Market Summary 24 May 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

વૈશ્વિક બજારોમાં દબાણ પાછળ બજારમાં ધીમો ઘસારો
વોલેટિલિટી ઈન્ડેક્સ 10 ટકા ઉછળી 25.63ની તાજેતરની ટોચે
આઈટી, ફાર્મા, એફએમસીજી જેવા ડિફેન્સિવ સેક્ટર્સમાં વેચવાલી
ફાઈનાન્સિયલ્સમાં સપોર્ટ પાછળ બેંકનિફ્ટીમાં પોઝીટીવ બંધ
બ્રોડ માર્કેટમાં વેચવાલી આગળ વધી
ચીનનો શાંઘાઈ કંપોઝીટ ઈન્ડેક્સ 2.5 ટકા ગગડ્યો
વૈશ્વિક બજારોમાં વેચવાલીને કારણે સ્થાનિક બજારમાં સતત બીજા દિવસે ધીમો ઘસારો જોવા મળ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 236 પોઈન્ટ્સ ઘટી 54053ના સ્તરે જ્યારે નિફ્ટી 77 પોઈન્ટ્સ ગગડી 16138ના સ્તરે બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 10 ટકા ઉછળી 25.63ની તાજેતરની ટોચ પર બંધ રહ્યો હતો. બ્રોડ માર્કેટમાં પણ વેચવાલી જોવા મળી હતી અને બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ નરમ જોવા મળી હતી.

યુએસ ખાતે સોમવારે માર્કેટ્સમાં બાઉન્સ છતાં એશિયન બજારોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. ચીનનો શાંઘાઈ કંપોઝીટ ઈન્ડેક્સ 2.4 ટકા ગગડી તેના તળિયા નજીક બંધ દર્શાવતો હતો. હોંગ કોંગનો હેંગ સેંગ 1.75 ટકા ઘટાડો સૂચવતો હતો. જ્યારે કોરિયા અને તાઈવાનના બજારો પણ એક ટકાથી વધુ નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. જાપાનનો નિક્કાઈ લગભગ એક ટકા ડાઉન હતો. જ્યારે સિંગાપુર બજાર અડધા ટકાથી વધુનો ઘટાડો દર્શાવતો હતો. બપોરે યુરોપ બજારોમાં પણ એક ટકા સુધીનો ઘટાડો જોવા મળતો હતો. આમ દિવસ દરમિયાન સાંકડી વધ-ઘટ વચ્ચે અથડાતું રહેલું ભારતીય બજાર બપોર બાદ ગગડ્યું હતું અને નેગેટિવ બંધ રહ્યું હતું. નિફ્ટીના 50 સભ્ય કાઉન્ટર્સમાંથી 35 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર 15 પોઝીટીવ જોવા મળ્યાં હતાં. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો ડિફેન્સિવ્સમાં વેચવાલીનું દબાણ જોવા મળતું હતું. નિફ્ટી આઈટી, નિફ્ટી ફાર્મા અને નિફ્ટી એફએમસીજી એક ટકાથી વધુ ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. આમ આઈટીમાં સોમવારે એક દિવસ માટે જોવા મળેલું બાઉન્સ ટકી શક્યું નહોતું. બેન્ચમાર્ક 1.88 ટકા ઘટીને બંધ રહ્યો હતો. જેમાં ટેક મહિન્દ્રા 3.9 ટકા, કોફોર્જ 3.6 ટકા, એલએન્ડટી ઈન્ફોટેક 3.3 ટકા, એચસીએલ ટેક 2.6 ટકા અને માઈન્ડટ્રી 2.51 ટકાનો ઘટાડો સૂચવતાં હતાં. ઈન્ડેક્સમાં સમાવિષ્ટ તમામ આઈટી કાઉન્ટર્સ નેગેટિવ બંધ સૂચવતાં હતાં. નિફ્ટી ફાર્મા 1.53 ટકા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જેમાં ડિવિઝ લેબ્સ સતત બીજા દિવસે 6 ટકા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે ઓરોબિંદો ફાર્મા 3.62 ટકા, લ્યુપિન 2.85 ટકા, બાયોકોન 2.6 ટકા, આલ્કેમ લેબ 1.85 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. એફએમસીજી ક્ષેત્રે એચયૂએલ, કોલગેટ, ટાટા કન્ઝ્યૂમર પ્રોડ્ક્ટ્સ, જ્યુબિલિઅન્ટ ફૂડ, યુનાઈટેડ સ્પિરિટ્સમાં 3 ટકા સુધીનું ગાબડું જોવા મળતું હતું. નિફ્ટી મેટલ, રિઅલ્ટી, મિડિયા, એનર્જીમાં પણ 3 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે બેંકિંગમાં પોઝીટીવ રૂખ જોવા મળી હતી. કોટક બેંક, એચડીએફસી બેંક અને એસબીઆઈ પાછળ બેંક નિફ્ટી પોઝીટીવ બંધ રહ્યો હતો. જોકે અન્ય બેંકિંગ શેર્સમાં નરમાઈ જોવા મળી રહી હતી. ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં કોરોમંડલ ઈન્ટરનેશનલ 4.46 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવતો હતો. એ સિવાય અશોક લેલેન્ડ, અબોટ ઈન્ડિયા, એચપીસીએલ, ટીવીએસ મોટર્સ, પેજ ઈન્ડસ્ટ્રીઝ અને ડો. રેડ્ડીઝ લેબોમાં 2 ટકાથી ઉપરનો સુધારો જોવા મળ્યો હતો. આનાથી વિપરીત પીવીઆરમાં 6.4 ટકાનો ઘટાડો નોંધાયો હતો. બલરામપુર ચીની, પર્સિસ્ટન્ટ, પિરામલ એન્ટરપ્રાઈઝ, મેટ્રોપોલીસ, ગ્રાસિમ, મણ્ણાપુરમ ફાઈનાન્સમાં 4 ટકાથી 6 ટકા સુધીનો ઘટાડો જોવા મળતો હતો.
બ્રોડ માર્કેટમાં બીએસઈ ખાતે બેથી વધુ શેર્સમાં વેચવાલી સામે એક શેરમાં ખરીદી જોવા મળતી હતી. એક્સચેન્જ ખાતે કુલ 3430 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2270 ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે માત્ર 1036 પોઝીટીવ જોવા મળતાં હતાં. જ્યારે 70 કાઉન્ટર્સ વાર્ષિક ટોચ પર જોવા મળ્યા હતાં. જો બીજી બાજુ 77 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું.



સેમસંગ પાંચ વર્ષોમાં 360 અબજ ડોલરનું રોકાણ કરશે
કોરિયન જાયન્ટ સેમસંગ ગ્રૂપ આગામી પાંચ વર્ષોમાં તેના ખર્ચમાં 30 ટકાથી વધુ વૃદ્ધિ કરી 360 અબજ ડોલરનું રોકાણ કરશે. કંપની 2026 સુધીમાં માઈક્રોચિપ્સથી લઈને બાયોટેક બિઝનેસમાં આ રોકાણ કરશે. સાઉથ કોરિયાનું કોંગ્લોમેરટ હાલમાં વધતાં આર્થિક અને સપ્લાય શોક્સનો સામનો કરી રહ્યું છે અને તેથી જ તેણે આક્રમક વ્યૂહ અપનાવ્યો છે. સેમસંગ ઈલેક્ટ્રોનિસ તથા સેમસંગ બાયોલોજિક્સ સાથે તે કોરિયન અર્થતંત્ર પર પ્રભુત્વ ધરાવે છે. જૂથે એક નિવેદનમાં જણાવ્યું છે કે તે 2026 સુધીમાં નવી 80 હજાર જોબ્સ ઊભી કરશે. જે મુખ્યત્વે સેમીકંડક્ટર્સ અને બાયોફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રે જોવા મળશે.

અદાણી પરિવારે બ્રોગના IPOમાં 7.5 કરોડ ડોલર કમિટ કર્યાં
યુએઈ ખાતે અત્યાર સુધીના સૌથી મોટા લિસ્ટીંગ બનવા જઈ રહેલા બ્રોગની પબ્લિક ઓફરિંગમાં અદાણી પરિવારે 7.5 કરોડ ડોલરનું કમિટમેન્ટ દર્શાવ્યું હોવાનું જાણવા મળે છે. કંપની 2 અબજ ડોલરનો આઈપીઓ લાવવા જઈ રહી છે. અદાણી પરિવાર, અબુ ધાબી વેલ્થ ફંડ એડીક્યૂ સહિત સેવન કોર્નરસ્ટોર ઈન્વેસ્ટર્સ આઈપીઓમાં 57 કરોડ ડોલરના શેર્સ ખરીદવા સહમત થયાં છે. અબુ ધાબી વેલ્થફંડ એડીક્યૂ 12 કરોડ ડોલરના જ્યારે આલ્ફા ધાબી હોલ્ડિંગ 10 કરોડ ડોલરના શેર્સ ખરીદશે. બ્રોગનો આઈપીઓ 2.45 દિરહામ પ્રતિ શેરના ભાવે ઓફર કરાશે એમ અબુ ધાબી નેશનલ ઓઈલે જણાવ્યું હતું. બ્રોગના આઈપીઓમાં વિયેના સ્થિત ઈન્વેસ્ટર્સ 3 અબજ શેર્સનું વેચાણ કરી રહ્યાં છે. જે કંપનીના પેઈડ-અપ કેપિટલના 10 ટકા થવા જાય છે.
વૈશ્વિક ગોલ્ડમાં જળવાયેલી મજબૂતી
ગોલ્ડના ભાવમાં સતત બીજા દિવસે મજબૂતી જોવા મળી છે. ચાલુ સપ્તાહે વૈશ્વિક બજારમાં તે 1850 ડોલરની સપાટી પાર કરી ગયું છે. મંગળવારે 13 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસની મજબૂતી સાથે તે 1859 ડોલર પર ટ્રેડ દર્શાવતું હતું. એમસીએક્સ ખાતે ગોલ્ડ ફ્યુચર્સ રૂ. 150ના સુધારે રૂ. 51050ની સપાટી પર ટ્રેડ દર્શાવતો હતો. એનાલિસ્ટ્સના મતે ગોલ્ડમાં નીચા સ્તરે ખરીદી જળવાઈ છે. તાજેતરમાં કોમોડિટીઝના ભાવમાં ઘટાડા બાદ ફેડ તરફથી આક્રમક રેટ વૃદ્ધિનું વલણ કૂણું પડે તેવી શક્યતાં પાછળ ગોલ્ડમાં ખરીદી જળવાય શકે છે. વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સ કોન્સોલિડેટ થઈ રહ્યો છે. તેને કારણે પણ ગોલ્ડને સપોર્ટ સાંપડી રહ્યો છે.


સરકાર સુગર નિકાસ પર મર્યાદા લાગુ પાડી શકે
છ વર્ષો બાદ પ્રથમવાર સ્થાનિક ભાવોને અંકુશમાં રાખવા સુગર નિકાસ પર પ્રતિબંધની શક્યતાં
ભારત સરકાર સાવચેતીના પગલાંરૂપે દેશમાંથી ખાંડની નિકાસ પર મર્યાદા લાગુ પાડે તેવી શક્યતાં છે. સપ્તાહ અગાઉ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યાં બાદ સરકાર દેશમાં ખાંડના પુરવઠાની સુરક્ષા માટે આવુ પગલું ભરે એમ એક અહેવાલ જણાવે છે.
એકવાર દેશમાંથી 90 લાખ ટન ઉપરાંતની નિકાસ થઈ જશે ત્યારબાદ કંપનીઓએ વધુ દસ લાખ ટનની નિકાસ માટે સરકાર પાસે મંજૂરી માગવાની રહેશે એમ વર્તુળ જણાવે છે. અત્યાર સુધીમાં દેશમાંથી કુલ 85 લાખ ટન સુગર નિકાસના સોદા થઈ ચૂક્યાં છે. જેમાંથી 75 લાખ ટન જેટલી સુગર નિકાસ પણ થઈ ચૂકી છે.
આગામી સપ્ટેમ્બરમાં પૂરા થનારા સુગર માર્કેટિંગ વર્ષ માટે સરકાર એક કરોડ ટન સુધીના નિકાસ જથ્થાની મર્યાદા લાગુ પાડવા વિચારી રહી હોવાનું જાણકાર વર્તુળો જણાવે છે. આમ કરવાનો હેતુ સ્થાનિક બજારમાં ઓક્ટબરમાં શરૂ થનારી નવી સુગર સિઝન સુધી પુરવઠાની ખાતરીનો છે એમ નામ નહિ જણાવવાની શરતે વર્તુળો ઉમેરે છે. આગામી દિવસોમાં આ સંબંધે જાહેરાત થઈ શકે છે. ભારત વિશ્વમાં બ્રાઝિલ બાદ બીજા ક્રમનો ખાંડ નિકાસકર્તાં દેશ છે. તેના ટોચના ગ્રાહકોમાં બાંગ્લાદેશ, ઈન્ડોનેશિયા, મલેશિયા અને દુબઈનો સમાવેશ થાય છે. કેન્દ્રિય ખાધ્ય તથા વાણિજ્ય મંત્રાલયના પ્રવક્તાએ જોકે આ અંગે કોઈ તત્કાળ પ્રતિભાવ નહોતો આપ્યો. જોકે આ અહેવાલ બાદ લંડન એક્સચેન્જ ખાતે સુગર ફ્યુચર્સમાં એક ટકાનો સુધારો જોવા મળ્યો હતો. જ્યારે સ્થાનિક બજારમાં ભાવમાં નરમાઈ જોવા મળી હતી. ચાલુ મહિનાની શરૂમાં સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકીને વિશ્વ બજારને આંચકો આપ્યો હતો. આ પ્રકારના અન્ય પગલાઓમાં ઈન્ડોનેશિયાએ તેના મુખ્ય ઉત્પાદન પામ ઓઈલની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો.



સુગર ઉત્પાદ કંપનીઓના શેર્સમાં વેચવાલી
નાની-મોટી કંપનીઓના શેર્સમાં 8-10 ટકા સુધીનું ધોવાણ
કેન્દ્ર સરકાર દેશમાંથી ખાંડની નિકાસ પર એક કરોડ ટન સુધીની મહત્તમ મર્યાદા લાગુ પાડે તેવી શક્યતાં હોવાના અહેવાલ પાછળ સુગર કંપનીઓના શેર્સમાં વેચવાલી જોવા મળી હતી. નાની-મોટી તમામ સુગર કંપનીઓના શેર્સમાં 8 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. સોમવારે સ્ટીલ શેર્સ બાદ મંગળવારે સુગર શેર્સનો વારો કાઢવામાં આવ્યો હોવાનું પણ બજાર વર્તુળો ચર્ચતાં હતાં.
એક અગ્રણી મિડિયા ગૃહે સરકાર તરફથી ખાંડની નિકાસ પર મહત્તમ એક કરોડ ટનની મર્યાદા લાગુ પાડવામાં આવે તેવા પ્રતિબંધ સંબંધી અહેવાલ રજૂ કરતાં સુગર શેર્સમાં એકાએક ગાબડાં પડ્યાં હતાં અને ઈન્ટ્રા-ડે સ્તરે તેઓ 10 ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. અગ્રણી કંપની બલરામપુર ચીનીનો શેર ઈન્ટ્રા-ડે રૂ. 372 સુધી ગગડી પાછળથી 6 ટકા ઘટાડે રૂ. 389ના સ્તરે બંધ રહ્યો હતો. અગાઉ સરકાર ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકી ચૂકી છે. વૈશ્વિક સ્તરે કૃષિ કોમોડિટીઝના ભાવમાં તેજીને કારણે વિવિધ દેશોની સરકારો આ પ્રકારના નિયંત્રણો લાગુ પાડી રહી છે. સુગર ઉદ્યોગ અત્યાર સુધીમાં દેશમાંથી 75 લાખ ટન જેટલી સુગર નિકાસ કરી ચૂક્યો છે. જ્યારે સિઝન પૂરી થવાને હજુ ચાર મહિના બાકી છે. સુગર વર્ષ ઓક્ટોબરથી સપ્ટેમ્બર સુધી ગણવામાં આવે છે. ઉદ્યોગ વર્તુળોના મતે સરકાર આવો પ્રતિબંધ મૂકશે તો પણ નિકાસ પર વધુમાં વધુ 10 લાખ ટન જેટલી અસર પડી શકે છે. જે નિકાસનું કુલ કદ જોતાં 10મા ભાગનું છે. છેલ્લાં છ વર્ષોમાં ખાંડની નિકાસ પર આ પ્રથમ નિયંત્રણ હશે. આમ કરી સરકાર સ્થાનિક સ્તરે ભાવને અંકુશમાં રાખવાનો પ્રયાસ કરી રહી છે.

સ્ક્રિપ્સ ઘટાડો(ટકામાં)
દાલમિયા સુગર -7.7
શ્રી રેણુકા સુગર -6.7
બલરામપુર ચીની -6
રાણા સુગર્સ -6.4
દ્વારિકેશ સુગર -5.3
ધામપુર સુગર -5
મવાના સુગર -5
ઉત્તમ સુગર -5


કોટનમાં તેજી પૂરી થયાના સંકેત, ભાવમાં ઘટાડાની શરુઆત
પીઠામાં મણે રૂ. 3000 પર પહોંચેલા ભાવમાં રૂ. 200નો ઘટાડો
ખાંડી રૂ. 1.05 લાખની વિક્રમી ટોચ પરથી રૂ. 1 લાખની નીચે
ટોચના સ્તરેથી 20 ટકા ઘટાડાની શક્યતાં જોતાં બજાર વર્તુળો
ચાલુ સિઝનની શરૂઆતથી અત્યાર સુધી અવિરત વધતાં રહેલા કોટનના ભાવમાં તેજી પૂરી થઈ હોવાનું બજારનો મોટો વર્ગ માની રહ્યો છે. તેમના મતે ભાવ હવે ધીમે-ધીમે ઘસાતાં જોવા મળશે અને ટોચના સ્તરેથી 20 ટકા સુધીનું કરેક્શન જોવા મળે તેવી શક્યતાં બજાર વર્તુળો મૂકી રહ્યાં છે. તેમના મતે નવી સિઝન શરૂ થાય તે અગાઉ ખાંડીના ભાવ રૂ. 80 હજાર આસપાસ ટ્રેડ થતાં જોવા મળી શકે છે. ખાંડીએ રૂ. 1.05 લાખની વિક્રમી સપાટી પરથી ભાવ ત્રણેક દિવસોમાં તૂટીને રૂ. 1 લાખ આસપાસ બોલાઈ રહ્યાં છે. જ્યારે પીઠામાં ખેડૂતોને પણ સારા વક્કલના રૂ. 3000 પ્રતિ મણ સામે રૂ. 200ના ઘટાડે રૂ. 2800 ઉપજી રહ્યાં છે.
ભાવમાં ઘટાડાતરફી વલણ જળવાય રહેવા ખેડૂતોમાં કપાસના વાવેતર તરફી જવરને કારણભૂત માનવામાં આવે છે. વિક્રમી ભાવો પાછળ નવી ખરિફમાં દેશમાં કપાસનું વાવેતર નવી ટોચ દર્શાવશે તે નિશ્ચિત માનવામાં આવે છે. બિયારણ કંપનીઓના જણાવ્યા મુજબ ચાલુ સિઝનમાં કપાસ પકવતાં મુખ્ય રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા ઉપરાંત કર્ણાટક, ઓરિસ્સા જેવા રાજ્યોમાંથી પણ બિયારણની ઊંચી માગ જોવા મળી છે. જેને જોતાં વાવેતર 1.3 કરોડ હેકટરની સપાટીને પાર કરી જાય તેવી પૂરી સંભાવના છે. સાથે ચોમાસુ પણ સામાન્ય રહેવાની આગાહી હવામાન વિભાગ તથા ખાનગી એજન્સીઓ તરફથી કરવામાં આવી છે. દક્ષિણ ભારતીય રાજ્યોમાં અત્યાર સુધી વરસાદનું પ્રમાણ સામાન્ય કરતાં 60 ટકા જેટલું વધુ જોવા મળી રહ્યું છે. આમ કોટનના પાક માટે સંજોગો સારા જળવાય રહે તેમ મનાય છે. બીજી બાજુ મુખ્ય હરિફ ખરિફ પાકોના ભાવમાં કોટન જેટલી તેજી જોવા મળી નથી. જેમકે તેલિબિયાંમાં મગફળી અને સોયાબિન તથા ધાન્ય પાકોમાં ડાંગરમાં વર્તમાન બજારભાવે કોટન કરતાં ઊપજ નોંધપાત્ર નીચી બેસે છે. જેને જોતાં ઘણા પ્રદેશોમાં ખેડૂતો પ્રથમવાર કપાસ પર પસંદગી ઉતારી શકે છે. જો આમ થશે તો કોટનનું વાવેતર 1.4 કરોડ હેકટરને પાર કરી જાય તેવું બને. જે સ્થિતિમાં વિક્રમી ઉત્પાદનની શક્યતા પ્રબળ બને છે. જે સ્થાનિક બજારમાં માગ સામે સપ્લાયનું પલ્લું ફરી એકવાર ભારે બનાવી શકે છે. જેની પાછળ ભાવ આગામી સમયગાળામાં ધીમે-ધીમે ઘસાતાં રહેશે.
ચાલુ સિઝનમાં પાક તેની 3.5 કરોડ ગાંસડીના શરૂઆતી અંદાજ સામે 3.1 કરોડ ગાંસડીથી વધુ નહિ હોવાનું ટ્રેડિંગ વર્તુળો જણાવે છે. બીજી બાજુ સ્થાનિક વપરાશ ઊંચો રહ્યો છે અને તેથી જ વર્ષાંતે કેરીઓવર સ્ટોક ઘણો નીચો જોવા મળે તેમ માનવામાં આવે છે. સરકારે સપ્ટેમ્બર મહિના સુધી ડ્યુટી ફ્રી કોટનની છૂટ આપતાં આગામી ત્રણ મહિના દરમિયાન 10-15 લાખ ગાંસડી કોટન આયાતની સંભાવના છે. જેની પણ સ્થાનિક ભાવ પર અસર પડશે. કોવિડના પ્રથમ રાઉન્ડથી લઈને ડિસેમ્બર 2021 સુધી વૈશ્વિક બજારની સરખામણીમાં ડિસ્કાઉન્ટમાં જોવા મળતાં સ્થાનિક ભાવ ચાલુ કેલેન્ડરમાં નિકાસ માટે સ્પર્ધાત્મક નહોતાં રહ્યાં અને તેથી નિકાસ કામકાજો છેલ્લાં ત્રણેક મહિનાથી ઠપ્પ હતાં. સ્થાનિક બજારથી સારી ક્વોલિટીના આફ્રિકન અને ઓસ્ટ્રેલિયન માલ વાજબી ભાવે મળતાં દક્ષિણની મિલોએ નોંધપાત્ર પ્રમાણમાં આયાત માટે સોદા કર્યાં છે. જે જૂન મહિનાથી ભારતીય બજારમાં પ્રવેશશે. આમ સ્થાનિક બજારમાં સપ્લાય વધતો જોવાશે.



ટાટા સન્સને લિસ્ટેડ કંપનીઓમાંથી રૂ. 27,797 કરોડની કમાણીની શક્યતાં
નાણા વર્ષ 2020-21માં તેણે મેળવેલા રૂ. 23,663 કરોડ કરતાં 17.6 ટકા વધુ આવક

દેશમાં ખાનગીક્ષેત્રમાં સૌથી મોટા પ્રમોટર ટાટા સન્સ નાણાકીય વર્ષ 2021-22 માટે તેની લિસ્ટેડ ગ્રૂપ કંપનીઓમાંથી ઇક્વિટી ડિવિડન્ડ અને શેર બાયબેકની પ્રક્રિયામાંથી રૂ. 27,797 કરોડની કમાણી કરશે તેવી સંભાવના છે. આ રકમ નાણાકીય વર્ષ 2020-21માં તેણે મેળવેલા રૂ. 23,663 કરોડ કરતાં 17.6 ટકા વધુ છે.
ટાટા સન્સના નાણાકીય વર્ષ 2021-22ના પરિણામોમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (ટીસીએસ) દ્વારા જાહેર કરાયેલા ડિવિડન્ડની હિસ્સેદારી નોંધપાત્ર રહેશે. નાણાકીય વર્ષના અંત પહેલાં સોફ્ટવેર ક્ષેત્રની અગ્રણી કંપની ટીસીએસે રૂ. 18,000 કરોડના શેર બાયબેક પ્રોગ્રામને પણ પૂર્ણ કર્યો છે. ડિવિડન્ડની બાકીની રકમ ટાટા સન્સ નાણાકીય વર્ષ 2023માં પ્રાપ્ત કરશે કારણકે બીજી ગ્રૂપ કંપનીઓએ નાણાકીય વર્ષ 2022 માટેનું ડિવિડન્ડ નાણાકીય વર્ષની સમાપ્તિ દરમિયાન જાહેર કર્યું છે.
સામાન્ય રીતે લિસ્ટેડ કંપનીઓ પ્રત્યેક નાણાકીય વર્ષના અંતમાં તેમના વાર્ષિક ડિવિડન્ડની જાહેરાત કરતી હોય છે અને તેની અસર શેરધારકોના ખાતામાં આગામી નાણાકીય વર્ષમાં જોવા મળે છે. જોકે, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ પ્રત્યેક ક્વાર્ટરમાં વચગાળાનું ડિવિડન્ડ ચૂકવે છે તથા ચોથા ત્રિમાસિકગાળાના અંતે આખરી ડિવિડન્ડ પણ જાહેર કરે છે. તેના પરિણામે નાણાકીય વર્ષ 2021-22 અને 2022-23 માટે ટાટા સન્સની આવકોમાં જબરદસ્ત વધારો થવાની સંભાવના છે તથા પરિણામે ગ્રૂપને એવિએશન, ઇ-કોમર્સ અને કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ જેવાં નવા સાહસો માટે ભંડોળ પ્રદાન કરવામાં પણ મદદ મળી રહેશે.

2021-22માં ટાટા સન્સને મળેલું ડિવિડન્ડ
કંપની રકમ(રૂ. કરોડમાં)
ટીસીએસ 24367.4
ટાટા સ્ટીલ 2023.6
ટાટા કોમ 347.3
ટાટા પાવર 252.8
ટાટા ઈન્વેસ્ટમેન્ટ 190.7
અન્ય કંપનીઓ 615.0
કુલ 27796.8



પેસિવ ફંડ્સમાં લિક્વિડિટી વધારવા સેબીની પહેલ
નવા નિયમો મુજબ દરેક ફંડ ગૃહે ઈટીએફ્સમાં મિનિયમ બે માર્કેટ મેકલ નીમવા પડશે
રૂ. 25 કરોડ સુધીના રોકાણ માટે ફંડ હાઉસ સાથે સીધા ટ્રાન્ઝેક્શનની છૂટ

માર્કેટ રેગ્યુલેટર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ પેસિવ ફંડ્સમાં તરલતા વધારવા તથા રિટેલ રોકાણકારોના પાર્ટિસિપેશનમાં વધારો કરવા તેમને વધુ પારદર્શી બનાવવા શ્રેણીબદ્ધ પગલાં ભર્યાં છે, જેથી આ પ્રોડક્ટ્સ ખરીદવી રોકાણકારો માટે સરળ બને.
હાલમાં ઘણાં એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ઇટીએફ)માં તરલતા ઓછી છે, જેના કારણે રોકાણકારો તેને ખરીદવાનું ટાળી રહ્યાં છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સેબીએ કહ્યું છે કે દરેક ફંડ હાઉસે ઓછામાં ઓછા બે માર્કેટ મેકરની નિમણૂંક કરવાની રહેશે, જેથી સ્ટોક એક્સચેન્જ પ્લેટફોર્મ ઉપર સારી લિક્વિડીટી જળવાઇ રહે.
આ ઉપરાંત રૂ. 25 કરોડથી વધુની રકમના રોકાણ માટે ફંડ હાઉસ સાથે સીધા ટ્રાન્ઝેક્શનની સુવિધા પણ અપાશે. તેનાથી એક્સચેન્જ ઉપર ટ્રાન્ઝેક્શન વધશે, જેના પરિણામે માગ અને સપ્લાય વધશે, જે લિક્વિડિટી માટે મદદરૂપ બનશે. સેબીએ કહ્યું છે કે ઇન્ડેકેટિવ નેટ એસેટ વેલ્યુને સતત જાહેર કરવી પડશે એટલે કે ઇક્વિટી ઇટીએફમાં 15 સેકંડ સાથે તથા ડેટ ઇટીએફ માટે દિવસમાં ચાર વખત. ટેક્સની બચત કરવા ઇચ્છતા મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો હવે પેસિવ ફંડ્સમાં રોકાણ કરવાની તક પ્રાપ્ત કરશે કારણકે નિયામકે ફંડ હાઉસિસને પેસિવ ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ અથવા ઇએલએસએસ લોંચ કરવાની મંજૂરી આપી છે. જોકે, ફંડ હાઉસ એક્ટિવ અથવા પેસિવ ઇએલએસએસ બેમાંથી કોઇપણ એક પસંદ કરી શકે છે. સેબીએ ઇન્વેસ્ટર અવેરનેસ પ્રોગ્રામ (આઇએપી) પાછળ ખર્ચ થતાં એક્સપેન્સ રેશિયોમાં પણ ઘટાડો કર્યો છે, જેનાથી ખર્ચ નીચો આવશે.





કોર્પોરેટ હેડલાઈન્સ

ભેલઃ પીએસયૂ કેપિટલ ગુડ્ઝ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 912 કરોડનો નફો નોઁધાવ્યો છે. તેણે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1035 કરોડની ખોટ નોંધાવી હતી. કંપનીની આવક 12.3 ટકા વધી રૂ. 8062 કરોડ પર રહી હતી. જે અગાઉના વર્ષે રૂ. 7200 કરોડ પર હતી.
મારુતિ સુઝુકીઃ અગ્રણી કાર ઉત્પાદકે સીઓગ્રાફ સોલ્યુશન્સમાં 12 ટકા હિસ્સો ખરીદ્યો છે. કંપનીએ રૂ. 2 કરોડથી ઓછી રકમમાં આ હિસ્સાની ખરીદી કરી છે.
ગ્રેફાઈટ ઈન્ડિયાઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 95 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષની સરખામણીમાં 48.4 ટકા વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે તેની આવક 49.4 ટકા ઉછળી રૂ. 844 કરોડ રહી હતી.
શિલ્પા મેડિકેરઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 35.45 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 33.3 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક 30.4 ટકા ઉછળી રૂ. 72.9 કરોડ પર રહી હતી.
ઝોમેટોઃ ફૂડ ડિલિવરી કંપનીએ માર્ચ ક્વાર્ટર માટે રૂ. 1211.8 કરોડની આવક દર્શાવી હતી. જે ગયા વર્ષે રૂ. 692.4 કરોડની સરખામણીમાં ઊંચી હતી. જોકે તેની ખોટ ત્રણ ગણી વધી રૂ. 360 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે રૂ. 134.2 કરોડ પર હતી.
કરુર વૈશ્ય બેંકઃ પ્રાઈવેટ બેંકે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 213 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 104 કરોડ સામે 105 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની ઈન્ટરેસ્ટ ઈન્કમ રૂ. 613 કરોડથી વધી રૂ. 710 કરોડ થઈ હતી. જ્યારે નેટ એનપીએ વાર્ષિક ધોરણે 3.41 ટકાથી ઘટી 2.28 ટકા પર રહી હતી. બેંકનું નેટ ઈન્ટરેસ્ટ માર્જિન 3.69 ટકા રહ્યું હતું.
નારાયણ હ્દ્યાલયઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 68.9 કરોડનો નફો નોઁધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 68 કરોડના નફા સામે 1.3 ટકાની સાધારણ વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષની રૂ. 838 કરોડ સામે વધી રૂ. 941 કરોડ પર રહી હતી.
વૈભલ ગ્લોબલઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 26.94 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળાની સરખામણીમાં 52 ટકાનો તીવ્ર ઘટાડો સૂચવે છે.
નિલકમલઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 19.93 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 38.17 કરોડની સરખામણીમાં 48 ટકા ડાઉન છે.
રિલાયન્સ નિપ્પોનઃ પ્રાઈવેટ લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીએ 2021-22માં 6.3 ટકા વૃદ્ધિ સાથે રૂ. 5027 કરોડનું પ્રિમીયમ મેળવ્યું છે. નવું પ્રિમીયમ 13 ટકા વૃદ્ધિ સાથે રૂ. 1282 કરોડ રહ્યું હતું. કુલ એયૂએમ 13.3 ટકા વધી રૂ. 27819 કરોડ પર જ્યારે ચોખ્ખો નફો 30 ટકા વધી રૂ. 65 કરોડ રહ્યો હતો.
બિરલાસોફ્ટઃ આઈટી કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 132.9 કરોડનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 113.9 કરોડ પર જોવા મળતો હતો.
ઓએનજીસીઃ પીએસયૂ હાઈડ્રોકાર્બન કંપનીએ ઈન્ડિયન એક્સચેન્જ પર કાવેરી-ગોદાવરી બેસીનમાંથી મળેલાં ગેસનું વેચાણ શરુ કર્યું છે.
મેરિકોઃ એફએમસીજી કંપનીએ એચડબલ્યુ વેલનેસ સોલ્યુશન્સમાં 54 ટકા હિસ્સાની ખરીદી કરી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage