Market Summary 16 March 2022

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સમરી

 

ફેડ રેટ વૃદ્ધિ અગાઉ શેરબજારોમાં સાર્વત્રિક તેજી

રશિયા-યૂક્રેન વચ્ચે સમાધાનની શક્યતા પાછળ સેન્ટિમેન્ટ મજબૂત

વોલેટિલિટી ઈન્ડેક્સ 10 ટકા ગગડી 24.11ના સ્તરે

હોંગ કોંગ માર્કેટ 9 ટકા ઉછળ્યું

મેટલ, બેંકિંગ, ઓટો સહિતના સેક્ટર્સમાં મજબૂતી

બીએસઈ ખાતે બે શેર્સમાં તેજી સામે એકમાં મંદી

 

યુએસ ફેડ રિઝર્વ લગભગ ચારેક વર્ષના વિરામ બાદ રેટ વૃદ્ધિ કરે તે અગાઉ વૈશ્વિક શેરબજારોમાં ભારે લેવાલી જોવા મળી હતી. મંગળવારે રાતે યુએસ બજારોમાં મજબૂતી પાછળ એશિયા અને યુરોપના બજારોએ સાર્વત્રિક સુધારો દર્શાવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 1040 પોઈન્ટ્સ ઉછળી 56817ના સ્તરે જ્યારે નિફ્ટી-50 312 પોઈન્ટ્સ ઉછળી 16975ના સ્તરે બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 10 ટકા ગગડી 24.11ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 ઘટકોમાંથી 46 પોઝીટીવ બંધ દર્શાવતાં રહ્યાં હતાં. જ્યારે માત્ર 4 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં.

વૈશ્વિક બજારોની સાથે ભારતીય બજારે બુધવારે નોંધપાત્ર ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યું હતું અને સમગ્ર દિવસ દરમિયાન તે મજબૂત ટકી રહ્યું હતું. જ્યારે બંધ થવા અગાઉ લેવાલીનો એક વધુ દોર જોવા મળ્યો હતો અને માર્કેટ ઈન્ટ્રા-ડે ટોચ નજીક જ બંધ રહ્યાં હતાં. માર્કેટ નિરીક્ષકોના મતે ક્રૂડ તેની ટોચ પરથી ઝડપથી પરત ફરતાં ભારતીય બજારને મોટી રાહત સાંપડી હતી. બીજી બાજુ યુએસ ફેડ દ્વારા 25 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ જ કરવામાં આવે તેવી શક્યતાં ઊંચી છે. જે સ્થિતિમાં બજારો વધુ મજબૂતી દર્શાવી શકે છે. જીઓપોલિટીકલ મોરચે રશિયન પ્રધાને યુક્રેન સાથે સમાધાનની શક્યતાં વ્યક્ત કરતાં તેજીવાળાઓ માટે બેવડી ખુશી ઊભી થઈ હતી અને તેમણે બજારમાં ખરીદી જાળવી હતી. જેને કારણે શોર્ટ સેલર્સે તેમની પોઝીશન કાપવાની ફરજ પડી હતી. જોકે ઘણા શોર્ટ સેલર્સ નિફ્ટીમાં 17 હજારના સ્ટોપલોસ સાથે તેમની પોઝીશન જાળવીને ઊભા છે. આમ એકવાર 17 હજારનું સ્તર પાર થશે ત્યારે તેમના મોટુ શોર્ટ કવરિંગ જોવા મળશે. જેની પાછળ નિફ્ટી 17300-17400 સુધી તેજી દર્શાવે તેવી શક્યતાં જોવાઈ રહી છે.

માર્કેટમાં સુધારો બ્રોડ બેઝ્ડ હતો. એટલેકે મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સ ઉપરાંત તમામ સેક્ટરલ સૂચકાંકો પોઝીટીવ જોવા મળતાં હતાં. નિફ્ટી મેટલ્સમાં 2.63 ટકા સાથે નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. બેંક નિફ્ટીએ પણ 2 ટકાથી વધુ મજબૂતી દર્શાવી હતી. નિફ્ટી ઓટો 2.2 ટકા, નિફ્ટી આઈટી 1.8 ટકા, નિફ્ટી એફએમસીજી 1.75 ટકા અને નિફ્ટી પીએસઈ 1.87 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી રિઅલ્ટીમાં 3.64 ટકા સાથે સૌથી મોટો ઉછાળો નોંધાયો હતો. મંગળવારે એક દિવસ માટે નેગેટિવ બનેલી માર્કેટ-બ્રેડ્થ ફરી પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે 3534 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2265 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1168 નેગેટિવ જળવાયાં હતાં. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 2.01 ટકા ઉછળ્યો હતો. જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 1.2 ટકા સુધારો દર્શાવતાં હતાં.

