બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
ઓમિક્રોનના ગભરાટ પાછળ શેરબજારો ધ્વસ્તઃ સેન્સેક્સમાં 1190 પોઈન્ટ્સનો ઘટાડો
સેન્સેક્સ ઈન્ટ્રા-ડે 2079 પોઈન્ટ્સનો ઘટાડો દર્શાવી રિકવર થયો
માત્ર બે ટ્રેડિંગ સત્રોમાં રોકાણકારોના રૂ. 11.45 લાખ કરોડનું ધોવાણ થયું
નિફ્ટીના માત્ર ત્રણ કાઉન્ટર્સ પોઝીટીવ બંધ રહ્યાં, સેન્સેક્સમાં બે જ કાઉન્ટર્સમાં સુધારો
વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 16 ટકાથી વધુ ઉછળી 18.96ના સ્તર પર જોવા મળ્યો
એશિયન બજારોમાં જાપાન, કોરિયા, હોંગ કોંગ સહિતના બજારો 1-2 ટકા તૂટ્યાં
બીએસઈ ખાતે 2699 કાઉન્ટર્સમાં સુધારા સામે માત્ર 746 કાઉન્ટર્સે પોઝીટીવ બંધ આપ્યું
લગભગ પોણા બે વર્ષ બાદ કોવિડે ફરીવાર શેરબજારોને ડગાવ્યાં છે. ઓમિક્રોનને લઈને યુરોપના દેશોમાં વધતાં કેસિસ વચ્ચે નવેસરથી ટ્રાવેલ નિયંત્રણો વચ્ચે સોમવારે બજારમાં મંદી આગળ લંબાઈ હતી અને મોટા કડાકો બોલાઈ ગયો હતો. બીએસઈ સેન્સેક્સ 1190 પોઈન્ટ્સના ઘટાડે 55822 પર જ્યારે એનએસઈનો નિફ્ટી 371 પોઈન્ટ્સના ઘટાડે 16614ની સપાટી પર બંધ રહ્યાં હતાં. માર્કેટમાં રોકાણકારોની વેલ્થમાં વધુ રૂ. 6.8 લાખ કરોડના ધોવાણ સાથે છેલ્લાં બે ટ્રેડિંગ સત્રોમાં કુલ રૂ. 11.45 લાખ કરોડનું બાષ્પીભવન થઈ ગયું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 16 ટકાથી વધુ ઉછળી 18.96ના સ્તર પર બંધ રહ્યો હતો.
સોમવારે નવા સપ્તાહની શરૂઆત એક ટકાથી વધુના ગેપ-ડાઉન ઓપનીંગ સાથે થઈ હતી. એશિયન બજારોમાં એક ટકા આસપાસના ઘટાડાને કારણે સ્થાનિક બજાર નરમ ખૂલશે તે નક્કી હતું. જોકે નરમ ઓપનીંગ બાદ માર્કેટ એક દિશામાં ગતિ કરતું રહી નવા તળિયા શોધતું રહ્યું હતું. જોત-જોતામાં સેન્સેક્સ 2079 પોઈન્ટ્સના ઘટાડા સાથે 55133ના ઈન્ટ્રા-ડે તળિયા પર ટ્રેડ થયો હતો. જ્યાંથી રિકવરી જોવા મળી હતી અને તળિયાથી 700 પોઈન્ટ્સના સુધારે બંધ રહ્યો હતો. નિફ્ટી પણ દિવસ દરમિયાન 16410.20નું તળિયું બનાવી ત્યાંથી 200 પોઈન્ટ્સની રિકવરી સાથે બંધ રહ્યો હતો. જોકે 18616ના બંધ ભાવે બેન્ચમાર્ક નિફ્ટી તેની ઓક્ટોબર મહિનાની 18606ની સપાટી સામે બે મહિનામાં 10.7 ટકાનો ઘટાડો સૂચવતો હતો.
માર્કેટમાં બ્રોડ બેઝ વેચવાલી જોવા મળી હતી અને તે રીતે સોમવાર કેલેન્ડર 2021નો સૌથી ગોઝારો દિવસ પુરવાર થયો હતો. ચાલુ વર્ષે માર્કેટમાં પેનિક જોવા મળ્યું હોય તેવા ઘટાડા ઓછા રહ્યાં હતાં. બજારમાં મોટેભાગે શોર્ટ સેલર્સે તેમની પોઝીશન કવર કરવા ભાગવું પડ્યું હોય તેવું બન્યું હતું. જોકે સોમવારે અનેક ડિલિવરી ટ્રેડર્સે પેનિકમાં તેમની પોઝીશન છોડવી પડી હતી. જેને કારણે માર્કેટ-બ્રેડ્થ ખૂબ નેગેટિવ જળવાય હતી. નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી માત્ર ત્રણ કાઉન્ટર્સ-સિપ્લા, એચયૂએલ, ડો. રેડ્ડીઝ લેબો- પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જ્યારે ઘટીને બંધ આવેલા 47 કાઉન્ટર્સમાંથી 40 એકથી સાત ટકા સુધીનો ઘટાડો સૂચવતાં હતાં. બ્રોડ માર્કેટની વાત કરીએ તો બીએસઈ ખાતે 3566 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2699 નેગેટિવ બંધ રહ્યાં હતાં. જ્યારે માત્ર 746માં સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ 4.04 ટકા જ્યારે મીડ-કેપ ઈન્ડેક્સ 3.7 ટકાનો ઘટાડો સૂચવતાં હતાં. એનએસઈ ખાતે મોટાભાગના સેક્ટરલ સૂચકાંકો 2-4 ટકાનો ઘટાડો સૂચવતાં હતાં. જેમાં નિફ્ટી પીએસયૂ બેંક 4.5 ટકા, નિફ્ટી મેટલ 3.8 ટકા, નિફ્ટી મિડિયા 3.9 ટકા, નિફ્ટી એનર્જી 3 ટકા, નિફ્ટી ઈન્ફ્રા. 2.8 ટકા, નિફઅટી રિઅલ્ટી 4.9 ટકાનો તીવ્ર ઘટાડો દર્શાવી રહ્યાં હતાં.
યુરોપમાં લોકડાઉનને કારણે ચિંતા
ઓમિક્રોનના કેસિસમાં વૃદ્ધિને કારણે યુરોપિય દેશોમાં લોકડાઉનની શક્યતાં વધી રહી છે. એકબાજુ જર્મની અને ઓસ્ટ્રીયા તાજેતરના કોવિડ વેવમાંથી રિકવર થઈ રહ્યાં છે ત્યારે નેધરલેન્ડે ક્રિસમસના તહેવારો અગાઉ જ લોકડાઉન લાગુ પાડ્યું છે. યૂકે ખાતે પણ કેસિસ વધી રહ્યાં છે અને તેથી ત્યાં પણ નિયંત્રણોની લાગુ પાડવામાં આવ્યાં છે. જે આર્થિક રિકવરી પર ગંભીર અસર કરી શકે છે.
FIIનું અવિરત વેચાણ
વિદેશી સંસ્થાકિય રોકાણકારો ભારતીય બજારમાં અવિરત વેચવાલી કરી રહ્યાં છે. ડિસેમ્બરમાં અત્યાર સુધીમાં તેમણે કેશ સેગમેન્ટમાં રૂ. 26 હજાર કરોડનું ચોખ્ખું વેચાણ દર્શાવ્યું છે. જે ચાલુ વર્ષે કોઈપણ મહિનામાં તેમના તરફથી સૌથી મોટી વેચવાલી છે. ગયા શુક્રવારે તેમણે રૂ. 2100 કરોડનું વેચાણ કર્યું હતું. ફેડની રેટ વૃદ્ધિ અગાઉ જ તેઓ વેચવાલ બન્યાં છે.
માર્કેટમાં ખરીદારો માટે સારી તક
એનાલિસ્ટ્સ માને છે કે બજાર તેની ટોચથી 11 ટકા જેટલું ગગડી ચૂક્યું છે. જ્યારે મીડ અને સ્મોલ-કેપ્સમાં 30-40 ટકાનો ઘટાડો આવી ચૂક્યો છે. ઘણી નેગેટિવ બાબતો ડિસ્કાઉન્ટ થઈ ચૂકી છે. આગામી સત્રોમાં માર્કેટ કોન્સોલિડેશન દર્શાવી શકે છે. એકવાર સ્થિરતા મેળવી તે સુધારાતરફી બની શકે છે. સ્માર્ટ ઈન્વેસ્ટર્સ માટે એક્યૂમ્યૂલેશનની સારી તક ઊભી થઈ છે.
રિટેલ ટ્રેડર્સમાં લાંબા સમય બાદ પેનિક સેલીંગ જોવાયું
બ્રોકરેજિસના જણાવ્યા મુજબ નાના રોકાણકારોએ ગભરાટમાં તેમના લેણ ફૂંક્યાં
એનએસઈ-500 જૂથમાં 466 કાઉન્ટર્સ નરમાઈ સાથે બંધ જોવા મળ્યાં
નવા સપ્તાહનો પ્રથમ દિવસ શેરબજાર રોકાણકારો માટે ભારે સાબિત થયો હતો. ચાલુ કેલેન્ડરની વાત કરીએ તો રિટેલ ટ્રેડર્સમાં પ્રથમવાર પેનિક સેલીંગ જોવા મળ્યું હતું અને તેમણે જાતે-જાતમાં તેમની પોઝીશન હળવી કરી હતી એમ વર્તુળો જણાવતાં હતાં. જેને કારણે માર્કેટ-બ્રેડ્થ ખૂબ નેગેટિવ જોવા મળવા સાથે માર્કેટ-કેપિટલાઈઝેશમાં પણ મોટો ઘટાડો નોંધાયો હતો.
એનએસઈ-500 જૂથના શેર્સનો સોમવારનો દેખાવ જોઈએ તો 500માંથી 466 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર 34 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. આમ 90 ટકાથી વધુ કાઉન્ટર્સ નરમ જળવાયાં હતાં. બ્રોકરેજિસના મતે ગયા શુક્રવારે બજારમાં નોંધપાત્ર ઘટાડા બાદ સતત બીજા દિવસે બજારમાં મોટો ઘટાડાને કારણે રિટેલ ટ્રેડર્સમાં ગભરાટ જોવા મળ્યો હતો. ખાસ કરીને શોર્ટ ટર્મ પોઝીશન લેનારા ટ્રેડર્સે નુકસાની વધે નહિ તે માટે સવારથી જ તેમની પાસે પડેલી ડિલિવરી વેચવાનું શરૂ કર્યું હતું અને જે ભાવમાં માલ ખપે તે ભાવમાં તેમણે ડિલિવરી ઉતારી હતી. જેને કારણે સ્મોલ-કેપ કાઉન્ટર્સના ભાવમાં ઊંચો ઘટાડો જોવા મળ્યો હતો. અલબત્ત, બજારો ઓવરસોલ્ડ બન્યા હોવાથી આગામી સત્રોમાં ઘટાડો અટકી શકે છે એમ પણ જાણકારો જણાવે છે. મીડ અને સ્મોલ-કેપ્સમાં ઘણુ ખરું પેઈન ઓછું થઈ ચૂક્યું હોવાનું તેમનું માનવું છે.
એનએસઈ-500 જૂથમાં સ્પંદના સ્ફૂર્તિનો શેર વધુ 11 ટકા ગગડી રૂ. 413.15ના સ્તરે બંધ રહ્યો હતો. રિઅલ્ટી કંપની લોધા ડેવલપરનો શેર પણ 10 ટકા જેટલો ઘટાડો દર્શાવતો હતો. જ્યારે ખાનગી ક્ષેત્ર બેંક એયૂ બેંકનો શેર 10 ટકા તૂટી રૂ. 1000ના સ્તરે બંધ રહ્યો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે તે રૂ. 1000ની નીચે ઉતરી ગયો હતો. પીએસયૂ કંપની ઓઈલ ઈન્ડિયા, વેરોક, એચએફસીએલ સહિતના શેર્સમાં ઊંચી વેચવાલી જોવા મળી હતી. જેને કારણે ઘણી ખરી કંપનીઓના ભાવ તેમની વાર્ષિક ટોચથી 50 ટકા કરતાં વધુ નીચે જોવા મળી રહ્યાં હતાં. નાની બેંકિંગ કંપનીઓમાં પણ નોંધપાત્ર મૂડી ધોવાણ જોવા મળ્યું હતું. જેમાં બંધન બેંક, આરબીએલ બેંક મુખ્ય હતાં. જૂથના 500માંથી 300 કાઉન્ટર્સ 4-8 ટકાની રેંજમાં ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. માત્ર કેટલાંક ફાર્મા અને એફએમસીજી કાઉન્ટર્સમાં વેચવાલીનો અભાવ જોવા મળતો હતો અને તેઓ સુધારા સાથે ટ્રેડ થયાં હતાં.
એનએસઈ-500 જૂથનો દેખાવ
સ્ક્રિપ્સ અગાઉનો બંધ(રૂ.) બજારભાવ(રૂ.) ઘટાડો(ટકામાં)
સ્પંદના સ્ફૂર્તિ 462.55 413.15 -10.68
લોધા ડેવલપર 1184.15 1067.1 -9.88
AU બેંક 1109 1000 -9.83
ઓઈલ ઈન્ડિયા 190 171.4 -9.79
વેરોક 330.75 299.3 -9.51
HFCL 80.15 73.4 -8.42
નેટવર્ક18 90.8 83.2 -8.37
CSB બેંક 256.6 235.9 -8.07
ડેલ્ટા કોર્પ 276.4 254.15 -8.05
LTTS 5458.15 5031 -7.83
ફર્સ્ટસોર્સ 167 153.95 -7.81
બંધન બેંક 267.05 247.15 -7.45
વૈશ્વિક ક્રૂડના ભાવમાં 3 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો
ઓમિક્રોનને લઈને જોવા મળી રહેલી ચિંતા પાછળ વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં ફરી વેચવાલી નીકળી છે. ગયા સપ્તાહે 75 ડોલરને સ્પર્શ કરનાર બ્રેન્ટ ક્રૂડ વાયદો સોમવારે 3.4 ટકાથી વધુ ઘટાડો દર્શાવવા સાથે 71 ડોલર પર ટ્રેડ દર્શાવતું હતું. એમસીએક્સ ખાતે જાન્યુઆરી ક્રૂડ 3.93 ટકા ઘટાડે રૂ. 5186ના સ્તરે ટ્રેડ થઈ રહ્યું હતું. યુરોપ અને યુએસમાં કોવિડના કેસિસમાં નવેસરથી જોવા મળી રહેલી વૃદ્ધિને કારણે કોમોડિટીઝના ભાવોમાં વેચવાલી જોવા મળી રહી છે. જેમાં બેઝ મેટલ્સ પણ નરમાઈ દર્શાવે છે. સોમવારે એલ્યુમિનિયમ, નિકલ, ઝીંક અને કોપર 1.5 ટકા સુધીનો ઘટાડો દર્શાવતાં હતાં. જ્યારે કિંમતી ધાતુઓમાં ગોલ્ડમાં અડધા ટકાનો જ્યારે ચાંદીમાં એક ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો હતો. એમસીએક્સ સિલ્વર ફ્યુચર 1.2 ટકા અથવા રૂ. 737ના ઘટાડે રૂ. 61400 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ગોલ્ડ વાયદો રૂ. 199ની નરમાઈ સાથે રૂ. 48395 પર ટ્રેડ થતો હતો.
કેન્દ્ર સરકારે સાત કૃષિ પાકોમાં ફ્યુચર્સ ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂક્યો
સેબીના આદેશ મુજબ બાસમતી સિવાયની ડાંગર, ઘઉં, ચણા, રાયડો, સોયાબિન અને તેના ડેરિવેટિવ્સ, ક્રૂડ પામ ઓઈલ અને મગમાં વાયદા ટ્રેડિંગ બંધ
ફુગાવાને અંકુશમાં રાખવા માટે સરકારે નિર્ણય લીધો હોવાનો નિષ્ણાતોનો મત
ચણા અને રાયડા પર તો અગાઉથી જ નવી પોઝીશન પર પ્રતિબંધ હતો
માર્કેટ રેગ્યુલેટર સેબીએ ઓચિંતા પગલામાં સાત મહત્વના કૃષિ પાકોમાં કોમોડિટી એક્સચેન્જ પર ચાલતાં ફ્યુચર્સ ટ્રેડિંગ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી. જેમાં નોન-બાસમતી ડાંગર, ઘઉં, ચણા, રાયડો અને તેના ડેરિવેટિવ્સ, સોયાબિન અને તેના ડેરિવેટિવ્સ, ક્રૂડ પામ ઓઈલ અને મગનો સમાવેશ થાય છે. આમાંથી ચણા ફ્યુચર્સમાં ઓગસ્ટ મહિનાથી જ્યારે રાયડા ફ્યુચર્સમાં ઓક્ટોબરથી નવી પોઝીશન લેવા પર સેબીએ પ્રતિબંધ મૂક્યો હતો.
કોમોડિટીઝ ટ્રેડર્સ સવારે ઉઠ્યાં ત્યારથી જ સેબીનો આ સર્ક્યુલર સોશ્યલ મિડિયા પર ફરતો થયો હતો અને સહુ કોઈને આશ્ચર્ય સાથે ખેદની લાગણી થઈ હતી. જે ટ્રેડર્સ પાસે ઉપરોક્ત કોમોડિટીઝમાં પોઝીશન ધરાવતાં હતાં તેમના મનમાં ઉચાટ ઊભો થયો હતો. અલબત્ત, બજારમાં ભાવ સપાટી પર આ નિર્ણયનો કોઈ આકરો પ્રતિભાવ જોવા મળ્યો નહોતો અને ઘણા ટ્રેડર્સે તેમની પોઝીશન સુલટાવી હતી. સેબીએ આગામી એક વર્ષ સુધી નવી જાહેરાત કરવામાં ના આવે ત્યાં સુધી આ તમામ કોમોડિટીઝમાં ફ્યુચર્સ ટ્રેડિંગ બંધ કર્યું હતું. આમાં સીપીઓ એકમાત્ર પ્રોડક્ટ એમસીએક્સ ખાતે ટ્રેડ થાય છે. જ્યારે અન્ય પેદાશોના વાયદાં એનસીડેક્સ પર જોવા મળતાં હતાં. સાત કૃષિ ઉપજોના વાયદાં બંધ થતા હવે એનસીડેક્સ ખાતે માત્ર નવ પ્રોડક્ટ્સ રહી છે. જેમાં એરંડા, ગવાર અને ગવાર ગમ, જીરું, ઘાણા તથા કેટલીક સ્પાઈસ પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. જો સરકાર આમાંથી પણ કોઈ પ્રોડક્ટ્સમાં વાયદા વેપાર બંધ કરશે તો છેલ્લાં 15-17 વર્ષોમાં દેશમાં ઊભી થયેલી કોમોડિટી ફ્યુચર્સ ટ્રેડિંગ ઈકોનોમી સામે મોટો ખતરો ઊભા થશે એમ વર્તુળોનું માનવું છે.
તેઓ ઉમેરે છે કે સરકારે ફુગાવાને અંકુશમાં રાખવા માટે આ પગલું ભર્યું છે એવું જણાય છે. જોકે અગાઉ પણ આ પ્રકારના પગલાઓથી ક્યારેય ભાવોને વધતાં કે ઘટતાં અટકાવી શકાયાં નથી. આમાં કેટલીક પ્રોડક્ટ જેવીકે સીપીઓની પ્રાઈસ ડિસ્કવરી વૈશ્વિક બજારમાં થાય છે અને તેથી સ્થાનિક સ્તરે વાયદા ટ્રેડિંગને બંધ કરવાથી કોઈ ફાયદો થાય નહિ. જ્યારે ઘઉં જેવી પ્રોડક્ટમાં તો એમએસપી મિકેનિઝમ મજબૂત રીતે કામ કરે છે અને તેથી ફિઝિકલ અને વાયદા વેપાર વચ્ચે કોઈ સબસંબંધ જોવા મળતો નથી.
સરકારના નિર્ણયે હેજર્સ, બદલાં ટ્રેડર્સ, વેરહાઉસર્સને નિરાશ કર્યાં
ઘઉં, ચોખા જેવી કોમોડિટીઝ પ્રાઈસ સેન્સિટિવ નથી ત્યારે શા માટે વાયદા વેપાર બંધ કર્યો એ સવાલ
સરકારના નિર્ણયને કારણે મની રોટેશન, એગ્રી ઈન્ફ્રામાં કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ પર અસર પડશે
સેબીએ સરકારના કહેવાથી સાતેક કૃષિ કોમોડિટીઝના ફ્યુચર્સ ટ્રેડિંગ પર મૂકેલા પ્રતિબંધને લગભગ તમામ વર્ગો તરફથી અયોગ્ય અને કવેળાનો ગણાવાઈ રહ્યો છે. વિવિધ વર્ગોના મતે જો ફ્યુચર્સ ટ્રેડિંગને બંધ કરવાથી ફુગાવાને અંકુશમાં રાખી શકાતો હોત તો વિશ્વ સ્તરે બે સદીઓથી ચાલી રહેલાં કેટલાંક મેચ્યોર કોમેક્સિસ આજે અડીખમ ઊભા ના હોત.
અમદાવાદ સ્થિત અગ્રણી કોમોડિટી બ્રોકરેજ હાઉસના એનાલિસ્ટ જણાવે છે કે છેલ્લાં કેટલાંક સમયથી ફૂડ પ્રોડક્ટ બાસ્કેટમાં ખાદ્ય તેલોના ભાવને કારણે વૃદ્ધિ જોવા મળી છે. સરકારે છેલ્લાં મહિનાઓમાં ઘણીવાર ખાદ્ય તેલો પરની આયાત ડ્યુટીમાં ઘટાડો કર્યો છે પરંતુ ભારતમાં ડ્યુટીમાં ઘટાડો થાય એટલે વૈશ્વિક બજારમાં તેને સપ્રમાણમાં ભાવ વધી જતાં હોય છે આમ સરવાળે ગ્રાહકને લાભ નથી મળતો. સરકારે સીપીઓ કે સોયાબિન ડેરિવેટિવ્સ મૂકેલા પ્રતિબંધને કારણે આ જણસોના ભાવમાં ઘટાડો નથી થવાનો. કેમકે બંનેની પ્રાઈસ ડિસ્કવરીને વિદેશી માર્કેટ્સ સાથે સીધો સંબંધ છે. તેમજ ભારતે તેની ખાદ્ય તેલોની જરૂરિયાતનો 70 ટકા હિસ્સો આયાતથી પૂરો કરવાનો રહે છે. જો તેલિબિયાં સહિતની પ્રોડક્ટ્સના ભાવ ઘટી જશે તો સરકાર ખેડૂતોને ઊંચા ભાવ મળે તે દિશામાં પ્રયાસ કરવા પડે છે. જેમ હાલમાં ચૂંટણીના સમયે તેણે ગ્રાહકો માટે ભાવ અંકુશમાં રાખવા વાયદાઓ બંધ કર્યાં છે.
તેઓ ઉમેરે છે કે ચાર મહિના અગાઉ જ્યારે સોયાબિન રૂ. 10000ની સપાટી પર કરી ગયું હતું ત્યારે આ પ્રકારનું પગલું લીધું હોત તો તે યોગ્ય ગણી શકાયું હોત, પરંતુ હાલમાં તો સોયાબિનના ભાવ રૂ. 5500 આસપાસ આવી ગયા છે ત્યારે સરકારે આમ કરવાનો અર્થ નથી. આના કારણે ખેડૂતોને નુકસાન થઈ શકે છે. બીજી બાજુ ચાલુ રવિ સિઝનમાં રાયડાનું જંગી વાવેતર જોવા મળી રહ્યું છે. આમ નવી માર્કેટિંગ સિઝનમાં ખેડૂતોને ગયા વર્ષની જેમ ઊંચા ભાવ મળે તે માટે વાયદા બજારને સક્રિય રાખવામાં વાંધો નહોતો. ઘઉંમાં દેશમાં ફિઝિકલ પાક સામે ફ્યુચર્સ ટ્રેડિંગનું પ્રમાણ ખૂબ નીચું છે. મગમાં પણ કોઈ ખાસ કામ થતાં નથી. જ્યારે ચણા એક મેચ્યોર કોમોડિટી બની રહી છે. કેમકે છેલ્લાં બે વર્ષોમાં દેશમાં ચણાનું વાવેતર અને ઉત્પાદન બંને વધી રહ્યાં છે. જો મુક્ત બજારમાં ખેડૂતોને તેમની પેદાશના ઊંચા ભાવ નહિ મળે તો સરકારી એજન્સીઓએ જંગી નાણા ખર્ચીને ટેકાના ભાવે તેની ખરીદી કરવાની બનશે.
ફ્યુચર્સ ટ્રેડિંગ બંધ થવાથી આ પેદાશો આધારિત ઉદ્યોગ વર્ગને માટે હેજિંગની સુવિધા દૂર થશે. જ્યારે હાજર-વાયદા વચ્ચેના ગાળાને ખાવા માટે રિસ્ક કેપિટલ લગાવતાં બદલા ટ્રેડર્સના નાણા બજારમાં નહિ આવે. આમ મની રોટેશન પર અસર થશે. આ ઉપરાંત વેરહાઉસિસ જેવી ક્ષમતાનો ઉપયોગ પણ ઘટશે.
સરકારનો ખેડૂતો-ગ્રાહકો માટે બેલેન્સિંગ એક્ટ
કેટલાંક કૃષિ નિષ્ણાતોના મતે સરકારે કૃષિ વાયદાઓ પર પ્રતિબંધ મૂકી એક પ્રકારે ખેડૂતો અને વપરાશકારો વચ્ચે બેલેન્સિંગનો પ્રયાસ કર્યો છે. એવું માનવામાં આવે છે કે ફ્યુચર્સ વેપારને કારણે સારી પ્રાઈસ ડિસ્કવરી જોવા મળતી હોય છે. જોકે બજારમાં વધારાની લિક્વિડીટીને કારણે ઘણીવાર કોઈ નક્કર કારણો વિના કૃષિ કોમોડિટીઝના ભાવમાં તીવ્ર વધ-ઘટ જોવા મળતી હોય છે. દેશમાં અગ્રણી કોમેક્સ એનસીડેક્સ ખાતે અગાઉ ગુવાર, એરંડા, ચણા, હળદર, જીરું સહિતની કોમોડિટીઝમાં ટૂંકાગાળામાં તીવ્ર વૃદ્ધિ અને ત્યારબાદ ભાવમાં તીવ્ર કડાકો જોવા મળ્યો છે. સરકાર કદાચ ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ટાળવા માગે છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળવા સાથે ગ્રાહકોને વાજબીભાવે જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુ પ્રાપ્ય બને તેમ ઈચ્છે છે અને તેથી જ તેણે આ માર્ગ અપનાવ્યો છે.
નવેમ્બરમાં રિટેલ સેલ્સમાં કોવિડ અગાઉના સ્તર કરતાં 9 ટકા વૃદ્ધિ જોવા મળી
પશ્ચિમ ભારતમાં નવેમ્બર 2019ની સરખામણીમાં 11 ટકા વેચાણ વૃદ્ધિ નોંધાઈ
નવેમ્બર 2021માં દેશમાં રિટેલ વેચાણ કોવિડ અગાઉના સમયગાળાને પાર કરી ગયું હતું. ઓમિક્રોનને લઈને ગભરાટ વચ્ચે કોવિડ અગાઉના નવેમ્બર 2019માં રિટેલ વેચાણની સરખામણીમાં તે 9 ટકા વૃદ્ધિ દર્શાવતું હતું એમ ઈન્ડસ્ટ્રી બોડી રાઈએ જણાવ્યું હતું.
રિટેલ એસોસિએશન ઓફ ઈન્ડિયા(રાઈ)એ તેના રિટેલ બિઝનેસ સર્વેમાં જણાવ્યું છે કે નવેમ્બર 2020ની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં 16 ટકા વેચાણ વૃદ્ધિ નોંધાઈ છે. તેણે ઉમેર્યું છે કે દેશના તમામ ભાગોમાં પેન્ડેમિક અગાઉના વેચાણની સરખામણીમાં રિટેલ વેચાણમાં વૃદ્ધિ જોવા મળી છે. જેમાં પશ્ચિમ ભારતમાં 11 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. જ્યારે પૂર્વમાં 9 ટકા અને દક્ષિણ ભારતમાં પણ 9 ટકા વૃદ્ધિ જોવા મળી છે. જોકે ઉત્તર ભારતમાં બે વર્ષ અગાઉના સ્તર સામે 6 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. રાઈના ઉચ્ચ અધિકારીએ રિટેલ પર્ફોર્મન્સ અંગે જણાવ્યું હતું કે બિઝનેસમાં સુધારો જોવા મળ્યો રહ્યો છે અને તેમના મતે આ સ્થિતિ જળવાયેલી રહેશે. જોકે હજુ પણ ઓમિક્રોન અને થર્ડ વેવને લઈને ચિંતા છે. જેને કારણે લોકો સાવચેતી સાથે આશાવાદી જોવા મળી રહ્યાં છે.
જો વિવિધ કેટેગરીઝની વાત કરીએ તો ઓક્ટોબર દરમિયાન સારો દેખાવ નહિ દર્શાવી શકનાર કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ અને ઈલેક્ટ્રોનિક્સે નવેમ્બરમાં સારો દેખાવ કર્યો હતો. નવેમ્બર 2019ની સરખામણીમાં ચાલુ વર્ષે તેમણે 32 ટકા વેચાણ વૃદ્ધિ દર્શાવી હતી. દિવાળીના તહેવારોને કારણે પણ નવેમ્બરમાં વેચાણને લાભ મળ્યો હતો. સ્પોર્ટ્સ ગુડ્ઝ કેટેગરીએ પણ બે વર્ષ અગાઉના સમાનગાળાની સરખામણીમાં 18 ટકાની વૃદ્ધિ દર્શાવી હતી. જ્યારે એપરલ્સમાં 6 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. આવશ્યક ચીજ-વસ્તુ કેટેગરીમાં ફૂડ અને ગ્રોસરીમાં તથા ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ્સમાં પણ વૃદ્ધિ જળવાય હતી. જ્યારે ફૂટવેર, બ્યૂટી, વેલનેસ અને પર્સનલ કેર તથા ફર્નિચરમાં રિકવરીની શરૂ થઈ છે એમ રાઈએ જણાવ્યું હતું.
Market Summary 20 Dec 2021
December 20, 2021