Market Summary 14 April 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી



હોલ્સિમ ગ્રૂપ અંબુજા અને એસીસીને વેચી ભારતમાંથી વિદાય લેશે
હાલમાં બંને સિમેન્ટ કંપનીઓનું કુલ માર્કેટ-કેપ 15 અબજ ડોલર થાય છે
જૂથે જેએસડબલ્યુ તથા અદાણી ગ્રૂપ સાથે વાતચીત યોજી હોવાના અહેવાલ

વિશ્વમાં સૌથી મોટું સિમેન્ટ ઉત્પાદક એવું હોલ્સિમ ગ્રૂપ ભારતમાં પ્રવેશના સત્તર વર્ષો બાદ દેશમાંથી વિદાય લે તેવા અહેવાલ છે. કંપનીએ તેના કોર માર્કેટ્સ પર ફોકસ કરવાના ઈરાદા સાથે વૈશ્વિક સ્ટ્રેટેજીના ભાગરૂપે તેની ભારતીય બજારમાં લિસ્ટેડ બે કંપનીઓ અંબુજા સિમેન્ટ અને એસીસી લિ.ને વેચાણ માટે મૂકી હોવાનું એકથી વધુ વર્તુળો જણાવે છે.
વર્તુળો ઉમેરે છે કે હોલ્સિમે જેએસડબલ્યુ અને અદાણી જૂથ સાથે તેમનો રસ જાણવા માટે શરૂઆતી ચર્ચા-વિચારણા હાથ ધરી છે. બંને કંપનીઓ સિમેન્ટ ક્ષેત્રે નવા પ્રવેશકોમાં સમાવેશ પામે છે અને તેઓ વિસ્તરણ માટે આક્રમક યોજના ધરાવે છે. વર્તુળોના જણાવ્યા મુજબ પ્રાદેશિક સિમેન્ટ ઉત્પાદકો જેવીકે શ્રી સિમેન્ટને પણ ફિલર્સ મોકલવામાં આવ્યું છે. શ્રી સિમેન્ટ આ ક્ષેત્રે એક અગ્રણી ખેલાડી હતી. જોકે પાછળથી તેણે ઘણી ખરી એક્ઝિટ લીધી છે. ભારતમાં પ્રવેશવા આતુર વૈશ્વિક સિમેન્ટ કંપનીઓનો પણ સંપર્ક કરવામાં આવે તેવી અપેક્ષા છે. કેમકે અંબુજા અને એસીસીને ટેક ઓવર કરવાથી કોઈપણ ખેલાડી દેશ વ્યાપી પોઝીશન સાથે બીજા ક્રમનો સિમેન્ટ ઉત્પાદક બની રહેશે. બંને કંપનીઓ ખૂબ જ સ્પર્ધાત્મક, ખંડિત અને પ્રાઈસ સેન્સિટિવ માર્કેટમાં કુલ વાર્ષિક 6.6 કરોડ ટનની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. હાલમાં અંબુજા સિમેન્ટમાં હોલ્સિમ 63 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. જ્યારે એસીસીમાં તે 54 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. અંબુજા સિમેન્ટ માર્કેટ-કેપ રૂ. 73,349.73 કરોડનું માર્કેટ-કેપ ધરાવે છે. જ્યારે એસીસી રૂ. 41,447.5 કરોડનું એમ-કેપ ધરાવે છે. દેશમાં આદિત્ય બિરલા જૂથની અલ્ટ્રાટેક 11.7 કરોડ પ્રતિ ટનની ઉત્પાદન ક્ષમતા સાથે સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદક છે. સ્વિટર્ઝલેન્ડ સ્થિત હોલ્સિમ જૂથે વૈશ્વિક સ્તરે ફ્રેન્ચ હરિફ લાફાર્જ સાથે 2015માં મર્જ થઈને લાફાર્જહોલ્સિમ નામે મેગા કંપની ઊભી કરી હતી. જોકે ત્યારબાદ એન્ટી-ટ્રસ્ટ રેગ્યુલેટર્સના પાલન માટે તેણે યુરોપ અને એશિયામાં કેટલાક રિસ્ટ્રક્ચરિંગ કરવા માટે દબાણ અનુભવ્યું હતું. જેના ભાગરૂપે તેણે ઘણી એસેટ્સનું વેચાણ કરવાની ફરજ પડી હતી.


