બજારને અગાઉથી ડિસ્કાઉન્ટ કરી નાખી હોવાથી બુધવારનો ઘટાડો તેને કારણે નહોતો પરંતુ નીચા મથાળે ખરીદીના અભાવને કારણે હોવાનું વર્તુળો જણાવતાં હતાં. તેમના મતે માર્કેટ હાલમાં વાજબી ભાવે ટ્રેડ દર્શાવી રહ્યું છે અને ઘણા રોકાણકારો બજારમાં ખરીદી માટે તકની રાહ જોઈને બેઠાં છે. જોકે ક્રૂડના ભાવમાં નવેસરથી સુધારાને પગલે તેઓ હાલમાં અટક્યાં છે. કોમોડિટીના ભાવ ટોચ બનાવી પરત ફરશે ત્યારબાદ ભારતીય બજારમાં ખરીદી નીકળી શકે છે.
બુધવાર માર્કેટને ઓટો અને આઈટી જેવા ક્ષેત્રોએ સપોર્ટ પૂરો પાડ્યો હતો. બંને સેક્ટરલ સૂચકાંકો ગ્રીન જોવા મળ્યાં હતાં. રેટ વૃદ્ધિ બાદ સૌથી સેન્સિટીવ ગણાતા રિઅલ્ટી ઈન્ડેક્સમાં 2 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. જેમાં સોભા ડેવલપર્સ 3 ટકા, સનટેક રિઅલ્ટી 3 ટા, ડીએલએફ 2.4 ટકા, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ 2 ટકા અને ઓબેરોય રિઅલ્ટી 1.9 ટકા સુધારો દર્શાવતાં હતાં. આઈટી ક્ષેત્રે અગ્રણી ટીસીએસ 1.3 ટકા, એલએન્ડટી ઈન્ફોટેક 1 ટકા અને માઈન્ડટ્રી પણ 1 ટકા સુધારો સૂચવતાં હતાં. ઓટો કાઉન્ટર્સ ભારત ફોર્જ 1.6 ટકા, મારુતિ સુઝુકી એક ટકા અને ટીવીએસ મોટર પણ એક ટકા સુધારો સૂચવતાં હતાં. જોકે બીજી બાજુ એફએમસીજી ક્ષેત્રે વેચવાલી જોવા મળી હતી. એફએમસીજી ઈન્ડેક્સ 1 ટકો ગગડ્યો હતો. જેમાં યુનાઈટેડ સ્પિરિટ્સ 2.35 ટકા, આઈટીસી 2.2 ટકા, મેરિકો ઈન્ડસ્ટ્રીઝ 1.5 ટકા ને ડાબર ઈન્ડિયા 1.3 ટકા ઘટાડો સૂચવતાં હતાં. ફાર્મા શેર્સમાં મજબૂતી જોવા મળી હતી. જેમાં ડો. રેડ્ડીઝ લેબો 1.3 ટકા, ઓરોબિંદો ફાર્મા 1.3 ટકા અને ટોરેન્ટ ફાર્મા એક ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. જોકે સિપ્લા અને ડિવિઝ લેબમાં નરમાઈ જોવા મળતી હતી. નિફ્ટી કાઉન્ટર્સમાં ટાટા સ્ટીલે 1.71 ટકા સાથે સૌથી સારો દેખાવ દર્શાવ્યો હતો. આ સિવાય એસબીઆઈ 1.7 ટકા, ટાઈટન કંપની 1.34 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. ઘટાડો દર્શાવવામાં ભારતી એરટેલ 3.21 ટકા સાથે ટોચ પર હતો. આઈટીસી પણ 2.2 ટકા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 1.8 ટકા અને યુપીએલ 1.5 ટકા ઘટાડો દર્શાવી રહ્યાં હતાં.