નિફ્ટી કાઉન્ટર્સમાં અલ્ટ્રાટેક સિમેન્ય 5 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવતો હતો. આ ઉપરાંત એક્સિસ બેંક 4 ટકા, ઈન્ડસઈન્ડ બેંક 3.6 ટકા અને શ્રી સિમેન્ટ 3.5 ટકાનો સુધારો દર્શાવતાં હતાં. જ્યારે સિપ્લાનો શેર 1.2 ટકા નીચે બંધ રહ્યો હતો. આ ઉપરાંત સન ફાર્મા, ટાટા કન્ઝ્યૂમર અને પાવરગ્રીડ પણ નરમાઈ દર્શાવતાં હતાં. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં 8 ટકા ઉછાળે જેકે સિમેન્ટ ટોચ પર જોવા મળ્યો હતો. ત્યારબાદ ઈન્ટિલેક્ટ ડિઝાઈન(7 ટકા), નિપ્પોન(6 ટકા), એચએએલ(6 ટકા), આઈડીએફસી(6 ટકા), મેટ્રોપોલીસ(5 ટકા) અને ફેડરલ બેંક(5 ટકા)નો સુધારો દર્શાવી રહ્યાં હતાં. બીજી બાજુ એમ્ફેસિસ(3 ટકા), ગુજરાત ગેસ(1.6 ટકા) અને ફાઈઝર(1.3 ટકા)ની નરમાઈ સૂચવતાં હતાં.

 

માર્ચ આખર સુધી ઈક્વિટીઝમાં 230 અબજ ડોલરનો ફ્લો સંભવઃ જેપી મોર્ગન

અકેલેન્ડર 2022ના પ્રથમ ક્વાર્ટરમાં અત્યાર સુધી ઈક્વિટીઝમાં ઘટાડા અને વૈશ્વિક સ્તરે ગવર્મેન્ટ બોન્ડ યિલ્ડ્સમાં ઉછાળાને કારણે મલ્ટી-એસેટ ફંડ્સે વ્યાપક પુનર્ગઠન હાથ ધરવાનું બન્યું છે. જેને જોતાં માર્ચ મહિનાની આખર સુધીમાં મલ્ટી-એસેટ ઈન્વેસ્ટર્સ બોન્ડ્સમાંથી 230 અબજ ડોલર બહાર કાઢી તેને ઈક્વિટીઝમાં રોકશે એવો અમારો અંદાજ છે એમ જેપી મોર્ગને તેની એક નોંધમાં જણાવ્યું છે. ઈન્વેસ્ટમેન્ટ બેંકની અપેક્ષા મુજબ 4 ટ્રિલિયન ડોલરનું એયૂએમ ધરાવતું યુએસ બેલેન્સ્ડ મ્યુચ્યુલ ફંડ્સ તેમના ફંડ્સમાં 24 અબજ ડોલર ઈક્વિટીઝ તરફ શિફ્ટ કરશે. 7 ટ્રિલિયન ડોલરના એયૂએમ સાથેના યુએસ ડિફાઈન્ડ બેનિફિટ પેન્શન પ્લાન્સ ફરજિયાત ઈક્વિટી એલોકેશનના ભાગરૂપે માર્ચ મહિનાની આખર સુધીમાં 124 અબજ ડોલરની ઈક્વિટીઝ ખરીદશે.

ક્રૂડ-ગોલ્ડમાં આગળ વધતો ઘટાડો

સપ્તાહની શરૂઆતમાં નોંધપાત્ર ઘટાડા બાદ ક્રૂડ, સોનું-ચાંદી અને નીકલ જેવી બેઝ મેટલ્સમાં ઘટાડો આગળ વધ્યો હતો. વૈશ્વિક બજારમાં ક્રૂડ એશિયન ટાઈમ મુજબ પોઝીટીવ ઝોનમાં ટ્રેડ દર્શાવી બપોર બાદ નેગેટિવ જોવા મળ્યું હતું. બ્રેન્ટ ક્રૂડ વાયદો સાંજે 100 ડોલર નીચે ટ્રેડ દર્શાવતો હતો. દિવસ દરમિયાન તે 98.27 ડોલરની નીચી સપાટીએ જોવા મળ્યો હતો. જો તે સોમવારના 97.50 ડોલરના બોટમથી નીચે ઉતરશે તો 90 ડોલર સુધી ગગડવાની શક્યતાં એનાલિસ્ટ જોઈ રહ્યાં છે. વૈશ્વિક ગોલ્ડના ભાવ પણ 8 ડોલરનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. કોમેક્સ ગોલ્ડ ફ્યુચર્સ અગાઉના 1929 ડોલરના બંધ સામે 1921 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યું હતું. નીચામાં તે 1913 ડોલર પર જ્યારે ઉપરમાં 1926 ડોલર પર જોવા મળ્યું હતું. એમસીએક્સ ખાતે ગોલ્ડ વાયદો રૂ. 178ના ઘટાડે રૂ. 51386 પર જ્યારે સિલ્વર વાયદો રૂ. 490ના ઘટાડે રૂ. 67835 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

ડોલર સામે રૂપિયો 42 પૈસા ઉછળી બે-સપ્તાહની ટોચે

ભારતીય રૂપિયામાં ડોલર સામે મજબૂત સુધારો જોવા મળ્યો હતો. અગાઉ 76.62ની બંધ સપાટી સામે બુધવારે રૂપિયો 76.40ના સ્તરે ગેપ-અપ ઓપનીંગ બાદ 76.44નું તળિયું દર્શાવી સુધરીને 76.19ની દિવસની ટોચ પર ટ્રેડ થયો હતો. કામકાજના અંતે ઈન્ટ્રા-ડે ટોચથી એક પૈસા નીચે 76.20ની બે સપ્તાહની ઊંચાઈ પર બંધ જોવા મળ્યો હતો. ક્રૂડના ભાવમાં ઘટાડાએ રૂપિયાને મોટી રાહત આપી હતી.

 

સેન્સેક્સ-નિફ્ટીએ બાઉન્સમાં એશિયા-યૂએસના બજારોને પાછળ રાખ્યાં

રશિયા-યૂક્રેન કટોકટી દરમિયાન બનેલી બોટમથી ભારતીય બજાર 6 ટકાથી વધુ સુધર્યું

જ્યારે એશિયન બજારોમાં જાપાનને બાદ કરતાં નહિવત સુધારો, ચીનનું બજાર વધુ 4 ટકા ગગડ્યું

રશિયા-યૂક્રેન વચ્ચે 23 ફેબ્રુઆરીથી શરુ થયેલા જંગ બાદ વૈશ્વિક શેરબજારોમાં જોવા મળેલા કડાકામાંથી ભારતીય બજાર ઝડપથી બહાર આવ્યું છે. યુરોપ અને યુએસના બજારોએ પણ યુધ્ધ બાદ જોવા મળેલા તળિયાના સ્તરેથી બાઉન્સ દર્શાવ્યું છે. જોકે એશિયન બજારો આમ કરવામાં નિષ્ફળ ગયા છે. ઊલટાનું ચીન અને હોંગ કોંગના બજારો તો વધુ ઘટાડામાં ખૂંપી ગયા છે. બુધવારે હોંગ કોંગ માર્કેટમાં 9 ટકાના અસાધારણ ઉછાળા છતાં તે અન્ડરપર્ફોર્મર જોવા મળે છે.