માર્ચ મહિનામાં વેજિટેબલ ઓઈલની આયાતમાં 13 ટકા વૃદ્ધિ નોંધાઈ
પામ ઓઈલની નિકાસમાં 19 ટકાનો તીવ્ર ઉછાળો જોવા મળ્યો
દેશમાં માર્ચ મહિનામાં વેજીટેબલ ઓઈલની આયાતમાં 13 ટકાની તીવ્ર વૃદ્ધિ જોવા મળી હતી અને તે 11 લાખ ટનથી વધુ રહી હતી. ખાદ્ય તેલોની ઊંચી માગને કારણે આયાતમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હોવાનું સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું. માર્ચ 2022માં દેશમાં ખાદ્ય તેલોની આયાત 10,51,698 ટન પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 9,57,633 ટન પર જોવા મળી હતી. અખાદ્ય તેલની આયાત પર ગયા વર્ષે 22,610 ટન પરથી વધી 52,872 ટન પર રહી હતી.
ખાદ્ય તેલોની આયાતમાં મુખ્ય એવા પામ તેલની આયાત માર્ચમાં 18.7 ટકા જેટલી વૃદ્ધિ દર્શાવતી હતી. યુક્રેન ખાતેથી સનફ્લાવર તેલની આયાત બંધ થતાં ટ્રેડર્સે પામ તેલની વધુ ખરીદી કરી હતી એમ સીએ જણાવ્યું હતું. માર્ચમાં દેશમાં કુલ 5,39,793 ટન પામ ઓઈલ પ્રવેશ્યું હતું. જે ફેબ્રુઆરીમાં 4,54,794 ટનની સરખામણીમાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવતું હતું. માર્ચમાં સનફ્લાવર તેલની આયાત 2,12,484 ટન પર જોવા મળી હતી. જે ફેબ્રુઆરીના 1,52,220 ટન કરતાં નોંધપાત્ર ઊંચી હતી. માર્ચમાં ઊંચી આયાત યુક્રેન ખાતે યુધ્ધ શરૂ થયા અગાઉ નીકળી ગયેલા શીપ્સને કારણે જોવા મળી હતી. જોકે એપ્રિલમાં યૂક્રેન ખાતેથી કોઈ શીપમેન્ટ નહિ પ્રવેશતાં સનફ્લાવર ઓઈલની આયાત ઘટીને 80 હજાર ટનની નજીક પહોંચી હતી. જે મુખ્યત્વે રશિયા અને આર્જેન્ટીના ખાતેથી આવ્યું હતું. ભારતે વિક્રમી ભાવે રશિયા પાસેથી 45 હજાર ટન સનફ્લાવર ઓઈલની ખરીદી કરી હતી. જેનું શીપમેન્ટ એપ્રિલમાં થવાનું હતું. માર્ચમાં દેશમાં સોયા તેલની આયાત ઘટીને 2,99,421 ટન પર રહી હતી.જે ફેબ્રુઆરીમાં 3,76,594 ટન પર હતી. બ્રાઝિલ અને આર્જેન્ટીના પાસે મર્યાદિત સોયા તેલ સરપ્લસ જોવા મળે છે. ભારત છેલ્લા કેટલાંક મહિનાઓમાં યુનાઈટેડ સ્ટેટ્સ અને જર્મની સહિતના દેશો તરફથી સોયા તેલ ખરીદવાનો પ્રયાસ કરી રહ્યું છે. જોકે આ દેશો ઊંચા વોલ્યુમમાં નિકાસ કરી શકે તેમ નથી એમ મુંબઈ સ્થિત ડિલર જણાવે છે.