બ્રોડ માર્કેટની વાત કરીએ તો કોઈ મોટી ખાનાખરાબી નહોતી જોવા મળી. જોકે બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ નરમ જળવાય હતી. પ્લેટફોર્મ ખાતે કુલ 3433 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1768 નેગેટિવ ટ્રેડ દર્શાવતા હતાં. જ્યારે 1554 પોઝીટીવ બંધ સૂચવતા હતાં. 66 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ જ્યારે 73 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું નોંધાવ્યું હતું. 10 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 6 કાઉન્ટર્સ નીચલી સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ગ્લેનમાર્ક 4.03 ટકા સાથે સૌથી સારો દેખાવ દર્શાવી રહ્યો હતો. આ ઉપરાંત એસબીઆઈ કાર્ડ્સ, દાલમિયા ભારત, સ્ટ્રાઈડ્સ ફાર્મા, ડીએલએફ, નિપ્પોન, જિંદાલ સ્ટીલ, આરઈસી જેવા કાઉન્ટર્સ પણ 2 ટકાથી વધુ સુધારો સૂચવી રહ્યાં હતાં. જ્યારે બીજી બાજુ ગુજરાત ગેસમાં 7 ટકાનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય જીએનએફસી, દિપક નાઈટ્રેટ, મેટ્રોપોલિસ, પોલીકેબ, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, બલરામપુર ચીની, એલઆઈસી હાઉસિંગ, ભારતી એરટેલ અને એસઆરએફમાં 3 ટકાથી 6 ટકાની રેંજમાં ઘટાડો જોવા મળતો હતો.

સિમેન્ટ શેર્સમાં ટૂંકાગાળામાં 54 ટકા સુધીનું તીવ્ર મૂડીધોવાણ નોંધાયું
અગ્રણી સિમેન્ટ કંપનીઓ અલ્ટ્રાટેક સિમેન્ટ, શ્રી સિમેન્ટ સહિતના શેર્સ વાર્ષિક તળિયા પર પહોંચ્યાં

સિમેન્ટ કંપનીઓના શેર્સે ચાલુ કેલેન્ડરમાં બ્રોડ માર્કેટની સરખામણીમાં તીવ્ર અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું છે. કાચી સામગ્રીના ભાવમાં ઊંચા વધારાને કારણે પ્રોફિટ માર્જિન દબાવાને કારણે સિમેન્ટ કંપનીઓના શેર્સનો દેખાવ છેલ્લાં ત્રણ વર્ષોમાં સૌથી નબળો જોવા મળ્યો છે. તાજેતરમાં નાની-મોટી તમામ સિમેન્ટ કંપનીઓના શેર્સ તેમનું વાર્ષિક તળિયું દર્શાવી ચૂક્યાં છે.
ભારતીય બેન્ચમાર્કસ ચાલુ કેલેન્ડરમાં તેમની ટોચના સ્તરેથી 7 ટકા ઘટાડો દર્શાવી રહ્યાં છે ત્યારે સિમેન્ટ શેર્સ 54 ટકા જેટલાં તૂટ્યાં છે. જેમાં મધ્યમ કદની આંધ્ર સિમેન્ટનો શેર રૂ. 20.10ની 2022ની ટોચની સપાટીએથી ગગડી બુધવારે રૂ. 9.25ના સ્તરે બંધ જોવા મળતો હતો. ગયા વર્ષે આઈપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશેલી નૂવોકો વિસ્ટાસનો શેર તેના ટોચના ભાવેથી 44.5 ટકા જેટલો ગગડી ચૂક્યો છે. ઊંચો ઘટાડો દર્શાવનાર અન્ય સિમેન્ટ કંપનીઓમાં સાંઘી ઈન્ડસ્ટ્રીઝ(44 ટકા), જેકે સિમેન્ટ(42 ટકા), રામ્કો સિમેન્ટ(42 ટકા), દાલમિયા ભારત(40 ટકા), એપીસીએલ(34 ટકા), જેકે લક્ષ્મી(34 ટકા), ઓરિએન્ટ સિમેન્ટ(33 ટકા)નો સમાવેશ થાય છે. દેશમાં અગ્રણી સિમેન્ટ ઉત્પાદકોના શેર્સ પણ તીવ્ર ઘટાડો દર્શાવવા સાથે વાર્ષિક તળિયા પર ટ્રેડ થઈ રહ્યાં છે. જેમાં બિરલા જૂથની કંપની અને દેશમાં સૌથી વધુ સિમેન્ટ ઉત્પાદક ક્ષમતા ધરાવનાર અલ્ટ્રાટેક સિમેન્ટનો શેર તેની વાર્ષિક ટોચ પરથી 30 ટકા ઘટાડા સાથે રૂ. 