Market Summary 25 May 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

ITમાં વેચવાલી પાછળ શેરબજારમાં મંદીની હેટ્રીક
વૈશ્વિક બજારોમાં મિશ્ર માહોલ જોવાયુ
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.4 ટકા ઘટી 25.28ના સ્તરે બંધ
આઈટી ઈન્ડેક્સ 3.4 ટકા ગગડ્યો
મેટલ, ફાર્મા, રિઅલ્ટીમાં પણ નરમાઈ
બેંકિંગમાં સતત બીજા દિવસે અન્ડરટોન મજબૂત જોવા મળ્યો
સુગર શેર્સમાં બીજા દિવસે તીવ્ર ઘટાડો
વૈશ્વિક બજારોમાં સુસ્તી વચ્ચે સ્થાનિક શેરબજારમાં સતત ત્રીજા દિવસે નરમાઈ જોવા મળી હતી. બજારમાં ઘટાડાની આગેવાની આઈટી સેક્ટરે લીધી હતી. જેની પાછળ બીએસઈ સેન્સેસ 303 પોઈન્ટ્સ ગગડી 53749ના સ્તરે જ્યારે નિફ્ટી 99 પોઈન્ટ્સ ઘટી 16026ના સ્તરે બંધ રહ્યાં હતાં. ઈન્ટ્રા-ડે બે બાજુની વધ-ઘટ વચ્ચે સેન્સેસે 695 પોઈન્ટ્સની મૂવમેન્ટ દર્શાવી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ જોકે નરમ બજારમાં પણ 1.4 ટકા ઘટાડે 25.28 પર બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 31 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 19 પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. બ્રોડ માર્કેટમાં વેચવાલી આકરી બની હતી અને બીએસઈ ખાતે ત્રણ શેર્સમાંથી વધુમાં ઘટાડા સામે એકમાં સુધારો જોવા મળ્યો હતો.
બુધવારે ભારતીય બજારે ગેપ-અપ શરૂઆત દર્શાવ્યાં બાદ સતત ઘસારો નોંધાવ્યો હતો. અલબત્ત, માર્કેટમાં પેનિકનો માહોલ નહોતો અને તે સાંકડી રેંજમાં અથડાયા બાદ નરમાઈ સાથે બંધ રહ્યું હતું. નિફ્ટી દિવસ દરમિયાન 16606ના તળિયા પર જોવા મળ્યો હતો. જોકે તેણે 16 હજારનો માનસિક સપોર્ટ જાળવ્યો હતો. દિવસ દરમિયાન સ્પોટની સરખામણીમાં ડિસ્કાઉન્ટમાં ટ્રેડ થયા બાદ નિફ્ટી ફ્યુચર્સે સ્પોટના સ્તરે ફ્લેટ બંધ દર્શાવ્યું હતું. બજારમાં મંદીની આગેવાની આઈટી સેક્ટરે જાળવી હતી. નિફ્ટી આઈટી 3.4 ટકા ગગડી 25566ના નવ મહિનાના તળિયા પર બંધ જોવા મળ્યો હતો. ઈન્ડેક્સમાં સમાવિષ્ટ તમામ કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જેમાં કોફોર્જ 7 ટકા ઘટાડા સાથે સૌથી વધુ તૂટ્યો હતો. જ્યારે એમ્ફેસિસ 6 ટકા, માઈન્ડ ટ્રી 5 ટકા, એલએન્ડટી ટેક્નોલોજી 5 ટકા, ટીસીએસ 4 ટકા, ટેક મહિન્દ્રા 3.5 ટકા ઘટાડો સૂચવતાં હતાં. નિફ્ટી મેટલ પણ 2 ટકા ઘટાડો દર્શાવી રહ્યો હતો. જેમાં વેલસ્પન કોર્પ 9 ટકાનો તીવ્ર ઘટાડો દર્શાવતો હતો. એનએમડીસી 4.23 ટકા, સેઈલ 4.2 ટકા, અદાણી એન્ટરપ્રાઈઝ 4 ટકા અને જિંદાલ સ્ટીલ 3.22 ટકા ઘટાડો સૂચવતાં હતાં. નિફ્ટી ફાર્મા પણ 1.2 ટકા નેગેટિવ બંધ રહ્યો હતો. જેમાં ડિવિઝ લેબ સતત ત્રીજા દિવસે 4 ટકા સાથે છેલ્લાં ત્રણ સત્રોમાં 18 ટકા જેટલો ગગડી ચૂક્યો છે. આ ઉપરાંત ઓરોબિંદો ફાર્મા 3 ટા, લ્યુપિન 2 ટા અને બાયોકોન 1.6 ટકા ઘટાડો સૂચવતાં હતાં. બીજી બાજુ ટોરેન્ટ ફાર્મા પોઝીટીવ જોવા મળતો હતો. નિફ્ટી ઓટો, નિફ્ટી રિઅલ્ટી, નિફ્ટી એનર્જી અને નિફ્ટી પીએસઈ પણ નરમાઈ સૂચવતાં હતાં. જ્યારે બેંક નિફ્ટી 0.14 ટકા સુધારા સાથે પોઝીટીવ બંધ રહ્યો હતો. સતત બીજા દિવસે કોટક બેંકમાં સુધારો નોંધાયો હતો. આ ઉપરાંત એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ બેંકમાં પણ પોઝીટીવ સેન્ટિમેન્ટ જોવા મળ્યું હતું.
જો બ્રોડ માર્કેટની વાત કરીએ તો ભારે વેચવાલી જોવા મળી હતી. બીએસઈ ખાતે 3444 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી માત્ર 717 સુધારો સૂચવતાં હતાં. જ્યારે 2611 ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. 67 કાઉન્ટર્સ વાર્ષિક ટોચ સૂચવતાં હતાં. જેની સામે 155 કાઉન્ટર્સ તેમની 52-સપ્તાહની બોટમ પર ટ્રેડ થયાં હતાં. 17 કાઉન્ટર્સ અપર સર્કિટમાં બંધ રહ્યાં હતાં. જ્યારે 6 કાઉન્ટર્સ લોઅર સર્કિટમાં જોવા મળ્યાં હતાં. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં કન્ટેનર કોર્પોરેશનનો શેર 6.2 ટકા સાથે શ્રેષ્ઠ દેખાવ દર્શાવતો હતો. આ ઉપરાંત બાલક્રિષ્ણ ઈન્ડસ્ટ્રીઝ, એનટીપીસી, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, એચડીએફસી લાઈફ, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલમાં 3 ટકાથી 5 ટકા સુધીનો સુધારો જોવા મળતો હતો. જ્યારે બીજી બાજુ ચંબલ ફર્ટિલાઈઝર્સમાં 11 ટકાનો કડાકો બોલાઈ ગયો હતો. આ ઉપરાંત ડેલ્ટા કોર્પોરેશ 10 ટકા, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા 9 ટકા, બલરામપુર ચીની 9 ટકા, બિરલાસોફ્ટ 8 ટકા અને એશિયન પેઈન્ટ્સ 8 ટકાનો તીવ્ર ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. સુગર શેર્સમાં સતત બીજા દિવસે ભારે વેચવાલી જોવા મળી હતી. સરકારે નિકાસ પર મર્યાદા લાગુ કરવાની વિચારણા પાછળ સુગર શેર્સ બે દિવસમાં 15-20 ટકા જેટલાં તૂટ્યાં છે.


સરકારે હિંદુસ્તાન ઝીંકના વેચાણમાં સમગ્ર હિસ્સા વેચાણને આપેલી મંજૂરી

કેન્દ્રિય કેબિનેટે હિંદુસ્તાન ઝિંકમાં સરકાર પાસે રહેલા 29.5 ટકાના સંપૂર્ણ હિસ્સાને વેચાણ માટે મંજૂરી આપી દીધી હોવાનું વર્તુળો જણાવે છે. દેશમાં ઝીંકની અગ્રણી ઉત્પાદક કંપનીમાં વેદાંત જૂથ 64.92 ટકા હિસ્સો ધરાવે છે. જોકે આ ડિસવેસ્ટમેન્ટની ઓફર સાઈઝ ટ્રાન્ઝેક્શન થવાના સમયે નક્કી કરવામાં આવશે. નાણા વર્ષ 2021-22ની આખરમાં હિંદુસ્તાન ઝીંક પાસે રૂ. 2844 કરોડનું કોન્સોલિડેટેડ ડેટ હતું. નવેમ્બર 2021માં સુપ્રીમ કોર્ટે સરકારને હિંદુસ્તાન ઝીંકમાંના તેના 29.5 ટકા હિસ્સાના વેચાણ માટે છૂટ આપી હતી. કંપનીના વર્તમાન બજારભાવે હિંદુસ્તાન ઝીંકમાંના સરકારના હિસ્સાનું મૂલ્ય રૂ. 38 હજાર કરોડ થવા જાય છે. બુધવારે બજાર બંધ થયું ત્યારે હિંદુસ્તાન ઝીંકનો શેર 3 ટકા સુધારા સાથે રૂ. 304.50ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. જે ભાવે તેનું માર્કેટ-કેપ રૂ. 1,28,660 કરોડ થવા જતું હતું. કંપની 5.91 ટકાનું તગડું ડિવિડન્ડ યિલ્ડ પણ ધરાવે છે.

ગ્રાસિમ પેઈન્ટ્સ બિઝનેસમાં રૂ. 10 હજાર કરોડનું રોકાણ કરશે

આદિત્ય બિરલા ગ્રૂપની કંપની ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ આગામી ત્રણ વર્ષોમાં પેઈન્ટ્સ બિઝનેસમાં રૂ. 10 હજાર કરોડના રોકાણનું આયોજન કરી રહી છે. મંગળવારે કંપનીની બોર્ડ મિટિંગ બાદ કંપનીએ જણાવ્યું હતું કે ડેકોરેટિવ પેઈન્ટ્સ ઉદ્યોગના પરિમાણો બદલાયાં છે. જે મજબૂત વૃદ્ધિ અને ભવિષ્ય ધરાવે છે. જેને કારણે અનેક કંપનીઓ આ સેક્ટરમાં પ્રવેશી રહી છે. જ્યારે જેઓ આ ક્ષેત્રે હાજર છે તેઓ ક્ષમતા વૃદ્ધિ કરી રહ્યાં છે. ગ્રાસિમે તેની 133.2 કરોડ લિટર પ્રતિ વર્ષની પેઈન્ટ ક્ષમતાના અમલીકરણને ઝડપી બનાવ્યું છે. આ સુવિધા માર્ચ 2023-24 ક્વાર્ટરમાં તૈયાર થઈ જવાની અપેક્ષા છે. કંપનીએ ગયા વર્ષે પેઈન્ટ્સ બિઝનેસમાં પ્રવેશની જાહેરાત કરી હતી. જે વખતે તેમે રૂ. 5 હજાર કરોડનું રોકાણ કરશે એમ જણાવ્યું હતું. જોકે હવે તેણે રોકાણને બમણુ કર્યું છે.


આંઠ મહિનામાં જ FPIsએ તેમના સાત વર્ષોનું રોકાણ પાછુ ખેંચ્યું
ઓક્ટોબર 2021થી અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ રૂ. 2.5 લાખ કરોડનું વેચાણ કર્યું. જે રકમ તેમના છેલ્લાં સાત વર્ષોના રોકાણ બરાબર છે
વિદેશી રોકાણકારો તરફથી છેલ્લાં આઁઠ મહિનામાં ભારે વેચવાલી જોવા મળી છે. ઓક્ટોબર 2021થી મે 2022 સુધીના સમયગાળામાં તેમણે છેલ્લાં સાત વર્ષોમાં નોંધાવેલા ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટને લગભગ પરત ખેંચી લીધું છે એમ કહી શકાય. આંઠ મહિનામાં વિદેશી રોકાણકારોએ 32 અબજ ડોલર અથવા રૂ. 2.5 લાખ કરોડનું વેચાણ નોંધાવ્યું છે એમ નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝીટરી લિમેટેડનો ડેટા જણાવે છે. આ રકમ તેમણે કેલેન્ડર 2014થી 2020માં સ્થાનિક બજારમાં દર્શાવેલા રોકાણ બરાબર છે એમ એનએસડીએલનો ડેટા સૂચવે છે.
આને બીજી રીતે જોઈએ તો વિદેશી રોકાણકારોએ તાજેતરની વેચવાલી બાદ 2010થી 2020ના દાયકામાં ભારતીય સેકન્ડરી માર્કેટમાં કરેલા રોકાણને ઘટાડીને અડધું કરી દીધું છે. વૈશ્વિક સ્તરે વધી રહેલા ઈન્ટરેસ્ટ રેટ્સ, પશ્ચિમી દેશોમાં ઘણા દાયકાઓનું ઊંચું ઈન્ફ્લેશન અને પૂર્વ યુરોપમાં જીઓ-પોલિટીકલ કટોકટીને કારણે ભારતીય શેરબજારનું આકર્ષણ ઘટ્યું છે. અન્ય ઈમર્જિંગ બજારોની સરખામણીમાં ભારતીય શેરબજારમાં મોંઘા વેલ્યૂએશન્સને જોતાં એફપીઆઈએ રોકાણને તેમના હોમ માર્કેટમાં ખસેડ્યું હોય તેવી શક્યતા છે. ભારત ઉપરાંત અન્ય ઈમર્જિંગ માર્કેટ્સમાં પણ એફપીઆઈની વેચવાલી જોવા મળી છે. જેમાં તાઈવાન અને સાઉથ કોરિયાનો સમાવેશ થાય છે. આ બજારોએ પણ કેલેન્ડર 2020માં એફપીઆઈ તરફથી જંગી ઈનફ્લો નોંધાવ્યો હતો. જોકે તાજેતરમાં તેઓ વેચવાલી જોઈ રહ્યાં છે. વૈશ્વિક બ્રોકરેજના જણાવ્યા મુજબ એફઆઈઆઈએ કેલેન્ડર 2022માં તાઈવાનમાંથી 28 અબજ ડોલરનું વેચાણ પરત ખેંચ્યું છે. જ્યારે સાઉથ કોરિયામાંથી તેમણે 12.8 અબજ ડોલર પરત ખેંચ્યાં છે. આશ્ચર્યની બાબત એ છે કે વિદેશી રોકાણકારો તરફથી જંગી વેચવાલી છતાં ભારતીય બજારમાં મોટું કરેક્શન ટાળી શકાયું છે. જેનું મુખ્ય કારણ રિટેલ ઈન્વેસ્ટર્સ તથા સ્થાનિક સંસ્થાઓ તરફથી સાંપડેલો જંગી સપોર્ટ છે. કેલેન્ડર 2021 તથા 2022માં ભારતીય રિટેલ રોકાણકારોએ બજારમાં રૂ. 1.1 લા કરોડનું ચોખ્ખું રોકાણ દર્શાવ્યું છે.


સોશ્યલ મીડિયા સ્ટોક્સમાં 160 બિલિયન ડોલરનું ધોવાણ
સ્નેપનો શેર મંગળવારે વિક્રમી 40 ટકા જેટલો તૂટ્યો હતો
ફેસબુક, ટ્વિટર, આલ્ફાબેટના શેર્સ પણ પટકાયાં
સ્નેપ ઇન્કની પ્રોફિટ અંગેની ચેતવણી બાદ મંગળવારે સોશિયલ મીડિયા સ્ટોક્સે આશરે 165 બિલિયન યુએસ ડોલરની માર્કેટ વેલ્યુ ગુમાવી હતી. આ સેક્ટર પહેલેથી જ યુઝરમાં ધીમી વૃદ્ધિ અને વ્યાજદરોમાં વધારા જેવાં પડકારોનો સામનો કરી રહ્યું છે. ટેક્નોલોજી હેવી નાસ્ડેક તેની 16 હજારની ઐતિહાસિક ટોચ પરથી 30 ટકા જેટલો ઘટાડો દર્શાવી ચૂક્યો છે.
સ્નેપનો શેર લગભગ 40 ટકા જેટલો તુટ્યો હતો, જે અત્યાર સુધીમાં સૌથી મોટો ઇન્ટ્રાડે ઘટાડો છે, જેની સાથે માર્કેટ વેલ્યુમાં આશરે 15 બિલિયન યુએસ ડોલરનો ઘટાડો થયો હતો. આ સાથે તેના પિઅર્સ ફેસબુકની માલીકીના મેટા પ્લેટફોર્મ્સ, ગુગલની માલીકીના આલ્ફાબેટ, ટ્વિટર અને પિન્ટ્રેસ્ટના મૂલ્યોમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો હતો. ગ્રૂપમાં 165.6 બિલિયન યુએસ ડોલરનું ધોવાણ થયું હતું. સ્નેપ 41.19 ટકા તુટીને 13.22 ડોલરે ટ્રેડ કરતો હતો, જે વર્ષ 2017માં તેના પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) ઓફરિંગ કિંમત 17 ડોલર કરતાં નીચે હતો. માર્કેટ એનાલિસ્ટ્સના મતે આ ટ્રેન્ડ માત્ર સ્નેપ ઉપર કેન્દ્રિત ન રહેતાં સમગ્ર સોશ્યલ મિડિયા ઈન્ડસ્ટ્રીને અસર કરી રહ્યો છે. સમગ્ર ઇન્ટરનેટ સેક્ટરમાં જાહેરાતોની આવકમાં ઘટાડા સહિતના પરિબળો મુખ્યત્વે અસરકર્તા છે તેમ છતાં ટ્વિટર, ગુગલના યુટ્યૂબ અને પિન્ટ્રેસ્ટ જેવાં બ્રાન્ડ એડવર્ટાઇઝિંગનું એક્સપોઝર ધરાવતા પ્લેટફોર્મને વધુ અસર થઇ શકે છે.




કોર્પોરેટ હેડલાઈન્સ


એસ્ટર ડીએમઃ હોસ્પિટલ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 245.6 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 116.7 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 2390.9 કરોડ પરથી વધી રૂ. 2727.8 કરોડ પર નોંધાઈ હતી.

ફિનિક્સ મિલ્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 117.3 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 64.3 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 375.6 કરોડ પરથી વધી રૂ. 495.4 કરોડ પર રહી હતી.
લૂમેક્સ ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 28.5 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 22.7 કરોડ પર હતો. કંપનીની આવક વાર્ષિક ધોરણે રૂ. 504 કરોડ પરથી વધી રૂ. 549 કરોડ પર રહી હતી.
ઈક્લર્ક્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 95.5 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 78.3 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 329.5 કરોડ પરથી વધી રૂ. 428 કરોડ પર રહી હતી.
લેટેન્ટ વ્યૂઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 39.2 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 23.9 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 79 કરોડ પરથી વધી રૂ. 117 કરોડ પર જોવા મળી હતી.
બિરલાસોફ્ટઃ આઈટી કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 132.9 કરોડનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 113.9 કરોડ પર જોવા મળતો હતો.
વૈભલ ગ્લોબલઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 26.94 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળાની સરખામણીમાં 52 ટકાનો તીવ્ર ઘટાડો સૂચવે છે.
નિલકમલઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 19.93 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 38.17 કરોડની સરખામણીમાં 48 ટકા ડાઉન છે.
બેયર ક્રોપસાયન્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 152.7 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 61.9 કરોડ પર જોવા મળતો હતો. કંપનીની આવક રૂ. 733.7 કરોડ પરથી 31 ટકા વૃદ્ધિ સાથે રૂ. 963.3 કરોડ પર રહી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage