બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
શેરબજારમાં ચોપી ટ્રેડ વચ્ચે નાણાકિય વર્ષન સમાપ્ત
યુએસ-યુરોપ સહિત વૈશ્વિક બજારોમાં ઊંચા સ્તરે અવરોધ
ફાર્મા, આઈટી જેવા ડિફેન્સિવ્સમાં નરમાઈ
એફએમસીજીમાં નીચા મથાળે ખરીદી
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં સુધારાને બ્રેક
બ્રોડ માર્કેટમાં ફોલોઅપ બાઈંગનો અભાવ
વૈશ્વિક શેરબજારોમાં ઊંચા મથાળે જોવા મળતી સાવચેતી પાછળ ભારતીય શેરબજારમાં પણ નાણાકિય વર્ષનો આખરી ટ્રેડિંગ દિવસ નિરસ જળવાયો હતો. બેન્ચમાર્ક્સ બે બાજુની વધ-ઘટ વચ્ચે સાધારણ નેગેટિવ બંધ જોવા મળ્યાં હતાં. બેન્ચમાર્ક્સ સેન્સેક્સ 115 પોઈન્ટ્સ નરમાઈ સાથે 58568ના સ્તરે જ્યારે નિફ્ટી 33 પોઈન્ટ્સના ઘટાડે 17435ના સ્તરે બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ફ્લેટ જળવાયો હતો. નિફ્ટીના 50 ઘટકોમાં 29 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 21 પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં બુધવારે એક દિવસની લેવાલી આગળ વધી નહોતી અને ફોલોઅપ બાઈંગનો અભાવ જોવા મળતો હતો.
માર્ચ મહિનાનું આખરી ટ્રેડિંગ સત્ર નીરસ જળવાયું હતું. જોકે સમગ્ર 2021-22ની વાત કરીએ તો તેણે રોકાણકારોને બમ્પર રિટર્નથી નવાજ્યાં હતાં. એપ્રિલ 2021થી ઓક્ટોબર 2021 સુધી ભારતીય બજારે 25 ટકાનો સુધારો દર્શાવ્યો હતો. જ્યારબાદ તે વોલેટિલિટી સાથે કરેક્શન મોડમાં જોવા મળ્યું હતું. જોકે આમ છતાં બેન્ચમાર્ક્સે 18-19 ટકાની રેંજમાં રિટર્ન નોંધાવ્યું હતું. જે વૈશ્વિક સ્તરે સૌથી શ્રેષ્ઠ રિટર્ન હોવા સાથે સતત ત્રીજા વર્ષે તેણે ઉત્કૃષ્ટ દેખાવ જાળવ્યો હતો. કેટલાંક સેક્ટરલ પર્ફોર્મન્સિસની વાત કરીએ તો પાવર ઈન્ડેક્સે 63.4 ટકા સાથે સૌથી સારુ રિટર્ન આપ્યું હતું. જ્યારે મેટલે 56 ટકા, રિઅલ્ટીએ 38 ટકા અને આઈટીએ 37 ટકા રિટર્ન નોંધાવ્યું હતું. સ્મોલ-કેપ સૂચકાંકે પણ 37 ટકાનું તગડું રિટર્ન આપ્યું હતું. આ ઉપરાંત કેપિટલ ગુડ્ઝ(30.4 ટકા), કન્ઝ્યૂમર ડ્યૂરેબલ(29 ટકા) અને ઓઈલ એન્ડ ગેસ(27 ટકા)નો સુધારો દર્શાવી રહ્યાં હતાં. બેંકનિફ્ટીએ 11.2 ટકા, ઓટોએ 8.1 ટકા અને એફએમસીજીએ 3.6 ટકા રિટર્ન રળી આપ્યું હતું. આનંદની વાત એ છે કે એકપણ સેક્ટરે નેગેટિવ રિટર્ન નહોતું દર્શાવ્યું. નાણા વર્ષ દરમિયાન એફઆઈઆઈએ રૂ. 2 લાખ કરોડથી વધુની વેચવાલી નોંધાવી હતી. સામે સ્થાનિક સંસ્થાઓ અને રિટેલ રોકાણકારોએ મોટા પ્રમાણમાં નાણા ઠાલવ્યાં હતાં.
