માર્કેટ ઓપનીંગ
યુએસ ખાતે સતત બીજા દિવસે નરમાઈ, એશિયામાં મિશ્રા માહોલ
યુએસ બજારોએ સતત બીજા દિવસે ઘટાડો દર્શાવ્યો હતો. જેમાં ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 462 પોઈન્ટ્સ ગગડી 34022 પર બંધ રહ્યો હતો. જ્યારે નાસ્ડેક 284 પોઈન્ટ્સની નરમાઈ સાથે 15254ની સપાટીએ બંધ રહ્યો હતો. એશિયન બજારોની વાત કરીએ તો જાપાન, સિંગાપુર અને ચીનના બજારો રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યાં છે. જ્યારે હોંગ કોંગ, તાઈવાન અને કોરિયાના બજારો પોઝીટીવ જોવા મળી રહ્યાં છે. આમ બજારોની ચાલ વ્યક્તિગત બની રહી છે.
SGX નિફ્ટીનો ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 65 પોઈન્ટ્સ નરમાઈ સાથે 17180ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર કામગીરીની શરુઆત સાધારણ નરમાઈ સાથે કરી શકે છે. નિફ્ટી બુધવારે 17200ના સ્તર પર ટકવામાં નિષ્ફળ રહ્યો હતો. આમ આ સ્તર તેના માટે એક મહત્વનો અવરોધ બની રહ્યો છે. જ્યારે નીચે 16800નો સપોર્ટ છે. છેલ્લાં ચાર સત્રોથી નિફ્ટી આ રેંજમાં ટ્રેડ થઈ રહ્યો છે. કોઈપણ એક બાજુનો બ્રેકઆઉટ બેન્ચમાર્કને તે દિશામાં ઝડપથી આગળ લઈ જઈ શકે છે.
ક્રૂડમાં અન્ડરટોન નરમ
વૈશ્વિક બજારમાં ક્રૂડ તેના ત્રણ મહિનાથી વધુના તળિયા પર ટ્રેડ દર્શાવી રહ્યું છે. બ્રેન્ટ ક્રૂડ 70 ડોલર નીચે 69.41 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. બે સત્રોથી તે આ સપાટી આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. કોવિડના નવા વેરિયન્ટ પાછળ નિયંત્રણોને કારણે ક્રૂડમાં સેન્ટિમેન્ટ ખરડાયું છે. જોકે તે 65 ડોલરનો મજબૂત સપોર્ટ ધરાવે છે અને તેની નીચે જવાની શક્યતાં ઓછી છે.
ગોલ્ડમાં નરમાઈ
વૈશ્વિક ગોલ્ડના ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે. કોમેક્સ ફેબ્રુઆરી વાયદો 2 ડોલરની નરમાઈ સાથે 1782.15ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. ગોલ્ડમાં છેલ્લાં મહિનાઓમાં સુધારા ટકી શક્યાં નથી. ફેડ ટેપરિંગ અને રેટ વૃદ્ધની શક્યતાં પાછળ તે 1800 ડોલર પર જઈને પરત ફરી જાય છે. ગોલ્ડને ઊંચા સ્તરે ટકી રહેવા માટે સોલીડ કારણની જરૂર છે.
મહત્વની જરૂરિયાત
· ટાટાની નેલ્કો અને ટેલિસેટે સ્પેક્ટ્રમના ટ્રાયલ માટે ડોટમાં અરજી કરી છે.
· ગ્લોબસ સ્પિરિટ્સે તેના પશ્ચિમ બંગાળ, બિહાર અને હરિયાણા સ્થિત પ્લાન્ટસ ખાતેથી 9.68 કરોડ લિટર ઈથેનોલ સપ્લાય કર્યો છે.
· નાયકા તેના ઓફલાઈન સ્ટોર્સની સંખ્યા ત્રણ ગણી વધારી 300 કરશે.
· રેમન્ડે તેના એન્જિનીયરીંગ અને ઓટો પાર્ટ્સ બિઝનેસ જેકે ફાઈન્સ એન્ડ એન્જિનીયરીંગને રૂ. 800 કરોડના આઈપીઓ મારફતે લિસ્ટીંગ કરાવવાની મંજૂરી આપી છે.
· ઈન્ફોસિસે બેલ્જીયમની અગ્રણી ડિજિટલ સર્વિસિસ અને કોમ્યુનિકેશન્સ સોલ્યુશન પ્રોવાઈડર પ્રોક્સિમસ સાથે તેના વ્યૂહાત્મક જોડાણને લંબાવવાની જાહેરાત કરી છે.
· મહિન્દ્રા લોજિસ્ટીક્સ અને લોગોસે 14 લાખ ચોરસ ફીટ વેરહાઉસ સુવિધા માટે લોંગ-ટર્મ લીઝ એગ્રીમેન્ટની જાહેરાત કરી છે.
· ટાટા પાવરે રૂ. 945 કરોડનો સોલાર અને બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ મેળવ્યો છે.
· ભારતી એરટેલ ડિશ ટીવી ઈન્ડિયામાં બહુમતી હિસ્સો મેળવવા માટે શરૂઆતી વાતચીતના દોરમાં હોવાનું જાણવા મળે છે.
· એસ ચાંદ આઈન્યૂરોન ઈન્ટેલિજન્સ પ્રાઈવેટ લિમિટેડમાં લઘુમતી હિસ્સો ખરીદવા માટે સહમત થઈ છે.
· જેએમસી પ્રોજેક્ટ્સે રૂ. 1795 કરોડના નવા ઓર્ડર્સ મેળવ્યાં છે.
· હીરો મોટોકોર્પે નવેમ્બરમાં 3,49,393 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. જે એક વર્ષ અગાઉ 5,91,091 યુનિટ્સ પર હતું.
· એનએમડીસીએ નવેમ્બરમાં 33.4 લાખ ટનનું ઉત્પાદન કર્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 33.2 લાખ ટન પર હતું. જોકે વાર્ષિક ધોરણે વેચાણમાં 13 ટકા ઘટાડો નોઁધાયો હતો.
Market opening 2 Dec 2021
December 02, 2021