યુક્રેન પર રશિયાએ હુમલો કર્યાંથી લઈને 8 માર્ચ સુધી વૈશ્વિક બજારોમાં સતત ઘસારો જોવા મળ્યો હતો. લગભગ બે સપ્તાહ દરમિયાન અગ્રણી ઈક્વિટી બેન્ચમાર્ક્સમાં 5-7 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો હતો. જોકે 8 માર્ચ બાદ બજારોએ સ્થિરતા મેળવી હતી અને તેઓ ધીમે-ધીમે સુધારાતરફી બન્યાં હતાં. જેમાં યુરોપ બજારો સાથે ભારતીય બજાર ટોચ પર જોવા મળે છે. જ્યારે યુએસ, જાપાન સહિતના અન્ય વિકસિત બજારો મધ્યમસરનો બાઉન્સ દર્શાવે છે. બીજી બાજુ ચીન, હોંગ કોંગ જેવા બજારો આ સમયગાળા દરમિયાન વધુ ઘટાડો સૂચવી રહ્યાં છે. જ્યારે કોરિયા અને તાઈવાન જેવા બજારોમાં નહિવત સુધારો જોવા મળે છે. જો ભારતીય બજારની વાત કરીએ તો તેણે ગયા સપ્તાહે મંગળવારે તેની સાત મહિનાની બોટમ દર્શાવી હતી. જ્યાંથી બંને બેન્ચમાર્ક્સે ઝડપી પ્રત્યાઘાતી સુધારો નોંધાવ્યો હતો. જેમાં બીએસઈ સેન્સેક્સ 53424ના સ્તરેથી 6.37 ટકા ઉછળી બુધવારે 56824.78ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 16013.45ના સ્તરેથી સુધરી 16972.65ના સ્તરે બંધ રહ્યો હતો. એશિયન બજારોમાં એકમાત્ર જાપાનનો નિક્કાઈ 3.92 ટકા સાથે સારો દેખાવ દર્શાવી રહ્યો છે. જ્યારે તે સિવાય કોરિયાનો કોસ્પી 1.4 ટકા અને તાઈવાનનો ઈન્ડેક્સ 0.69 ટકા બાઉન્સ સૂચવે છે. જ્યારે બીજી બાજુ ચીનનો શાંઘાઈ કંપોઝીટ તો 3.73 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યો છે. બુધવારે જોવા મળેલા 3.48 ટકાના સુધારા છતાં તે છેલ્લાં સપ્તાહમાં સમગ્રતયા નરમ જળવાયો હતો. વૈશ્વિક બજારો બાઉન્સ દર્શાવી રહ્યાં હતાં ત્યારે ચીન અને હોંગ કોંગના બજારો ગગડી રહ્યાં હતાં. હોંગ કોંગનો હેંગ સેંગ પણ 3.27 ટકા ઘટાડો સૂચવે છે.

ઈમર્જિંગ માર્કેટ્સમાં છેલ્લાં બે મહિના દરમિયાન કોમોડિટીઝમાં તેજીને કારણે સુધારો દર્શાવનાર બ્રાઝિલનું માર્કેટ છેલ્લાં કેટલાંક સપ્તાહથી ઘટાડો દર્શાવી રહ્યું છે. સ્થાનિક બેન્ચમાર્ક બોવેસ્પા 2 ટકાથી વધુ ઘટાડો દર્શાવી રહ્યો છે. જ્યારે વિકસિત બજારોમાં યુએસનો ડાઉ જોન્સ 2.8 ટકા અને નાસ્ડેક 1.2 ટકાનો સુધારો સૂચવે છે. જોકે યુરોપ બજારોમાં જર્મની અને ફ્રાન્સ અનુક્રમે 10.72 ટકા અને 9 ટકા સાથે તીવ્ર બાઉન્સ દર્શાવી રહ્યાં છે. એ વાત ઉલ્લેખનીય છે કે બંને દેશો એનર્જી માટે રશિયા પર અવલંબિત છે. તેમ છતાં તેઓ ઝડપથી પરત ફર્યા છે. જ્યારે યૂકેનો ફૂટ્સી 4 ટકા બાઉન્સ સૂચવી રહ્યો છે.

વૈશ્વિક બજારોએ તળિયાથી દર્શાવેલો બાઉન્સ

સૂચકાંક 8 માર્ચનો બંધ 16 માર્ચનો બંધ ફેરફાર(ટકામાં)

BSE સેન્સેક્સ 53424.09 56824.78 6.37%

Nifty 50 16013.45 16972.65 5.99%

નિક્કાઈ 24790.95 25762.01 3.92%

ડાઉ જોન્સ 32632.64 33544.34 2.79%

કોસ્પી 2622.4 2659.23 1.40%

નાસ્ડેક 12795.55 12948.62 1.20%

તાઈવાન 16825.25 16940.83 0.69%

બ્રાઝિલ 111203.5 108959.3 -2.02%

હોંગ કોંગ 20765.87 20087.5 -3.27%

શાંઘાઈ કંપો. 3293.53 3170.71 -3.73%

બિઝનેસ બ્રિફ્સ

રેલીગેર ફિનવેસ્ટઃ સુપ્રીમ કોર્ટે રેનબેક્સિના ભૂતપૂર્વ એક્ઝિક્યૂટીવ અને ફોર્ટિસ હેલ્થકેરના પ્રમોટર શિવેન્દર મોહન સિંઘની રેલીગેર ફિનવેસ્ટમાં રૂ. 2397 કરોડના ગોટાળાના કેસમાં વચગાળાની જામીન અરજી ફગાવી છે. સરકાર તરફથી સોલીસીટર જનરલે જામીન અરજી વિરુધ્ધમાં દલીલ કરી હતી.

ફ્યુચર જનરાલીઃ સીસીઆઈએ નેધરલેન્ડની જનરાલીને ફ્યુચર જનરાલી ઈન્ડિયા ઈન્શ્યોરન્સ કંપનીમાં તેના હિસ્સાને વધારી 74 ટકા કરવાની છૂટ આપી છે. હાલમાં જનરાલી ભારતીય કંપનીમાં 49 ટકા હિસ્સો ધરાવે છે.

શ્યામ મેટાલિક્સઃ કંપનીએ ક્ષમતામાં વધુ વૃદ્ધિ માટે રૂ. 990 કરોડના નવા મૂડી ખર્ચની જાહેરાત કરી છે. જ્યારબાદ ક્ષમતામાં વાર્ષિક 28.5 લાખ ટનનો ઉમેરો થશે.

ફ્યુચર એન્ટરપ્રાઈઝિસઃ માર્કેટ રેગ્યુલેટર સેબીએ કંપની પર ડિસ્ક્લોઝર નોર્મ્સના ભંગ બદલ રૂ. 5 લાખની પેનલ્ટી લાગુ પાડી છે. કંપનીએ સિંગાપુર ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર સંબંધી ડિસ્ક્લોઝર માટે આ પેનલ્ટી લાગુ પડશે. કંપનીએ આ ઘટના અંગે બીએસઈ અને એનએસઈને કોઈ વિગતો જણાવી નહોતી.

પીએનબીઃ પંજાબ નેશનલ બેંકે આઈએલએન્ડએફએસ તમિલનાડુ પાવર એકાઉન્ટમાં રૂ. 2060 કરોડની એનપીએને ફ્રોડ તરીકે વર્ગીકૃત કરી છે. કેર રેટિંગ્સના જણાવ્યા મુજબ આઈએલએન્ડએફએસ તમિલનાડુ પાવર પાસેથી પીએનબીએ રૂ. 5584.93 કરોડ લેવાના નીકળે છે.

ટાટા મોટર્સઃ કંપનીએ હાઈડ્રોજન સેલ પાવર્ડ બસના પ્રથમ પ્રોટોટાઈપને રજૂ કર્યું છે. તેણે આઈઓસી સાથે 15 હાઈડ્રોજન ફ્યુઅલ બસ માટે કોન્ટ્રેક્ટ કર્યાં છે. જેને બે વર્ષમાં ડિલિવર કરવામાં આવશે. કંપની ફ્યુઅલ સેલ ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટર વેહિકલ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. જે ટેક્નોલોજી ડેવલપમેન્ટ એન્ડ ડેમોન્સ્ટ્રેશન પ્રોગ્રામ હેઠળ સરકારના સહયોગમાં તૈયાર કરવામાં આવી છે.

ધામપુર સુગરઃ કંપનીનું બોર્ડ નાણાકિય વર્ષ 2021-22 માટે વચગાળાના ડિવિડન્ડને લઈને વિચારણા માટે 21 માર્ચે બેઠક યોજશે.

આરઈસીઃ કંપનીનું બોર્ડ નાણાકિય વર્ષ 2022-23 માટે કંપનીના માર્કેટ બોરોઈંગ પ્રોગ્રામને મંજૂરી આપવા માટેના પ્રસ્તાવ પર વિચારણા કરશે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage