બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
વૈશ્વિક બજારોમાં મજબૂતી વચ્ચે ભારતીય બજારનું અન્ડરપર્ફોર્મન્સ
સેન્સેક્સ ઈન્ટ્રા-ડે ટોચ પરથી 1100 પોઈન્ટ્સ ગગડ્યો
એશિયન બજારોમાં 4 ટકા સુધીનો ઉછાળો નોંધાયો
ઓટો, આઈટી, એનર્જીમાં ઊંચા મથાળે વેચવાલી
નિફ્ટીના 50માંથી 38 કાઉન્ટર્સમાં નરમાઈ
બ્રોડ માર્કેટમાં પણ જોવા મળેલી નિરસતા
વૈશ્વિક બજારોમાં વ્યાપક તેજીના દિવસે ભારતીય બજારમાં વેચવાલી જોવા મળી હતી. જેની પાછળ ભારતીય બજારે હરિફ બજારોની સરખામણીમાં અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 460 પોઈન્ટ્સ ગગડી 57061ની સપાટી પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 102.5 પોઈન્ટ્સના ઘટાડે 17053ની સપાટી પર બંધ જોવા મળ્યો હતો. સેન્સેક્સ તેની ઈન્ટ્રા-ડે ટોચ પરથી 1073 પોઈન્ટ્સ પટકાયો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ જોકે ફ્લેટ જોવા મળ્યો હતો. નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 38 નેગેટિવ બંધ સૂચવી રહ્યાં હતાં. જ્યારે 12 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ સુસ્તી જણાતી હતી અને બીએસઈ ખાતે લગભગ બે શેર્સમાં વેચવાલી સામે એક શેરમાં ખરીદી નોંધાઈ હતી.
વૈશ્વિક બજારોમાં સપ્તાહનો આખરી ટ્રેડિંગ દિવસ ભારે તેજીનો પુરવાર થયો હતો. ગુરુવારે યુએસ ખાતે નાસ્ડેકમાં 3 ટકાથી વધુના ઉછાળા પાછળ એશિયન બજારોમાં સાર્વત્રિક લેવાલી જોવા મળી હતી. જેમાં હોંગ કોંગનો હેંગ સેંગ 4 ટકાથી વધુ ઉછળ્યો હતો. ચીનનો શાંઘાઈ કંપોઝીટ પણ 2.41 ટકાનો સુધારો દર્શાવતો હતો. જ્યારે જાપાનનો નિક્કાઈ 1.75 ટકા, કોરિયા અને તાઈવાનના બજારો 1-1 ટકાના સુધારા સાથે બંધ રહ્યાં હતાં. બપોરે યુરોપિયન બજારો પણ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. ત્યારે ભારતીય બજારે દિવસના મોટાભાગના સમયગાળામાં પોઝીટીવ ટ્રેડ દર્શાવ્યા બાદ આખરી કલાકમાં વેચવાલી પાછળ નેગેટિવ બંધ દર્શાવ્યો હતો. નિફ્ટી 17053.25ની ઈન્ટ્રા-ડે લોથી લગભગ 50 પોઈન્ટ્સના સુધારે બંધ રહ્યો હતો. આમ તે 17 હજારના સાઈકોલોજિકલ સપોર્ટને સતત જાળવી રાખી રહ્યો છે. એનાલિસ્ટ્સના મતે 16800ના સ્ટોપલોસ સાથે માર્કેટમાં લોંગ પોઝીશન પકડી રાખવી જોઈએ. જો આ સપોર્ટ તૂટશે તો બેન્ચમાર્ક માર્ચ મહિનાની શરૂઆતમાં જોવા મળેલા તળિયા તરફ ગતિ કરતો જોવા મળી શકે છે.