સરકારે LIC IPO માટે 60 એન્કર ઈન્વેસ્ટર્સનું તૈયાર કરેલું લિસ્ટ
પ્રાઈસ ડિસ્કવરીના અંદાજ મુજબ ઈન્શ્યોરરનું વેલ્યૂએશન રૂ. 7 લાખ કરોડ આસપાસ
સંસ્થાકિય અને રિટેલ રોકાણકારના ઊંચા પાર્ટિસિપેશન માટે સરકાર વેલ્યૂએશનને આકર્ષક જાળવે તેવી શક્યતાં

લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશનના આઈપીઓ માટે કેન્દ્ર સરકારે 50-60 એંકર ઈન્વેસ્ટર્સની યાદી તૈયાર કરી છે. આ એન્કર ઈન્વેસ્ટર્સ યાદીમાં બ્લેકરોક, સેન્ડ્સ કેપિટલ, ફિડેલિટી ઈન્વેસ્ટમેન્ટ્સ, સ્ટાન્ડર્ડ લાઈફ અને જેપી મોર્ગનનો સમાવેશ થાય છે. સરકાર ટૂંક સમયમાં જ તેની એન્કર બુક અંગે નિર્ણય લેશે. એન્કર ઈન્વેસ્ટર્સ તરફી મેળવવામાં આવેલા પ્રતિભાવ પરથી એલઆઈસીના શેર્સની પ્રાઈસ ડિસ્કવરી નક્કી કરવામાં આવી હતી. જેને આધારે દેશના સૌથી મોટા ઈન્શ્યોરરનું વેલ્યૂએશન રૂ. 7 લાખ કરોડ આસપાસ બેસે છે એમ આ માહિતીથી જાણકાર અધિકારી જણાવે છે.
આકર્ષક વેલ્યૂએશનને કારણે વધુ રોકાણકારોને આઈપીઓમાં પાર્ટિસિપેટ થવાની તક પૂરી પાડશે એમ જોવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર તથા તેના મધ્યસ્થીઓએ વર્તમાન બજાર સ્થિતિને ધ્યાનમાં રાખી રોકાણકારો સાથે શ્રેણીબધ્ધ વેલ્યૂએશન વહેંચ્યાં હતાં. વેલ્યૂએશન અંગે ટૂંકમાં જ આખરી નિર્ણય લેવામાં આવશે એમ વર્તુળો ઉમેરે છે. સરકારે રોકાણકારો તરફથી પ્રતિભાવો મેળવ્યાં છે અને તે દેશના સૌથી મોટા આઈપીઓને સંસ્થાકિય તથા અન્ય રોકાણકારોમાં આકર્ષક બનાવવા માટે તેમના અભિપ્રાયોને ગણનામાં લેશે. ટોચના સરકારી અધિકારીઓને ધરાવતી ઉચ્ચ-સ્તરિય કમિટિએ મર્ચન્ટ બેંકર્સની સહાયતા વડે તૈયાર કરેલી રોકાણકારોની યાદીમાંથી ઈન્વેસ્ટમેન્ટ-કમિટમેન્ટ લેટર્સ મેળવવામાં આવ્યાં છે. જેમાં વેલ્યૂએશન ક્વોટ કરવામાં આવ્યું છે એમ અધિકારી જણાવે છે. તેમના મતે રોકાણકારોની આ યાદીમાંથી 25 ટકા રોકાણકારો પડતાં મૂકવામાં આવી શકે છે. જોકે બ્લેકરોક, સેન્ડ્સ કેપિટલ, ફિડેલિટી ઈન્વેસ્ટમેન્ટ્, સ્ટાન્ડર્ડ લાઈફ અને જેપી મોર્ગનને મોકલવામાં આવેલા ઈમેઈલનો કોઈ પ્રત્યુત્તર પ્રાપ્ત થયો નહોતો. અધિકારીના જણાવ્યા મુજબ એન્કર ઈન્વેસ્ટર્સ અંગે ટૂંકમાં જ આખરી નિર્ણય લેવામાં આવશે. ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશ્નલ બાયર્સ ક્વોટના ફૂલફીલમેન્ટને ગણનામાં લઈને આમ કરવામાં આવશે એમ તેઓ ઉમેરે છે.
ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ(દિપમ)ના એસેસમેન્ટ મુજબ સરકારને રેગ્યુલેટર પાસે અધિક ફાઈલીંગ માટે તથા ઈસ્યુની જાહેરાત માટે 10-દિવસનો સમય જોઈશે. ઈન્વેસ્ટર બેઝને વ્યાપક બનાવવા માટે તથા સેબીની માર્ગદર્શિકાઓનું પાલન કરવા માટે સરકારે આઈપીઓ મારફતે અગાઉ નિર્ધારિત શેર્સ વેચાણની સંખ્યાંમાં ઉમેરો કરવો પડશે. કેન્દ્ર સરકારે માર્ચ મહિનામાં એલઆઈસીના 31.6 કરોડ શેર્સના વેચાણની જાહેરાત કરી હતી. સરકાર પાસે 7.5 ટકા સુધીના હિસ્સા વેચાણ માટે જગા છે. જોકે તે આનો ઉપયોગ કરે તેવી શક્યતાં નથી. તે 5 ટકાથી સહેજ વધારે હિસ્સાનું જ વેચાણ કરશે એમ મનાય છે. નવો ફેરફાર ઈન્શ્યોરર દ્વારા ફાઈલ કરવામાં આવનારા નવા ડીઆરએચપીમાં દર્શાવવામાં આવશે. સરકાર એપ્રિલ મહિનામાં જ એલઆઈસીનો આઈપીઓ લોંચ કરવા ધારે છે. કેમકે 12 મે બાદ સરકાર અને એલઆઈસીએ સેબી સમક્ષ નવેસરથી ફાઈલીંગ્સ કરવાનું બનશે.