5500ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. કંપનીનો શેર રૂ. 8000ની સપાટી પાર કરી ગયો હતો. જોકે ત્યારબાદ તે નિફ્ટી શેર્સમાં મોટો અન્ડરપર્ફોર્મર બની રહ્યો છે. તાજેતરમાં કંપનીએ ક્ષમતા વૃદ્ધિ માટે રૂ. 12 હજાર કરોડના ખર્ચની જાહેરાત કરી હતી. જેની પાછળ સિમેન્ટ કંપનીઓના શેર્સમાં ઓર વેચવાલી જોવા મળી હતી. આશ્ચર્યની વાત એ છે કે અદાણી હોલ્સિમ પાસેથી ઊંચા ભાવે અંબુજા સિમેન્ટ તથા એસીસી જેવી બે ટોચની સિમેન્ટ કંપનીઓની ખરીદી કર્યાં બાદ પણ સિમેન્ટ કંપનીઓના શેર્સમાં નરમાઈ અટકી નહોતી. જોકે અંબુજા સિમેન્ટનો શેર તેની 2022ની ટોચથી 9.4 ટકા ઘટાડા સાથે સૌથી ઓછું ધોવાણ સૂચવી રહ્યો છે. જ્યારે એસીસીના શેરમાં પણ તેના ટોચના સ્તરેથી માત્ર 11 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે અન્ય તમામ સિમેન્ટ શેર્સ 21 ટકાથી ઊંચો ઘટાડો દર્શાવી રહ્યાં છે. એનાલિસ્ટ્સના મતે સિમેન્ટ શેર્સ ટૂંકાગાળા માટે ઓવરસોલ્ડ ઝોનમાં પ્રવેશ્યાં છે અને તેથી તેઓ એક બાઉન્સ દર્શાવી શકે છે. જોકે ફ્યુઅલના ભાવમાં વૃદ્ધિ જેવા કારણોસર તેમના પ્રોફિટ માર્જિન પર લાંબાગાળા માટે પ્રતિકૂળ અસર જોવાશે.

સ્ક્રિપ્સ 2022ની ટોચ(રૂ) બજારભાવ(રૂ) ફેરફાર(ટકામાં)
આંધ્ર સિમેન્ટ 20.10 9.25 -53.98
નૂવોકો 516.40 286.75 -44.47
સાંઘી ઈન્ડ. 66.20 37.20 -43.81
જેકે સિમેન્ટ 3659.25 2111.05 -42.31
રામ્કો સિમેન્ટ 1054.80 611.00 -42.07
દાલમિયા ભારત 2104.15 1270.00 -39.64
ઈન્ડિયા સિમેન્ટ 259.95 164.20 -36.83
એપીસીએલ 338.80 222.70 -34.27
જેકે લક્ષ્મી 630.10 414.50 -34.22
ઓરિએન્ટ સિમેન્ટ 183.41 122.90 -32.99


RBIએ સહકારી બેંકોની હાઉસિંગ લોન મર્યાદાને બમણી કરી
પ્રથમ શ્રેણીની અર્બન કો-ઓપરેટીવ બેંક્સ માટેની મર્યાદા રૂ. 30 લાખથી વધારી રૂ. 60 લાખ કરવામાં આવી જ્યારે દ્વિતીય શ્રેણીની યુસીબી માટેની મર્યાદા રૂ. 70 લાખ કરોડ પરથી વધારી રૂ. 1.4 કરોડ કરાઈ
રૂરલ કો-ઓપરેટીવ બેંક્સને પણ કમર્સિયલ રિઅલ એસ્ટેટ તથા રેસિડેન્શિયલ હાઉસિંગને ફાઈનાન્સ માટેની છૂટ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બુધવારે તેની નાણા નીતિ સમીક્ષાની રજૂઆત સાથે સહકારી બેંક્સ માટે નિર્ધારિત હાઉસિંગ લોન્સની મર્યાદાને વધારી બમણી કરી હતી. જેથી રેસિડેન્શિયલ રિઅલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ ફાઈનાન્સિંગમાં તથા અફોર્ડેબલ હાઉસિંગને સપોર્ટ મળી શકે અને સર્વસમાવેશિક વૃદ્ધિ હાંસલ કરી શકાય.
મધ્યસ્થ બેંકરે શહેરી સહકારી બેંક્સને ગ્રાહકોની જરૂરિયાત પૂરી થઈ શકે તે માટે ઘેરબેઠાં બેંકિંગ સર્વિસિઝ પૂરી પાડવાની મંજૂરી આપી હતી. ખાસ કરીને સિનિયર સિટિઝન્સ તથા અપંગ ખાતેદારો માટે. આમ થવાથી શહેરી સહકારી બેંકો અગાઉથી જ આ પ્રકારની સેવા પૂરી પાડી રહેલી શેડ્યૂલ્ડ કમર્સિયલ બેંક્સ સાથે લેવલ પ્લેઈંગ મેળવશે. આરબીઆઈએ મોનેટરી પોલિસી અંગેના નિવેદનમાં જણાવ્યું હતું કે સહકારી બેંક્સ તરફથી વ્યક્તિગત લોન ધારકોને પૂરી પાડવામાં આવી રહેલી લોનની વર્તમાન મર્યાદામાં વૃદ્ધિ કરી રહી છે. આમ કરવાનું મુખ્ય કારણ મર્યાદામાં છેલ્લે કરવામાં આવેલા સુધારા બાદ હાઉસિંગ પ્રાઈસમાં જોવા મળેલી વૃદ્ધિ છે. તેમજ ગ્રાહકોની બદલાયેલી જરૂરિયાતો પણ છે. અગાઉ અર્બન કો-ઓપરેટીવ બેંક્સ માટે 2011ના વર્ષમાં જ્યારે રુરલ કો-ઓપરેટીવ બેંક્સ માટે 2009ના વર્ષમાં મર્યાદામાં સુધારો કરવામાં આવ્યો હતો.
આરબીઆઈની સુધારેલી મર્યાદા બાદ પ્રથમ શ્રેણીની શહેરી સહકારી બેંક માટેની હાઉસિંગ લોન મર્યાદા રૂ. 30 લાખ પરથી વધી રૂ. 60 લાખ કરવામાં આવી છે. જ્યારે દ્વિતીય શ્રેણીની શહેરી સહકારી બેંક માટેની મર્યાદા રૂ. 70 લાખ પરથી વધારી રૂ. 1.4 કરોડ કરવામાં આવી છે. ગ્રામીણ સહકારી બેંક્સની વાત છે તો રૂ. 100 કરોડથી નીચેની નેટ વર્થ ધરાવતી બેંક્સ માટેની મર્યાદા વધારી રૂ. 20 લાખ પરથી રૂ. 50 લાખ કરવામાં આવી છે. જ્યારે રૂ. 100 કરોડથી વધુની નેટવર્થ ધરાવતી આરસીબી માટે મર્યાદા વધારી રૂ. 30 લાખ કરોડ પરથી રૂ. 75 લાખ કરોડ કરવામાં આવી છે. આરબીઆઈ આ માટે વિગતવાર નિયમો પાછળથી રજૂ કરશે. આરબીઆઈએ મર્યાદામાં વૃદ્ધિની જાહેરાત સાથે ઉમેર્યું હતું કે રૂરલ કો-ઓપરેટીવ બેંક્સ(રાજ્ય સહકારી બેંક્સ અને ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ બેંક્સ)ને પણ કમર્સિયલ રિઅલ એસ્ટેટ તથા રેસિડેન્શિયલ હાઉસિંગને ફાઈનાન્સ કરી શકે તે માટે છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેઓ કુલ એસેટ્સના 5 ટકાની મર્યાદામાં આમ કરી શકે છે. આ નિર્ણય દેશમાં એફોર્ડેબલ હાઉસિંગની વધી રહેલી માગને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે એમ સેન્ટ્રલ બેંકરે નોંધ્યું હતું.



રેટમાં વૃદ્ધિને કારણે રિઅલ એસ્ટેટ સેક્ટર પર પ્રતિકૂળ અસર પડશે
વ્યાજ દર વધવાને કારણે માગ દબાવાથી વેચાણમાં ઘટાડો જોવા મળે તેવી શક્યતાં

બેંક ફાઈનાન્સિંગ પર ઊંચું અવલંબન ધરાવતા રિઅલ એસ્ટેટ સેક્ટરમાં વધતાં દરોને કારણે ચિંતા જોવા મળી રહી છે. ખાસ કરીને તેને કોવિડ મહામારી બાદ રિઅલ્ટી ક્ષેત્રે જોવા મળેલી રિકવરી ધીમી પડવાનો ભય સતાવી રહ્યો છે. દેશમાં બિલ્ડર્સ તથા ગ્રાહકો, બંને બેંક ક્રેડિટ પર ઊંચો આધાર ધરાવે છે.
રિઅલ્ટી એડવાઈઝરી ફર્મ એનારોકના ચેરમેન અનુજ પુરીના જણાવ્યા મુજબ રશિયા-યૂક્રેન વચ્ચે યુધ્ધ અને તેની પાછળ ક્રૂડના ભાવમાં વૃદ્ધિ બાદ ઊંચા ફુગાવાને કારણે રેટમાં વૃદ્ધિની ધારણા હતી જ. રેટ વૃદ્ધિ અનિવાર્ય હતી. જોકે હજુ અમે રેડ ઝોનમાં નથી પ્રવેશ્યાં. વર્તમાન સ્તરેથી ભવિષ્યમાં થનારો વધુ વધારો હાઉસિંગ વેચાણ પર પ્રતિબિંબિત થઈ શકે છે એમ તેઓ ચેતવે છે. રેટ્સમાં વૃદ્ધિને કારણે ગ્રાહકો તરફથી માગ પર દબાણ જોવા મળશે. આરબીઆઈ હાલમાં દેશમાં ઝડપથી વધી રહેલી મોંઘવારીને નિયંત્રણમાં રહેવાનો પ્રયાસ કરી રહી છે, જોકે સાથે તેણે માગમાં જોવા મળતી રિકવરી પર કોઈ પ્રતિકૂળ અસર ના પડે તેનો ખ્યાલ રાખવો અનિવાર્ય છે એમ તેઓ ઉમેરે છે. હાલમાં ઊંચી મોંઘવારી સાથે નીચા જીડીપી વૃદ્ધિ દરની સ્થિતિ ચિંતાનું કારણ છે. જોકે અત્યાર સુધી ભારતીય અર્થતંત્ર ગતિશીલ જળવાયુ છે. રેટ વૃદ્ધિને કારણે હોમ લોન ઈન્ટરેસ્ટ રેટ્સ પણ ઉપરની તરફ ગતિ દર્શાવશે. જે ગયા મહિને જ ઓચિંતી રેટ વૃદ્ધિ બાદ વધવાતરફી બન્યાં છે. વ્યાજ દર 2008ની વૈશ્વિક નાણાકિય કટોકટીથી નીચા જળવાય રહેશે એમ તેઓ ઉમેરે છે. તે વખતે વ્યાજ દર વધી 12 ટકા અને તેનાથી ઉપર ચાલ્યા ગયા હતા. જોકે રેટમાં વર્તમાન વૃદ્ધિની અસર રેસિડેન્શિયલ વેચાણ વોલ્યુમ પર જોવા મળશે. ખાસ કરીને એફોર્ડેબલ અને મીડ-સેગમેન્ટ્સમાં તેની અસર ઊંચી બની રહેશે. એક અન્ય રિઅલ્ટી ડેવલપર જણાવે છે કે રેટમાં વૃદ્ધિને કારણે બિઝનેસમાં ખર્ચા વધી જશે. આમ આરબીઆઈના પગલાને કારણે બિઝનેસ સેન્ટિમેન્ટ પર અસર જોવા મળશે. ખાસ કરીને જ્યારે અર્થતંત્ર હજુ કોવિડ મહામારીમાંથી રિકવરીના તબક્કામાં છે ત્યારે રેટ વૃદ્ધિ વહેલાસરની જણાય છે. જોકે સ્ટર્લિંગ ડેવલપર્સના એમડીના જણાવ્યા મુજબ ઘરની માલિકીને લઈને ખરીદારની અપેક્ષાઓ અને અભિગમ બદલાયાં છે અને તેથી લેન્ડિંગ રેટ્સમાં સાધારણ વધ-ઘટ કારણે તેમાં કોઈ મોટો ફેરફાર નહિ પડે.