શુક્રવારે નિફ્ટી કાઉન્ટર્સમાં એચડીએફસી લાઈફ, ટાટા કન્ઝ્યૂમર, કોટક બેંક, એચડીએફસી બેંક, સન ફાર્મા, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, એચડીએફસી, ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ જેવા કાઉન્ટર્સ 2 ટકા જેટલો સુધારો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે બીજી બાજુ એક્સિસ બેંક પરિણામો પાછળ 6.6 ટકા જેટલો ગગડ્યો હતો. આ ઉપરાંત કોલ ઈન્ડિયા, અદાણી પોર્ટ્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન, બજાજ ઓટો, ઓએનજીસી, વિપ્રો, બ્રિટાનિયા, એસબીઆઈ, ટાઈટન કંપની, એનટીપીસી 2 ટકાથી વધુનો ઘટાડો નોંધાવી રહ્યાં હતાં. સેક્ટર સૂચકાંકોમાં નિફ્ટી ઓટો 1 ટકાથી વધુ ઘટાડો દર્શાવી રહ્યો હતો. જ્યારે નિફ્ટી આઈટી 1 ટકા, નિફ્ટી પીએસયૂ બેંક 1.7 ટકા, નિફ્ટી રિઅલ્ટી 1.2 ટકા, નિફ્ટી એનર્જી 1.6 ટકા અને નિફ્ટી ઈન્ફ્રા 1.53 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈ. 5.28 ટકા ઉછાળો દર્શાવતો હતો. ઈન્ડિયન હોટેલ્સ 4 ટકા, એમસીએક્સ ઈન્ડિયા 3.2 ટકા, કોફોર્જ લિ. 2.42 ટકા, લૌરસ લેબ્સ 2 ટકા, દિપક નાઈટ્રેટ 2 ટકાનો સુધારો દર્શાવતાં હતાં. બીજી બાજુ કેન ફિન હોમ્સ 7 ટકા સાથે સૌથી વધુ ઘટાડો સૂચવતો હતો. મહાનગર ગેસ 7 ટકા, આઈજીએલ 6.4 ટકા, ગુજરાત ગેસ 6 ટકા, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ 4.28 ટકા, એચપીસીએલ 4 ટકા અને ટીવીએસ મોટર પણ 3.8 ટકા ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. અદાણી વિલ્મેર અને અદાણી પાવર જેવા કાઉન્ટર્સમાં સતત બીજા દિવસે ઘટાડો આગળ વધ્યો હતો.
બ્રોડ માર્કેટમાં પણ વેચવાલી નીકળી હતી. બીએસઈ ખાતે કુલ 3508 ટ્રેડડ કાઉન્ટર્સમાંથી 1259 સુધારો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 2117 ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. આમ બે શેર્સમાં ઘટાડા સામે એકમાં સુધારો જોવા મળતો હતો. 127 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 30 કાઉન્ટર્સે વાર્ષિક બોટમ દર્શાવ્યું હતું. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 0.84 ટકા ગગડી 29880.35ના સ્તરે જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ 1.16 ટકા ગગડી 10256.95ના સ્તરે બંધ રહ્યાં હતાં.
પેન્શન ફંડ મેનેજર્સ LIC IPOમાં ભાગ લઈ શકશે
પેન્શન ફંડ રેગ્યુલેટર પીએફઆરડીએએ પેન્શન ફંડ મેનેજર્સને આગામી સપ્તાહે બજારમાં પ્રવેશી રહેલાં એલઆઈસીના મેગા આઈપીઓમાં ભાગ લેવાની છૂટ આપી છે. પીએફઆરડીએના ચેરમેન સુપ્રતિમ બંધોપાધ્યાયે જણાવ્યું હતું કે અમારા તરફથી પેન્શન ફંડ મેનેજર્સને એલઆઈસી આઈપીઓમાં ભાગ લેવા પર કોઈ પ્રતિબંધ નથી. અગાઉ પણ અમે તેમને આઈપીઓમાં રોકાણ માટે છૂટ આપી છે અને કેટલાંકે આઈપીઓમાં રોકાણ કર્યું પણ છે. હવે તેઓ એલઆઈસીમાં પણ રોકાણ કરી શકે છે. તેમના પર કોઈ નિયમનકારી પ્રતિબંધ નથી. તેમણે ઉમેર્યું હતું કે સરકારે તાજેતરમાં એલઆઈસી આઈપીઓનું કદ તેમજ પ્રાઈસ બેન્ડને ઘટાડ્યાં બાદ તે વધુ આકર્ષક બન્યો છે.
IPOમાં કોર્પોરેઝ ટ્રેઝરીઝને આકર્ષવાનો LICનો પ્રયાસ
દેશમાં સૌથી મોટી જીવન વીમા કંપની લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન તેના રૂ. 21 હજાર કરોડના મેગા આઈપીઓને સફળ બનાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. જેમાં તે દેશના મોટા કોર્પોરેટ્સ અને બેંક ટ્રેઝરીઝ પણ જોડાય તે માટે સક્રિય બની છે. તેને આશા છે કે અગ્રણી કંપનીઓના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ તરફથી મોટી બીડ્સ જોવા મળશે. એલઆઈસી દેશની કેટલીક મોટી કંપનીઓમાં નોન-પ્રમોટર શેરધારકોમાં સૌથી મોટી રોકાણકાર છે. નિફ્ટી-50માં સમાવિષ્ટ 47 કંપનીઓમાં તે 1 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. જ્યારે આ 47 કંપનીઓમાં તેનું કુલ રોકાણ રૂ. 7.4 લાખ કરોડ જેટલું છે. એલઆઈસી માટે આ રોકાણ સોનાની લગડી સમાન છે. જે તેને ઊંચું ડિવિડન્ડ પણ ચૂકવી રહી છે. કંપની માટે તે લોંગ ટર્મ રોકાણ છે. નિફ્ટી કંપનીઓમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં એલઆઈસીના હિસ્સાનું મૂલ્ય રૂ. 1.18 લાખ કરોડથી વધુ થાય છે.
વૈશ્વિક ગોલ્ડમાં 25 ડોલરનો ઉછાળો
વિશ્વ બજારમાં ગોલ્ડના ભાવમાં નીચા મથાળે લેવાલી જોવા મળી છે. શુક્રવારે સોનુ 25 ડોલર ઉછળી 1916 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસ પર ટ્રેડ થયું હતું. છેલ્લા બે ટ્રેડિંગ સત્રો દરમિયાન તે 1900 ડોલરના મહત્વના સાઈકોલોજિકલ સપોર્ટ નીચે ટ્રેડ થઈ દર્શાવી રહ્યું હતું. જોકે જીઓ-પોલિટિકલ કટોકટી પાછળ તેમાં ખરીદી નીકળી હતી અને તે ફરી મજબૂતી દર્શાવી રહ્યું છે. સ્થાનિક કોમેક્સ એમસીએક્સ ખાતે ગોલ્ડ જૂન વાયદો રૂ. 450ના સુધારા સાથે રૂ. 51712ની સપાટી પર ટ્રેડ દર્શાવતું હતું. ચાંદીમાં પણ 0.9 ટકા સુધારો જોવા મળી રહ્યો હતો. એમસીએક્સ મે સિલ્વર વાયદો રૂ. 553ની મજબૂતી સાથે રૂ. 64470ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ વાયદો 1.5 ટકા સુધારે 108 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો.
સરકારે PSU કંપનીઓને રશિયન ઓઈલ એસેટ્સ ખરીદવા જણાવ્યું
બ્રિટીશ પેટ્રોલિયમે તાજેતરમાં રોસનેફ્ટમાં 19.75 ટકા ત્યજવાની જાહેરાત કરી છે
સખલીન 1 પ્રોજેક્ટમાં એક્સોનના 30 ટકા હિસ્સા ખરીદવા માટે વિચારણા કરવા જણાવ્યું
કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની કંપનીઓને પ્રતિબંધોથી ગ્રસ્ત રશિયન કંપની રોશનેફ્ટમાં યુરોપિયન ઓઈલ અગ્રણી બ્રિટિશ પેટ્રોલિયમના હિસ્સાની ખરીદી માટેની શક્યતા ચકાસવા જણાવ્યું હોવાનું ઘટનાને નજીકથી જોઈ રહેલા બે વર્તુળો જણાવે છે. બીપીએ તાજેતરમાં એક જાહેરાતમાં રોશનેફ્ટમાં તેની પાસેના 19.75 ટકા હિસ્સાને ત્યજવાની જાહેરાત કરી છે.
કેન્દ્રિય ઓઈલ મંત્રાલયે ગયા સપ્તાહે ઓએનજીસી વિદેશ લિ.(ઓવીએલ), ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રો રિસોર્સિસ, હિંદુસ્તાન પેટ્રોલિયમની સબસિડિયરી પ્રાઈઝ પેટ્રોલિયમ, ઓઈલ ઈન્ડિયા અને ગેઈલ(ઈન્ડિયા) લિ.ને તેના ઈરાદા અંગે માહિતગાર કરી હોવાનું વર્તુળો જણાવે છે. જોકે પીએસયૂ કંપનીઓએ હજુ સુધી આ અંગે કોઈ વાત કરી નથી. યુક્રેન સાથે યુધ્ધને કારણે પશ્ચિમી દેશોએ રશિયા પર પ્રતિબંધો લાગુ પાડ્યો છે ત્યારે ભારતે મોસ્કોનો પગલાને લઈને કોઈ દેખીતી ટીકા નથી કરી. વિશ્વમાં ત્રીજા ક્રમના આયાતકાર અને વપરાશકાર ભારત તેની દૈનિક 50 લાખ બેરલ્સ પ્રતિ દિવસની આયાત જરૂરિયાતમાંથી 85 ટકા આયાત મારફતે પૂરી કરે છે. બીપીના સીઈઓએ માર્ચમાં ભારતીય ઓઈલ પ્રધાન સાથે કરેલી મુલાકાત બાદ રોસનેફ્ટમાં હિસ્સો ખરીદવાની શક્યતા અંગે વિચારણા કરવામાં આવી રહી છે. બીપીએ પણ આ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો છે. ઓઈલ મંત્રાલયે ઓએનજીસીની વિદેશી ઈન્વેસ્ટમેન્ટ પાંખ ઓવીએલને રશિયાના દૂર પૂર્વમાં આવેલા સખલીન 1 પ્રોજેક્ટમાં એક્સોન મોબાઈલ કોર્પનો 30 ટકા હિસ્સો ખરીદવા માટે વિચારણા કરવા પણ જણાવ્યું છે. એક્સોન આ પ્રોજેક્ટનો ઓપરેટર છે. ઓવીએલ પ્રોજેક્ટમાં અત્યારે 20 ટકા હિસ્સો ધરાવે છે. એક્સોને અગાઉ 1 માર્ચે જણાવ્યું હતું કે તે આ એસેટ્સમાં એક્ઝિટ લેશે અને સખલીન 1 સહિતના રશિયન ઓપરેશન્સને બંધ કરશે. ઓવીએલ પશ્ચિમ સાઈબિરિયામાં વેનકોર ફિલ્ડની માલિક વેન્કોરનેફ્ટમાં પણ 26 ટકા હિસ્સો ધરાવે છે. આ ઉપરાંત ઓઈલ ઈન્ડિયા, આઈઓસી અને બીઆરપીએલનું કોન્સોર્ટિયમ વેન્કોરનેફ્ટમાં 23.9 ટકા અને ટાસ-યુરયાખમાં 29.9 ટકા હિસ્સો ધરાવે છે.
મૂકેશ અંબાણી રિલાયન્સ રિટેઇલ અને જિયોના મેગા આઇપીઓ માટે સજ્જ
કંપની સમાંતર રીતે વિદેશી શેરબજાર નાસ્ડેક પર પણ લિસ્ટીંગ કરાવે તેવી શક્યતા
મૂકેશ અંબાણી તેમની બે કંપનીઓ રિલાયન્સ રિટેઇલ વેન્ચર્સ (આરઆરવીએલ) અને રિલાયન્સ જિયો પ્લેટફોર્મ (આરજેપીએલ) સાથે ભારતના સૌથી મોટાં બે આઇપીઓ લોંચ માટે તૈયારી કરી રહ્યાં છે. પ્રમોટર્સ તેમના હોલ્ડિંગ્સમાંથઈ ઓછામાં ઓછા 10 ટકા હિસ્સાનું વેચાણ કરે તેવી શક્યતાને જોતાં પ્રત્યેક કંપની રૂ. 50,000-75,000 કરોડ ઉભાં કરે તેવી સંભાવના છે. જાણકારોનું માનવું છે કે અંબાણી આ વર્ષે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભામાં બે આઇપીઓ સંબંધિત જાહેરાત કરી શકે છે.
તેમનું માનવું છે કે આરઆરવીએલ અને આરજેપીએલ બંન્નેનું ભારતની સાથે-સાથે વૈશ્વિક લિસ્ટિંગની સંભાવનાને નકારી શકાય નહીં. રિલાયન્સ જિયો યુએસમાં નાસ્ડેક પ્લેટફોર્મ ઉપર પણ લિસ્ટ થાય તેવી શક્યતા છે, જે ટેક કંપનીઓ માટે વિશ્વનું સૌથી મોટું માર્કેટપ્લેસ છે. એક અંદાજ મૂજબ રશિયા-યુક્રેન વચ્ચેનો સંઘર્ષ હળવો બન્યાં બાદ આરઆરવીએલ અને આરજેપીએલ બજાર નિયામક સક્ષમ પ્રોસ્પેક્ટસ ફાઇલ કરી શકે છે. આરઆરવીએલનો આઇપીઓ ડિસેમ્બર 2022માં તથા આરજેપીએલનો આઇપીઓ તેના પછી આવી શકે છે. વર્ષ 2020માં આરજેપીએલે 33 ટકા હિસ્સો 13 રોકાણકારોને વેચ્યો હતો, જેમાં ફેસબુક અને ગુગલ સામેલ હતાં.
નાણાકીય વર્ષ 2023 માટે આરઆરવીએલના આશરે રૂ. 1.75 લાખ કરોડના ટોપ લાઇનને જોતાં તેની વેલ્યુ આશરે રૂ. 8 લાખ કરોડ હોઇ શકે છે, જ્યારે કે આરજેપીએલની વેલ્યુ આશરે રૂ. 7.5 લાખ કરોડ હોઇ શકે છે, જેનું મુખ્ય કારણ તેના 40-5- ટકા ઇબીઆઇટીડીએ માર્જીન છે. સપ્ટેમ્બર 2020માં પ્રાઇવેટ ઇક્વિટી કંપની સિલ્વર લેકએ 4.3 લાખ કરોડના વેલ્યુ ઉપર કંપનીમાં 1.75 ટકા હિસ્સો ખરીદ્યો હતો. આરઆરવીએલની આવક અને પહોંચમાં જબરદસ્ત વધારો થયો છે. આરઆરવીએલ ગ્રોસરી, એપરલ, ફુટવેર અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સનું વેચાણ કરે છે અને તે સમગ્ર ભારતમાં 14,500 સ્ટોર્સ તેમજ દેશના સૌથી મોટા ઇ-કોમર્સ પ્લેટફોર્મ પૈકીના એકનું સંચાલન કરે છે. કંપનીની ડિસેમ્બર, 2021માં આવક રૂ. 50,654 કરોડ હતી. બીજી તરફ રિલાયન્સ જિયો 420 મિલિયન સબસ્ક્રાઇબર્સ સાથે વિશ્વની અગ્રણી ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ પૈકીની એક છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
તાતા પાવરઃ તાતા જૂથની કંપનીએ મહારાષ્ટ્રમાં ઈવી ચાર્જિંગ સ્ટેશન્સ માટે રિઅલ્ટી બોડી નારેડ્કો સાથે એમઓયુ સાઈન કર્યાં છે. કંપની 5 હજાર ઈવી ચાર્જિંગ સ્ટેશન્સ સ્થાપવા માટે વિચારી રહી છે.
શ્રીરામ ટ્રાન્સપોર્ટઃ એનબીએફસી કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1090 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 44 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીએ રૂ. 913 કરોડના અંદાજથી ઊંચો નફો દર્શાવ્યો હતો. કંપનીની આવક વાર્ષિક ધોરણે 13 ટકા વધી રૂ. 5080 કરોડ પર રહી હતી.
એક્સિસ બેંકઃ ત્રીજા ક્રમની પ્રાઈવેટ બેંકે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 4120 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. જે વાર્ષિક ધોરણે 54 ટકા વૃદ્ધિ દર્શાવે છે. ત્રિમાસિક ધોરણે પ્રોવિઝન્સ 26 ટકા ઘટી રૂ. 987 કરોડ પર રહ્યાં હતાં. કંપનીની ગ્રોસ એનપીએ ત્રિમાસિક ધોરણે 3.17 ટકા પરથી ગગડી 2.82 ટકા પર રહી હતી.
અંબુજા સિમેન્ટઃ ટોચની સિમેન્ટ ઉત્પાદક કંપનીનો નફો માર્ચ ક્વાર્ટરમાં રૂ. 856.6 કરોડ પર રહ્યો હતો. જે વાર્ષિક ધોરણે 30.3 ટકાનો ગટાડો દર્શાવતો હતો. કંપનીની આવક વાર્ષિક ધોરણે 8.4 ટકા વધી રૂ. 3925 કરોડ પર જોવા મળી હતી.
બાયોકોનઃ ફાર્માસ્યુટીકલ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 239 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે વાર્ષિક ધોરણે 7 ટકા ઘટાડો દર્શાવે છે. જોકે એનાલિસ્ટ્સના રૂ. 237 કરોડના અંદાજની સરખામણીમાં તે સહેજ ઉપર જોવા મળ્યો હતો.
ઈન્ડિયામાર્ટઃ કંપની માર્ચ ક્વાર્ટરમાં રૂ. 57.4 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 3.1 ટકા વૃદ્ધિ દર્શાવે છે. જોકે રૂ. 72.1 કરોડના નફાના અંદાજને તે ચૂકી હતી.
પીએનબી હાઉસિંગઃ હાઉસિંગ ફાઈનાન્સ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 170 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. જે વાર્ષિક ધોરણે 31 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક જોકે વાર્ષિક ધોરણે 22 ટકા ગગડી રૂ. 1440 કરોડ પર રહી હતી.
Market Summary 29 April 2022
April 29, 2022