માર્કેટ ઓપનીંગ
વૈશ્વિક શેરબજારોમાં સાર્વત્રિક મંદી
ગયા સપ્તાહે જોવા મળેલો વેચવાલીનો દોર નવા સપ્તાહે પણ જળવાયો છે. એશિયન બજારો નોંધપાત્ર નરમાઈ સાથે ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જેમાં નિક્કાઈ 1.72 ટકા અને કોરિયા 1.4 ટકા સાથે સૌથી વધુ ઘટાડો સૂચવે છે. તાઈવાન, ચીન અને હોંગ કોંગ પણ એક ટકા આસપાસનો ઘટાડો દર્શાવી રહ્યાં છે. શુક્રવારે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 532.20 પોઈન્ટ્સના ઘટાડે 35365.44ના સ્તરે બંધ રહ્યો હતો. નાસ્ડેક પણ 11 પોઈન્ટ્સના સાધારણ ઘટાડા સાથે બંધ આવ્યો હતો. શુક્રવારે યુરોપ બજારોમાં જર્મની 1.8 ટકાના તીવ્ર ઘટાડે બંધ જોવા મળ્યું હતું. જ્યારે ફ્રાન્સ અને યૂકે પણ નરમાઈ દર્શાવતાં હતાં.
SGX નિફ્ટીનો ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 120 પોઈન્ટ્સ ઘટાડા સાથે 16899.50 પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ સ્થાનિક બજાર પણ નરમાઈ સાથે ટ્રેડની શરૂઆત કરશે તેવું જણાય છે. નિફ્ટીને 16800નું સ્તર સપોર્ટ છે. તેણે 29 ઓક્ટોબરે આ સ્તર આસપાસ ટ્રેડ દર્શાવ્યો હતો. આ સ્તર તૂટશે તો નિફ્ટી 16650ના સ્તરે સપોર્ટ મેળવી શકે છે. જે 34-સપ્તાહની મુવીંગ એવરેજ છે. જેની નીચે 16250નો 200-ડીએમઓનો સપોર્ટ રહેલો છે. ઉપરમાં 17240નું સ્તર પાર થાય તો 17500 સુધીનો સુધારો દર્શાવી શકે છે.
ક્રૂડમાં નરમાઈ
વૈશ્વિક ક્રૂડના ભાવોમાં ઓમિક્રોનની અસરે ઘટાડો જોવા મળે છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 2.3 ટકા નરમાઈ સાથે 71.81 ડોલર પર ટ્રેડ કરી રહ્યો છે. 70 ડોલરની નીચેના સ્તરે ક્રૂડના ભાવ ઝડપી ઘટાડો દર્શાવી શકે છે. ગયા મહિને તેણે 66 ડોલરનું બોટમ દર્શાવ્યું હતું.
ગોલ્ડમાં અન્ડરટોન મજબૂત
વૈશ્વિક બજારમાં ગોલ્ડ 1800 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યું છે. જે સૂચવે છે કે પીળી ધાતુમાં અન્ડરટોન મજબૂત છે. ગયા સપ્તાહે ફેડના રેટ વૃદ્ધિના નિર્ણય બાદ સોનામાં સુધારો નોંધાયો હતો અને 1760 ડોલરના તળિયેથી સુધરીને તે 1800 ડોલરને પાર કરી ગયું હતું. કોવિડે લઈને જોવા મળી રહેલી વૈશ્વિક ચિંતા પાછળ પણ ગોલ્ડમાં લેવાલી જોવા મળી શકે છે.
મહત્વની હેડલાઈન્સ
· સરકારે જણાવ્યું છે કે માર્ચ ક્વાર્ટરમાં એલઆઈસીનું ડિસઈન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે.
· ભારત સરકારે સુગરના લઘુત્તમ વેચાણ ભાવમાં વૃદ્ધિની શક્યતાં નકારી છે.
· દેશમાં શિયાળુ વાવેતરનો વિસ્તાર 2.4 ટકા વધી 5.58 કરોડ હેકટર પર પહોંચ્યો છે.
· આર્સેલરમિત્તલ નિપ્પોન ભારતમાં 13 અબજ ડોલરનો સ્ટીલ પ્લાન્ટ બનાવશે.
· જેટ એરના નવા માલિક વધુ ફંડ્સ રોકશે. 2022માં ઉડાનો શરૂ કરશે.
· ફોરેક્સ રિઝર્વ્સમાં 7.7 કરોડ ડોલરનો ઘટાડો
· સતત ત્રીજા સપ્તાહે દેશના ફોરેક્સ રિઝર્વ્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. આરબીઆઈના ડેટા મુજબ 10 ડિસેમ્બરે પૂરા થયેલા સપ્તાહ દરમિયાન તે 635.828 અબજ ડોલર પર રહ્યું હતું. અગાઉના સપ્તાહે તેમાં 1.783 ડોલરનો ઘટાડો જોવા મળ્યો હતો અને તે 635.905 અબજ ડોલર પર જોવા મળ્યું હતું. રિઝર્વ્સમાં ઘટાડાનું મુખ્ય કારણ ફોરેક્સ કરન્સી એસેટ્સમાં નોંધાયેલો ઘટાડો છે. દેશના કુલ વિદેશી હૂંડિયામણમાં મોટો હિસ્સો એફસીએનો છે. આરબીઆઈ ડેટા મુજબ એફસીએમાં 32.1 કરોડ ડોલરનો ઘટાડો નોંધાયો હતો અને તે 572.86 અબજ ડોલર પર રહ્યો હતો. દેશની ગોલ્ડ એસેટ્સમાં સાધારણ વૃદ્ધિ જોવા મળી હતી.
· ભારતી એરટેલે રૂ. 15519 ચૂકવી સ્પેક્ટ્રમના દેણા ચૂકવી દીધાં
· દેશમાં બીજા ક્રમની ટેલિકોમ ઓપરેટર ભારતી એરટેલે 2014માં તેણે ખરીદેલા સ્પેક્ટ્રમ પેટે ચૂકવવાના થતાં કુલ રૂ. 15519નું એકસાથે ચૂકવણું કરી દીધું છે. તેણે 2014માં રૂ. 19051 કરોડમાં 128.4 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમની ખરીદી કરી હતી. એક સાથે નાણા ચૂકવવાને કારણે કંપનીને ઈન્ટરેસ્ટ પેટે રૂ. 3400 કરોડની બચત થશે. જેમાં તેણે 2018માં ટેલિનોરની ખરીદી વખતે મેળવેલાં સ્પેક્ટ્રમનો સમાવેશ પણ થઈ જાય છે. શુક્રવારે સ્ટોક એક્સચેન્જને ફાઈલીંગમાં કંપનીએ જણાવ્યું હતું કે આ લાયેબિલિટીઝ નાણાકિય વર્ષ 2026-27થી નાણા વર્ષ 2031-32માં ચૂકવવાની થતી હતી. જેના પર 10 ટકા લેખે ઈન્ટરેસ્ટ પેમેન્ટ કરવાનું હતું. જોકે કંપનીને અગાઉથી પેમેન્ટ કરવામાં રૂ. 3400 કરોડનો લાભ થવાનું જણાતા તેણે આગોતરું રિપેમેન્ટ કર્યું છે. 2014 સ્પેક્ટ્રમ ઓક્શનનું પેમેન્ટ કર્યાં બાદ એરટેલે હવે અધિક રૂ. 74500 કરોડનું પેમેન્ટ કરવાનું રહે છે. જે તેણે 2012થી 2021 વચ્ચે વિવિધ ઓક્શન્સમાં કરેલી સ્પેક્ટ્રમ ખરીદી પેટે ચૂકવવાના રહે છે.
· OALP હેઠળ સરકારે 8 ઓઈલ એન્ડ ગેસ રાઉન્ડ ઓફર કર્યાં
· પેટ્રોલિયમ મંત્રાલયે ઓપન એકરેજ લાયસન્સિંગ પોલિસી(ઓએએલપી) હેઠળ આંઠ ઓઈલ એન્ડ ગેસ બ્લોક્સ ઓફર કર્યાં છે. ઓએએલપીના સાતમા બિડિંગમાં પાંચ રાજ્યોમાં ઓફર કરવામાં આવેલા આ બ્લોક્સ 15,766 ચોરસ કિલોમીટર એરિયાને આવરે છે. નવી રાઉન્ડમાં બીડીંગ માટેની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી નિર્ધારિત કરવામાં આવી છે. સરકારે દેશમાં પેટ્રોલિયમ પેદાશોના ઉત્પાદનને ઊપર લઈ જવા માટે ઈન્ટરનેશનલ કોમ્પિટિટિવ બિડિંગ(આઈસીબી) મારફતે હાઈડ્રોકાર્બન એક્સપ્લોરેશન એન્ડ લાઈસન્સિંગ પોલિસી(હેલ્પ) હેઠળ આ આંઠ બ્લોક ઓફર કર્યાં છે એમ ડિરેક્ટોરેટ જનરલ ઓફ હાઈડ્રોકાર્બન્સે(ડીજીએચ)એ જણાવ્યું છે. તેણે ઉમેર્યું હતું કે આ કંપનીઓને એક્સપ્લોરેશન, ડેવલપમેન્ટ અને મોનેટાઈઝેશન માટે બિંડીંગ પ્રક્રિયામાં ભાગ લેવા જણાવાયું છે.
Market Opening 20 Dec 2021
December 20, 2021