મેગા આઈપીઓની ભીતરમાં
• સરકારે મોટા રોકાણકારો પાસેથી ઈન્વેસ્ટમેન્ટ કમિટમેન્ટ લેટર્સ લીધાં
• ક્યુઆઈબી ક્વોટાના ફૂલફિલમેન્ટને આધારે એન્કર ઈન્વેસ્ટર્સ નક્કી કરવામાં આવશે
• કેન્દ્ર સરકારે રોકાણકાર સાથે વેલ્યૂએશન રેંજની વહેંચણી કરી
• વર્તમાન માર્કેટ સ્થિતિને કારણે અપેક્ષા કરતાં નીચું વેલ્યૂએશન રહેશે
• ઓફરને આકર્ષક બનાવવા માટે વેલ્યૂએશન નીચું રાખવામાં આવશે


રેપો રેટમાં 75 બેસીસ પોઈન્ટ્સની અપેક્ષાઃ SBI ઈકોનોમિક રિસર્ચ
ઊંચા રિટેલ ફુગાવાને જોતાં રેટ વૃદ્ધિ પાછળ બોન્ડ યિલ્ડ પણ વધશે

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ઇકોનોમિક રિસર્ચ ડિપાર્ટમેન્ટના અંદાજ મૂજબ જૂન અને ઓગસ્ટમાં રેપો રેટમાં 25 બેસિઝ પોઇન્ટના વધારા સાથે વર્તમાન સાઇકલમાં કુલ 75 બીપીએસનો વધારો થઇ શકે છે તેમજ ગવર્નમેન્ટ સિક્યુરિટીઝના યિલ્ડ સપ્ટેમ્બર સુધીમાં સંભવતઃ 7.75 ટકાને સ્પર્શી શકે છે.
હાલમાં રેપો રેટ 4 ટકાના સ્તરે છે. માર્ચ, 2022માં રિટેલ ફુગાવો વધીને વાર્ષિક ધોરણે 6.95 ટકા થયો છે, જે ફેબ્રુઆરીમાં 6.07 ટકા હતો, તેનું મુખ્ય કારણ ખાદ્ય ચીજોની કિંમતોમાં વધારો છે. સપ્ટેમ્બર સુધી ફુગાવો 7 ટકા કરતાં વધુ રહી શકે છે. સપ્ટેમ્બર બાદ ફુગાવાનો દર 6.5-7 ટકા વચ્ચે રહી શકે છે. એક અંદાજ મૂજબ ખાદ્ય ચીજોના ભાવમાં વધારાને જોતાં નાણાકીય વર્ષ 2023માં ફુગાવો લગભગ 6.5 ટકા રહી શકે છે. ઉલ્લેખનીય છે કે સ્પેક્ટ્રમના નીચા સ્તરે રેપો અને જી-સેક વચ્ચેનો સ્પ્રેડ આશરે 250 બીપીએસની આસપાસ રહે છે. જો વ્યાજદરોમાં વધારો થાય તો સ્પ્રેડ વધીને 350 બીપીએસ થઇ શકે છે. તેનાથી 10 વર્ષની બેંચમાર્ક યિલ્ડ 7.50 ટકા થઇ શકે છે. જી-સેક ઉપજ અને રેપો રેટમાં વધારાને જોતાં ઉપજો સપ્ટેમ્બર સુધીમાં 7.75 ટકાના સ્તરે સ્પર્શી શકે છે. બુધવારે 10 વર્ષના જી-સેક યિલ્ડ આશરે 2 બેસિઝ પોઇન્ટ્સ વધીને 7.2148ના સ્તરે બંધ રહ્યાં હતાં. ઇઆરડી ટીમનું માનવું છે કે બિનપરંપરાગત નીતિગત પગલાં દ્વારા આરબીઆઇ જી-સેક ઉપજો 7.75 ટકા સુધી મર્યાદિત રાખશે.