સરકારી એજન્સીઓ તરફથી ચણાની ખરીદીમાં છ ગણી વૃદ્ધિ
સરકારી કૃષિ પેદાશ ખરીદ સંસ્થાઓ તરફથી ચાલુ રવિ માર્કેટિંગ સિઝનમાં ચણાની ખરીદીમાં છ ગણો ઉછાળો જોવા મળ્યો છે. નાફેડ અને ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(એફસીઆઈ)એ માર્ચથી મે મહિના સુધીના ત્રણ મહિના દરમિયાન 22.96 લાખ ટન ચણાની ખરીદી કરી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં માત્ર 4.11 લાખ ટન પર જોવા મળતી હતી. ચાલુ સિઝનમાં ચણાના વિક્રમી પાક વચ્ચે ભાવ સરકાર નિર્ધારિત ટેકાના ભાવથી નીચે રહેવાથી સરકારી ઊંચી માત્રામાં ખરીદી કરવાની બની છે. ચણા ઉપરાંત સરકારી સંસ્થાઓએ 3230 ટન મગ અને 105 ટન અડદની ખરીદી પણ કરી છે. પીઠાઓ પર ભાવમાં ઘટાડા બાદ સરકાર તરફથી ઊંચી ખરીદીને કારણે બજારમાં એવી અફવા પણ ચાલી રહી છે કે સરકાર હવે જાહેર વિસ્તરણ વ્યવસ્થા હેઠળ ચણાનું વિતરણ કરશે. કોવિડને કારણે અગાઉ સરકાર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ તેની પાસેના જથ્થાને માર્કેટમાં ઠાલવી શકી હતી. તેણે દરેક પરિવાર દીઠ 1 કિગ્રા ચણાનું મફત વેચાણ કર્યું હતું. હાલમાં ચણાના બજારભાવ એમએસપી કરતાં 13 ટકા નીચા ચાલી રહ્યાં છે.

રિલાયન્સ કેપિટલના રેઝોલ્યુશન પ્લાનને રજૂ કરવાની મુદત હજુ વધારાશે
રિલાયન્સ કેપિટલની કમિટિ ઓફ ક્રેડિટર્સ કંપની માટેના સંભવિત બીડર્સ તરફથી અધિક સમયની માગણી કરવામાં આવતાં રેઝોલ્યુશન પ્લાન રજૂ કરવા માટેની મુદતને વધુ એકવાર લંબાવે તેવી શક્યતાં છે. બેંકિંગ વર્તુળો જણાવે છે કે પિરામલ એન્ટરપ્રાઈઝિસે તેની બીડને પૂરું કરવા માટે એડમિનિસ્ટ્રેટર પાસે લેખિતમાં ડેડલાઈનને લંબાવવાની માગણી કરી છે. એક અન્ય બીડર ઈન્ડસઈન્ડ બેંકે પણ તેના રેઝોલ્યુશન પ્લાનને સબમિટ કરવા માટે વધુ સમય માગ્યો છે. તેણે મધ્ય જુલાઈ સુધીની સમયમર્યાદા માગી છે. અત્યાર સુધી માત્ર ત્રણ બીડર્સ જ લેન્ડર્સ સાથે સક્રિયપણે કામ કરી રહ્યાં છે. શરૂઆતમાં કંપનીની એસેટ્સ માટે 54 કંપનીઓ તરફથી એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ્સ પ્રાપ્ત થયા હતાં.
વૈશ્વિક ક્રૂડના ભાવમાં આગેકૂચ જારી
વૈશ્વિક ક્રૂડના ભાવમાં મજબૂતી જળવાય છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો એક ટકાથી વધુ મજબૂતી સાથે 122 ડોલરની સપાટી પાર કરી ગયો હતો અને તાજેતરની ટોચ પર ટ્રેડ દર્શાવતો હતો. વિશ્વમાં સૌથી મોટા ક્રૂડ ઉત્પાદક સાઉદી અરેબિયાએ જુલાઈ ડિલિવરી ક્રૂડના ભાવમાં વૃદ્ધિ કરતાં કોમોડિટીના ભાવ નવી રેંજમાં પ્રવેશે તેવી શક્યતાં જોવામાં આવી રહ્યાં છે. ચીન ખાતે કોવિડ લોકડાઉન હળવું થઈ રહ્યું હોવાને કારણે પણ માગમાં ઘટાડાને લઈને જોવા મળી રહેલી ચિંતા ઓછી થઈ છે. જેને કારણે ક્રૂડના ભાવ બે મહિનાના કોન્સોલિડેશનમાંથી બહાર આવી ફરી સુધારાતરફી બન્યાં છે. એનાલિસ્ટ્સના મતે બ્રેન્ટ ક્રૂડ ઉપરમાં 132 ડોલરની તાજેતરની ટોચ ફરી દર્શાવી શકે છે.



કોર્પોરેટ હેડલાઈન્સ

સન ટીવીઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 404 કરોડનો નફો દર્શાવ્યો છે. જે એનાલિસ્ટ્સના રૂ. 412 કરોડના અંદાજથી સહેજ નીચો છે. કંપનીની આવક ગયા વર્ષની રૂ. 28473 કરોડ સામે વધી રૂ. 34497 કરોડ પર રહી હતી.
લેમન ટ્રીઃ હોટેલ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 24.3 કરોડની ખોટ દર્શાવી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 16.9 કરોડ પર જોવા મળતી હતી. કંપનીની આવક ગયા વર્ષના રૂ. 95 કરોડની સરખામણીમાં સુધરીને રૂ. 119.5 કરોડ પર નોંધાઈ હતી.
ટીસીઆઈ એક્સપ્રેસઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 35.9 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 42.5 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષની રૂ. 279.8 કરોડ સામે વધી રૂ. 298.1 કરોડ પર રહી હતી.
હટસન એગ્રોઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 34.92 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 63.59 કરોડની સરખામણીમાં 45.1 ટકા ઘટાડો દર્શાવે છે. કંપનીની આવક પણ ગયા વર્ષની રૂ. 1563.04 કરોડની સરખામણીમાં 4 ટકા ઘટી રૂ. 1626.3 કરોડ પર જોવા મળી હતી.
પીબી ઈન્ફોટેકઃ ઓનલાઈન ઈન્શ્યોરન્સ કંપની પોલિસીબઝારની માલિક કંપનીના ફાઉન્ડર યષિશ દહિયાએ બલ્ક ડીલમાં કંપનીના 37.7 લાખ શેર્સનું રૂ. 610.24 પ્રતિ શેરના ભાવે વેચાણ કર્યું હતું. જેની પાછળ મંગળવારે શેરના ભાવમાં 11 ટકાનું ગાબડું પડ્યું હતું.
ફિઆમ ઈન્ડસ્ટ્રીઃ સેઈફ ઈન્ડિયા ફાઈવ હોલ્ડિંગ્સે ફિઆમ ઈન્ડસ્ટ્રીના 1.6 લાખ શેર્સનું ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન્સ મારફતે વેચાણ કર્યું હતું.
ક્રિસિલઃ એનાલિટિક્સ તથા રેટિંગ્સ એજન્સી ક્રિસિલે લંડન સ્થિત બેંકર એન્ડ્રે ક્રોનિએની તેના ઈન્ટરનેશનલ બિઝનેસ પ્રેસિડેન્ટ તથા હેડ તરીકે નિમણૂંક કરી છે. ક્રોનિએએ ક્રિસિલના એમડી અને સીઈઓ અમિષ મહેતાને રિપોર્ટ કરવાનું રહેશે. ક્રિસિલ ભારત ઉપરાંત યુએસ, યુરોપ, ચીન, હોંગ કોંગ, સિંગાપુર, ઓસ્ટ્રેલિયા અને જાપાન ખાતે હાજરી ધરાવે છે.
કોલ ઈન્ડિયાઃ પીએસયૂ કોલ ઉત્પાદક કંપનીએ જણાવ્યું છે કે સરકાર નાણા વર્ષ 2022-23માં કોલ માઈનીંગ સેક્ટરમાં રૂ. 75220 કરોડની એસેટ્સનું વેચાણ કરશે.
એસબીઆઈઃ દેશમાં સૌથી મોટા લેન્ડરે તેના એમડી તરીકે આલોક કુમાર ચૌધરીની નિમણૂંક કરી છે. તેઓ અશ્વિન ભાટિયાનું સ્થાન સંભાળશે. અશ્વિન ભાટિયાએ માર્કેટ રેગ્યુલેટર સેબીના હોલ-ટાઈમ મેમ્બરનો ચાર્જ સંભાળ્યો છે.
પીએનબી હાઉસિંગઃ હાઉસિંગ ફાઈનાન્સ કંપનીના બોર્ડે રાઈટ્સ ઈસ્યુમાં રૂ. 500 કરોડના રોકાણને મંજૂરી આપી છે.
હિંદુસ્તાન કોપરઃ પીએસયૂ કંપનીએ ઝારખંડમાં ઘટશિલા ખાતેના સુરડા માઈનમાં તેના ખાણકામની પુનઃ શરૂઆત કરી દીધી છે.
ઝી એન્ટરટેઈનમેન્ટઃ લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશ ઓફ ઈન્ડિયાએ એન્ટરટેઈનમેન્ટ કંપનીમાં વધુ 2 લાખ ઈક્વિટી શેર્સની ખરીદી કરી છે.
સિનેલાઈનઃ કંપનીના બોર્ડે પ્રમોટર્સને રૂ. 35.10 કરોડ માટે 27 લાખ વોરંટ્સ ઈસ્યુ કરવા માટેના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage