Market Summary 27 March 2022


બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સમરી



તેજીવાળાઓ અડગ રહેતાં સતત બીજા દિવસે તેજી

વૈશ્વિક બજારોમાં પણ પરત ફરેલી મજબૂતી

વોલેટિલિટી ઈન્ડેક્સ 5.5 ટકા ગગડી 21.48ના સ્તરે

આઈટી, ઓટો અને બેંકિંગ તરફથી જળવાયેલો સપોર્ટ

પીએસઈ, એનર્જી, કોમોડિટીઝમાં નરમાઈ

બ્રોડ માર્કેટમાં જોવા મળેલી મજબૂત ખરીદી

પારાદિપ ફોસ્ફેટ પોઝીટીવ લિસ્ટીંગ સાથે 4.52 ટકા પ્રિમીયમે બંધ



ભારતીય શેરબજારે જૂન સિરિઝની પોઝીટીવ શરૂઆત દર્શાવી હતી. વૈશ્વિક બજારોનું સમર્થન પ્રાપ્ત થતાં સ્થાનિક બેન્ચમાર્ક્સ પોઝીટીવ ઓપનીંગ બાદ સુધરતાં જોવા મળ્યાં હતાં અને દિવસની ટોચ નજીક જ બંધ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 632 પોઈન્ટ્સના સુધારે 54937 પર જ્યારે નિફ્ટી 182 પોઈન્ટ્સ મજબૂતી સાથે 16371ના સ્તરે બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 5.5 ટકા ગગડી 21.48ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 37 પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે 13માં ઘટાડો નોંધાયો હતો. બ્રોડ માર્કેટમાં નીચા સ્તરે ખરીદી પાછળ બીએસઈ ખાતે બે શેર્સમાં સુધારા સામે એક શેરમાં ઘટાડો જોવા મળતો હતો.
શુક્રવારે સપ્તાહના આખરી દિવસે વિશ્વભરના બજારોમાં મજબૂતી જોવા મળી હતી. એશિયન બજારો 3 ટકા સુધીનો સુધારો સૂચવતાં હતાં. જેમાં હોંગ કોંગનો હેંગ સેંગ 2.9 ટકા સાથે દેખાવમાં ટોપ પર હતો. ત્યારબાદ તાઈવાનનું બજાર 1.9 ટકા, કોરિયા 1 ટકો, જાપાન 0.7 ટકા અને સિંગાપુર 0.7 ટકા સુધારો દર્શાવતાં હતાં. ચીન માર્કેટ પણ સાધારણ પોઝીટીવ બંધ રહ્યું હતું. બપોરે યુરોપિયન બજારો એક ટકા સુધીનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. જેમાં ફ્રાન્સનું બજાર ટોચ પર હતું. યુએસ ખાતે નાસ્ડેકે ગુરુવારે રાતે 2.7 ટકાનો મજબૂત સુધારો દર્શાવ્યો હતો. માર્કેટ એનાલિસ્ટ્સના મતે ટેકનિકલી યુએસ બજારોમાં બોટમ બની ચૂકી છે અને આગામી સમયગાળામાં તેઓ સુધારાતરફી ચાલ જાળવી શકે તેમ છે. ડાઉ જોન્સમાં વધ-ઘટે 34000નું સ્તર જોવા મળે તેવી શક્યતાં રજૂ થઈ રહી છે. જો આમ થશે તો યુએસ પાછળ વૈશ્વિક બજારો પણ ચોક્કસ મજબૂતી જાળવે તેવું બને. ભારતીય બજાર અન્ય ઈમર્જિંગ બજારો કરતાં યુએસ બજારો સાથે ઊંચી કો-રિલેશનશીપ ધરાવે છે અને તેથી આગામી ત્રણેક મહિનામાં તે વધ-ઘટ વચ્ચે સુધારાતરફી બની રહેવાની શક્યતાં ઊંચી છે.