મહત્વપૂર્ણ છે કે જ્યારે બેંચમાર્ક દરોમાં વધારો થવાની શરૂઆત થાય ત્યારે ઇફેક્ટિવ યિલ્ડમાં પણ વધારો થાય છે, જેના પરિણામે કોર્પોરેટ્સ તરફથી પ્રસ્તાવિત મૂડી ખર્ચ માટેની માગ નબળી બને છે. બેંકોને ધિરાણ દરોમાં વધારો કરવાની ફરજ પડતાં અર્થતંત્ર ઉપર તેની અસર વર્તાઇ શકે છે. જોકે, સારી બાબત એ છે કે નવા રોકાણની જાહેરાતોમાં નોંધપાત્ર વધારો થયો છે, જે નાણાકીય વર્ષ 2022માં રૂ. 19 લાખ કરોડના રેકોર્ડ સ્તરે છે, જે અગાઉના બે વર્ષોમાં રૂ. 10 લાખ કરોડ હતી.


માર્ચ ક્વાર્ટરમાં PE રોકાણમાં વાર્ષિક 54 ટકાનો તીવ્ર ઉછાળો

કેલેન્ડર 2022ના પ્રથમ ત્રિમાસિકગાળામાં પીઇ/વીસી ઇન્વેસ્ટમેન્ટમાં 54 ટકાની તીવ્ર વૃદ્ધિ જોવા મળી છે. જાન્યુઆરીથી માર્ચના ત્રણ મહિના દરમિયાન 360 સોદાઓમાં 15.5 અબજ યુએસ ડોલરનું કુલ રોકાણ નોંધાયું છે. જેમાં 10.1 અબજ યુએસ ડોલરના 45 મોટા સોદાનો સમાવેશ થાય છે. વધુમાં આ ઇકોસિસ્ટમે વર્ષ 2022ના પ્રથમ ત્રિમાસિકગાળામાં 53 સોદાઓમાં 4 અબજ યુએસ ડોલરના મૂલ્યના એક્ઝિટ પણ નોંધ્યાં છે, જેમાં 2 અબજ યુએસ ડોલરના મૂલ્યના નવ સેકન્ડરી એક્ઝિટ સામેલ છે. વર્ષ 2022ના પ્રથમ ત્રિમાસિકગાળામાં સ્ટાર્ટ-અપ ઇન્વેસ્ટમેન્ટ્સે પીઇ/વીસી રોકાણને વેગ આપ્યો છે, જે વાર્ષિક ધોરણે 170 ટકાનો વધારો દર્શાવે છે તેમજ ત્રિમાસિકગાળા દરમિયાન તમામ પીઇ/વીસી રોકાણોમાં 50 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે જીઓ-પોલિટીકલ તણાવો વચ્ચે પણ ભારતમાં પીઇ/વીસી રોકાણ જળવાઇ રહ્યું છે.
મોટા વ્યૂહાત્મક અને સેકન્ડરી સોદાઓની અનુપસ્થઇતિમાં છેલ્લાં પાંચ ક્વાર્ટરમાં પીઇ/વીસી એક્ઝિટે 4 અબજ યુએસ ડોલરની સૌથું ઓછું મૂલ્ય નોંધાવ્યું છે. વધુમાં પીઇ આધારિત આઇપીઓ પણ ન હોવાને કારણે પીઇ/વીસી એક્ઝિટના મૂલ્યને ફટકો પડ્યો છે. મહત્વપૂર્ણ છે કે છેલ્લાં ત્રણ મહિનામાં પીઇ આધારિત આઇપીઓના અભાવ વચ્ચે એક્ઝિટના પ્રમાણમાં વધારો થયો છે. વર્ષ 2022ના પ્રથમ ત્રિમાસિકગાળામાં ઘણી વ્યૂહાત્મક એક્ઝિટ થઇ છે, જેના મૂલ્યને જાહેર કરાયા નથી.
