બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
બજેટ પૂર્વેની તેજી પાછળ નિફ્ટીમાં મહત્વનું બ્રેકઆઉટ
બેન્ચમાર્ક 18228ના 20 ઓક્ટોબર પછીની સર્વોચ્ચ સ્તરે ટ્રેડ થયો
એનર્જી અને ઓટો સેક્ટર્સમાં જળવાયેલી લેવાલી
વોલેટિલિટી ઈન્ડેક્સ 3.3 ટકા ગગડ્યો, માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ
એશિયન બજારોમાં પણ 1-2.8 ટકા સુધીનો સુધારો નોંધાયો
ભારતીય શેરબજારમાં બજેટ પૂર્વેની તેજી શરૂ થઈ ચૂકી છે. જેના ભાગરૂપે બેન્ચમાર્ક નિફ્ટીએ બુધવારે મહત્વનું બ્રેકઆઉટ દર્શાવતાં 18200ની સપાટી પાર કરી 18212.35ની પોણા બે મહિનાની ટોચ પર બંધ દર્શાવ્યું હતું. આ અગાઉ 20 ઓક્ટોબરે નિફ્ટી આ સપાટી પર જોવા મળ્યો હતો. છેલ્લાં ત્રણ સપ્તાહમાં તેણે 16400ના તળિયાથી 10 ટકા કરતાં વધુનો સુધારો નોંધાવ્યો છે. સેન્સેક્સ 533.15 પોઈન્ટ્સ સુધારા સાથે 61150.04ના સ્તરે બંધ રહ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ 3.27 ટકાના ઘટાડે 17.18 પર બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 37 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 13 કાઉન્ટર્સ ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં.
સ્થાનિક બજારને એનર્જી અને ઓટોમોબાઈલ તરફથી સપોર્ટ જળવાયો હતો. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ 2.14 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેના મહત્વના કંપોનન્ટ્સમાં અદાણી ગ્રીન એનર્જિ વધુ 5 ટકાથી વધુ ઉછળી રૂ. 1647.55ના સ્તરે બંધ રહ્યો હતો. તેણે ઈન્ટ્રા-ડે રૂ. 1667ની ટોચ દર્શાવી હતી. આ ઉપરાંત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 2.67 ટકા સુધારા સાથે રૂ. 2500ની સપાટી કૂદાવી ગયો હતો. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 17 લાખ કરોડ વટાવી ગયું હતું. પીએસયૂ સાહસ ઓએનજીસીમાં પણ 2.5 ટકાનો જ્યારે ટાટા પાવરમાં 2 ટકાનો સુધારો જોવા મળ્યો હતો. ઓટો કાઉન્ટર્સમાં એમએન્ડએમ 4.7 ટકા સાથે સૌથી સારો દેખાવ દર્શાવી રહ્યો હતો. જે સિવાય ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ, અશોક લેલેન્ડ અને ટીવીએસ મોટર પણ 2 ટકાથી 3 ટકા સુધારો સૂચવતાં હતાં. મેટલ શેર્સમાં એનએમડીસી, વેલસ્પન કોર્પ, નાલ્કો અને હિંદાલ્કોમાં 2.4-3.6 ટકા સુધીની વૃદ્ધિ નોંધાઈ હતી.
મીડ-કેપ અને સમોલ-કેપમાં ખરીદી સાધારણ ધીમી પડી હતી. જોકે માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ રહી હતી. બીએસઈ ખાતે 3530 કાઉન્ટર્સમાં ટ્રેડિંગ નોંધાયું હતું. જેમાંથી 1810 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1644 કાઉન્ટર્સે નેગેટિવ બંધ આપ્યું હતું. જોકે ખૂબ લાંબા સમયગાળા બાદ અપર સર્કિટમાં 491 કાઉન્ટર્સની સામે લોઅર સર્કિટ દર્શાવતાં કાઉન્ટર્સની સંખ્યા 339 પર ઊંચી જોવા મળી હતી. છેલ્લાં ઘણા મહિનાઓમાં નીચલી સર્કિટ્સમાં જૂજ કાઉન્ટર્સ બંધ દર્શાવતાં જોવા મળ્યાં હતાં. આમ સ્મોલ અને મીડ-કેપ કાઉન્ટર્સ હવે વિરામ લેવાની તૈયારી કરી રહ્યાં હોવાના સંકેત મળી રહ્યાં છે.
બુધવારે સ્થાનિક બજારને એશિયન બજારો તરફથી મહત્વનો સપોર્ટ સાંપડ્યો હતો. જેમાં હોંગ કોંગ માર્કેટ 2.8 ટકાનો નોંધપાત્ર ઉછાળો દર્શાવતું હતું. આ સિવાય જાપાન 1.92 ટકા, કોરિયા 1.54 ટકા અને ચીન 0.84 ટકાનો સુધારો સૂચવી રહ્યાં હતાં. તાઈવાન અને સિંગાપુર પણ 0.5 ટકા મજબૂતી સાથે બંધ રહ્યાં હતાં. જોકે યુરોપ બજારો ફ્લેટ ટ્રેડિંગ દર્શાવી રહ્યાં હતાં.
ઈન્ફોસિસનો નફો 12 ટકા વધ્યો, વિપ્રોએ ફ્લેટ વૃદ્ધિ દર્શાવી
ડિસેમ્બર ક્વાર્ટરમાં ઈન્ફીએ રૂ. 5809 કરોડ જ્યારે વિપ્રોએ રૂ. 2969 કરોડનો નફો નોંધાવ્યો
દેશની બે અગ્રણી આઈટી કંપનીઓ ઈન્ફોસિસ અને વિપ્રોએ બુધવારે ડિસેમ્બર ક્વાર્ટર માટેના પરિણામો જાહેર કર્યાં હતાં. જેમાં ઈન્ફોસિસે ત્રીજા ક્વાર્ટરમાં 12 ટકા વૃદ્ધિ સાથે રૂ. 5809 કરોડનો કોન્સોલિડેટેડ નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 5197 કરોડ પર હતાં. વિપ્રોએ ડિસેમ્બર ક્વાર્ટર માટે રૂ. 2969 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે લગભગ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 2968 કરોડના નફા સમકક્ષ હતો.
ઈન્ફોસિસની કોન્સોલિડેટેડ રેવન્યૂ ડિસેમ્બર ક્વાર્ટરમાં 23 ટકા ઉછળી રૂ. 31867 કરોડના વિક્રમી સ્તરે જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 25927 કરોડ પર હતી. કંપનીએ નાણા વર્ષ 2021-22 માટેના તેના રેવન્યૂ ગાઈડન્સમાં વધવા તરફી સુધારો કરી તે 19.5 ટકાથી 20 ટકાની વચ્ચે રહે તેમ જણાવ્યું હતું. ઓક્ટોબરમાં તેણે 16.5-17.5 ટકા ગાઈડન્સ વૃદ્ધિની આગાહી કરી હતી. કંપનીના એમડી અને સીઈઓ સલિલ પારેખે જણાવ્યું હતું કે અમારો મજબૂત દેખાવ અને માર્કેટ હિસ્સામાં વૃદ્ધિ દર્શાવે છે કે અમારા ગ્રાહકો અમારામાં ખૂબ જ વિશ્વાસ ધરાવે છે. તેમણે મોટી એન્ટરપ્રાઈઝિસ દ્વારા ઊંચા ટેક્નોલોજિ ખર્ચની અપેક્ષા દર્શાવી હતી. કંપની ચાલુ નાણા વર્ષે 55 હજાર ગ્રેજ્યૂએટ્સની નિમણૂંક કરશે. ઈન્ફોસિસનો શેર 1.1 ટકા સુધારા સાથે રૂ. 1877.60ના સ્તરે બંધ રહ્યો હતો.
વિપ્રોની ઓપરેશન્સ રેવન્યૂ 30 ટકા વધી રૂ. 20313 કરોડ રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 15670 કરોડ પર હતી. વિપ્રોએ માર્ચ ક્વાર્ટરમાં ત્રિમાસિક ધોરણે 2-4 ટકા આવક વૃદ્ધિની અપેક્ષા દર્શાવી હતી. તેણે આઈટી સર્વિસિસ રેવન્યૂ 269.2 કરોડથી 274.5 કરોડની રેંજમાં રહી શકે તેમ જણાવ્યું હતું. કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં નવા 67 ક્લાયન્ટ્સનો ઉમેરો કર્યો હતો અને વાર્ષિક ધોરણે 41363 કર્મચારીઓની વૃદ્ધિ દર્શાવી હતી. કંપનીએ 10 કરોડ ડોલરથી વધુ રેવન્યૂ ધરાવતાં નવા સાત ગ્રાહકો મેળવ્યાં હતાં. વિપ્રોએ શેર દીઠ રૂ. 1ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત પણ કરી હતી. વિપ્રોનો શેર બુધવારે 0.45 ટકા ઘટાડે રૂ. 691 પર બંધ રહ્યો હતો.
14 વર્ષો બાદ માર્કેટમાં સૌથી લાંબી પોઝીટીવ માર્કેટ-બ્રેડ્થ
છેલ્લાં ત્રણેક સપ્તાહથી બજારમાં અવિરત જોવા મળી રહેલી તેજી પાછળ 14 વર્ષો બાદ પ્રથમવાર સૌથી લાંબી પોઝીટીવ માર્કેટ-બ્રેડ્થ જોવા મળી છે. 27 ડિસેમ્બર 2021થી 12 જાન્યુઆરી 2022 સુધીના 13 ટ્રેડિંગ સત્રોમાં બીએસઈ ખાતે સુધારો દર્શાવતાં કાઉન્ટર્સની સંખ્યા ઘટાડો નોંધાવનાર કાઉન્ટર્સની સરખામણીમાં ઊંચી જળવાય હતી. 12 સત્રોમાં સરેરાશ 1.83નો એડવાન્સ-ડિક્લાઈન રેશિયો જોવા મળ્યો હતો. એટલેકે 1.83 શેર્સમાં સુધારા સામે એક શેરમાં ઘટાડો નોંધાયો હતો. આ અગાઉ કેલેન્ડર 2007માં સતત 15 ટ્રેડિંગ સત્રો સુધી આ પ્રકારે માર્કેટમાં પોઝીટીવ બ્રેડ્થ જળવાય હતી. તે વખતે 24 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બરના સમયગાળામાં 1.59નો એડવાન્સ-ડિક્લાઈન રેશિયો નોંધાયો હતો. એટલેકે 1.59 શેર્સમાં સુધારા સામે એક શેરમાં ઘટાડો નોંધાયો હતો.
2021માં પેસીવ ફંડ્સની એસેટ 60 ટકા ઉછળી રૂ. 4.7 લાખ કરોડ
ભારતીય મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગ ક્ષેત્રે પેસિવ ફંડ્સનું મહત્વ વધી રહ્યું છે. કેલેન્ડર 2021ની આખરમાં પેસિવ મ્યુચ્યુલ ફંડ સ્કિમ્સનું કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટ રૂ. 4.72 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. જે 2020 પુરું થયું ત્યારે રૂ. 2.94 લાખ કરોડ પર રહ્યું હતું. પેસિવ ફંડ્સમાં ઈન્ડેક્સ ફંડ્સ, એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ અને વિદેશી બજારમાં રોકાણ કરતાં ફંડ ઓફ ફંડ્સનો સમાવેશ થાય છે. ફંડ હાઉસિસ તરફથી અવિરત નવા ઈટીએફ્સ અને ફંડ ઓફ ફંડ્સના લોંચને કારણે એયૂએમમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી હતી. ગયા ડિસેમ્બરમાં જ ચાર ઈન્ડેક્સ ફંડ્સ અને છ ઈટીએફ્સ લોંચ કરવામાં આવ્યાં હતાં. જેમણે બજારમાંથી કુલ રૂ. 6570 કરોડ ઊભા કર્યાં હતાં. ડિસેમ્બરમાં ગોલ્ડ ઈટીએફ્સમાં પણ રૂ. 313.35 કરોડનો ઈનફ્લો નોંધાયો હતો. ગોલ્ડ ફંડ્સે છેલ્લાં એક વર્ષમાં 6.24 ટકાનું વળતર ચૂકવ્યું હતું. જ્યારે ફંડ ઓફ ફંડ્સે તો 15.13 ટકા જેટલું નોંધપાત્ર રિટર્ન દર્શાવ્યું હતું.
શ્રેષ્ઠા નેચરલ અને કોર્સ5 ઇન્ટેલિજન્સે DRHP ફાઈલ કર્યું
પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓ સાથે પ્રવેશવા માટે બે વધુ કંપનીઓએ ડીઆરએચપી ફાઈલ કર્યું છે. જેમાં કોર્સ5 ઇન્ટેલિજન્સ બજારમાંથી રૂ. 600 કરોડ ઊભા કરવા માગે છે. તે ડેટા એનાલીટિક્સ અને ઇનસાઇટ્સ કંપની છે. આઈપીઓમાં અડધો હિસ્સો ઓફર-ફોર-સેલનો જ્યારે અડધો હિસ્સો ફ્રેશ ઈસ્યુનો રહેશે. શ્રેષ્ઠા નેચરલ આઈપીઓ મારફતે રૂ. 500 કરોડ ઊભા કરવા ધારે છે. તે પેકેજ્ડ ઓર્ગેનિક ફૂડ સેગમેન્ટમાં જાણીતી કંપની છે.
ડોલર સામે 73.78ની ટોચ દર્શાવી રૂપિયાએ ફ્લેટ બંધ આપ્યું
ભારતીય ચલણમાં બુધવારે દિવસ દરમિયાન મજબૂતી જળવાય હતી. જોકે કામકાજની આખરમાં તેણે ફ્લેટ બંધ દર્શાવ્યું હતું. રૂપિયો અગાઉના 73.92ના બંધ સામે મજબૂત ઓપનીંગ બાદ સુધરીને 73.78ની ત્રણ મહિનાની ટોચ પર જોવા મળ્યો હતો. જ્યાંથી પ્રોફિટ બુકિંગ પાછળ ઘસાયો હતો અને 73.93ના સ્તરે બંધ રહ્યો હતો. વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સમાં સાધારણ મજબૂતી જોવા મળી રહી હતી.
LICનું વેલ્યૂએશન 15 લાખ કરોડ રહે તેવી સરકારની અપેક્ષા
જીવન વીમા કંપનીની એમ્બેડેડ વેલ્યૂ રૂ. 4 લાખ કરોડથી વધુ રહેવાની શક્યતાં છે. સામાન્યરીતે એમ-કેપ તેના 3-5 ગણુ રહેતું હોય છે
જો રોકાણકારો સરકારના પ્રસ્તાવ સાથે તૈયાર થશે તો એલઆઈસી ટોચની બે લિસ્ટેડ કંપનીઓ RIL અને TCSની હરોળમાં જોડાશે
કેન્દ્ર સરકાર જાહેર ક્ષેત્રની જીવન વીમા કંપની લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશનનું વેલ્યૂએશન્સ રૂ. 15 લાખ કરોડ(203 અબજ ડોલર)ના પર નિર્ધારિત કરવામાં આવે તે માટે પ્રયાસો કરી રહી હોવાનું જાણકાર વર્તુળો જણાવે છે. એલઆઈસી ટૂંક સમયમાં જ આઈપીઓ માટે ડીઆરએચપી ફાઈલ કરે તેવી શક્યતાં છે. જોકે કંપનીની અંદાજિત વેલ્યૂ માટે રાહ જોવાઈ રહી છે.
માહિતગાર વર્તુળોના જણાવ્યા મુજબ લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશનની એમ્બેડેડ વેલ્યૂ રૂ. 4 લાખ કરોડથી ઉપર રહેવાની શક્યતાં છે અને તેનું માર્કેટ-કેપ તેના ચાર ગણું હોય શકે છે. એકવાર આખરી રિપોર્ટ તૈયાર થઈ જશે ત્યારબાદ સરકારની અપેક્ષિત વેલ્યૂએશનમાં ફેરફાર થઈ શકે છે. ઈન્શ્યોરર્સ માટે ચાવીરૂપ એવી એમ્બેડેડ વેલ્યૂ ભવિષ્યના નફાને એસેટ્સની નેટ વેલ્યૂ સાથે જોડે છે. આ માપદંડ એલઆઈસીના આઈપીઓ પ્રોસ્પેક્ટસનો ભાગ રહેશે. જેને કંપની 31 જાન્યુઆરીથી શરૂ થનારા સપ્તાહ દરમિયાન ફાઈલ કરે તેવી શક્યતાં છે. સામાન્યરીતે ઈન્શ્યોરર્સની માર્કેટ વેલ્યૂ તેની એમ્બેડેડ વેલ્યૂના ત્રણથી પાંચ ગણા જેટલી હોય છે.
જો સરકારે મૂકેલા પ્રસ્તાવ મુજબનું વેલ્યૂએશન નિર્ધારિત થશે તો એલઆઈસી દેશમાં સૌથી ઊંચું વેલ્યૂએશન્સ ધરાવતી બે લિસ્ટેડ કંપનીઓ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસના લીગમાં પ્રવેશશે. હાલમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ-કેપ રૂ. 17 લાખ કરોડ જ્યારે ટીસીએસનું માર્કેટ-કેપ રૂ. 14.30 લાખ કરોડ આસપાસ છે. વર્તુળોના મતે સરકાર તેની અપેક્ષાને થોડી વધુ પડતી ખેંચી રહી છે. જોકે ફાઈનલ વેલ્યૂએશનનો વિવિધ માપદંડોને આધારે નક્કી કરવામાં આવશે. જેમાં રોકાણકારોના આઈપીઓ માટેના એપેટાઈટ, ભાવિ નફાકારક્તાને લઈને આઉટલૂક અને ઉદ્યોગ ક્ષેત્રે જોવા મળી રહેલા ટ્રેન્ડનો સમાવેશ થશે. એલઆઈસી ચાલુ મહિનાની આખરમાં તેનું ડીઆરએચપી ફાઈલ કરે તે પહેલાં પ્રધાનોની પેનલ કેટલી રકમનો હિસ્સો વેચવો તે અંગે નિર્ણય લેશે. જો રૂ. 15 લાખના સરકારના અપેક્ષિત વેલ્યૂએશન પર 5 ટકા હિસ્સા વેચાણ મારફતે રૂ. 75 હજાર કરોડ ઊભા કરી શકાશે.
Market Summary 12 Jan 2022
January 12, 2022
![](https://investallign.b-cdn.net/wp-content/uploads/2022/01/Market-Summary-12-Jan-2022.jpg)