ગુરુવારે બ્રોડ માર્કેટની વાત કરીએ તો બીએસઈ ખાતે 3507 કાઉન્ટર્સમાંથી 1500 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1896 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળી રહ્યાં હતાં. 130 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ અને 52 કાઉન્ટર્સે તળિયું દર્શાવ્યું હતું. એનએસઈ મીડ-કેપ ઈન્ડેક્સ 0.34 ટકા જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 0.69 ટકા સુધારા સાથે બંધ રહ્યાં હતાં. ગુરુવારે વૈશ્વિક બજારોમાં પણ દિવસ નીરસ જોવા મળ્યો હતો. સપ્તાહના શરુઆતી ત્રણ સત્રોમાં સુધારાતરફી રહ્યાં બાદ બજારો વિરામ સૂચવતાં હતાં. યૂએસ અને યુરોપ બજારોમાં એક ટકા આસપાસનો ઘટાડો જોવા મળતો હતો. જ્યારે એશિયા ખાતે સિંગાપુર, હોંગ કોંગના બજારો એક ટકા નરમાઈ દર્શાવતાં હતાં. એકમાત્ર કોરિયન બજાર ગ્રીન ઝોનમાં બંધ જળવાયું હતું.
2021-22માં સેક્ટરલ સૂચકાંકોનો દેખાવ
સૂચકાંકો(BSE) 31 માર્ચ 2021નો બંધ 31 માર્ચ 2022નો બંધ ફેરફાર(ટકામાં)
પાવર 2475.13 4043.63 63.4%
મેટલ 14350.61 22368.34 55.9%
રિઅલ્ટી 2670.31 3681.83 37.9%
IT 26543.24 36402.74 37.1%
સ્મોલ-કેપ 20649.33 28215.65 36.6%
કેપિટલ ગુડ્ઝ 21095.75 27506.04 30.4%
કન્ઝ્યૂમર ડ્યૂરે. 32825.92 42271.85 28.8%
યુએસની રિઝર્વ્સને હળવું કરવાની વિચારણા પાછળ ક્રૂડમાં છ ટકાનું ગાબડું
બ્રેન્ટ ક્રૂડ વાયદો 111 ડોલરની દિવસની ટોચ પરથી 105 ડોલર નીચે ઉતરી ગયો
વૈશ્વિક ક્રૂડના ભાવમાં ઊંચા મથાળે વેચવાલી જોવા મળી રહી છે. યુએસ સત્તાવાળાઓએ તેમની પાસેના રિઝર્વ્સમાંથી જથ્થો છૂટો કરવાની જાહેરાત કરતાં ક્રૂડના ભાવ લગભગ 6 ટકા જેટલા ગગડ્યાં હતાં. બાઈડન એડમિનિસ્ટ્રેશન આગામી મહિનાઓમાં તેની પાસેના સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ્સમાંથી 18 કરોડ બેરલનો જથ્થો છૂટો કરવા માટે વિચારી રહ્યું હોવાના અહેવાલ છે. જે 1974માં યુએસ તરફથી રિઝર્વ્સની શરૂઆત પછી રિલિઝ થનારો સૌથી મોટો જથ્થો હશે.
એકબાજુ રશિયા તરફથી ભારત અને ચીન જેવા સૌથી મોટા આયાતકારોને ઊંચા ડિસ્કાઉન્ટથી ક્રૂડ ઓફર કરવામાં આવી રહ્યું છે. જ્યારે બીજી બાજુ યુએસ રિઝર્વ્સમાંથી જથ્થો છૂટો કરવાનું છે. જેની પાછળ ઊંચા સ્તરે વેચવાલી નીકળી હતી અને એશિયન ટ્રેડ દરમિયાન બપોરે બ્રેન્ટ ક્રૂડ વાયદો 6 ટકા આસપાસ ગગડી 104.47 ડોલર પ્રતિ બેરલના સ્તરે ટ્રેડ થયો હતો. યુએસ ઓઈલ બેન્ચમાર્ક પણ 5 ટકાથી વધુ ઘટાડે 102 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો. યુએસ ખતે પણ ફ્યુઅલના વધતાં ભાવો નવેમ્બરમાં મીડ-ટર્મ ચૂંટણીઓ વચ્ચે રાજકીય મુદ્દો બન્યાં છે. જેને કારણે બાઈડન સરકાર વિક્રમી જથ્થો રિલિઝ કરવાનું વિચારી રહી છે.
