બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
વૈશ્વિક બજારો પાછળ બેન્ચમાર્ક મહિનાના તળિયે
વોલેટિલિટી ઈન્ડેક્સ 5 ટકા ઉછળી 21.25ના સ્તરે
આઈટી, મેટલ, બેંકિંગ, ઓટો ઈન્ડાઈસીસમાં ઊંચો ઘટાડો
એકમાત્ર નિફ્ટી એનર્જી પોઝીટીવ
બીએસઈ ખાતે ત્રણ શેર્સમાં ઘટાડા સામે એક શેરમાં સુધારો
નિફ્ટીના 50માંથી 39 કાઉન્ટર્સનું નેગેટિવ બંધ
યુએસ ફેડ રિઝર્વ તરફથી રેટ વૃદ્ધિ બાદ તત્કાળ પ્રતિક્રિયામાં તીવ્ર બાઉન્સ સાથે બંધ રહેલાં વૈશ્વિક બજારોમાં બીજા દિવસે ભારે વેચવાલીને પગલે ભારત સહિતના ઈમર્જિંગ બજારોમાં વેચવાલી ફરી વળી હતી. સપ્તાહના આખરી ટ્રેડિંગ સત્રમાં બીએસઈ સેન્સેક્સ 867 પોઈન્ટ્સ ગગડી 54835ના સ્તરે જ્યારે નિફ્ટી 272 પોઈન્ટ્સ તૂટી 16411ના સ્તરે બંધ જોવા મળ્યાં હતાં. બંને બેન્ચમાર્ક્સ તેમના ઈન્ટ્રા-ડે તળિયાથી બાઉન્સ દર્શાવી રહ્યાં હતાં. જોકે તેઓ પોઝીટીવ બંધ આપવામાં નિષ્ફળ રહ્યાં હતાં અને એક મહિનાથી વધુના તળિયા પર બંધ જોવા મળ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 5 ટકા ઉછળી 21.25 ટકાના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 39 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર 11 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ ભારે વેચવાલી વચ્ચે માર્કેટ-બ્રેડ્થ ખૂબ ખરાબ જોવા મળી હતી. બીએસઈ ખાતે ત્રણ શેર્સમાં ઘટાડા સામે એક શેરમાં સુધારો જોવા મળી રહ્યો હતો.
બુધવારે યુએસ ફેડ રિઝર્વે 50 બેસીસ પોઈન્ટ્સની રેટ વૃદ્ધિની જાહેરાત બાદ ઉછળી ગયેલા ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ તથા નાસ્ડેક ગુરુવારે રાતે ઊંધા માથે પટકાયાં હતાં. જેમાં નાસ્ડેક લગભગ 5 ટકા જેટલો ગગડ્યો હતો. જેની પાછળ એશિયન બજારોમાં કામકાજની શરૂઆત ગેપ-ડાઉન જોવા મળી હતી. ચીનનું બજાર 2.2 ટકા જેટલું કડડભૂસ થયું હતું. જ્યારે હોંગ કોંગનું બજાર 4 ટકા, સિંગાપુર 1.55 ટકા, તાઈવાન 1.72 ટકા અને કરિયા 1.23 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. ભારતીય બજારની વાત કરીએ તો તેણે તીવ્ર ગેપ-ડાઉન સાથે કામકાજની શરૂઆત દર્શાવ્યા બાદ રેંજ બાઉન્ડ ટ્રેડ દર્શાવ્યો હતો અને ઈન્ટ્રા-ડે લો પરથી સાધારણ બાઉન્સ પર બંધ રહ્યાં હતાં. નિફ્ટી ઈન્ટ્રા-ડે લો 16341 પરથી 70 પોઈન્ટ્સ સુધારે બંધ આપી શક્યો હતો. એનાલિસ્ટ્સના મતે બજાર ઓવરસોલ્ડ ઝોનમાં છે. જોકે બુલ્સ આગળ આવીને ખરીદવા તૈયાર નથી. જ્યારે શોર્ટ કવરિંગ જોવા મળી રહ્યું નથી. જેને કારણે બાઉન્સ ટકી રહ્યાં નથી અને એકાંતરે દિવસે બજારમાં વેચવાલી પરત ફરે છે. જોકે વર્તમાન સ્તરે ખરીદીની સારી તક હોવાનું તેઓનું માનવું છે. ખાસ કરીને ગ્રામીણ અર્થતંત્ર સાથે સંકળાયેલા ક્ષેત્રોમાં ખરીદી કરી શકાય. કેમકે સારા ચોમાસા પાછળ ગ્રામીણ ક્ષેત્રોમાં ડિસ્પોઝેબલ ઈન્કમમાં નોંધપાત્ર વૃદ્ધિની શક્યતાં છે. કૃષિ પેદાશોના વિક્રમી ભાવોને જોતાં પણ ખેડૂતોને તેમની ઉપજના સારા ભાવ મળી રહ્યાં છે. જેની પાછળ ઓટો જેવા ક્ષેત્રોમાં ખરીદી જોવા મળી શકે છે.
શુક્રવારે સેક્ટરલ સૂચકાંકોમાં નિફ્ટી મેટલ 3.6 ટકા જેટલો તૂટ્યો હતો. જ્યારે નિફ્ટી આઈટી 2.27 ટકા, નિફ્ટી ઓટો 1.75 ટકા, નિફ્ટી ફાર્મા 1.5 ટકા, નિફ્ટી રિઅલ્ટી 3.6 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં. જ્યારે એકમાત્ર નિફ્ટી એનર્જી 0.2 ટકા સુધારા સાથે મજબૂતી દર્શાવી રહ્યો હતો. જેનું મુખ્ય કારણ પાવર ગ્રીડ કોર્પોરેશન, ઓએનજીસી તથા અદાણી ગ્રીન એનર્જીમાં મજબૂતી હતું. પાવર ગ્રીડ કોર્પો.નો શેર તેની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો અને 2 ટકા સુધારે બંધ જોવા મળ્યો હતો. નિફ્ટી કાઉન્ટર્સમાં હીરો મોટોકોર્પ 2.5 ટકા, ટેક મહિન્દ્રા 2.2 ટકા, , આઈટીસી 1.75 ટકાન સુધારો દર્શાવતાં હતાં. જ્યારે બજાજ ફાઈનાન્સ 5 ટકા, ડિવિઝ લેબ્સ 4.6 ટકા, શ્રી સિમેન્ટ્સ 4.44 ટકા, યૂપીએલ 4.42 ટકા, ટાટા મોટર્સ 4.16 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. બીએસઈ ખાતે 3460 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2519 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 835 પોઝીટીવ જોવા મળતાં હતાં. આમ ત્રણ શેર્સમાં ઘટાડે એક શેરમાં વેચવાલી જોવા મળી હતી. 56 કાઉન્ટર્સે 52-સપ્તાહની ટોચ જ્યારે 105 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું. એનએસઈ ડેરિવેટિવ્સ કાઉન્ટર્સમાં અબોટ ઈન્ડિયા 2.22 ટકા, ટેક મહિન્દ્રા 2.17 ટકા, શ્રીરામ ટ્રાન્સપોર્ટ 2 ટકા, ટાટા કોમ 1.7 ટકાનો સુધારો સૂચવતાં હતાં. જ્યારે વેદાંત 11 ટકા, ચોલા ઈન્વેસ્ટમેન્ટ 11 ટકા, વોલ્ટાસ 8 ટકા, કોફોર્જ 6 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં.
2022ની શરૂઆતમાં માર્કેટમાં દૈનિક 1.42 ટકાની તીવ્ર વધ-ઘટ
સપ્ટેમ્બર-ડિસેમ્બર 2021 ક્વાર્ટરમાં 1.17 ટકા સામે માર્ચ ક્વાર્ટરમાં ઊંચી વધ-ઘટ
ચાલુ કેલેન્ડરના પ્રથમ ચાર મહિના શેરબજાર માટે ઊંચી વધ-ઘટભર્યાં જોવા મળે છે. જો સપ્ટેમ્બરથી ડિસેમ્બર 2021ની સાથે તેની સરખામણી કરીએ તો છેલ્લાં ચાર મહિના લગભગ 25 ટકા ઊંચી વોલેટિલિટી દર્શાવી રહ્યાં છે. એટલેકે જાન્યુઆરીથી એપ્રિલ 2022 સુધીમાં દૈનિક વધ-ઘટ સપ્ટેમ્બરથી ડિસેમ્બર 2021ની સરખામણીમાં નોંધપાત્ર ઊંચી જોવા મળી છે.
2022ની શરૂઆતથી 30 એપ્રિલ સુધીમાં દૈનિક ધોરણે બેન્ચમાર્ક નિફ્ટીએ 242 પોઈન્ટ્સની વધ-ઘટ નોંધાવી છે. ટકાવારીમાં જોઈએ તો તે 1.42 ટકા જેટલી થવા જાય છે. સપ્ટેમ્બરથી ડિસેમ્બર 2021ના ત્રણ મહિનાના સમયગાળામાં માર્કેટમાં દૈનિક વધ-ઘટ 203 પોઈન્ટ્સની જોવા મળી હતી. એટલેકે 1.17 ટકાની વધ-ઘટ નોંધાઈ હતી. જે જાન્યુ-એપ્રિલ 2022ની સામે 25 બેસીસ પોઈન્ટસ જેટલી નીચી હતી. માર્કેટ એનાલિસ્ટ્સના મતે કેલેન્ડરના પ્રથમ ચાર મહિનામાં કોઈને કોઈ કારણસર બજારે ઝડપથી તેની દિશા બદલી છે. જેમકે જાન્યુઆરીમાં સારી શરૂઆત દર્શાવ્યા બાદ બજેટ પહેલા બજાર ગગડ્યું હતું. બજેટ બાદ બે સત્રો દરમિયાન સુધારા બાદ તે સાઈડલાઈન રહ્યું હતું. જ્યારે 23 ફેબ્રુઆરીથી રશિયાના યૂક્રેન પરના હુમલા બાદ તેણે તીવ્ર ઘટાડો નોંધાવ્યો હતો અને માર્ચમાં નિફ્ટી 16000ની નીચે ઉતરી ગયો હતો. જે તેનું સાત મહિનાનું તળિયું હતું. ત્યાંથી ઝડપી પરત ફર્યાં બાદ એપ્રિલમાં તે ફરી 18200 સુધી સુધર્યો હતો અને ફરી ઘટાડાતરફી બન્યો હતો. જેમાં આક્રમર ફેડ રેટ વૃદ્ધિ જેવી ઘટનાએ મહત્વનો ભાગ ભજવ્યો હોવાનું એનાલિસ્ટ્સ જણાવે છે. મે મહિનામાં બજાર અત્યાર સુધી નેગેટિવ જોવા મળી રહ્યું છે. શુક્રવારે બેન્ચમાર્ક નિફ્ટી ઓક્ટોબર 2021 પછીના તળિયા પર જોવા મળ્યો હતો. ગુરુવારે તેણે 16800ના મહત્વના સપોર્ટને તોડતાં વધુ ઘટાડાની શક્યતાં મજબૂત બની હતી. ટેકનિકલ એનાલિસ્ટ્સ નિફ્ટી 16000ના સ્તર સુધી ગગડે તેવી શક્યતાં જોઈ રહ્યાં છે. જો આ સપોર્ટ તૂટશે તો માર્ચ મહિનાનું 15600નું સ્તર પણ જોવા મળી શકે છે.
સમયગાળો દૈનિક વધ-ઘટ(પોઈન્ટ્સમા) દૈનિક વધ-ઘટ(ટકામા)
જાન્યુ-એપ્રિલ 22 242 1.42%
સપ્ટે.-ડિસે. 21 203 1.17%
જાન્યુ.-એપ્રિલ 21 224.5 1.53%
યિલ્ડમાં ઉછાળા પાછળ ડેટ ફંડ્સના રિટર્ન નેગેટિવ બન્યાં
લોંગ ટર્મ ગિલ્ટના ભાવમાં એક દિવસમાં 1.69 ટકાનો ઘટાડો નોંધાયો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા રેપો રેટમાં 40 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ બાદ 10-વર્ષની સરકારી જામીનગીરીઓના યિલ્ડમાં 28 બેસીસ પોઈન્ટ્સના ઉછાળા પાછળ ડેટ ફંડ્સના રિટર્ન પર નેગેટિવ અસર જોવા મળી છે.
એક અભ્યાસ મુજબ 10-યર કોન્સ્ટન્ટ ડ્યુરેશન સાથે મિડિયમથી લોંગ ટર્મ ફંડ્સ અને ગિલ્ટે એક દિવસમાં અનુક્રમે 1.19 ટકા અને 1.69 ટકાનો ઘટાડો દર્શાવ્યો છે. ટૂંકાગાળાના ફંડ્સ અને લિક્વિડ ફંડ્સ માટે ઘટાડાનું પ્રમાણ નીચું જોવા મળી રહ્યું છે. ગુરુવારે 10-વર્ષ માટેના જીસેક યિલ્ડ્સ 7.40 ટકા પર રહ્યાં હતાં. જે બુધવારના 7.38 ટકાના ક્લોઝીંગ કરતાં ઉપર હતાં. જોકે બુધવારે યિલ્ડ્સમાં 26 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ નોંધાઈ હતી. જેને કારણે અનેક સ્કિમ્સને ફટકો પડ્યો હતો. ડેટ ફંડ મેનેજર્સના મતે આગામી સમયગાળામાં નોંધપાત્ર રેટ વૃદ્ધિ જોવા મળવાની છે. જે બોન્ડ પ્રાઈસિસ પર વધુ દબાણ ઊભું કરશે. બોન્ડ યિલ્ડ્સ અને પ્રાઇસિસ વિરુધ્ધ દિશામાં ગતિ દર્શાવતાં હોય છે. એક અગ્રણી મ્યુચ્યુલ ફંડના સીઈઓના જણાવ્યા મુજબ જૂન મહિનામાં પણ બજાર વર્તુળો 35 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ જોઈ રહ્યાં છે. જે તમામ એસેટ માર્કેટ્સ માટે પરેશાની ઊભી કરશે. ભારતીય બોન્ડ યિલ્ડ્સ(10 વર્ષ માટેના જીસેક) પાછળથી 8-8.5 ટકાની રેંજમાં જોવા મળે તેવી શક્યતાં તેઓ વ્યક્ત કરે છે.
જો યિલ્ડ્સમાં અપેક્ષા મુજબ જ વૃદ્ધિ જોવા મળશે તો લોંગ ટર્મ બોન્ડ્સના ભાવમાં આગામી મહિનાઓમાં ઊંચી વધ-ઘટ નોંધાશે. ઈન્ટરેસ્ટ કેટમાં ફેરફાર સાથે સંવેદનશીલતાંને કારણે લાંબા સમયગાળાના બોન્ડ્સના ભાવમાં ઊંચી વોલેટિલિટી જોવા મળતી હોય છે. સામાન્યરીતે ફિક્સ્ડ ઈન્કમ સિક્યૂરિટીઝના ભાવ પ્રવર્તમાન ઈન્ટરેસ્ટ રેટ્સ પર આધારિત હોય છે. જ્યારે ઈન્ટરેસ્ટ રેટમાં ઘટાડો નોંધાય છે ત્યારે ફિક્સ્ડ ઈન્કમ સિક્યૂરિટીઝના ભાવ વધે છે. આનાથી ઊલટું રેટ વધે છે ત્યારે ફિક્સ્ડ ઈન્કમ સિક્યૂરિટીઝના ભાવ ઘટાડાતરફી જોવા મળે છે.
ડોલર સામે રૂપિયો 57 પૈસા ગગડ્યો
ભારતીય રૂપિયાએ યુએસ ડોલર સામે તેનું ઐતિહાસિક તળિયું દર્શાવવા સાથે સૌથી નીચા સ્તરે બંધ આપ્યું હતું. શુક્રવારે રૂપિયો 57 પૈસા ગગડી 76.92ના સ્તરે બંધ રહ્યો હતો. ક્રૂડના ભાવમાં મજબૂતી સાથે વૈશ્વિક બજારમાં યુએસ ડોલરમાં સુધારા પાછળ ઈમર્જિંગ માર્કેટ ચલણોમાં નરમાઈ જોવા મળી હતી. ઈન્ટ્રા-ડે ધોરણે રૂપિયાએ 76.96ની લાઈફ-લો સપાટી દર્શાવી હતી.
પ્રૂડન્ટ કોર્પોરેટ એડવાઈઝરી 10મેના રોજ મૂડીબજારમાં પ્રવેશશે
અમદાવાદ સ્થિત પ્રૂડન્ટ કોર્પોરેટ એડવાઈઝરી સર્વિસિસ 10મેના રોજ આઈપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશશે. કંપની રૂ. 5ની ફેસ વેલ્યૂનો શેર રૂ. 595થી રૂ. 630ના પ્રાઈસ બેન્ડમાં ઓફર કરી રૂ. 539 કરોડ ઊભા કરશે. રિટેલ માટે લઘુત્તમ 23 શેર્સની બીડ રહેશે. કંપની ડિસેમ્બર 2021ની આખરમાં રૂ. 48411 કરોડના એસેટ અન્ડર મેનેજમેન્ટ સાથે રિટેલ રેંકિંગમાં ત્રીજા ક્રમે આવે છે. જ્યારે કુલ ટ્રાન્ઝેક્શન્સમાં તે ચોથા ક્રમે આવે છે. એમએફ ઈન્ડસ્ટ્રીના કુલ એયૂએમનો તે 1.4 ટકા હિસ્સો ધરાવે છે. છેલ્લાં પાંચ વર્ષોમાં મ્યૂચ્યૂલ ફંડ ઉદ્યોગના સરેરાશ 18.9 ટકા વૃદ્ધિ દર સામે પ્રૂડન્ટે 32.5 ટકા વૃદ્ધિ દર નોંધાવ્યો છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
ઈન્ડુસ ટાવરઃ ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1828.5 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. જે રૂ. 1475 કરોડના અંદાજથી ઊંચો રહ્યો હતો. કંપનીની આવક રૂ. 6900 કરોડના અંદાજ સામે રૂ. 7116.3 કરોડ પર રહી હતી.
પ્રોક્ટર એન્ડ ગેમ્બલ હેલ્થઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 262 કરોડનું વેચાણ દર્શાવ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 214 કરોડની સરખામણીમાં 23 ટકા વધુ હતું. કંપનીનો ચોખ્ખો નફો ગયા વર્ષની સરખામણીમાં 224 ટકા ઉછળી રૂ. 51.2 કરોડ રહ્યો હતો. માર્ચમાં પૂરા થતાં નવ મહિનામાં કંપનીનું વેચાણ રૂ. 803 કરોડ જ્યારે ચોખ્ખો નફો રૂ. 151 કરોડ પર જોવા મળ્યો હતો.
જેએસએલ હિસારઃ માર્ચ ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 574.4 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 350.65 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 3102.8 કરોડના સ્તરેથી 39.2 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 4318.4 કરોડ પર રહી હતી.
ચોલામંડલમ ઈન્વેઃ માર્ચ ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 690 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 243 કરોડ પર હતો. રૂ. 569ના અંદાજ કરતાં નફો ઊંચો રહ્યો હતો. કંપનીની આવક 5 ટકા વૃદ્ધિ સાથે રૂ. 2580 કરોડ પર રહી હતી.
બ્લ્યૂસ્ટારઃ માર્ચ ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 76.27 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 66.09 કરોડની સરખામણીમાં 5.4 ટકા વૃદ્ધિ દર્શાવતો હતો. કંપનીની આવક ગયા વર્ષે સમાનગાળામાં 1611.56 કરોડ સામે 39.5 ટકા વૃદ્ધિ સાથે રૂ. 2247.58 કરોડ પર રહી હતી.
ટીવીએસ મોટરઃ માર્ચ ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 274.5 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. જે રૂ. 289 કરોડના અંદાજની સરખામણીમાં સાધારણ ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે સમાનગાળામાં 5322 કરોડ સામે 4 ટકા વૃદ્ધિ સાથે રૂ. 5530 કરોડ પર રહી હતી.
મેરિકો ઈન્ડઃ માર્ચ ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 257 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 245 કરોડ પર હતો.
પીએનબી ગિલ્ટ્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 59 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 3 કરોડની ખોટ નોંધાવી હતી.
Market Summary 6 May 2022
May 06, 2022