બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
તેજીવાળા નબળા પડતાં મહિનાની ટોચેથી બજાર પાછુ પડ્યું
નિફ્ટી 16600 પર ટકવામાં બીજીવાર નિષ્ફળ
રિલાયન્સના સપોર્ટને કારણે વધુ ઘટાડો અટક્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.72 ટકા ગગડી 19.97ના સ્તરે
ઓટો, મેટલ અને બેંકિંગમાં ઊંચા સ્તરે વેચવાલી
આઈટીમાં જળવાયેલી લેવાલી
બ્રોડ માર્કેટમાં પંટર્સની ગેરહાજરી વચ્ચે સુસ્તીનો માહોલ
એશિયન બજારોમાં રજા વચ્ચે અન્યત્ર સ્થિરતા
તેજીવાળાઓમાં વિશ્વાસના અભાવે સપ્તાહના આખરી દિવસે શેરબજાર તેની મહિનાની ટોચ દર્શાવીને ઊંધા માથે પટકાયું હતું. અલબત્ત, બજારમાં કોઈ મોટી વેચવાલી નહોતી જોવા મળી પરંતુ તે બીજી દિવસે સુધારો જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 49 પોઈન્ટ્સના સાધારણ ઘટાડે 55769ના સ્તરે જ્યારે નિફ્ટી-50 44 પોઈન્ટ્સ ગગડી 16548ના સ્તરે બંધ રહ્યાં હતાં. સેન્સેક્સ ઈન્ટ્રા-ડે ટોચ પરથી 664 પોઈન્ટ્સ જેટલો ગગડ્યો હતો. નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી માત્ર 12 ઘટકો પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યાં હતાં. જ્યારે 38 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ પંટર્સની ગેરહાજરી દેખીતી વર્તાતી હતી અને પાંખા વોલ્યુમ વચ્ચે માર્કેટ-બ્રેડ્થ નરમ જોવા મળી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.72 ટકા ગગડી 20ની સપાટી નીચે 19.97ના સ્તરે બંધ રહ્યો હતો. જે સૂચવે છે કે આગામી સત્રોમાં બજારમાં પોઝીટીવ ટ્રેન્ડ જોવા મળે તેવી શક્યતાં ઊંચી છે.
જાપાન સિવાય મોટાભાગના એશિયન બજારોમાં રજા વચ્ચે ભારતીય બજારમાં કામગીરીની શરૂઆત પોઝીટીવ રહી હતી. બેન્ચમાર્ક નિફ્ટી ઈન્ટ્રા-ડે ધોરણે 16794ની સપાટી પર ટ્રેડ થયો હતો. જે 4 મે પછીનું ટોચનું સ્તર હતું. જોકે આ સ્તરે તે ટકી શક્યો નહોતો અને ગગડીને 16568 પોઈન્ટ્સના સ્તરે પટકાયો હતો અને 16600ની નીચે જ બંધ રહ્યો હતો. આમ સતત બીજીવાર 16600નું સ્તર જાળવવામાં બેન્ચમાર્કને પરેશાનીનો અનુભવ કરવો પડ્યો હતો. જોકે માર્કેટ એનાલિસ્ટ્સના મતે માર્કેટ હાલમાં ટૂંકા કોન્સોલિડેશનના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે અને નવા સપ્તાહે તે વધુ સુધારો દર્શાવે તેવી શક્યતાં છે. જૂનમાં ફેડ મિટિંગ અગાઉ બજારો મહિનાની નવી ટોચ દર્શાવી શકે છે. કેમકે હાલમાં તમામ નેગેટિવ્સ ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યાં છે. મધર માર્કેટ એવું યુએસ બજારમાં અન્ડરટોન મજબૂત બન્યો છે અને ડાઉ જોન્સમાં વધુ સુધારાની શક્યતાં છે. જેની પાછળ ઈમર્જિંગ બજારો પણ સુધારાતરફી જોવા મળશે.
શુક્રવારે સેક્ટરલ દેખાવની વાત કરીએ તો ઓટો, મેટલ અને બેંકિંગમાં વેચવાલી આગળ વધી હતી. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 1.82 ટકા ગગડ્યો હતો. જેમાં ભારત ફોર્જ, હીરો મોટોકોર્પ, બોશ, અશોક લેલેન્ડ, મારુતિ સુઝુકી, બાલક્રિષ્ણ ઈન્ડસ્ટ્રીઝ, ટાટા મોટર્સ અને એમએન્ડએમ એક ટકાથી લઈ ચાર ટકા સુધીનો ઘટાડો દર્શાવતાં હતાં. મેટલ ઈન્ડેક્સ પણ 1.3 ટકા ઘટાડે બંધ રહ્યો હત. મેટલ ઈન્ડેક્સમાં જિંદાલ સ્ટીલ 3.7 ટકા, વેલસ્પન કોર્પ 3.7 ટકા, રત્નમણિ મેટલ 3.5 ટકકા અને હિંદુસ્તાન ઝીંક 2 ટકા ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. એકમાત્ર એપીએલ એપોલો પોઝીટીવ બંધ દર્શાવતો હતો. સ્ટીલના ભાવોમાં બે વર્ષોમાં પ્રથમવાર તીવ્ર ઘટાડાને પગલે સ્ટીલ શેર્સ તૂટી રહ્યાં છે. બેંકનિફ્ટી પણ એક ટકા નરમાઈ સાથે બંધ રહ્યો હત. જેમાં એસબીઆઈ, પીએનબી, ઈન્ડસઈન્ડ બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક સહિતના બેંકિંગ શેર્સ નરમાઈ સૂચવતાં હતાં. આ ઉપરાંત ફાર્મા અને એફએમસીજી પણ સાધારણ ઘટાડે બંધ જોવા મળ્યાં હતાં. એકમાત્ર આઈટી ક્ષેત્રે મજબૂતી જોવા મળી રહી હતી. જેમાં ઈન્ફોસિસ, માઈન્ડટ્રી અને ટીસીએસમાં સુધારો નોંધાયો હતો. નિફ્ટી કાઉન્ટર્સમાં સતત બીજા દિવસે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 2 ટકા સાથે સુધરવામાં ટોચ પર રહ્યો હતો. આ ઉપરાંત લાર્સન, સન ફાર્મા અને એચસીએલ ટેકનોલોજી મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. એનએસઈ ડેરિવેટિવ્સ કાઉન્ટર્સમાં ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ 4.4 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવી રહ્યો હતો. આ સિવાય મેટ્રોપોલીસ હેલ્થ, બિરલાસોફ્ટ, ટ્રેન્ટ, ફર્સ્ટસોર્સ સોલ્યુશન, લાર્સન, એમઆરએફમાં પણ સુધારો જોવા મળતો હતો. બીજી બાજુ સિમેન્ટ શેર્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી. અલ્ટ્રાટેક સિમેન્ટે રૂ. 12 હજાર કરોડના રોકાણની જાહેરાત કરતાં સિમેન્ટ શેર્સમાં 10 ટકા સુધીના ગાબડાં જોવા મળ્યાં હતાં. જેમાં લાર્જ-કેપ્સથી લઈ મીડ-કેપ્સ સિમેન્ટ કાઉન્ટર્સનો સમાવેશ થતો હતો. બ્રોડ માર્કેટમાં સુસ્તી જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3466 ટ્રેડેડ કાઉન્ટર્સમાઁથી 2029 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1308 પોઝીટીવ જોવા મળ્યાં હતાં.
શુક્રવારે સિમેન્ટ કાઉન્ટર્સમાં સાર્વત્રિક ઘટાડો
સ્ક્રિપ્સ ઘટાડો(ટકામાં)
રામ્કો સિમેન્ટ -9.3
દાલમિયા ભારત -8.8
જેકે સિમેન્ટ -8.4
બિરલા કોર્પ -6.2
અલ્ટ્રાટેક -5.5
જેકે લક્ષ્મી -5.2
શ્રી સિમેન્ટ -4.6
નૂવોકો વિસ્તા -4.0
સાગર સિમેન્ટ -3.3
ઓરિએન્ટ સિમેન્ટ -3.2
ઈન્ડિયા સિમેન્ટ -3.0
ACC -3.0
મ્યુચ્યુલ ફંડ્સના ડેટ એક્સપોઝરમાં માર્ચમાં 14 ટકાનો ઉછાળો
મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગના ડેટ એક્સપોઝરમાં માર્ચ મહિનામાં વાર્ષિક ધોરણે 14.3 ટકાનો તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો અને તે રૂ. 1.7 લાખ કરોડ પર પહોંચ્યું હતું. આ ડેટ એક્સપોઝર એનબીએફસી કંપનીઓમાં કમર્સિયલ પેપર અને કોર્પોરેટ ડેટ સ્વરૂપમાં હતું. ઊંચી વૃદ્ધિનું કારણ એનબીએફસી દ્વારા આઈપીઓમાં ઈન્વેસ્ટમેન્ટ માટે કમર્સિયલ પેપર ઈસ્યુઅન્સ હતું. સાથે માર્કેટમાં રેટ વૃદ્ધિની શક્યતાને કારણે લોંગ-ટર્મ ઈન્વેસ્ટમેન્ટને શોર્ટ-ટર્મ ઈન્વેસ્ટમેન્ટમાં ફેરવવાને કારણે પણ આમ બન્યું હતું. એમએફ દ્વારા એનબીએફસીના સીપીમાં પાર્ક કરેલા ફંડનો હિસ્સો માર્ચ મહિનામાં 4.4 ટકા પર હતો. જે એક વર્ષ અગાઉ 3.6 ટકાના સ્તરે જોવા મળતો હતો. આમ 0.8 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી. જે રિસ્કી એસેટ્સમાંથી ફિક્સ્ડ રિટર્ન એસેટ્સ તરફ તેમનો ઝૂકાવ સૂચવે છે. જ્યારે એનબીએફસીના કોર્પોરેટ ડેટમાં તેમનું ઈન્વેસ્ટમેન્ટ 7.4 ટકા વધી રૂ. 97 હજાર કરોડ પર પહોંચ્યું હતું.
એસ્સાર પાવરની ટ્રાન્સમિશન એસેટના સેલ માટે અદાણી ટ્રાન્સમિશન સાથે સમજૂતી
દેશમાં પ્રાઈવેટ સેક્ટરની પ્રથમ ઈન્ડિપેન્ડન્ટ વીજ ઉત્પાદક એસ્સાર પાવર લિમિટેડે તેની બે ટ્રાન્સમિશન લાઇનનું અદાણી ટ્રાન્સમિશનલ લિમિટેડને રૂ. 1,913 કરોડમાં વેચાણ કરવા સમજૂતી કરી છે. એસ્સાર પાવર ટ્રાન્સમિશન દેશના ત્રણ રાજ્યોમાં 465 કિલોમીટરની ટ્રાન્સમિશન લાઇન ધરાવે છે. બંને કંપનીઓ વચ્ચે થયેલી સમજૂતીમાં બે લાઇન મહાનથી સિપટ પૂલિંગ સબસ્ટેશનને જોડતી 400 કેવીની ઇન્ટર-સ્ટેટ ટ્રાન્સમિશન લાઇન ધરાવે છે, જે કાર્યરત છે. આ પ્રોજેક્ટ સીઇઆરસીના નિયમન હેઠળ રિટર્નના માળખા અંતર્ગત કાર્યરત છે. છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન એસ્સાર પાવરનું ઋણ રૂ. 30,000 કરોડની ઘટી રૂ. 6,000 કરોડ પર જોવા મળ્યું છે. સાથે એસ્સાર પાવર રિન્યૂએબલ ઊર્જા ક્ષેત્રે ગ્રીન બેલેન્સ શીટ ઊભી કરવાની પ્રક્રિયામાં છે. જે ઇએસજીના માળખાની અંદર શ્રેષ્ઠ વળતર આપશે.
એપ્રિલમાં કોર્પોરેટ કંપનીઓના ECBમાં તીવ્ર ઘટાડો નોંધાયો
ભારતીય કંપનીઓ તરફથી વિદેશમાંથી ઉભા કરવામાં આવતાં ડોલર ડિનોમિનેટેડ ડેટમાં એપ્રિલમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. એપ્રિલ 2022માં ભારતીય કંપનીઓએ ઈસીબી મારફતે માત્ર 36.16 કરોડ ડોલરનું ભંડોળ મેળવ્યું હતું. જે એપ્રિલ 2021માં 2.39 અબજ ડોલરના સ્તરે જ્યારે માર્ચ 2022માં 5.03 અબજ ડોલરના સ્તર પર હતું. આમ માસિક ધોરણે તેમના ઈસીબીમાં 900 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. ઈસીબીમાં ઘટાડાનું એક કારણ વૈશ્વિક સ્તરે રેટમાં વૃદ્ધિનું હતું. રેટ વધવાની શક્યતાંને કારણે માર્ચમાં ઈસીબી મારફતે ઊંચું ફંડ ઊભું કરવામાં આવ્યું હતું. આશ્ચર્યની બાબત એ છે કે એપ્રિલ મહિનામાં બેંક ક્રેડિટમાં વાર્ષિક 11.3 ટકાના ઊંચી વૃદ્ધિ દર વચ્ચે ઈસીબીમાં ઘટાડો જોવા મળ્યો હતો.
માર્કેટમાં વોલેટિલિટી પાછળ કેશ માર્કેટ વોલ્યુમમાં 16 ટકા ઘટાડો
એપ્રિલમાં બંને એક્સચેન્જિસ પર રૂ. 73245 કરોડ પ્રતિ દિવસ વોલ્યુમ સામે મેમાં રૂ. 61710 કરોડનું વોલ્યુમ નોંધાયું
ડેરિવેટિવ્સ સેગમેન્ટના વોલ્યુમમાં જોકે 2 ટકાનો સાધારણ ઘટાડો જોવા મળ્યો
શેરબજારમાં માસિક ધોરણે કેશ વોલ્યુમમાં 16 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. રિટેલ ઈન્વેસ્ટર્સના પાર્ટિસિપેશનમાં તીવ્ર ઘટાડાને પગલે આમ બન્યું હોવાનું વર્તુળો જણાવે છે. દેશના બે સ્ટોક એક્સચેન્જિસ એનએસઈ અને બીએસઈ ખાતે મે મહિનામાં સંયુક્ત દૈનિક કેશ સેગમેન્ટ વોલ્યુમ રૂ. 61710 કરોડ પર રહ્યું હતું. જે એપ્રિલમાં રૂ. 73245 કરોડ પર જોવા મળ્યું હતું. જે છેલ્લાં છ મહિનામાં સૌથી નીચું રહ્યું હતું. અગાઉ ડિસેમ્બરમાં તે આ સ્તરથી ઊપર જોવા મળ્યું હતું.
મે મહિના દરમિયાન માર્કેટમાં બે બાજુની ઊંચી વધ-ઘટને કારણે રિટેલ ઉપરાંત એચએનઆઈ તેમજ સંસ્થાકિય રોકાણકારોનું પાર્ટિસિપેશન પણ સમગ્રતયા નીચું જોવા મળ્યું હતું. મે મહિના દરમિયાન નોંધપાત્ર સંખ્યામાં શેર્સ તેમની 52-સપ્તાહના તળિયા નજીક ટ્રેડ દર્શાવ્યું હતું. માર્ચ 2020 બાદ પ્રથમવાર શેરબજારમાં માર્કેટ-બ્રેડ્થ ખૂબ ખરાબ રહી હતી. આમ રિટેલ ઈન્વેસ્ટર્સે નોંધપાત્ર પ્રમાણમાં લોસ બુકિંગ કરવાની ફરજ પડી હતી એમ માર્કેટ એનાલિસ્ટ જણાવે છે. સામાન્યરીતે માર્કેટમાં વોલેટિલિટી વધે છે ત્યારે વોલ્યુમમાં ઘટાડો જોવા મળતો હોય છે. મે મહિના દરમિયાન બેન્ચમાર્ક નિફ્ટી 8 ટકાની રેંજમાં અથડાયો હતો. જ્યારે માસિક ધોરણે તેણે 3 ટકાનો ઘટાડો દર્શાવ્યો હતો. નિફ્ટી મીડ-કેપ 100 ઈન્ડેર્સ માસિક ધોરણે 12 ટકાની રેંજમાં અથડાયો હતો અને 5.3 ટકાના ચોખ્ખા ઘટાડા સાથે બંધ જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ 18 ટકાની રેંજમાં અથડાયો હતો અને મહિને 10.2 ટકા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. આમ રિટેલ ઈન્વેસ્ટર્સ માટે એક પણ સેગમેન્ટમાં નફાની તક નહોતી સર્જાઈ. જેને કારણે રિટેલ ઈન્વેસ્ટર્સ નવા નાણા બજારમાં રોકવાથી દૂર રહ્યાં હતાં. તેમજ તેણે સાઈડલાઈન રહીને બજારને દૂરથી જોવામાં શાણપણ સમજ્યું હતું.
માર્કેટ એનાલિસ્ટ્સના જણાવ્યા મુજબ બેન્ચમાર્ક્સ તેમની ટોચથી 10 ટકાની રેંજમાં અથડાઈ રહ્યાં છે પરંતુ વ્યક્તિગત શેર્સમાં વેલ્યૂમાં 30-40 ટકા જેટલું ધોવાણ થઈ ચૂક્યું છે. જેને કારણે લોટ સાઈઝમાં ટ્રેડિંગમાં મોટો ઘટાડો ના જોવા મળ્યો હોય તો પણ વેલ્યૂ સંદર્ભમાં વોલ્યુમમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે તે શક્ય છે. નજીકના ભવિષ્યમાં પણ કેશ માર્કેટ વોલ્યુમમાં નોંધપાત્ર વૃદ્ધિની શક્યતાં નથી. જ્યારે માર્કેટમાં સટ્ટાકીય કામગીરીમાં વૃદ્ધિ થશે ત્યારે જ કેશ માર્કેટ્સમાં કામગીરીમાં નોંધપાત્ર સુધારો શક્ય બનશે. કેશ માર્કેટ વોલ્યુમ ગયા વર્ષના પીક વોલ્યુમથી 30 ટકા જેટલાં તૂટી ચૂક્યાં હતાં. જોકે આનાથી વિપરીત ડેરિવેટિવ્સ માર્કેટમાં વોલ્યુમ મે મહિના દરમિયાન તેની ટોચ નજીક જ જળવાયાં હતાં. બંને એક્સચેન્જ મળી ડેરિવેટિવ્સ વોલ્યુમ રૂ. 104.5 લાખ કરોડ પર રહ્યાં હતાં.
એનાલિસ્ટ્સ એવું પણ માને છે કે છેલ્લાં બે વર્ષોમાં નવા માર્જિન નિયમોના અમલ બાદ કેશ માર્કેટમાંથી સટ્ટાકિય વોલ્યુમ દૂર થયાં છે. આ વોલ્યુમ ડેરિવેટિવ્સ માર્કેટમાં શિફ્ટ થયા હોવાનું તેઓ જણાવે છે. જેને કારણે જ ડેરિવેટિવ્સ વોલ્યુમ્સ બે વર્ષમાં બમણી વૃદ્ધિ દર્શાવે છે. માર્કેટમાં રેગ્યુલેટરી ફેરફારોને કારણે કેશ માર્કેટ વોલ્યુમ પર અસર પડી છે. ચાલુ વર્ષે નવા ડિમેટ એકાઉન્ટ્સ ઓપનીંગ પર પણ પ્રતિકૂળ અસર પડી છે. જેને કારણે કેશ સેગમેન્ટમાં વોલ્યુમ ઘટ્યાં છે. સાથે પ્રાઈમરી માર્કેટમાં કામગીરી ઘટવાને કારણે પણ અસર પડી છે.
કેલેન્ડર 2022માં અત્યાર સુધી કેશ માર્કેટમાં કામગીરી(રૂ. કરોડમાં)
મહિનો સરેરાશ કેશ માર્કેટ વોલ્યુમ સરેરાશ ડેરિવેટિવ્સ માર્કેટ વોલ્યુમ
જાન્યુઆરી 69457 92.40 લાખ
ફેબ્રુઆરી 63080 102.50 લાખ
માર્ચ 70731 97.99 લાખ
એપ્રિલ 73245 105.97 લાખ
મે 61710 104.24 લાખ
કોર્પોરેટ હેડલાઈન્સ
કોલ ઈન્ડિયાઃ પીએસયૂ કોલ ઉત્પાદકે જણાવ્યું છે કે નાણા વર્ષ 2021-22માં દેશમાં 20.9 કરોડ ટન કોલ આયાત જોવા મળી હતી. જે 2019-20માં જોવા મળેલી 24.8 કરોડ ટનની આયાત કરતાં 20 ટકા ઘટાડો દર્શાવતી હતી. 2020-21માંતે 21.5 કરોડ ટન પર રહી હતી. આમ બે વર્ષથી દેશમાં કોલ આયાત ઘટી રહી છે. દેશમાં કોલની માગમાં તીવ્ર વૃદ્ધિ છતાં આયાત ઘટી રહી છે. 2009-10થી 2013-14માં કોલ આયાત 22.86 ટકાના સરેરાશ વાર્ષિ દરે વધી હતી. જે દરે 2021-22માં તે 86.6 કરોડ ટન પર પહોંચી ગઈ હોત. જોકે આમ બન્યું નથી.
અલ્ટ્રાટેક સિમેન્ટઃ આદિત્ય બિરલા જૂથની સિમેન્ટ કંપનીએ તેની ક્ષમતાને વાર્ષિક 2.26 કરોડ ટન સુધી લઈ જવા માટે રૂ. 12886 કરોડના રોકાણની જાહેરાત કરી છે. છેલ્લાં દસકામાં કંપની તરફથી આ સૌથી મોટી રોકાણ જાહેરાત છે. આ જાહેરાત પાછળ અલ્ટ્રાટેક સહિતના સિમેન્ટ શેર્સ તૂટ્યાં હતાં.
એમટીએનએલઃ પીએસયૂ ટેલિકોમ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 601 કરોડની ખોટ દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 659.3 કરોડ પર હતી. કંપનીની આવક રૂ. 304 કરોડ પરથી 21.4 ટકા ઘટી રૂ. 239 કરોડ પર જોવા મળીહતી.
એનઆરબીઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 16.9 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 34.6 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 257.2 કરોડ પરથી ગગડી રૂ. 255.6 કરોડ પર રહી હતી.
ડિશ ટીવીઃ કંપની માર્ચ ક્વાર્ટરમાં રૂ. 642.7 કરોડની આવક નોંધાવી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 752 કરોડ પર હતી. કંપનીની ખોટ રૂ. 1415.2 કરોડ પરથી ગગડી રૂ. 2032 કરોડ પર જોવા મળ્યો હતો.
હિંદ ઓઈલ એક્સપ્લોઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 10.8 કરોડની ખોટ દર્શાવી હતી. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 34.1 કરોડનું નુકસાન નોંધાવ્યું હતું. કંપનીની આવક રૂ. 23.3 કરોડ સામે વધી રૂ. 38.2 કરોડ પર રહી હતી.
વિશ્વરાજ સુગરઃ સોસાયટી જનરાલીએ ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન્સ મારફતે કંપનીમાં 12.43 લાખ શેર્સની ખરીદી કરી છે.
કોટક બેંકઃ પ્રાઈવેટ સેક્ટર બેંક નવી મલ્ટી-પ્રોડક્ટ એપમાં દસ લાખ યુઝર્સના ઉમેરાનો ટાર્ગેટ ધરાવે છે.
ફિઆમ ઈન્ડસ્ટ્રીઝઃ એલિવેશન કેપિટલ ફાઈવ હોલ્ડિંગ્સે કંપનીમાં 2.16 ટકા ઈક્વિટી હિસ્સાનું ઓપન માર્કેટ ટ્રાન્ઝેશન્સ મારફતે વેચાણ કર્યું છે.
સિમેકઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 4.8 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 17.7 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 96.8 કરોડ પરથી ગગડી રૂ. 85.2 કરોડ પર રહી હતી.
ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝઃ કંપની જૂથની ભગિની કંપની ગોદરેજ કેપિટલમાં રૂ. 690 કરોડનું રોકાણ કરશે.
Market Summary 3 June 2022
June 03, 2022