ભારતીય બજારે 2021-22માં વૈશ્વિક હરિફોને મોટા માર્જિનથી પાછળ પાડ્યાં
નિફ્ટીમાં 19 ટકા રિટર્ન સામે ચીનના બજારે 6 ટકા જ્યારે હોંગ કોંગે 23 ટકા ઘટાડો નોઁધાવ્યો
કોરિયા, તાઈવાન, જાપાન, જર્મની સહિતના બજારોએ પણ નેગેટિવ રિટર્ન દર્શાવ્યું
નાણાકિય વર્ષ 2021-22માં છેલ્લાં ક્વાર્ટરમાં ઊંચી વધ-ઘટ વચ્ચે પણ ભારતીય બજારે 19 ટકાનું તગડું રિટર્ન દર્શાવ્યું હતું. આનાથી પણ વધારે નોંધપાત્ર બાબત એ છે કે તેણે હરિફ બજારોને મોટા માર્જિનથી પાછળ રાખ્યાં હતાં. યુએસ બજારોને બાદ કરતાં મહત્વના યુરોપ અને એશિયન બજારોએ નેગેટિવ રિટર્ન આપ્યું હતું. જેમાં હોંગ કોંગ, કોરિયા અને ચીનના બજારોનો દેખાવ ખૂબ જ ખરાબ જોવા મળ્યો હતો.
ગુરુવારે માર્ચ મહિનાની આખર સુધીમાં ભારતીય બેન્ચમાર્ક્સ નિફ્ટી અને સેન્સેક્સે અનુક્રમે 18.9 ટકા અને 18.3 ટકાનું રિટર્ન દર્શાવ્યું હતું. 31 માર્ચ 2021ના રોજ 14690.7ની સપાટીએ બંધ રહેલો નિફ્ટી ગુરુવારે એક વર્ષ બાદ 17464.75ના સ્તરે બંધ રહ્યો હતો. આમ તેણે લગભગ 2800 પોઈન્ટ્સ આસપાસની વૃદ્ધિ નોંધાવી હતી. જ્યારે સેન્સેક્સ 49509.15ના સ્તરેથી ઉચકાઈ 58568.51ના સ્તર પર જોવા મળ્યો હતો. નોંધપાત્ર બાબત એ છે કે ભારતીય બેન્ચમાર્ક બાદ બીજા ક્રમે 9 ટકા રિટર્ન સાથે યુએસ બેન્ચમાર્ક નાસ્ડેક આવે છે. જોકે તે ભારતીય બજારની સરખામણીમાં 50 ટકા રિટર્ન સૂચવે છે. એશિયન એવું તાઈવાન બજાર 7.7 ટકા સાથે રિટર્નની બાબતમાં ત્રીજા ક્રમે રહ્યું હતું. જ્યારબાદ યુએસ બેન્ચમાર્ક ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ(6.8 ટકા) અને બ્રાઝિલનો બોવેસ્પા(3.1 ટકા) રિટર્ન સૂચવતાં હતાં. જોકે આ સિવાય અન્ય તમામ અગ્રણી બેન્ચમાર્ક્સે નેગેટિવ રિટર્ન નોંધાવ્યું હતું. જેમાં જાપાનનો નિક્કાઈ 4.7 ટકા અને જર્મનીનો ડેક્સ 2.7 ટકાનો ઘટાડો દર્શાવ્યો હતો. એશિયન બજારોમાં હોંગ કોંગના હેંગ સેંગે 22. 5 ટકા સાથે સૌથી વિપરીત દેખાવ નોંધ્યો હતો. જ્યારે કોરિયાનો કોસ્પી 9.9 ટકા અને ચીનનો શાંઘાઈ કંપોઝીટ 5.5 ટકાના ઘટાડા સાથે નેગેટિવ જળવાયાં હતાં. યુરોપના બજારોમાં યૂકે અને ફ્રાન્સના બજારોએ સારો દેખાવ દર્શાવ્યો હતો. આ બંને બજારોએ અનુક્રમે 13 ટકા અને 10 ટકા રિટર્ન આપ્યાં હતાં. યૂકે બજાર લાંબા સમયથી અન્ડરપર્ફોર્મર હોવાના કારણે તેણે રશિયા-યૂક્રેન જેવી ઘટનાઓને પણ અવગણી હતી. જોકે જર્મની પર આ ઘટનાની ગંભીર અસર જોવા મળી હતી અને તે પોઝીટીવ દેખાવ દર્શાવવામાં નિષ્ફળ રહ્યું હતું. એ વાત ઉલ્લેખનીય છે કે ભારતમાં એફઆઈઆઈએ 28 અબજ ડોલરનું ચોખ્ખું વેચાણ દર્શાવવા છતાં સ્થાનિક સંસ્થાઓના સપોર્ટથી બજાર ટકેલું રહ્યું હતું. જ્યારે ચીનમાં વિદેશી રોકાણકારોએ જંગી રોકાણ ઠાલવ્યાં છતાં બજાર પોઝીટીવ ટકવામાં નિષ્ફળ રહ્યું હતું.
વિતેલા નાણા વર્ષમાં વૈશ્વિક બજારોનો દેખાવ
સૂચકાંકો 31 માર્ચ 2021નો બંધ 31 માર્ચ 2022નો બંધ ફેરફાર(ટકામાં)
નિફ્ટી 50 14690.7 17464.75 18.9%
BSE સેન્સેક્સ 49509.15 58568.51 18.3%
નાસ્ડેક 13246.87 14442.27 9.0%
તાઈવાન 16431.13 17693.47 7.7%
ડાઉ જોન્સ 32981.55 35228.81 6.8%
બ્રાઝિલ 116633.72 120259.76 3.1%
ડેક્સ 15008.34 14595.06 -2.8%
નિક્કાઈ 29178.8 27821.43 -4.7%
શાંઘાઈ કંપોઝીટ 3441.912 3252.203 -5.5%
કોરિયા 3061.42 2757.65 -9.9%
હોંગ કોંગ 28378.35 21996.85 -22.5%
આર્થિક પ્રતિબંધોને અવગણી રુબલે યુધ્ધ અગાઉના સ્તરે પરત ફર્યો
એક આશ્ચર્યજનક ઘટનામાં રશિયન ચલણ રુબલે યુક્રેન સાથે યુધ્ધ અગાઉના તેના સ્તરને ફરીથી હાંસલ કર્યું છે. એટલેકે યુક્રેન પર હુમલા બાદ પશ્ચિમી દેશોએ લાગુ પાડેલા પ્રતિબંધોને કારણે કડડભૂસ થયેલો રૂબલ ડોલર સામે યુધ્ધ પહેલાના સ્તરે પરત ફર્યો છે. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારે યુએસ ડોલર સામે રૂબલ 85 આસપાસ ટ્રેડ થતો હતો. જે યુધ્ધની શરૂઆત બાદ ગગડ્યો હતો અને લગભગ બે સપ્તાહ બાદ 7 માર્ચે 150ના તળિયે જોવા મળ્યો હતો. જોકે ત્યારબાદ તેણે અવિરત સુધારો દર્શાવ્યો હતો અને બુધવારે તે ફરી 85ના સ્તરે જોવા મળ્યો હતો. રશિયન શેરબજાર પણ સતત પાંચ દિવસોથી સુધારો દર્શાવી રહ્યું છે. વર્તુળોના મતે રૂબલનું અગાઉના સ્તરે પરત ફરવું સૂચવે છે કે આર્થિક પ્રતિબંધોની કોઈ અસર જોવા મળી રહી નથી.
હિંદાલ્કો એલ્યુમિનિયમ બિઝનેસના વિસ્તરણમાં 7.2 અબજ ડોલર ખર્ચશે
કુમાલ મંગલમ બિરલા જૂથની હિંદાલ્કો એલ્યુમિનિયમ બિઝનેસમાં આગામી પાંચ વર્ષોમાં 7.2 અબજ ડોલરનો ખર્ચ કરશે. વૈશ્વિક સ્તરે સપ્લાય શોર્ટેજ અને ભાવિ મજબૂત માગને જોતાં બેઝ મેટલના ભાવ અસાધારણ સ્તરે પહોંચ્યાં છે. હિંદાલ્કો ભારત અને ઉત્તરીય અમેરિકામાં તેના બિઝનેસિસમાં રોકાણ કરશે. કંપની માને છે કે આગામી દાયકાની આખર સુધીમાં એલ્યુમિનિયમનો વપરાશ બમણો બનશે અને તેથી તેણે ભારતીય એલ્યુમિનિયમ ઓપરેશન્સ માટે 2.4 અબજ ડોલર બાજુ પર રાખ્યાં છે. જ્યારે ઉત્તર અમેરિકા સ્થિત નોવેલિસ ઈન્ક વિસ્તરણ પાછળ 4.8 અબજ ડોલરનું રોકાણ કરશે. તે યુએસ, બ્રાઝિલ, એશિયા અને જર્મનીમાં રોકાણ કરશે. અનેક ઉપયોગો ધરાવતાં એલ્યુમિનિયમના ભાવ ચાલુ મહિનાની શરૂઆતમાં 4000 ડોલર પ્રતિ ટનને પાર કરી ગયા હતા.
વોડાફોન આઈડિયા પ્રમોટર્સ પાસેથી રૂ. 4500 કરોડ ઊભા કરશે
દેશમાં ત્રીજા ક્રમના ટેલિકોમ ઓપરેટર વોડાફોન આઈડિયાના બોર્ડે ગુરુવારે ત્રણ પ્રમોટર્સ જૂથ પાસેથી રૂ. 4500 કરોડ ઊભા કરવાને મંજૂરી આપી હતી. જેના ભાગરૂપે કંપની ત્રણ કંપનીઓને રૂ. 13.30 પ્રતિ શેરના ભાવે 338 કરોડ શેર્સની ફાળવણી કરશે. કંપનીએ ચાલુ મહિને રૂ. 14500 કરોડના ફંડ રેઈઝીંગ પ્લાન્સની જાહેરાત કરી છે. જેમાં પ્રમોટર્સ તરફથી રૂ. 4500 કરોડ રોકવામાં આવશે. ત્રણ પ્રમોટર્સ જૂથ કંપનીઓમાં યૂરો પેસિફિક સિક્યૂરિટીઝ, પ્રાઈમ મેટલ્સ અને ઓરિઆના ઈન્વેસ્ટમેન્ટ્સનો સમાવેશ થાય છે. જેમાં યુરો પેસિફિકને 196 કરોડ શેર્સ, પ્રાઈમ મેટલ્સને 57 કરોડ શેર્સ જ્યારે ઓરિઆના ઈન્વેસ્ટમેન્ટ્સને 84.58 કરોડ શેર્સ ઈસ્યુ કરવામાં આવશે.
FPIsની વેચવાલી 2021-22માં રૂ. 2 લાખ કરોડનો આંક પાર કરી ગઈ
નાણાકિય વર્ષ દરમિયાન વિદેશી ફંડ્સે રૂ. 2.13 લાખ કરોડનું ચોખ્ખું વેચાણ નોંધાવ્યું
વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ પ્રતિ મહિને 2.3 અબજ ડોલરનું વેચાણ દર્શાવ્યું
12માંથી 10 મહિના દરમિયાન તેઓ નેટ વેચવાલ રહ્યાં
વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ પૂરાં થયેલા નાણાકિય વર્ષ 2021-22માં રૂ. 2.13 લાખ કરોડની વિક્રમી વેચવાલી નોંધાવી હતી. તેમણે એપ્રિલ 2021થી માર્ચ 2022 સુધીના 12 મહિનાઓમાંથી 10માં ચોખ્ખું વેચાણ નોંધાવ્યું હતું. માસિક ધોરણે તેમણે સરેરાશ 2.3 અબજ ડોલરનું વેચાણ દર્શાવ્યું હતું. જ્યારે ડોલર સંદર્ભમાં કુલ વેચાણ 28 અબજ ડોલરથી વધુ જોવા મળ્યું હતું.
કોવિડની શરૂઆત વખતે માર્ચ-એપ્રિલ 2020માં વિદેશી સંસ્થાકિય ફંડ્સે જોખમી એસેટ ક્લાસ ગણાતાં ઈક્વિટીઝમાંથી દર્શાવેલી વેચવાલીની સરખામણીમાં ગયા નાણા વર્ષે તેમણે ત્રણ ગણો આઉટફ્લો નોંધાવ્યો હતો. જો લાંબા ગાળામાં એફઆઈઆઈના રોકાણને ગણનામાં લઈએ તો તેમણે તેમાંથી લગભગ 30 ટકાથી વધુ રોકાણનું એક વર્ષમાં જ વેચાણ દર્શાવ્યું હતું. જેમકે છેલ્લાં 10 વર્ષોમાં એફપીઆઈએ ભારતીય ઈક્વિટી માર્કેટમાં 90 અબજ ડોલરનું રોકાણ કર્યું હતું. જેમાં પ્રાઈમરી અને સેકન્ડરી બંને રૂટથી કરેલા રોકાણનો સમાવેશ થાય છે. જોકે છેલ્લા 12 મહિના દરમિયાન તેમણે સેકન્ડરી માર્કેટમાં ભારે વેચવાલી દર્શાવી હતી. જ્યારે પ્રાઈમરી માર્કેટમાં તેમણે ચોખ્ખો ઈનફ્લો નોંધાવ્યો હતો. પ્રાઈવેટ પ્લેસમેન્ટ બેસીસ પર પણ તેમણે ચોખ્ખી ખરીદી દર્શાવી હતી. વિદેશી રોકાણકારો તરફથી રિડમ્પ્શનના દબાણમાં વૃદ્ધિ જોવા મળી હતી. માર્ચ 2022માં અત્યાર સુધીમાં તેમણે સેકન્ડરી માર્કેટમાં કુલ રૂ. 2.26 લાખ કરોડનું વેચાણ દર્શાવ્યું હતું. જે માર્ચ 2020માં તેમના કુલ આઉટફ્લોથી માત્ર રૂ. 227 કરોડ નીચું છે. માર્ચ મહિનામાં જ એફપીઆઈએ રૂ. 50 હજાર કરોડનું ચોખ્ખું વેચાણ દર્શાવ્યું છે. જે છેલ્લાં બે વર્ષોમાં કોઈ એક મહિનામાં સૌથી ઊંચું છે. એફપીઆઈની કુલ ઈક્વિટી એસેટ્સનું મૂલ્ય નવેમ્બરમાં 582 અબજ ડોલરની સર્વોચ્ચ સપાટી પરથી માર્ચ મહિનાના પ્રથમ પખવાડિયાના અંતે 102 અબજ ડોલરનો ઘટાડો દર્શાવતું હતું. વિદેશી સંસ્થાઓ તરફથી સતત વેચવાલીને કારણે ફેબ્રુઆરી 2022માં કુલ ઈન્સ્ટીટ્યુશ્નલ ઈક્વિટી એયૂએમમાં એફપીઆઈનો હિસ્સો ઘટીને 40.3 ટકાના 12-મહિનાના તળિયા પર જોવા મળ્યો હતો.
Market Summary 31 March 2022
March 31, 2022