સપ્તાહના આખરી સત્રમાં સેક્ટરલ દેખાવની વાત કરીએ તો છેલ્લાં કેટલાંક સપ્તાહોથી તીવ્ર વેચાણ દર્શાવનાર આઈટી ક્ષેત્રે સારી ખરીદી જોવા મળી હતી. નિફ્ટી આઈટી 2.6 ટકા સુધર્યો હતો. આઈટી કાઉન્ટર્સમાં કોફોર્જ 6 ટકા સાથે દેખાવમાં ટોચ પર હતો. જે સિવાય માઈન્ડટ્રી 4.3 ટકા, ટેક મહિન્દ્રા 4.1 ટકા, એલએન્ડટી ટેક 4 ટકા, એમ્ફેસિસ 3.5 ટકા, વિપ્રો 3 ટકા, ઈન્ફોસિસ 2.6 ટકા અને એચસીએલ ટેક 2.4 ટકાનો સમાવેશ થાય છે. ઓટોમોબાઈલ ઈન્ડેસ 1.6 ટકા સુધર્યો હતો. જેમાં હીરોમોટોકોર્પ 3.1 ટા, એમએન્ડએમ 2.5 ટકા, બોશ 2.31 ટકા, ટીવીએસ મોટર 2.1 ટકા અને ટાટા મોટર્સ 2.1 ટકાનો સમાવેશ થાય છે. બેંક નિફ્ટી સતત ત્રીજા દિવસે પોઝીટીવ જોવા મળ્યો હતો. જેમાં આઈડીએફસી ફર્સ્ટ બેંક 3.8 ટકા, ઈન્ડસઈન્ડ બેંક 3.1 ટા, બંધન બેં 2.6 ટકા અને ફેડરલ બેં 2.2 ટકા સુધીનો સુધારો દર્શાવતાં હતાં. પીએસયૂ બેંક્સમાં જોકે ખાસ હલચલ નહોતી જોવા મળી. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ડો. લાલ પેથલેબ 10 ટકા સાથે સૌથી વધુ ઉછળ્યો હતો. જ્યારે ઈન્ડિયામાર્ટ ઈન્ટર 8.2 ટકા, વ્હર્લપુલ 8 ટકા, બલરામપુર ચીની 6.4 ટકા, પેજ ઈન્ડસ્ટ્રીઝ 6.4 ટકા અને જ્યુબિલિઅન્ટ ફૂડ 6.1 ટકા સુધીનો સુધારો નોંધાવતાં હતાં. આનાથી વિપરીત પિરામલ એન્ટરપ્રાઈસ 12 ટકાનો તીવ્ર ઘટાડો દર્શાવતો હતો. ગેઈલ 6 ટકા, ઓએનજીસી 5.33 ટકા, ઈન્ડિયા સિમેન્ટ્સ 4 ટકા, મૂથૂત ફાઈનાન્સ 4 ટકા, એનટીપીસી 2.4 ટકા સુધીનો ઘટાડો દર્શાવતાં હતાં.
બ્રોડ માર્કેટમાં નોંધપાત્ર લેવાલી જોવા મળી રહી હતી. અનેક કાઉન્ટર્સ તેમની 52-સપ્તાહની સપાટી પર મળી રહ્યાં હતાં. જેનો પંટર્સે ભરપૂર લાભ લીધો હતો. બીએસઈ ખાતે કુલ 3448 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2215 સુધારા સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે 1109 ઘટાડો સૂચવતાં હતાં. 53 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 61 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું નોંધાવ્યું હતું. કુલ 17 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. જ્યારે માત્ર 1 જ કાઉન્ટર લોઅર સર્કિટમાં બંધ હતું. એનએસઈ મીડ-કેપ ઈન્ડેક્સ 1.4 ટકા સુધારો સૂચવતો હતો. જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સમાં 1.4 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી.

બૂટની રેસમાં મુકેશ અંબાણી અગ્રણી દાવેદાર બની રહે તેવી શક્યતાં
ઈસ્સા બ્રધર્સ અને ટીડીઆર સ્પર્ધામાંથી બહાર નીકળે તેવી સંભાવના પાછળ રિલાયન્સને લાભ

વોલગ્રીન્સ બૂટ્સ એલાયન્સ ઈન્કની ઈન્ટરનેશનલ પાંખની ખરીદી માટેની બીડીંગ પ્રક્રિયામાંથી ઈસ્સા બ્રધર્સ સમર્થિત કોન્સોર્ટિયમ બહાર નીકળવાનું વિચારી રહ્યો હોવાનો લાભ મુકેશ અંબાણીની રિલાયન્સ રિટેલને મળે તેવી શક્યતાં છે. પ્રાઈસિંગને લઈને જોવા મળી રહેલી અસહમતિને કારણે ઈસ્સા બ્રધર્સનું કોન્સોર્ટિયમ સ્પર્ધામાંથી દૂર થાય તેવું ચર્ચાય રહ્યું છે.

ટીસીઆર કેપિટલ સાથે મળીને બિડીંગ કરનાર ઈસ્સા બ્રધર્સે વોલગ્રીન્સ તરફથી બૂટ્સ ડ્રગસ્ટોર ચેઈન માટેની તેમની ઓફરમાં વૃદ્ધિ કરવાનું જણાવતાં ઈન્કાર કર્યો હતો અને હવે તેઓ બીડીંગ પ્રક્રિયામાંથી બહાર નીકળવાનું વિચારી રહ્યાં છે એમ વર્તુળો જણાવે છે. આ અહેવાલ પાછળ વોલગ્રીન્સના શેરમાં શરૂઆતી સુધારો જોવાયો હતો અને ન્યૂ યોર્ક ખાતે તે 1.4 ટકા ઘટાડો દર્શાવતો હતો. હાલમાં સ્થિતિ પ્રવાહી બનેલી છે અને જો ઈસ્સા બ્રધર્સ વોલગ્રીન્સ સાથે ભાવને લઈને સમાધાન સાધે તો ફરીથી સ્પર્ધામાં ભાગ લઈ પણ શકે છે એમ વર્તુળો ઉમેરે છે. યુએસ કંપની બૂટ્સ માટે 7 અબજ પાઉન્ડ્સ(8.8 અબજ ડોલર)ના વેલ્યૂએશનની અપેક્ષા રાખી રહી છે. જોકે બીડર્સે તેને 5 અબજ પાઉન્ડ્સનું મૂલ્યાંકન જ આપ્યું હતું એમ બ્લૂમબર્ગે એક અહેવાલમાં નોંધ્યું હતું. ઓક્શનની સ્થિતિમાં સંભવિત ખરીદાર તેની તરફેણમાં સાનૂકૂળતાને કારણે ઘણીવાર નેગોશ્યેશન ટેબલ પરથી ખસી જતો હોય તેવું બનતું હોય છે. ભારતીય અબજોપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને એપોલો ગ્લોબલ મેનેજમેન્ટનું કોન્સોર્ટિયમ બૂટ્સની ખરીદીની સ્પર્ધામાં એક ગંભીર પક્ષકાર છે.





ભારતીય કોર્પોરેટ ક્ષેત્રે નફામાં ઈન્ડસ્ટ્રીઅલ્સનો હિસ્સો 10 વર્ષની ટોચે

સ્ટીલ, સિમેન્ટ, મેટલ્સ, માઈનીંગ, ઓટો, પાવર અને ઓઈલ-ગેસ કંપનીઓનો નફામાં 46 ટકાથી વધુ હિસ્સો

ભારતીય કોર્પોરેટ જગતના નફામાં ઔદ્યોગિક(ઈન્ડસ્ટ્રીઅલ્સ-મેન્યૂફેક્ચરિંગ) કંપનીઓની હિસ્સેદારી દાયકાની ટોચના સ્તરે સ્પર્શી રહી છે, જેનું મુખ્ય કારણ કોમોડિટીઝમાં જબરદસ્ત તેજી છે. જોકે, ભારતની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)માં મેન્યુફેક્ચરિંગ સેક્ટરના યોગદાનમાં વધારો ટકાઉ છે કે નહીં તે જોવાનું હજુ બાકી છે. એક રિસર્ચ મૂજબ ભારતીય કંપનીઓના કુલ નફામાં ઔદ્યોગિક ક્ષેત્રોની હિસ્સેદારી 46 ટકા છે, જે વર્ષ 2016માં 36 ટકાના સ્તરની તુલનામાં વધુ છે. જ્યારે માર્ચ 2012માં 46 ટકાથી તે સાધારણ વધુ છે. માર્ચ ક્વાર્ટરમાં ભારતીય ઉદ્યોગ જગતનો નફો રૂ. 11.3 ટ્રિલિયન હતો, જેમાં માર્કેટ કેપના આધારે ટોચની 1,000 લિસ્ટેડ કંપનીઓના નફાને ધ્યાનમાં લેવામાં આવ્યો છે તથા તેમાં નુકશાન કરતી કંપનીઓને બાકાત રાખવામાં આવી છે. સ્ટીલ, સિમેન્ટ, મેટલ, માઇનિંગ, ઓટોમોબાઇલ્સ, પાવર તથા ઓઇલ અને ગેસ જેવાં ઔદ્યોગિક ક્ષેત્રોનું યોગદાન રૂ. 5.2 ટ્રિલિયન રહ્યું છે, જ્યારે કે ફાઇનાન્સિયલ સર્વિસિસનું યોગદાન રૂ. 3 ટ્રિલિયન નોંધાયું છે. બીજી તરફ કન્ઝપ્શન, ફાર્મા, આઇટી અને બીજી સેવાઓનું કુલ યોગદાન રૂ. 3.1 ટ્રિલિયન જેટલું રહ્યું છે.

આ ટ્રેન્ડ સૂચવે છે કે કોર્પોરેટ્સના નફામાં ઔદ્યોગિક અને નાણાકીય ક્ષેત્રની કંપનીઓની હિસ્સેદારી વધી રહી છે, જે નવા રોકાણ અને ક્રેડિટ સાઇકલ માટે સકારાત્મક પરિબળ છે. જોકે, હવે કોમોડિટીના ભાવમાં વધારો ધીમો પડતાં ઔદ્યોગિક ક્ષેત્રની નાણાકીય કામગીરી ઉપર તેની અસર વર્તાઇ શકે છે. આ પહેલાં નાણાકીય વર્ષ 2005 અને 2006માં ઔદ્યોગિક ક્ષેત્રનો હિસ્સો આશરે 57 ટકા જેટલો હતો. તે સમયે ફાઇનાન્સિયલ્સનો હિસ્સો 20 ટકાથી પણ ઓછો હતો તથા કન્ઝપ્શન, ફાર્મા, આઇટીનો હિસ્સો ચોથા ભાગ કરતાં પણ ઓછો હતો.



BPCLના વ્યૂહાત્મક ડિસઈન્વેસ્ટમેન્ટને બંધ રખાયું

કેન્દ્ર સરકારે ઓઈલ માર્કેટિંગ કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનના વ્યૂહાત્મક ડિસઈન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા મૂલત્વી રાખી છે. કંપનીની ખરીદી માટે બીડર્સના અભાવે આમ કરવાનું બન્યું હોવાનું સરકારે જણાવ્યું છે. ચાલુ નાણાકિય વર્ષ દરમિયાન બંધ રાખવામાં આવ્યું હોય તેવું આ ત્રીજું વ્યૂહાત્મક ડિસઈન્વેસ્ટમેન્ટ છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ(દિપમ)એ એક અપડેટમાં જણાવ્યું છે કે અલ્ટરનેટીવ મિકેનીઝમ આધારિત નિર્ણયને આધારે ભારત સરકારે બીપીસીએલ માટેના વર્તમાન સ્ટ્રેટેજીક ડિસઈન્વેસ્ટમેન્ટને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. સરકારને કંપની માટે ક્વોલિફાઈડ ઈન્ટરેસ્ટેડ પાર્ટી તરફથી મળેલા એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ રદ કરવામાં આવ્યાં છે. વિભાગે જણાવ્યું છે કે આગળ પર સ્થિતિની સમીક્ષા કર્યાં બાદ કંપનીના ડિસઈન્વેસ્ટમેન્ટની પ્રક્રિયાને પુનઃ શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે.

ચોખાની નિકાસ પર પ્રતિબંધનો સરકારનો ઈન્કાર

ભારત સરકારે ચોખા(નોન-બાસમતી રાઈસ)ની નિકાસ પર પ્રતિબંધની કોઈ યોજના નહિ હોવાનું જણાવ્યું છે. ઘઉંની નિકાસ પર પ્રતિબંધ તથા સુગર નિકાસ પર મર્યાદા લાગુ પાડ્યા બાદ સરકારનો નવો ટાર્ગેટ નોન-બાસમતી ચોખા હશે તેવી વૈશ્વિક બજારમાં ફરી રહેલી અફવાની પ્રતિક્રિયામાં સરકારી વર્તુળોએ આમ ખૂલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સરકાર ચોખાની નિકાસ પર પ્રતિબંધ માટે કોઈ વિચાર ધરાવતી નથી. સાથે ચોખાની નિકાસ પર કોઈપણ પ્રકારની મર્યાદા લાગુ પાડવાનો પણ કોઈ ઈરાદો નહિ હોવાનુ તેમણે નામ નહિ આપતાં જણાવ્યું હતું. ભારતે ગયા નાણાકિય વર્ષ દરમિયાન 2.11 કરોડ ટન ચોખાની નિકાસ કરી હતી તેમ છતાં ભારત પાસે કોમોડિટીનો પર્યાપ્ત જથ્થો પ્રાપ્ય છે. ચોખા એક બારમાસી પાક છે અને ભારતે વધુ એક વિક્રમી પાક વર્ષ અનુભવ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.

ONGC ઓઈલ-ગેસના સંશોધનમાં રૂ. 31 હજાર કરોડનું રોકાણ કરશે

ઓઈલ અને ગેસ જાહેર સાહસ ઓએનજીસીએ જણાવ્યું છે કે તે આગામી ત્રણ વર્ષોમાં ઓઈલ અને ગેસના નવા સ્રોતોના સંશોધનમાં રૂ. 31 હજાર કરોડનું રોકાણ કરશે. જેથી કરીને દેશને એનર્જી જરૂરિયાત પૂરી કરવામાં આત્મનિર્ભર બનાવી શકાય. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેના બોર્ડે ‘ફ્યુચર એક્સપ્લોરેશન સ્ટ્રેટેજી’ને મજબૂત કરવા માટે ગુરુવારે એક બેઠક યોજી હતી. કંપનીએ તેના એક્સપ્લોરેશન અભિયાનને વધુ મજબૂત બનાવવા માટે એક સર્વગ્રાહી રોડમેપ તૈયાર કર્યો છે. જે માટે આગામી ત્રણ વર્ષો માટે રૂ. 31 હજાર કરોડના મૂડી ખર્ચની ફાળવણી પણ કરી છે. જે નાણાકિય વર્ષ 2019-20માં પૂરા થયેલા ત્રણ વર્ષોમાં કરવામાં આવેલા રૂ. 20670 કરોડના મૂડી ખર્ચની સરખામણીમાં 150 ટકા ઊંચું એલોકેશન છે.



AMCના ટોચના અધિકારી ઓફિસમાં પરત ફરેઃ AMFI

તાજેતરમાં અગ્રણી એમએફના બે ફંડ મેનેજર્સ સામે ફ્રન્ટ રનિંગના આરોપોને ધ્યાનમા રાખતાં સૂચન

એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઓફ ઇન્ડિયાએ તમામ એસેટ મેનેજર્સને સલાહ આપી છે કે તેઓ મહત્વપૂર્ણ જવાબદારી નિભાવતા એક્ઝિક્યુટિવ્સને 10 જૂન સુધીમાં ઓફિસથી કામ કરવાનું સૂચન કરે. એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના બે ફંડ મેનેજર્સ સામે ફ્રન્ટ રનિંગના આરોપો દરમિયાન આ પગલું કોઇપણ પ્રકારની ખોટી કામગીરી ઉપર દેખરેખ રાખવાનો છે, તેમ જાણકારોનું માનવું છે.

કોવિડ-19 સંબંધિત નિયંત્રણોને કારણે છેલ્લાં બે વર્ષથી વધુ સમયગાળાથી ઇન્વેસ્ટમેન્ટ ટીમ ઘરેથી કામ કરતી હોવાને કારણે એક્સિસના એક્ઝિક્યુટિવ્સની કામગીરી તરફ ધ્યાન ન ગયું હોવાનું એક કારણ હોઇ શકે છે. ઇન્વેસ્ટમેન્ટ્સ, ડીલીંગ, ઓપરેશન્સ, કમ્પલાયન્સ અને રિસ્ક મેનેજમેન્ટ વગેરે જેવાં માર્કેટ્સમાં મહત્વપૂર્ણ કામગીરી નિભાવતા કર્મચારીઓને ઘરેથી કામ કરવાની ફ્લેક્સિબિલિટી પ્રદાન કરવામાં આવી છે તેને પરત લેવી જોઇએ, તેમ એએમએફઆઇએ ફંડ હાઉસિસને એક પરિપત્રમાં જણાવ્યું છે. તેને વહેલી તકે અમલમાં મૂકવું જોઇએ, પરંતુ 10 જૂન, 2022થી મોડું નહીં, તેમ પત્રમાં સૂચવવામાં આવ્યું છે. સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ મહત્વપૂર્ણ કામગીરી નિભાવતા કર્મચારીઓનું વર્ક ફોર્મ હોમ બંધ કરવા માટે એએમએફઆઇને સૂચન કર્યું હોઇ શકે છે, પરંતુ તેને પુષ્ટિ આપી શકાય નહીં.

ઉદ્યોગના જાણકારોનું માનવું છે કે છેલ્લાં કેટલાંક મહિનાઓમાં ક્વોલિટી કંટ્રોલ, ટ્રેડ એક્ઝિક્યુશન અને રિસ્ક મેનેજમેન્ટમાં ખામીઓ બહાર આવી છે. એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે તાજેતરમાં તેના ચીફ ડીલર અને ફંડ મેનેજર વિરેશ જોશી અને ફંડ મેનેજર દિપક અગ્રવાલને કંપનીમાંથી બરતરફ કર્યાં છે. તેમાં ફંડ મેનેજર વિરેશ જોશી મુખ્યત્વે ફ્રન્ટ રનિંગમાં સંડોવાયેલા હોવાનો તથા બ્રોકર્સ તરફથી લાભો મેળવ્યાં હોવાના આરોપ છે. એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના કેસને જોતાં ઇન્ડસ્ટ્રી બોડીએ આ સૂચન આપ્યું હોવાનું મનાય છે. ફંડ મેનેજમેન્ટ અને ડીલીંગ ખૂબજ સંવેદનશીલ પ્રવૃત્તિ છે તથા ઓફિસમાંથી આ કામગીરી ન કરાઇ હોય તો તેની ઉપર દેખરેખ રાખવું મૂશ્કેલ છે.




કોર્પોરેટ હેડલાઈન્સ
હિંદાલ્કોઃ ફાઈનાન્સઃ અગ્રણી એલ્યુમિનિયમ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1601 કરોડનો નફો દર્શાવ્યો છે. જે એનાલિસ્ટની રૂ. 1787 કરોડની અપેક્ષા કરતાં નીચો છે. કંપનીની આવક રૂ. 19568 કરોડની અપેક્ષા સામે રૂ. 18969 કરોડ પર રહી હતી.

પિરામલ એન્ટરપ્રાઈઝઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 151 કરોડનો નફો દર્શાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 510 કરોડની ખોટ નોંધાવી હતી. કંપનીનું વેચાણ ગયા વર્ષે રૂ. 3402 કરોડ સામે વધી રૂ. 4163 કરોડ જોવા મળ્યું હતું.

બર્જર પેઈન્ટ્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 220 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 208 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 2026 કરોડ સામે વધી રૂ. 2187 કરોડ પર રહી હતી.
બીડીએલઃ પીએસયૂ સાહસે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 264.3 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 260.3 કરોડની સામે 1.5 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1137 કરોડ સામે 22 ટકા જેટલી વધી રૂ. 1381 કરોડ પર રહી હતી.
મૂથૂત ફાઈનાન્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 960 કરોડનો નફો દર્શાવ્યો છે. જે એનાલિસ્ટની રૂ. 1036 કરોડની અપેક્ષા કરતાં નીચો છે. કંપનીની આવક રૂ. 1964 કરોડની અપેક્ષા સામે ઘટી રૂ. 1749 કરોડ પર રહી હતી.

વેસ્ટ કોસ્ટ પેપરઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 124.5 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 75 કરોડની સામે 66 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 937 કરોડ સામે 14 ટકા જેટલી વધી રૂ. 1067 કરોડ પર રહી હતી.
સન ફાર્માઃ કંપનીની યુએસ સબસિડિયરી ટારો ફાર્માએ માર્ચ ક્વાર્ટરમાં 2.74 કરોડ ડોલરનો નફો દર્શાવ્યો છે. તેણે ગયા વર્ષે 2.97 કરોડ ડોલરની ખોટ નોંધાવી હતી. કંપનીનું વેચાણ 3.4 ટકા ઘટાડે 14.83 કરોડ ડોલર પરથી 14.33 કરોડ ડોલર પર રહ્યું હતું.

એસ્ટ્રેઝેનેકા ઈન્ડિયાઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 27.98 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં નફાની સરખામણીમાં 2.6 ટકાની સાધારણ વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક 10 ટકા વધી રૂ. 232 કરોડ પર રહી હતી.

યુનિયન બેંકઃ જાહેર ક્ષેત્રની બેંકના બોર્ડે 2022-23માં રૂ. 8100 કરોડ ઊભા કરવા માટેના પ્રસ્તાવ પર મંજૂરી આપી છે.
ભારતી એરટેલઃ ગ્લોબલ રેટીંગ એજન્સી મૂડીઝે બીજા ક્રમના ટેલિકોમ ઓપરેટર ભારતી એરટેલના રેટિંગને અપગ્રેડ કરી બીએએ3 બનાવ્યું છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage