બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
એશિયન હરિફો સામે આઉટપર્ફોર્મન્સ જાળવી રાખતાં સેન્સેક્સે 60 હજાર કૂદાવ્યું
નવા કેલેન્ડરના સતત ત્રીજા દિવસે માર્કેટમાં તેજીનો ટ્રેન્ડ અકબંધ
બેંક નિફ્ટીમાં 2.32 ટકાનો તીવ્ર ઉછાળો જોવા મળ્યો
ચીન, હોંગ કોંગ અને કોરિયાના બજારોમાં એક ટકાથી વધુનો ઘટાડો નોંધાયો
બીએસઈ ખાતે 1830માં સુધારા સામે 1555માં ઘટાડા વચ્ચે માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ
ઈન્ડિયા વિક્સમાં 7 ટકા ઉછાળાને જોતાં આગામી સત્રોમાં ઊંચી વધ-ઘટ સંભવ
ભારતીય શેરબજારે એશિયન હરિફોની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવતાં કેલેન્ડરના ત્રીજા સત્ર દરમિયાન તેજી જાળવી રાખી હતી. બેન્ચમાર્ક નિફ્ટી ઈન્ટ્રા-ડે 17941ની ટોચ દર્શાવી કામકાજને આખરે 120 પોઈન્ટ્સ સુધારા સાથે 17925 પર બંધ રહ્યો હતો. જ્યારે બીએસઈ સેન્સેક્સ 367 પોઈન્ટ્સ સુધારા સાથે 60223 પર બંધ રહ્યો હતો. તેણે સવા મહિના બાદ ફરી 60 હજારની સપાટી દર્શાવી હતી. જોકે માર્કેટમાં સુધારા વચ્ચે વોલેટિલિટી ઈનડેક્સમાં 6.9 ટકાનો ઉછાળો નોંધાયો હતો અને તે 17.22 પર બંધ રહ્યો હતો. જે સૂચવે છે કે આગામી સત્રોમાં માર્કેટ વિરામ લેવા સાથે બે બાજુ વધ-ઘટ દર્શાવી શકે છે. નિફ્ટીમાં 50માંથી 16 કાઉન્ટર્સે નરમાઈ દર્શાવી હતી. જ્યારે અન્ય 34 કાઉન્ટર્સે પોઝીટીવ બંધ આપ્યું હતું.
સ્થાનિક બજારને બેંકિંગ, મેટલ, ઓટો અને પીએસઈ સેક્ટર્સ તરફથી સપોર્ટ સાંપડ્યો હતો. જ્યારે આઈટીમાં ઊંચા મથાળે વેચવાલી જોવા મળી હતી. બેંક નિફ્ટી લાંબા સમયગાળા બાદ 2.32 ટકા ઉછળી 37695ના સ્તરે બંધ રહ્યો હતો. તેણે મહત્વનું બ્રેકઆઉટ દર્શાવ્યું હતું. લાર્જ અને મિડિયમ બેંકિંગ કંપનીઓના ભાવમાં તીવ્ર સુધારા પાછળ બેંક નિફ્ટી ઉછળ્યો હતો. ડિસેમ્બર ક્વાર્ટરમાં બેંકિંગ કંપનીઓની ક્રેડિટ વૃદ્ધિ ઊંચી જોવા મળતાં કેટલાંક સમયથી સુસ્તી દર્શાવી રહેલા બેંકિંગ શેર્સમાં ઓચિંતી લેવાલી નીકળી હતી. જેમાં એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક 6.7 ટકા ઉછળ્યો હતો. જ્યારે કોટક મહિન્દ્રા 3.75 ટકા, બંધન બેંક 3.5 ટકા, એક્સિસ બેંક 2.5 ટકા અને એચડીએફસી બેંક 2.37 ટકાનો સુધારો દર્શાવતાં હતાં. નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસિસ ઈન્ડેક્સ પણ 2 ટકાથી વધુ સુધર્યો હતો. જેનું મુખ્ય કારણ બજાજ ટ્વીન્સમાં મજબૂત ખરીદી હતું. બજાજ ફિનસર્વ 5 ટકા જ્યારે બજાજ ફાઈનાન્સ 4.5 ટકાનો ઉછાળો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 1.4 ટકા મજબૂતી દર્શાવી રહ્યો હતો. મેટલ પેકમાં સુધારો દર્શાવવામાં સ્ટીલ શેર્સ અગ્રણી હતાં. જેમાં જિંદાલ સ્ટીલ 4.7 ટકા, જેએસડબલ્યુ સ્ટીલ 3.6 ટકા અને સેઈલ 2.9 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. ઓટોમોબાઈલ ક્ષેત્રે અશોક લેલેન્ડ, આઈશર મોટર્સ, બજાજ ઓટો, મારુતિ સુઝુકીમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. પીએસયૂ કંપનીઓમાં પણ લેવાલી જોવા મળતી હતી. જેમાં એચપીસીએલ 5.5 ટકા, આઈઓસી 2.81 ટકા, ગેઈલ 2.45 ટકા, બીપીસીએલ 2.3 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં હતાં.
બ્રોડ માર્કેટમાં કામકાજ થોડું ઠંડુ હતું. જોકે માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળતી હતી. બીએસઈ ખાતે 3481 કાઉન્ટર્સમાંથી 1830 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1555 કાઉન્ટર્સ નરમાઈ સૂચવતાં હતાં. 555 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જોવા મળતાં હતાં. બીજી બાજુ લોઅર સર્કિટ્સ દર્શાવતાં કાઉન્ટર્સની સંખ્યામાં ઊંચી વૃદ્ધિ જોવા મળી હતી અને તે 252 પર પહોંચી હતી. 432 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ નોંધાવી હતી. જેની સામે 11 કાઉન્ટર્સ 52-સપ્તાહનું તળિયું દર્શાવતાં હતાં. એનએસઈ ખાતે મીડ-કેપ ઈન્ડેક્સે પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું. જોકે સ્મોલ-કેપ ઈન્ડેક્સ સાધારણ નેગેટિવ બંધ જોવા મળ્યો હતો.
ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીમાં 18000-18200ની રેંજમાં મજબૂત અવરોધ રહેલો છે અને તેથી નિફ્ટીને આ સ્તર પાર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જોકે ટ્રેડર્સ 17550ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવી શકે છે. જો આ સ્તર તૂટશે તો નિફ્ટી 17300 સુધી ગગડી શકે છે. જેની નીચે માર્કેટમાં ફરી શોર્ટ-ટર્મ ટ્રેન્ડ રિવર્સલ જોવા મળી શકે છે. જોકે યૂએસ-યુરોપ બજારોમાં મજબૂતી જોતાં સ્થાનિક બજારમાં તીવ્ર ઘટાડાની શક્યતાં નથી અને તેથી વધ-ઘટે તેજીનું મોમેન્ટમ જળવાય શકે છે.
2021માં વિક્રમી 63 અબજ ડોલરનું PE/VC ઈન્વેસ્ટમેન્ટ જોવા મળ્યું
અગાઉ 2020માં પીઈ રોકાણકારોએ 39.9 અબજ ડોલરનું રોકાણ દર્શાવ્યું હતું
વર્ષ દરમિયાન એક અબજ ડોલરથી ઊંચું મૂલ્ય ધરાવતાં આંઠ મેગા ડીલ્સ થયાં
ભારતીય સ્ટાર્ટ-અપ ઈકોસિસ્ટમમાં મજબૂતી પાછળ પ્રાઈવેટ ઈક્વિટી ઈન્વેસ્ટર્સ તથા વેન્ચર કેપિટાલિસ્ટના રોકાણમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી છે. કેલેન્ડર 2021માં દેશમાં પીઈ અને વીસીએ વિક્રમી 63 અબજ ડોલરનું રોકાણ દર્શાવ્યું હતું. જે 2020માં જોવા મળેલા 39.9 અબજ ડોલરના રોકાણની સરખામણીમાં 57 ટકાની ઊંચી વૃદ્ધિ દર્શાવતું હતું. આ આંકડામાં રિઅલ્ટી ક્ષેત્રે થયેલા રોકાણનો સમાવેશ થતો નથી.
જો કેલેન્ડર 2018થી 2020ની વાત કરીએ તો ત્રણ વર્ષો દરમિયાન પ્રાઈવેટ ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ્સ લગભગ સ્થિર જોવા મળ્યાં હતાં. એટલેકે કેલેન્ડર2 2018માં 36.4 અબજ ડોલરના પીઈ ઈન્વેસ્ટમેન્ટ સામે 2019માં 36.5 અબજ ડોલરનું રોકાણ જોવા મળ્યું હતું. જે 2020માં 3 અબજ ડોલરની વૃદ્ધિ સાથે 39.9 અબજ ડોલર પર પહોંચ્યું હતું. જોકે 2021માં તેમાં લગભગ 23 અબજ ડોલરની વૃદ્ધિ જોવા મળી હતી અને તેણે નવો વિક્રમ દર્શાવ્યો હતો. એકબાજુ વિદેશી રોકાણકારોએ લિસ્ટેડ સ્પેસમાં સેકન્ડરી માર્કેટમાં આઉટફ્લો દર્શાવ્યો હતો. જ્યારે બીજી બાજુ તેમણે સ્ટાર્ટ-અપ્સ સ્પેસમાં ઊંચી રોકાણ રૂચિ દર્શાવી હતી.
કેલેન્ડર 2021માં કુલ 1202 નાના-મોટા ડિલ્સ થયા હતાં. જેમાં પીઈ અને વીસીએ 63 અબજ ડોલર રોક્યાં હતાં. 2020માં તેમણે 913 ડીલ્સમા 39.9 અબજ ડોલરની રકમનું રોકાણ કર્યું હતું. 2021માં દેશમાં યુનિકોર્ન્સમાં નવા 44 સ્ટાર્ટ-અપ્સનો ઉમેરો થયો હતો. જે કોઈપણ કેલેન્ડર દરમિયાન સૌથી મોટો હતો. કુલ યુનિકોર્ન્સની સંખ્યા પણ 82 પર પહોંચી હતી. મોટાભાગના પીઈએ એક અબજ ડોલરથી વધુનું મૂલ્ય ધરાવતાં સ્ટાર્ટ-અપ્સને ફંડિંગ કર્યું હતું. ડિસેમ્બર ક્વાર્ટરમાં જ 15 નવા યુનિકોર્ન્સ બન્યાં હતાં. કુલ વીસી ઈન્વેસ્ટમેન્ટમાઁથી 23.4 અબજ ડોલરનું રોકાણ ટેક્નોલોજી કંપનીઓમાં થયું હતું. જેઓ યુનિકોર્ન્સની યાદીમાં પ્રભુત્વ ધરાવે છે. ચોથા ક્વાર્ટરમાં 25 ડિલ્સમાં 5 અબજ ડોલરનું રોકાણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કેલેન્ડર દરમિયાન આંઠ ઈન્વેસ્ટમેન્ટ્સ તો 1 અબજ ડોલરથી ઊંચું મૂલ્ય ધરાવતાં હતાં. જેમાં ફ્લિપકાર્ટના આઈપીઓ પૂર્વેના 3.6 અબજ ડોલરના ડીલનો સમાવેશ થાય છે. બીજા ક્રમે આવતાં ડિલમાં હેક્ઝાવેરમાં બેરિંગ પ્રાઈવેટ ઈક્વિટી એશિયાનો હિસ્સો કાર્લાઈલ ગ્રૂપે 3 અબજ ડોલરમાં ખરીદ્યો હતો. જ્યારે એમ્ફેસિસમાં બ્લેકસ્ટોને 75 ટકા હિસ્સો ખરીદવા 2.8 અબજ ડોલરનું બીડ કર્યું હતું.
વેન્ચર કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ પર નજર નાખીએ તો 2021માં તે 200 ટકા વધી 34.7 અબજ ડોલર પર પહોંચ્યું હતું. કુલ 1070 વીસી સોદાઓમાં તે પથરાયેલું હતું. 2020માં વીસી ડીલનું મૂલ્ય 11.4 અબજ ડોલર પર હતું. વીસી ક્ષેત્રે 10 કરોડ ડોલરથી વધુનું મૂલ્ય ધરાવતાં 97 મેગા ડીલ્સ જોવા મળ્યાં હતાં. જે હેઠળ કુલ 24 અબજ ડોલરનું રોકાણ આવ્યું હતું. આની સામે 2020માં આ સાઈઝના 28 સોદાઓ થયા હતા અને 5.5 અબજ ડોલરનું રોકાણ જોવા મળ્યું હતું. વીસી ક્ષેત્રે ઈ-કોમર્સ ફેવરિટ સેક્ટર રહ્યું હતું. તેણે કુલ 10.3 અબજ ડોલરનું રોકાણ મેળવ્યું હતું.
નાની અને મધ્યમ કદની બેંક્સે ડિસેમ્બર ક્વાર્ટરમાં 11-23 ટકા લોન ગ્રોથ દર્શાવ્યો
દેશની ચાર બેંકિંગ કંપનીઓએ ડિસેમ્બર ક્વાર્ટરમાં 10.7 ટકાથી લઈને 23 ટકા સુધીની રેંજમાં લોન ગ્રોથ દર્શાવ્યો છે. જેમાં એચડીએફસી બેંક જેવી અગ્રણી બેંક સાથે બેંક ઓફ મહારાષ્ટ્ર, બંધન બેંક અને આઈડીએફસી ફર્સ્ટ બેંકનો સમાવેશ થાય છે. આમાં દેશની સૌથી મોટી ખાનગી બેંક એચડીએફસીએ વાર્ષિક ધોરણે 16.4 ટકાનો ઊંચો વૃદ્ધિ દર દર્શાવ્યો છે. જ્યારે બંધન બેંકે 11 ટકાનો અને આઈડીએફસી ફર્સ્ટ બેંકે 10.70 ટકા ગ્રોથ નોંધાવ્યો છે. પીએસયૂ બેંક અને પ્રાઈવેટાઈઝેશન માટે નક્કી કરવામાં આવેલી બેંક ઓફ મહારાષ્ટ્રે 23.02 ટકાનો ઊંચો લોન ગ્રોથ રેટ નોંધાવ્યો છે. તેણે ત્રિમાસિક ધોરણે પણ 11.99 ટકાનો ઊંચો વૃદ્ધિ દર દર્શાવ્યો છે. ત્રિમાસિક ધોરણે બંધન બેંકે 9 ટકાનો ઊંચો ક્રેડિટ ગ્રોથ દર્શાવ્યો છે. જ્યારે એચડીએફસી બેંકે 5.1 ટકા અને આઈડીએફસી ફર્સ્ટ બેંકે 4.27 ટકાનો ક્રેડિટ ગ્રોથ દર્શાવ્યો છે.
ઈથેનોલ વપરાશમાં ભારત 2026માં ચીનને પાછળ રાખી દેશે
ભારત 2026 સુધીમાં ચીનને ઈથેનોલના વપરાશમાં પાછળ રાખી દેશે એમ ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી(આઈઈએ) જણાવે છે. હાલમાં ચીન વિશ્વમાં ત્રીજા ક્રમનો ઈથેનોલ વપરાશકાર છે. જોકે ભારતમાં ઈથેનોલનો વપરાશ ખૂબ ઝડપથી વધી રહ્યો છે અને તેને જોતાં આગામી ચાર વર્ષોમાં તે ચીનથી આગળ નીકળી જશે. છેલ્લાં ત્રણ વર્ષોમાં ભારતમાં ઈથેનોલનો વપરાશ ત્રણ ગણો થયો છે. 2021માં દેશમાં 3 કરોડ લિટર્સ ઈથેનોલ વપરાશ રહ્યો હોવાની અપેક્ષા છે. જાન્યુઆરી 2021માં ભારતે અગાઉ 2030માં પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલના ટાર્ગેટને આગળ કરીને 2025માં હાંસલ કરવાનો નિર્ધાર કર્યો હતો. જ્યારે 2023 સુધીમાં 20 ટકા બ્લેન્ડ્સના વેચાણનો ધ્યેય રાખ્યો હતો. આઈએએના જણાવ્યા મુજબ દેશ ક્રૂડની આયાત ઘટાડવાના ભાગરૂપે ઈથેનોલને સપોર્ટ કરી રહ્યો છે. સાથે તેના કારણે વાયૂ પ્રદૂષણમાં ઘટાડો થાય છે અને સ્થાનિક સ્તરે રોજગારી સર્જન પણ થાય છે. 2020-21માં ભારતે રૂ. 1.09 લાખ કરોડની પેટ્રોલિયમ પેદાશોની આયાત કરી હતી.
ઓપેકના ક્રૂડ ઉત્પાદન વૃદ્ધિના નિર્ણય છતાં ક્રૂડમાં ફ્લેટ ટ્રેડ
ક્રૂડના અગ્રણી ઉત્પાદક દેશોએ મંગળવારે ઉત્પાદનમાં વૃદ્ધિ માટેનો નિર્ણય લીધો હોવા છતાં ક્રૂડના ભાવમાં ખાસ ફેરફાર જોવા મળ્યો નહોતો. બ્રેન્ટ ક્રૂડ વાયદો 79.9 ડોલર પ્રતિ બેરલ આસપાસ ફ્લેટ ટ્રેડ દર્શાવી રહ્યો હતો. ઓપેક અને અન્ય દેશોએ પ્રતિ દિવસ 4 લાખ બેરલ ઉત્પાદન વૃદ્ધિનો નિર્ણય લીધો હતો. 23-સભ્યોના ઓપેક જૂથ ઉપરાંત રશિયાએ પણ આમાં સહમતિ દર્શાવી હતી.
MF ઉદ્યોગની એસેટ્સ 30 ટકા ઉછળી રૂ. 36.17 લાખ કરોડ પર પહોંચી
એસેટ્સના ફાઈનાન્સિયલાઈઝેશનને કારણે એમએફ ઉદ્યોગને મોટા લાભ મળ્યો
ઈક્વિટી માર્કેટ્સના મજબૂત દેખાવ અને ઈક્વિટી મ્યુચ્યુલ ફંડ્સમાં નવા નાણાના પ્રવેશને કારણે દેશમાં મ્યુચ્યુલ ફંડ(એમએફ) ઉદ્યોગનું કદ તીવ્ર વૃદ્ધિ દર્શાવી રહ્યું છે. ડિસેમ્બર 2021ના રોજ પૂરા થતાં ક્વાર્ટરના અંતે મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગની કુલ એસેટ રૂ. 36.17 લાખ કરોડ પર જોવા મળી હતી. જે વાર્ષિક ધોરણે 30 ટકા વૃદ્ધિ દર્શાવતી હતી.
દેશમાં અગ્રણી એસેટ મેનેજમેન્ટ કંપનીઓમાં એસબીઆઈ મ્યુચ્યુલ ફંડે તેનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતું. કંપની ઓક્ટોબર-ડિસેમ્બર 2021 ક્વાર્ટરમાં રૂ. 6.25 લાખ કરોડનું એયૂએમ દર્શાવતી હતી. જે વર્ષ અગાઉના રૂ. 4.56 લાખ કરોડના એયૂએમની સરખામણીમાં 37 ટકા વૃદ્ધિ સૂચવે છે. એસેટ મેનેજર તરીકે બીજા અને ત્રીજા ક્રમે અનુક્રમે આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ એમએફ અને એચડીએફસી એમએફનો નંબર આવે છે. બંને એએમસી અનુક્રમે રૂ. 4.67 લાખ કરોડ અને રૂ. 4.47 લાખ કરોડના એયૂએમ ધરાવતી હતી. કેટલાંક ટોચના એસેટ મેનેજર્સ જેવાકે એક્સિસ એમએફ, નિપ્પોન ઈન્ડિયા એમએફ અને કોટક મહિન્દ્રા એમએફના એસેટ અન્ડર મેનેજમેન્ટમાં વર્ષ દરમિયાન 32-43 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી.
એમ્ફીના ડેટા મુજબ ફંડ ઉદ્યોગે છેલ્લાં વર્ષમાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી હતી. છેલ્લાં કેટલાંક વર્ષોમાં એસેટ્સના ફાઈનાન્સિયલાઈઝેશનને કારણે દેશના મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગને જબરદસ્ત લાભ મળ્યો છે. અગાઉ 2016માં ડિમોનેટાઈઝેશન બાદ ફંડ ઉદ્યોગમાં મોટાપાયે રોકાણ પ્રવેશ્યું હતું. જ્યારે કોવિડ બાદ 2021માં પણ રિટેલ સહિતના વર્ગ તરફથી વિક્રમી ફંડ ફ્લો જોવા મળ્યો હતો. કેલેન્ડરના પ્રથમ 11 મહિના દરમિયાન સિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટ્સ મારફતે રૂ. એક લાખ કરોડથી વધુનો ફ્લો પ્રવેશ્યો હતો. જ્યારે એ સિવાય અન્ય રૂ. 71600 કરોડનો ફંડ ફ્લો જોવા મળ્યો હતો. ડેમોગ્રાફિક ફેરફારને કારણે ફંડ હાઉસિસે મોટી સંખ્યામાં નવા રોકાણકારોનો ઉમેરો કર્યો હતો. નીચો બેઝ ધરાવતાં કેટલાંક ફંડ હાઉસિસે તેમના એયૂએમમાં તીવ્ર વૃદ્ધિ દર્સાવી હતી. જેમાં એડલવેઈસ એમએફ અને કેનેરા રોબેકો એમએફનો સમાવેશ થતો હતો. કેલેન્ડરના આખરી ત્રણ મહિનાઓ દરમિયાન સિપ્સ મારફતે રોકાણ રૂ. 10 હજાર કરોડથી વધારે જોવા મળ્યું હતું. જેમાં નવેમ્બરમાં રૂ. 11 હજાર કરોડથી વધુનો વિક્રમી સિપ ઈન્ફ્લો નોંધાયો હતો.
દેશની ટોચની પાંચ એએમસી કંપનીઓનો દેખાવ
એએમસી ઓક્ટોબર-ડિસેમ્બર 2020 ઓક્ટો-ડિસેમ્બર 2021 વૃદ્ધિ(ટકામાં)
એસબીઆઈ મ્યુચ્યુલ ફંડ 4.56 6.28 37
ICICI પ્રૂડે. એમએફ 3.80 4.67 23
HDFC એમએફ 3.89 4.47 15
આદિત્ય બિરલા સનલાઈફ 2.55 2.99 17
કોટક મહિન્દ્રા એમએફ 2.16 2.85 32
(એયૂએમ રૂ. લાખ કરોડમાં)
Market Summary 5 Jan 2022
January 05, 2022