ઉલ્લેખનીય છે કે આ સમયગાળામાં ફાઇનાન્સિયલ સર્વિસિસે સૌથી વધુ 3 અબજ યુએસ ડોલરનું પીઇ/વીસી રોકાણ પ્રાપ્ત કર્યું છે, જે બાદ ઇ-કોમર્સ અને ટેક્નોલોજી સર્વિસિસ છે. આ બંન્ને ક્ષેત્રોએ 2.5 અબજ યુએસ ડોલરથી વધુનું પીઇ/વીસી રોકાણ પ્રાપ્ત કર્યું છે. વર્ષ 2022માં પીઇ રોકાણો માટે ભારત આકર્ષક કેન્દ્ર તરીકે જળવાઇ રહેવાની આશા છે, જેની પાછળ ઉચ્ચ વૃદ્ધિ, મેક્રોઇકોનોમિક અને પોલીસીમાં સ્થિરતા, વૈશ્વિક સ્તરે ભુરાજકીય તણાવ, ફુગાવામાં વધારો, યુએસ દ્વારા વ્યાજદરોમાં વધારો સહિતના પરિબળો કારણભૂત છે.

ભારતીય બજારમાં રજા વચ્ચે વૈશ્વિક બજારોની મિશ્ર ચાલ
ગુરુવારે જાહેર રજાને કારણે ભારતીય શેરબજારમાં રજા વચ્ચે વૈશ્વિક શેરબજારોમાં મિશ્ર માહોલ જોવા મળી રહ્યો હતો. એશિયન બજારોમાં સિંગાપુર અને તાઈવાન નરમાઈ સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે જાપાન અને ચીનના બજારો એક ટકાથી વધુનો સુધારો દર્શાવતાં હતાં. કોરિયન માર્કેટ ફ્લેટ બંધ જળવાયું હતું. જ્યારે હોંગ કોંગમાં 0.7 ટકાનો સુધારો જોવા મળતો હતો. યુરોપ ખાતે જર્મની અને ફ્રાન્સના બજારો પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે યૂકેનું બજાર નેગેટિવ ટ્રેડ દર્શાવતું હતું. બુધવારે રાતે યુએસ ખાતે નાસ્ડેક 2 ટકાથી વધુનો ઉછાળો દર્શાવી રહ્યું હતું. ગુરુવારે સાંજે સિંગાપુર નિફ્ટી 12 પોઈન્ટ્સની નરમાઈ સાથે ટ્રેડ થતો હતો.
સરકારની ટેક્સટાઈલ્સ માટે PLI સ્કીમ હેઠળ રૂ. 19 હજાર કરોડના પ્રસ્તાવોને મંજૂરી
કેન્દ્ર સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે ટેક્સટાઈલ્સ માટેની પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ યોજના હેઠળ તેણે કુલ 67 પ્રસ્તાવોને મંજૂરી આપી છે. જે કુલ રૂ. 19 હજાર કરોડના રોકાણનો અંદાજ ધરાવે છે. આ પ્રોજેક્ટ્સનું અંદાજિત ટર્નઓવર રૂ. 184917 કરોડનું છે. સરકારે એમએમએફ એપરલ, એમએફએફ ફેબ્રિક્સ અને ટેકનિકલ ટેક્સટાઈલ્સ પ્રોડક્ટ્સ માટે પીએલઆઈ સ્કીમને મંજૂરી આપી હતી. જેથી ભારતમાં મેન્યૂફેરક્ચરિંગ કેપેબિલિટીઝને વ્યાપક બનાવી શકાય તથા નિકાસમાં વૃદ્ધિ લાવી શકાય. તેણે પાંચ વર્ષ માટે રૂ. 10683 કરોડની નાણાકિય સહાયને પણ મંજૂરી આપી હતી.
ચાર્ટર્ડ સ્પીડની રૂ. 600 કરોડના આઇપીઓની યોજના
ઇન્ટરસિટી અને ઇન્ટ્રાસિટી મોબિલિટી સોલ્યુશન્સ પ્રોવાઇડર ચાર્ટર્ડ સ્પીડ લિમિટેડ રૂ. 600 કરોડથી વધુનો આઈપીઓ લાવવાની યોજના તૈયાર કરી છે. કંપની બસ કાફલા અને વિસ્તરણ યોજનાના ભાગરૂપે આઇપીઓની યોજના ધરાવે છે. હાલમાં તે 1000 બસોનો કાફલો ધરાવે છે, જેમાંથી અંદાજે પાંચ ટકા ઇલેક્ટ્રિક વિહિકલ છે. ચાર્ટર્ડ સ્પીડ આગામી એકથી દોઢ વર્ષમાં વધુ 1000થી 1200 બસો ઉમેરવા વિચારી રહી છે.
કોટનના ભાવ રૂ. 94 હજારની સર્વોચ્ચ સપાટીને સ્પર્શ્યાં
વૈશ્વિક બજારમાં કોટનના ભાવમાં અવિરત વૃદ્ધિ પાછળ સ્થાનિક બજારમાં પણ કોટનના ભાવ નવી ટોચ આંબી રહ્યાં છે. ગુરુવારે સ્થાનિક બજારમાં ક્વોલિટી કોટનના ભાવ રૂ. 93500થી 94000ની ઐતિહાસિક ટોચ પર જોવા મળ્યાં હતાં. વૈશ્વિક બજારમાં કોટન વાયદો 2 ટકા ઉછળી 146.15 સેન્ટ્સ પ્રતિ પાઉન્ડની 12 વર્ષોની ટોચ પર ટ્રેડ થયો હતો. જેને કારણે સ્થાનિક બજારમાં ભાવમાં રૂ. દોઢ હજારનો ઉછાળ નોઁધાયો હતો.

કોર્પોરેટ હેડલાઈન્સ
ઈન્ફોસિસઃ અગ્રણી આઈટી કંપનીએ 2021-22ના ચોથા ક્વાર્ટરમાં વિક્રમી 27.7 ટકાનો એટ્રીશન રેટ દર્શાવ્યો હતો. ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો એટ્રીશન રેટ 25.5 ટકા પર જોવા મળ્યો હતો. જોકે 2020-21ના ચોથા ક્વાર્ટરમાં કંપનીનો એટ્રીશન રેટ માત્ર 10.9 ટકા પર હતો. છેલ્લા 12 મહિનાના બેસીસ પર એટ્રિશન રેટ એબ્સોલ્યુટ ટર્મમાં 5 ટકા જેટલો ઘટ્યો હતો.
ટાટા પાવરઃ ટાટા પાવર અને બ્લેકરોક રિઅલ એસેટ્સની આગેવાનીના કોન્સોર્ટિયમે ટાટા પાવરની રિન્યૂએબલ એનર્જી પેટાકંપની ટાટા પાવર રિન્યૂએબલ એનર્જીમાં રોકાણ માટે એગ્રીમેન્ટ કર્યાં છે. મુબાદલા સાથે મળી બ્લેકરોક રિઅલ એસેટ્સ ઈક્વિટી અને કમ્પલ્સરિલી કન્વર્ટિબલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ મળી રૂ. 4 હજાર કરોડનું રોકાણ કરશે.
મારુતિ સુઝુકીઃ ટોચની કાર ઉત્પાદક કંપનીએ જણાવ્યું છે કે દેશમાં પેસેન્જર વેહીકલ્સ માટે છ એરબેગ્સને ફરજિયાત બનાવવાની યોજનાને કારણે કાર વધુ મોંઘી બનશે અને તે સંભવિત ખરીદારોને કાર ખરીદતાં અટકાવશે. આ પ્રકારના પગલાને કારણે નાની અને સસ્તી કાર્સના વેચાણ પર પ્રતિકૂળ અસર પડશે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાઃ ઓટોમોબાઈલ કંપનીએ તેની પ્રોડક્ટ્સના ભાવમાં વૃદ્ધિ જાહેર કરી છે. તેણે વિવિધ ઉત્પાદન રેંજના ભાવમાં 2.5 ટકા જેટલો વધારો કર્યો છે. જે એબ્સોલ્યૂટ ટર્મ્સમાં એક્સ-શોરુમ પ્રાઈસિસમાં રૂ. 10 હજારથી લઈ રૂ. 63 હજાર સુધીની વૃદ્ધિ દર્શાવશે. ભાવ વધારો 14 એપ્રિલથી જ અમલી બનશે.
બીએનપી પારિબા એમએફઃ બીએનપી પારિબા એસેટ મેનેજમેન્ટ કંપનીએ બીએનપી પારિબા મ્યુચ્યુલ ફંડને મંજૂર કરવામાં આવેલા રજિસ્ટ્રેશનને સરેન્ડર કરવા માટે માર્કેટ રેગ્યુસેટર સેબીને સૂચિત કરી છે. પરિણામે 13 એપ્રિલથી અસરમાં આવે તે રીતે તે મ્યુચ્યુલ ફંડ તરીકેના અસ્તિત્વને ત્યજ્યું છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage